(સ્વામી આત્મશ્રદ્ધાનંદજી રામકૃષ્ણ મિશન આશ્રમ, કાનપુરના સચિવ છે. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માંથી તેમના લેખનો ગુજરાતી અનુવાદ કરેલ છે. – સં.)

શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા: વિદ્યાર્થીઓનું દૃષ્ટિબિંદુ

શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા એ જ્ઞાનનો ભંડાર છે. તેમાં જીવન જીવવાની કળા વિશેનાં મૂલ્યવાન રત્નો સમાવિષ્ટ છે. વળી તે જગતના શાસ્ત્રો માંહેનાં સૌથી વિશેષ વંચાતાં શાસ્ત્રો પૈકીનું એક છે. ગીતાના ઉપદેશો સર્વત્ર અગણિત નર–નારીના જીવનમાં અંગભૂત છે. ભારત અને અન્ય દેશોમાં સમાનપણે ગીતા વિદ્વાનો, ચિંતકો, સાધુ–સંતો, નેતાઓ, વૈજ્ઞાનિકો, આધ્યાત્મિક સાધકો કે સાધારણ જન—એ સૌ કોઈ માટે પ્રેરણા અને સામર્થ્યનો સ્રોત છે. સાચે જ ગીતા એ ભારતનું સર્વમાન્ય શાસ્ત્ર છે.

આ સાચું છે અને તેની મહત્તાને ઉજાગર કરવાની આવશ્યકતા નથી. છતાં ગીતા વિદ્યાર્થી–જગતમાં લોકપ્રિય નથી. ભારતમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ માટે ગીતા એ એક કૂટપ્રશ્ન સમાન છે. તેઓએ તેનું નામમાત્ર સાંભળ્યું છે. કેટલાક વિદ્યાર્થીઓ જાણે છે કે ગીતા મહાભારત મહાકાવ્યનો એક અંશ છે. પરંતુ મોટા ભાગના યુવાનો જાણતા નથી કે ગીતામાં તેઓ માટેનું મૂલ્યવાન જ્ઞાન સમાહિત છે. વળી, ઘણી વખત એવું પણ માનવામાં આવે છે કે આધુનિક વિદ્યાર્થીઓના સંદર્ભમાં ગીતામાં તો ‘અતિ ઉચ્ચ’ વિભાવનાઓ છે. અલબત્ત, વિદ્યાર્થીઓને ગીતા પ્રત્યે આદરભાવ છે, પરંતુ તેઓ માને છે કે ગીતા–જ્ઞાનને સમજવું અત્યંત દુષ્કર છે (માટે તેનું વાંચન ટાળવું) અથવા તો ગીતા–અધ્યયનને જિંદગીના પછીના સમયગાળા માટે ક્યારેક યોગ્ય સમય સુધી મુલવતી રાખવું—મોટે ભાગે આવો સમય ભવિષ્યમાં ક્યારેય આવતો નથી!

વિભિન્ન સમસ્યાઓ અને પડકારોથી ભરપૂર વર્તમાન સમયે વિદ્યાર્થીઓ પૂછે છે, ‘ગીતા અમને શો બોધ આપી શકે તેમ છે?’ આ મુદ્દા બાબતે રુચિ કેળવવા પ્રત્યે વર્તમાન શિક્ષણપ્રથા લક્ષ ધરાવતી નથી. મોબાઇલ અને ઇન્ટરનેટ માધ્યમોના અવિચારી ઉપયોગને કારણે વર્તમાન કાળમાં વિદ્યાર્થીઓ આંતર–બાહ્ય પડકારો સામે ઝઝૂમી રહ્યા છે. નિરંતર ઉપસ્થિત થતાં વિઘ્નો અને વિભિન્ન પ્રકારનાં પ્રલોભનો વચ્ચે પોતાના સામાન્ય અભ્યાસ તથા પરીક્ષા પ્રત્યે એકાગ્રતા જાળવી રાખવા સક્ષમ બનવું, એ તેમની સમક્ષનો મોટો બાહ્ય પડકાર છે. પોતાના લક્ષને વળગી રહેવું, મનની એકાગ્રતા કેળવવી, ઉપભોગવાદી અને સ્વાર્થમય જીવન જીવવા માટેનાં પ્રલોભનો સામે અડગતા કેળવવી—આ છે આંતર પડકારો. આ પડકારોનો સામનો કરવા જતાં સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, નિ:સ્વાર્થતા, કૃતજ્ઞતા, આત્મસંયમ, આત્મબલિદાન અને આત્માનુશાસન જેવાં જીવનમૂલ્યોની અવગણના થાય છે. વિદ્યાર્થીઓનાં વર્તન–વ્યવહાર અને જીવન પ્રત્યેના તેમના દૃષ્ટિકોણને લઈને તેમનાં માતાપિતા, શિક્ષકો અને વિચારશીલ વિદ્યાર્થીઓમાં દુ:ખ અને નિરાશાની લાગણી જન્મે છે.

