ગયા માસના સંપાદકીય લેખના અંતે આપણે યાસ્કથી માંડીને આજ સુધીના વેદના અર્થઘટનો કરનારા પ્રયાસો વિશે એક ઐતિહાસિક વિવેચના કરવાની વાત કરી હતી. ભારતના તેમજ વિદેશી ટીકાકારોએ વેદનું કેવું અર્થઘટન કર્યું છે તે નોંધવું ખૂબ રસપ્રદ થઈ પડશે. યાસ્કથી માંડીને સાયણાચાર્ય અને અન્ય પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક વિદ્વાનોએ પરિશ્રમપૂર્વક વેદ પર ભાષ્યો લખ્યાં છે, તેમનાં મર્મગ્રાહી અર્થઘટનો પણ કરવાનો પ્રયાસ કર્યો છે. યાસ્કે તેમના નિરુક્ત (૧/૨૦)માં આવાં પ્રયાસોનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે અતિપ્રાચીન કાળમાં ઋષિઓએ પોતાની તપસ્યાના બળથી ધર્મનો (વૈદિક જ્ઞાનનો) સાક્ષાત્કાર કર્યો હતો. ‘साक्षात्कृतधर्माण: ऋषयो बभूवु: ।’ પછી તેઓ કહે છે : ‘ते अवरेभ्य: असाक्षात्कृतधर्मेभ्य: उपदेशेन मन्त्रान्‌ संप्रादु: ।’ – ‘તેઓ એ વૈદિક જ્ઞાનનો સાક્ષાત્કાર કરીને ઉપદેશના માધ્યમથી મંત્રોનો સંગ્રહ બીજાઓ માટે વારસારૂપે આપી ગયા.’ આ ઋષિઓ મંત્રદૃષ્ટા હોવાને કારણે સ્વત: સિદ્ધ હતા, પણ તેમના પછી જે ઋષિઓ આવ્યા તેમણે પહેલાં મંત્રોનું શ્રવણ કર્યું અને પછી તેમને દર્શન થયાં. આ વૈદિક જ્ઞાનના રક્ષણાર્થે તેઓ ચિંતાતુર બન્યા. એટલે યાસ્ક આગળ કહે છે : ‘उपदेशाय ग्लायन्‍त: अवरे बिल्मग्रहणाय इमं ग्रन्‍थं समाम्‍नासिषु । वेदं च वेदाङ्गानि च ।’ – ‘વેદોપદેશ (મંત્રો)નું રક્ષણ કરવાના હેતુથી ખૂબ પરિશ્રમપૂર્વક તેઓએ વેદોનું વર્ગીકરણ કર્યું અને વેદાંગો રચ્યાં.’ આ વાતથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન કાળથી પોતાને વારસા રૂપે મળેલા આ અમૂલ્ય વેદો તેમજ વેદાર્થ માણસો ભૂલી ન જાય તે માટે આપણા ઋષિઓ સતત જાગ્રત હતા.

વેદોનો સાચો અર્થ અને મર્મ જાણવાનો પહેલો પ્રયાસ કોણે કર્યો હતો તે કહેવું કઠિન છે. પણ યાસ્કના ‘નિરુક્ત’માં ‘નિઘણ્ટુ’ની વિસ્તૃત વ્યાખ્યા થયેલી છે. ‘નિઘણ્ટુ’ એટલે શબ્દોની સૂચિ. એમાં વૈદિક સંહિતાઓના કઠિન તેમજ સંદિગ્ધાર્થ શબ્દોને એકત્ર કરીને તેમના અર્થોને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે આપણે ‘નિઘણ્ટુ’ને વેદોના અર્થઘટનનો પ્રથમ પ્રયાસ કહી શકીએ. બીજા મતાનુસાર સંહિતાના મંત્રોને સમજાવવાનો પ્રયત્ન અનેક બ્રાહ્મણગ્રંથોમાં થયો છે. આથી બ્રાહ્મણગ્રંથોને આપણે વેદના પ્રથમ અભ્યાસગ્રંથો ગણાવી શકીએ. વિભિન્ન વેદાંગ સાહિત્યનો હેતુ વેદનું સાંગોપાંગ અધ્યયન તેમજ સંરક્ષણ કરવાનો હતો. પ્રાતિશાખ્યોની રચના પણ નિરુક્તના સમયમાં અથવા તો તેનાથી પહેલા થઈ હશે એમ માનવામાં આવે છે. આ ગ્રંથોમાં વૈદિક ભાષાના વિચિત્ર પદો, સ્વરો તેમજ સંધિઓનું વિવેચન કરવામાં આવ્યું છે.

