તા. ૨૨ અને ૨૩મી જાન્યુઆરી ૧૯૮૩ના રોજ મુંબઈના નહેરુ સેન્ટર ખાતે ‘સાયન્ટિફિક ટેમ્પર એન્ડ એથિકલ એન્ડ સ્પિરિચ્યુઅલ વેલ્યુઝ’ વિષય પર યોજાયેલ પરિસંવાદમાં શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ રજૂ કરેલ પેપર પરથી ‘સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટિ’ પ્રસિદ્ધ થયેલ પુસ્તકનો વડોદરાના શ્રી નિવેદિતા ઠાકોરે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.
(૧) ઓળખ
આઈન્સ્ટાઈને કહ્યું છે કે ‘વિજ્ઞાન પ્લુટોનિયમનું સ્વરૂપ બદલી શકે છે, પરંતુ મનુષ્યના હૃદયમાં રહેલ બુરાઈને બદલી શકતું નથી.’ ગુનાઓની સંખ્યા, બાળઅપરાધોની સંખ્યા, જાતીયવૃત્તિ અને કેફી દ્રવ્યોની સંખ્યામાં થઈ રહેલી વૃદ્ધિના ફળસ્વરૂપે જ્ઞાન તંતુઓ અને માનસિક વિકૃતિઓ તેમજ આત્મહત્યાઓ ખાસ કરીને વૈજ્ઞાનિક અને તાંત્રિક ક્ષેત્રે વિકસિત દેશોમાં વધતી જાય છે અને ધીમે ધીમે સતત વિકાસશીલ દેશો પર પ્રતિકૂળ અસર કરી રહી છે. પશ્ચિમના દેશોની ઉચ્ચ પ્રતિષ્ઠા, વિજ્ઞાન અને મનુષ્ય દ્વારા પ્રસારિત જ્ઞાનને લીધે મનુષ્ય સામે તેના વિકાસ, પ્રગતિ અને પ્રાપ્તિ જેવી પડકાર આપતી સમસ્યાઓ ખડી કરી છે. બર્ટ્રાન્ડ રસેલે એના પુસ્તક ‘ઈમ્પેક્ટ ઓફ સાયન્સ ઓન સોસાયટી’ (સમાજ ઉપર વિજ્ઞાનની અસર)માં કહ્યું છે : ‘સાધન સ્વરૂપે માનવજાતની કુશળતા અને સાધ્ય સ્વરૂપે માનવજાતની મૂર્ખતા વચ્ચેની જાતિની મધ્યમાં આપણે અટવાઈ રહ્યાં છીએ.’ તેઓ વધુમાં કહે છે : ‘જો મનુષ્ય તેના જ્ઞાન જેટલો જ વધારો તેના ડહાપણમાં ન કરે તો જ્ઞાનનો વધારો તેના દુ:ખમાં વધારો કરશે.’
(૨) નિર્ભેળ વિજ્ઞાન : મનુષ્યની એક અભિજાત ખોજ
આધુનિક યુગ વૈજ્ઞાનિક યુગ ગણાય છે. વિજ્ઞાનના આગમન પૂર્વેના યુગોમાં મનુષ્ય ઉપર અજ્ઞાન, વહેમ અને ભયની લાગણીએ આધિપત્ય જમાવ્યું હતું. આધુનિક વિજ્ઞાનનાં એક વિખ્યાત સૂત્ર અનુસાર જ્ઞાન ભયનો નાશ કરે છે. છેલ્લી ચાર સદીઓ દરમ્યાન ભૌતિક વિજ્ઞાનોના વિવિધ વિભાગોએ કરેલ બાહ્ય જગતની આધુનિક વૈજ્ઞાનિક શોધો મારફત નિશ્ચિત, અધિકૃત અને પ્રસારિત કરી શકાય તેવા જ્ઞાનનો વિપુલ પ્રમાણમાં સંચય થયો છે. આધુનિક, ભૌતિક, વિજ્ઞાન સ્વરૂપે રહેલ આલોચક પ્રશ્નો પૂછવાની મુક્ત ભાવના આ વિરલ આધુનિક સિદ્ધિ પાછળનું પ્રેરક છે. આ મુક્ત આલોચક ભાવના, વૈજ્ઞાનિક માનસ અને તે દ્વારા પુરસ્કૃત વૈજ્ઞાનિક પદ્ધતિની અભિવ્યક્તિ નિર્ભેળ વિજ્ઞાનમાં સત્યની શોધ સ્વરૂપે અને એપ્લાઈડ સાયન્સમાં ઉપલબ્ધિ સ્વરૂપે જોવા મળે છે. ગઈ સદીમાં થોમસ હક્સલીના કથન મુજબ ‘માનવજાતની યાતના નિવારવા’નો એની પાછળનો હેતુ છે.
