એવા કેટલાય લોકો આ દુનિયામાં છે જેને વેદાન્ત વિશે કશી ખાસ જાણકારી નથી. વિશ્વના રહસ્યને તપાસીને ખૂબ જ ઊંચી ગુણવત્તાની બુદ્ધિ ધરાવતા માનવોએ દરેક દૃશ્ય અથવા ઇન્દ્રિયગમ્ય ચીજો/phenomena/ના આંતરિક સ્તર ઉપર એક જ આધ્યાત્મિક એકતાનો જે આધાર શોધ્યો, તે છે વેદાન્ત. કમ્પ્યુટર વિજ્ઞાનની શોધ છે, અને સંખ્યાના સંગણકની પ્રક્રિયાની તેમાં પહેલ થઈ, અને આજે તે ઘણાની જિંદગીમાં આવશ્યક બની ગયાં છે. આજે તો ‘ઈન્ટરનેટ’ શબ્દ પણ સામાન્ય બન્યો છે, અને તેમાં સંદેશવ્યવહાર તથા માહિતીનું આદાનપ્રદાન થવાની અત્યંત મોટા પ્રમાણમાં સંભાવનાઓ સમાયેલી છે. અત્રે રજૂ થતો આ લેખ ખૂબ રસાળ શૈલીમાં આ સંભાવનાઓનો ઉપયોગ વેદાન્ત વિચારના પ્રચારમાં જોડવાની હિમાયત કરે છે. ધર્મ, ખાસ કરીને વેદાન્ત, પણ હવે ‘સાયબર-સ્પેસ’માં ખાસ્સો પ્રવેશી ચૂક્યો છે. વિવિધ ‘વેબસાઈટ’ ઉપર ઘણા જિજ્ઞાસુઓ ધર્મની જાણકારી મેળવવા આવતા હોય છે. શારદા કૉન્વેન્ટના સાધ્વી પ્રવ્રાજિકા વ્રજપ્રાણાએ લખેલ મૂળ લેખ જાન્યુઆરી – ૯૮ના ‘પ્રબુદ્ધ ભારત’માં પ્રસિદ્ધ થયો હતો. એનો ગુજરાતી અનુવાદ ૨૧મી સદીમાં પ્રવેશી ચૂકેલા ભાવિકો માટે અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.

  આજના યુગમાં અમેરિકન સમાજમાં કેટલાંક વલણો સ્પષ્ટ રીતે જણાવા માંડ્યાં છે. આમાંનું સૌથી મોટું અને અત્યંત સ્પષ્ટ વલણ છે ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે ક્રાન્તિકારી શોધો જે આપણી જીવનશૈલીને જ ધરમૂળથી બદલી રહી છે. બીજી એક સ્પષ્ટ બાબત છે — અમેરિકા એક ધાર્મિક પુનર્જીવનને આરે આવી ઊભું છે. આ બન્ને બાબતોને થાકી જવાય તેટલી હદ સુધી લોકોએ ચર્ચી છે. એથી જ આ સ્થળે તે બન્ને વલણો વિષે કહેવું કે ચર્ચા કરવી અથવા તેના વ્યાપની પણ વાત કરવી યોગ્ય નથી. અહીં આપણે એ જ વસ્તુ અંગે નિસ્બત રાખવાની છે કે આ બે શક્તિશાળી છતાં સમાંતર ચાલતાં વલણો ક્યાં એકબીજાનો રસ્તો કાપે છે અને તેમની ભેળવણી એક બીજાને કઈ રીતે અસર પહોંચાડે છે. આથી પણ વધુ મહત્ત્વનું તો એ છે કે આ ભેળવણી વેદાન્ત ચળવળના ભાવિ વિકાસમાં અને કાર્યશીલતામાં શી અસર કરે છે. અને તે કેવળ અમેરિકામાં જ નહિ બલ્કે સંપૂર્ણ વિશ્વમાં તે વિશે જાણવું.

  પરંતુ એક સારી ચર્ચા કરવા માટે પણ ક્યા શબ્દોના ક્યા અર્થો કરીએ છીએ તે જરા વધુ સ્પષ્ટ કરી લઈએ. આપણે સહુએ ‘કમ્પ્યુટર’ અને ‘ઈન્ટરનેટ’ જેવા શબ્દો સાંભળ્યા તો છે, પણ આપણામાંથી એ વાતનો સહેજે ખ્યાલ નથી કે તે બન્નેમાં ક્યા પ્રકારની અંતર્હિત શક્તિ (potential) છે અને તેઓ શું કરી શકે છે!

