શિકાગો વિશ્વધર્મ પરિષદમાં ઐતિહાસિક સફળતા મેળવ્યા પછી સ્વામી વિવેકાનંદે લગભગ બે વર્ષાં સુધી અમેરિકાની ચારેય દિશાઓમાં અવિરત વિસ્તૃત પ્રવાસ કરીને વેદાંતનો નક્ક૨ પ્રસાર-પ્રચાર કર્યો. વેદાંતના આ સંદેશને મજબૂત પાયા ઉપર મૂકવાના હેતુથી તેમણે ‘થાઉઝન્ડ આઈલૅન્ડ પાર્ક’માં એક અંતરંગ શિષ્યમંડળને તેમના ‘દિવ્યવાણી’ નામથી પ્રસિદ્ધ થયેલા અમર ઉપદેશ દ્વારા તેમને ભાવિ સંદેશવહન માટે તૈયાર કર્યા, અમેરિકાના આ ભગીરથ કાર્ય પછી ૧૭મી ઑગસ્ટ ૧૮૯૫ના રોજ તેઓ ફ્રાન્સ થઈ ઈંગ્લૅન્ડ જવા રવાના થયા. ત્યાં જઈને તત્કાલીન શાસક અંગ્રેજ પ્રજાને વેદાંતના સંદેશને પ્રબોધવાની તેમની લાંબા કાળથી સેવેલી મહત્ત્વાકાંક્ષા પૂર્ણ થવાની હતી. પરંતુ ઇંગ્લૅન્ડની તેમની સપ્ટેમ્બર ૧૮૯૬ની બીજી મુલાકાત વખતે જ ભારતના શાસકો ઉપર પહેલી જ વાર તેમણે આધ્યાત્મિક વિજયનો ડંકો વગાડી દીધો હતો.

લંડનમાં સ્વામીજીએ પોતાના જીવનના અત્યંત પ્રભાવશાળી અને અદ્વૈતવેદાંતના ‘માયા’ જેવા ગહનતત્ત્વ સમજાવતાં પ્રવચનો આપ્યાં. તેમનાં આ પ્રવચનો ભિન્ન વિચારવાળા વિદેશી વિદ્વતસમાજ સમક્ષ સર્વ પ્રથમ સરળ અંગ્રેજી ભાષામાં થયાં હતાં. તેમનાં પ્રવચનોના વિષયો એટલા તો પ્રભાવક અને તર્કપૂત હતાં કે શ્રોતાઓ તે સાંભળી મુગ્ધ અને સ્તબ્ધ બની ગયા. છતાં પણ આ સ્તબ્ધતા શમ્યા પછી કેટલાક વિચારવા લાગ્યા કે સૈધાન્તિક રીતે આ વિચારો સ્વીકાર્ય હોવા છતાં એને વ્યવહારમાં ઉતારી શકાય ખરા? તેમણે સને ૧૮૯૬ના નવેમ્બરની તારીખ ૫મીના રોજ ‘આત્માનું સ્વાતંત્ર્ય ‘એ વિષય પર પ્રવચન આપ્યાં. પછી કોઈક વિદ્યાર્થીએ તેમને ‘વેદાંતની વ્યવહારિકતા’ વિશે કશું બોલવાનું કહ્યું. એના પરિતોષક જવાબ રૂપે સ્વામીજીએ નવેમ્બરની ૧૦મીથી ‘છાંદોગ્ય ઉપનિષદ’ પર આધારિત ‘જીવનવ્યવહારમાં વેદાંત’નામની ચાર વ્યાખ્યાનોની એક વ્યાખ્યાનમાળા શરૂ કરી. ઉપર્યુક્ત કુલ પાંચ વ્યાખ્યાનો ઉપરાંત તેમણે એ જ વિષયને સ્પર્શતાં અને એવાં જ પ્રેરક ત્રણ પ્રવચનો પણ લંડનમાં આપ્યાં, જે વિવેકાનંદ ગ્રંથમાળામાં ‘બુદ્ધિ અને ધર્મ’, ‘વેદાંત અને વિશેષાધિકાર’ તેમજ ‘બ્રહ્મ અને જગત’ નામે પ્રસિદ્ધ થયાં છે. આ આઠેય પ્રવચનોમાં તેમની કેન્દ્રવર્તી વિચાર એ હતો કે વેદાંત કંઈ કેવળ કોઈ પણ માણસ માટે કોઈ પણ પરિસ્થિતિમાં વ્યવહારુ છે એટલું જ નથી પણ આ વૈદતિનો વિનિયોગ તો વિશ્વશાંતિ અને વિશ્વકલ્યાણ માટે અનિવાર્ય છે.