અત્યંત વિકસિત દેશોમાં સમકાલીન માનસશાસ્ત્રીય અને સામાજિક વિકૃતિઓ અને માનવજાત પર આવી પડનાર પર્યાવરણની કટોકટીના પડકારે આ દેશોમાં ખુદ વિજ્ઞાન સામે પ્રતિક્રિયાનું સર્જન કર્યું છે. આવી પ્રતિક્રિયા ટેક્નોલોજી અથવા વધુ પડતી ટેક્નોલોજીની બાબતમાં ન્યાયપૂર્ણ હોઈ શકે, પરંતુ એ જો નિર્ભેળ વિજ્ઞાન સુધી વિસ્તરશે તો એ એક કરુણતામાં પરિણમશે. સત્ય માટેનો લગાવ અને માનવજાતના કલ્યાણને વરેલ નિર્ભેળ વિજ્ઞાન હંમેશાં મનુષ્યની એક સૌથી ઉમદા ખોજ બની રહેશે.
(૩) નિર્ભેળ વિજ્ઞાન આજ કરતાં વધુ વિશાળ ક્ષેત્રને આવરી લેશે
આ નિર્ભેળ વિજ્ઞાન માનવજાતના જીવનના માત્ર બાહ્ય વાતાવરણ ધરાવતા બાહ્ય ભૌતિક વિશ્વ કરતાં પણ વધુ વિશાળ ક્ષેત્રને આવરી લે તે જરૂરી છે. ભૌતિક સ્વરૂપના બાહ્ય વિશ્વ ઉપરાંત વિજ્ઞાને મનુષ્યના આંતરિક વિશ્વનો અભ્યાસ પણ કરવો પડશે પરંતુ કમભાગ્યે અર્વાચીન સંદર્ભમાં ભૌતિક સ્વરૂપના વિજ્ઞાનો મનુષ્યનાં વિજ્ઞાનોથી આગળ નીકળી ગયાં છે જેના ફળસ્વરૂપે મનુષ્ય દ્વિધા અને અસ્થિરતાનો અનુભવ કરી રહ્યો છે, તેનું ગુરુત્વ મધ્યબિંદુ હંમેશાં તેની બહાર રહ્યું છે અને વિજ્ઞાને અને પોતાની જાતે પોતાને એક વસ્તુ, એક પદાર્થ તરીકે ઓળખાતો કરી દીધો છે. એક તરફ ભૌતિક વિજ્ઞાનોએ મનુષ્યને ઘણા ભય અને તેના જંગલી ભૂતકાળમાંથી ઉગારી લીધો છે, તો બીજી તરફ નવીન ભય અને તેના પોતાના આંતરિક સ્વભાવના અજ્ઞાનમાંથી ઉદ્ભવતી અનિશ્ચિતતાઓ વચ્ચે મૂકી દીધો છે. અર્વાચીન મનુષ્યને એ વાતનું ભાન થવું જોઈએ કે ભૌતિક વિજ્ઞાનો દ્વારા થતા સ્વભાવના ‘બાહ્ય’ સ્વરૂપના અભ્યાસની જેમ સ્વભાવના ‘આંતરિક’ સ્વરૂપનો અભ્યાસ પણ એટલો જ જરૂરી છે. આ અભ્યાસ પ્રકૃતિની ઉત્ક્રાંતિના ફળસ્વરૂપ એવા માનવી દ્વારા વ્યક્ત થાય છે. આવી રીતે સમજણમાં આવેલું વિજ્ઞાન કોઈ પણ હકીકતોના સંપુટ સાથે સંલગ્ન નથી.
પોતાનાં પુસ્તક ‘ઈન્ટ્રોડક્શન ટુ સાયન્સ’ (હોમ યુનિવર્સિટી લાઈબ્રેરી એડીશન, પૃ.૫૮)માં એક મહાન જીવશાસ્ત્ર વિશારદ જે. આર્થર થોમ્સનના જણાવ્યા મુજબ:
‘વિજ્ઞાન કોઈ ચોક્કસ હકીકતોના સંપુટમાં વીંટળાયેલું નથી; તે બૌદ્ધિક અભિગમથી અભિપ્રેત છે. તે કોઈ પૂછપરછની નિશ્ચિત પદ્ધતિઓ સાથે બંધાયેલું નથી. તે માત્ર પ્રમાણિક આલોચના કરનાર વિચાર છે જે માત્ર પરિણામોને જ પ્રવેશવા દે છે જ્યારે આ પરિણામો પ્રમાણ ઉપર આધારિત હોય. થોડી નવી વ્યવહારુ સમસ્યાનો સામનો કરતા વેપારી, પ્રમાણની તારવણી કરતા ધારાશાસ્ત્રી કે રચનાત્મક ધારો ઘડતા રાજદ્વારી પાસેથી વૈજ્ઞાનિક પદ્ધતિનો સારો પદાર્થપાઠ આપણે મેળવી શકીએ.’
