(સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. – સં.)
बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारं
बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालाम्।
रन्ध्रान् वेणोरधरसुधया पूरयन् गोपवृन्दै-
र्वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः॥
“પ્રિયાતિપ્રિયતમ શ્રીકૃષ્ણે ઉત્તમ નટ જેવું સુંદર વપુ ધારણ કર્યું છે, મસ્તક પર મોરપીચ્છનો મુકુટ પહેરી અને કર્ણમાં કરેણપુષ્પનાં કુંડળ ધારણ કર્યાં છે, સુવર્ણ જેવાં પીળાં રેશમી વસ્ત્રો પરિધાન કરી અને ગળામાં વૈજયંતી માળા ધારણ કરી છે. વાંસળીનાં છિદ્રોને તેઓ પોતાના નીચેના અધર દ્વારા અમૃતથી ભરી રહ્યા છે, સાથે ગોવાળિયાઓનાં ટોળાં તેમને ચારેય બાજુથી ઘેરીને એમની જ કીર્તિનાં ગાન ગાઈ રહ્યાં છે. આવા મનમોહન શ્રીકૃષ્ણે પોતાનાં ચરણકમળથી સુંદર વૃંદાવનમાં પ્રવેશ કર્યો અને વેણુનો નાદ કર્યો છે.” ભગવાન શ્રીકૃષ્ણે ગાયો, વાછરડાઓ અને ગોપબાળકોને લઈને વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે. ભગવાન વટવૃક્ષની છાંયામાં સુંદર વેણુનાદ કરે છે અને એ વેણુનાદથી સર્વ જડ-ચેતનનાં મન પોતાના પ્રતિ આકૃષ્ટ કરે છે.
ભગવાનના વેણુનાદની વિશિષ્ટતા
ભગવાનનો વેણુનાદ સાંભળી જડ ચેતન બની જાય છે અને ચેતન જડ બની જાય છે. ગાયના મુખમાંનું ઘાસ મુખમાં જ રહી જાય છે અને એનું મુખ ખુલ્લું જ રહી જાય છે. વાછરડાના મુખમાં રહેલ ગાયના આંચળ એવાને એવા રહી જાય છે અને વાછરડું મુખ ફાડીને ભગવાનની અદ્ભુત શોભાનું પાન કરી રહ્યું છે. હરણ અને હરણી પોતાનાં નેત્રોની પાંપણો ફફડાવવાનું ભૂલી જાય છે અને સ્થિર નેત્રો વડે ભગવાનના દિવ્ય સ્વરૂપનું પાન કરી રહ્યાં છે. મોર સોળે કળાઓ પ્રદર્શિત કરતાં સ્તબ્ધ બનીને ઊભાં છે, કોયલનું કૂહુ કૂહુ અને પોપટનું પિહુ પિહુ સ્તબ્ધ બની ગયું છે. ભમરાઓનું ગુંજન પણ સ્તંભિત થઈ ગયું છે. યમુનાજીના જળ સ્થિર થઈ ગયા છે, વૃક્ષ-લતાઓ-પલ્લવો પણ સ્તંભિત થઈને ભગવાનની આ અપૂર્વ શોભાનું પાન કરી રહ્યાં છે. યમુનાજીના પુલીન ઉપરની શિલાઓ પણ પીગળી ગઈ છે, જાણે કે શ્રીકૃષ્ણપ્રેમમાં અને વાંસળીના મધુર નાદમાં પોતાનાં અશ્રુ ઝરી રહી ના હોય! ભાગવતમાં વર્ણિત શ્રીકૃષ્ણનું આ સર્વશ્રેષ્ઠ સ્વરૂપ છે. આ જ સ્વરૂપના વર્ણનનું શ્રવણ કરતાં કરતાં પરમહંસ શિરોમણિ ભગવાન શુકદેવજીની સમાધિ ભંગ થઈ હતી.