સામાન્ય રીતે એવું માનવામાં આવતું કે અદ્વૈત વેદાંત કેવળ માનવની આધ્યાત્મિક મુક્તિ માટે જ ઉપયોગી છે અને એને ભૌતિક ઉન્નતિ સાથે કાંઈ લેવા દેવા નથી અને ખાસ કરીને ભારતની જનતામાં તો એ વિચાર એટલો બધો ઘર કરીને બેઠો હતો કે એનાથી ભારતની ભારે ભૌતિક અધોગતિ થઈ. જો કે સ્વામી વિવેકાનંદ અધ્યાત્મ જ્ઞાન દ્વારા માનવના મુક્તિલાભને પ્રધાનપદ આપતા હતા. તેમણે આપેલાં સૂત્રમાં ‘આત્મનો મોક્ષાર્થ’ને પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. આમ છતાં અધ્યાત્મજ્ઞાન દ્વારા કેવળ ગણ્યાગાઢ્યાં લોકોને જ એનો લાભ મળે તે તેઓ ઇચ્છતા ન હતા. તેમની વાંછા તો એવી હતી કે આ અદ્વૈત વેદાંતની શક્તિ અને સામર્થ્ય દ્વારા સકલ જનસમાજની નૈતિક, સાંસ્કૃતિક, સામાજિક, આર્થિક અને રાજકીય ઉન્નતિ થાય. એટલા જ માટે તેમણે આપેલા સૂત્રના ઉત્તરાર્ધમાં તેમને ‘જગત હિતાય ચ’ એ વાક્યખંડનો ઉમેરો કર્યો. સ્વામી વિવેકાનંદ દૃઢપણે માનતા કે અદ્વૈત વેદાંત પર આધારિત એક ગહનતમ અને સર્વગ્રાહી આધ્યાત્મિક સંસ્કૃતિ જ વિશ્વને આધુનિક યુગના ભયંકર ભૌતિક જડવાદથી ત્રસ્ત માનવજાતને ઉગારી શકશે.

વિશ્વનો કોઈ ચાલક, પ્રેરક, નિયંતા અને શાસક ઈશ્વરનો સ્વીકાર કર્યા સિવાયના અદ્વૈત વેદાંતના પ્રચારથી તો સમગ્ર વિશ્વ સ્વછંદી, બેકાબૂ અને નીતિવિહોણું બની જવાનો ભય મોટા ભાગના દ્વૈતવાદીઓએ ઊભો કર્યો છે. આ સંભવિત ભયને નકારતા સ્વામીજી તેમના બ્રહ્મ અને જગત’ નામના પ્રવચનમાં ઉદ્‌ઘોષણા કરે છે :

જગતમાં અદ્વૈતના વિચારોનો પ્રચાર કરવાથી દુનિયામાં અનાચાર અને નબળાઈ વધશે એમ હું જરાય માનતો નથી. ઊલટું મને એમ માનવાનું કારણ છે કે અનાચાર અને નબળાઈનો નાશ કરવાનો એક માત્ર ઉપાય અદ્વૈતના વિચારો જ છે. આ જો સત્ય હોય તો, બાજુમાં જ જીવનશક્તિનું ઝરણું વહી રહ્યું છે ત્યારે લોકોને શા માટે ગંદું પાણી પીવા દેવું? જો આ સત્ય હોય કે બધા પવિત્ર છે, તો પછી આ ક્ષણે જ એનો આખા જગતને શા માટે ઉપદેશ ન આપવો? જગતમાં જન્મેલા એકેએક માનવને, સંતોને તેમ જ પાપીઓને, નરનારી અને બાળકોને, સિંહાસનારૂઢ રાજવીને તેમ જ રસ્તા પર ઝાડુ મારતા માનવીને, દરેકેદરેકને મેઘગર્જનાના અવાજે શા માટે ઉપદેશ ન કરવો? 

