(ગતાંકથી આગળ)

સ્વામી વિવેકાનંદ અને આજના યુગમાં વેદાન્તના બોંબનો વિસ્ફોટ

આપણો સમકાલીન સમાજ જે ખોટી ફિલસૂફી, અસંસ્કૃત પ્રકારના ભૌતિકવાદ – વડે જીવી રહ્યો છે તેનાં ફળો, માણસ જાતિના ભયાનક ભવિષ્ય તરફ આંગળી ચીંધી રહ્યાં છે. આ મારો જ મત છે, એવું નથી ઘણા આધુનિક ચિંતકો પણ એ જ મત ધરાવે છે. રાટ્ર ટેઈલા નામના એક લેખકે સાતેક વર્ષ પહેલાં પ્રકટ કરેલા પુસ્તકમાં આપેલું આ ચિત્ર છે. તેનું શિર્ષક તો બહુ ડરાવી મુકે તેવું છે – ‘ધ બાયોલોજીકલ ટાઈમ બોંબ’– જીવશાસ્ત્રીય સમયબોંબ. એમાં સૂચન કરવામાં આવ્યું છે કે ઈ.સ. ૨૦૫૦ની આસપાસ આપણો સમાજ એક પશુવાડા જેવો બની જશે, બીજું કશું નહીં. આ વેરાન ભવિષ્ય ચિત્રની સામે આપણે વેદાન્તની ભવ્ય અને તેજસ્વી ફિલસૂફીને જોવાની છે. અને સાથે સાથે એના ઊંડા અભ્યાસનું મહત્ત્વ કેટલું છે એ પણ વિચારવાનું છે. એ માણસની ભૌતિક વાસનાઓની ના પાડતું નથી. એ તેની બૌદ્ધિક એષણાઓનો પણ ઈનકાર કરતું નથી. પણ એ માણસને વધારે ઊંડાણમાં જવા અને વધારે વિશુદ્ધ, વધારે વિશાળ અને વધારે અન્તઃકરણમાં રહેલ સર્જનાત્મક ઊર્જા સંસાધનોના સંપર્કમાં આવવા અને તેમને વિકસાવવા હાકલ કરે છે. મનુષ્યને તેણે કરેલી હાકલ છે – તમારી આગેકૂચ જારી રાખો; ઈન્દ્રિયોની કે બૌદ્ધિક કક્ષાએ જ અટકી નહીં જાઓ. તમારી અંદર જે દિવ્ય પરિમાણો છે તેમને પ્રકટ કરો.

મનુષ્યની કેવી સુંદર વિભાવના! માણસ પોતાની જાત સાથે શાન્ત, જગત સાથે શાન્ત; પોતાની અંદર રહેલ દિવ્ય તત્ત્વને જેણે પ્રગટ કરવા માંડ્યું છે, જે પોતાના બંધુઓને તથા અન્યોને પ્રેમ કરી શકે, જેની પાસે કરુણા હોય અને જે મદદગારી અને સેવાનાં કામોમાં આ બધા સદ્‌ગુણો ને મનોવલણો દ્વારા અભિવ્યક્તિ આપી શકે. એ જુદા જ પ્રકારનો માણસ હોય છે; અને આધુનિક યુગમાં લાખોમાં આવા માણસોને ઉત્પન્ન કરવો એ વેદાન્તનું મહાન કાર્ય છે. સ્વામી વિવેકાનંદે વેદાન્તને હિમાલયનાં દુર્ગમ અરણ્યો અને ગુફાઓમાંથી તેના સંસ્કૃત ભાષારૂપી દુર્ગમ ખજાનામાંથી બહાર કાઢ્યું અને પૂર્વ અને પશ્ચિમ બંનેમાં સર્વત્ર એનો પ્રસાર કર્યો. હજી એમાં જોઈએ તેવું આયોજન થયું ન હતું, તો પણ આ કામના શ્રીગણેશ આધુનિક યુગમાં નાટ્યાત્મક રીતે વિશ્વધર્મ પરિષદમાં શિકાગોમાં ૧૮૯૩માં વેદાન્તના બોમ્બ વિસ્ફોટથી થયા. આજની માનવજાતિ સમક્ષ વેદાન્તનો તેજસ્વી સંદેશ લાવવા માટે એ કેવો કાર્યદક્ષ મંચ હતો!

