ઈક્ષ્વાકુવંશનો ત્રૈવૃષ્ણ ત્ર્યરુણ એક મહાપ્રભાવી મહીપતિ હતો. શ્રી અને સરસ્વતી પોતાનો વૈરભાવ ભૂલીને એને આશ્રયે સંપથી રહેતી. શાસ્ત્રાસ્ત્રો અને શાસ્ત્રો – બંનેમાં એનું કૌશલ અનુપમ હતું. ઋગ્વેદના અનેક મંત્રોનો એ દૃષ્ટા હતો. સાથોસાથ રાજ્ય સંચાલન અને શત્રુઓને મારી હઠાવવામાં શૂરો હતો. એના રાજ્યમાં પ્રજા સર્વ વાતે સુખી હતી. રાજ્યમાં માગ્યા મેહ વરસતા હતા. એની પ્રજાના તુચ્છ પ્રાણીમાં પણ બૂરા વિચાર ન આવતા. ઋષિજનો પોતાના આશ્રમમાં નિર્વિઘ્ને સાધના કરતા. વેદો ભણતા-ભણાવતા સવારે હોમાગ્નિ સદૈવ આબોહવાને વિશુદ્ધ કરતો રહેતો. સામગાનનો ગુંજારવ અવિરત સંભળાયા કરતો. ઇન્દ્ર યજ્ઞોથી ખુશ હતો. વર્ષાકાળે એ ધનુષ્ય સજાવીને ધરતીને સંતોષતો અને વર્ષાકાળ વીત્યે રાજા ધનુષ્ય સજાવીને રાજ્યને શત્રુરહિત કરવા દિગ્વિજય કરતો.

આવા જ એક સમયે વર્ષા કાળ જ્યારે વીતી જઈ રહ્યો હતો ત્યારે શરદનો સોહામણો સમય આવી પહોંચ્યો. મેઘાડંબરમાં ચમકતી વીજળી ચાલી ગઈ, મેઘગર્જના પણ બંધ થઈ અને બધે રમણીયતા છવાઈ ગઈ. જળ નિર્મળ થયાં, નદીઓ અને તળાવોમાં કમળો ખીલવા માંડ્યાં અને એ ઝૂમતાં કમળોની આસપાસ મધલોભી ભમરાઓ ઘૂમવા માંડ્યા, ગૂંજવા લાગ્યા. આમ શરદનું સંગીત સંભળાવા લાગ્યું. સૂરજનાં ચમકીલાં કિરણો ધરતી પર પથરાયાં. એણે વર્ષાની જડતાને ભગાડીને ઉલ્લાસ ફેલાવ્યો. સૌનાં મન ઉત્સાહથી ખીલી ઊઠ્યાં.

આવા ઉલ્લાસમય વખતે રાજા ત્રૈવૃષ્ણ ત્ર્યરુણે પણ દિગ્વિજય કરવાનો પ્રારંભ કર્યો. આ સમય જ દિગ્વિજય માટે શ્રેષ્ઠ સમય હતો. ઇન્દ્રે વર્ષા દ્વારા કરેલી પ્રજારક્ષા પછી હવે પ્રજારક્ષા કરવાનો વારો ઈક્ષ્વાકુવંશના આ પ્રતાપી રાજાનો હતો. એણે દિગ્વિજયની ભારે તૈયારીઓ કરવા માંડી.

રાજા ત્રૈવૃષ્ણ ત્ર્યરુણના વૃશ નામના એક સમર્થ પુરોહિત મહર્ષિ હતા; એ ભારે વિદ્વાન અને બધે ખૂબ પ્રખ્યાત હતા.  એમના પિતાનું નામ ‘જન’ મહર્ષિ હતું. એટલા માટે બધા એમને ‘જાન વૃશ’ અથવા ‘વૃશ જાન’ને નામે ઓળખતા હતા. તેઓ કર્મઠ અને વિદ્વાન હોવા ઉપરાંત તપસ્વી પણ હતા. તેમના મુખ પરની આભાથી દેવો પણ અંજાઈ જતા. તેઓ સૌમ્ય અને ઉગ્ર બંને ભાવોના સમન્વયરૂપ હતા. તેઓ સામગાન અને સાથોસાથ આથર્વણ પ્રયોગો – બંનેમાં નિપુણ હતા. ત્રૈવૃષ્ણ ત્ર્યરુણ સાથે સમરાંગણમાં તેઓ ના પાડવા છતાંય પરાણે હાજર રહેતા. તેઓ એવા અભયમૂર્તિ હતા. તેઓ વૃદ્ધ હોવા છતાં યુવાનોનેય શરમાવે એવી સ્ફૂર્તિ ધારણ કરનારા હતા. પાછા હઠવાનું તો તેઓ જાણતા જ ન હતા. ઉત્સાહ-નિર્ભયતા-પરાક્રમનો તેઓ ભંડાર હતા.

