વેદાન્ત અને માનવીય વ્યવસ્થાપન

અગાઉ મેં દીવાસળી ઘસીને તેમાં ગુપ્ત રીતે રહેલા અગ્નિને પ્રકટ કરવા વિષે વાત કરી છે. એ વાતમાં નિર્દેશ રહેલો છે, મનુષ્ય દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાનો. માણસના સંદર્ભમાં આ ‘દીવાસળી ઘસવાનો’ શબ્દપ્રયોગ કઈ રીતે સમજવાનો છે? એક બાજુ એને સમજવાનો છે કુદરત તથા આસપાસ રહેલા માનવસમાજ સાથેની આંતર પ્રક્રિયાના સંદર્ભમાં અને બીજી બાજુ એને સમજવાનો છે માણસની પોતાની અંદર રહેલી શક્તિઓ સાથે થતી પ્રક્રિયાઓના સંદર્ભમાં. જીવનના પર્યાપ્ત તત્ત્વજ્ઞાનના માર્ગદર્શન હેઠળ જો તેને દક્ષતાથી હાથ ધરવામાં આવે તો એ ચારિત્ર્ય-બલ, કાર્યદક્ષતા, અને આધ્યાત્મિક વિકાસ તથા સિદ્ધિતરફ દોરી જાય છે. પરંતુ જીવનના ઉપરચોટિયા અને સસ્તા તત્ત્વજ્ઞાનના માર્ગદર્શન હેઠળ જો એને બિન-દક્ષતાથી હાથ ધરવામાં આવે તો એ વિકૃત મનોવૃત્તિમાં અને બિનકાર્યક્ષમ ચારિત્ર્યમાં પરિણમે છે. પણ જો તત્ત્વજ્ઞાનનું માર્ગદર્શન ન હોય અને એ શક્તિઓને કામચલાઉ ધોરણે યથેચ્છ રીતે કાર્ય કરવા માટે છૂટી મૂકી દેવામાં આવે તો તેનું પરિણામ માનવ જંતુડાની ઇન્દ્રિયવિષયક તબક્કે સ્થગિતતામાં આવે છે.

આ આંતરક્રિયાઓનો પ્રભાવ ઉપકારક રીતે કે અનુપકારક રીતે માત્ર માણસના પોતાના ઉપર જ નહીં પરંતુ આંતર ક્રિયાઓની પ્રક્રિયાઓ નીચે આવતા અન્ય મનુષ્યો પર પણ પડે છે. વેદાન્તનું આ સત્ય ખાસ કરીને માનવીય વ્યવસ્થાપનનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રસ્તુત બની રહે છે. પછી એ ક્ષેત્ર પરિવાર પૂરતું મર્યાદિત હોય, કે સરકારના વિશાળ વર્તુળ જેવડું હોય, ઉદ્યોગ ધંધાનું હોય, કે ગુરુ શિષ્ય સંબંધોનું હોય. જો દક્ષતાથી આ આંતરક્રિયાઓની પ્રક્રિયાઓને આ વૈવિધ્યપૂર્ણ માનવીય સંજોગોમાં હાથ ધરવામાં આવે, તો અન્ય મનુષ્યોમાં રહેલા શ્રેષ્ઠ અંશને બહાર લાવવામાં પેલી દીવાસળી ઘસવા જેવું જ પરિણામ લાવી શકે છે. પણ દક્ષતા રાખ્યા વગર જો એને હાથ ધરવામાં આવે તો અન્ય

