શ્રીશ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવીને એમના વિશેષ કૃપાપાત્ર થયેલા સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ (૧૮૮૪-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા. પ્રેમેશ મહારાજના નામથી જાણીતા થયેલા આ સંતપુરુષના પ્રેરણાદાયી પત્રોના સંગ્રહ બંગાળી તેમ જ અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયા છે. અંગ્રેજી પુસ્તક ‘Go Forward’ના પ્રથમ ભાગની સમીક્ષા આ સામયિકમાં ફેબ્રુઆરી’૯૪ના અંકમાં પ્રકાશિત થઈ હતી. રામકૃષ્ણ સંઘમાં જોડાતાં પહેલાં સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ એક શિક્ષક હતા. એક સાધારણ શિક્ષક વિદ્યાર્થીઓના ચારિત્ર્યઘડતર દ્વારા રાષ્ટ્રના પુનર્નિર્માણમાં અને વિશ્વના ઇતિહાસમાં કેટલું મહાન યોગદાન આપી શકે છે, તેનું તેઓ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. કેટકેટલા વિદ્યાર્થીઓ તેમના સંપર્કમાં આવી, તેમનું માર્ગદર્શન મેળવી મહાન બની ગયા, કેટલાક રામકૃષ્ણ સંઘના સંન્યાસી બન્યા. વળી, ઘણા વિદ્યાર્થીઓ સમાજના વિભિન્ન ક્ષેત્રોમાં પ્રૉફેસર, ડૉક્ટર, દેશભક્તરૂપે ઝળકી ઊઠયા, તેમનો ‘આત્મ-વિકાસ’ નામનો લેખ ડિસેમ્બર ‘૯૫ના અંકમાં પ્રકાશિત થયો હતો. અહીં વિદ્યાર્થી માટે તેમના પ્રેરણાદાયી બંગાળી પુસ્તક ‘આત્મવિકાસ’ના ઉતરાર્ધનું ગુજરાતી ભાષાંતર પ્રસ્તુત છે. – સં.

(ગતાંકથી ચાલુ)

મન

માણસના મનમાં અનંત શક્તિ રહેલી છે. જેઓ આ શક્તિને સંયમથી એકાગ્ર કરી શકે, તેઓ જ દુનિયામાં પ્રતિભાવાન તરીકે પ્રસિદ્ધ પામ્યા છે. સંયમપૂર્વક કાબૂમાં રાખી ન શકાય તો આ શક્તિ નાશ પામે છે. જીવન-સંગ્રામમાં વિજય મેળવવા માટે જન્મજન્માંતરથી સંગ્રહ કરેલ તમારી અનંત શક્તિઓના ખજાનાનું સંધાન કરો. પ્રબળ ઉત્સાહ, અદમ્ય ખંતથી એક વાર મનને કાબૂમાં લેવાથી તમારે માટે અસાધ્ય કંઈ જ રહેશે નહિ.

મન અત્યંત ચંચળ અને હઠીલું છે. તે આખો દિવસ દોડાદોડ કરે. વળી, કોઈ એક દિશામાં ઝૂકી જાય, તો તેને ત્યાંથી પાછું ખેંચીને લાવવું બહુ કપરું છે. પરંતુ તેને સદ્વિચાર, સત્-ચિંતનમાં સતત નિમગ્ન રાખવાથી શુભ દિશામાં ઝૂકી પડે અને આ જ મન મનુષ્ય જીવનને મહાન બનાવી શકે.

તમારામાં રહેલ અખૂટ મનોબળ, મનની અપાર શક્તિઓ વિષે એકવાર સચેત થઈ જાઓ. મનને યોગ્ય માર્ગે ચલાવવા માટે નિમ્નલિખિત નિયમોનું પાલન કરો :

મનને કાબૂમાં રાખવાના કેટલાક નિયમો :

૧. મનને હંમેશાં સદ્ વિચારોમાં પરોવી રાખો

૨. નાનાં-મોટાં બધાં કામકાજ દેવતાની પૂજા સમજીને ખૂબ કાળજીપૂર્વક પાર પાડો.