આવા સમર્થ પુરોહિતને પામીને રાજા ત્રૈવૃષ્ણ ત્ર્યરુણ પોતાને ખૂબ બડભાગી સમજતો હતો. કારણ કે વિશાળ સામ્રાજ્યનું રક્ષણ જેટલું રાજાનું ધનુષ્ય કરી રહ્યું હતું એના કરતાં અનેક ગણું પ્રજાકલ્યાણ આ પુરોહિત મહર્ષિ વૃષના આથર્વણ મંત્રોના પ્રયોગોથી સિદ્ધ થઈ રહ્યું હતું. આ રીતે પ્રતાપી પૃથ્વીરાજ અને પ્રભાવશાળી પુરોહિતના પરસ્પરના પ્રયત્નોથી પ્રજાજનો સુખની સોડ તાણીને સૂઈ શકતા હતા. અત્યાચારનો ઓછાયો પણ અહીં શોધ્યો જડતો ન હતો. સિંધુ, પરુષ્ણી વગેરે સાત નદીઓથી મંડિત જે સપ્તસિંધુ પ્રદેશ છે તે વૈદિક આર્યભૂમિ આ રાજાના રાજ્યકાળ દરમિયાન જાણે કે ધરતીનું અભિરામ સ્વર્ગ બની ગઈ હતી.

શરદ્ઋતુમાં દિગ્વિજયની તૈયારી કરતો રાજા ત્રૈવૃષ્ણ ત્ર્યરુણ પોતાના પૂજનીય પુરોહિત પાસે પહોંચ્યો અને પ્રણામ કરીને કહેવા લાગ્યો:

‘મહર્ષે! આપને એક વિનંતી કરવા આવ્યો છું. એક યાચના કરવા આવ્યો છું, મારી યાચના આપે માનવી જ પડશે કૃપા કરી મને નિરાશ ન કરશો.’

‘પણ એવી તે શી યાચના છે રાજન્!’ વૃશ બોલ્યા, ‘તમારે આટલો બધો આગ્રહ કેમ કરવો પડે છે, વારુણ, શું મેં ક્યારેય તમને નિરાશ કર્યા છે કે? મને તો યાદ આવતું નથી! બોલો, બોલો! જે હોય તે ખુશીથી કહો.’

રાજા ત્રૈવૃષ્ણ ક્ષોભ અને સંકોચ સાથે કહેવા લાગ્યો: ‘મહર્ષે! હું ઇચ્છું છું કે મારી આ વખતની યુદ્ધ યાત્રામાં આપ મારા રથના સારથિ બનો, આપે સદૈવ અનુગ્રહ કરીને મને ધન્ય કર્યો છે. રણમેદાનમાં ઉપસ્થિત રહીને આપે મારી તથા ઈક્ષ્વાકુઓની યુયુત્સાઓને પ્રેરણા આપ્યા કરી છે. આપે કરેલી ઇન્દ્રની પ્રાર્થનાઓ દ્વારા જ ઇન્દ્રે અમને શત્રુઓ પર વિજય અપાવ્યો છે. હવે આ વખતે તો મારા મનમાં થયું કે યુદ્ધ માટે થનગનતા મારા અશ્વોનું આપ જ સંચાલન કરો. હું મારી આ વખતની રણયાત્રાને આપના સારથિપણા હેઠળ સંપન્ન કરવા ઇચ્છું છું.’ આટલું બોલતાં તો રાજા ગદ્ગદિત થઈ ગયો.