રણકતા અવાજે તેમણે એ વૈશ્વિક ભવ્ય ચર્ચાસભા સમક્ષ વેદાન્તનો મુક્તિદાયક સંદેશો આપ્યો : ‘તમે સૌ અમૃતનાં સંતાનો છો. અમૃતસ્ય પુત્રાઃ એને પ્રકટ કરવાનો પ્રયત્ન કરો. તમે પાપનાં સંતાનો નથી, નિર્બલતાનાં બાળકો નથી, જડ અને નિર્જીવ પદાર્થના ફરજંદો નથી. તમે સનાતન અને વિશુદ્ધ મુક્ત આત્મસ્વરૂપ છો; જડ પદાર્થો તમારા ચાકરો છે, તમે જડ પદાર્થના દાસ નથી.’

ભારતના પ્રાચીન અને આધુનિક સંતો એ રીતે માણસ અને તેની સંભાવનાઓનું વર્ણન કરે છે. આ સંદેશ આધુનિક પશ્ચિમને વિવેકાનંદ દ્વારા મળ્યો છે. તે સંદેશમાં એક પ્રકારની તાકાત હતી તેણે અમેરિકન માનસ પર જબરદસ્ત પ્રભાવ પાડ્યો હતો. સાચું કહીએ તો, ગમે તે માનવમન પર એ સંદેશનો-સુવાર્તાનો પ્રભાવ પડશે જ; એનો અર્થ થાય છે સારા સમાચાર. એ સંદેશ માણસની આધ્યાત્મિક મુક્તિ અને સમાનતાની ઘોષણા કરે છે. તેથી ધર્મપરિષદના વિશાળ અને મોટી મોટી અપેક્ષાઓ સેવતા શ્રોતાવૃંદે જબરદસ્ત પ્રતિભાવ આપ્યો હતો. તે સંદેશની રજૂઆતમાં પ્રાસ્તાવિક રીતે પાંચ સાદા પણ અર્થસભર શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતોઃ ‘અમેરિકાનાં મારાં ભાઈઓ તથા બહેનો.’ તત્કાળ તે દિવસે સવારે તે શબ્દોએ હૉલમાં બેઠેલા સૌનાં હૃદયમાં ચોટદાર રીતે પ્રવેશ કર્યો અને સ્પર્શી ગયા. અને બીજે દિવસે સવારે હૉલની બહાર રહેલા બીજા લાખો લોકોના હૃદયને પણ એ શબ્દો સ્પર્શી ગયા. ઉષ્માપૂર્ણ અખબારી અહેવાલો દ્વારા અને તે પછી પણ વિવિધ દેશોમાંથી તેના પડઘા પડતા રહ્યા છે અને લાખો હૃદયમાં તેમના ધબકારા સંભળાતા રહ્યા છે. બધાં આધ્યાત્મિક રીતે એક છે એવા અને બધામાં એક દિવ્ય આત્મા વિલસી રહેલ છે એવા વેદાન્તના સત્યમાં સ્વામીજીના હૃદયમાં જે ઊંડી પ્રતીતિ રહેલી હતી, તેમાંથી આ શબ્દો પ્રકટ થયા હતા. ઈન્દ્રિયો દ્વારા કે ઈન્દ્રિયોથી મર્યાદિત બનેલા મન દ્વારા એ સત્ય પ્રકટ થયું નથી. પરંતુ ઈન્દ્રિયોની ગુલામીમાંથી મુક્ત બનેલા અને તેથી વિશુદ્ધ, ચોટદાર અને તેજસ્વી બનેલા મનમાંથી પ્રકટ થયેલું છે. એ શબ્દો ઔપચારિક ખાલી શબ્દો ન હતા, એ શબ્દો તો હતા આત્મસાક્ષાત્કારના ઊંડાણમાંથી આવેલા. હજારો શ્રોતાઓનાં હૃદયમાંથી જે જબરદસ્ત પ્રતિભાવ ઊઠ્યો તે આ શબ્દોના રહસ્યને સમજાવી દે છે, બે મિનિટ સુધી કાનને બહેરા કરી મૂકે એવો તાળીઓનો ગડગડાટ થયો અને એ પણ વ્યાખ્યાતા પોતાનું વ્યાખ્યાન શરૂ કરે એ પહેલાં, અને એ વક્તા તો હતા સાવ અજાણ્યા!