  દાખલા તરીકે, ‘સાયબર-સ્પેસ’નો અર્થ શું છે, કહો તો! ‘સાયબર’ (cyber) શબ્દ, ૬૦ના દાયકામાં શરૂ થયેલો શબ્દ છે — જે હતો ‘સાયબરનેટિક્સ’ અને તેનો અર્થ હતો કમ્પ્યુટરનું વિજ્ઞાન. તેથી (cyberspace) સાયબરસ્પેસ એક કાલ્પનિક સ્થાન જ્યાં આપણે ઈન્ટરનેટ વાપરતી વખતે વસીએ છીએ. તમે કદાચ નોંધ્યું હશે કે આ લેખના મથાળામાં ‘અમેરિકન સાયબર-સ્પેસ’ અથવા ‘ઇંડિયન સાયબર-સ્પેસ’ જેવા શબ્દો નથી વપરાયા — કેમ કે એવી કોઈ ‘સ્પેસ’ અથવા જગ્યા છે જ નહિ. આ ‘સાયબર-સ્પેસ’ને કોઈ રાષ્ટ્રીય સીમાઓમાં જકડી શકાય તેમ નથી-એ વૈશ્વિક છે-‘ઈન્ટરનેટ’ વૈશ્વિક છે અને સીમારહિત છે. પરંતુ આપણે ‘ઈન્ટરનેટ’ પર જઈએ તે પહેલાં થોડાં ડગલાં પાછાં ફરીને તેના મૂળ ગામ-કમ્પ્યુટર-ને થોડું જાણી લઈએ. 

હજી તાજાં જ શોધાયેલાં કમ્પ્યુટરો કેવળ ૫૦ વર્ષ જુનાં છે, અને તે અમેરિકાના લશ્કરી કામકાજમાં વપરાતાં હતાં. તે વખતે એ ખૂબ મોટાં મશીનો હતાં જે સંખ્યાને સાથે અજબગજબની રમત કરી શકતાં, અને તેનો ઉપયોગ પહેલાં સરકારી કાર્યમાં થતો હતો અને પછીથી તેનો ઉપયોગ મોટા ઉદ્યોગો અને શિક્ષણક્ષેત્ર કરતાં હતાં. આ મહાકાય કમ્પ્યુટરો એક વિશિષ્ટ અને ધૂળથી બચે તેવા વાતાવરણમાં રહેતાં અને આપણા રોજિંદા જીવનની ધાંધલમાં તેનો કશો સંબંધ હતો નહિ. પરંતુ પછી, સ્ટીવ જૉબ્સ અને સ્ટીવ વૉઝેનિએક નામના બે નાના યુવાનોએ જોબ્સના માતાપિતાના ગેરેજમાં ‘સિલિકોન વેલી’ના ઘરમાં એક લાકડાના ખોખામાં પર્સનલ કમ્પ્યુટર (વ્યક્તિગત વપરાશ માટેનું કમ્પ્યુટર) બનાવ્યું ત્યાર પછી બધું બદલાઈ ગયું. એ હતું ૧૯૭૬નું વર્ષ અને તે વખતે તો મોટા ઉદ્યોગગૃહો અને અન્ય સત્તાશાળી એકમોનો પ્રતિભાવ એ જ હતો કે તેમને આવા કમ્પ્યુટરની કશી જરૂર નહોતી. સહેજે નિરાશ થયા વિના, બન્ને ચમત્કારિક છોકરાઓએ પોતાની જ કંપની ઊભી કરી- અને આ રીતે પ્રજા સમક્ષ ‘એપલ પર્સનલ કમ્પ્યુટર’ બન્યું અને રજૂ થયું. ધીમે પણ ચોક્કસ ગતિએ આ નાનકડાં કમ્પ્યુટરોએ રોજિંદી જિંદગીના દરેકક્ષેત્રે પોતાની પકડ જમાવી દીધી. એપલ કમ્પ્યુટર કંપની દ્વારા ખૂબ જ સફળ થયેલું ‘મેકઈન્ટોશ’ કમ્પ્યુટર રજૂ થયું અને તેથી ‘આઈબીએમ’ સુધરી ગઈ અને તેણે પણ પર્સનલ કમ્પ્યુટર બજારમાં દાખલ કર્યાં. તેમ થવાથી સોંઘી આવૃત્તિ જેવાં નકલો જેવાં કમ્પ્યુટર્સ પણ તુરત જ બજારમાં આવવા લાગ્યાં, અને હવે કમ્પ્યુટર કેવળ ઉચ્ચવર્ગનાં રમકડાં ન રહ્યાં – હવે તે ઘણાં સસ્તાં, ઝડપી હતાં એટલું જ નહિ તેની ખૂબ આદત પડી જાય, તેનો નશો ચડી જાય તેવાં હતાં. હવે તો કમ્પ્યુટરો જ આપણા હિસાબ કરતાં, આપણા પત્રો ટાઈપ કરી આપતાં, આપણા કાગળો (stationery) છાપી આપતાં, આપણા કાર્યક્રમને ગોઠવી આપતાં બન્યાં છે. વળી આપણાં જરૂરી સરનામાં, ટેલિફોન નંબરો, અને ખાવાની વાનગીઓની રીતો પણ સંઘરતાં-આપણી સાથે ચૅસ અને બ્રિજ રમતાં ભેરુઓ બની ગયાં અને આપણા મનોરંજન માટે વિડિયોગેમ્સ પણ રમતાં-રમાડતાં બની ગયાં. પર્સનલ કમ્પ્યુટરો વિલાસની ચીજમાંથી જરૂરિયાતની ચીજ બની ગયાં. બહુ જલદીથી નાની મોટી સ્કૂલો, કૉલેજો અને વિશ્વવિદ્યાલયોમાં પણ શિક્ષણના એક આવશ્યક અંગ તરીકે તે સ્થપાઈ ગયાં. પોતાના ગૃહકાર્ય (homework)માં મદદ કરવા માટે બાળકો પોતાનું જુદું કમ્પ્યુટર માગતાં થયાં (અને અલબત્ત વિડીયોગેમ્સ રમવા માટે પણ)