વ્યક્તિઓમાં રહેલાં ખરાબમાં ખરાબ તત્ત્વોને બહાર લાવવામાં પણ પરિણમે છે. માબાપ બાળકોને જે રીતે હાથમાં લે છે કે પતિ પોતાની પત્ની સાથે જે વ્યવહાર કરે છે, કે તેથી ઊલટું, એના દ્વારા શ્રેષ્ઠ કે અનિષ્ટ તત્ત્વને બીજામાંથી બહાર કાઢવાની પ્રક્રિયા થઈ શકે છે. આ જ વાત ઉદ્યોગ, ધંધા કે શિક્ષણની બાબતમાં પણ સાચી છે. આવી બધી માનવીય આંતરિક – પારસ્પરિક – પ્રક્રિયાઓમાં કાર્યમાં કુશળતા કે અદક્ષતા જોવા મળે છે, તેનો આધાર ગીતા જેને બુદ્ધિ કહે છે તેની હાજરી કે ગેરહાજરી પર રહે છે. ગીતાની બુદ્ધિ એટલે પ્રબુદ્ધ અને શિસ્તબદ્ધ વિચાર અને સંકલ્પ. આથી જ ગીતા માણસને ઉદ્‌બોધન કરે છે – બુદ્ધૌ શરણમન્વિચ્છ – ‘બુદ્ધિનું શરણું લે’ તમારી મનો-મજ્જાતંતુની માનસિક અને મજ્જાતંતુ વિષયક શક્તિઓમાંથી બુદ્ધિની ઉત્ક્રાન્તિ કરો અને તે બુદ્ધિને તમારા જીવનરથનો માર્ગદર્શક બનાવો. કંઠોપનિષદના ત્રીજા અધ્યાયમાં રથના સુંદ૨ રૂપક દ્વારા એને વિજ્ઞાન-સારથિ તરીકે રજૂ કરવામાં આવેલ છે.

પ્રાથમિક રીતે કહીએ તો માણસની અંદર રહેલા શ્રેષ્ઠ સત્ત્વને બહાર લાવવામાં તેની અંદર આપણે મૂકેલી શ્રદ્ધા મદદરૂપ બની રહે છે; અને એનો આધાર છે માણસને પોતાને પોતામાં કેટલી શ્રદ્ધા છે તેના પર. જે લોકોને પોતામાં શ્રદ્ધા નથી હોતી તે લોકો બીજા પર શ્રદ્ધા રાખી શકતા નથી. આવા લોકોને સમાજમાં દોષદૃષ્ટિવાળા કહેવામાં આવે છે. આવા લોકો માનવીય વ્યવસ્થાપનના એક પણ ક્ષેત્રમાં સફળ થતા નથી. ઓસ્કર વાઈલ્ડના શબ્દોમાં આવા દોષદૃષ્ટિવાળાની વ્યાખ્યા એ છે કે તે દરેક વસ્તુની કિંમત જાણે છે, પણ કોઈ વસ્તુનું મૂલ્ય જાણતો નથી! આવા લોકોને માનવતાપૂર્ણ સંસ્પર્શ પ્રાપ્ત થતો નથી. અને (કહેવા દો કે) ગુલામ અને તેના માલિક વચ્ચે પ્રવર્તતા સૌથી વધુ તિરસ્કારપાત્ર સંબંધના સંદર્ભ સિવાયના બધા સફળ વ્યવસ્થાપનનો આધાર આ માનવીય સંસ્પર્શ પર, આ માનવતાપૂર્ણ આવેગ પર રહે છે. લોકશાહીના સંદર્ભમાં ઝામ્બિયાના પ્રમુખ કેનેથ કૌન્ડાના શબ્દોમાં કહીએ તો બધાં માનવીય વ્યવસ્થાપનોનું રૂપાન્તર થાય છે –

– લોકો પરની સત્તામાં, આને કહી શકાય લોકોને અમુક વસ્તુ કરવાની ફરજ પાડવી તે

– લોકો સાથે સત્તામાં, આને કહી શકાય સમજાવટથી શાસન,

– અને લોકોને દોરવા, એ તો થયું લોકોને હાંકવા

– અને લોકો પર શાસન કરવાનું કાર્ય. તેમને ગુલામ બનાવવાની હલકી પ્રક્રિયામાં ઊતરી પડતું નથી.