‘ઠીક છે, ભલે’. વૃશે ખુશીથી પોતાની સંમતિ આપી દીધી. ઋષિ વૃશ આગળ બોલવા લાગ્યા: ‘રાજન્! તારી કર્તવ્યપરાયણતાથી હું પ્રસન્ન છું. મને આનંદ છે કે તું રાજ્ય પુરોહિતના ગૌરવને બરાબર સમજ્યો છે. પુરોહિત તો રાજ્યની પ્રતિષ્ઠા છે. વાયુ વગરના અગ્નિની પેઠે પુરોહિત વગરનું રાજ્ય તે ક્યારેય ઉદ્દીપ્ત થઈ શકતું નથી. પુરોહિત પાંચ જ્વાલાઓ યુક્ત વૈશ્વાનર અગ્નિ છે, એ એવો અગ્નિ છે કે જેના પાંચ અવયવોમાં પાંચ જ્વાલાઓ રહી હોય છે. એટલે રાજાનું એ કર્તવ્ય છે કે પોતાનાં સદાચરણો દ્વારા એ પાંચેય અગ્નિઓને સદા શાંત રાખ્યા કરવાનો પ્રયત્ન કરો.’ આટલું બોલતાં બોલતાં ઋષિ ગંભીર થઈ ગયા.

રાજા બોલ્યો: ‘ભગવન્! એ અગ્નિને શાંત રાખવા માટે મારે શા શા સદાચાર કરવા જોઈએ?’

ઋષિ બોલ્યા : ‘રાજન્! પુરોહિતના આગમન સમયે મીઠાં સ્વાગત વચનોથી ઋષિની વાણી સ્થિત અગ્નિજ્વાલા શાંત થાય છે, પાદ્યજલથી પાદસ્થિત જ્વાલા શમે છે. પુરોહિતને વસ્ત્રાલંકારોથી શણગારવાથી ત્વચાસ્થિત જ્વાલા શમે છે. તર્પણક્રિયાથી હૃદયસ્થિત જ્વાલા શાંત થાય છે અને ઘરમાં પૂર્ણ સ્વાતંત્ર્ય આપવાથી ઉપસ્થમાં રહેલી જ્વાલા શાંત થાય છે.’

રાજાને એ ઉપદેશોથી એવું સમજાયું કે પુરોહિત પ્રત્યે પર્યાપ્ત સમુદાચાર જ રાજ્યમાં પૂરી શાંતિ લાવી શકે છે. અને એ સમુદાચારના અભાવમાં તો રાષ્ટ્રનો વિધ્વંસ પણ થઈ શકે છે. રાજાને યાદ આવ્યું કે વેદોમાં પુરોહિતને ‘રાષ્ટ્રગોપ’ કહ્યો છે, તે ખરેખર અન્વર્થક છે.

આમ, રાજા વેદકથિત મહિમાના વિચારોના વમળમાં ક્યાંય સુધી તણાતો જ રહ્યો: ‘આવા પુરોહિત જો કોપાયમાન થાય તો? તો તો એ રાજાને સ્વર્ગમાંથીયે નીચે પાડી દે! તો તો એને એનો ક્ષત્રિયવટથી પણ નીચો પાડી દે! પછી તો એનું બળ શું કામ આવે? એનું ચૈતન્ય પણ નકામું જ ને? એના રાષ્ટ્રથી એ વિખૂટો જ પડી જવાનો! પુરોહિતને સદા પ્રસન્ન રાખવાની શીખ સર્વ શાસ્ત્રો આપે છે. પુરોહિતની પ્રસન્નતાથી રાજા સર્વ સંપત્તિથી સંપન્ન થાય છે. સામર્થ્યથી શત્રુઓને જીતે છે. સૈન્ય જમાવે છે અને રાષ્ટ્રને પોષે છે.’