 આટલું નાટ્યાત્મક પરિવર્તન પૂરતું ન હોય તેમ અમેરિકાની ચાર વેસ્ટકૉસ્ટ યુનિવર્સિટીઓમાં એક સાધારણ જણાતું અને જેની ખાસ નોંધ પણ લેવાઈ ન હોય તેવું સંશોધન ૧૯૬૯માં થયું, જેની ખૂબ મોટી અને વ્યાપક અસર થઈ. તે વખતે તો તે કંઈ આ સદીનું અત્યંત ક્રાન્તિકારી સંશોધન જણાતું નહોતું. તે તો કેવળ પોતાની પાસેનો માહિતી (data) એકબીજાને મળે તેવા હેતુથી આ ચાર વિશ્વવિદ્યાલયોએ પોતાનાં કમ્પ્યુટરોને જોડ્યાં હતાં. પણ આ સંશોધન ‘ઈન્ટરનેટ’નું પ્રથમ સોપાન પૂરવાર થયું. પછી ૧૯૯૧માં સી.ઈ.આર.એન. એટલે કે જીનીવા (સ્વીટ્ઝરલેન્ડ)ની યુરોપિયન લેબોરેટરી ફોર પાર્ટીકલ ફીઝીક્સમાં ‘વર્લ્ડ વાઈડ વેબ’ની શોધ થઈ. આને લીધે ‘હાઈપર ટેક્સ્ટ’ (દસ્તાવેજ) ના ઉપયોગથી ઈન્ટરનેટમાં માહિતીનું આદાનપ્રદાન તદ્દન સહેલું બન્યું. અને પછીની વાત તો કહે છે તેમ, ઇતિહાસ બની ગયો છે – એ બહુ જાણીતી વાત છે.

  સરકારી કામકાજ, શૈક્ષણિક સવલતો અને ઉદ્યોગગૃહો પોતપોતાની રીતે કમ્પ્યુટર અને ઈન્ટરનેટની ટૅકનૉલૉજીનો ઉપયોગ કરે છે, ઈન્ટરનેટ પર કોઈ પણ સરકારનું નિયંત્રણ નથી, આધિપત્ય નથી કે નથી કોઈ ખાનગી ઉદ્યોગનું, પણ કોઈ સરમુખ્યત્યારના દુ:શાસનની માફક, ઈન્ટરનેટ એક સર્જનાત્મક ગેરવ્યવસ્થા છે. છતાં આ કહેવાનો અર્થ એ નથી કે કોઈ એક દેશના કાયદાઓ કમ્પ્યુટરના માલિકને લાગુ પડતા નથી. દાખલા તરીકે, શ્રીદલાઈ લામા પણ અમેરિકામાં એક ‘વેબસાઈટ’ ધરાવે છે. આ સમસ્યા નથી. પણ, એ તિબેટમાં કોઈ વ્યક્તિ આ ‘સાઈટ’ને ‘ડાઉનલોડ’ કરે અથવા પોતાના હોમ-કમ્પ્યુટર પર ઈન્ટરનેટની આ ફાઈલ બનાવે અને તો જો તે પકડાઈ જાય તો ઘણી તકલીફમાં આવી પડે.

  તો, આ ઈન્ટરનેટ, જેને સરળતાથી લોકો ‘નેટ’ (જાળ) કહે છે તે શું છે? અને પેલું ‘વર્લ્ડ વાઈડ વેબ’ (www) તરીકે સંક્ષિપ્તરૂપે જાણીતી અને એક શબ્દમાં ‘વેબ’ તરીકે જાણીતી ચીજ શું છે?

  ઈન્ટરનેટ એ જોડાણ છે જેમાં અત્યંત તીવ્ર ગતિશીલતાવાળાં કમ્પ્યુટરોનાં અન્ય જોડાણોના માધ્યમથી સંધાયેલાં છે. આ ખૂબ વિવિધતા ધરાવતા જોડાણમાં ખાનગી, જાહેર, જાહેરાતોને લગતું, ધંધાકીય, અને શૈક્ષણિક કમ્પ્યુટર જોડાણો એકબીજા સાથે જોડાય છે અને એકબીજાની માહિતીનું આદાનપ્રદાન કરતા રહે છે. આ ઈન્ટરનેટને ‘ઈન્ફરમેશન સુપરહાઈવે’ પણ કહે છે, કેમ કે આ ‘માહિતીના મહામાર્ગ’માં ફરવાથી કોઈ પણ જાતના કલ્પેલા અથવા ન કલ્પેલા વિષયોની માહિતી પણ મળી શકે છે, અને માહિતીની આપ-લે થઈ શકે છે. વર્લ્ડ વાઈડ વેબ-અથવા ‘વેબ’ (જાળ) કરોળિયાની જાળની માફક વિશ્વભરનાં અબજો કમ્પ્યુટરોને અને તેમનાં જોડાણોને પ્રકાશની ગતિથી સાંકળી લે છે.