યુવાન-મનને પ્રદાન કરવા જેવું ગીતામાં ઘણું બધું છે. ગીતા પ્રત્યેના વર્તમાન દૃષ્ટિકોણથી વિપરીત વિદ્યાર્થીઓની વર્તમાન અવસ્થામાં તથા તેમના જીવનનાં પછીનાં વર્ષોમાં સહાયભૂત બને તેવું ગીતામાં પ્રચુર જ્ઞાનધન છે. ગીતા ગહન ચિંતનાત્મક વિચારો ધરાવતો ગ્રંથ-માત્ર નથી, પરંતુ તે વ્યવહારુ જ્ઞાનથી ભરપૂર છે. ગીતાના અધ્યયન દ્વારા વિદ્યાર્થી ઘણું બધું શીખી શકે તેમ છે.

ગીતાના નિષ્ઠાપૂર્વકના અધ્યયન દ્વારા વિદ્યાર્થી સારો વિદ્યાર્થી અને સારો માનવ બની શકે છે. જીવનના વિભિન્ન આયામોના સંવર્ધન માટેના અનેક મૂલ્યવાન સૂચનો અને માર્ગદર્શન ગીતામાં ઉપલબ્ધ છે, જેવાં કે માનવનું સાચું સ્વરૂપ, મનની એકાગ્રતાની કેળવણી, નકારાત્મક મનોવલણની નાબૂદી, ક્રોધ પર વિજય, જીવન પ્રત્યેના હકારાત્મક દૃષ્ટિકોણનું સર્જન, સુદૃઢ અને વિશુદ્ધ વ્યક્તિત્વનું ઘડતર ઇત્યાદિ.

વિદ્યાર્થીજીવનના દૃષ્ટિબિંદુને લક્ષમાં રાખીને ગીતામાંથી કેટલાક મહત્ત્વપૂર્ણ શ્લોકોનું ચયન કરાયું છે. વારુ, વહાલા વિદ્યાર્થીઓ, ગીતાના અધ્યયનથી તમને ખ્યાલ આવશે કે તેમાં માનવજાતના ઉપયોગી ઉચ્ચતમ અને સર્વોત્તમ આદર્શો તેમજ વિભાવનાઓને કારણે વૈયક્તિક અને સામુહિક જીવન સમૃદ્ધ અને સુખકર બની શકે છે. ગીતાનું વાંચન તેમાંના જ્ઞાનની ગરિમા અને મહિમા પ્રગટ કરશે; એનું ગહન અધ્યયન અને પુનરાવર્તિત ચિંતન તેમાં છુપાયેલા ગહનતર અને નવીન અર્થને પ્રકાશિત કરશે.

શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા વિશે કેટલીક હકીકતો

(૧) ભગવદ્‌ ગીતા ‘ગીતા’ એવા નામે પ્રચલિત ગ્રંથ છે. સંસ્કૃત શબ્દ ‘ગીતા’નો અર્થ થાય ગાન કે ગીત. ભગવાન શ્રીકૃષ્ણે ગીતા–ગાન કર્યું હોવાથી તે ભગવદ્‌ ગીતા અર્થાત્‌ ભગવાનનું ગીત કહેવાય છે. જો કે હિંદુ શાસ્ત્રમાં અનેક ગીતા (જેમ કે હંસ ગીતા, અવધૂત ગીતા, અષ્ટાવક્ર ગીતા) છે. પરંતુ પ્રચલિત રીતે ગીતા એટલે શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા એમ જ મનાય છે.

(૨) ગીતામાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોક છે. મહાભારત મહાકાવ્ય અંતર્ગતના ભીષ્મપર્વમાં અધ્યાય ૨૫ થી ૪૨માં ગીતા સમાવિષ્ટ છે.

(૩) ગીતાના પ્રત્યેક અધ્યાયને યોગરૂપે ગણાયો છે. યોગ અર્થાત્‌ આત્મજ્ઞાનનો પથ. પ્રત્યેક અધ્યાયનું અલગ અલગ નામ છે—જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ, વગેરે. પ્રત્યેક અધ્યાયને અંતે આવું નામકરણ જોવા મળે છે.

(૪) ગીતા શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદરૂપે પ્રસ્તુત કરાઈ છે. અર્જુનનાં અનેક નામ દર્શાવાયાં છે, જેમ કે પાર્થ, પાંડવ, ભારત, મહાબાહુ, કૌન્તેય, વગેરે. અર્જુન પાંચ પાંડવો પૈકીનો એક છે. પાંડવોને તેમના પિતરાઈ ભાઈ કૌરવોએ રાજ્ય-શાસનના હકથી વંચિત રાખ્યા હતા. રાજ્ય-શાસનમાં હિસ્સો મેળવવાની સઘળી વાટાઘાટો અને વૈકલ્પિક સમાધાન નિષ્ફળ જતાં પાંડવો કૌરવો સામે યુદ્ધ કરવા પ્રતિબદ્ધ થયા હતા.

(૫) અર્જુનને બોધ આપતી વખતે ભગવાન શ્રીકૃષ્ણ પોતાને માટે બધી જગ્યાએ ‘મને’ એવું સર્વનામ વાપરે છે. ગીતામાં રહેલ ‘હું’ અને ‘મને’ શબ્દ પરમાત્માસૂચક છે.