અત્યારે એ ઘણું મોટું અને મહાન સાહસ લાગે છે; અનેકને એ ઘણું ચમકાવી મૂકે એવું લાગે છે; પરંતુ એનું કારણ વહેમ છે, બીજું કશું નહિ. તરેહ તરેહનો ખરાબ અને હજમ થઈ ન શકે તેવો ખોરાક ખાવાથી અથવા ભૂખે મરવાથી, સારું ભોજન લેવાને આપણે અશક્ત બની ગયા છીએ. બચપણથી જ આપણે આપણી દુર્બળતાની વાતો સાંભળતા આવ્યા છીએ. આપણને કોઈક દોરનાર વિનાનો ધર્મ કેમ હોઈ શકે? આપણા પર કોઈક હકૂમત ન ચલાવે તો આપણે જીવીએ કેમ કરીને? આપણા તરફ એવું વર્તન રાખવામાં આવે એ આપણને ગમે છે, કારણ કે આપણે તેનાથી ટેવાયા છીએ. કોઈકે રોજ ઠપકો આપ્યો છે એવું આપણને લાગે નહિ, ત્યાં સુધી આપણને ચેન પડતું નથી. વળી એ જ વહેમ! એ આજે ગમે તેટલું ભયંકર દેખાય, પણ એવો સમય આવશે કે જ્યારે આપણામાંનો એકેએક પૂર્વ જીવન પર એક નજર નાખશે, તથા પવિત્ર અને શાશ્વત આત્માને ઢાંકતા તે વહેમોને જોઈને હસી પડશે; તે હર્ષપૂર્વક અને શક્તિપૂર્વક વારંવાર બોલશે કે ‘હું મુક્ત છું, હું મુક્ત હતો, અને સદા મુક્ત રહીશ.’ આ અદ્વૈતવાદી વિચાર વેદાન્તમાંથી નીકળશે; અને ટકી રહેવા યોગ્ય જો કોઈ વિચાર હોય તો એક તે જ છે.’

હવે આપણે અદ્વૈત વેદાંતના સંદર્ભમાં ‘વ્યાવહારિકતા’ નો સ્વામીજી શો અર્થ કરે છે તે વિશે વિચાર કરીએ. સ્વામીજીના મત પ્રમાણે જો વેદાંતની વ્યાવહારિક ઉપયોગિતા ન જ હોય કહે છેઃ તો પછી એના અસ્તિત્વનો કશો જ અર્થ રહેતો નથી. વેદાંતના એકત્વના સંદેશ આગળ ધર્મ અને ભૌતિક જીવન વચ્ચેની કાલ્પનિક ખાઈ બુરાઈ જાય છે. વેદાંત કહે છે કે ધર્મનો આદર્શ આપણે દૈનંદિન જીવનના સઘળાં પાસાંઓમાં, આપણા દરેક વિચારમાં અને આપણા દરેક કાર્યમાં ઓતપ્રોત થવો જોઈએ. વેદાંતની આ પ્રબળ વ્યાવહારિકતા જાણે દર્શાવતા હોય તેવાં આ વૈદાંતિક સત્યો ઉપનિષદોમાં રાજકાજમાં વ્યસ્ત વ્યવહારકુશળ રાજાઓનાં મુખમાંથી જ નીકળ્યાં છે. એ કોઈ જનસમૂહથી દૂર ગુફાવાસી એકલદોકલ સંતમહાત્માના મોઢેથી ઉચ્ચારાયાં નથી. મહાન વૈદાંતિક તત્ત્વોનો ઉદ્‌ઘોષ તો ભગવાન શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર જ કર્યો હતો. પણ લોકોના મનમાં વ્યાવહારિકતા વિશેનો ખ્યાલ કંઈક વિચિત્ર જ હોય છે. સ્વામીજી કહે છેઃ