૪. વેદાન્ત : ‘બાહ્ય’ના વિજ્ઞાનો અને ‘ભીતર’નાં (આંતરિક) વિજ્ઞાનોના સ્વરૂપના સમન્વય તરીકે
પદાર્થ વિજ્ઞાન, રસાયણ શાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર કે પ્રાણી શાસ્ત્ર જેવા વિજ્ઞાનના વિવિધ વિભાગો હકીકતોના નિશ્ચિત ક્રમો સાથે બંધાયેલા હોવા છતાં વિજ્ઞાન હકીકતોના કોઈ નિશ્ચિત ક્રમ સાથે બંધાયેલું નથી. આ વિભાગોનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, પરંતુ વિજ્ઞાનનું કાર્યક્ષત્ર અમર્યાદ છે. અને આ વિવિધ વિભાગો અલગ અલગ ક્ષેત્રોના અભ્યાસથી શરૂ થઈ તેમના વિકાસના તબક્કાઓમાં તેમની ચોક્કસ હદ વટાવી જાય છે અને તેઓ નજીક આવીને સ્વભાવના બાહ્ય સ્વરૂપના સત્યમાં સમાહિત થાય છે. આ સ્વભાવના ‘બાહ્ય’ સ્વરૂપના એકીકૃત જ્ઞાનના સ્વરૂપે વિજ્ઞાન જ છે. તેવી જ રીતે મનુષ્યમાં રહેલ સ્વભાવના ‘આંતરિક’ સ્વરૂપની ભિન્ન હકીકતોના અભ્યાસ દ્વારા અનુભવની ભૌતિક અને ઇન્દ્રિય સપાટીથી પર એવી માહિતીનો અભ્યાસ કેટલાંક હજારો વર્ષ પહેલાં ઉપનિષદો અને ગીતામાં વિકસાવેલ ભારતીય વિચાર અનુસાર આધ્યાત્મિકતાનું વિજ્ઞાન બને છે જે આપણા સમય સુધી પુન:પ્રમાણિત થતું રહ્યું છે. સ્વભાવના ‘આંતરિક’ સ્વરૂપના એકીકૃત જ્ઞાનનું વિજ્ઞાન પણ આ જ છે. અને તત્ત્વજ્ઞાન તરીકે વેદાન્ત સમગ્ર વાસ્તવિકતાના આકલનમાં સ્વભાવના ‘બાહ્ય’ સ્વરૂપ અને ‘આંતરિક’ સ્વરૂપનો સમન્વય છે. ગીતામાં શ્રીકૃષ્ણે જણાવ્યા મુજબ ‘ક્ષેત્રક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનં યત્ તત્ જ્ઞાનં મતં મમ’, ‘ક્ષેત્ર (ભૌતિક શરીર અને તેની આસપાસની ભૌતિક દુનિયા) અને ક્ષેત્રજ્ઞ (ભૌતિક દુનિયાને જાણનાર)નું જ્ઞાન મારી માન્યતા મુજબ સાચું (અને સંપૂર્ણ) છે.’
૫. વિજ્ઞાન ક્ષેત્રે ભારતનું યોગદાન
ભારતની આ અદ્ભુત અને સમૃદ્ધ સભ્યતાનું નિર્માણ કરનાર મગજ અલ્બેરૂનીએ નિહાળેલા અવનતિના પંથે પડેલા મગજથી સાવ ભિન્ન હતું. આ પહેલાંના ત્રણ હજારથી વધુ વર્ષ સુધી ભારતીય મગજ સર્જનશીલ, ગતિશીલ, અને વિવિધ ક્ષેત્રે જ્ઞાનની ખોજ કરવામાં પ્રવૃત્ત રહેતું. આ એક એવા પ્રકારનું મગજ હતું જેણે વિવિધ ભૌતિક વિજ્ઞાનો, કલા તત્ત્વજ્ઞાન અને ધર્મનું નિર્માણ કર્યું. આ બધું પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સેતુ બનેલા આરબો મારફત મધ્યકાલીન યુગમાં પશ્ચિમના લોકો પાસે પહોંચ્યું. એટલા માટે આપણી પાસે અરબી આંકડાઓ છે જે વાસ્તવમાં ભારતીય આંકડાઓ હતા જે આરબો મારફત પશ્ચિમની પ્રજાઓ સુધી પહોંચ્યા. તેવી જ રીતે આરબોએ દશાંશ પદ્ધતિ પશ્ચિમમાં લોકપ્રિય બનાવી. અન્ય વૈજ્ઞાનિક અને તત્ત્વજ્ઞાન સંબંધી સત્યો પણ આવી જ રીતે પશ્ચિમના દેશોમાં આરબો મારફત