  ‘નૅટ’ અને ‘વૅબ’ વચ્ચે શું સંબંધ છે? આપણે ઈન્ટરનૅટને એક સંપૂર્ણ ઈલૅક્ટ્રૉનિક વિશ્વ-એક અસાધારણ રીતે વ્યાપક અને સંપૂર્ણ વર્તુળ ગણી શકીએ- પાઈચાર્ટ (pie chart)ના વર્તુળ જેવું. તેનો મોટો ભાગ ઈ-મેઈલ અથવા ઈલૅક્ટ્રૉનિક મેઈલમાં વપરાય છે અને બીજો મોટો ભાગ ‘વેબ’માં. બાકીનો ભાગ સમાચાર આપનારાં જૂથો, વાતચીત કરવાના ખંડ (chat room) અને બુલેટિન બોર્ડ દ્વારા વપરાય છે.

  અલબત્ત, આ બધું મફતમાં નથી થઈ શકતું. ઈન્ટરનેટના જોડાણ મેળવવા માટે એક વ્યક્તિએ, પ્રથમ સોફટવેર વગેરેનાં કરેલા રોકાણ ઉપરાંત-અમેરિકાને મહિને વીસ ડોલર ચૂકવવાના હોય છે. નજીકના ભવિષ્યમાં આમાં ફેરફાર થઈ શકે તેવી સંભાવના તો છે જ. પણ ઈન્ટરનેટમાં જોડાણ હોવું એ એટલું તો જરૂરી બનતું જાય છે કે હવે નવાં કમ્પ્યુટરો આ જોડાણની તૈયારી કરીને જ આપણી સામે આવશે. ‘સાન્ફ્રાન્સિસ્કો ક્રોનિકલ’માં આવેલા એક તાજેતરના લેખમાં જણાવાયું છે કે, ‘નેટના વપરાશ અંગેના એક વ્યાપક અભ્યાસમાં જણાયું છે કે નેટ સાથે જોડાયેલા પર્સનલ કમ્પ્યુટરની સંખ્યા છેલ્લા વર્ષમાં ૭૧% જેટલી વધી હતી અને ૮૨૦ લાખની થઈ હતી, અને ૨૧૧૦ની સાલમાં તે વધીને ૨૬૮૦ લાખની થશે એવો અંદાજ છે… નેટ સાથેના જોડાણમાં આજે ૩૦ટકાના વધારાથી લઈને આવતા ચાર વર્ષમાં જ તે ૫૦ ટકા જેટલો વધારો નોંધાવશે.’ (Jon Swartz, ‘PCs Plugging into Internet at a Furious Rate’ August 21, 1997, pp.DI-4.) ઈન્ટરનેટ આટલું લોકપ્રિય શાથી છે?

  એક વાર કમ્પ્યુટરનું જોડાણ થાય- જેને ‘ઓનલાઈન’ કહે છે. ત્યાર પછી તે જગતના બધા જ જોડાયેલા કમ્પ્યુટરો સાથે વાત કરી શકે છે. જો તેની પાસે ટેલિફોન જોડાણની સગવડ હોય તો, એક વાર ‘ઓનલાઈન’ થયા પછી વ્યક્તિ કોઈ નોકરી પણ મેળવી શકે છે, અપ્રાપ્ય(out of print) પુસ્તકને શોધી શકે છે, પેરિસમાં રહેતા મિત્રને પત્ર લખી શકે છે, પોતાના માટે મોટરકાર અથવા પેન્ટ પણ મગાવી શકે છે, ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ અને ‘ટાઈમ્સ ઑફ ઇંડિયા’ની દૈનિક પ્રતો પર નજર ફેરવી શકે છે એટલે વાંચી પણ શકે છે! તે વ્યક્તિ ન્યુયોર્કના ‘મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ’માં પણ એકાદ આંટો મારી શકે છે અને પાલી ભાષાનાં ધર્મ પુસ્તકો અથવા બાઈબલ પણ ઉતારી લઈ શકે છે.