‘હવે જો કોઈ માણસ મને અમુક આદર્શનો ઉપદેશ આપવા આવે અને તે માટેનું પહેલું પગલું સ્વાર્થનો ત્યાગ કરવાનું હોય, પોતાના ભોગોનો ત્યાગ કરવાનું હોય, તો હું માનું કે તે વહેવારુ નથી. પરંતુ જો કોઈ માણસ એવો આદર્શ લાવે કે જેનો મારી સ્વાર્થવૃત્તિ સાથે મેળ બેસાડી શકાય, તો તરત હું રાજી થઈ જાઉં છું અને નાચી ઊઠું છું કે મારો આદર્શ આ જ છે… જેને હું વહેવારું ધારું છું, તે એક જ બાબત દુનિયા આખીમાં મારે મન વહેવારુપણું છે. હું જો દુકાનદાર હોઉં, તો મને લાગે કે દુકાન ચલાવવી એ જ દુનિયામાં એક માત્ર વહેવારુ ધંધો છે. જો હું ચોર હોઉં તો મને લાગે કે ચોરી કરવી એ જ વહેવારુ થવાનો સર્વોત્તમ માર્ગ છે, બીજા માર્ગો વહેવારુ નથી. તમે જુઓ છો કે આપણે બધા આ ‘વહેવારુ’, શબ્દને આપણને ગમે અથવા આપણે કરી શકીએ તે બાબતો માટે વાપરીએ છીએ.’

પણ જ્યારે વેદાંતના પરિપ્રેક્ષ્યમાં વ્યવહારુપણાનો વિચાર કરીએ તો તેનો અર્થ આદર્શ તરફ ગતિ કરવાનો થાય છે નહિ કે આદર્શને પોતાના નિમ્નસ્તરે નીચે લાવવાનો. કેટલાક માણસો એવા હોય છે કે જેઓ આપણી દુર્બળતાના બચાવમાં આદર્શો સાથે તડજોડ ક૨વાનું શીખવે છે અને આપણી તુચ્છ કામનાઓને પૂર્ણ કરવા માટે આદર્શોને તોડેમોડે છે. એટલા જ માટે સ્વામીજીએ વારંવાર કહ્યું છે કે ઉપનિષદોનો કેન્દ્રવર્તી વિચાર છે – બળ અને સામર્થ્ય’, વાસ્તવિકતાને આદર્શ સુધી પહોંચાડવા માટે આપણો એક માત્ર આધાર આ અને સામર્થ્ય જ છે. એ બળ ક્રમશઃ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક હોવું જોઈએ. એટલા માટે સ્વામીજી ભારપૂર્વક કહે છે:

‘મનુષ્યને ખડો કરી કામ કરાવનાર કોણ છે? સામર્થ્ય, સામર્થ્ય એ ભલાઈ છે, દુર્બળતા એ પાપ છે. ઉપનિષદોમાંથી બોમ્બની પેઠે નીકળી આવતો અને અજ્ઞાનના સમૂહો પર ધડાકાભેર પડતો જો કોઈ એક શબ્દ દેખાતો હોય તો તે છે ‘અભી:’ – નિર્ભયતા. શીખવવા જેવો જે એક માત્ર ધર્મ છે, તે નિર્ભયતાનો ધર્મ છે. આ વ્યાવહારિક જગતમાં કે ધાર્મિક જગતમાં એ સાચું છે કે ભય એ જ અધઃપતન અને પાપનું મુખ્ય કારણ છે. દુઃખને લાવનાર ભય છે, મૃત્યુને બોલાવનાર ભય છે, અનિષ્ટને ઉછેરનાર ભય છે. પરંતુ ભયને કોણ ઉત્પન્ન કરે છે? આપણા સ્વસ્વરૂપનું અજ્ઞાન. આપણામાંનો દરેકે દરેક રાજાધિરાજનો વારસ છે; આપણે ખુદ પરમેશ્વરના જ તત્ત્વના છીએ; ના, અદ્વૈતવાદ પ્રમાણે તો ખુદ આપણે જ પરમેશ્વર છીએ; જો કે આપણે આપણા વાસ્તવિક સ્વરૂપને ભૂલી જઈને આપણી જાતને નાનકડા માનવીઓ માની લઈએ છીએ.

