(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે દીર્ઘકાળથી જાેડાયેલ લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની પ્રારંભિક સલાહકાર સમિતિના વરિષ્ઠ સભ્ય હતા. – સં.)

વેદ શબ્દ વિદ્ (જાણવું તે) ધાતુમાંથી ઉદ્ભવેલો છે. પવિત્ર ઋષિઓને પોતાની ગાઢ ધ્યાન અવસ્થા દરમ્યાન પ્રાપ્ત થયેલાં અતિ દુર્લભ અને સનાતન મૂલ્યોની વિશાળ રચનાઓ વેદોમાંથી પ્રાપ્ત થાય છે. હિંદુ સંસ્કૃતિએ તેમને સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યના સ્થાને સ્થાપી છે. આથી તેઓ હિંદુ ધર્મનાં આરંભિક શાસ્ત્રો તરીકે અવસ્થિત છે.

વેદોના ઉદ્‌ગમનો કાળ નિશ્ચિત કરવો અતિ મુશ્કેલ છે. કેટલાક વિદ્વાનો આ સમયને ઈ.સ. પૂર્વે ૨૫,૦૦૦ થી ૧૦,૦૦૦ સુધીનો ગણાવે છે. વિદ્વાનોના સર્વમાન્ય મત અનુસાર હડપ્પા અને મોહેં-જો-દડો સંસ્કૃતિ (ઈ.સ. પૂર્વે ૪૦૦૦)નો તબક્કો વેદોના સમય પછીનો માનવામાં આવ્યો છે. આમ જોતાં સૌથી પ્રાચીન ઋગ્વેદનો આરંભકાળ ઈ.સ.પૂર્વે ૧૦,૦૦૦ વર્ષ ગણાય.

સૈકાઓથી વેદોનું જ્ઞાન પેઢી દર પેઢી મૌખિક રીતે અપાતું રહ્યું છે તેથી તેને શ્રુતિ (સાંભળવામાં આવ્યું તે) કહેવાય છે અને યજ્ઞ-સત્રોમાં (આહુતિમાં) તેનું અનુકરણ કરવામાં આવે છે. આ બાબત ધર્મની પ્રારંભિક અવસ્થામાં એક સર્વમાન્ય બાબત હતી. બલિ હોમવાની ક્રિયા-પદ્ધતિમાં વેદોના પ્રયોજનને કારણે હોતા આચાર્યોએ તેમની રુચિ પ્રમાણે વેદોને ચાર ભાગોમાં વહેંચી નાખ્યા.

યજ્ઞમાં હોતા દ્વારા અનેક દેવોનું આવાહન કરતી ઋચાઓનો ભાગ ‘ઋગ્વેદ’ કહેવાયો. યજ્ઞ-ક્રિયા-પદ્ધતિના આયોજક-અધ્વર્યુને ઉપયોગી એવા કાવ્યમય ભાગને એકત્રિત કરીને તે ભાગને ‘યજુર્વેદ’ એવું નામ આપવામાં આવ્યું. અન્ય સઘળા સંગીતમય મંત્ર-ઘોષના સમૂહને, જે ખાસ કરીને આહુતિ અર્પણ કરતા સોમ જૂથને ઉપયોગી હતું અને જેનું ગાન ઉદ્‌ગામી પૂજારી (ગાયક) દ્વારા થતું હતું, તેને ‘સામવેદ’ નામ આપવામાં આવ્યું. બાકીની વિવિધ પ્રકારની તાલિકાઓ-પૂર્તિઓને ‘અથર્વવેદ’ની સંજ્ઞા આપવામાં આવી અને તેનો અધિકાર બ્રહ્માના ઉપાસકને આપવામાં આવ્યો, જેઓ આહુતિ આપવાની સમગ્ર પ્રક્રિયાની દેખરેખ રાખતા.

પ્રાચીન હિંદુ ઇતિહાસ મુજબ આવા વિભાગીકરણના કર્તા મહાન ઋષિ કૃષ્ણ દ્વૈપાયન ગણાય છે. તે સમયે લુપ્ત થયેલા મંત્રોને એકત્રિત કરી તેમનું ઋક્, યજુર્, સામ્‌ અને અથર્વન્ એમ ચાર ભાગોમાં વહેંચીને તેમના ચાર મુખ્ય શિષ્યોને તેમાં શિક્ષિત કર્યા. આ ચાર શિષ્યો હતા પૈલ (ઋગ્વેદ), વૈશમ્પાયન (યજુર્વેદ), જૈમિનિ (સામવેદ) અને સુમન્તુ (અથર્વવેદ).