૩. પરિશ્રમથી પરસેવો પાડયા પછી પણ ટીકાપાત્ર બનવું તેના જેવી મૂર્ખાઈ બીજી કોઈ છે ખરી? એટલે નાનાં મોટાં બધાં કામ એવી સાવધાનીથી કરો, જેથી કોઈને નિંદા કે ટીકા કરવાની તક સાંપડે નહિ.

૪. ‘છાત્રાણાં અધ્યયનં તપ:’ – ‘વિદ્યાનો અભ્યાસ કરવો એ જ વિદ્યાર્થીઓને માટે તપ છે’ એટલે ભણવા-ગણવામાં કોઈ ત્રુટિ, ભૂલ ન પડે એ જુઓ.

૫. દરેક મનુષ્યને આત્મીય – સ્વજન જેવાં જ સમજો ને બધા દેશોને માતૃભૂમિની જેમ જ પ્યાર કરો. બધાં ધર્મો પ્રતિ શ્રદ્ધા રાખો.

૬. મન મારું ગુલામ, હું મનનો માલિક- એ સમજણ દૃઢતાથી જાળવીને મનને સરળતાથી અસ્થિર કે ઉત્તેજિત થવા દેશો નહિ. મનની કોમળતા, ભાવુકતાના ભાવ ક્યારેય બહાર પ્રકાશિત ન થાય તે ધ્યાનમાં રાખો.

૭. શ્રી ભગવાનના અને મહાપુરુષોના જીવનનાં સુંદરતા, મીઠાશ, મહાનતા તથા ઐશ્વર્યના વિચારોથી મન શુદ્ધ, પ્રસન્ન, એકાગ્ર અને સરળ થાય છે.

બુદ્ધિ

અનેક અભિજ્ઞતા, જ્ઞાન અને સમજણ દ્વારા હૃષ્ટપુષ્ટ વિચાર-શક્તિને બુદ્ધિ કહેવાય. મનુષ્યની દરેક પ્રકારની ઉન્નતિનાં મૂળ તેની તીક્ષ્ણબુદ્ધિ છે. બધી અવનતિનું કારણ બુદ્ધિનો અભાવ છે. જેની બુદ્ધિ જેટલી વધુ વિકસિત, તેનું કાર્ય, કામકાજ તેટલું જ સુંદર, સુચારુ તથા કલ્યાણકારી હોય છે. બુદ્ધિના વિકાસ માટે જ કેળવણીનું આટલું આયોજન છે.

બુદ્ધિને શુદ્ધ રાખવા માટે કોઈ ઉપાયનું અવલંબન લીધા વિના તેનો ફક્ત વિકાસ કરતા રહેવાથી માણસનું ઘોર અકલ્યાણ જ થાય છે. આધુનિક મનુષ્યની બુદ્ધિ સારી રીતે વિકસિત થઈ છે, તેમાં સંદેહ નથી, પરંતુ તે શુદ્ધ નથી; પોતાનું અને રાષ્ટ્રનું કલ્યાણ કેવી રીતે થાય તે આ મલિન બુદ્ધિથી જાણી શકાય નહિ. બુદ્ધિનો વિકાસ જેમ આવશ્યક છે, તેવી જ રીતે, તેને શુદ્ધ કરીને ખીલવવી તે તો હજુયે વધારે જરૂરી છે. પરંતુ આ કાર્ય સહેલું નથી; આની સાધના અઘરી છે. શિક્ષણની સાથોસાથ બુદ્ધિને સ્વચ્છ, નિર્મળ રાખવા માટે બધા પ્રકારના ઉપાયોનું અવલંબન લેવું યોગ્ય છે. યાદ રાખજો કે, જે બુદ્ધિ મનુષ્યનું કાયમ માટે કલ્યાણ કરી શકે નહિ, તે બુદ્ધિ – બુદ્ધિ જ નથી.

ભારતીય આત્મવિજ્ઞાનીઓએ યુગ-યુગ સુધી નિરંતર ગંભી૨ ગવેષણા કરીને જીવના સૃષ્ટિ-સ્થિતિ-સંહાર, વૈજ્ઞાનિક પદ્ધતિથી નિશ્ચયપૂર્વક ખોળી કાઢયાં છે. તેમાંનાં અત્યંત જરૂરી કેટલાંક તથ્ય બાબત જાણે નહિ, તો માનવબુદ્ધિ પોતાનાં હિતાહિત વિષે શું કરવું તેનો નિર્ણય લઈ શકે નહિ.

