હરિયાળી ક્રાંતિના પ્રણેતા ભારતરત્ન શ્રી સી.સુબ્રમણ્યમ્ના ૭-૮ ઑગસ્ટ, ૯૯ના રોજ યોજાએલ ‘નૅશનલ સાયન્સ સમિટ’ના ઉદ્ઘાટન પ્રવચનના ભારતના લોકોને ૨૧મી સદીમાં લઈ જવા પ્રેરતા કેટલાક અંશ અહીં પ્રસ્તુત કરીએ છીએ — સં.
આપણે સૌ ત્રિસહસ્રાબ્દીના ઉંબરે ઊભા છીએ. આ સાથે જૂના યુગનો અંત આવે છે અને નવા યુગનો પ્રારંભ પણ થાય છે. આપણે સૌ ઔદ્યોગિક યુગમાંથી જ્ઞાનમાહિતીના વિસ્ફોટના યુગમાં પ્રવેશીએ છીએ. માટે ૨૦મી સદી એ ક્રાંતિકારી અને અત્ર-તત્ર સર્વત્ર માનવ જીવનના વ્યવહારુ વિષયો સુધી પહોંચી જનારાં પરિવર્તનો લાવી છે. કમ્પ્યુટરની શોધ પછી આ પરિવર્તનોની ગતિમાં અનહદ વૃદ્ધિ થઈ છે. ૨૧મી સદીના આ પડકારરૂપ કાળ માટે આપણે સર્જાયા છીએ એ અપેક્ષિત બાબત છે.
ભારત એવા અલ્પ સંખ્યાના દેશોમાંનું રાષ્ટ્ર છે કે જેણે પ્રારંભથી જ રાષ્ટ્રીય વિકાસમાં વિજ્ઞાનનું મહત્ત્વ સ્વીકાર્યું છે. વૈજ્ઞાનિક જ્ઞાનના વિનિયોગથી સમગ્ર વિશ્વના માનવજીવનની ગુણવત્તામાં ઘણો સુધારો થયો છે આ વૈશ્વિક લાગણી આજે જોવા મળે છે. જીવનધારણમાં વૃદ્ધિ, અનેક રોગોના નિર્મૂલન માટેની સારવારની પ્રાપ્યતા અને ખેતપેદાશોમાં હરિયાળી ક્રાંતિ દ્વારા થયેલી અનન્ય વૃદ્ધિ એ માનવજાતને મળેલા વૈજ્ઞાનિક જ્ઞાનલાભનાં ઉદાહરણો છે. અસંખ્ય વૈજ્ઞાનિક શોધો અને ટૅક્નૉલૉજીના વિકાસનાં સંશોધનોએ માનવ જીવનનાં વલણો-રુચિ-આચાર-વિચાર પર ઘણી પ્રભાવક અસર કરી છે.
આપણા ભારતમાં તો સદીઓથી પુરાણી વૈજ્ઞાનિક પ્રણાલી આપણને મળી છે અને એમાંય આધુનિક વૈજ્ઞાનિક જ્ઞાનનું પ્રયોજન આપણને આપણી ઘણી કઠિન સમસ્યાઓને નિવારવા સહાયક બન્યું છે. શીતળા જેવા રોગોના નિર્મૂલને અને હરિયાળી ક્રાંતિએ આપણી આ વિરાટ વસ્તીને ઘણી સહાય-રાહત આપી છે. આજે આપણે અન્નની બાબતમાં સ્વાવલંબી બન્યા છીએ. દૂધના ઉત્પાદનમાં પણ આપણે ઘણું સારું કાર્ય કર્યું છે. જ્યારે જ્યારે આપણા વૈજ્ઞાનિકોને સુનિશ્ચિત કઠિન કાર્યો આપવામાં આવ્યાં ત્યારે ત્યારે આપણને એનાં વિલક્ષણ પરિણામો સાંપડ્યાં છે. આનાં વિલક્ષણ દૃષ્ટાંતો તરીકે આપણી અવકાશ, અણુશક્તિ અને સંરક્ષણનાં ક્ષેત્રોની સિદ્ધિઓ ગણાવી શકાય. છેલ્લાં ૫૦ વર્ષમાં આપણે સંખ્યાબંધ વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી છે અને આજે આપણું ભારત રાષ્ટ્ર સારી એવી સંખ્યામાં નિષ્ણાત માનવ-શક્તિ ધરાવે છે.
છેલ્લા પાંચ દાયકાનાં આ વિકાસોન્નતિ છતાં ય ભારતવર્ષ આજે ઘણાં ક્ષેત્રોમાં હજુયે પછાત રહ્યું છે. આપણા દેશમાં નિરક્ષરતાની ટકાવારી ઘણી ઊંચી છે, મેલેરિયા, પોલિયો, રક્તપિત્ત જેવા રોગો મરકીની જેમ આપણા લોકોમાં પ્રસરી રહ્યા છે. એઈડ્સ નામનો મહારોગ પણ દેખાય છે એના કરતાં ઘણા મોટા પ્રમાણમાં આપણા દેશમાં વ્યાપી ગયો છે. અપૂરતો કે દૂષિત આહાર-પોષણ તો નિરંકુશ બન્યો છે. આપણા દેશની વસ્તીના મોટાભાગના લોકોના શારીરિક વિકાસ પર એની માઠી અસર પડે છે. આપણા દેશના મોટાભાગના પ્રદેશોમાં શુદ્ધ અને આરોગ્યકારક પીવાનું પાણી પણ નથી મળતું.