આમ વિચારોના વમળમાં વિવશ થઈને તણાતા રાજાનો ઠીક ઠીક સમય જતો રહ્યો આખરે તે જાગ્યો અને બોલ્યો: ‘મહર્ષે! આ પ્રજા તો સામાન્ય રીતે વિપત્તિના સમયે મારા ધનુષ્ય પર વિશ્વાસ રાખીને બેઠી હોય છે પણ એ બિચારી પ્રજાને તો ક્યાં ખબર છે કે રાષ્ટ્રની બધી જ આશાઓ આપ જેવા પુરોહિત સાથેની મંત્રણાઓ અને સલાહસૂચનો પર જ આધારિત હોય છે! આપની અનુમતિને હું મારા પરની મોટી કૃપા સમજું છું. આપની કૃપાનું કલ્પતરું મારી સમગ્ર કામનાઓને જરૂર પૂરી કરશે.’

અને પુરોહિતના સારથિપણા સાથે રાજાએ દિગ્વિજયનો પ્રારંભ કર્યો. યજમાન રાજા ત્રૈવૃષ્ણના આનંદનો આજે પાર ન હતો.

આજે ઈક્ષ્વાકુઓનાં હૈયાં હરખને હેલે ચડ્યાં હતાં. આજે એમના રાજા ત્રૈવૃષ્ણ વિજય પ્રસ્થાન કરી રહ્યા હતા. આજે સર્વત્ર ઉત્સાહનો ઉદધિ ઊછળી રહ્યો હતો. મહિલાઓ મંગલમૂર્તિ બનીને અટારીઓ ઉપર બેઠી હતી, બાળકો બાળસુલભ કિલ્લોલ કરતાં રાજમાર્ગ પર દોડી રહ્યાં હતાં. વૃદ્ધો વીતેલા કાળના ઈક્ષ્વાકુ-નરપતિઓના વિજયોને યાદ કરી રહ્યા હતા. આજે સપ્તસિંધુના સમ્રાટ ઐક્ષ્વાક ત્રૈવૃષ્ણની પ્રભાવક શોભા અનોખી જ હતી. એમના શિર પર શિપ્રા શોભતી હતી. (શિપ્રા – લોઢાનું શિરસ્ત્રાણ), શત્રુબાણોથી અભેદ્ય એવું કવચ તેમણે ધારણ કર્યું હતું; એમના ડાબા હાથમાં ધનુષ શોભતું હતું. અને જમણા હાથમાં ભાલો ચળકતો હતો. બાણભર્યો ભાથો એમની પીઠ પર લટકતો હતો; પગમાં વરાહના ચામડાના જોડા પહેર્યા હતા; આવા રણબંકા પર કોઈની પણ નજર ક્ષણભર પણ પડે તો એને વીજળીના ચમકારાનો અનુભવ થતો.

રાજાને માટે એક સુંદર રથ સજાવવામાં આવ્યો છે. એને બે તરવરિયા તોખાર જોડવામાં આવ્યા છે. અનેક વીર યોદ્ધાઓ ભાલા-તીર સાથે સજ્જ થઈ એનું રક્ષણ કરી રહ્યા છે. રથના ઉપરના ભાગમાં ખાસ શસ્ત્રાસ્ત્ર રાખવાની વ્યવસ્થા છે.

આ ઉપરાંત, રાજાની ચતુરંગિણી સેના પણ રાજા સાથે મળીને યુદ્ધ-યાત્રાના પ્રારંભની રાહ જોતી ઊભી છે. રણદુંદુભિના ગંભીર ઘોષોથી કાચાપોચા જનો થરથરવા લાગ્યા છે. રથની આગળ મુનિ વૃશ શોભી રહ્યા છે. યુદ્ધસજ્જાથી શોભતા એમને જોઈને કોઈ એમની પૂર્વાવસ્થાની કલ્પના પણ ન કરી શકે. સ્ફૂર્તિ, ઉત્સાહ, પરાક્રમ, તેજસ્વિતાના સાકાર રૂપ સમા વૃશ મુનિ અદૃષ્ટપૂર્વ અને આશ્ચર્યજનક દેખાતા હતા. પૂર્વના મુનિ કરતાં અહીં આકાશપાતાળનો ભેદ વરતાતો હતો.