બીજી બાજુ શાકલ્ય નામના વિદ્વાને યાસ્કના સમય પૂર્વે ઋગ્વેદના પદપાઠની રચના કરી હતી. તેના સમકાલીન આત્રેય ઋષિએ યજુર્વેદનો પદપાઠ અને મહર્ષિ ગાર્ગ્ય સામવેદના પદપાઠકર્તા મનાયા છે. પદપાઠકારના પ્રયાસોથી ઘણીવાર અર્થઘટનમાં સરળતા સાંપડી છે. તે પછી એમ પણ કહેવાય છે કે વેદની સંહિતાઓમાં વ્યક્ત થયેલાં કેટલાક સિદ્ધાંતોનો ઉપનિષદોમાં સ્વીકાર થયો છે, તો કેટલાકની વિવેચના, વળી કેટલાકનો અસ્વીકાર પણ થયેલો જોવા મળે છે. એટલે વેદની સંહિતાઓના સિદ્ધાંતના વિવેચક તરીકે ઉપનિષદના ઋષિઓને સ્વીકારી શકાય છે. આ બાબતમાં આપણને સ્વામી વિવેકાનંદનો એક અનોખો દૃષ્ટિકોણ જોવા મળે છે. તેઓ કહે છે :

‘વધુ પ્રાચીન ઉપનિષદોની ભાષા વેદોના મંત્ર-વિભાગની અપ્રચલિત ભાષાની પેઠે ઘણી જૂની છે અને સારભૂત સિદ્ધાંત શોધી કાઢવા માટે કેટલીકવાર અનાવશ્યક બાબતોના મોટા ઢગલામાં થઈને આપણે પસાર થવું પડે છે. કર્મકાંડના જે સાહિત્ય વિશે મેં તેમને કહ્યું અને વેદોનો બીજો વિભાગ જેનો બનેલો છે, તેની આ પ્રાચીન ઉપનિષદ્‌ પર ઘણી મોટી છાપ રહેલી છે. તેને લીધે એનો અર્ધાથીયે વધારે ભાગ હજી પણ કર્મકાંડને લગતો છે. છતાં ઘણાં જ પ્રાચીન ઉપનિષદોનો અભ્યાસ કરવામાં એક મોટો લાભ રહેલો છે. આમાં તમે આધ્યાત્મિક વિચારોનો ઐતિહાસિક દૃષ્ટિએ થયેલો વિકાસ, જાણે કે, પારખી શકો છો. વધુ આધુનિક ઉપનિષદોમાં આધ્યાત્મિક વિચારોને સંગૃહીત કરીને એક સ્થળે લાવવામાં આવ્યા છે. દાખલા તરીકે ભગવદ્‌ગીતામાં. ભગવદ્‌ગીતાને આપણે છેલ્લા ઉપનિષદ તરીકે ગણી શકીએ. તેમાં આ કર્મકાંડના વિચારોનો લેશ પણ દેખાતો નથી. ગીતા એ ઉપનિષદમાંથી એકઠાં કરેલાં આધ્યાત્મિક સત્યોરૂપી સુંદર પુષ્પોના ગજરા જેવી છે. પરંતુ ગીતામાં આધ્યાત્મિક વિચારકોના વિકાસનો તમે અભ્યાસ ન કરી શકો; તેમનું મૂળ તમે શોધી કાઢી ન શકો. ઘણાએ જેમ સૂચવ્યું છે તેમ એ કરવાને માટે તમારે વેદોનો અભ્યાસ કરવો જોઈએ. પવિત્રતાની મહાન ભાવના આ ગ્રંથો સાથે જોડાયેલી હોવાથી તેણે તેમને વિકૃત થવામાંથી જગતના બીજા કોઈ પણ ગ્રંથ કરતાં વધારે બચાવ્યા છે. તેમની અંદર વિચારોને તેમના સર્વોચ્ચ સ્વરૂપે તેમજ હલકામાં હલકા સ્વરૂપે જાળવી રાખવામાં આવ્યા છે; જરૂરના તેમજ બિનજરૂરી, ઉદાત્તમાં ઉદાત્ત વિચારો તેમજ સાવ સાદામાં સાદી વિગતો પડખે પડેલાં છે. તેમને હાથ લગાડવાની કોઈએ હિંમત જ કરી નથી. વિદ્વાન ટીકાકારોએ તેમને સરળ બનાવવાનો તથા પ્રાચીન વસ્તુઓમાંથી અદ્‌ભુત નવા વિચારોને બહાર લાવવાનો પ્રયાસ કર્યો. તેમણે સાવ સામાન્ય વિધાનોમાંથી પણ આધ્યાત્મિક વિચારોને શોધી કાઢવાની મહેનત કરી; પરંતુ મૂળ પાઠો તો જેમના તેમ રહ્યા. અને એ હિસાબે ઐતિહાસિક દૃષ્ટિએ તેઓ અભ્યાસનો અદ્‌ભુત વિષય છે.’ 