જે માનવાત્માને માટે આધુનિક યુગમાં વિષયવિલાસનું, આટલાં ઐશ્વર્યનું મહાન આયોજન થયું છે, તેના વિશે આધુનિક સભ્ય-જગત સાવ અજાણ છે. પરિણામે, જગતમાં સલામતીના અભાવની લાગણી, પીડા અને અશાંતિનો પાર નથી. એ વિષે જાણવા જેવું : વિષયના સારરૂપે, તદ્દન સંક્ષેપમાં નીચે આપવામાં આવે છે :

૧. આ જગતના રૂપ-રસાદિ ભોગ કરવાને માટે દરેક જીવ અસંખ્ય વાર એક શરીર નાશ પામે એ પછી બીજું એક શરીર ઘડી કાઢે છે.

૨. પૂર્વજન્મના અનુભવ અનુસાર પરવર્તી જીવનના શરીર-મન ઘડાય છે અને એ શરીર-મન વડે જીવ પોતાના કરેલાં કર્મનાં પરિણામ ભોગવે છે.

૩. જીવનું જ્યારે મૃત્યુ થાય ત્યારે તેનું સ્થૂળ શરીર જ નાશ પામે છે. સૂક્ષ્મ શરીરમાં બધા શુભ-અશુભ સંસ્કારનું ‘સંચિત’ રૂપ રહે છે. બધા સંસ્કારને લોકો ‘અદૃષ્ટ’ અથવા ‘ભાગ્યવિધાતાના લેખ’ કે ‘લલાટે લખેલ’ કહે છે.

૪. જીવ ઇચ્છાનુસાર કર્મ કરે. તેનાં કર્મ-ફળ તેણે ભોગવવાં જ પડે.

૫. કર્મનું રહસ્ય સમજીને પ્રયત્ન કરવાથી પોતાનાં કરેલાં – ન કરવા જેવાં કાર્યોનાં પરિણામ ભોગવવાનું તે ટાળી દઈ શકે.

ટૂંકમાં, શરીર-મનનાં કર્મનાં ફળાફળ વિષે સ્પષ્ટ ધારણા તથા આત્મકલ્યાણ માટેનાં કર્મ અને વિચારની ટેવ પાડવાનો જ કેળવણીનો ઉદ્દેશ છે; તે જ બુદ્ધિની પિછાન આપે છે.

નિમ્નલિખિત નિયમોનું પાલન કરવાથી આ વિષયમાં પૂરેપૂરા લાભાન્વિત થશો :

બુદ્ધિને કલ્યાણમાર્ગે દોરવા કરવા માટે કેટલાક નિયમો :

૧. આદર્શ-જીવનનું ઘડતર કરવાનો પ્રબળ ઉત્સાહ જ આત્મવિકાસનું સાચું કારણ છે. એટલે જ મહાપુરુષો, મહાન વ્યક્તિઓના જીવન ચરિત્ર – આદર્શની ચર્ચા કરો. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, સ્વામીજી વિષેનાં પુસ્તકો આ દિશામાં વિશેષ મદદરૂપ નીવડશે.

૨ કામકાજ ન કરીએ, તો બુદ્ધિની સ્વચ્છતા મળે નહિ. એટલે શક્ય તેટલા જુદા જુદા પ્રકારના કામકાજ શીખો.

ઘરબાર સજાવી રાખવાં, ફળફૂલના બગીચાનું કામ કરવું, સંગીતનો અભ્યાસ, સાહિત્યની ચર્ચા, ચિત્રાંકન વ. કામમાં ઉત્સાહથી ભાગ લો.

૩. મનમાં દૃઢ સંકલ્પ રાખો કે હું પરાવલંબી થઈશ નહિ, બધી બાબતોમાં સ્વાવલંબી, સ્વતંત્રતાના ભાવથી, રહેવા પ્રયત્ન કરીશ.

૪. વિશેષ વિચાર કર્યા વગર કોઈ પણ વિષયમાં ઝૂકી પડવું નહિ.