વેદો એક અન્ય રીતે પણ વર્ગીકૃત થયેલા છે; મંત્ર અને બ્રાહ્મણ મંત્રોના સંગ્રહને સંહિતા કહેવામાં આવે છે. બ્રાહ્મણ તેનામાં બે અન્ય ભાગોનો સમાવેશ કરે છે; આરણ્યક અને ઉપનિષદ. મંત્રોની રચના શ્લોકોમાં થઈ છે, જ્યારે બ્રાહ્મણ પ્રાર્થનાત્મક ગદ્યમાં રચાયા છે. આરણ્યકો ગદ્યમાં રચાયેલ વિધિઓના સંજ્ઞાત્મક અર્થઘટન પર આધારિત ધ્યાન-પદ્ધતિ શીખવે છે. સરળ રીતે કહીએ તો ઉપનિષદો જીવનની અંતિમ સમસ્યાઓની શાશ્વત દાર્શનિક ઉક્તિઓનો સમૂહ છે.

વ્યવહારુ રીતે જોતાં ‘વેદ’ શબ્દનો અર્થ થાય છે, સંહિતા. દા.ત. ઋગ્વેદ એટલે ઋક્‌+સંહિતા. ઋગ્વેદના બ્રાહ્મણ અને આરણ્યક વિભાગો દરેક સ્વતંત્ર નામો ધરાવે છે અને તે દરેકને એક પૂર્તિ માનવામાં આવે છે.

સમય જતાં આ સંહિતાની અનેક શાખાઓ અસ્તિત્વમાં આવી. પૈલ અને વૈશમ્પાયન જેવા મુખ્ય શિષ્યોને ઘણા શિષ્યો હતા. આ શિષ્યોએ અથવા તેમના અનુગામીઓએ તેમના દ્વારા અનુસરાતા પૂજા-વિધિઓમાં જરૂરિયાત મુજબ વૈદિક મંત્રોમાં થોડા ઘણા ફેરફારો કરીને પુનઃ સ્થાપિત કર્યા હોવા જોઈએ. સ્થાનિક પરંપરાઓએ પણ પોતાનો પ્રભાવ પડ્યો હોવો જોઈએ.અહીં આપણે ચાર વેદોનો ટૂંક સાર લક્ષમાં લઈશું.

ઋગ્વેદ સંહિતા

ચારેય વૈદિક સંહિતાઓમાં ઋગ્વેદ સંહિતા સહુથી પ્રાચીન છે અને વૈદિક સાહિત્યમાં તેનું સ્થાન આગવું ગણવામાં આવે છે. તે ભિન્ન ભિન્ન સમયના ઋષિઓ દ્વારા પ્રકાશમાં આણેલાં સૂક્તો અને ઋચાઓનો સંગ્રહ છે. પરિણામે આપણે તેમાં ભાષા, વ્યાકરણ, વિચારો અને તદુપરાંત ઐતિહાસિક અને સાંસ્કૃતિક બાબતોનું વૈવિધ્ય જોઈએ છીએ. તેની ૨૧ શાખાઓ હતી તેમ કહેવાય છે, તેમની માત્ર શાકલ, બાષ્કલ, આશ્વલાયન,  શાંખાયન અને માંડુકેય નામની પાંચ જ હયાત છે.

સૂક્તોની ક્રમિક ગોઠવણને બાદ કરતાં તેમનામાં ખાસ અસામ્યતા જણાતી નથી.

પુરાતન કાળથી વેદોને બે ભાગમાં વહેંચવાની પ્રથા પ્રચલિત છે. પ્રથમ તેને આઠ અષ્ટકોમાં વહેંચવામાં આવે છે, ફરી પાછું દરેક અષ્ટકોની આઠ અધ્યાયોમાં પેટા વહેંચણી થાય છે. અધ્યાયોને વર્ગોમાં વહેંચવામાં આવે છે, જેમાં મંત્રોને સંગ્રહિત કરવામાં આવે છે. વહેંચણીની આ પદ્ધતિ દેખીતી રીતે જ કંઠસ્થ કરવામાં ઉપકારક હોઈને કરવામાં આવી છે, કારણ કે દરેક અષ્ટકમાં વર્ગોની સંખ્યા અને દરેક વર્ગોમાં મંત્રોની સંખ્યા લગભગ એક સરખી જ રહે છે. અષ્ટકોના ૬૪ અધ્યાયોનો સમાવેશ કરતાં ૨૦૨૪ વર્ગોમાં ફેલાયેલા મંત્રોની કુલ સંખ્યા ૧૦,૫૫૨ થાય છે.

