વિદ્યાર્થી જગતમાં બહુધા પ્રશ્ન સતાવતો હોય તો એ છે કે ‘યાદ નથી રહેતું’ આ પ્રશ્ન મોટેરાંઓને પજવતો હોય છે. આપણાં મનની અપેક્ષા એવી હોય છે કે આપણને વાંચેલું બધું યાદ રહી જાય, રહી જ જવું જોઈએ. સ્વાભાવિકપણે આપણને સહુને એમ થાય, પણ દરેક વખતે એમ થતું હોતું નથી. આપણી સગી આંખે જોયેલું, સગા કાનોએ સાંભળેલું અને સગી જીભે બોલાયેલું પણ આપણને યાદ રહેતુ નથી તો પછી વાંચેલું બધું ક્યાંથી યાદ રહી શકે? ભૂલવાની અને ભૂલી જવાની પ્રક્રિયા પણ કુદરતી આપણામાં હોય છે. તો પછી વાંચેલું બધું અથવા પૂરેપૂરું કે ઘણુંખરું આપણને કેમ યાદ રહે તેની મથામણ સહુ કોઈને વત્તાઓછાં પ્રમાણમાં રહેતી હોય છે.
મિત્રો, પા પા પગલી માંડતું બાળક ચાલતાં શીખે ત્યારે કદીએ ન પડી જતું હોય એવું બની શકે ? સાયકલ ચલાવતાં શીખનાર કદીયે ન પડે એવી ઘટના ક્યારેક જ બને. વાહન ચલાવનાર, અવકાશમાં ઉડનાર કે તરતાં શીખનાર ક્યારેય હાલકડોલક સ્થિતિમાં ન મૂકાઈ જાય તો જ નવાઈ !
આથી વાંચેલું યાદ રાખવા માટે જરૂર છે, ફરી ફરીને વારંવાર વાંચવું. વારંવાર વાંચવાથી અક્ષરો, શબ્દો, વાક્યો, ફકરા વગેરે આપણા માનસપટ પર અંકિત થતાં જશે અને પછી સહજભાવે યાદ રહેતું જશે. અહીં એક કદમ આગળ જવા માટે દૃઢીકરણ કરવું પડશે. દૃઢીકરણ પછી ભૂલવાની સંભાવના ઘટી જશે. વાંચનની આ પ્રક્રિયા – ‘મહાવરો’ કહેવાય.
અહીં મહાવરો સમજવા એક-બે ઉદાહરણીય વાર્તા યાદ કરી લઈએ.
એક રાજા અફીણનો બંધાણી હતો. તેને અફીણ છોડાવવા તેની રાણીએ એક યુક્તિ કરી. રાણીએ રાજાને અફીણ પોતાના હાથે જેટલું આપશે તેટલું તે ખાઈ શકશે એવી ખાતરી લઈ લીધી. રાણી દરરોજ અફીણનો જથ્થો ધીમેધીમે ઓછો કરતી ગઈ અને રાજાને એક દિવસ ખ્યાલ પણ ન રહ્યો કે તેને નહિવત્ માત્રામાં જ અફીણ મળવાનું છે, અફીણનું બંધન છૂટી ગયું. આ છે મહાવરો.
ખૂબ પશુધન ધરાવતા માલિકને તેની પત્નીએ પડકાર ફેંકતા કહ્યું કે ‘મહાવરાથી બધું જ શક્ય છે.’ પણ માલિક એ બાબતે અસંમત હતો. પત્નીએ તેના તબેલામાંથી એક ભેંસને જે બચ્ચું જન્મ્યું તે દિવસથી પોતાની કાખમાં તેડવાનું શરૂ કર્યું. ભેંસના બચ્ચાનાં પાલન પોષણ થતાં ગયા તેમ તેમ તેનાં કદ અને વજન પણ વધતાં ગયાં. માલિકની પત્નીએ નિયમિતપણે પોતાની કાખમાં તે બચ્ચાંને તેડીને ફરવાનો ક્રમ ચાલુ રાખ્યો. પરિણામે એક દિવસ એવો આવ્યો કે તે આખી, પૂર્ણકદની ભેંસને પોતાની કાખમાં તેડી શકતી હતી અને તેણે તેના માલિકને પ્રત્યક્ષ નિદર્શન પણ કરાવી દીધું. મિત્રો વાત મૂળ છે મહાવરાની.
વાંચન પ્રક્રિયામાં મહાવરાની પ્રક્રિયા ક્યારેક કંટાળાજનક પણ લાગે પરંતુ જ્યાં સુધી આપણે પરીક્ષાઓ આપ્યે રાખવાની છે અને સારા ગુણ મેળવવા છે ત્યાં સુધી મહાવરો એ અનિવાર્ય છે.
જીવનલક્ષી વાંચનમાં પણ વાંચનના અનુકાર્ય તરીકે, વાંચેલું ભૂલાઈ ન જાય તે માટે ફરી ફરીને વાંચવું જરૂરી બની રહે છે જ્યાં સુધી વાંચનમાં પકડ ન આવે, એકાગ્રતા ન આવે ત્યાં સુધી વાંચનનું આવર્તન જ એકમાત્ર ઉપાય છે. પાણી ભરેલું પાત્ર જ્યાં સુધી બહાર ઊંચકાયેલું હશે ત્યાં સુધી તે ‘ભાર’ લાગ્યા કરશે પણ જેમ પીવાતું જશે તેમ સહજ થતું જશે અને ‘ભાર’ પણ નહીં લાગે.
શંકરાચાર્યે જેને ‘મૂઢ-મતિ’થી નવાજેલ છે અને વિવેકાનંદે જેને પૌષ્ટિક ખોરાકની આવશ્યકતાવાળા મગજ કહ્યા છે તેમને મહાવરાથી સમગ્ર જીવનમાં જીવનનો સાર, વાંચનનો સાર સહજ પણે લભ્ય થશે જેમ શ્રીરામકૃષ્ણદેવને વાંચન વગર પ્રાપ્ત થયો હતો.
Your Content Goes Here