હવે વિજયયાત્રાનું મુહૂર્ત ઢૂંકડું આવતું જતું હતું. વૃશમુનિએ સારથિનું આસન ગ્રહણ કર્યું. સમ્રાટ ત્રૈવૃષ્ણ પણ રથીને સ્થાને બિરાજ્યા. રણદુંદુભિ બજી ઊઠી અને બસ હવે યાત્રારંભને થોડી ક્ષણો જ બાકી રહી. વૃશ મુનિએ ઘોડાની લગામ પકડી, જયઘોષ થયો અને રણયાત્રા પ્રારંભ થઈ. ઘોડાઓએ ચાલવાનું શરૂ કર્યું. લોકો બ્રાહ્મતેજ અને ક્ષાત્રતેજનું સાહચર્ય જોઈને મુગ્ધ બની રહ્યા, રાષ્ટ્ર કલ્યાણની શ્રદ્ધા સૌના મનમાં પ્રકાશ પાથરી રહી અને પ્રજાએ રાજાને વિશ્વાસ સાથે વિદાય આપી, વિજયયાત્રા આગળ વધવા લાગી.

આ સમરયાત્રામાં સમ્રાટને વિજયલક્ષ્મી વરમાળ પહેરાવતી રહી. દરેકે દરેક યુદ્ધમાં ત્રૈવૃષ્ણને વિજય સાંપડતો રહ્યો, દરેક રાજાને જીતીને ત્રૈવૃષ્ણ એને ફરી સિંહાસન પર બેસાડી દેતો, એના ગર્વનું જ એ ખંડન કરતો, એની શક્તિનું ખંડન એ ક્યારેય ન કરતો; અભિમાન જ હરતો, સંપત્તિ કદાપિ નહિ. આમ દિગ્વિજય કરીને વિજયના કેફ સાથે રાજા પોતાની રાજધાનીમાં પાછો ફર્યો.

વિજયી ત્રૈવૃષ્ણને વધાવવા આજે માનવમહેરામણ ઉમટ્યો હતો. રાજાના આગમનની છડી પોકારતી ઈક્ષ્વાકુઓની વિજયી વિશાળ સેના આગળ મોખરે આવી રહી હતી. દૂરથી રણદુંદુભિના ગંભીર નિનાદો અને રથની ઘરેરાટીઓ સંભળાઈ રહી હતી. ધૂળની ડમરીઓ ઊડતી હતી. નાગરિકોએ નરપતિને નીરખ્યો, પુરોહિત વૃશને સાથે જ એકરથસ્થ જોયા અને હર્ષના પોકારો કર્યા. જનતાની ભારે ભીડ મચી રહી. હૈયે હૈયું દબાવા લાગ્યું. તલભરની ય જગ્યા ન રહી! લોકો આનંદના ઊભરામાં એકબીજાનો ખ્યાલ રાખ્યા વિના જાણે એકબીજા પર તૂટી પડ્યા. આનંદની ભરતીએ માજા મૂકી દીધી.

પણ દૈવ માનવના આનંદાતિરેકને સાંખી શકતું નથી એને માનવના સુખાતિરેકની ઈર્ષ્યા આવે છે. એણે આ રંગમાં ભંગ પાડ્યો. એક એવી દુર્ઘટના બની કે જેણે સુખસાગરને દુ:ખના દરિયામાં ફેરવી નાખ્યો.

આ દોડાદોડીમાં રાજાનો રથ કાળજીપૂર્વક ચલાવાતો હોવા છતાં એક નિર્દોષ બાળક એની નીચે આવી કચડાઈ ગયો! બ્રાહ્મણના એ બાળકની કુતૂહલવૃત્તિએ એ બિચારાનો ભોગ લીધો. લાખ પ્રયત્નો છતાં એને બચાવી ન શકાયો. અરેરાટી બધે ફેલાઈ ગઈ. રાજા અને પુરોહિત – બંને વિષાદમગ્ન થઈ ગયા. દુર્દૈવની દુષ્ટતા પર બંને છળી ઊઠ્યા! દૈવ અને પુરુષાર્થ વચ્ચે ભયંકર યુદ્ધ જામ્યું. પુરુષાર્થ જાણે કહેતો હતો કે, ‘મારી ન્યૂનતાથી બાળક મર્યો છે’ અને દૈવ જાણે કે કહેતું હતું: ‘તારી શી તાકાત છે? આ તો મારી લીલા છે!’ બંનેનો અશ્રાવ્ય સંવાદ જાણે કે રાજા અને પુરોહિત સાંભળી રહ્યા!