બીજી એક રીત એવી છે, જેમાં સંપૂર્ણ સંહિતાને દશ મંડલોમાં વહેંચવામાં આવી છે. મંડલોને અનુવાકોમાં, અનુવાકોને સૂક્તોમાં અને સૂક્તોને મંત્રોમાં વિભાજિત કરવામાં આવ્યાં છે. અનુવાકોની સંખ્યા ૮૫ છે, સૂક્તોની સંખ્યા ૧૦૨૮ થાય છે અને મંત્રોની સંખ્યા અલબત્ત એ જ રહે છે. આ પદ્ધતિ અતિ પ્રાચીન જણાય છે અને આધુનિક વેદિક વિદ્વાનોનો માન્ય છે.

સૂક્તોને ૧૦ મંડલોમાં સમાવવાની અન્ય પદ્ધતિ અને ક્રમબદ્ધતાની અન્ય રીતો પણ હોય તેવું જણાય છે. ૬ મંડલો (૨ થી ૭) એવાં છે, જે એક જ સમૂહ (વંશ)ના ઋષિઓને આલોકિત થયાં હતાં. દા.ત. બીજા મંડલના દ્રષ્ટા ગૃત્સમદ વંશના હોય, તો ત્રીજા મંડલના દ્રષ્ટા વિશ્વામિત્રની વંશ પરંપરાના હોય અને તેમ આગળ. મંડલ આઠના મંત્રોના ઋષિ કણ્વ અને અંગિરા છે. ૯મા મંડલનાં બધાં સૂક્તો માત્ર એક જ દેવ સોમ (પવમાન)ની કીર્તિનું ગાન કરે છે અને તેઓ તેમના છંદોની માત્રા પ્રમાણે વર્ગીકૃત કરાયા છે. છેલ્લું એટલે કે ૧૦મું મંડલ વિવિધ પ્રકારની આત્મવિદ્યાનું વર્ણન ધરાવે છે.

ઋગ્વેદોના વિષયો ઘણું કરીને ત્રણ જૂથોમાં વહેંચાયેલા છે. પહેલું જૂથ અગ્નિ, ઇન્દ્ર, વરુણ અને અન્યને લગતી બાબતો વિશે છે. બીજું જૂથ દાર્શનિક તારકો, વિશ્વના પ્રારંભ અને મનુષ્યની મૂળ પ્રકૃતિ વિશેની ચર્ચા કરે છે. ત્રીજા જૂથમાં લગ્ન-પ્રથા, રાજાઓનાં યુદ્ધો, દાનનાં કીર્તિગાનો વગેરે જેવા પાર્થિવ વિષયોની વાતો સમાયેલી છે.

વૈદિક દેવતાઓ 33 માનવામાં આવે છે—૮ વસુઓ, ૧૧ રુદ્રો, ૧૨ આદિત્યો, ઇન્દ્ર અને પ્રજાપતિ. તેઓ ત્રણ ભાગો— પૃથ્વી, સ્વર્ગ (દસ્યુઓ) અને વચ્ચેના અવકાશ (અંતરીક્ષ) ના દિક્પાલો છે. પ્રકૃતિનાં રૂપો તરીકે ભાસતાં હોવા છતાં તેઓ ખરેખર તો સર્વોચ્ચ સત્યબ્રહ્મના આયામો છે. एकं सत्‌ विप्रा बहुधा वदन्ति એ અતિ પ્રસિદ્ધ મંત્ર તે આનું સ્પષ્ટ ઉદાહરણ છે. છતાં પણ તે બાબતની નોંધ લેવી જોઈએ કે ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને મિત્ર સ્તોત્રોમાં સન્માનજનક સ્થાન ભોગવે છે.

વેદોના તાર્કિક દર્શનમાં વિષય પર આવતાં આપણે જોઈએ છીએ કે તે બધા પછીના સમયના જ્ઞાન અને ભક્તિને સમાવી લેતા વેદાંતના મૂળ અને સંગ્રહો છે—ભલે તેમના કેટલાક બીજા સ્વરૂપે રહેલા હોય. આથી આપણે એમ માન્યા વગર રહી શકતા નથી કે તેઓ (વેદો) કેટલાક કહે છે તેમ માત્ર પ્રશસ્તિ સ્તોત્રો નથી. અગાઉ કહેવાયું છે તેમ તે આપણને એક દેવતા-વાદ એટલે કે અનેક દેવતાઓને માનવાનું નહીં; પણ એકેશ્વરવાદનું શિક્ષણ આપે છે. છતાં સગુણોપાસનાનું (ઈશ્વરના સાકાર સગુણ રૂપની પૂજાનું) શિક્ષણ સ્પષ્ટરૂપે નજરે ચડે છે.