પહોંચ્યા. આરબો જ્ઞાનના ઉત્કટ ચાહકો હોવાથી તેઓએ મહાન વિદ્યાપીઠો સ્થાપી જેમાં સ્પેનમાં કોર્ડોવા ખાતે આવેલી વિદ્યાપીઠ (યુનિવર્સિટી) અત્યંત પ્રસિદ્ધ છે, જ્યાં પશ્ચિમના ઘણા વિદ્વાનોએ અભ્યાસ કર્યો હતો અને અભ્યાસના પુનર્જન્મમાં ફાળો આપ્યો. અભ્યાસનો આ પુનર્જન્મ જે ૧૫મી અને ૧૬મી સદીમાં થયો તે યુરોપિયન રેનેસન્સ (યુરોપની પુન:જાગૃતિ) તરીકે ઓળખાય છે. સ્પેનની કોર્ડોવા નગરની પ્રખ્યાત આરબ વિદ્યાપીઠના સ્નાતક તથા આરબ વૈજ્ઞાનિક અને વિદ્વાન કાદી સાદે (૧૦૨૯-૧૦૭૦) પ્રાચીન ભારતીય વિજ્ઞાનનું કરેલ મુલ્યાંકન જાણવું અત્યંત રસપ્રદ થઈ પડશે. તેમનું પૂરું નામ અબ્દુલ કાસિમ સાઈદ બીન અબ્દુર-મહેમાન બી મુહમ્મદ બીન સાઈદ-અલ-અંદલુઝી હતું. આંધ્રપ્રદેશના સ્ટેટ આર્કાઈવ્ઝ દ્વારા પ્રસિદ્ધ પ્રોફેસર એચ.કે. શેરવાની ફેલિસિટેશન વોલ્યુમ ‘સ્ટડીઝ ઈન ધ ફોરોઈન રિલેશન્સ ઓફ ઈંડિયા’માં ડો. એમ.સાબેર ખાને ‘એન ઈલેવન્થ સેન્ચરી હિસ્પેનો-અરેબિક સોર્સ ફોર એન્સિયન્ટ ઈંડિયન સાયન્સ એન્ડ કલ્ચર’ નામક એક રસપ્રદ અને અત્યંત માહિતીપૂર્ણ લેખ લખેલો છે, જેમાં તેઓ કહે છે :
કાદી સાઈદ એની કૃતિના આરંભમાં પુરાણા રાષ્ટ્રોની યાદી બનાવી તેને બે કોટિમાં વહેંચે છે : (૧) જે રાષ્ટ્રો વિજ્ઞાનોના વિકાસમાં પ્રવૃત્ત હતાં અને જેમણે તેમાં યોગદાન આપ્યું અને (૨) જે રાષ્ટ્રોએ આવું કાર્ય ન કર્યું. પ્રથમ કોટિમાં લેખકે આઠ પ્રાચીન અને મધ્યકાલીન રાષ્ટ્રોનો ઉલ્લેખ કરેલો છે જેમણે વિજ્ઞાનોના અભ્યાસ અને વિકાસમાં સૌથી વધુ ફાળો આપ્યો હતો. એમાં ભારતીયો, પર્થિયન્સ, ચાલ્ડિયન્સ્, ગ્રીકો, રોમનો, ઇજિપ્શિયનો અને આરબો (જેમાં સ્પેન અને ઈઝરાયલનો સમાવેશ થાય છે)નો ઉલ્લેખ છે. ત્યાર બાદ તેણે દરેક દેશના ઈતિહાસ, ધર્મ, તત્ત્વજ્ઞાન અને નિશ્ચિત વિજ્ઞાનોની ચર્ચા કરેલી છે. મોટા ભાગનાં પ્રકરણો બહુમૂલ્ય અને વિદ્વાનોનું ધ્યાન ખેંચે તેવાં છે. આ મહાનિબંધમાં માત્ર ભારત વિશેનું પ્રકરણ જ ધ્યાન ખેંચે તેવું છે. એનો ગુજરાતી અનુવાદ નીચે આપ્યો છે અને અંતભાગમાં આલોચનાત્મક પાઠ પ્રસિદ્ધ થયો છે.
ભારતમાં વિજ્ઞાનો
‘(વિજ્ઞાનોનો વિકાસ કરનાર) પ્રથમ રાષ્ટ્ર ભારત છે જે સંખ્યાની દૃષ્ટિએ એક વિશાળ, મજબૂત અને અધિપત્ય ધરાવતું રાષ્ટ્ર છે. તમામ ભૂતપૂર્વ રાજાઓ અને ભૂતકાલીન પેઢીઓએ તેઓના ડહાપણનો સ્વીકાર કરેલો છે જ્ઞાનની વિવિધ શાખાઓમાં તેમના પ્રભુત્વનો એકરાર કરેલો છે…
‘સદીઓ અને સમયના વહેણ દરમ્યાન ભારત ડહાપણની ખાણ, ન્યાય અને સારી સરકારના શિરમોર તરીકે ઓળખાતું હતું અને ભારતીયો ઉત્તમ બુદ્ધિમત્તા, ઉચ્ચ વિચારો, સનાતન નીતિનિયમો, જૂજ શોધો અને અદ્ભુત બુદ્ધિપ્રતિભા ધરાવતા હતા.