  કોઈ કાલ્પનિક જગ્યાએ ઊભા થયેલા ચર્ચમાં જોડાઈ શકે છે, જેમ કે બિશપ જૅક્સ ગેઈલોટ (Bishop Jacques Gaillot) દ્વારા આવું ચર્ચ ‘નેટ’ પર ઊભું કરવામાં આવ્યું છે. એવરુ નામના ફ્રાન્સના એક સ્થળે આવેલા એક મોટા ચર્ચમાં આ ગેઈલોટ બિશપ બન્યા હતા. ૧૯૯૦ના દાયકાના પ્રારંભિક વર્ષોમાં તેમણે ઘણા ચર્ચાસ્પદ વિષયો અંગે નિર્ભય બનીને ભાષણો ત્યાં કર્યાં. આવા ઉદારમતવાદી વિચારો ધરાવવા માટે તેમને એવરુના બિશપના સ્થાનેથી બદલીને અલ્જીરિયામાં આવેલ પાર્ટેનિયામાં નવા પદે મોકલવામાં આવ્યા. આ પાર્ટેનિયામાં કોઈ ક્રિશ્ચિયન લોકો નથી. કેથોલિકોની તો વાત જ ક્યાંથી આવે? સહારાના રણમાં આવેલા પાર્ટેનિયામાં મોટા પ્રમાણમાં ગરોળી, કાચંડાઓ, વીંછીઓ એ છૂટાછવાયા પછાતવર્ગના મુસલમાન લોકો જ નિવાસ કરે છે. પરંતુ આવી ભયાનક જગ્યાએ નિમણૂક પામ્યાથી ગેઈલોટ હતાશ ન થયા – એમણે એક ‘વર્ચુઅલ ડાયોસીસ’ ‘કૃત્રિમ ચર્ચસ્થળ’ ‘વેબ’માં ઘડી કાઢ્યું અને [http://www. partenia.org] જેવું સ્થળ બનાવી દીધું. આજે પણ આ સ્થળેથી એ પોતાની રીતે અર્થઘટન કરેલા કેથોલિક ધર્મનો પ્રચાર કરે છે!

  આધ્યાત્મિક્તા અને સાયબર-સ્પેસના મિલનનું આ પાર્ટેનિયાનું દેવળ એક સ્થળ ગણી શકાય. આમ તો ‘ઈન્ટરનેટ’માં ઘણી બધી અશ્લીલ માહિતી ભેગી થાય છે એમ કહેવાય તો છે, છતાં હકીકત એ છે કે જાતીયતા (Sex) કરતાં પણ ધર્મ અંગેના સ્થળોની સંખ્યાનું પ્રમાણ ઘણું વધારે છે. તેની અજાયબ અને તંદુરસ્ત વૈવિધ્યતામાં ‘ધર્મ’ તો ‘નેટ’માંનો ખૂબ લોકપ્રિય વિષય છે. જે ‘ટાઈમ મેગેઝિન’ની વેબસાઈટ ધર્મ ઉપર છે તેનું સ્થળ છે [http://www.god.com], તેમાં તેના હોમપેજ (પોતાનો મત દર્શાવતું લખાણ)માં જણાવાયું છે કે ‘જાતીયતાના શીર્ષકવાળી અથવા તે સંબંધી વેબસાઈટો શોધવાનું તમે ‘અલ્ટાવિસ્ટા’નામના પ્રોગ્રામને કહો તો તે તમને તેની સંખ્યા આપશે ૬૮૩,૬૪૩ જેટલી. અને પછી તમે તેને ‘God’ અથવા ‘ભગવાન’ને લગતી વેબસાઈટ શોધવા કહો તો તેની સંખ્યા જે રજૂ થશે તે છે ૧,૭૭૨,૯૭૫. તો, આ બાબત આપણા માટે કેટલી પ્રાસંગિક છે તે હવે જોઈએ.

  ઉત્તર અમેરિકામાં થઈ રહેલી ‘વેદાન્ત ચળવળ’ને એક અડચણ નડે છે – ભૂમિના ફેલાવાની દૃષ્ટિએ વેદાન્તનાં કેન્દ્રોની સંખ્યા તદ્દન જૂજ છે. ભારતમાં દૂરસંચાર અને સંદેશાવ્યવહારનું માળખું નબળું છે, જ્યારે અમેરિકામાં આવું માળખું હોવા છતાં વેદાન્ત કેન્દ્રોનો અભાવ છે. નાનાં અને અમાન્ય કેન્દ્રોને બાદ કરતાં હાલ તો ૧૯ પ્રમાણિત વેદાન્ત-કેન્દ્રો ઉત્તર અમેરિકામાં છે – અને આ ૧૯માંનાં મોટાભાગનાં પણ બન્ને દરિયાકાંઠાના પ્રદેશોમાં જ વહેંચાયેલાં છે. ઉત્તર અમેરિકાનો બૃહદ્ ભાગ તો વેદાન્ત કેન્દ્ર ધરાવતો જ નથી, અને તેથી મોટા ભાગના અમેરિકનોને વેદાન્ત, શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અથવા શ્રીશારદાદેવી અંગે નહિવત્ જેવી જાણકારી છે અને ઘણાને તો છે જ નહિ.

  હવે, ‘ઈન્ટરનેટ’ દ્વારા જે પણ ઘરમાં ‘ઓનલાઈન’ કમ્પ્યુટર હોય તેને વેદાન્ત-સંદેશ પહોંચાડી શકાય છે. કઈ રીતે? કોઈ વ્યક્તિ જેણે એ વિષે જાણવું હોય તેણે કેવળ કેટલાક, સામાન્ય, શબ્દો ટાઈપ કરવાના છે – જેમ કે ‘વેદાન્ત’, ‘રામકૃષ્ણ’, ‘વિવેકાનંદ’, ‘શારદા’ – આમાંનો કોઈ પણ એક શબ્દ ટાઈપ કરવાથી ‘વેબ’માં તે અંગેની માહિતી ધરાવતાં ‘વેબ-સ્થળો’ની યાદી તમને દેખાશે.