તો આવો, આપણે આ વેણુનાદનું ચિંતન કરવાનો પ્રયત્ન કરીએ. વેણુનાદ એટલે વ+ઇ+ઉ=વેણુ. એટલે કે જ્યાં વિષયાનંદ અને ઈશ્વરાનંદ પણ તુચ્છ થઈ જાય છે, તેને વેણુનાદ કહે છે. ભગવાનની ગોકુળમાં મુખ્યત: બાલ્યલીલા, કુમારલીલા અને કિશોરલીલાઓ છે. બાલ્યલીલા ભગવાને માતા યશોદાને આનંદ આપવા માટે ગૃહમાં કરી છે. કુમારલીલા ભગવાને ગોપબાળકોને આનંદ આપવા માટે ગોષ્ઠમાં કરી છે અને કિશોરલીલા ભગવાને ગોપીઓ અને પ્રેમીઓને આનંદ આપવા માટે વનમાં અને નિકુંજમાં કરી છે. ભગવાનનું પૂર્ણ પ્રેમમય સ્વરૂપ રાસલીલામાં પ્રગટ થયું છે. તૈત્તિરીય ઉપનિષદ કહે છે,
यतो वा इमानि भूतानि जायन्ते।
येन जातानि जीवन्ति।
यत् प्रयन्त्यभिसंविशन्ति। तद्विजिज्ञासस्व।
तद् ब्रह्मेति॥ – तैत्तिरीयोपनिषत् ३-१-३
आनन्दा एव भूतानि जायन्ते आनन्देन जातानि जीवन्ति। आनन्देन प्रयन्त्यभिसंविशन्ति।
તૈત્તિરીય ઉપનિષદ કહે છે, ભગવાનનું સ્વરૂપ શું છે? એના ઉત્તરમાં ઉપનિષદ જ કહે છે, ભગવાનનું સ્વરૂપ આનંદમય છે. એ આનંદ જ પરમાત્માનું સ્વરૂપ છે. ભગવાનનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે. સત્ની પ્રધાનતાથી કર્તા અને કર્મ થાય છે, જ્ઞાનની પ્રધાનતાથી જ્ઞાતા અને જ્ઞાન થાય છે, આનંદની પ્રધાનતાથી ભોક્તા અને ભોગ્ય છે. ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં દ્રષ્ટા, દૃશ્ય અને દર્શન બન્યા છે તેમજ જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેય બને છે. શ્રીકૃષ્ણ સ્વયં ચરાચર પ્રકૃતિ અને ગોપી બન્યા છે. આ રાસલીલામાં પરમાત્મા સિવાય અન્ય કોઈનું સ્વરૂપ છે જ નહીં.
મુરલી, બંસી અને બાંસુરી શું છે? પ્રાણોની, હૃદયની પીડાને બાંસુરી જેટલી પ્રગટ કરી શકે છે, એટલું કોઈ વાદ્ય કરી શકતું નથી. યોગમાયા એટલે કે બંસી (વેણુ). અત: માયા એટલે મુરલી અને વેણુ. અરે ભાઈ, વાજિંત્ર તો તે છે જે પોતાના શ્વાસથી-પ્રાણવાયુથી વગાડવામાં આવે અને બાંસુરી પોતાનો પ્રાણવાયુ શ્વાસ દ્વારા પ્રગટ કરે છે. મહાપ્રભુ વલ્લભાચાર્યજી કહે છે કે ભગવાન શ્રીકૃષ્ણ પોતાના આનંદને વેણુ દ્વારા જ ગોપીઓમાં સ્થાપિત કરે છે. ભગવાને વાંસળી વગાડી અને આનંદની વર્ષા કરી દીધી અને સમગ્ર માનવ અને પ્રકૃતિને વેણુનાદના આનંદમાં ડુબાડીને તરબોળ કરી દીધી. તેથી જ આપણે ગાઈએ છીએ કે,
“આલાલીલા વાંસડિયા રે વઢાવું
એની રે ઉતરાવું મારા પરભુજીની વાંસળી રે લોલ…”
ભક્તિશાસ્ત્ર અને પ્રેમિક રસિકો એટલે જ વેણુનાં ચાર સ્વરૂપ બતાવે છે.
- વેણુનું એક સ્વરૂપ આચાર્ય અને ગુરુ તરીકે છે.
- વેણુનું દ્વિતીય સ્વરૂપ સખી સ્વરૂપે છે.
- વેણુનું તૃતીય સ્વરૂપ અધરામૃતનું પાન કરે છે.
- વેણુનું ચતુર્થ સ્વરૂપ એ અદ્ભુત પ્રેમ છે કે જેની ગોદમાં સ્વયં રાધાકૃષ્ણ રમે છે.
વેણુનું એક સ્વરૂપ આચાર્ય અને ગુરુ તરીકે છે:
આચાર્ય અને ગુરુ પોતાના શિષ્યના કર્ણમાં મંત્ર અને ઉપદેશરૂપી અમૃતવચનો રેડે છે. સમર્થ ગુરુ શિષ્યના કર્ણમાં મંત્રનો સંચાર કરે છે અને શિષ્ય આ મંત્ર દ્વારા આધ્યાત્મિક ઉન્નતિનાં સોપાનો સર કરે છે. આવી જ રીતે આચાર્ય પણ આપણા હૃદયમાં ભગવદ્ભક્તિનો તેમનાં અમૃતવચનો દ્વારા સંચાર કરે છે. ભગવાનની વેણુ પણ ગુરુ અને આચાર્યરૂપે છે. ભગવાનની વેણુ ગોપીઓ અને સમગ્ર પ્રકૃતિને આકૃષ્ટ કરે છે, એનો અર્થ એ છે કે આચાર્ય અને ગુરુ એમના હૃદયમાં જે ભગવદ્ભક્તિ છે તે શિષ્યને તેમના મુખારવિંદના શબ્દ દ્વારા આપીને ભક્તોના હૃદયને ભગવાનની તરફ ખેંચે છે. શ્રીરામકૃષ્ણદેવનાં અમૃતમય વચનો આપણને સર્વને શ્રીરામકૃષ્ણ કથામૃતરૂપે પ્રાપ્ત થયાં છે અને એ અમૃતમય વાણી આપણા કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશી હજુ પણ સતત અધ્યાત્મનો દીપ પ્રજ્વલિત કરી રહી છે.