સમગ્ર માનવજાતિની આધ્યાત્મિક એકતાના આ સત્યનો સાક્ષાત્કાર કર્યો હોય એવા એવા કેટલાય મહાન ઋષિ મુનિઓને પ્રાચીન કાળથી માંડીને આજ સુધી જગતે ઉત્પન્ન કર્યા છે! વિશુદ્ધ ભક્તિના સૌથી મહાન ગ્રંથ – શ્રીમદ્ ભાવગત -નો અમર સંદેશ મહાભારત યુગના સમ્રાટ પરીક્ષિતને આપનારા શુકદેવજી વ્યાસના પુત્ર હતા. તેઓ યુવાન કિશોર હતા છતાં ય તેમણે આ સત્યનો સાક્ષાત્કાર કરી લીધો હતો. આ સુંદર શ્લોકમાં તેમની આધ્યાત્મિક ખ્યાતિનું વર્ણન શ્રીમદ્ ભાવગત કરે છે –

યં પ્રવ્રજન્તમનુપેતમપેતકૃત્યં
દ્વૈપાયનો વિરહ-કાતર આજુહાવ;
પુત્રેતિ તન્મયતયા તરવાડભિનેદુઃ
તં સર્વભૂતહૃદયં મુનિમાનતોડસ્મિઃ

‘જેને કંઈ પણ કર્મ કરવાં રહ્યાં ન હતાં તથા જેનો હજી ઉપનયન સંસ્કાર પણ થયો ન હતો, એવા શુકદેવજી જ્યારે વનમાં સંસાર ત્યાગીને જવા ચાલી નીકળ્યા ત્યારે તેમના વિરહથી વ્યાકુળ બનેલા વ્યાસજીએ ‘હે પુત્ર!’ એમ કહીને ઊંચા સ્વરે હાક મારી. તે સમયે, વૃક્ષોએ શુકદેવજીરૂપે થઈને ઉત્તર આપ્યો હતો, તે સર્વ પ્રાણીઓ થઈને ઉત્તર આપ્યો હતો, તે સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલા શુકદેવ મુનિને હું પ્રણામ કરું છું.’

તેઓ કોઈને મનુષ્યને માટે કે પદાર્થને માટે વિદેશના ન હતા; સર્વવસ્તુઓ સાથે તેમનું ઐક્ય હતું. કેવી સુંદર વિભાવના! શ્રી શુકમુનિએ બધામાં રહેલા એક આત્માનો સાક્ષાત્કાર કરેલો હતો અને બધા સાથે આધ્યાત્મિક રીતે એક બની ગયા હતા.

એ જ રીતે આજના યુગમાં એક વિવેકાનંદ દરિયો પાર કરીને ઔદ્યોગિક રીતે સશક્ત, વૈજ્ઞાનિક રીતે કાર્યકુશલ, રાજ્યસત્તા વિભૂષિત અને સ્થૂલ વૈભવથી ભરપૂર મહાન ‘દેશ’ અમેરિકા જાય છે. પણ કાંઈક ખૂટતું હતું; ઈસુના શબ્દમાં કહીએ તો માનવ ચારિત્ર્ય અને માનવ-સમાજને માટે ખડકરૂપ પાયો પૂરો પાડનાર એ માનવમાં રહેલી વસ્તુ હતી; વરસાદ કે પૂર કે પવન તેને હચમચાવી શકે નહીં કે ઉથલાવી પાડી શકે નહીં. વિશ્વની ધાર્મિક સભાના એ મંચ પર ઊભા રહીને જ્યારે તેમણે વેદાન્તના આત્માના આ મહાન સંદેશને વહેતો મૂક્યો, ત્યારે બોંબનો જોરદાર વિસ્ફોટ જેવો એ બની રહ્યો હતો. અને વેદાન્તના વિચારો અને પ્રેરણાના આ બોંબ વિસ્ફોટો એમના ચાર વર્ષના અમેરિકા, પછી ઈંગ્લેંડ અને છેલ્લે છેલ્લે ભારતમાં તેમના વિહાર દરમ્યાન ચાલુ રહ્યા : ‘સ્વતંત્ર બની રહો, તમે હંમેશાં મુક્ત છો, એ મુક્તિનો અનુભવ કરો, તેને જીવનમાં, કાર્યમાં અને બધા માનવીય પારસ્પરિક આંતરિક સંબંધોમાં એને પ્રકટ કરો જ્યારે તમે અનન્તના વારસદાર છો અને અમૃત છો ત્યારે શા માટે સંકુચિત, મતાંધ અને અલ્પ બની રહો છો? શા માટે તમારા વિકાસને રૂંધી રાખો છો અને નાની નાની આસક્તિઓ અને મોટી નફરતોની કક્ષાએ શા માટે જીવો છો? જ્યારે તમને આત્માની અલ્પ પણ અનુભૂતિ થશે ત્યારે બધી ક્ષુદ્રતાઓ અને કંગાલિયત પલાયન થઈ જશે અને મનની અને હૃદયની વિશાળતાનો પ્રવેશ થશે.”