પણ શિશુ હત્યાનો અપરાધી કોણ? આ વિષમ સમસ્યા સૌની સામે આવી ઊભી. રાગદ્વેષરહિત વ્યક્તિ જ એને ઉકેલી શકે! એવી ધર્મ બુદ્ધિ, જાગરુકતા, પક્ષપાતરહિતપણું જેમાં હોય એ વિરલ માનવ જ એનો નિર્ણય કરી શકે. આજે ઈક્ષ્વાકુઓ પર ધર્મસંકટ આવી પડ્યું હતું. કારણ કે વાદી તેમનો પોતાનો પ્રજાવત્સલ રાજા જ હતો! અને પ્રતિવાદી પણ તેમના જ બ્રહ્મવર્ચસી પુરોહિત મહર્ષિ વૃશ હતા!

પોતાનો બચાવ કરતો રાજા બોલ્યો : ‘મહર્ષે! આ રથની ગતિને નિયંત્રિત કરનાર તો આપ જ હતા; મારા ઘોડાઓની લગામ આપના જ હાથમાં હતી. આપ જ પોતાની ઇચ્છાનુસાર રથનું સંચાલન કરતા હતા. એટલે સાવધાન થઈને જો આપે ઘોડા હાંક્યા હોત તો બ્રાહ્મણ બાળક બચી જાત. એટલે ખરી રીતે આપનો દોષ છે. હું તો આપની ખાલી કઠપૂતળી જ હતો. આપને ચલાવ્યે ચાલતો હતો. એટલે મારો તો દોષ હોઈ જ કેમ શકે?’

મુનિ રાજાની વાત સાંભળી રહ્યા. પછી બોલ્યા: ‘રાજન્! અહીં તમે વિવેક ચૂકો છો. રથના સ્વામી તો તમે જ છો ને? હું તો ફક્ત તમારી આજ્ઞાનું જ અનુસરણ કરનાર જ છું. રથી તમે અને હું તો સારથિ છું. ભલે લગામ મારા હાથમાં હોય, પણ ફળ તો તમારે જ ભોગવવાનું રહ્યું! સેનાનો પરાજય રાજાએ જ ભોગવવાનો! નોકરની ખોટ શેઠે જ ભોગવવી રહી! આ વિજય થયો તે પણ તમારો જ થયો છે. મારો તો નથી થયો, તો પછી આ શિશુહત્યા મારી એવું કેમ બને?’

ઈક્ષ્વાકુ પ્રજા આ બંનેની દલીલો સાંભળી રહી હતી. રાજા અને પુરોહિતની દલીલબાજી ચાલતી જ રહી. સ્વાર્થપરાર્થનો બુદ્ધિના રણમાં સંગ્રામ ચાલ્યો. પરાર્થ કહે છે, ‘વૃશ નિર્દોષ છે.’ સ્વાર્થ કહે છે: ‘રાજા નિર્દોષ છે!’ ઈક્ષ્વાકુઓ સ્વાર્થમાં સપડાયા હતા. પરમાર્થ પક્ષે પુરોહિત વૃશ એકલા જ હતા. સ્વાર્થી બહુમતિને જોરે એકલી પરમાર્થબુદ્ધિ હારી ગઈ! પુરોહિત વૃશે જૂઠી બહુમતિ આગળ શિર ઝૂકાવવું પડ્યું. એમણે અથર્વવેદના અનેક પ્રયોગ કરીને પાર્ષસામનું ગાન કર્યું. એના પ્રભાવે બ્રાહ્મણ બાળક પુન: જીવિત થયો. બ્રાહ્મતેજના પ્રત્યક્ષ પ્રભાવને ઈક્ષ્વાકુઓ આશ્ચર્યમુગ્ધ બની નિહાળી રહ્યા!