ઈશ્વરે સ્વયમ્‌ આ વિશ્વની સૃષ્ટિ કરી છે અને તે તેનો નિયંતા છે. તે સર્વજ્ઞ છે અને તે સર્વશક્તિમાન છે. તે સદા સંપૂર્ણ છે. છતાં તે અસીમ દયાળુ છે અને તે ભક્તોને સુલભ્ય છે. તે આપણો પરમ સખા છે અને તે આપણને અમરત્વ પ્રદાન કરે છે.

સૃષ્ટિસર્જનની ખરી પ્રક્રિયાની વાત કરીએ તો તે વિશે બે વિચાર-પ્રવાહો જોવા મળે છે—સર્જન અને વિસર્જન, જે વેદાન્તી શાસ્ત્રોમાં સાંપડે છે.

જીવનો બાહ્ય અસ્તિત્વ તરીકે સ્વીકાર કરવા છતાં અથવા અમરત્વને પ્રાર્થવા છતાં ઐહિક અને સાંપ્રત જીવનને પશ્ચાદ્‌ ભૂમિમાં ધકેલી દેવામાં આવતું નથી; પરંતુ ઐહિક અને મરણોત્તર જીવનની સુંદર સંવાદિતા રચવામાં આવી છે.

જીવનની પાર્થિવ બાબતોને સ્પર્શતી બાજુઓ વિશે આપણને સૂક્તોના સમૂહમાં તે સમયના સમાજના વલણ પ્રત્યે સૂચનો મળે છે. સામાજિક જીવનમાં આધ્યાત્મિક જાગૃતિ પ્રસરેલી હતી પરંતુ ઇહલોક અને પરલોક વચ્ચે સમન્વય પ્રત્યે લોકો ખૂબ ભાર મૂકતા, સત્ય અને ધર્મનાં ગુણ-ગાન ગવાતાં અને જીવનનું ધ્યેય અમરત્વ છે તેવું સ્વીકારવામાં આવતું હતું. સતી-પ્રથાનાં મૂળિયાં નખાઈ ગયાં હતાં. સાથે સાથે એક-પત્નીત્વ, બહુ-પત્નીત્વ અને સ્વયંવર પ્રથાઓ પણ અસ્તિત્વમાં હતી. કૃષિ અને પશુપાલન આજીવિકાનાં મુખ્ય સાધનો હતાં. સંપત્તિના એક-સમાન વિતરણનો આગ્રહ પ્રવર્તમાન હતો. સભ્યતા સારી રીતે વિકસિત હતી અને લલિતકલાઓને પ્રોત્સાહિત કરવામાં આવતી હતી. પુરોહિતો અને રાજાઓ શક્તિશાળી હતા. બલિની પ્રથા પૂર્ણતાની ઉચ્ચ માત્રામાં વિકસિત થયેલી હતી.

હિંદુ પરંપરા ઋષિ, દેવતા અને ધાર્મિક અનુષ્ઠાનમાં પ્રયોજાતા મંત્રોના છંદોની આગોતરી જાણકારીનું સશક્ત રીતે સમર્થન કરે છે. અને ત્યારે જ તે અસરકારક બને છે. જેને મંત્ર-દર્શન થયું હોય છે, તે ઋષિ દ્રષ્ટા છે. મંત્ર દેવતાને ઉદ્દેશીને અને છંદમાં રચાયો હોય છે. એક ગણતરી પ્રમાણે ઋષિઓની સંખ્યા આઠસો કરતાં વધારે છે અને છંદોની સંખ્યા વત્તા-ઓછા ફેરફારો સાથે ઓગણીશ છે. આમાં સમાયેલા બ્રાહ્મણો, આરણ્યકો અને ઉપનિષદો આ છે—

૧. ઐતરેય અને કૌશિતકી બ્રાહ્મણ

૨. ઐતરેય અને શાંખાયન આરણ્યકો અને

૩. ઐતરેય અને કૌશિતકી ઉપનિષદો.

યજુર્વેદ-સંહિતા

આ એક મંત્ર-સંગ્રહ છે, જેની રચના ગદ્યમાં છે અને તેનો ઉપયોગ વિશેષ કરીને અધ્વર્યુ-પૂજારી દ્વારા બલિ-યજ્ઞમાં કરવામાં આવે છે.