‘જેઓનો વર્ણ શ્યામ અને તેને લીધે તેઓનો સમાવેશ શ્યામવર્ણી લોકોમાં થતો હતો. છતાં ઈશ્વરે તેઓને દુષ્ટ ચારિત્ર્ય, નીચ વર્તન અને મૂર્ખાઈથી દૂર રાખ્યા છે. આમ ઈશ્વરે ભારતીયોને ઘણા ઘઉંવર્ણી અને શ્વેતવર્ણી લોકો કરતાં ઉચ્ચ સ્થાને આરૂઢ કર્યા છે…
‘ભારતીયોએ તારાઓની હિલચાલ, બ્રહ્માંડનું રહસ્ય અને અન્ય પ્રકારનાં ગાણિતિક વિજ્ઞાનોનું વિસ્તૃત અને વિપુલ જ્ઞાન પણ હાંસલ કરેલું છે. વધુમાં બધી પ્રજાઓમાં તેઓ વિજ્ઞાન અને ઔષધના પીઢ અભ્યાસુ અને ઔષધોના ગુણધર્મો, મિશ્ર તત્ત્વો અને પ્રવર્તમાન વસ્તુઓની વિશિષ્ટતા વિશે પૂરા માહિતગાર છે. તેમના રાજાઓ સદાચારી આચરણ, પ્રશંસનીય આવડત અને દક્ષ વહીવટ માટે અલગ તરી આવે છે.’
૬. ભૌતિક વિજ્ઞાન અને અન્ય શાખાઓ વચ્ચે ઘર્ષણ: પશ્ચિનો અનુભવ, ભારતનો નહિ
ભગવદ્ગીતામાં જણાવેલ સાચા અને સંપૂર્ણ જ્ઞાનનો બર્ટ્રાન્ડ રસેલ ડહાપણ તરીકે ઉલ્લેખ કરે છે. ડહાપણમાં થતી વૃદ્ધિ જ્ઞાનની વૃદ્ધિ સાથે તાલ મિલાવવી જોઈએ. જો મનુષ્યને દુ:ખ જે માત્ર જ્ઞાનનું ફળ છે તેમાંથી મુક્તિ અપાવવી હોય.
આધ્યાત્મિકતાનું વિજ્ઞાન આંતરિક ખોજ હોઈ અર્થ મૂલ્યનું વિજ્ઞાન છે. ભૌતિક વિજ્ઞાનોએ જેવું અધ્યયન કર્યું છે એવા ભૌતિક સ્વરૂપમાંથી ટેક્નોલોજી દ્વારા તૈયાર થયેલા યંત્રોમાંથી મૂલ્યોનું તારણ થતું નથી. મૂલ્યોનું તારણ મનુષ્યની ભાવનાના ઊંડાણમાંથી થાય છે. (‘ઈમ્પેક્ટ ઓફ સાયન્સ ઓન સોસાયટી’ પૃ.૭૭)માં બર્ટ્રાન્ડ રસેલે કહે છે: ‘યંત્રની મૂર્તિપૂજા ઘૃણાસ્પદ છે. પૂજાના પદાર્થ તરીકે યંત્ર એ શેતાનનું આધુનિક સ્વરૂપ છે અને તેની પૂજા શેતાનપદ છે…
‘બીજું ગમે તે યાંત્રિક હોઈ શકે, પરંતુ મૂલ્યો યાંત્રિક નથી અને આ એક એવી ચીજ છે જે રાજકીય તત્ત્વજ્ઞાનીએ ભૂલવી ન જોઈએ.’
જો મૂલ્યો યાંત્રિક ન હોય અને તે બાહ્ય ભૌતિક સ્વરૂપમાંથી મેળવી શકાતાં ન હોય તો તે આધ્યાત્મિક હોવાં જોઈએ અને તેની ખોજ ખુદ મનુષ્યની ફિલસુફીનો એક ભાગ છે જેમાંથી તે મેળવી શકાય છે.
સિગ્મન્ડ ફ્રોઈડ અને બીજાઓના કથિત ગહન માનસશાસ્ત્રમાં પણ પશ્ચિમનું વિજ્ઞાન મૂલ્યોનું વિજ્ઞાન વિકસાવી શક્યું નહિ. ફ્રોઈડ અને બીજાઓએ પોતે જે માનવ મનોતંત્રપરથી નકાબ હટાવ્યો તેમાં માત્ર જાતીયવૃત્તિ, હિંસા અને સત્તાભૂખ જોવા મળ્યાં, કારણ કે તેમની વૈજ્ઞાનિક ખોજ પર ભૌતિકવાદની માન્યતા છવાયેલી હતી. પશ્ચિમના વૈજ્ઞાનિક મગજ પર આ માન્યતા સવાર થવાનું કારણ પશ્ચિમની અસહિષ્ણુ ધાર્મિક પરંપરા જે વૈજ્ઞાનિક કે આધ્યાત્મિક પાસામાં નથી પરંતુ વાંશિક વિવિધતામાં રહેલી છે, જે વિજ્ઞાન અને તેની મુક્ત ખોજને રુંધવા માગે છે અને જેણે વિશ્વના અન્ય ધર્મો સાથે જે કંઈ કર્યું તે પોતાના ધર્મ સાથે પણ કર્યું છે.