બૌદ્ધિકતા વિ. ચાલાકી

વેદાન્ત અને સાંખ્યયોગ તત્ત્વજ્ઞાનની ભાષામાં કહીએ તો જ્યારે માણસનાં શરીર અને મન પર તમોગુણનું પ્રભુત્વ હોય છે, ત્યારે તેને પોતાની અંદર રહેલા આત્માની હાજરીની અનુભૂતિ થઈ શકતી નથી અને એ દર્શન તો બહુ જ ઓછું કરી શકે છે. જ્યારે માણસ રજોગુણને વિકસાવે છે ત્યારે તેને આત્માની હાજરીની અનુભૂતિનો જરાક અણસારો આવે છે. પણ જ્યારે માણસ સત્ત્વગુણનો વિકાસ સાધે છે ત્યારે માણસના જીવનમાં આત્માનું પ્રકટીકરણ થતું જોઈ શકાય છે. તમોગુણમાંથી રજોગુણમાં અને રજોગુણમાંથી સત્ત્વગુણમાં પરિવર્તન થાય છે ત્યારે નૈતિક જાગૃતિમાં અડગ વૃદ્ધિ, માનવીય સંવેદનશીલતા અને આધ્યાત્મિક સ્વતંત્રતા પણ અંકિત થઈ જાય છે. નૈતિક રીતે અશુદ્ધ માણસ ભીની દીવાસળી જેવો છે. તેના આત્મામાં પણ અનંત આત્મા રહેલો હોય છે. પણ તે ગૂઢ હોય છે અને તેથી ‘ન પ્રકાશતે’ -પ્રકાશી ઊઠતો નથી; ગુપ્ત રીતે રહેલો હોય છે અને તેથી પ્રકટ હોતો નથી.

બીજાનું શોષણ કરનારા અને છેતરનારા તથા પોતાની જાતને ચાલાક અને સફળ માનનારા સ્વાર્થી અને નિમ્ન કક્ષાના લોકોને તેમની પોતાની અંદર રહેલા આત્માના સંસ્પર્શની કદી અનુભૂતિ થતી નથી. ઘણાં પ્રાણીઓ ચાલાક હોય છે; પણ માણસ તેમના કરતાં વધારે ચાલાક હોય છે, કેમ કે તેની પાસે કાર્યદક્ષ મગજનું તંત્ર હોય છે અને જો આવી બહુમુખી કાર્યદક્ષતા ધરાવતી ઇન્દ્રિય ધરાવતા માણસો મોટી સંખ્યામાં પોતાના મગજતંત્રનો ઉપયોગ કરીને પોતાની જાતને સફળ માની લે અને ચાલાકી તથા કુટિલતાને બૌદ્ધિકતા માની લેવાની ભૂલ કરી બેસે તો કહેવા દો કે માનવજાતિનું ભવિષ્ય ભયંકર છે. હિન્દી ભાષામાં ‘ચાલાકી’ શબ્દનો અર્થ તેનો બધી જ અર્થચ્છાયાઓમાં અંગ્રેજી શબ્દ ક્લેવર (= હોશિયાર કે ચાલાક)માં રહેલો છે. જો આપણું શિક્ષણ આપણને ચાલાકીનો વિકાસ કરવાનું કામ કરે, તો માનવજાતિનું ભવિષ્ય ભયાનક છે, બહુ જ બહુ જ ખતરનાક! આમ થતાં આપણે એકબીજાને છેતરીશું અને એકબીજાનો વિનાશ કરીશું. સ્વામી વિવેકાનંદ કહેતા કે જ્યારે આપણે માનવમાંસભક્ષી સાંસ્કૃતિક પરિસ્થિતિમાં હતા ત્યારે આપણે એકબીજાને મારી નાખતા હતા અને ખાઈ જતા હતા. પરંતુ આજે જ્યારે આપણે શિક્ષિત અને સંસ્કૃત પરિસ્થિતિમાં છીએ ત્યારે આપણે એકબીજાને ખાતા નથી પણ એકબીજાને છેતરીએ છીએ! એકાબીજાને ખાઈ જવા એ પરિસ્થિતિ વધારે સારી છે કે એકબીજાને છેતરવા એ પરિસ્થિતિ, એ હજી આપણે નક્કી કરવાનું બાકી છે. એનાથી વિપરિત પરિસ્થિતિનો નિર્ણય પણ આપણે જ કરવાનો છે. આપણે જ્યાં સુધી ઇન્દ્રિયોની કક્ષાએ જીવીશું, જ્યાં સુધી આપણે આપણી જાતને માત્ર ઇન્દ્રિયોનું તંત્ર (કે માળખું) માનીને ચાલીશું અને ઐન્દ્રિયિક સંતોષોની જ ખોજ કર્યા કરીશું અને આપણાં કાર્યદક્ષ વિજ્ઞાન અને યંત્રવિદ્યાનો ઉપયોગ આપણી આવી તૃપ્તિ માટેની વધતી જતી તકો ઊભી કરવા માટે કર્યા કરીશું ત્યાં સુધી આ ‘ખાઈ જવાની’ અને ‘છેતરવાની’ પ્રક્રિયા ચાલુ રહેશે.