યજુર્વેદ સંહિતાના બે મૂળભૂત પ્રકારો છે—કૃષ્ણ અને શુક્લ, એટલે કે, ધવલ અને શ્યામ. આ નામાભીકરણ કેમ થયું તેનું સ્પષ્ટીકરણ જરા કઠિન છે. પહેલી એક સંહિતા (કૃષ્ણ સંહિતા) હોવાથી પદ્યમાં જ હોવી જરૂરી છે છતાં પણ તે ગદ્ય અને પદ્યનું મિશ્રણ છે અને તેથી શુદ્ધ સ્વરૂપમાં નથી માટે તેને કૃષ્ણ એટલે કે શ્યામ કહેવામાં આવે છે. તેનાથી ઊલટું એટલે કે શુક્લ સંહિતા સંપૂર્ણ રીતે પદ્ય રચના હોવાથી તે શુક્લ એટલે કે ધવલ સંહિતા કહેવાય છે. આ પહેલું સ્પષ્ટીકરણ છે. પહેલી (કૃષ્ણ) સંહિતા વધુ પ્રાચીન હોવાથી સમજવી કઠિન છે, તેથી પણ તે કૃષ્ણ સંહિતા કહેવાઈ છે. પછીની (શુક્લ) સંહિતા ત્યારબાદ અસ્તિત્વમાં આવી. તે સમજવી સહેલી હોઈને શુક્લ એટલે કે ધવલ સંહિતા કહેવાઈ છે. આ છે બીજું સ્પષ્ટીકરણ.

ઋષિ યાજ્ઞવલ્ક્ય પ્રમાણે સૂર્ય દ્વારા જે આલોકિત થયો તે યજુર્વેદ શુક્લ (પ્રકાશમાન) કહેવાયો અને તેથી વિપરીત, પહેલાં જેનો ઉલ્લેખ થયો છે તે કૃષ્ણ (શ્યામ) કહેવાયો. આ નામાભીકરણ યજુર્વેદના પ્રથમ પ્રસ્તુત-કર્તા ગુરુ વૈશમ્પાયનથી અલગ થઈ ગયેલા યાજ્ઞવલ્ક્યના શિષ્યો દ્વારા થયું હતું.

કૃષ્ણ યજુર્વેદ સંહિતા ૮૫ શાખાઓ અથવા સંસ્કરણો ધરાવે છે, તેવી માન્યતા પ્રચલિત છે. પરંતુ હાલમાં તેમની ફક્ત ચાર જ પ્રાપ્ત છે. (અ) તૈત્તિરીય, (બ) મૈત્રાયણી, (ક) કઠ અને (ડ) કપિષ્ઠલ કઠ.

દક્ષિણ ભારતમાં વિસ્તૃત રીતે પ્રવર્તમાન તૈત્તિરીય સંહિતાના ૭ કાંડ અથવા પુસ્તકો, ૪૪ પ્રપાઠકો અથવા પ્રકરણો અને ૬૫૧ અનુવાકો અથવા મંત્રો છે. તે યજમાગ્નિ, વાજપેય, રાજસૂય, દર્શપૌર્ણમાસ અને સોમયાગ વગેરે યજ્ઞોમાં અપાતી આહુતિઓનું વિગતવાર વર્ણન કરે છે.

અન્ય ત્રણ શાખાઓ પણ આવા યજ્ઞો સાથે સંકળાયેલી હોવા છતાં એટલી જાણીતી નથી. આમાંની સહુથી આખરી કપિષ્ઠલ અત્યારે પ્રાપ્ય છે પરંતુ તે અપૂર્ણ છે.  તૈત્તિરીય બ્રાહ્મણ, તૈત્તિરીય આરણ્યક અને તૈત્તિરીય ઉપનિષદ તૈત્તિરીય સંહિતા સાથે સંલગ્ન છે. અતિ પ્રસિદ્ધ કઠોપનિષદ પણ કૃષ્ણ યજુર્વેદ સાથે, તેના કઠ સંસ્કરણ સાથે સંલગ્ન છે.