આપણી કુલ વસ્તીના ૩૬% જેટલા લોકો ગરીબીની રેખા હેઠળનું જીવન જીવી રહ્યા છે અને એમને ઓછામાં ઓછી કૅલરીવાળું ભોજન પ્રાપ્ય નથી. આશરે ૨૦ લાખ જેટલાં બાળકો ૧ વર્ષની ઉંમર પહેલાં જ મૃત્યુ પામે છે. આપણા ૬ લાખ ગામડાં પૈકી ૨ લાખ ગામડાંમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે પેટા આરોગ્ય કેન્દ્રની સુવિધા પણ નથી. પાંચ વર્ષથી નાની ઉંમરનાં બાળકોની સંખ્યાનાં ૨૫% બાળકોને દૂષિત-આહાર-પોષણ મળે છે. આ સંખ્યા વિશ્વમાં સૌથી મોટી છે અને આફ્રિકાના સહારા વિસ્તારની સંખ્યા કરતાં લગભગ બમણી સંખ્યા છે. એટલે એટલું તો સ્પષ્ટ છે કે રાષ્ટ્રના વિકાસ માટે અને આપણાં પ્રજાજનોના જીવનની ગુણવત્તા સુધારવા માટે આજનાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના અસરકારક ઉપયોગની તાતી જરૂર છે. આપણે એ પણ જાણી લેવું પડશે કે આ દેશની અનેકવિધ સમસ્યાઓના ઉકેલનો આધાર માત્ર વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી પર નથી. પણ એ માટે સરકારનો દૃઢ નિર્ધાર અને સામાજિક-આર્થિક ક્ષેત્રોનું સુયોજનભર્યું આયોજન અને સંયોજન પણ એટલું જ આવશ્યક છે.
આપણી વિષય સમસ્યાઓ અને તેમનો ઉકેલ
આજે અનેકવિધ ક્ષેત્રોમાં વિજ્ઞાન-ટૅક્નૉલૉજીને કામે લગાડવાના પ્રયાસોની આવશ્યકતા છે. પણ તેમાં યે આપણા આજના સામાન્યજનને મૂંઝવતી, પીસી નાખતી સમસ્યાઓના ઉકેલ માટે વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીને બરાબર કામે લગાડવાના પ્રયાસો સૌથી અગત્યના બની જાય છે. આ સમસ્યા-ક્ષેત્રોમાં વસતી વધારો, અન્ન, મકાન, પોષક આહાર, આરોગ્ય વગેરે ગણાવી શકાય. આ બધાં ક્ષેત્રોની સમસ્યાઓનો ઉકેલ શોધવા ઉચ્ચકક્ષાની આર.ઍન્ડ ડી. (રિસર્ચ ઍન્ડ ડૅવલપમેન્ટ) સંસ્થાઓની આવશ્યકતા છે.
અન્ન-પોષક આહાર
વર્તમાન અંદાજ પ્રમાણે ઈ.સ. ૨૦૫૦ સુધીમાં ભારતની વસ્તી ૧૫૦ કરોડની થશે અને ત્યાર પછીના સમયગાળામાં આ વસતીને ૧૭૦ કરોડ સુધી નિયમિત રાખવી પડશે. આ વસતી વધારાને ધ્યાનમાં લેતાં આવતાં વર્ષોમાં અન્નના સંગ્રહની સમસ્યા જરા વધુ વિકટ બનશે. ૨૧મી સદીના પૂર્વાર્ધ સુધીમાં આપણે ૩૫૦ મિલિયન ટન અનાજની આવશ્યકતા રહેશે. આ વસતીવધારો ભૂમિ, જંગલો અને પાણીના સ્રોતો પર ઘણી જબરી અસર પાડશે. જો આપણે વર્તમાન સમયમાં જ આ બધા સ્રોતનો સતત વગરવિચાર્યે ઉપયોગ કરતા રહીશું તો અનાજની માગ અને પૂરવઠા વચ્ચે ઊંડી ખાઈ પડશે. આ સ્રોતના ઉપયોગ માટે આયોજન-નિયોજનવાળા વ્યવસ્થાતંત્રની તાતી આવશ્યકતા છે.