ગરીબ વિ. ગરીબીમાં સબડતા લોકો

આજે એ માનવીય પડકાર છે. જો હું વિજ્ઞાન અને યંત્રવિદ્યા શબ્દનો પ્રયોગ ભૌતિક વિજ્ઞાન અને ભૌતિક યંત્રવિદ્યાના અર્થમાં કરું તો આ પરસ્પરની પાછળ પડી ગયેલા ઇન્દ્રિયોની ઇચ્છાઓ અને ઇન્દ્રિયોની તૃપ્તિઓનું પરિણામ માનવની આ પરિસ્થિતિને, થોમસ હોબ્સના શબ્દોનો ઉપયોગ કરીએ તો કરુણ રીતે ‘ક્ષણજીવી, દુષ્ટ અને જંગલી’ પરિસ્થિતિમાં મૂકી દેશે. દાયકે દાયકે આપણે જોતા જઈએ છીએ કે ગુનાખોરીમાં અતિશય વૃદ્ધિ થતી જાય છે. અત્યારે ગુનાખોરી, નશીલા પદાર્થો અને જાતીય વિસ્ફોટો આપણી સંસ્કૃતિને હચમચાવી રહ્યા છે. તે બધાની પાછળ કાબૂ બહાર ગયેલ વિષયલાલસા અને ઉચ્ચતર મૂલ્યોની ખોજના અભાવને લીધે ઉત્પન્ન થતી અતૃપ્ત વાસના ૨હેલ છે. આ જ કારણે મોટા ભાગના ગુનેગારો સમાજના શિક્ષિત અને સંપન્ન વર્ગમાંથી આવતા હોય છે. હૃદયની બાબતમાં ગરીબ હોય તેના જેટલા ખાલી ખિસ્સાવાળા લોકો ખરેખર, આટલા બધા અપરાધી અને માનસિક રીતે વિકૃત હોતા નથી. એક ગરીબ છે અને બીજો ગરીબીમાં સબડતો છે. ગરીબીમાં સબડતા માણસમાં ઘણા સદ્‌ગુણો અને સુંદર શીલ, માણસપણું પોતે પણ ગુમ થઈ ગયાં હોય છે. પરંતુ હૃદયના ગરીબ માણસમાં તે મળી આવતાં હોય છે. આ કરુણ પરિસ્થિતિ પર રાજવી કવિ ભર્તૃહિરના વૈરાગ્ય-શતક (શ્લોક-૫૩)ના પ્રખ્યાત શબ્દો પ્રકાશ પાડે છે –

સ તુ ભવતિ દરિદ્રો યસ્ય તૃષ્ણા વિશાલા
મનસિ ચ પરિતૃષ્ટે કોડર્થવાન્ કો દરિદ્રઃ

જેની ઇન્દ્રિયોની લાલસા વિશાલ, અનન્ત-હોય છે તે જ માણસ ગરીબીમાં સબડતો દરિદ્ર છે; પરંતુ જ્યારે મન સંતોષ પામે છે, ત્યારે કોણ પૈસાદાર છે અને કોણ દરિદ્ર છે?