હવે આપણે વેદાંતનાં બે સારતત્ત્વો ઉપર વિચાર કરીએ. એમાનું પ્રથમ તત્ત્વ માનવમાં રહેલી દિવ્યતા છે અને બીજું તત્ત્વ સમગ્ર વિશ્વના ઐક્યનું છે. બધા વિચારોના અંતે વેદાંત એવા તારણ ઉપર આવે છે કે મનુષ્યનો આત્મા મૂળ સ્વરૂપે નિત્ય શુદ્ધ, બુદ્ધ અને મુક્ત સ્વભાવનો છે અને જો કોઈ પોતાને પરિમિત સ્વરૂપે નિહાળે કે માને તો તે તદ્દન જુદું કહે છે. એટલા માટે વેદાંત સૌથી પહેલાં તો પોતાના આ દિવ્યસ્વરૂપ પર શ્રદ્ધા રાખવાનું કહે છે. વેદાંતને જો મનુષ્યના જીવનનું એક મહત્ત્વનું અંગ બનાવવું હોય તો તેણે માનવજીવનની બધી પરિસ્થિતિઓમાં બળ અને પ્રેરણા આપવાં જોઈએ. આ બળ અને પ્રેરણા તેને કેવળ પોતાના દિવ્યસ્વરૂપમાં શ્રદ્ધાથી જ સાંપડી શકે. વિશ્વનાં બધું જ મહાન નરનારીઓ આ આત્મશ્રદ્ધાને કારણે જ મહાન સિદ્ધિઓ હાંસલ કરી શક્યો છે. જગતમાં માનવ-માનવ વચ્ચેના ભેદપ્રભેદો આ આત્મશ્રદ્ધાના ઓછાવત્તા પ્રમાણથી જ નક્કી થાય છે. પણ માનવજીવનના ઊર્ધ્વીકરણ માટે કેવળ આ આત્મશ્રદ્ધા જ પર્યાપ્ત ગણી શકાય નહિ. તેની સાથોસાથ વેદાંતનું બીજું મહત્ત્વનું સારતત્ત્વ સ્વામીજીએ ટાંક્યું છે અને તે છે વિશ્વનું ઐક્ય. વેદાંતના ‘તત્ત્વમસિ’ અને ‘અહં બ્રહ્માસ્મિ’ જેવા મહાવાક્યો જેટલું જ મહત્ત્વ ધરાવનારું ‘સર્વે ખલ્વિદં બ્રહ્મ’ એ વાક્ય પણ વિશ્વનું ઐક્ય દર્શાવે છે. સ્વામીજીના પૂર્વગામી વેદાંતીઓ આ ઐક્યને કેવળ આધ્યાત્મિક સ્તર ઉપર જ શુદ્ધ આત્મચૈતન્યરૂપે જ સમજાવતા હતા. પરંતુ સ્વામીજીની દૃષ્ટિએ આ ઐક્ય કેવળ આધ્યાત્મિક સ્તર પૂરતું જ સિમિત ન રહ્યું. તેમણે આ ઐક્યના ભૌતિક અને માનસિક સ્તરોને પણ આવરી લીધાં. પરંપરાગત વેદાંતમાં પણ વિશ્વ, તેજસ, અને પ્રાશ તેમ જ તેમાંના સમષ્ટિરૂપો વૈશ્વાનર, હિરણ્યગર્ભ અને ઈશ્વર આ બધા ક્રમશઃ ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક ઐક્ય દર્શાવે છે. હવે તો આધુનિક વૈજ્ઞાનિકો અને મનોવિદો પણ આ ભૌતિક અને માનસિક વિશ્વનું ઐક્ય સ્વીકારતા થયા છે.ઉપર્યુક્ત આ બે સિદ્ધાંતો મનુષ્યને નૈતિક અને આધ્યાત્મિક જીવન માટે પણ સાચી પ્રેરણા આપી શકે એવી છે. કારણ કે મોટા ભાગના પુરુષવિધ ઈશ્વરમાં માનનારા દ્વૈતવાદીઓ ઈશ્વરને એક ઉચ્ચતમ ન્યાયાધીશ તરીકે માને છે, કે જે સજાના ભયથી મનુષ્યોમાં નૈતિકતાને પ્રેરે છે. પણ એ ભયજન્ય નૈતિકતા કંઈ સાથી નૈતિકતા નથી. સાચી નૈતિકતા તો અંતરના પ્રેમમાંથી જ નિપજે છે અને એ હૃદયનો છીએ.