  દક્ષિણ કૅલિફોર્નિયાની ‘વેબસાઈટ’ પર વધુ ઝીણી નજર નાખવાથી જણાઈ આવશે કે સમગ્ર વિશ્વમાં વેદાન્તના સંદેશને પહોંચાડવાની કેટલી સંભાવનાઓ છે. દક્ષિણ કૅલિફોર્નિયાની વેદાન્ત સોસાયટીએ ૧૯૯૭માં આ ‘વેબસાઈટ’ તૈયાર કરીને રામકૃષ્ણ મિશનના શતાબ્દિ મહોત્સવમાં એક આગવું પ્રદાન કર્યું.

  જ્યારે તમે સર્વપ્રથમ આ વેબસાઈટ ખોલો, ત્યારે તમને પહેલી નજરે જે દેખાય છે તે છે રામકૃષ્ણસંઘનું પ્રતીકચિહ્‌ન ‘સીલ’, જે અત્યંત સુંદર છે. તેમાં એક સુંદર હંસ નિર્મળ નીલ જળમાં શાન્ત રીતે તરતો જણાય છે, અને પાછળના દૃશ્યમાં નિરભ્ર આસમાની ક્ષિતિજમાં તેજસ્વી કિરણો ફેલાવતો ઊગતો સૂર્ય દર્શાવાયો છે. આ ‘સીલ’ અથવા પ્રતિકચિહ્‌ન કેવળ એક સુંદર ચિત્ર નથી- તેનું અનુસંધાન ખૂબ વ્યાપક છે. આપણે ‘હાયપર-ટેક્સ્ટ’ (Hypertext) શબ્દ જોયો છે, જે ‘વેબ’ની ખાસ લાક્ષણિકતા દેખાડે છે. આ હાઈપરટેક્સટ એક એવો શબ્દ કે શબ્દસમૂહ છે જે વેબસાઈટમાં દેખાય, અને તેનો સંબંધ પછી અન્ય ટેક્સ્ટ કે લખાણો સાથે થઈ શકે છે. આ ગોઠવણને કારણે વાચકને એક પછી એક પાનાની રીતે આખું વાચન ન કરવું હોય તો પણ સમગ્ર વાંચન non-linear રીતે કરી શકે છે. સામાન્ય રીતે જે-શબ્દ કે શબ્દસમૂહ ને જો રેખાંકિત કરવામાં આવે છે જેથી બાકીના લખાણમાંથી તે જુદું પડી જાય અને તેનું જોડાણ શું છે તે તમે જાણી શકો. આ ‘સીલ’ પણ ‘હાઈપરલીંક’ થયેલી છે, એટલે કે અન્ય લખાણો સાથે જોડાયેલી છે. આનો અર્થ એમ થાય છે કે ‘સીલ’ની મૂર્તિ પર જો તમે માઉસનું બટન દબાવો તો, કમ્પ્યુટરના પડદા ઉપર, એક નવું લખાણનું પાનું દેખાશે. આનું શીર્ષક છે ‘સીલ ઑફ ધી રામકૃષ્ણ ઑર્ડર’- અને તેની નીચે ‘સીલ’માંનાં પ્રતીકોના અર્થની સમજ આપી છે.

 પછીનું હોમ પેજ કહે છે, ‘વેલકમ ટુ ધી વેદાન્ત સોસાયટી ઓફ સધર્ન કેલિફોર્નિયાઝ વેબસાઈટ’- એટલે કે દક્ષિણ કેલિફોર્નિયાની વેદાન્ત સોસાયટીની વેબસાઈટ ઉપર તમારું સ્વાગત છે. ત્યારપછી શોપનહાઉઅરનાં વાક્યને ટાંકવામાં આવ્યું છે-

  ‘સમગ્ર વિશ્વમાં ઉપનિષદોના અભ્યાસ જેવો અત્યંત હિતાવહ અને ઉન્નતિકારક બીજો કોઈ અભ્યાસ વિશ્વમાં નથી. મારા જીવનનું એ આશ્વાસન છે, અને મારા મૃત્યુનું પણ એ આશ્વાસન હશે.’

  જ્યારે આ લેખ છપાશે તેટલા સમય દરમ્યાન આ વાક્યને સ્થાને બીજું કોઈ મહાવાક્ય પણ મુકાયું હશે.