જ્યારે મારી લાલસાઓ અનંત હોય અને મારી નીતિથી કરેલી કમાણી તે મને સંતોષી શકે તેટલી ન હોય, ત્યારે હું ગરીબીમાં સબડવા માંડું છું અને ચોર બની જઉં છું. મને ગુનો કરવાનું મન થઈ જાય છે અને મારે કોઈકને લૂંટવો પડે છે. જે લોકોની લાલસાઓ મોટી અને અનંત હોય તેવા લોકો દ્વારા જ રસ્તા પર અંતરિયાળ કરવામાં આવતી લૂંટફાટ અને એવા જ અન્ય ગુનાઓ તથા મોટાભાગની છેતરપિંડીઓ, પશ્ચિમના દેશોમાં અને હવે આપણા દેશમાં પણ આચરવામાં આવે છે. તેઓ પોતાની ઇન્દ્રિયોને અને મનને સંયમમાં રાખતાં શીખ્યા જ નથી; ગુનેગારી જ તેમના માટે એકમાત્ર માર્ગ બાકી રહે છે. ભારતમાં આજે આપણી પોતાની રાજધાની દિલ્હી સૌથી વધુ અસલામત જગા બની ગયેલ છે, કેમકે અહીં આવા લોકો જ વધી પડ્યા છે. તેમાનાં ઘણાં શિક્ષિત જુવાન છોકરા છોકરીઓ હોય છે; હા, હા; એમાં છોકરીઓ પણ હોય છે. તેઓ લૂંટફાટ કરવા અથવા કોઈને મારી નાખવા પણ નીકળી પડ્યાં હોય છે. તેમનામાં જરાય દયા હોતી નથી; તેઓ હિંસક પશુઓ જ બની જાય છે; અને તેઓ ખૂબસૂરત શહેરને બાકીના લોકો માટે અસલામત બનાવી દે છે. તેથી જ આવી કરુણાજનક પરિસ્થિતિ આજે પ્રવર્તે છે. આજે જ સવારે હું દિલ્હી યુનિવર્સિટી તરફ રસ્તા પર જઈ રહ્યો હતો. હું પચાસના દાયકામાં જ્યારે અહીં હતો તેના કરતાં પર્વતની ધાર પરનો વનનો દેખાવ મને અત્યારે વધારે સુંદર લાગ્યો. તે સુંદર ઘાસ, ફૂલ, છોડ અને સુંદર કુંજોવાળો બાગ છે. ત્યાં તમે શાન્તિથી સંધ્યાકાળ પસાર કરી શકો એવો તે વિસ્તાર છે. પણ કમભાગ્યે તમે ત્યાં આનંદ માણી શકો તેમ નથી; કોઈક આવીને તમને લૂંટી જાય અથવા મારી પણ નાખે. પછી મને આ વિચાર આવ્યો : જો તમે શાન્તિથી આનંદ ન માણી શકો તો એ સુંદર બાગનો શો અર્થ છે? ન્યૂયોર્ક જેવા મોટા. શહેરમાં ‘વિશાળ સેન્ટ્રલ પાર્ક’ વિસ્તારની બાબતમાં પણ આજે આથી વધારે ગંભીર સ્થિતિ છે. તે વિસ્તાર માનવ મંડળોનું એક મોટું કેન્દ્ર હતો; પણ આજે ખાસ કરીને સૂર્યાસ્ત પછી કોઈ ત્યાં જવાની હિંમત કરતું નથી. ત્યાં ચોક્કસપણે તમને કોઈક ગુનાહિત માણસ છેતરવાનો, તમારા પર હિંસક હુમલો કરવાનો કે તમને મારી નાખવાનો જગતના બધા ભાગોમાં આ ચાલ્યા કરે છે, કેમકે માણસે જીવન જીવવા માટે ખોટું તત્ત્વજ્ઞાન અપનાવ્યું છે. યુ.એસ.એ.માં ૧૯૭૧-૭૨માં હું પ્રવચન પ્રવાસમાં હતો ત્યા૨ે મા૨ા હાથમાં એક પુસ્તક આવી ગયું. તેમાં કહેવામાં આવ્યું હતું કે આજે છે તેના કરતાં દશકાઓ અગાઉ અમેરિકાનું જીવન બીજી વસ્તુઓની પેઠે જુદું હતું. લોકો ગલીઓમાં તથા પાર્કમાં મુક્ત રીતે હરતા ફરતા હતા અને ગુનેગારોને જેલમાં પૂરી દેવામાં આવતા હતા. પણ આજે મુક્ત લોકો જેલમાં છે અને ગુનેગારો મુક્ત રીતે પાર્ક તથા ગલીઓમાં ફરે છે!