(સ્વા.વિ.ગ્રં.મા., ભાગ – ૭, પૃ. ૧૯૪)

પછીના કાળમાં રચાયેલ મહાભારત કે પુરણોમાં પણ વેદની અનેક કથાઓ તેમજ સિદ્ધાંતોનો વિસ્તાર કે વિચારોનો વિસ્તાર ઉપલબ્ધ થાય છે. દર્શનશાસ્ત્રોએ પણ વૈદિક સંહિતાઓની પૃષ્ઠભૂમિ પર પોતાના સિદ્ધાંતોની ઈમારત ચણી છે.

ગુપ્તકાળમાં વૈદિકધર્મનો મહાન અભ્યુદય થયો. આચાર્ય કુમારિલે મિમાંસાશાસ્ત્રની પુન:પ્રતિષ્ઠા કરી વેદાધ્યયન તરફ પંડિતોની પ્રવૃત્તિ પુન: જાગ્રત કરી. બૌદ્ધકાળમાં વેદાધ્યયનની જે અવનતિ થઈ હતી તે કુમારિલ – શંકરના કાળમાં અને તે પછી વિશેષ રૂપે નવજીવન પામી હતી. એમ કહેવાય છે કે આ જ કાળમાં વૈદિક ભાષ્યકારોમાંના પ્રાચીનતમ ભાષ્યકાર સ્કન્દસ્વામીનો આવિર્ભાવ થયો હતો. સ્કન્દસ્વામી ગુજરાતની તે સમયની પ્રખ્યાત રાજધાની વલમીના નીવાસી હતા. ઋગ્વેદ સંહિતા પર સૌથી પહેલું ઉપલબ્ધ ભાષ્ય (ઈ.સ.૬૨૫) સ્કન્દસ્વામીનું છે. વૈદિક સાહિત્યમાં આ ભાષ્યની ખૂબ જ સન્માનપૂર્વક સ્વીકૃતિ થઈ છે.