વાજસનેયી સંહિતા તરીકે પણ જે ઓળખાય છે તે શુક્લ યજુર્વેદ સંહિતાનાં સંગ્રહ અને સંપાદન પ્રસિદ્ધ ઋષિ યાજ્ઞવલ્ક્યે કરેલાં છે, તેવું કહેવાય છે. તે સંપૂર્ણ શ્લોકોમાં રચાયેલી છે અને તેની રચના ઋગ્વેદ સંહિતા સાથે સામ્ય ધરાવે છે, તેમ છતાં તેમાં સૂક્તો નથી. આ સંહિતાની ૧૭ શાખાઓ હોવાનું કહેવાય છે, પરંતુ હાલમાં કાણ્વ અને માધ્યન્દિની, માત્ર આ બે જ પ્રાપ્ત છે. પહેલી (કાણ્વ) દક્ષિણ ભારતમાં વધારે પ્રવર્તમાન છે, જેમાં ૪૦ અધ્યાયો, ૩૨૮ અનુવાકો અથવા પ્રકરણો, અને ૨૦૮૬ મંત્રો સમાવાયાં છે. બીજી (માધ્યન્દિની) ઉત્તર ભારતમાં વધારે પ્રચલિત છે અને તેમાં ૪૦ અધ્યાયો, ૩૦૩ અનુવાકો અને ૧૯૭૫ મંત્રોનો સમાવેશ કરાયો છે.

તૈત્તિરીય સંહિતાની જેમ આ સંહિતા પણ અગ્નિસ્તંભ, વાજપેય અને રાજ્સૂય યજ્ઞ સાથે સંકળાયેલી છે. બ્રાહ્મણોમાં સૌથી મોટું શતપથ બ્રાહ્મણ અને બૃહદ બ્રાહ્મણ આરણ્યક શુક્લ યજુર્વેદમાં વણાયેલાં છે. ઈશાવાસ્ય ઉપનિષદ અને બૃહદારણ્યક ઉપનિષદ આ વેદમાંથી (યજુર્વેદમાંથી) મળે છે.

સામવેદ સંહિતા

આપણાં શાસ્ત્રોમાં સામવેદ સંહિતાની ઘણી પ્રશસ્તિ કરવામાં આવે છે. તેમ છતાં તેને એક સ્વતંત્ર રચના ગણવામાં આવતી નથી. ‘સા’ એટલે ઋક્, જે ઋગ્વેદનો એક મંત્ર છે. ‘આમ’ એટલે સંગીતની વિવિધ માત્રાઓ. આથી ‘સામ’ એ ઋગ્વેદ સંહિતાને સંગીતમય બનાવવા માટેનો સામવેદ-મંત્ર છે. ઉદ્‌ગાતા પૂજારી માટે આવશ્યક આવા બધા મંત્રો આ રચનામાં એકત્રિત કરાયા છે.

તેની એક હજાર શાખાઓ છે, તેવી માન્યતા હોવા છતાં હાલમાં માત્ર ત્રણ જ શાખાઓ ઉપલબ્ધ છે. કૌથુમ, રાણાયનીય અને જૈમિનીય.

આ વેદ બે ખંડોમાં વહેંચાયેલો છે, પહેલો પૂર્વાર્ચિક અને બીજો ઉત્તરાર્ચિક. પહેલા ખંડમાં ૫૮૫ અને બીજા ખંડમાં ૯૬૪ એમ બંને મળીને કુલ ૧૫૪૯ મંત્રો સમાવાયા છે. આમાંના ૭૫ મંત્રો સિવાયના બાકીના બધા જ મંત્રો ઋગ્વેદ સંહિતામાંથી લેવાયા છે. લગભગ ૨૭૨ મંત્રો બેવડાય છે. આ પુનરોક્તિને પણ ગણતરીમાં લઈએ તો મંત્રોની સંખ્યા ૧૮૨૧ અને બેવડી પુનરોક્તિને ગણીને આ સંખ્યા ૧૮૭૫ થાય છે.

બીજા ત્રણ વેદોથી ભિન્ન સામ તરીકે પ્રચલિત સામવેદના મંત્રોના સંગીતના સાત સ્વરો છે, જે શાસ્ત્રીય સંગીતના સાત સૂરો સાથે સામ્ય ધરાવે છે. આમ ભારતીય શાસ્ત્રીય સંગીતનું મૂળ સામવેદમાં રહેલું છે.

સામગાન વિવિધ શૈલીમાં કરવામાં આવે છે અને તેમને ગાયત્ર, રથંતર અને બૃહદ્‌ સામ જેવાં જુદાં જુદાં નામ આપવામાં આવ્યા છે. આ એક કઠિન કળા છે અને તે માટે નિષ્ણાત ગુરુનું માર્ગદર્શન આવશ્યક છે. આ વેદ સાથે નવ બ્રાહ્મણો સંલગ્ન છે, જેમાંનું તાણ્ડ્ય બ્રાહ્મણ સૌથી મોટું અને મહત્ત્વનું છે.