(૬) ગીતાનો પ્રારંભ કૌરવોના પિતા અને અંધરાજા એવા ધૃતરાષ્ટ્ર તેમજ તેમના સખા સંજય વચ્ચેના સંવાદથી થાય છે. યુદ્ધક્ષેત્રમાં બનતી ઘટનાઓ દૂરના સ્થળેથી જોઈ શકવાની દિવ્યદૃષ્ટિ સંજયને પ્રાપ્ત થઈ હતી. સંજય દ્વારા સંવાદનો પ્રારંભ થાય છે. તેમાં કૌરવાધિપતિ દુર્યોધને ગુરુ દ્રોણાચાર્યને કરેલ બંને સૈન્યનું વર્ણન જોવા મળે છે. યુદ્ધના પ્રારંભ રૂપે બંને સેનાના યોદ્ધાઓ શંખનાદ કરે છે.

(૭) અર્જુનની વિનંતીથી તેના સારથિરૂપે કાર્ય કરતા શ્રીકૃષ્ણ પોતાનો રથ બંને સેનાની વચ્ચે લાવે છે. અર્જુન પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણને જુએ છે અને તેમની સામે યુદ્ધ કરવાના વિચારમાત્રથી ભયગ્રસ્ત અને શોકમગ્ન બની જાય છે. તે હતાશ થઈ જાય છે, સમાજના પતન અને રાષ્ટ્રના નાશ જેવાં અનેક દુષ્પરિણામો સર્જનાર અર્થહીન યુદ્ધમાં લડવાનો ઇન્કાર કરે છે. અર્જુન હતપ્રભ તેમજ વ્યગ્ર બનીને રથમાં બેસી જાય છે અને પોતાના કલ્યાણ અર્થે શું કરવું તેની સલાહ માગે છે. પછીના સંવાદમાં શ્રીકૃષ્ણ અર્જુનને બોધ આપે છે, જેનું સંજય વર્ણન કરે છે. આ વર્ણન મહર્ષિ વેદવ્યાસ રચિત મહાકાવ્ય ‘મહાભારત’માં આપણી સમક્ષ ગીતારૂપે પ્રસ્તુત છે.

(૮) શ્રીકૃષ્ણ અર્જુનને યુદ્ધની યથાર્થતા અને તેની યોદ્ધા તરીકેની ફરજ યાદ દેવડાવે છે. શ્રીકૃષ્ણ અર્જુનને હૃદયની દુર્બળતા અને કાયરતાનો ત્યાગ કરી યુદ્ધ કરવા તત્પર થવાની સલાહ આપે છે. સમગ્ર ઘટનાક્રમમાં યુદ્ધ કરવાની તૈયારી તથા પછીથી ઊપજેલ કાયરતાની તુલના માનવજીવનમાં ઉપસ્થિત થતી પરિસ્થિતિ સાથે કરાઈ છે. સમસ્યાઓનો સામનો કરતી વખતે માનવ પણ અર્જુનની જેમ જ સાહસ અને ઉત્સાહ ગુમાવી દઈને હતોત્સાહ થઈ જાય છે. અર્જુનને મીઠો ઠપકો આપીને તેનાં સંશય તેમજ દ્વિધાનું નિરાકરણ કરીને શ્રીકૃષ્ણ તેને યુદ્ધ કરવા પ્રવૃત્ત કરે છે.

(૯) આત્મા તરીકે ઓળખાતા દિવ્ય સ્વરૂપમાંથી પ્રગટ થતાં અંતર્નિહિત સામર્થ્ય અને જ્ઞાન પ્રત્યે શ્રીકૃષ્ણ અર્જુનનું ધ્યાન દોરે છે.

(૧૦) યુદ્ધ કુરુક્ષેત્ર નામના સ્થળે થયું હતું. તે હરિયાણા રાજ્યનું, નવી દિલ્હીથી ૧૨૦ કિ.મી.ના અંતરે આવેલ સ્થળ છે. એમ માનવામાં આવે છે કે કુરુક્ષેત્રના વિસ્તારમાં મહાભારતના યુદ્ધ સંબંધિત અનેક સ્થાનો આવેલાં છે.

(૧૧) પ્રતીકાત્મક રૂપે  કુરુક્ષેત્ર એટલે માનવજીવનરૂપી યુદ્ધભૂમિ. પાંડવો એટલે શુભ ભાવનાઓ. કૌરવો એટલે અશુદ્ધ, અનુશાસનહીન તેમજ અવિવેકી મનમાંથી ઊપજતી અશુભ વૃત્તિઓ.

(૧૨) સ્વાર્થપૂર્ણ અને નિ:સ્વાર્થ કાર્યનાં પરિણામ, ધ્યાનની પદ્ધતિ, ભગવદ્‌–પ્રેમ, લાગણી અને મનોવૃત્તિની સંયમનો વિધિ તેમજ આધ્યાત્મિક અને નૈતિકતાથી કેવી રીતે મુક્ત અને સુદૃઢ બનવું—એવા વિભિન્ન મુદ્દાઓનું વિશદ વિવેચન ગીતામાં પ્રસ્તુત કરાયું છે.

Total Views: 6

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.