વેદની સંહિતાના ભાષ્યકારોની વાત કરીએ તો માધવ ભટ્ટ, નારાયણસ્વામી, ઉદ્‌ગીથ, વેંકટમાધવ, સાયણાચાર્ય, આનંદતીર્થ, હસ્તામલક, આત્માનંદ, મુદ્‌ગલ જેવા વિદ્વાનોએ ઋગ્વેદ ઉપરના ભાષ્યના અંશો અથવા તો ભાષ્યો રચ્યાં હોવાનાં નિર્દેશો મળે છે. આમાંથી કેટલાકનાં પ્રકાશનો પણ થયા છે. સાયણાચાર્ય, માધવસ્વામી, ભરતસ્વામી અને ગુણવિષ્ણુ, મહાસ્વામી અને શોભાકર ભટ્ટ, વગેરે સામવેદના ભાષ્યકારો છે એવું જાણવા મળે છે.

સાયણાચાર્ય, ભવસ્વામી, ગુહદેવ, ભટ્ટ ભાષ્કર, ભાષ્કર મિત્ર, વેંકટેશ, વગેરે યજુર્વેદની તૈત્તિરીય સંહિતાના; ઉવટ, મહીધર, શૌનક, હરિસ્વામી વગેરે યજુર્વેદની મધ્યન્દિની સંહિતાના; સાયણાચાર્ય, અનંતાચાર્ય, આનંદબોધ, હલાયુધ કાલનાથ વગેરે યજુર્વેદની કણ્વસંહિતાના જાણીતા ભાષ્યકારો છે.

અથર્વવેદ ઉપર કેવળ સાયણાચાર્યનું ભાષ્ય મળી આવે છે, તે પણ અપૂર્ણ છે. આ ભાષ્યનું સંપાદન મુંબાઈના શ્રી શંકર પાંડુરંગ પંડિતે તેમના પોરબંદરવાસ દરમિયાન કર્યું હતું. આ કાર્યમાં જોગોનુજોગે તેમને સ્વામી વિવેકાનંદની સહાયતા પણ સાંપડી હતી.

વૈદિક સાહિત્યના ભાષ્યકારોમાં સાયણાચાર્યના પ્રદાનને વર્ણનાતીત મહત્ત્વનું સ્વીકારવામાં આવે છે. તેઓના ભાષ્યના અભાવે તો વેદના અર્થો સદાકાળ માટે અંધકારના ગર્તમાં લુપ્તપ્રાય બની જાત એમ કહેવાય છે. સાયણાચાર્યે ચારે વેદ ઉપર ભાષ્યની રચના કરી છે. વળી કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય સંહિતા અને શુક્લ યજુર્વેદની કાણ્વસંહિતા એમ બંને ઉપર તેમનું ભાષ્ય ઉપલબ્ધ થતું હોવાથી પાંચ સંહિતાઓ ઉપર તેમનું ભાષ્ય ઉપલબ્ધ થાય છે. આ ઉપરાંત ૧૨ બ્રાહ્મણો, ૨ આરણ્યકો અને ૨ ઉપનિષદો ઉપર તેમનું ભાષ્ય મળી આવે છે.

સાયણાચાર્યે વિજયનગર (હાલ કર્ણાટકમાં આવેલ છે)ના સંસ્થાપક મહારાજ બુક્ક તથા તે પછી મહારાજ હરિહરના મંત્રીપદને (ઈ.સ.૧૩૬૪-૧૩૮૭) અલંકૃત કર્યું હતું. આ જ સમયમાં તેમના જ્યેષ્ઠભ્રાતા માધવાચાર્ય દ્વારા પ્રેરણા મેળવીને તેમણે વેદભાષ્યોનું ભગીરથકાર્ય પૂર્ણ કર્યું. એટલે જ આ ભાષ્ય ‘માધવીય’ નામથી પ્રખ્યાત છે. વેદનાં દુર્ગમ દુર્ગમાં પ્રવેશ કરવા માટે આ સાયણભાષ્ય એક વિશાળ સિંહદ્વાર ગણાય છે.