મહાભારતના મતાનુસાર સામાજિક સ્વાસ્થ્યનો માપદંડ આપણા દેશમાં દિલ્હીમાં તથા બીજા અનેક ભાગોમાં આ વાત કરુણ રીતે સાચી પડતી જાય છે. શું આ સંસ્કૃતિ છે? શું આ પ્રગતિ છે? શું આ હકીકત રાજકીય પરિસ્થિતિ અને સમાજની બીમારીને પ્રકટ કરતી નથી? આપણા મહાન કાવ્ય મહાભારતમાં આવતા એક શ્લોકને ચાલો સાંભળીએ. તેમાં સામાજિક સ્વાસ્થ્ય અને સુશાસિત રાજ્યના માપદંડ વિષેનું આપણા દેશનું લગભગ ચાર હજાર વરસનું ચિંતન રહેલું છે. મહાભારતના એક પર્વ શાન્તિપર્વના ઉપપર્વ ‘રાજધર્મ અથવા રાજ્યનો નૈતિક આદર્શ’- માં ભીષ્મ સમ્રાટ યુધિષ્ઠિરને કહે છે (ભાંડારકર આવૃત્તિ ૧૨.૬ ૮.૩૨)

સ્ત્રિયશ્ચાપુરુષા માર્ગસર્વાલંકારભૂષિતાઃ ।
નિર્ભયાઃ પ્રતિપદ્યન્તે યદા રક્ષતિ ભૂમિપઃ ॥

જો બધા અલંકારોથી વિભૂષિત થયેલી સ્ત્રીઓ, પુરુષોની સાથે ન હોવા છતાં, નિર્ભય રીતે માર્ગો પર ફરી શકે (અને તેમના પર કોઈ બદદાનતથી હુમલો કરનાર ન હોય) તો એમ કહેવાય કે રાજ્ય સુશાસિત છે.

સંસ્કારી અને સુશાસિત રાજ્યની કેવી અદ્‌ભુત વ્યાખ્યા! પણ આજે આપણે ક્યાં છીએ? જગતના બધા ભાગોની વાત કરીએ તો એ સલામતી અને સુરક્ષા માનવને ક્યાં મળી શકે એમ છે? પેલી સામાજિક પરિસ્થિતિ પાછી લાવવા માટે આધુનિક સંસ્કૃતિમાં માનવજાતિ જે ફિલસૂફીથી જીવે છે, તેનાથી અલગ ફિલસૂફીથી જીવવાની આપણે જરૂર છે. આપણે ઇન્દ્રિયોની પાછળ રહેલા માનવના તેજસ્વી સ્વરૂપની ઝાંખી કરવી જરૂરી છે.

આપણે ભૌતિક વિજ્ઞાનો, સમાજશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને આધુનિક મનોવિજ્ઞાનમાં આપણા જ્ઞાનની ક્ષિતિજોને વિસ્તારતા જઈએ છીએ. અને આ બધું જ્ઞાન અત્યારે તો આપણી પાશવી ભૂખને વધુ સતેજ બનાવવામાં અને આપણી અંદર રહેલા દિવ્યતત્ત્વને ગુંગળાવી દેવા તાકી રહ્યું છે. આ જ્ઞાન સ્ત્રી કે પુરુષને ઇન્દ્રિયોના વિષયને લગતાં અને બૌદ્ધિક પરિમાણોથી ઉપર ઊઠવાની બાબતમાં વિકસવા માટે સહાયરૂપ થતું નથી. પણ ચોક્કસપણે કહીએ તો ઇન્દ્રિયોના અને બુદ્ધિનાં પરિમાણોને પેલે પાર જ જે કાંઈ વિશુદ્ધ, ઉન્નત, દૃઢીકરણ કરે તેવું, માનવ બનાવે તેવું અને રચનાત્મક છે, તેમાં રહેલું છે. ઇન્દ્રિયો પ્રત્યેની અને ઇન્દ્રિયોથી બંધાયેલા મન પ્રત્યેની માણસની ગુલામીથી ઉત્પન્ન થતાં ખરાબ પરિણામો અને એ બન્નેને શિસ્તબદ્ધ કરવામાં આવતાં જે શાન્તિ અને સામાજિક સ્વાસ્થ્ય અને કલ્યાણ સાધી શકાય છે તેનું વિવરણ કરતાં મહાભારત અધ્યાત્મપ્રિય ધર્મ વ્યાધ અને બ્રાહ્મણ સંન્યાસી, કૌશિકના અધ્યાયમાં કહે છે – (વનપર્વ, ૨૦૨, ૧૬-૨૧)