આટલી બધી ભયંકર ગરીબી કે પૂરતા પોષક આહારની અભાવભરી પરિસ્થિતિ જે આજે જોવા મળે છે તે અનાજ અને બીજા પોષક ખાદ્ય-પદાર્થો પૂરતા પ્રમાણમાં ન મળવાને લીધે નથી જન્મી, પરંતુ એ માટેનું મુખ્ય કારણ તો આપણા ગરીબ સમાજના લોકોની આર્થિક ક્ષમતા જ આ બધું ખરીદવાની નથી એ છે. એ સમસ્યાના ઉકેલ માટે આપણે આપણી વિશાળ સંખ્યાની આ ગરીબ પ્રજાની આર્થિક પરિસ્થિતિ સુધારવી પડશે. આ માટે આપણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેત-ઉત્પાદનમાં મોટી વૃદ્ધિ કરવી પડશે અને ખેતીવાડીને લગતા કૃષિ-ઉદ્યોગો સ્થાપવા પડશે. હરિયાળી ક્રાંતિએ અન્ન ઉત્પાદનમાં ઘણું મહત્ત્વનું પ્રદાન કર્યું છે. પરંતુ આ કાર્ય માત્ર જળસિંચનની સુવિધાવાળી જમીન પર શક્ય બન્યું છે. આપણે હવે પડતર જમીનની ફળદ્રુપતા તેમજ સૂકી ખેતીવાળી જમીન પર આપણું લક્ષ્ય કેન્દ્રિત કરવું પડશે. આ ભૂમિભાગ કુલ ભૂમિના અરધા ભાગ જેટલો છે. આજે આપણી પાસે વિસ્તૃત વિસ્તારની ભૂમિના વિશાળ પાયે સર્વેક્ષણ કરવાનાં જરૂરી સાધનો અને ટૅક્નૉલૉજી છે. એની મદદથી આપણી આ ભૂમિની ફળદ્રુપતામાં પણ વધારો કરી શકીએ તેમ છીએ. આ સૂકી-પડતર જમીનમાંથી ખેત ઉત્પાદનમાં વૃદ્ધિ લાવી શકાય તેવા પાકોની વિવિધતા પણ આપણી પાસે છે. અને હવે પછીની બીજી હરિયાળી ક્રાંતિના બારણાં ખુલ્લાં કરવાનું આ જ વિસ્તારોમાં શક્ય બનશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આ માટેના સુયોગ્ય નીતિનિર્ધારણ વિશે વિચારી લેવું પડશે અનેએનું અમલીકરણ પણ કરવું પડશે. હું હમેશાં ઉત્પાદનનાં વિસ્તરણ-વહેંચણી અને કેન્દ્રીકૃત સેવાઓની હિમાયત કરતો આવ્યો છું. ખેત ઉત્પાદનની વૃદ્ધિ અને કૃષિવિષયક ઉદ્યોગોને વિસ્તૃત ક્ષેત્રમાં પ્રોત્સાહિત કરવાની રાષ્ટ્રીય યોજના ઘડવા અને તેનું અમલીકરણ કરવાનું મહાન કાર્ય આપણે સત્વરે કરવું જ રહ્યું.
રહેઠાણ વ્યવસ્થા
જો કે આપણા બંધારણમાં રોટી-કપડાંની જેમ મકાન-રહેઠાણની સુવિધા આપવાનો સંકલ્પ થયો છે પણ રહેઠાણની બાબતમાં પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું નથી. ૧૯૯૦માં જરૂરત કરતાં ૩૦% જેટલાં મકાનો ઓછાં હતાં. જો રહેઠાણની સુવિધા ખરાબ હોય તો જીવન ધોરણ તો એનાથી ય બદતર હોય જ. આપણી વસતીના ૪૦% લોકો એક ઓરડાવાળાં મકાનોમાં રહે છે અને ૩૦% લોકો પાસે બે ઓરડાની સુવિધાવાળાં મકાન છે. ગંદી વસતી-ઝૂંપડપટ્ટી અને અનધિકૃત ઝૂંપડપટ્ટીની સમસ્યા તો અતિ ગંભીર છે. શહેરી વિસ્તારના ૭૬% લોકોને અને ગ્રામ્યવિસ્તારના ૩૧% લોકોને વીજળીની પૂરતી સુવિધાઓ મળે છે. ગ્રામ્ય વિસ્તારના ૯% લોકોને જાજરૂની વ્યવસ્થા છે. શહેરી વિસ્તારોમાં ઘણાંને જાજરૂની સુવિધા પણ નથી. આ મુખ્ય ઊણપોને સુધારવા આપણે હવે નવેસરથી પહેલ કરીને કાર્યારંભ કરવો પડશે.