પરંતુ કમભાગ્યે તે માત્ર અનુભવ હતા. વૈશ્વિક અનુભવ નહિ. બીજી તરફ ભારતે એના લાંબા ઈતિહાસ કાળ દરમ્યાન ભૌતિક વિજ્ઞાનો અને અંદરોઅંદરના તેમજ પારસ્પરિક ધાર્મિક સંબંધો પ્રત્યે સમજણ અને સહિષ્ણુતા કેળવેલી છે. પશ્ચિમે જે સંઘર્ષો સર્જ્યા છે તે ભારતે સર્જ્યાં નથી. આ સંઘર્ષોમાં શ્રદ્ધા વિરુદ્ધ તર્ક, ધર્મવિરુદ્ધ ધર્મ, ધર્મ વિરુદ્ધ વિજ્ઞાન, મગજ વિરુદ્ધ પદાર્થ (આધ્યાત્મિક વિરુદ્ધ ભૌતિક) અને સ્વાભાવિક વિરુદ્ધ અતિસ્વાભાવિકનો સમાવેશ થાય છે. પંડિત જવાહરલાલ નહેરુ જેમણે ભારતમાં અર્વાચીન વિજ્ઞાન અને ટેક્નોલોજીને સંવર્ધી તેમણે તેમના પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઈંડિયા’માં એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે વિજ્ઞાને પશ્ચિમના દેશોના મુકાબલે ભારતમાં હજી વધુ સાંકડી કેડી કંડારવાની છે અને ભારતમાં વિજ્ઞાને વધુ પ્રમાણમાં વિકાસ સાધવાનો છે કારણ કે ભારતની રાષ્ટ્રીય પરંપરા વિજ્ઞાનનું સ્વાગત કરે છે. (પૃષ્ઠ : ૬૨૬-૨૭)
‘પશ્ચિમના દેશો ઉપર વિજ્ઞાને વર્ચસ્વ જમાવ્યું હતું અને ત્યાંનાં લોકો વિજ્ઞાનને અર્ધ્ય ધરતાં હતાં. આમ છતાં હજી સુધી પશ્ચિમના દેશો વિજ્ઞાનની સાચી ભાવના વિકસાવવાથી દૂર જ રહ્યા છે. આ દેશો હજી સર્જનાત્મક સંવાદિતામાં દેહ અને આત્મા પ્રસ્થાપિત કરી શક્યા નથી. ભારતમાં આપણને લાંબા અંતરની મુસાફરી કરવાની હોય છે, છતાં આપણા માર્ગમાં મુખ્ય અવરોધો ઓછા હોવાની શક્યતા છે, કારણ કે યુગોથી ભારતીય વિચારધારાઓનો પાયો વૈજ્ઞાનિક ભાવના અને અભિગમ તેમજ આંતરરાષ્ટ્રીયવાદમાં બંધ બેસે તેવો છે. તે સત્યની નિર્ભય ખોજ, માનવની નક્કર એકાત્મતા, દરેક જીવાત્માની દિવ્યતા, વ્યક્તિ અને પ્રાણીના સહકારયુક્ત વિકાસ અને મનુષ્યના વિપુલ સ્વાતંત્ર્ય અને મનુષ્યના વિકાસના ઉચ્ચ તબક્કાઓ પર નિર્ભર છે.’
વળી શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ વિશેના એમના પ્રવચનમાં જવાહરલાલ નહેરુએ કહ્યું હતું : (પૃ.૨) કે ‘વિશ્વની અન્ય પ્રવૃત્તિઓ છતાં ભારતે એના દીર્ઘકાલીન ઈતિહાસ દરમ્યાન જીવનનાં આધ્યાત્મિક મૂલ્યોની કદી અવગણના કરી નથી. અને તેણે સત્યની ખોજને મહત્ત્વ આપેલું છે અને સત્યના શોધકોનું હંમેશાં અભિવાદન કરેલું છે. પછી તેઓ પોતાને ગમે તે નામથી ઓળખાવતા હોય. આમ ભારતે એની સત્ય અને વાસ્તવિકતાની ખોજની પરંપરા ઊભી કરી છે અને સાથે સાથે પોતાની રીતે સત્યની શોધ માટે સંનિષ્ઠ પ્રયાસ કરે છે તેની પ્રતિ ઉત્કટ સહિષ્ણુતા દાખવવાની પરંપરા ઊભી કરી છે.