પ્રેમ સમગ્ર વિશ્વની એકતાની વિભાવના જ આપી શકે છે. ઈશોપનિષદમાં કહ્યું છે કે : 

યસ્તુ સર્વાણિ ભૂતાનિ આત્મત્યેવાનુપતિ ।
સર્વભૂતેષુ ચાત્માને તતો ન વિજુગુપ્સતે ॥૬॥

‘જે મનુષ્ય બધાં પ્રાણીઓને પોતાનામાં જ સમાયેલાં જુએ છે અને બધાં પ્રાણીઓમાં પોતાને જ જુએ છે તે કોઈનો તિરસ્કાર કરતો નથી.’

યસ્મિન્સર્વાણિ ભૂતાનિ આત્મવાભૂતિજાનતઃ।
તંત્ર કૌ મોહઃ કઃ શોક એકત્વ અનુપશ્યતઃ ॥૭॥

‘જે જ્ઞાનીના આત્મામાં આખું જગત સમાયેલું છે તેવા સમગ્ર વિશ્વમાં ઐક્યને જોતા પુરુષને વળી મોહ શાનો અને શોક શાનો હોય?’

ઉપનિષદનો માર્મિક સિદ્ધાંત સ્વરાજ્ય છે. આત્મસ્વાતંત્ર્ય છે અને એમાં જ એનું સાચું વ્યવહારપણું રહેલું છે. આ વાત ખૂબ સ્પષ્ટપણે અને ભારપૂર્વક સ્વામીજીએ પોતાના લંડનમાં આપેલ માયા અને સ્વાતંત્ર્ય’ નામના પ્રવચનમાં કહી છે. 

સ્વામીજીએ આ પ્રવચનમાં પ્રારંભમાં જ જીવનની કેટલીક કઠોર વાસ્તવિકતા દર્શાવી છે, તેઓ કહે છે કે આ જીવન એક સમરાંગણ છે. એમાં જય મળે કે પરાજય મળે પણ એનો અંત તો કેવળ મૃત્યુ જ છે. અનેક અરમાનોથી ભરેલો માનવી પોતાના શૈશવકાળમાંથી યુવાવસ્થામાં પ્રવેશે છે પણ એ અરમાનો એનાથી જાણે કે આઘાને આઘા ખસતા જાય છે, અને કુદરત જાણે કે એની સામે અડીખમ દીવાલ ખડી કરી દે છે. કુદરતનાં રહસ્યોને શોધવાની મથામણ મનુષ્ય અવિરત કર્યા કરે છે અને કુદરતનાં કેટલાંક રહસ્યો એને હાથવગાં પણ થાય છે ખરાં, આમ છતાં વિશ્વની વિરાટ પ્રકૃતિની શક્તિઓ સામે માણસે કરેલું એ રહસ્યોદ્‌ઘાટન તન વામણું જ રહે છે. માનવ ઈન્દ્રિયસુખને સર્વોચ્ચ સમજીને એની પાછળ દોડે છે પણ છેવટે એને માલુમ પડે છે કે આ દોડે એને ખરેખર તો પંગુ બનાવી દીધો હોય છે અને તે પોતે છેતરાયો હોય એવી સમજણ જીવનના અંતમાં એને જાગે છે. જીવનના પ્રત્યેક શ્વાસોચ્છ્વાસ અને હૃદયના પ્રત્યેક ધબકાર સાથે માનવીમાં સ્વાતંત્ર્યની ઝંખના જણાય છે. આમ છતાં આપણે જોઈએ છીએ કે તે અંતે તો તે દરેક સ્થળે અને દરેક પરિસ્થિતિમાં કેવળ પ્રકૃતિનો જન્મજાત ગુલામ જ રહ્યો છે. દરેક માતા પોતાના સંતાન વિષે તે પ્રખર બુદ્ધિશાળી થાય અને મોટો થઈને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે એવી મનીષા સેવે છે પણ વાસ્તવિક રીતે પાછળથી જો તે દુષ્ટ અને દારૂડિયો બને અને પોતાની માનું અપમાન, અનાદર અને ઉપેક્ષા કરે તો પણ તેની માતા એક પ્રબળ આસક્તિથી અને વળગણથી તેને છોડતી નથી. પણ પોતાની એ વળગણને મા પોતાની નબળાઈ સમજતી નથી ઊલટું એને પ્રેમનું નામ આપીને એને નવાજે છે. ઉપર્યુક્ત દર્શાવેલ વિષમતાને જ સ્વામીજી ‘માયા’ કહે છે.