આ વેદનું હાલમાં માત્ર એક જ આરણ્યક પ્રાપ્ય છે, જે તવલ્કાર અથવા જૈમિનીય આરણ્યક નામે ઓળખાય છે. કેન અને છાન્દોગ્ય નામનાં બે અતિ પ્રસિદ્ધ ઉપનિષદો આ વેદમાંથી સાંપડે છે. છાન્દોગ્ય ઉપનિષદ તવલ્કાર ઉપનિષદના નામે પણ ઓળખાય છે.

અથર્વવેદ સંહિતા

બ્રાહ્મણ-પુજારી માટે રચાયેલી આ સંહિતા આ કારણથી બ્રહ્મવેદ તરીકે પણ ઓળખાય છે, જે કેટલાક વિશેષ ઘટકોને લઈને બાકીના ત્રણ વેદોથી, ખાસ કરીને ઋગ્વેદથી અલગ તરી આવે છે. મરણોત્તર નહીં, પણ ઇહલોકની જ અને હાલની બાબતોની તથા તેને પ્રાપ્ત કરવાનાં બલિદાનોને લગતા વિષયોની તે વધુ છણાવટ કરે છે. તેનો ઘણો મોટો ભાગ રોગ અને તેના ઉપચાર, દીર્ઘાયુ, ઇચ્છાઓની પૂર્તિ, ભવનનિર્માણ, વ્યાપાર, રાજનીતિ, પ્રાયશ્ચિત્ત, ઉપરાંત મેલી-વિદ્યા અને આવાહન-વિદ્યા જેવી બાબતોની ચર્ચા કરે છે. તેમ છતાં અન્ય ઉપનિષદો જેવા ઉચ્ચ દાર્શનિક વિચારોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેની સાહિત્યિક શૈલી વધારે સુધરેલી જણાય છે. આ કારણે કેટલાક વિદ્વાનો એવો મત ધરાવે છે કે તેની રચના પછીના સમયમાં થઈ છે અને વૈદિક શાસ્ત્રસમૂહમાં તેનો સમાવેશ પાછળથી થયો છે.

પ્રાચીન કાલથી આ વેદની નવ શાખાઓમાંની પિપ્પલાદ અને શૌનક એ બે શાખા જ હાલમાં ઉપલબ્ધ છે. વળી તે બન્નેમાંની સંપૂર્ણ રચનામાં માત્ર શૌનક જ પ્રાપ્ય છે.

અથર્વવેદ સંહિતા ચાર વિભાગોમાં ગ્રંથિત છે, જેમાં ૨૦ કાંડ અથવા પ્રકરણો સમાવાયાં છે. વળી, દરેક કાંડ સૂક્તો અથવા ઋચાઓમાં અને ઋચાઓ મંત્રોમાં વિભાજિત છે. આ સંહિતાના કુલ ૬૦૭૭ મંત્રો ૭૩૬ સૂક્તોમાં છે, અને આ સૂક્તો ૨૦ કાંડોમાં તથા આવા ૨૦ કાંડો ૪ પ્રપાઠકોમાં સમાવવામાં  આવ્યા છે. છેલ્લો એટલે કે ૨૦મો કાંડ મહદંશે ઋગ્વેદ સંહિતામાંથી લેવામાં આવ્યો છે.