મનુષ્યની કંગાલિયતનું રોગનિદાન

આજે આપણા માનવીય ચારિત્ર્યમાં વધારે પડતી કંગાલિયત આવી ગઈ છે. આપણા દેશમાં માનવજીવનનો દરેક વિભાગ પછી એ રાજકારણ હોય, વહીવટ હોય, ઉદ્યોગ હોય, શિક્ષણ હોય, સમાજજીવન હોય, એને રુંધાયેલા વિકાસના રોગનો વ્યાધિ લાગુ પડી ગયો છે. માનવીય કંગાલિયતનો આ રોગ બીજી રીતે પવિત્ર ગણાતા અને ઘનિષ્ઠ માનવીય લગ્નસંબંધમાં પણ કેવો જોવા મળે છે! અરે એ તો શુષ્ક લગ્ન બજારની હદ સુધી નીચે ઊતરી ગયો છે! તેનું વર્ણન ક૨વા માટે ‘કંગાલિયત’ એ જ માત્ર એક શબ્દ છે. આ રીતે જે લોકો કંગાળ છે તેમાં લગ્નના ઉમેદવારો અથવા તેમનાં માતાપિતા હોય – એ બધાં યુનિવર્સિટીની ડિગ્રીઓ ધરાવતાં હોય અને ઊંચી મુલકી કે લશ્કરી જગાઓ માટે પસંદગી પામેલાં હોય, છતાં પણ પોતાની શિક્ષિત વહવારુઓને પોતાની દહેજ માટેની હૃદયહીન, શોષણખોર વધુને વધુ માગણીઓ દ્વારા હતાશાની અને આત્મહત્યાની ગર્તા તરફ ધકેલી દે છે. તેમને એવું ભાન થતું નથી. આથી તેઓ કંગાલ અને હલકા દેખાય છે. તેમને એમ પણ લાગતું નથી કે આમ કરીને તેઓ પોતાના ઉદાત્ત સ્વભાવની માન્યતાને ખોટી પાડી રહ્યાં છે. કરુણતા તો એ છે, આ બધા છતાં તે લોકો પોતાની જાતને ખૂબ બુદ્ધિશાળી અને ચાલાક માને છે! તેમના જેવા દાખલા આપણાં સામિયકોમાં અસંખ્ય સચિત્ર લેખો રૂપે પ્રકટ ક૨વામાં આવે છે. આવો એક લેખ રમેશ ખુરાના ઓક્ટોબ૨ ૧૯૭૯ના માસિક ‘પ્રોબ’ના અંકમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે : ‘આપણે આપણું કહેવાતું ઉચ્ચતર શિક્ષણ છે તેને વધારે મોઘું શિક્ષણ કહીએ તો એ વધારે સારું થાય. કેમકે તેનું ફલ ઉચ્ચતર માનસ નથી પણ કંગાલ અને હીનતર મન હોય છે. આ બાબતમાં આપણું રાષ્ટ્ર એક માનવીય કરુણાંતિકાની ભૂમિકા ભજવી રહ્યું છે અને તે આત્મસંતોષની બાબતમાં એટલી ઊંડી છે કે તેના પર કોઈ ટીકાટીપ્પણ કરવાની જરૂર રહેતી નથી.’

જ્યારે આપણા લોકોને વેદાન્તના આ સત્યનું જરાક પણ ભાન થાય છે ત્યારે તેમને માણસના સાચા સ્વભાવની પ્રતીતિ થાય છે. આ પ્રતીતિને ગીતાએ ખાતરીબંધ રીતે વર્ણવી છે : ‘સ્વલ્પમધ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્’ – આ ધર્મનું થોડુંક પણ આચરણ કરવામાં આવે તો તે મોટા ભયમાંથી બચાવી લે છે. આ સત્યનું ભાન થતાં માનવના સ્વભાવની સાચી મહાનતાનો ઉદય થશે અને આ મહાનતાની મુદ્રા તો આપણા સૌના, અંતઃકરણ પર રહેલી જ છે. એની સરખામણી કરી શકાય પેલી દીવાસળીમાં રહેલા છુપા અગ્નિની સાથે. પણ આજે પરિસ્થિતિ એ થઈ છે કે ભેજવાળા વાતાવરણમાં તેઓ પોતાના જીવનરૂપી દીવાસળી ઘસે છે, પરંતુ અગ્નિ કે જ્ઞાન તથા ચારિત્ર્યનો પ્રકાશ પ્રકટતો નથી અને તેઓ વેદાન્તના સત્યમાં શંકા કરવા માંડે છે.