પણ મહર્ષિ આ મિથ્યારોપણથી મર્માહત થઈ ઊઠ્યા હતા. એમનું મન અન્યાયી ઈક્ષ્વાકુઓ પરથી ઊઠી ગયું. ઈક્ષ્વાકુઓના પ્રદેશને છોડીને તેઓ ચાલી નીકળ્યા. ઈક્ષ્વાકુઓએ બ્રાહ્મણ પર કરેલા અન્યાયથી પ્રકૃતિ ખળભળી ઊઠી, સૂર્ય લાલ થઈ ગયો. ઈક્ષ્વાકુઓને માથે મોટું કલંક લાગી ગયું.

ઈક્ષ્વાકુઓનો ત્યાગ કરી ચાલી જતા. મુનિ વૃશના મોંએથી ક્રોધપૂર્ણ કોપવાણી સરી પડી: ‘ઓ અન્યાયી અપરાધી ઈક્ષ્વાકુઓ! તમારો આ વ્યામોહ આ સ્વાર્થપરાયણતા તમારું કલ્યાણ નહિ કરે.’ આટલું કહીને મુનિ ચાલ્યા ગયા.

આ કોપવાણી સાંભળી પ્રજામાં હાહાકાર મચી ગયો. સૌ થરથર કંપી રહ્યા. એમનાથી આજે જાણે વૈભવ વેગળો થયો હતો. આજે કોણ જાણે કેમ પણ હોમાગ્નિ પ્રગટ થતો ન હતો. લાખ પ્રયત્નો કર્યા છતાં ગૃહિણીઓ રસોડામાં રસોઈ કરવા માટે અગ્નિ પેટાવી શકી નહિ. આખો દિવસ ઈક્ષ્વાકુઓ ભોજન પામી શક્યા નહિ. ભૂખ્યે પેટે એકબીજા પર ચિડાવા લાગ્યા. છતે ધાને ક્ષુધાનું દુ:ખ સહન કરવા લાગ્યા. આગ ફૂંકીને ગૃહિણીની આંખો અને મુખ દુ:ખવા લાગ્યા. આજ અગ્નિનાં દર્શન જ દુર્લભ હતાં!

ઈક્ષ્વાકુઓની દશા દયાપાત્ર બની રહી. માનવો માટે આજ ભોજન ન મળ્યું અને દેવો માટે આજ હવિષ્યદૃવ્ય પણ ન મળ્યું! અગ્નિમાં ઘીની આહુતિ ઠુંગરાઈ જ રહી! અગ્નિએ તે સ્વીકારી નહિ.

ધીરે ધીરે આખા રાજ્યમાં કોલાહલ મચી ગયો. પ્રજા રાજાના વિરોધમાં ઊભી થવા લાગી. પ્રજાને લાગ્યું કે રાજાના અપરાધે જ પ્રજા દુ:ખી થઈ રહી છે. લોકો બધે કહેવા લાગ્યા: ‘નિરપરાધ પુરોહિતનો નિષ્કારણ પરિત્યાગ રાજાએ કર્યો! બ્રાહ્મણ શિશુની હત્યામાં તો રાજાનો જ દોષ હતો.’ બસ, જ્યાં જુઓ ત્યાં આ વાત જ ચાલી રહી. હવે લોકોને સમજ પડી કે તેઓ પોતે પોતાને થયેલા મોહ અને પક્ષપાતનું ફળ જ ભોગવે છે.

પ્રજાવત્સલ ત્રૈવૃષ્ણ પ્રજાના આ ક્ષોભથી હચમચી ઊઠ્યો. એણે મંત્રીઓની બેઠક બોલાવી. મંત્રીઓએ પણ આ વજ્રાઘાતનું કારણ મુનિનો રોષ જ ગુણીજનનું ગર્વખંડન જ કહ્યું.

રાજા સમજી ગયો. એને થયું કે ‘શક્તિ અને ન્યાયની લડાઈમાં ખરેખર ન્યાય જ જીતવો જોઈએ. શક્તિએ એમાં જીતવાનાં ફાંફાં મારવાં ન જોઈએ. આ વિપત્તિનું કારણ પણ શક્તિનો વ્યામોહ જ છે.’