ભૌતિક વિજ્ઞાનો દ્વારા વાસ્તવિકતાનો અભ્યાસ થવા જોઈએ; તેનો વ્યય થવો ન જોઈએ. ભૌતિક વિજ્ઞાનોને એમની પોતાની મર્યાદાઓ છે કારણ કે આ વિજ્ઞાનો સંપૂર્ણપણે ઈંદ્રિયોરચિત માહિતી ઉપર આધાર રાખે છે. તેઓનું મર્યાદિત ‘ભૌતિક’ વિશેષણ એનો નિર્દેશ કરે છે. કેટલાક વૈજ્ઞાનિકોએ જાતે જ આ મર્યાદા પ્રતિ અંગુલિનિર્દેશ કર્યો છે જેમાં ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી સર આર્થર એડિન્ગ્ટનનો સમાવેશ થાય છે જેણે એના પુસ્તક ‘ધ ફિલોસોફી ઓફ ફિઝિકલ સાયન્સ’માં પૃષ્ઠ ૧૬-૧૭માં લખ્યું છે:
‘આપણે એવું ધારી લઈએ કે એક દરિયાઈ પ્રાણીઓનો અભ્યાસુ મહાસાગરના જીવોની ખોજ કરી રહ્યો છે. તે જળમાં જાળ નાખે છે અને તેમાં સપડાયેલા દરિયાઈ જીવોને બહાર લાવે છે. આ જીવોની મોજણી કર્યા બાદ વૈજ્ઞાનિક ઢબે કંઈક સ્થાપિત કરવા તરફ વળે છે. તે બે સામાન્ય હકીકતો તારવે છે: (૧) કોઈ પણ દરિયાઈ પ્રાણી બે ઈંચથી ઓછી લંબાઈ ધરાવતું નથી, અને (૨) દરેક દરિયાઈ પ્રાણીને gills હોય છે.
હર વખત જાળમાં સપડાયેલ જીવો માટે ઉપરનાં તારણો સાચાં નીકળવાથી તે તત્પૂરતું એમ ધારી લે છે કે જેટલી વખત આવા જીવો જાળ દ્વારા બહાર કાઢવામાં આવે તે બધા માટે આ તારણો સાચાં સર્જાયેલાં છે. તે જે સામાન્ય તારણ ઉપર આવ્યો છે તે તેણે જાળમાં પકડેલા જીવો માટે સાચાં છે, પરંતુ જે જાળમાં નથી સપડાયા એવા અન્ય જીવો અંગે સામાન્ય તારણ કાઢવામાં તેને રસ નથી.’
ઉપરોક્ત પુસ્તકની પ્રસ્તાવના (પૃ.૪)માં તેણે નોંધ્યું છે કે, ‘હું એમાંનો એક નથી જેઓ ધારે છે કે સત્યની ખોજમાં મનુષ્યના અનુભવનાં બધાં પાસાંની અવગણના કરવી જોઈએ સિવાય કે ભૌતિક વિજ્ઞાનોમાં અનુસરાતાં પાસાં-મનુષ્યના અનુભવનું વિસ્તૃત મહત્ત્વ અને ભૌતિક વિજ્ઞાનોની વિશિષ્ટ ફિલસૂફીને આવરી લેતી ફિલસૂફી વચ્ચે હું કોઈ વિસંવાદિતા જોતો નથી – ભૌતિક વિજ્ઞાનોની ફિલસૂફી તાજેતરમાં વિકસેલ વિચારધારા પદ્ધતિ સાથે સંકળાયેલી હોવા છતાં. આ પદ્ધતિની સ્થિરતાની હજી ચકાસવામાં આવી નથી.’
જ્યારે ભૌતિક વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો જ્યારે વિશેષણ ‘ભૌતિક’માં રહેલ મર્યાદા ભૂલી જાય છે અથવા તેને અવગણે છે અને જ્યારે તેઓ મનુષ્યના જીવન અથવા સમગ્રપણે વાસ્વવિકતાના સ્વરૂપ વિષે નિર્ણય કરવા બેસી જાય છે ત્યારે તેઓ જડ માન્યતાના શિકાર બને છે અને સત્યની શોધની અવગણના કરે છે. આવી જ રીતે શંકરાચાર્યે ઉપનિષદ પરનાં ભાષણોમાં જણાવ્યું છે કે આધ્યાત્મિકતાનું વિજ્ઞાન જે ઈંદ્રિયોથી પર એવી વાસ્તવિકતા સાથે કામ પાડે છે તેને ઈંદ્રિયોના અનુભવની અંદર રહેલ તત્ત્વના અંગે નિર્ણય કરવાનો કોઈ અધિકાર નથી, ભૌતિક વિજ્ઞાનો ઈંદ્રિયોના અનુભવના ક્ષેત્રે સર્વોચ્ચ આધિપત્ય ધરાવે છે એવું શંકરાચાર્ય બૃહદારણ્યક ઉપનિષદ પરના ભાષ્યમાં જણાવે છે. (૩.૩.૧ અને ૪.૩.૬)