તેઓ વેદાન્ત પરનાં પ્રવચનો સાંભળે છે, વેદાન્તનાં તથા બીજાં ધાર્મિક પુસ્તકો વાંચે છે, યોગીઓ તથા મહાત્માઓ પાસે જાય છે. પણ તેમનામાંથી વેદાન્તનો અગ્નિ કે પ્રકાશ આવતો નથી. આનું કારણ એ છે કે તેમની મનરૂપી દીવાસળી બહુ ભીની હોય છે. જો તેમાં રહેલા અગ્નિ અને પ્રકાશને બહાર કાઢવા હોય તો તે દીવાસળીને સૂકી કરવી જોઈએ. એના માટે આ શરતો પૂરી કરવી જરૂરી છે –

– સત્ય અને ચારિત્ર્યની ઉદાત્તતા માટે સારા પ્રમાણમાં લગની

– સ્પષ્ટ વિચારણા માટે થોડીક સજ્જતા,

– ઊંડા આંતરિક સત્યને ખીલવવાની તીવ્ર ઇચ્છા

– અને શ્રી શ્રીમા શારદાદેવી જેવાં દયાળુ માતૃ – હૃદયોવાળાં વ્યક્તિત્વના સંપર્કમાં આવવાની તકો. આવાં વ્યક્તિત્વો આધુનિક યુગમાં અવતર્યા છે. હું તેમનું વર્ણન કરતાં કહું છું કે તેઓ દરેક સાસુનું પ્રેમાળ-માતામાં રૂપાન્તર કરવા અવતરે છે.

તો પછી સૌથી પહેલી વસ્તુ એ થશે કે આગ પ્રકટી ઊઠશે અને આત્મજ્ઞાનનો પ્રકાશ ઝળહળી ઊઠશે. જો એ ભડકાનું સ્વરૂપ ધારણ નહીં કરી શકે તો પણ એ દીવાસળીના પ્રમાણમાં તો કમ સે કમ હશે જ અને વળી એનું એક પરિણામ એ આવશે કે બધા પ્રકારની કંગાલિયત અને મનની ક્ષુદ્રતા નિર્મલ થઈ જશે. અને તેને પરિણામે તનાવ, અશાંતિ, યાતના અને અસંતોષની લાગણી પણ નાશ પામશે.

શારીરિક, માનસિક અને આધ્યાત્મિક : પોષણ

જ્યાં સુધી આપણા દેશને લાગેવળગે છે ત્યાં સુધી સ્વામી વિવેકાનંદ કહેતા કે આ ગોળાર્ધમાં, નજીકમાં જ વેદાન્તના ઉચ્ચવિચારોની શાશ્વત ગંગા વહી રહી છે ત્યારે તરસથી મરતા આપણે જ લોકો છીએ. જ્યાં આ ફિલસૂફી જાણીતી નથી અથવા સહેલાઈથી ઉપલબ્ધ નથી ત્યાંના બીજા દેશોના લોકો તરસ્યા મરે એ વાત હું સમજી શકું છું. પણ અહીં આપણા ભારતમાં આપણને એ તત્ત્વજ્ઞાન આપણી આસપાસની હવાની જેમ મુક્ત રીતે અને સહેલાઈથી ઉપલબ્ધ છે, ત્યાં એ મોટામાં મોટી કરુણાન્તિકા છે કે આધ્યાત્મિક રીતે કહીએ તો આજે બધા દેશોમાં આપણે સૌથી વધુ ભૂખમરાનો ભોગ બનેલા છીએ. ‘ભૂખમરો’ એ જ સાચો શબ્દ છે. તેનું પરિણામ ચારે ય બાજુ વ્યાપેલા સદાચાર વિષયક નૈતિક અને આધ્યાત્મિક કુપોષણમાં આવે છે. ફલતઃ કોઈ સુખી નથી. દરેક માણસ અન્યને કડવાં વેણ કહે છે અને શાપ આપે છે. દરેક રાજકારણી અને સામાજિક જૂથ દરેક અન્ય જૂથને ગાળો દે છે. નાગરિકના દ૨૨ોજના ખાનગી જીવનમાં પણ આપણે આ રોગચાળાની સ્થિતિ જોઈએ છીએ. પોતાની અંદર વિશ્વાસ ગુમાવી દીધો છે, તેથી પતિ પત્નીને કડવાં વેણ કહે છે અને ગાળો કાઢે છે; અલબત્ત પત્ની પક્ષે પણ એ જ રામાયણ ચાલતી હોય છે.