  પરિવર્તન માટે આટલી ઇચ્છા શા માટે? વેબસાઈટ પર તમે બે-ચાર વખત જાવ ત્યારે તમને તે રસપ્રદ જણાય ખરી. પણ આ જ વાક્યો/દૃશ્યો ઘણા બધા વખત સુધી જોયા કરવાથી તમને તેનો કંટાળો આવે, તે વાસી જણાય. અને પછી લોકો તે વેબસાઈટ પર આવતા પણ બંધ થઈ જાય. આને ‘સાયબર-ટીડિયમ’— સાયબરના કંટાળાને નિવારવા માટે લખાણને વારંવાર સુધારવું પડે. અત્રે વેદાન્ત સોસાયટીએ જણાવેલાં ભાષણોના ક્રમને પણ [http://www.vedanta. org] દરેક મહિને ફેરવવામાં આવે છે અને તે વેબસાઈટ કેટલી અસરકારક રહી તે અંગે નિયમિત મૂલ્યાંકન પણ થાય છે. ઉપરાંત, નવાં ‘જોડાણો’ પણ તપાસાય છે અને સામાન્ય વાચકને પણ રસ પડે અને ચોકસાઈભર્યું હોય તેવું લખાણ પણ ચકાસતું રહે છે.

  સાયબર-બોરડમ કે સાયબર-કંટાળાને હટાવવો એ આ વૅબસાઈટોને સુધાર્યા કરવાનું એક કારણ ખરું. બીજો મુદ્દો એ છે કે જો કોઈ એક વૅબસાઈટ મહિનાઓ સુધી એકની એક જ રહે, તો તમને એવું પણ જણાય કે જે સ્થળેથી આ વૅબસાઈટ બનાવવામાં આવી છે ત્યાં કદાચ કોઈ જીવંત માનવ છે નહિ. વૅબનું આકર્ષણ કેવળ એટલું નથી કે તમે જુદા જુદા લોકોની ફિલસૂફીઓ અને રસના વિષયોના સંપર્કમાં આવો છો – પરંતુ એ બધા લોકોનો પણ તમે સંપર્ક સાધી શકો છો. લગભગ બધી જ વેબસાઈટ આદાન પ્રદાન છે – તેની પાસે મોટે ભાગે ઈ-મેઈલની સવલત હોય છે જ્યાં વાચક પોતાનો મત કે નવી માહિતી જણાવી શકે કે પ્રાપ્ત કરી શકે – અને આ રીતે વાચકોને એક સીધો અને વ્યક્તિગત સંપર્ક સામેની વ્યક્તિ સાથે થઈ શકે છે.

  શેક્સપિયરે કહ્યું હતું કે લાઘવ એ બુદ્ધિમત્તાનો આત્મા છે. (Brevity is the soul of wit) એ જ રીતે હોમપેજનો પણ આત્મા લાઘવ છે – તેમાં વેબસાઈટના બનાવવાનો હેતુ તદ્દન ટૂંકાં વાક્યોમાં વિષય હેતુ સ્પષ્ટ કરવાનો હોય છે. દક્ષિણ કૅલિફોર્નિયાની વેદાન્ત સોસાયટીનું હોમપેજ કહે છે, ‘વેદાન્ત આપણને એ શીખવે છે કે આપણી વાસ્તવિક પ્રકૃતિ દૈવી છે, માનવજીવનનો પ્રધાન ઉદૃેશ આ દિવ્યતાને પ્રગટ કરવાનો છે, અને સત્ય વૈશ્વિક છે. વેદાન્ત જગતના દરેક ધર્મનો સ્વીકાર કરે છે, અને મહાન પયગંબરો, ગુરુઓ અને દેવોના દીકરાઓનો આદર કરે છે, કારણ કે તેના મતે તો એ જ દિવ્યતાની પ્રેરણા બધામાં છે તેમ તે જાણે છે.’

  વેદાન્તનો આ રીતે લાઘવભરી રીતે- પરિચય આપવાથી એવી અપેક્ષા રખાય છે કે વાચકને તેના વિશે વધુ જાણવાની ઇંતેજારી થશે. તે માટે એક નાનો ફકરો ઉમેરાયો છે જેમાં, દક્ષિણ કૅલિફૉર્નિયાની વેદાન્ત સોસાયટીનો પરિચય ટૂંકાણમાં કરાવાયો છે.

  વાચકને રસ એ માટે પણ પડશે કે ‘સીલ’ની નીચે ભૂરા રંગનાં ચોકઠાં ગોઠવ્યાં છે, જેમાં રસના વિષયોની યાદી અપાઈ છે અને જેમાં વાચક કોઈ પણ વિષય પસંદ કરી શકે છે. આમાં છે (૧) પૃષ્ઠભૂમિ (૨) કેલેન્ડર (૩) વેદાન્ત એટલે શું? (૪) સાહિત્ય (૫) વિશ્વવ્પાયી કેન્દ્રો (૬) સાધુ જીવન (૭) અમારો સંપર્ક કરો અને (૮) હોમ/ જો તમે ‘બેકગ્રાઉન્ડ’ પર ક્લિક કરશો તો દક્ષિણ કૅલિફૉર્નિયાની વેદાન્ત સોસાયટીનો સંક્ષિપ્ત ઈતિહાસ આપશે, ઉપરાંત હાલના આ સોસાયટીના અધ્યક્ષ સ્વામી સ્વાહાનંદનો અને સંસ્થાના સ્થાપક અને તત્કાલીન અધ્યક્ષ સ્વામી પ્રભવાનદનો સંક્ષિપ્ત જીવનપરિચય આપવામાં આવશે. આ વિભાગમાં અન્ય વેદાન્ત કેન્દ્રો જે દક્ષિણ કેલિફોર્નિયામાં છે તેનાં નામ રેખાંકિત કર્યાં છે, જેનો અર્થ એ થશે કે તેનાં જોડાણો થયેલાં છે – એ રીતે વાચકને દરેક સ્થાને આવેલ સોસાયટી વિષે વર્ણન આપતાં પાનાં જોવા મળશે.