રાજા ઝૂકી ગયો. વૃશ ઋષિને ખોળવા એણે ચારે દિશામાં માણસો મોકલ્યા. છેવટે વૃશ આવ્યા. રાજાએ એમનાં ચરણોમાં માથું નમાવી કહ્યું: ‘મુનિવર, એકાએક આવી પડેલી આપત્તિથી અમને ઉગારી લો. પ્રજાનું દુ:ખ મારાથી જોયું જતું નથી.’

કરુણાળુ મુનિનું દિલ રાજાની આર્દૃતાભરી વિનંતીથી અને જનતાના દુ:ખથી પીગળી ગયું. એમનું અપમાનનું દુ:ખ કોણ જાણે ક્યાંય જતું રહ્યું. એમના મનમાં કેવળ આ દુ:ખ દૂર કરવાનો ઉપાય જ રમી રહ્યો! અકસ્માત અગ્નિના અન્તર્ધાન થવાનું શું કારણ હોઈ શકે? ખાલી પોતાના ક્રોધનું તો આવું પરિણામ ન જ આવવું જોઈએ. એમ એમને લાગ્યું. વિચાર કરતાં કરતાં એમની સૂક્ષ્મ દૃષ્ટિએ નિહાળ્યું કે રાજાની રાણીઓમાંની એક રાણી પોતે પિશાચિની હતી. એણે પુરોહિતની ગેરહાજરીનો લાભ ઉઠાવીને પોતાના તેજમાં અગ્નિનું તેજ ઢાંકી દીધું હતું.

મુનિ પોતે રાજા સાથે રાણીવાસમાં ગયા અને કુમારરૂપી અગ્નિની આ રીતે સ્તુતિ કરવા લાગ્યા: ‘હે અગ્નિદેવ, આપ બૃહત્ જ્યોતિથી દીપ્ત છો. આપ પોતાના મહત્ત્વથી જગતના બધા પદાર્થોને ઉત્પન્ન કરો છો. આપ અસુરોથી દુ:ખદાયક અકલ્યાણકારી માયાજાળને ભગાડી દો છો. આપ અસુરોના નાશ માટે આપની શૃંગસમી જ્વાળાઓને તીક્ષ્ણ કરો છો.. અનેક જ્વાલાયુક્ત, અભીષ્ટદાયક, સતત વર્ધમાન અગ્નિદેવ શત્રુ પાસેથી નિષ્કંટક ધન લઈ લે છે. સ્વયં દેવો પણ અગ્નિની (આપની) સ્તુતિ કરતા રહે છે…’

મહર્ષિ વૃશના મુખેથી આવી અનેક ઋચાઓ નીકળી પડી કે તરત જ અગ્નિદેવ ભભૂકી ઊઠ્યા. પેલી પિશાચી એક ક્ષણમાં ભસ્મીભૂત થઈ જમીન પર આળોટવા લાગી. ઈક્ષ્વાકુઓના દેશમાં પુન: અગ્નિનો આવિર્ભાવ થયો. ઘેરઘેર અગ્નિ પ્રકટી ઊઠ્યો. પાકશાળાઓમાં ભોજનો રંધાવા લાગ્યાં. ઘૃતાહુતિઓ અગ્નિદેવ સાતેય જીભેથી સ્વીકારવા લાગ્યા. દીપકોએ રાતનો અંધકાર દૂર કર્યો. સર્વત્ર સુખ-સમૃદ્ધિનું સામ્રાજ્ય પ્રસરી રહ્યું. બધા લોકો કહેવા લાગ્યા: ‘ધિક્ બલં ક્ષત્રિયબલં, બ્રહ્મતેજો બલં બલમ્’ – ‘ધિક્કાર છે ક્ષાત્ર બલને, બ્રહ્મતેજ જ ખરું બળ છે.’

સંદર્ભો : (૧) ઋગ્વેદ – ૫/૨ (૨) શાટ્યાયન બ્રાહ્મણ સાયણભાષ્ય – ૫/૨ (૩) તાણ્ડ્ય બ્રાહ્મણ – ૧૩૩/૧૨ (૪) બૃહદ્દેવતા – ૫/૧૪-૨૩ (૫) ઋગ્વિધાન – ૧૨/૫૨ (૬) નીતિમંજરી, પૃ. ૧૭૪/૧૭૮

Total Views: 104

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.