કામકાજ, માણસો, મતમતાંતર, ખોરાક ઈત્યાદિ વિષયોમાં વિચારહીન રાગદ્વેષ ખૂબ જ હાનિકારક છે.

૫. દૃઢ સંકલ્પ કરો કે હું કોઈનું અનિષ્ટ કરીશ નહિ. ત્યાં સુધી કે જે મારી સાથે દુશ્મનાવટ કરશે, તેનું હું ભલું કરીશ..

૬. ભગવાનનું તત્ત્વ જાણી-સમજીને તેની ઉપાસના, બુદ્ધિને નિર્મળ કરવાનો સર્વોત્તમ ઉપાય છે.

અંતમાં, બુદ્ધિ વિષે એક વિશેષ વાત તમે જાણી રાખો. એક સર્વજ્ઞબુદ્ધિ આ સમગ્ર જગતસૃષ્ટિને ચલાવે છે. તમારી વ્યક્તિગત બુદ્ધિ તેનો જ એક નાનકડો અંશ માત્ર છે. તીવ્ર ઇચ્છાશક્તિના બળથી આ ક્ષુદ્ર બુદ્ધિને પૂર્ણ બુદ્ધિ સાથે યુક્ત કરવી પડશે. ત્યાર પછી આ જ ક્ષુદ્ર બુદ્ધિમાં મહાન બુદ્ધિનો વિકાસ થશે.

નિત્યપ્રાર્થના કરો : ‘હે ભગવાન, અમારી બુદ્ધિને સત્યના માર્ગે દોરી જાઓ, સત્યના માર્ગે લઇ ચાલો.’

ઉપસંહાર :

શરીર, પ્રાણ, મન અને બુદ્ધિ સમભાવથી પ્રકાશિત થાય, ખીલી ઊઠે તે જ સાચી કેળવણી – એક કથનમાં આ જ છે મનુષ્યનો આત્મવિકાસ. જેને આવા પ્રકારની કેળવણી મેળવવાની તક પ્રાપ્ત થઇ અર્થાત્ જે વ્યક્તિ ઉત્તમ સ્વસ્થતા, તંદુરસ્તીનો અધિકાર ધરાવે, જે ખરેખર પ્રાણવાન, મનનશીલ, બુદ્ધિમાન છે, તેને જ આપણે ઠીક ઠીક શિક્ષિત અને સભ્ય કહીશું. બીજી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. જેણે આ રીતે કેળવણી પ્રાપ્ત કરી હોય, તે શિક્ષિત વ્યક્તિમાં જ સુખદુ:ખની અનુભૂતિ અને સૌન્દર્યબોધ – સુંદરતાને પિછાનીને તેને માણવાની વિશેષ શક્તિ પ્રબળ હોય છે. આવા અનુભૂતિશીલ તથા સૂક્ષ્મબોધ – સંપન્ન માણસોની સંખ્યા જે સમાજમાં વધુ હોય, તે સમાજ વધારે સભ્ય સમાજ, સુંદરતાના બોધની શક્તિને જાગ્રત કરવાની દિશામાં પણ તમે વિદ્યાર્થીજીવનમાં શરૂઆતથી દૃષ્ટિ રાખો તો તેનો ઉત્કર્ષ તમારા જીવનમાં અવશ્ય જોવા મળશે.

જાતે ખૂબ મહેનત કરીને સુંદરતાની સૃષ્ટિનો અભ્યાસ ન કરો, તો માત્ર કંઠસ્થ કરેલ વાક્યોથી સૌંદર્યના જ્ઞાનનો વિકાસ થાય નહિ. પોતાનો પરિશ્રમ, પોતાની ચારે બાજુ પથરાયેલ રળિયામણી સુંદર સૃષ્ટિનો અભ્યાસ આપણા દેશમાં ખૂબ જ આવશ્યક છે. જે હાથે કામ કરતા જાણે નહિ, અનિચ્છા હોય તો પણ, શોભાવિહોણી, સુંદરતા-વિહીન વ્યવસ્થા તેણે સ્વીકારી લેવી પડે. તે પછી ધીરે ધીરે બોધશક્તિ, ધારણા શક્તિ વ. શક્તિઓ પણ લુપ્ત થઈ જાય. કેટલાક નિયમ પણ આ વિષયમાં ઉપાયરૂપે અમલમાં મૂકી શકીએ :

૧. ગીતા અને ઉપનિષદમાંથી મધુર પ્રેરણાદાયી મંત્રો અર્થસહિત કંઠસ્થ કરો અને તેનો નિયમિત પુનઃ ઉચ્ચાર, આવૃત્તિ કર્યા કરો.