પોષક આહાર અને આરોગ્ય
શિક્ષણ સુધારણા અને આર્થિક સુખાકારીની જેમ આરોગ્યની સંભાળ-જાળવણી અને આરોગ્ય સેવાઓ વસતી નિયંત્રણમાં અગત્યનો ભાગ ભજવે છે. કુટુંબ આયોજનના લક્ષ્યાંક પાછળ અનહદ દોડને લીધે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય-જાળવણીની સુવિધાઓ ઘટી ગઈ છે. જ્યાં ખાનગી આરોગ્ય-ચિકિત્સા સેવા સારી રીતે ઉપલબ્ધ છે તેવા શહેરી વિસ્તારોની જાહેર આરોગ્ય સેવા પાછળ ૭૦% જેટલો ખર્ચ થાય છે. ગ્રામ્ય વિસ્તારના આરોગ્યની સંભાળ-જાળવણીની સેવા માટેનાં તાલીમ અને ટૅક્નૉલૉજીના ક્ષેત્રમાં આજે જે અભિગમ જોવા મળે છે તેના કરતાં તદ્દન જુદો જ અભિગમ જરૂરી છે.
વ્યક્તિનું આરોગ્ય તે કેવો પોષક આહાર લે છે તેના પર નિર્ભર છે. પોષણક્ષમ આહારની અપૂર્તિ, ગરીબાઈ કે પર્યાવરણની દૂષિતતાને લીધે જન્મે છે. અપૂરતો પોષણક્ષમ-આહાર અને દૂષિત આહારને લીધે મૃત્યુનું પ્રમાણ વધે છે. આપણા દેશના ગ્રામ્ય વિસ્તારોમાં દૂષિત-અનારોગ્યકારક આહાર અને આરોગ્યની જાળવણી એ એક મોટી સમસ્યા બની ગઈ છે. કેટલાક એવા અનન્ય રોગો ભારતમાં છે કે જેમાં સારા એવા પ્રમાણમાં સંશોધનોની આવશ્યકતા રહે છે.
પાણી
ભારતની નદીઓનાં પાણીનો જથ્થો ૧૮૦૦ ક્યુબિક કિ. મિટર છે. આમાંથી ઉપયોગમાં લઈ શકાય તેવાં પાણીનો જથ્થો નદીના તળમાંથી અને જમીનમાંથી ૧૧૪૦ ક્યુબિક કિ.મિ. જેટલો મળે છે. જળસિંચાઈ વાળો વિસ્તાર ૧૯૯૬ના આંકડા પ્રમાણે ૮૫ એમએચએ છે. એવો અંદાજ છે કે પાણીની પ્રાપ્તિના આધારે આપણે ૧૪૦.૦ એમએચએ વિસ્તારમાં સિંચાઈનું પાણી આપી શકીશું.
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના અધ્યક્ષપણા હેઠળ ટી.આઈ.એફ.સી.ના જૂથે પોતાના અભ્યાસ-તારણમાં અંદાજ્યું છે કે ઈ.સ. ૨૦૨૦ સુધીમાં ભારતની વસતી ૧૩૦ કરોડની થઈ જશે. અને આ વસતીની અનાજની જરૂરત ૩૪૩.૩ મિલિયન ટનની જેટલી રહેશે. એવો પણ અંદાજ કાઢવામાં આવ્યો છે કે ઈ.સ. ૨૦૨૫ સુધીમાં સિંચાઈ, ઉદ્યોગ, ગૃહોપયોગ અને અન્ય ઉપયોગ માટે ૧૦૫૦ ક્યુબિક કિ.મિ. પાણીની આવશ્યકતા રહેશે. આનો અર્થ એ થયો કે આપણે આપણી પાસે પ્રાપ્ય એટલા પાણીના બધા સ્રોતનાં ટીપેટીપાંનો એટલે કે ૨૦૨૫ સુધીમાં આપણી પાસે પાણીના બધા જથ્થાનો ઉપયોગ કરવો પડશે. પરંતુ આ સ્રોતો સમતલ ભૂમિ પરના નિયમિત પ્રાપ્ત થતા સ્રોતો નથી. ૩૨% જેટલો પાણીનો જળભંડાર બ્રહ્મપુત્ર કે બારક જેવી નદીઓમાં વહી જાય છે અને બીજો, ૨૬% જળસ્રોત ગંગામાં વહી જાય છે. જો કે પાણીની પ્રાપ્યતા ભારતમાં સરેરાશ ૨૨૦૦ ક્યુબિક મી. જેટલી છે. જ્યારે તમિલનાડુના કેટલાક ભાગોમાં તો આ પ્રાપ્યતા ૩૮૦ ક્યુબિક મી. છે. ૧૦૦૦ ક્યુબિક મી.થી નીચેના આ પાણીના જથ્થાને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાણીના અભાવની પરિસ્થિતિ ગણે છે. ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોમાં તો અવારનવાર દુષ્કાળ રહે છે. રાજસ્થાનનું રણ એ માનવ સર્જિત રણ છે. આ રણને આગવી વિકાસશીલતાઓ સાથે નવસાધ્ય કરવા માટે લાંબાગાળાની યોજના હવે વિચારી લેવી જ પડશે.