न च प्रमाणान्तरविरुद्धार्थ विषये श्रुतेः प्रामाण्यं कल्प्यते, यथा शीतोऽग्निः क्लेदयतीति । श्रुते तु तादर्थ्ये वाक्यस्य प्रमाणान्तरस्य आभासत्वम् । यथा खद्योतोऽग्निरिति, तलमलिनमन्तरिक्षमिति बालानां यत् प्रत्यक्षमपि तद्विषयप्रमाणान्तरस्य यथार्थत्वे निश्चिते, निश्चितार्थमपि बालप्रत्यक्षम् आभासीभवति ।।
‘જ્ઞાનનાં અન્ય સાધનો દ્વારા પરસ્પર વિરોધી જાહેર થયેલ બાબતો પર શ્રુતિઓ (વેદો)ને નિર્ણય આપવાનો અધિકાર નથી. ઉદાહરણ તરીકે જો તેઓએ એવું કહ્યું હોય કે ‘અગ્નિ ઠંડો છે અને તે વસ્તુઓને ભીંજવે છે.’ પરંતુ જો ફકરા (તત્ ત્વમ્ અસિ જેવી શ્રુતિઓ)નો અર્થ જો શ્રુતિમાં જણાવ્યા પ્રમાણે પ્રમાણિત થયો હોય તો જ્ઞાનના અન્ય સાધનોનું પ્રમાણ ક્ષતિયુક્ત (ભ્રામક) ગણવું જોઈએ. ઉદાહરણ તરીકે મૂર્ખ (અજ્ઞાન) માણસો અગ્નિ વિશે એવું વિચારે કે અગ્નિની જેમ ઊડે અથવાતો આકાશ એક ભૂરી સપાટી છે તો એક બેશક ઈંદ્રિયોની સમજ છે. પરંતુ આ બાબતમાં જ્ઞાનનાં અન્ય સાધનોનું પ્રમાણ જો સાચું હોય તો અજ્ઞાનીએ આ બાબતમાં ઈંદ્રિયો દ્વારા જે સમજ કેળવી હોય તો પણ તે સમય ભ્રામક છે.’
न च प्रत्यक्षम् अनुमानेन बाधितुम शक्यते.. न च पदार्थस्वभावो नास्ति ।
न हि अग्नेः उष्ण स्वाभाव्यम् अन्य निमित्तम् उदकस्य वा शैत्यम् ॥
‘સમજ નિષ્કર્ષ દ્વારા રદબાતલ થઈ શકતી નથી. પદાર્થોના નૈસર્ગિક ગુણધર્મ કોઈ ઈનકાર કરી શકે નહિ. કેમ કે અગ્નિની નૈસર્ગિક ગરમી કે પાણીની શિતલતા કોઈ અન્ય કારણને આભારી નથી.’
સ્વામી વિવેકાનંદ એમના ‘રિલિજિયન એન્ડ સાયન્સ’ પરના પ્રવચનમાં જણાવે છે:
‘અનુભવ જ્ઞાનનું એક માત્ર સાધન છે. વિશ્વભરમાં ધર્મ એક માત્ર વિજ્ઞાન છે જ્યાં કોઈ નિશ્ચિતતા નથી કારણ કે એ અનુભવતા વિજ્ઞાન તરીકે શિખવાડાતો નથી. આવું થવું ન જોઈએ. માણસોનું એક નાનું જૂથ છે જે અનુભવમાંથી ધર્મ શિખવાડે છે. તેઓ રહસ્યવાદી (??) તરીકે ઓળખાય છે, જેઓ દરેક ધર્મમાં એક જ ભાષા બોલે છે અને એક જ સત્ય શિખવાડે છે. આ જ સાચું ધર્મનું વિજ્ઞાન છે.
‘જેવી રીતે દુનિયાના કોઈ પણ ભાગમાં ગણિતમાં મતભેદ નથી તેવી રીતે રહસ્યવાદીઓમાં પણ કોઈ જાતનો મતભેદ નથી…
‘જેવી રીતે રસાયણશાસ્ત્ર અને અન્ય કુદરતી વિજ્ઞાનો ભૌતિક વિશ્વનાં સત્યો સાથે કામ પાડે છે. તેવી રીતે ધર્મ આધિભૌતિક વિશ્વનાં સત્યો સાથે કામ પાડે છે. જો રસાયણ શાસ્ત્ર વિશે કોઈને પુસ્તક વાંચવું હોય તો તેણે નિસર્ગનું પુસ્તક વાંચવું રહ્યું. જો કોઈ પુસ્તકમાંથી ધર્મ શીખવો હોય તો તે તમારું પોતાનું મગજ અને હૃદય છે. ઘણી વાર સંત ભૌતિક વિજ્ઞાન વિશે અજ્ઞાન હોય છે કેમ કે તે ખોટું પુસ્તક વાંચે છે – ભીતર (માંહ્યલા)નું પુસ્તક અને ઘણી વાર વૈજ્ઞાનિક ધર્મ વિશે અજ્ઞાન હોય છે કારણ કે તે પણ ખોટું પુસ્તક વાંચે છે-બહાર (બાહ્ય)નું પુસ્તક.
Your Content Goes Here