સાયણાચાર્યે વેદોનું પરંપરાગત અર્થઘટન કરવાનો પ્રયાસ કર્યો છે. આવશ્યકતા પ્રમાણે તેઓએ પુરાણ, ઇતિહાસ, સ્મૃતિ, મહાભારત જેવા ગ્રંથોમાંથી અવતરણોને પ્રમાણો તરીકે ટાંક્યા છે. તેઓએ વેદાંગોની પણ અવગણના કરી નથી. પ્રત્યેક મહત્ત્વપૂર્ણ વૈદિક શબ્દની વ્યુત્પત્તિ, સિદ્ધિ તથા સ્વરાઘાતનું વર્ણન પાણિનીય સૂત્રો અથવા તો ક્યારેક પ્રાતિશાખ્યની સહાયતાથી સુવ્યવસ્થિત રીતે કર્યું છે. યાસ્ક તેમજ સ્કન્દસ્વામી, માધવ જેવા પ્રાચીન ભાષ્યકારોએ કરેલા વેદાર્થને પણ અમુક સ્થળે ગ્રહણ કર્યો છે. પરંતુ એમ કહેવાય છે કે તેમણે પોતાના ભાષ્યમાં યાજ્ઞિક પદ્ધતિને વધારે મહત્ત્વ આપ્યું છે. તેનું કારણ એ છે કે તે સમયે કર્મકાંડનું વધારે ચલન હતું. પણ જો સાયણભાષ્ય ન હોત તો વેદાર્થના અનુશીલનની કેવી દયનીય દશા થઈ હોત તેની કલ્પના આપણે કરી શકીએ. પાછળથી આવેલા ઐતિહાસિક પદ્ધતિમાં વિશ્વાસ ધરાવતા યુરોપિયન વિદ્વાનોએ આ સાયણભાષ્યના આધારે જ પ્રથમ વેદાર્થ અનુશીલનનો પ્રયાસ કર્યો હતો. ઋગ્વેદના પ્રથમ પાશ્ચાત્ય અંગ્રેજી અનુવાદક વિલ્સને કહ્યું છે : ‘Sayana undoubtedly had a knowledge of this text far beyond the pretensions of any European scholar, and must have been in possession either through his own learning or that of this assistants, of all the interpretations which have been perpetuated by traditional teaching from the early times’

સાયણભાષ્યના પ્રથમ યુરોપિયન સંપાદક પ્રો. મેક્સમૂલરે સાયણભાષ્યને ‘Blind man’s stick’ – ‘આંધળાની છડી’ સાથે સરખામણી કરી છે, કારણ કે તેના વગર વેદોના દુર્ભેદ્ય કિલ્લામાં પ્રવેશ કરવો તે અશક્ય બની ગયું હોત. તેઓ કહે છે : ‘We ought to bear in mind that five and twenty years ago, we could not have made even our first steps, we could never at least have gained a firm footing without his leading strings.’

આધુનિક ભારતમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ ઋગ્વેદ અને યજુર્વેદ પર સંસ્કૃતમાં સુંદર ભાષ્યગ્રંથોની રચના કરી છે. બંગાળના સત્યવ્રત સામાશ્રમી, શ્રીપાદ દામોદર સાતવલેકર, વિશ્વેશ્વરાનંદ વૈદિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અધ્યક્ષ રહેલા આચાર્ય વિશ્વબંધુ, ડો. દાંડેકર, સ્વામી ગંગેશ્વરાનંદજી મહારાજ જેવા વિદ્વાનોએ વૈદિક સાહિત્યના અધ્યયન અને સંશોધનના ક્ષેત્રમાં પોતપોતાનો મહત્ત્વનો ફાળો આપ્યો છે. આધુનિક યુગમાં પાશ્ચાત્ય વૈદિક વિદ્વાનોએ અથાક્‌ પરિશ્રમથી વૈદિક સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક તેમજ તેના સિદ્ધાંતોનો પુનરુદ્ધાર કરવાનો પ્રયાસ કર્યો છે અને કેવળ મૌખિક પરંપરાથી ઊતરી આવેલ વેદો આપણને મુદ્રિત સ્વરૂપે મળ્યા, તેની વાત હવે પછીના સંપાદકીયમાં કરીશું.

Total Views: 292

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.