અત્યંત લાંબા ગાળાના આધ્યાત્મિક કુપોષણ પછી આ કરુણ પરિસ્થિતિ ઊભી થઈ છે. ઊડી ને આંખે વળગે તેવા શારીરિક કુપોષણ ઉપરાંત આ આધ્યાત્મિક કુપોષણ છે. શારીરિક કુપોષણની અસર આપણા નીચી કક્ષાના સાવ સામાન્ય એવા લાખો લોકો ઉપર પડે છે. આધ્યાત્મિક કુપોષણ આપણા ઉપલા વર્ગના અને મધ્યમ વર્ગના લાખો લોકોને સ્પર્શે છે. શારીરિક ભૂખમરાનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રિય મદદ મળી છે અને હજી પણ મળી રહી છે. તેના વડે અને આપણે કરેલા અનાજના વધુ ઉત્પાદન વડે આપણે આપણાં બાળકો અને નબળા વર્ગોનાં શારીરિક કુપોષણને દૂર કરવાનાં પગલાં લઈ રહ્યા છીએ. આપણે વિશાળ શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા આપણા લાખો લોકોને માનસિક ખોરાક પૂરો પાડી રહ્યા છીએ. પરંતુ સાથે સાથે આપણે ખાસ કરીને આપણા શિક્ષિત વર્ગના આધ્યાત્મિક કુપોષણને પણ ધ્યાનમાં રાખવાનું છે. આ તાતી જરૂરિયાતનો ઉલ્લેખ કરીને સ્વામી વિવેકાનંદે પોતાના વ્યાખ્યાન ‘વેદાન્ત એન્ડ ઈટ્સ એપ્લિકેશન ટુ ઈન્ડિયન લાઈફ (કમ્પલીટ વર્ક્સ, વોલ્યુમ ૩. પૃ. ૨૪૭)માં કહ્યું છે.

‘જગતમાં બધો પ્રકાશ લાવો. પ્રકાશ લાવો, પ્રકાશ લાવો! દરેક માણસમાં પ્રકાશ આવવા દો; દરેક માણસ – ઈશ્વરને પ્રાપ્ત ન કરી લે ત્યાં સુધી કામ પૂરું નહીં થાય.

ગરીબ લોકોમાં પ્રકાશ લાવો, ધનિકોમાં વધુ પ્રકાશ લાવો, કેમકે ગરીબો કરતાં તેમને જરૂરિયાત વધારે છે. અજ્ઞાન લોકોમાં પ્રકાશ લાવો, શિક્ષિતોમાં વધારે પ્રકાશ લાવવો કેમ કે આપણા યુગના શિક્ષણનાં મિથ્યાભિમાનો જબરદસ્ત છે.’

આધ્યાત્મિક વિકાસ તરીકે માનવીય ઉત્ક્રાન્તિ

વેદાન્ત કહે છે કે આપણા લોકોમાં આત્મા વિષેના આ ઝળહળતા સત્યનો એક અંશ પૂરતી પણ જો જાગૃતિ આવી જાય તો આપણા દેશ આવતીકાલે સ્વર્ગ બની જાય. આ પરિસ્થિતિને માનવ માનવ વચ્ચેના આંતરિક સંબંધોમાં પ્રકટ થવા દો. એની સાથે દરેકમાં પ્રેમનું ખનન કરવાની ક્ષમતા હશે. એમાં દરેકમાં પ્રવેશ કરવાની, દરેકને ચાહવાની અને દરેકની સેવા કરવાની ક્ષમતા હશે અને આજે જેમ બને છે, તેમ લોકો એકબીજા સાથે અથડાશે નહીં. બ્રહ્મવિદ્યા કે આધ્યાત્મિક વિદ્યાનો આ આશીર્વાદ છે. માણસના આધ્યાત્મિક વિકાસનો આ અર્થ છે, ઐન્દ્રિયિક પરિણામોથી માણસના ઉપર ઊઠવાની ઉત્ક્રાન્તિનો પણ આ જ અર્થ છે. એ માનસિક ઉત્ક્રાન્તિ છે માત્ર ઐન્દ્રિયિક ઉત્ક્રાન્તિ જ નહીં. આપણી પાસે એ દિશાની ભૌતિક સજ્જતા છે – આ ચેતાતંત્ર આપણે કોઈ નવી ઈન્દ્રિયની કે ઈન્દ્રિયોની જરૂર નથી; પણ આપણે જરૂર છે આ બેનમૂન ઐન્દ્રિયિક તંત્રનો ઉપયોગ કાર્યક્ષમતાપૂર્વક શીખી લેવાની.