ઇન્દ્રિયાણ્યેવ તત્ સર્વમ્‌યત્‌ સ્વર્ગ-નરકાવુભો ।
નિગૃહીત-વિસૃષ્ટાનિ સ્વર્ગાય નરકાય ચ ॥

જેને સ્વર્ગ અને ન૨ક કહેવામાં આવે છે, તે બીજું કાંઈ નથી, ઇન્દ્રિયો જ છે; જ્યારે ઇન્દ્રિયો કાબૂમાં અને શિસ્તબદ્ધ હોય, ત્યારે એ સ્વર્ગ, અને જ્યારે કાબૂ બહાર જાય ત્યારે એ નરક.’

એષ યોગવિધિઃ કૃત્સ્નોયાવદિન્દ્રિયધારણમ્ ।
એતન્મૂલં હિ તપસઃ કૃત્સ્નસ્ય નરકસ્ય ચ ॥

ઇન્દ્રિયોનો સંયમ એ માણસના આધ્યાત્મિક વિકાસનું સર્વસ્વ છે; આધ્યાત્મિક સમૃદ્ધિના પ્રત્યેક અનુભવના મૂળમાં તેનું હોવું કે અભાવ રહેલ હોય છે. આધ્યાત્મિક વિકાસ એટલે સ્વર્ગ, અને નરક એટલે આધ્યાત્મિક દરિદ્રતા :

ઇન્દ્રિયાણાં પ્રસંગેન દોષમૃચ્છત્યસંશયમ્ ।
સંનિયમ્ય તુ તાન્યેવ તતઃ સિદ્ધિમવાપ્નુતે ॥

શંકા વિનાની વાત છે કે ઇન્દ્રિયોના ભોગોમાં ડૂબી જવાથી માણસ, દુર્ગુણોનો ભોગ બને છે; જ્યારે બીજી બાજુ જો તેમને સારી રીતે કાબૂમાં રાખવામાં આવે તો માણસને આધ્યાત્મિક મુક્તિ અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. .

પણ્ણામાત્મનિ નિત્યાનાં ઐશ્વર્ય યોઽધિગચ્છતિ ।
ન સ પાપૈઃ કુતોઽનર્થૈર્યુજ્યતે વિજિતેન્દ્રિયઃ ॥

– જે આત્મસંયમી માણસ આ છ (પાંચ જ્ઞાનેન્દ્રિયો અને છઠ્ઠું ઇન્દ્રિયબદ્ધ મન) પર પોતાના અંતઃકરણમાં પ્રભુત્વ મેળવી લે છે તેને પાપ કે બીજા અનર્થો દૂષિત કરતા નથી.

રથઃ શરીરં પુરુષસ્ય દૃષ્ટં

આત્મા નિયન્તા ઇન્દ્રિયાણ્યાહુ૨શ્વાન્ ।
તૈરપ્રમત્તઃ કુશલી સદશ્વૈઃદાન્તૈઃ સુખં યાતિ રથીવ ધી૨ઃ ॥

– માણસનું આ દૃષ્ટિગોચર થતું સ્થૂળ શરીર રથ જેવું છે એમ કહેવાય છે, રથને કાબૂમાં રાખનાર સારથિ તેનો આત્મા છે. તેની ઇન્દ્રિયો ઘોડા છે; કુશલ સારથિ જે રીતે પોતાના શિસ્તબદ્ધ ઘોડાઓને કાબૂમાં રાખી શકે છે, તે રીતે પોતાની શાંત બુદ્ધિથી, વિચલિત થયા વિના સુખપૂર્વક (શાંતિથી) રથમાં સવારી કરી શકે છે.

(ક્રમશઃ)

Total Views: 248

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.