૨. મહાપુરુષોનાં જીવનચરિત્રો વિશે નિયમિત વાચન, મનન અને ચર્ચા કરો.

૩. સાહિત્યચર્ચા, સંગીત, ચિત્રાંકન વ. વિદ્યા પ્રત્યે આકર્ષણ અનુભવો અને શક્તિ પ્રમાણે બીજાઓને શીખવો.

૪. ઘર, વાડી-બગીચા, વિદ્યાર્થીમંદિર, છાત્રાલય, વિદ્યાલય-ભવન તથા ઉદ્યાન વ.ની સુંદરતા વધારવા માટે પ્રયત્ન કરો.

૫. ઉત્સવ – અનુષ્ઠાન વ.નું પોતાની મેળે, બીજા સહપાઠી મિત્રો સાથે હળીમળીને આયોજન કરો.

૬. વચ્ચે વચ્ચે સુંદર સ્થળોમાં પર્યટન, અને ઐતિહાસિક સ્મારકનાં સ્થળો, તીર્થસ્થાન વ. ઝીણવટથી જોવાં ખૂબ કલ્યાણકારી છે.

અંતે ઉપસંહા૨માં બીજી એક બહુ જ જરૂરી વાત તમને કહેવી આવશ્યક છે. જુઓ, પૃથ્વી પર, દુનિયામાં સર્વત્ર પક્ષાપક્ષી, મતમતાંતર, શરીરના રંગરૂપ, ભાષા, આચાર વ.ના ભેદભાવને લીધે માણસ લડાઈ-ઝઘડામાં ગાંડોતુર બની ગયો છે. બહુ ખેદની વાત છે કે આ વિવાદાસ્પદ અધર્મને જ વળી લોકો ‘ધર્મ’ માની લે છે. આધુનિક મનુષ્ય ‘ધર્મ’ને નામે ધ્રૂજી ઊઠે છે. માણસને ખબર નથી કે એક આત્મા જ બધા શરીરમાં રહે છે; તે જ સુખ – દુઃખનો અનુભવ કરે છે. સૌ જીવોના હૃદયમાં વસેલા એ જ સમષ્ટિ આત્મા, પરમાત્માના મહિમાના અનુભવની ઉપલબ્ધિ કરવા માટે તમે અત્યારથી જ પુરુષાર્થ કરો; આત્મ સામ્યવાદમાં ઉદ્બુદ્ધ-જાગૃત થઈ ઊઠો. જાણજો કે આ જાગરણ જ રાષ્ટ્રના, સમાજના, અને વ્યક્તિના જીવનની બધી નીતિના – એક જ વાતમાં, સભ્યતાના પાયામાં રહેલું છે.

જીવની અંદર ચૈતન્ય-રૂપમાં ભગવાનની શક્તિ છે. કોઈ કોઈ કાર્ય દ્વારા તે જ શક્તિનો વિકાસ થાય, વળી કોઈ કોઈ કર્મથી તે શક્તિ નિદ્રાવશ થઈને ઊંઘી જાય. આ ચૈતન્ય-શક્તિનો વિકાસ કરવાથી જીવ સુખ અનુભવે; ચૈતન્ય – શક્તિનો ક્ષય થાય, ત્યારે જીવને દુઃખ ભોગવવું પડે. સુખપ્રદ કર્મને પુણ્યકર્મ અને દુઃખ આપનાર કર્મને પાપ કહેવામાં આવે છે.

એટલે પોતાનું જીવન એવી રીતે નિયંત્રિત કરો, જેથી તમારાં કરેલાં કર્મ તમને દુઃખી ન કરે, પરંતુ સુખના માર્ગે લઈ જાય. આ જ રીતે તમે પોતાની જાતને સુખી કરો તથા સૌને સુખી કરી.

ભાષાંતર : સ્વામી જ્ઞાનેશાનંદ

Total Views: 376

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.