આજનું જીવવિજ્ઞાન આપણને કહે છે : માનવીય કક્ષાએ સદાચાર વિષયક, નૈતિક, કલાત્મક અને માનવીય ઉત્ક્રાન્તિ બની ગઈ છે. વેદાન્ત માનવીય ઉત્ક્રાન્તિને આધ્યાત્મિક વિકાસ તરીકે રજૂ કરે છે. માનવીય ઉત્ક્રાન્તિમાં મનુષ્ય પ્રેમ અને કરુણાનાં સ્પંદનો જગત પ્રત્યે મોકલવાની પોતાની ક્ષમતાને વિકસાવે છે. તમારી પાસે એ નાડીના ધબકારા તમારા અંતરમાં છે ખરા? જીવનશાસ્ત્રની એ ભાષા પણ આજની છે. એ જ ભાષા માત્ર વેદાન્તની જ નહીં, પણ બધા વિશુદ્ધ ધર્મોની છે કે માણસ આધ્યાત્મિક રીતે વિકાસ સાધે છે. નાનું બાળક પણ આધ્યાત્મિક રીતે વિકાસ પામે છે. એની સાથે સાથે તેની માનસિક અને શારીરિક વિકાસ પણ દૃષ્ટિગોચર થયા કરતો હોય છે. તે અન્ય બાળકોને ચાહે છે; અન્ય બાળકોની સેવા કરે છે. તે બીજાં બાળકો અને પોતાનાં વાલીઓને ધિક્કારતું નથી કે શોષણ કરતું નથી કે તેમની કોઈ વસ્તુની ભાંગફોડ કરતું નથી. માનવીય ઉત્ક્રાન્તિની કેવી સુંદર વિભાવના! આજે, આ ક્ષેત્રમાં ભૌતિક વિજ્ઞાનનો સર્વોપરિ વિચાર વેદાન્તના વિશુદ્ધતમ આધ્યાત્મિક વિચારની સાથે સુસંવાદિતા ધરાવે છે. જ્યારે તેઓ બંને એકબીજાને માટે આધાર પૂરો પાડવા માંડે છે ત્યારે આપણને માનવીય વૃદ્ધિ, વિકાસ અને સિદ્ધિનું ઊંડું અને સર્વગ્રાહી તત્ત્વજ્ઞાન ઉપલબ્ધ થાય છે.

જ્યારે આ તત્ત્વજ્ઞાન વૈશ્વિક રીતે જાણીતું બને છે અને જીવનમાં ઊતરવા માંડે છે, ત્યારે આપણે માનવજાતિના ભવિષ્ય માટે આશાસ્પદ શબ્દોમાં બોલી શકીએ છીએ. આજકાલના રોગો ગમે તે હોય, આપણી આસપાસની સામાજિક પરિસ્થિતિ ગમે તેવી ભયાનક હોય, આપણે આપણી જાતને ખાતરી આપી શકીએ કે આ બધું ઝડપથી પસાર થઈ જતાં ચલચિત્રનાં દૃશ્યો છે. માણસજાતિને આધ્યાત્મિક વિકાસને પંથે લઈ જવા માટે જગતમાં પૂરતાં શાણપણ અને પ્રેરણા રહેલ છે. ઉત્પાદન અને વિતરણના અર્થશાસ્ત્રમાં અને ભૌતિક અને માનસિક માલસામાન અને સેવાઓના ઉપભોગમાં અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર પૂરું થઈ જતું નથી. માણસ પાસે આ બધું પુષ્કળ પ્રમાણમાં ભલે હોય, અને તે બધાંને ખરીદવા માટે પુષ્કળ ધન પણ ભલે હોય; પણ તેણે કે તેણીએ પ્રેમ અને કરુણાની અનુભૂતિ અને જીવનની ગુણાત્મક સમૃદ્ધિ કદાચ ગુમાવવી પડે. માત્ર પુષ્કળ પૈસાનો શો ઉપયોગ છે? આપણે ધનની સૌંદર્યવતી દેવી લક્ષ્મીની વાતો કરીએ છીએ; તેનો અર્થ માત્ર ધન પૂરતો મર્યાદિત નથી. તેનો અર્થ છે માણસના કલ્યાણની ખાતરી આપવા માટે માનવજીવનને સમૃદ્ધ અને સુંદર બનાવવા માટે પૈસાનો રચનાત્મક રીતે ઉપયોગ કરવો. દ્વેષબુદ્ધિથી પ્રેરાઈને પોતાના ઓશિકા નીચે પૈસાને સંતાડી રાખવા અને તેની રક્ષા કર્યા કરવી એ જ કાંઈ લક્ષ્મી નથી. તે તો મૃત – જડ – ધન છે, માત્ર માલિકીની વસ્તુ, કંઈક અપવિત્ર, અર્થાત્, અલક્ષ્મી; તે કદી આનંદ કે કલ્યાણને જન્મ આપી શકે નહીં. જે ધન માનવના વિકાસમાં રોકવામાં આવે છે એ જ માત્ર સાચી લક્ષ્મી છે. લક્ષ્મીના આશીર્વાદ માનવજાતિ પર ધન અને સૌંદર્ય અને સગુણનું સર્જન કરવાની અને કદર કરવાની અને માણવાની ક્ષમતા બક્ષે છે.