  છતાં, ધારી લ્યો કે તમને વેદાન્ત સોસાયટીની સ્થાપના અને ત્યારપછીની તેની પ્રવૃત્તિમાં રસ હજી પડતો નથી. તમારે તો કેવળ એટલું જ જાણવું છે કે આવતા રવિવારે હોલિવુડના મંદિરમાં કઈ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ જાણવા માટે તમારે ‘કેલેન્ડર’ના ચોકઠા પર માઉસનું બટન દાબવું જોઈએ અને તરત જ તમારા પડદા પર એક ‘કેલેન્ડર’ ચમકી ઊઠશે જે મોટા ભાગના લોકોના ટેબલ (ડેસ્ક) ઉપર મૂકેલા કેલેન્ડરો જેવું હોય છે. તમે જે તારીખ વિષે જાણવા માગો છો – જેમ કે જાન્યુઆરીની ૨૫મી-તેના ઉપર જઈ ફરીથી માઉસનું બટન દાબો તો એક પલક ઝપકતાં જ તમે દક્ષિણ કેલિફોર્નિયાની બધી જ વેદાન્ત સોસાયટીઓમાં ગોઠવાયેલાં ભાષણો કોનાં છે અને ક્યા વિષયો ઉપર છે તે જણાવવામાં આવશે.

  ધારો કે તમે આવતે અઠવાડિયે સેન્ટા બાર્બરા શહેરની મુલાકાતે જવાના છે, અને ત્યાં ગોઠવાયેલ ભાષણ જેની માહિતી ‘વેબ’માંથી તમે મેળવી છે તેમાં રસ પડ્યો છે. પણ, તે સ્થળે કઈ રીતે જવું? તો, ‘સેન્ટા બાર્બરા ટેમ્પલ’ શબ્દો, જેની નીચે લીટી મારવામાં આવી છે, તેના પર જઈ માઉસનું બટન દાબો. (હા, તમારી કલ્પના સાચી છે, નીચે લીટી મારેલા શબ્દો ‘હાથપર ટેક્સ્ટ’ એટલે કે અન્ય માહિતી સાથે સાંકળેલા હોય છે) તમને તે જ ક્ષણે ‘સેન્ટા બાર્બરા પેજ’ ઉપર મંદિરનું રંગીન ચિત્ર પડદા ઉપર દેખાશે – અને તે સાથે એ મંદિર પર પહોંચવા માટેનો એક નક્શો પણ દેખાડવામાં આવશે, ત્યાં કઈ રીતે પહોંચવું તે દર્શાવશે. દરેક વેદાન્ત કેન્દ્રોના પોતાના ‘પેજ’માં આ જ પ્રકારની માહિતી ઉપલબ્ધ કરવામાં આવે છે.

  પણ હવે ધારો કે તમે આરકન્સાસ રાજ્યના મધ્યભાગમાં છો – આસપાસમાં ક્યાંય વેદાન્ત કેન્દ્ર છે જ નહિ! છતાં ટૉરન્ટૉમાં રહેતા તમારા એક વેદાન્તભક્ત મિત્રની વાતોને કારણે તમને વેદાન્ત અંગે જિજ્ઞાસા થઈ છે; અને તમે તે વિશે વધુ જાણવા માગો છો. તો, ‘વેદાન્ત શું છે?’-‘what is vedanta’- આ ચોકઠાથી શરૂ કરવું જોઈએ. તેમાંનું એક વાક્ય તમારા હૃદયને સ્પર્શી જાય છે – ‘ભગવાનને શોધો – જીવનનું આ જ એક ધ્યેય છે.’ રામકૃષ્ણ આ નીચે લીટી કરેલા શબ્દ ‘રામકૃષ્ણ’ ઉપર માઉસનું બટન દાબો, તમે રામકૃષ્ણ પરમહંસ વિશેના ‘પેજ’ પર પહોંચશો. અહીં તેમની સુંદર છબી અને તેમનાં સુવાક્યોને ટાંકવામાં આવ્યાં છે. તમે ફરી ‘what is vedanta’ના વિભાગમાં પાછા ફરો, તો આગળ તમને ચાર પ્રકારના યોગની વાત જાણવા મળશે. આ દરેક ‘યોગ’ અન્ય માહિતી સાથે સાંકળી લેવામાં આવેલ છે, અને તેની વિસ્તૃત ચર્ચા કરેલ છે. ‘સ્વામી વિવેકાનંદ’ પણ આ જ રીતે સાંકળેલો (hypertext) શબ્દ છે, જેમાં તેમની છબી તથા સુવાક્યો નજરે ચડે છે.

(ક્રમશ:)
અનુવાદક : ડૉ. સુધા મહેતા

Total Views: 276

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.