પૂણેની ૨. ચૂ. મહેતા હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી વખતે કેટકેટલાંય વિદ્યાર્થી ભાઇ-બહેનોને ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારિતાની ભેટ આપનારા સ્વ. લાલજી મૂળજી ગોહિલ ચિંતનશીલ વિદ્વાન હોવા ઉપરાંત સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમના પુસ્તક ‘ચિંતન-પુષ્યો અને પરિમલ’ની સમીક્ષા સપ્ટેમ્બર ’૯૬ના અંકમાં પ્રકાશિત થઇ હતી તેના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

એક વાક્યમાં જીવનને વર્ણવવાનું કોઈ કહે તો હું કહું કે ‘જીવન એ સ્મિત અને અશ્રુ વચ્ચેનો હીંચકો છે.’ કોઈ પ્રાણીને નહિ પણ માત્ર મનુષ્યને જ કુદરતે સ્મિત કે હાસ્યની પ્રફુલ્લતા, અને અશ્રુ કે રુદનની આર્દ્રતા આપી છે. સ્વસ્થતાના મનોગત ભાન વિના હાસ્ય નથી અને અંતઃકરણની ઊર્મિગત સંવેદના વિના આંસુ નથી. ચેતનાના ઊંડા અનુભવ વિના નથી તમે હસી શકવાના કે નથી તમે આંસુ સારી શકવાના.

મને કોઈ પૂછે કે મનુષ્યનું સૌથી સુંદર ઘરેણું ક્યું? તો હું તરત કહેવાનો કે સ્મિત! અને સૌથી મીઠો ધ્વનિ? તો કહેવાનો કે હાસ્ય. મનુષ્યના ચહેરા પર કોઈ ઉજ્જવલતા શોભારૂપ હોય તો તે પ્રસન્નતા જ છે. તમારો હસમુખો ચહેરો જ તમારા વ્યક્તિત્વની રોશની છે. શ્રદ્ધા અને સમાધાન દ્વારા જ તમે પ્રસન્નતા પ્રાપ્ત કરી શકશો. ઉદાસીનતા અથવા નિરાશા એ અશ્રદ્ધા સૂચવે છે. વિશ્વમાં તમને અંધકાર કે દુઃખ દેખાય છે તે તો ઘડવૈયાની કારીગરી છે! તમારા ચેતનદીપને જલાવવા માટે જ તેણે અંધકાર સર્જ્યો છે.

જગતમાં જે ઉદાસીનતા તમને દેખાય છે, તે તમારા કિલકિલાટથી ઉડાવી દેવા માટે છે. જીવનનાં ઘેરાં ગંભીર પાણી તમારા હાસ્યતરંગોથી નાચવા માટે જ વાટ જોઈ રહ્યાં છે. નિર્બળતાઓ તમારા તરફ તાકી રહી છે તે તો તમે તેને હસી કાઢો એટલી જ વાર સુધી. સ્વસ્થતા, ચેતના અને માધુર્ય એટલે સ્મિત અને હાસ્ય. તમે હાસ્યને જીવનની ગર્જના જ સમજી લો, અને તેના પડઘા પાડી ઔદાસીન્યની નીરવતાને ભેદી નાખો.

વિનોદ એ જીવનનો કિલ્લોલ છે. પક્ષીની જેમ ઉડ્ડયન કરતાં નહિ આવડે તો એ વિનોદ ઉદ્ધતાઈ જેવો નીચી કક્ષાનો બની જશે. ગમે ત્યાં અને ગમે ત્યારે વિનોદ કરવા લાગશો તો તમે વિદુષક બની જશો. ઔચિત્ય એ વિનોદનું ઉત્તમ લક્ષણ છે. જો દુઃખ અને નિર્બળતાઓને હસી કાઢવાનું સામર્થ્ય તમારામાં નહિ હોય તો તમારો વિનોદ વક્રતા અને અંગત મશ્કરીઓની ગર્તામાં ગબડી પડશે, અથવા તો બીભત્સતાના કાદવમાં ઊથલી પડશે.

વિનોદ તો જીવનના ભિન્ન ભિન્ન પ્રદેશોને કે પાત્રોને પ્રસન્નતાથી અને ખૂબીથી જોવાની શૈલી છે. મહત્તાને નાનમનો બુરખો પહેરાવી તમે તેને વધારે આકર્ષક રીતે રજૂ કરી શકશો. નબળાઈઓ પર ઉપહાસનો બિલોરી કાચ ધરીને તે ઉઘાડી પાડ્યા જેટલી બેડોળ બનાવી શકશો. વિનોદથી તમે ઉદ્વિગ્નતાની જલતી ભોમ પર શીતલ જલનું સિંચન કરી શકશો. નીરસ ધરતી પર હાસ્યનાં ઝરણાં વહેવડાવી તેને ફળફૂલમંડિત ઉપવન બનાવી શકશો.

વિનોદનું લક્ષ્ય તો સંજીવની બની સર્વત્ર તાજગીનો આનંદ ફેલાવવાનું છે, માટે વિનોદ કોઈના ભોગે ન કરવો જોઈએ. તમે નિશાન તાકો તો વ્યક્તિ પર નહિ – પ્રચલિત નિર્બળતાઓ પર તાકજો. જે પ્રહાર કરીને કે કોઈને ખીજવીને કે મૂર્ખ બનાવીને ઉપહાસ કરશે તે પોતે જ ઉપહાસપાત્ર ઠરશે. જે નિર્બળતાઓ દૂર થઈ શકે તેને જ હસી કાઢી શકાય. વ્યક્તિની અંગત ખોડ કે કોઈ કુદરતી દોષનો ઉપહાસ કરવો એ તો સર્જનહારની હાંસી ઉડાવવા બરાબર છે.

જો તમારા ઉપહાસની પાછળ અનુકંપા હશે, મશ્કરીની પાછળ સહાનુભૂતિ હશે, મજાકની પાછળ સદ્ભાવ હશે તો તે શોભા આપશે, પણ જો તેમાં ડંખ કે ઝેર હશે તો તે કટુતા સર્જશે. અલબત્ત શિખામણના બુઠ્ઠા શસ્ત્ર કરતાં ઉપહાસનું શસ્ત્ર વધારે ધારદાર છે. પણ સાથે સાથે એ બંધારું પણ છે. જો તેને વાપરતાં ન આવડે તો અનિષ્ટની શસ્ત્રક્રિયા કરવાને બદલે પરસ્પરના સદ્ભાવનું અંગછેદન કરી બેસશે.

વિનોદ કરતાં આવડે તો એ જીવનનો ઉજાસ છે, વાણીની પ્રસન્નતા છે અને સાહિત્યનો ઉલ્લાસ છે.

Total Views: 189

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.