પરિવહન-વાહન-વ્યવહાર
આયવૃદ્ધિ, ઊર્જા પુરવઠો, પર્યાવરણના માનાંકો, ગ્રામ્ય અને દૂર-સુદૂરના વિસ્તારોમાંથી આવતી માગ અને થતા દબાણ-જેવાં પરિબળો વાહનવ્યવહાર અને પરિવહનની ભાવિ માગ પર પ્રભાવક અસર કરનારાં પરિબળો બની રહેશે. માર્ગ પરિવહન જ નહીં પણ વાહન-વ્યવહાર ને પરિવહનનાં આપણાં બધાં સાધનોની સ્થિતિ જરાય સંતોષકારક નથી. આ માટે આપણે સાવ તદ્દન નવો જ અભિગમ વિચારવો પડશે. ખૂણે-ખાંચરે પડેલા પ્રદેશોમાં અવર-જવર માટે મધ્યમકદના વિમાનોનો ઉપયોગ કરવા માટે નવી હવાઈ માર્ગ પરિવહનની નવી વ્યૂહરચના પણ આપણા માટે અપનાવવી શક્ય બનશે. બીજા વિકાસશીલ દેશોમાં લોકોની અવર-જવર માટે આવી સુવિધાઓ અપાય છે. આપણા પરિવહન અને વાહન-વ્યવહારની ભવિષ્યની જરૂરતને સંતોષવા નવી ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને તદ્દન નવી જ વ્યૂહરચના અપનાવવાની આવશ્યકતા છે.
ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજી (આઈ.ટી.)
આધુનિક આઈ.ટી.નો ઉપયોગ કરવા હજુ આપણે ઘણું ઘણું કરવાનું રહે છે. આવી સંસ્થાઓ -રાજ્યો-પ્રજાજનો માટે સંદેશ-જ્ઞાનમાહિતીના આદાનપ્રદાનના સાધન રૂપે જ ઉપયોગી નથી પરંતુ તે દેશને એકતાંતણે-એકાત્મભાવે બાંધવાનું સાધન પણ છે. આપણે આપણાં બધાં વૈજ્ઞાનિક, ઔદ્યોગિક, શૈક્ષણિક સંસ્થાનો ને નેટવર્કથી જોડવાં પડશે. યોગ્ય સંદેશવ્યવહારની સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારના લોકોમાં નવો અને મહાન આત્મવિશ્વાસ જગાડી શકશે અને એનાથી એમને સાચું બળ અને સાચી સત્તા મળશે. આજના અસંખ્ય વ્યાવસાયિક અને ઔદ્યોગિક ગૃહોને નવી ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજી પોલિસી ઉપકારક નીવડશે. પરંતુ આ ટૅક્નૉલૉજી પાછળના મૂડીરોકાણનો લાભ આપણા દેશના ગ્રામજનોને પણ મળી રહે તેની ખાતરી એ ભાવિનીતિમાં હોવી જોઈએ. વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનું જગત-એ સમાજ માટે આ દિશામાં ઘણું નિર્ણાયક મહત્ત્વનું પ્રદાન કરી શકે તેમ છે.
ઊર્જા
આર્થિક વિકાસદર, અન્ન માટે માગ, જીવન જીવવાની પરિસ્થિતિમાંનાં પરિવર્તનો, ટૅક્નૉલૉજીની સુપ્રાપ્યતા અને મૂડી-રોકાણ જેવાં પરિબળો વસતી-પ્રજાજનો અને ઊર્જા વચ્ચેના સંબંધને નિયંત્રિત કરે છે. આપણે આપણા માટે એવી ઊર્જાનીતિનું નિર્ધારણ કરવું જોઈએ કે જેમાં ઊર્જાના વિભિન્ન સ્રોતોનો ઉપયોગ કેવી રીતે કરવો તે માટેની સ્પષ્ટ સમજણ અને વ્યાખ્યા થવી જોઈએ. સૂર્યઊર્જા શક્તિ જેવા બીજા વૈકલ્પિક ઊર્જાસ્રોતોનો આપણે પર્યાપ્ત માત્રામાં ઉપયોગ કર્યો નથી. ભારતે તો સૂર્ય-શક્તિ-ઊર્જાના ક્ષેત્રમાં અગ્રણી રાષ્ટ્ર બનવું પડશે એટલે આ ઊર્જા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ઈ.સ. ૨૦૨૦ સુધીમાં આપણા દેશની વસતી ૧૨૦ કરોડ થવાનો અંદાજ છે. એટલે જ ઊર્જાના સ્રોતોના નવીનીકરણના વિકાસને, ઊર્જાની જાળવણીને અને તેના કાર્યક્ષમ ઉપયોગના ક્ષેત્રે અગ્રિમ અગ્રતા લાવે તેવી ઊર્જાની નવી વ્યૂહરચનાને વિચારવાની અને તેને સ્વીકારીને તેનો અમલ કરવાની ઘડી હવે આવી ચૂકી છે. નક્કર ઊર્જા કાયક્રમના વ્યવસ્થાપન અને સ્પષ્ટ નિરુપણ માટે ઘણા મહત્ત્વના અને ગણનાપાત્ર પ્રયાસોની આવશ્યકતા છે.