તો હવે માયામાંથી છુટકારો મેળવવાનો ઉપાય શો છે. પ્રાચીનકાળથી એને માટે બે માર્ગો સુચવાયા છે. પહેલો માર્ગ વ્યવહાર ડહાપણનો છે. તે કહે છે કે આ બધી બાબતો સાચી છે અને તે બધી જીવનની ખાટી-મીઠી હકીકતો છે. પણ એમાંથી યે જે થોડું ઘણું સુખ મળે તે તારવી લો અને દુનિયાને જેવી છે તેવી સ્વીકારી લો. શાંતિથી અને સુવિધાભરી રીતે બેઠા રહો અને અનિચ્છાથી પણ દુઃખોનો સ્વીકાર કરી તેને સહન કરો. જ્યારે તમારા ઉપર કુદરતના ઘાવ પડે ત્યારે એને ફૂલોની વરસાદ સમજી લો, અને જ્યારે તમે કુદરતના ગુલામ તરીકે રઝળતા હો ત્યારે તમે પોતાને મુક્ત માની લો. આમ રાત-દિવસ આત્મપ્રતારણા કરતા રહો, જુઠ્ઠું આચરતા રહો અને અન્યને અને પોતાના આત્માને જુઠ્ઠું સંભળાવતા રહો.

‘માયામાંથી છુટકારાનો બીજો રસ્તો આત્માના અવાજને સાંભળવાનો છે. એ વાત સાચી છે કે આપણે માયાના ગુલામો છીએ, આપણે માયામાં જન્મ્યાં છીએ, માયામાં જીવીએ છીએ અને માયામાં જ મરીએ છીએ. એ પણ સાચું છે કે આ જીવન પીડાકારક છે, આ દુનિયા એક કેદખાનું છે, સૌંદર્ય અલ્પજીવી છે, આપણાં મન અને બુદ્ધિ પણ જાણે કે કેદખાનાં જ છે. પરંતુ એનો અર્થ એ નથી થતો કે આમાંથી છુટવાનો કોઈ ઉપાય જ નથી. જીવન-મરણના આ ભયંકર સંગ્રામ વચ્ચે પણ એક ધીમો પણ દૃઢ અવાજ સંભળાય છે.

દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા ।
મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે ॥ (ગીતા : ૭.૧૪)

‘જો કે મારી દૈવી અને ત્રિગુણાત્મક માયા તરવી કઠણ છે પણ જે મારે શરણે આવે છે તે આ માયાને તરી જાય છે.’