આ વેદમાં અસીમ ઈશ્વરને માત્ર બ્રહ્મ જ નહીં પરંતુ માતૃનામા, ઇર્ષ્યોપનયન, યક્ષ્માનાશન જેવી રસપ્રદ સંજ્ઞાઓ આપવામાં આવી છે, જેનો માત્ર અહીં જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માત્ર ઈશ્વરની ઇચ્છાથી જ સકલ વિશ્વ તેમનામાંથી ઉદ્ભવ્યું છે અને તેમનામાં જ અવસ્થિત છે, તે સમગ્ર સૃષ્ટિના નિયંતા છે. રોહિત (લાલ) નામનો સૂર્ય તેની શક્તિનું ચિહ્ન છે. મનુષ્યમાં સ્થિત આત્મા છે, જેને આવું જ્ઞાન છે તેને કશો ભય નથી. આ વેદમાં સ્વર્ગ અને નર્ક તેમજ પાપ અને પુણ્યની પણ છણાવટ કરી છે. સત્ય, દીક્ષા (સાધના) અને તપથી મનુષ્ય સંપૂર્ણતા પ્રાપ્ત કરે છે, તેવો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ રચના તે સમયના સમાજનું રસપ્રદ ચિત્રાંકન દર્શાવે છે. તેમાં ગાંધાર (અફઘાનિસ્તાન)થી મગધ (બિહાર) અને અંગ (બંગાળ) સુધીની માનવ-વસાહતો ઉલ્લેખવામાં આવી છે. ત્યારે વર્ણ-વ્યવસ્થા સ્થપાયેલી હતી. પહેલા ત્રણ વર્ણો આર્યો કહેવાતા હતા અને છેલ્લો વર્ણ શુદ્ર કહેવતો હતો. પરંતુ લોકોમાં સુસંવાદિતા પ્રવર્તતી હતી. રાજાઓ સામર્થ્યવાન હતા, વેપાર ધંધા સુવિકસિત હતા, જે મુખ્યત્વે કૃષિ ક્ષેત્ર પર આધારિત હતા. ક્યારેક શક્તિશાળી શાસકો બ્રાહ્મણોની સતામણી કરતા. ગાયો અત્યંત પૂજ્ય ગણાતી. ગોદાન મોટું પુણ્ય ગણાતું હતું. લગ્નપ્રથા ઋગ્વેદિક કાલની પ્રથા જેવી હતી.

અથર્વવેદનો આર્યક હજુ પ્રકાશિત થયો નથી. એક માત્ર ગોપથ બ્રાહ્મણ નામના બ્રાહ્મણનો આવિષ્કાર થયો છે.  પ્રશ્ન, મુણ્ડક અને માણ્ડૂક્ય ઉપનિષદો આ વેદમાંથી મળે છે.

કહેવાઈ ચૂક્યું છે તેમ, વૈદિક સંહિતાઓ સ્મૃતિમાં સંગ્રહાઈને પેઢી દર પેઢી મૌખિક રીતે પ્રસારિત થતી હતી. આજ પર્યંત તે સઘળી શુદ્ધ સ્વરૂપમાં સંગ્રહિત છે. આ પઠન પ્રણાલીની વિકસાવેલી વિશિષ્ટ પદ્ધતિને કારણે શક્ય બન્યું છે. આ પદ્ધતિમાં પદપાઠ, ક્રમપાઠ અને જપ-પાઠ જેવાં પઠનનાં વિવિધ અંગો છે.

વેદો અપૌરુષેય (મનુષ્ય દ્વારા સર્જિત નહિ પરંતુ સ્વ-પ્રકાશિત) હોઈને ભાષાના પુરાતન પ્રકાર અને શબ્દોને કારણે તેમને સમજવા સરળ બને તેવી છ પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી. તે છે, શિક્ષા, વ્યાકરણ, છંદ, નિરુક્ત, જ્યોતિષ, અને કલ્પ. ઉચ્ચાર-ગાનની પદ્ધતિ શિક્ષામાં દર્શાવાઈ છે. વૈદિક વ્યાકરણને વ્યાકરણ કહેવાય છે. વૈદિક કાવ્યની માત્રાઓ છંદમાં નિર્દેશાય છે. વૈદિક શબ્દો અને તેનાં અર્થઘટન નિરુક્તમાં સમાવાયાં છે. વૈદિક બલિઓનો સમય અને મૂહુર્તો જ્યોતિષ ખગોળવિદ્યા દ્વારા દર્શાવાયાં છે. સૂક્તોના કલ્પોની ચાર શાખાઓ છે; શ્રૌતસૂત્ર, ગૃહ્યસૂત્ર, ધર્મસૂત્ર, શુલ્બ કે શુલ્વસૂત્ર. આ બધી શાખાઓ બલિના વિધિઓ અને યાગોના નાના-મોટા પ્રકાર વિશે નિર્દેશ પ્રદાન કરે છે.

વૈદિક શાસ્ત્રોને સમજવા માટે ભાષ્યો અને ટીકાઓએ મહાન યોગદાન આપ્યું છે. સદીઓ દરમ્યાન ભાષ્યકારો અને ટીકાકારોની આ આકાશગંગામાં શંકરાચાર્યનું સ્થાન માત્ર ગ્રંથોની સંખ્યા અને કદને કારણે જ નહીં, પરંતુ તેમની ગુણવત્તાને કારણે અદ્વિતીય સ્થાન ધરાવે છે.

વેદાભ્યાસ માત્ર પ્રભાવશાળી જ છે, એટલું જ નહીં પરંતુ તેના અભ્યાસથી સર્વોચ્ચ અનુભૂતિ પ્રાપ્ત થાય છે.

Total Views: 213

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.