શિક્ષણ
આપણા રાષ્ટ્રને આવશ્યક સાધન સંપદામાં શિક્ષણ ઘણું મહત્ત્વનું પાસું છે. શિક્ષણના સુદૃઢ પાયા વિના દેશના કલ્યાણ-વિકાસ માટેની કોઈ યોજના સફળ ન થાય. નિરક્ષરતા નિર્મૂલનની સાથે જનસમૂહમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણવાળા મિજાજને અગ્રિમ અગ્રતા આપવી પડશે. કારણ કે નવી નવી પરિસ્થિતિઓનો પ્રતિકાર કરવાની શક્તિઓની સાથે એમની આજુ બાજુના વાતાવરણની જાગૃતિના વિકાસની આપણી બધી પ્રક્રિયાઓમાં આપણા પ્રજાજનોની સક્રિય ભાગીદારીમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણવાળો મિજાજ ગતિશીલતા લાવનારી કળચાપ બની રહેશે. પ્રાથમિક અને ઉચ્ચશિક્ષણ વચ્ચેના વધ્યે જતા અંતરને-ધ્યાનમાં રાખીને શૈક્ષણિક સંસ્થાઓમાં સુવિધા વધારવા-સુધારવા પ્રત્યે તત્કાલ ધ્યાન આપવાની આવશ્યકતા છે. શિક્ષણ ક્ષેત્રને બળવત્તર બનાવવાથી આપણને જ્ઞાનની સબળ આધારશિલા મળશે જેનો ઉપયોગ દેશની ધન-સમૃદ્ધિ ઊભી કરવામાં કરી શકાશે. એટલા માટે શિક્ષણ પાછળની ફાળવણી બમણી કરી દેવી પડે. શિક્ષણનાં વિભિન્ન સ્તરોના વિકાસ માટે આ ફાળવણીની ચોક્કસ ધારાધોરણવાળી નીતિની પણ આવશ્યકતા છે. એ પણ જોવું અનિવાર્ય છે કે આપણા પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ એ બંને ક્ષેત્રમાં પ્રગતિ સધાવી જોઈએ.
વિજ્ઞાન-ટૅક્નૉલૉજી અને સ્પર્ધાત્મકતા
આપણા રાષ્ટ્રને સ્પર્ધાત્મક રાષ્ટ્ર બનાવવા, માનવજાતને પીડતી સમસ્યાઓનું નિયમન કરવાના કાર્ય ઉપરાંત સાધન-સંપદા, વિજ્ઞાન, ટૅક્નૉલૉજી સાથે સંલગ્ન બાબતોનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવો જોઈએ નવીનતા સભર દૃષ્ટિકોણ જ્યાં મહત્ત્વનો ભાગ ભજવે તેવા ભારતના ઉદ્યોગોની આધારશિલા પણ સુસંવૃદ્ધ કરવી પડશે. લાગતા વળગતા સૌ કોઈએ જ્ઞાનને સમૃદ્ધિમાં બદલવાની કળા શીખી લેવી પડશે અને આ બધું ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણા ઉદ્યોગો જ્ઞાનની આધારશીલાના મહત્ત્વના પ્રદાનને પૂરેપૂરી રીતે જાણે અને એની પૂરેપૂરી કદર કરે. ઈજનેરી પ્રયોજના સાથેના અભિગમ અને બૌદ્ધિક સંપત્તિનું સંવર્ધન-સંચય પર વધુ ને વધુ અને વિશિષ્ટ મહત્ત્વ અપાવું જોઈએ.
ટૅક્નૉલૉજીના લાંબા ગાળાના આયોજનમાં ઘણી-ભયંકર મર્યાદાઓ હોય છે. ટૅક્નૉલૉજીના નવાં નવાં વિકાસ-કદમોથી અને ટૅક્નૉલૉજીમાં અતિ ક્રાંતિકારી પરિવર્તનો લાવનારાં વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં પણ આપણે જાણકાર રહેવું જોઈએ. અને એ વિશે જાગૃત પણ રહેવું જોઈએ એ આપણા માટે ઘણું અગત્યનું છે. પાયાના સંશોધનોને આધાર આપવો એ એટલું જ અગત્યનું બની જાય છે કારણ કે નવી ટૅક્નૉલૉજી વિજ્ઞાનના આધાર પર અને તે બંનેની સંસર્ગરેખા પર રહે છે. જો આપણે વિજ્ઞાનના ક્ષેત્રે અગ્રિમતા નહીં ધરાવતા હોઈએ તો ભવિષ્યની ટૅક્નૉલૉજીના ક્ષેત્રમાં આપણે સ્પર્ધાત્મક દેશ નહીં બની શકીએ.
વિજ્ઞાન-ટૅક્નૉલૉજી અને ઈજનેરી વિદ્યામાં યુવા પ્રતિભાને પોતાની પ્રતિભા પ્રમાણે વ્યવસાય સ્વીકારવા આપણે આકર્ષવી પડશે. હાલમાં યુવા પ્રતિભાનો રસ-રુચિ-વલણ વ્યાપાર, ધંધો કે બૅન્કિંગના ક્ષેત્રમાં જોવા મળે છે એને ઊલટાવવાં પડશે.
વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી માટેના અગ્રિમ નિર્ણયોમાં આપણા વિશાળ જનસમૂહની અવગણના પામેલ પરિમાણોને પણ એમાં સામેલ કરવા જોઈએ. આપણા મહત્ત્વના અગ્રિમ આર્થિક અને સંરક્ષણની વ્યૂહાત્મક આવશ્યકતાઓનાં ક્ષેત્રો અને સામાજિક વિકાસનાં ક્ષેત્રો વચ્ચે સંતુલન સાધવું જોઈએ. વિજ્ઞાન-ટૅક્નૉલૉજીના વિશિષ્ટ ઘટકોને બરાબર ગોઠવવા પડશે અને મહત્ત્વના વિકાસ ક્ષેત્રોમાં તેમનો અસરકારક ઉપયોગ કરવો પડશે. આપણા ઔદ્યોગિક ક્ષેત્ર અને એને સંબંધિત રિસર્ચ અને ડૅવલપમૅન્ટના પ્રયાસોએ જ્ઞાનમૂલક ઉદ્યોગ પર પોતાનું લક્ષ્ય કેન્દ્રિત કરવું જોઈએ. આવા અભિગમથી જ ભારત વિશ્વનું નેતૃત્વ લઈ શકે તેમ છે. ઉદાહરણ તરીકે આપણા સૉફ્ટવૅર ક્ષેત્રનું ધ્યેય વિશ્વનો ૪થી૫% જેટલો વ્યાપાર-ધંધો હાથમાં લેવા જેટલું હોવું જોઈએ.
રિસર્ચ અને ડૅવલપમેન્ટ માટે ભારતે વર્ષોથી ભૌતિક સાધન સંપદાની સુવિધાઓ વિકસાવી છે. પ્રવૃત્તિના દરેક ક્ષેત્રમાં આપણી પાસે આજે પરિપક્વ નિષ્ણાતોની માનવ-શક્તિ છે. આપણા દેશમાં ૨૫૩૫ રિસર્ચ લૅબૉરેટરિઝ છે. આ લૅબ્સ સરકાર દ્વારા, જાહેર સાહસો કે ખાનગી ઉદ્યોગગૃહો દ્વારા ચલાવાય છે. આપણી ભૌતિક સાધન સંપદાની સુવિધા, માનવશક્તિ સ્રોત, સંશોધનાત્મક પરિશોધ વિશેની વિસ્તૃત રાષ્ટ્રીય નિદર્શિકા-માર્ગદર્શિકાની આવશ્યકતા છે. આપણી પાસે આવી રાજ્યસ્તરની નિદર્શિકાઓ પણ હોવી જોઈએ. આવી માહિતી-નિદર્શિકા નેટવર્ક માટે, નકલખોરીને અટકાવવા અને સંશોધન કાર્ય સાથે સંકળાયેલ નિષ્ણાતોને સલાહ-માર્ગદર્શન આપતા લોકોને તૈયાર માહિતી-મસાલો પૂરો પાડવા માટે ઘણી સહાયક નીવડશે.
એક એવા અહેવાલો છે કે વર્ષોથી મુખ્ય વિજ્ઞાનની શાખાના વિષયોનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે. ૧૯૬૦-૬૧માં આની ટકાવારી ૩૦% હતી તે ઘટીને ૧૯૯૩-૯૪માં ૧૯.૬% થઈ. સારા વિદ્યાર્થીઓને આ વિજ્ઞાનના અભ્યાસમાં આકર્ષવા આપણે યુક્તિ-પદ્ઘતિ પહેલેથી વિચારી લેવી પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાની ગુણવત્તાના ધોરણે ૧૦+૨ માં ઉત્તીર્ણ થયેલા હોનહાર વિદ્યાર્થીઓને સાયન્ટિફિક રિસર્ચ કે વિશ્વવિદ્યાલયના શિક્ષણ માટે પસંદ કરવાનું સૂચન થયું છે. આવા વિદ્યાર્થીઓને અનુસ્નાતક પદવી પછી નોકરી મળવી જોઈએ. તેઓ એમ.એસસી. થઈ જાય પછી એમના વલણ-રસરુચિ પ્રમાણે અને એમણે પોતાના અભ્યાસ સમયે બતાવેલ પ્રાવીણ્યને ધ્યાનમાં રાખીને તેમને વિશ્વ વિદ્યાલયોના ભવનમાં કે રિસર્ચ-લૅબ્સમાં નોકરી મળવી જોઈએ. આવા વિદ્યાર્થીઓની પસંદગી અને અભ્યાસ માટેની તકો પૂરી પાડવાની અને અભ્યાસ પૂરો થયા પછી નોકરીની તકો માટેની એક વિસ્તૃત રાષ્ટ્રીય યોજના ઘડી કાઢવી જોઈએ. જ્યાં સુધી વિદ્યાર્થીકક્ષાએથી આપણે પ્રતિભાઓને વિજ્ઞાન પ્રત્યે આકર્ષી નહીં શકીએ ત્યાં સુધી ટૅક્નૉલૉજીમાં નિત્ય નવું લાવનારા પાયાના-મુખ્ય વિજ્ઞાનના સંશોધનનું ભવિષ્ય ધૂંધળું છે. રિસર્ચ લૅબ્સ અને વિશ્વ વિદ્યાલયોના સહકાર અને ભાગીદારીને આ યોજનાના સફળ અમલીકરણને સદ્ધર ટેકો મળવો જોઈએ. એ ‘ઈન્ડિયન ઍજ્યુકૅશન ઍન્ડ રિસર્ચ સર્વિસ’ની સંરચના પણ કરી શકે.