અનાદિ કાળથી માણસ આ શબ્દોને સાંભળતો આવ્યો. છે. સર્વનાશની હતાશા જ્યારે માણસમાં આવે, જ્યારે બધા પ્રયત્નો કર્યા પછી પણ માણસનો આત્મબળ ભાંગી પડ્યું હોય અને બધું હાથમાંથી સરી પડતું લાગતું હોય ત્યારે જ તે સાચો મુમુક્ષુ બને છે. તો આપણે જોઈએ છીએ કે ધર્મ એટલે મુક્તિની હાકલ સિવાય બીજું કશું નથી, એટલા માટે સ્વામીજી કહે છે કેઃ 

‘આ આદેશ ભલે એક જ ભાષા કે એક જ વાણીના સ્વરૂપમાં ન હોય, પરંતુ મુક્તિ માટેનો તે જ પોકાર એક યા બીજા પ્રકારે આપણે સાંભળતા જ આવ્યા છીએ. હા, એ અવાજને કારણે જ આપણે અહીં જન્મ્યા છીએ; આપણું દરેક હલનચલન પણ તે અવાજને માટે જ છે. આપણે બધા જ મુક્તિ તરફ ધસ્યા જઈએ છીએ; આપણે બધા જ જાણ્યું કે અજાણ્યે એ અવાજને અનુસરીએ છીએ.

જ્યારે આપણે તે અવાજને અનુસરીએ છીએ ત્યારે આપણે નીતિમાન હોઈએ છીએ. માત્ર માનવઆત્મા નહીં, પણ નીચામાં નીચી કક્ષાથી ઊંચામાં ઊંચી કક્ષા સુધીના તમામ જીવોએ આ અવાજ સાંભળ્યો છે અને તેની તરફ ધસી રહ્યા છે; અને આ મથામણમાં આપણે કાં તો એકબીજા સાથે જોડાઈએ છીએ અગર તો એકબીજાને માર્ગમાંથી હડસેલી કાઢીએ છીએ. સ્પર્ધા, આનંદ, સંઘર્ષ, જીવન, સુખ, મૃત્યુ વગેરે આમ ઉત્પન્ન થાય છે; આ સમગ્ર વિશ્વ પેલા અવાજને પહોંચવાના એક ઉન્માદભર્યા પ્રયાસના પરિણામ સિવાય બીજું કંઈ જ નથી.”

આથી આપણે તારવી શકીએ કે વેદાંતની સાચી વ્યાવહારિકતા મનુષ્યને મુક્તિ અપાવવાની છે. બહુજન સમાજને કઠિન અને અશક્ય લાગતો આ મુક્તિનો આદર્શ, ખાસ કરીને પશ્ચિમના લોકોને આ આદર્શને ભૌતિકવાદીઓ કેવળ પારલૌકિક ગણીને અવ્યવહારુ ગણે છે. પણ સાચી વાત એ છે કે વેદાંતી ભૌતિક વિજ્ઞાની જેટલો જ વ્યવહારુ છે. કેવળ એના જીવન તરફનો દૃષ્ટિકોણ જ જુદો છે. પશ્ચિમની ખોજ જીવનની અભિવ્યક્તિ અથવા પ્રકૃતિના પ્રક્ટીકરણ તરફ છે જ્યારે વેદાંતીની દૃષ્ટિ સ્વયં જીવનના રહસ્ય ઉપર જ મંડાયેલી છે. પશ્ચિમના ભૌતિકવાદીઓ જીવનદર્શનના ‘કેવી રીતે’ (how) ઉપર ભાર મૂકે છે જ્યારે વેદાંતી ‘શા માટે’ (why) ઉપર ભાર મૂકી કહે છે ‘how’ તો બાળકો માટે જ છે. જો કે આ બંને આદર્શો પોતપોતાની રીતે વ્યવહારુ છે તો પણ તેની એકાંગીતાના દોષને દૂર કરી સમન્વિત વ્યાવહારિકતાની જ આપણી આજની સૌથી મોટી આવશ્યક્તા છે.

સંદર્ભ

૧. સ્વા, વિવે. ગ્રંથમાળા ભાગ-૭, પૃ.૨૦૨-૨૦૩
૨. સ્વા, વિવે. ગ્રંથમાળા ભાગ-૭, પૃ.૨૮૧
૩. સ્વા. વિવે. ગ્રંથમાળા ભાગ-૪, પૃ.૫૦
૪. વિવેકાનંદ ગ્રંથમાળા : ભાગ-૭, પૃ.૧૩૯

Total Views: 308

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.