વેદાન્ત માણસને કહે છે સ્થગિત ન થઈ જાઓ

આપણા બધામાં આ શક્યતાઓ છુપાયેલી છે, અને આપણા જીવનમાં તેમને સાકાર કરવાની છે. જ્યારે આપણે માનવા માંડીએ છીએ કે જડ વૈભવ અથવા માણસનું શોષણ કરીને એકઠી કરેલી સંપત્તિ એ જ લક્ષ્મી છે, અને જ્યારે આપણે તેનો ઉપયોગ આપણી જ ઈન્દ્રિયોની જરૂરિયાતોને સંતોષવામાં કરવા માંડીએ છીએ, ત્યારે આપણામાંથી કશુંક ક્ષીણ થવા માંડે છે, અને આપણે સ્થગીત થઈ જઈએ છીએ. ‘સ્થગિત’ અને સ્થગિત થવાની પ્રક્રિયા એ બંને શબ્દો જીવશાસ્ત્રીય ઉત્ક્રાન્તિ અને વેદાન્તમાં બહુ મહત્ત્વના છે. બંને શબ્દો માણસને ઉપદેશે છે:- સ્થગિત ન થઈ જાઓ. કેટલાંક જીવપ્રકારો ને જાતિઓએ ઊંચી વિશેષતાઓ કેળવી અને પછી લાખો વર્ષો સુધી સ્થગિત બની ગઈ; દા.ત. કેટલાંક જંતુઓ. તે જ રીતે માનવો પણ વ્યક્તિગત રીતે કે સમૂહમાં ઈન્દ્રિયોની કક્ષાએ ખૂબ સ્થગિત બની શકે; તેની કક્ષાથી ઉપરવટ જઈને વિકાસ સાધવાનો પ્રયત્ન જ કરવામાં કે સિદ્ધ કરવામાં આવ્યો ન હતો. એનો અર્થ જ છે આધ્યાત્મિક મરણ. આવું સ્થગિત થવા ન દેવું જોઈએ. આપણે આપણા માર્ગમાં થોડો વિસામો ખાઈ લઈએ. આવું તો આપણે લાંબી યાત્રાએ જતાં હોઈએ કે પર્વતારોહણ કરી રહ્યા હોઈએ ત્યારે કરીએ જ છીએ. પણ આપણે બીજે દિવસે જાગી જતા હોઈએ છીએ અને આપણી મંઝીલ તરફની કૂચ ચાલુ કરી દેતા હોઈએ છીએ. આપણી આધ્યાત્મિક ઉન્નતિના માર્ગમાં લેવામાં આવતો વિશ્રામ એ કાંઈ સ્થગિતતા નથી; એ તો છે માત્ર ગયેલી શક્તિને પાછી મેળવી લેવાની પ્રક્રિયા છે. એની પાછળ પાછળ આવી રહી હોય છે વધારે જોરદાર આગેકૂચ.

આથી વેદાન્ત કહે છે : સ્થગિત ન થઈ જાઓ. માણસને તે માત્ર આટલી જ ચેતવણી આપે છે; રસ્તામાં લેવામાં આવતા આરામ અને ઊંઘનું રૂપાન્તર મૃત્યુમાં ન કરો; પુનઃ શક્તિ પ્રાપ્ત કરી લો અને આગે બઢો. પાણીના પ્રવાહને વહેવા દો; બંધિયાર પાણી બિનતંદુરસ્તીભર્યું હોય છે; વહેતું પાણી શુદ્ધ અને સ્વાસ્થ્ય બક્ષે તેવું હોય છે. વિકાસના ઊંચા અને ઊંચા તબક્કા સર કરવા એ જ માનવજીવનની સતત પ્રવૃત્તિ હોવી જોઈએ. જો ઈન્દ્રિયોની કક્ષાએ જ તેને રૂંધી નાખવામાં આવે અને સ્થગિત કરી દેવામાં આવે તો જીવન જીવન બનતું અટકી જાય છે અને મરણ બની જાય છે, આખા જગતમાં આજે માનવજીવનમાં આ સ્થગિતતાનાં દૂષણો વર્તાઈ રહ્યાં છે. આપણે જીવનજળને જરાક હલાવવાનું છે, તેની આસપાસ એકત્ર થયેલા ગંદા પદાર્થોને દૂર કરવાના છે અને પાણીને માનવશક્તિના તંદુરસ્ત પ્રવાહ તરીકે આગળ વહેવા દેવાનું છે. આ રીતે જ સત્ય, શિવ અને સુંદરનાં વધારે ને વધારે મોટાં પરિણામો પ્રકટ થતાં રહેશે.

(ક્રમશઃ)

Total Views: 278

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.