ભારત એવો દેશ છે કે જેમાં વિશાળ સંખ્યામાં વિદેશમાં વસતા-સ્થાયી થયેલા ભારતીયો વિકસિત દેશોના સાયન્સ એન્ડ ટૅક્નૉલૉજીનાં સંશોધન કાર્યમાં કે ઉદ્યોગગૃહોમાં ઉચ્ચ સ્થાને સેવા આપી રહ્યા છે. એમના માટે પણ આપણે એવી યોજના ઘડવી જોઈએ કે જેથી એવા તજ્જ્ઞો અહીં આવે અને શૈક્ષણિક સંસ્થાનોમાં પોતાની સેવાઓ આપે. આપણે એક એવું મહત્ત્વનું આયોજન કરવું જોઈએ કે આપણા વિદેશમાં વસતા અને કાર્ય કરતા વૈજ્ઞાનિકો અને ટૅક્નૉલૉજિસ્ટ્સ ભારતના કેટલાક વિશિષ્ટ સંશોધન પ્રકલ્પોવાળી સંસ્થાઓમાં સંશોધન કાર્ય કરી શકે અને પોતે મેળવેલ સિદ્ધિનું ગૌરવ મેળવી શકે અને તેના પેટન્ટનો લાભ પણ મેળવી શકે.
સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજીના વિશિષ્ટ અને નવા જ્ઞાનનો લાભ મેળવીને એનો માર્ગ મોકળો કરવા આપણા દેશે વિદેશી રાષ્ટ્રો, ઉદ્યોગગૃહો અને કંપનીઓ સાથે કરારો પણ કર્યા છે. આવા નિત નવાં જ્ઞાનનો આપણે કેવી રીતે ઉપયોગ કર્યો ને આવા કરારોથી આપણા રાષ્ટ્રને શો ફાયદો થયો, એમાંથી શું ઉપાર્જન થયું તેનું સમયાંતરે અવલોકન થવું જોઈએ. આવા અવલોકનો-આલોચનાઓ જ્ઞાનવિજ્ઞાનના વધુ વ્યવસાયોમાં પહેલ કરવા નવા કરારો કરવાના અભિગમ માટે એક આધાર ઊભો કરશે.
હવે એ સમય પાકી ગયો છે કે આપણા બધા દેશબાંધવોને તંદુરસ્ત અને સશક્ત જીવન મળે. વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના આપણા આયોજનની પળે આપણા વિજ્ઞાન-જગત પર સમાજે મૂકેલા વિશ્વાસને આપણે ન્યાય આપવાનો છે એ વાત આપણે ભૂલી ન શકીએ. લોકો આ દેશના વિજ્ઞાન-ટૅક્નૉલૉજીમાં વિશ્વાસ મૂકીને ટેકો આપે છે, તેની પાછળ પણ ચોક્કસ હેતુ છે. આપણા માટે એ અગત્યનું બની રહે છે કે લોકોના જીવનધોરણને, જીવન જીવવાની પરિસ્થિતિને સુધારવા આપણાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. એ આપણે આપણાં કાર્યો દ્વારા બતાવી આપીએ. આવા આયોજનમાં વિકાસના શક્ય વિવિધ વિકલ્પો કે જે ચિરકાલીન વિકાસ તરફ આપણને દોરી જાય. તેમનો પણ વિચાર કરી લેવો પડશે.
અંતે એ હકીકતને મહત્ત્વ આપવું જોઈએ કે માનવની માત્ર ભૌતિક પ્રગતિ જ માનવજાતનો વિકાસ કે કલ્યાણ કરી શકતી નથી. એક સુશિક્ષિત-સંસ્કારી સમાજ તરીકે વૈજ્ઞાનિકો અને ટૅક્નૉલૉજિસ્ટ્સે માનવ મૂલ્યો અને ભૌતિક સમૃદ્ધિ બંનેને સાથે જોડી શકે તેવા વિકાસને પ્રોત્સાહન આપતા અભિગમ પ્રત્યે પૂરતું લક્ષ્ય રાખવું પડશે.
(ભાષાંતર : શ્રી મનસુખભાઈ મહેતા)
Your Content Goes Here