વેણુનું દ્વિતીય સ્વરૂપ સખી સ્વરૂપે છે:
ભગવાનની વેણુ સખી પણ છે. સખી એટલે ભગવાન પ્રત્યે સમભાવથી પ્રેમ કરવાવાળા ભક્તો. ઘણીવાર ભક્તોના જીવનમાં તેમના પરિચિત મિત્ર કે સ્વજન તેમને ભગવદ્-પ્રેમ તરફ વાળે છે. ઉદાહરણ તરીકે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં કથામૃતના લેખક શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત એટલે કે માસ્ટર મહાશય પોતાના સંસારની અનેકવિધ સમસ્યાઓથી ઘેરાઈને આત્મહત્યાના પ્રયાસમાં માર્ગ ઉપર જઈ રહ્યા હતા ત્યારે તેમના એક મિત્ર શ્રીયુત્ સિધુ સાથે અચાનક માર્ગમાં મુલાકાત થઈ જતાં તેમનો મિત્ર માસ્ટર મહાશયને ભગવાન શ્રીરામકૃષ્ણદેવ પાસે લઈ આવે છે. અને શ્રીરામકૃષ્ણદેવના ચરણમાં બેસીને એમણે જે અમૃતરૂપી વેણુનું પાન કર્યું તે આજે સમગ્ર જગતમાં અનેક લોકો એનું પાન કરી રહ્યા છે. હવે માસ્ટર મહાશયને શ્રીરામકૃષ્ણદેવ પાસે લાવનાર તેમના મિત્ર સિધુ હતા. આવા અધ્યાત્મ માર્ગ તરફ પ્રેરિત કરનારી ઘટનાઓ આપણા સર્વના જીવનમાં આકાર લઈ રહી છે. તેથી વેણુ સખી સ્વરૂપે છે.
વેણુનું તૃતીય સ્વરૂપ અધરામૃતનું પાન કરે છે:
વેણુ અન્ય સખીઓની જેમ ભગવાન શ્રીકૃષ્ણના અધરામૃતનું પાન કરે છે. જીવને જ્યારે ભગવાનની આ વેણુનો નાદ સંભળાય છે, એટલે એ જીવને પણ ભગવાન પોતાના અધરામૃતનું દાન કરે છે. આ વેણુનો નાદ ક્યારે સંભળાય અને અધરામૃતનું પાન ક્યારે થાય? જીવ જ્યારે પોતાના મનમાંથી પ્રપંચનો સર્વથા ત્યાગ કરે અને પોતાના પ્રિયતમ સિવાય અન્ય કોઈની આકાંક્ષા રાખે નહીં ત્યારે. જ્યારે જીવ ભગવાનના અધરામૃતનું પાન કરે છે ત્યારે તે ઈશ્વર સાથે પોતાના પ્રેમનું સ્થાપન કરી અને ઈશ્વરની સેવામાં સદાય માટે પોતાની જાતને સમર્પિત કરે છે.
વેણુનું ચતુર્થ સ્વરૂપ એ અદ્ભુત પ્રેમ છે કે જેની ગોદમાં સ્વયં રાધાકૃષ્ણ રમે છે:
ભગવાનની વેણુ જીવને ‘હિત’ સુધી પહોંચાડે છે, અર્થાત્ વેણુ એ પ્રેમ પ્રદાન કરે છે જે પ્રેમથી જીવના ખોળામાં સ્વયં રાધાકૃષ્ણ નૃત્ય કરે છે. શ્રીકૃષ્ણના મનમાં રાધારાણીના પ્રત્યે હિતનો જે ભાવ છે અને રાધારાણીના મનમાં શ્રીકૃષ્ણના પ્રત્યે હિતનો જે ભાવ છે એ ભાવને વંશી કહે છે, અને આને જ હિત કહેવાય છે. જ્યારે શ્રીકૃષ્ણના પ્રેમમાં રાધાજી અને રાધાજીના પ્રેમમાં શ્રીકૃષ્ણ—બંનેય અરસપરસના પ્રેમમાં બેશુદ્ધ થઈ જાય છે, ત્યારે ત્યાં બંનેયના સુખનો સંબોધ છે અને આ સુખના સંબોધને હિતતત્ત્વ કહેવાય છે, એને જ વંશી કહે છે.
Your Content Goes Here





