(રામકૃષ્ણ મઠ, દિલ્હીના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી મહારાજના અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માંથી નવેમ્બર, 1918ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી હર્ષદભાઈ પટેલ. – સં.)
આપણે એકાગ્રતા અને ધ્યાન વિષયક છ સોપાનોનું વિવેચન કરીશું: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા; અને અતિ સંક્ષેપમાં ધ્યાન.
(૧) યમ
પતંજલિ યમની વ્યાખ્યા કરતાં જણાવે છેઃ
अहिंसा सत्य अस्तेय ब्रह्मचर्य अपरिग्रहा: यमाः॥
‘અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એટલાને યમ કહેવાય છે.’ યોગસૂત્ર (૨-૩૦)
પતંજલિ આગળ જણાવે છેઃ
जाति देश काल समय अनवच्छिन्नाः सार्वभौमा: महाव्रतम्॥
‘આ (યમ) જ્યારે જાતિ, દેશ, કાળ અને પરિસ્થિતિથી બંધાયા વિના લાગુ પાડવામાં આવે છે ત્યારે મહાવ્રત કહેવાય છે.’ યોગસૂત્ર (૨-૩૧)
આ મહાવ્રતો કોના માટે છે? જેઓ સર્વોચ્ચ આધ્યાત્મિક અનુભૂતિ અર્થાત્ સમાધિલાભ કરવા ઝંખે છે તેમના માટે છે. સમાધિ એકમાત્ર ધ્યાન દ્વારા જ પ્રાપ્ય છે. ધ્યાન એટલે બીજું કંઈ નહીં, પણ દીર્ઘકાલીન એકાગ્રતા. જ્યારે મન અવિક્ષિપ્ત સ્થિતિમાં અવસ્થિત રહે ત્યારે એકાગ્રતા શક્ય બને છે.
એ નિશ્ચિત છે કે જે વ્યક્તિ હિંસા કરે છે, જૂઠું બોલે છે કે ચોરી કરે છે, તેનું મન ક્યારેય અવિક્ષિપ્ત ન બની શકે, ન હોઈ શકે. ભોગ-વિલાસી, કામલોલુપ, કામેન્દ્રિય-પરાયણ વ્યક્તિનું મન સરળ-સહજ રીતે પ્રશાંત ન હોઈ શકે, કારણ કે અસંયમિત વિષયેન્દ્રિયો મનને બહાર ખેંચી જાય છે. ઇન્દ્રિય-સંયમ વિના એકાગ્રતા અસંભવ છે.
વ્યક્તિગત સ્વાર્થ અર્થે ભેટ-સોગાદો સ્વીકારવાથી મનની સ્વાધીનતાનો નાશ થાય છે. એનો સ્વીકાર કરવાથી વ્યક્તિ પરાધીન બની જાય છે. પરાધીન મન વ્યક્તિના અધિકારમાં રહેતું નથી. આવું મન એકાગ્ર થઈ શકતું નથી, કેમ કે તે સર્વદા ભય અને અપેક્ષાથી ઘેરાયેલું રહે છે. તેથી સર્વોચ્ચ આધ્યાત્મિક અનુભૂતિની પ્રાપ્તિ કરવા ઇચ્છુક સાધકો અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય જેવાં વ્રતોનું પાલન કર્યા વિના ‘યમ’ રૂપી પ્રથમ સોપાનથી અગ્રસર ન થઈ શકે.
શ્રીશંકરાચાર્ય આ સોપાનનું શુદ્ધ અદ્વૈતવાદના દૃષ્ટિબિંદુથી અર્થઘટન કરે છે અને આ સોપાનના મહત્ત્વ પર વિશેષ પ્રકાશ ફેંકે છે. તેઓ પોતાના ગ્રંથ ‘અપરોક્ષાનુભૂતિ’માં કહે છે-
सर्वं ब्रह्मेति विज्ञानादिन्द्रियग्रामसंयमः ।
यमोऽयमिति सम्प्रोक्तोऽभ्यसनीयो मुहुर्मुहुः ॥१०४॥
‘સર્વ બ્રહ્મ છે’ આ બોધ દ્વારા ઇન્દ્રિયસમૂહના સંયમને ‘યમ’ કહેવાયો છે. આ વારંવાર અભ્યાસ કરવા યોગ્ય છે.
અહીં શંકર એકાગ્રતા કેળવવા માટે ક્રાંતિકારી પદ્ધતિ પ્રસ્તુત કરે છે. અર્થાત્ સાધ્યને જ સાધન બનાવવું એમ કહે છે. આપણે સર્વોચ્ચ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે એકાગ્રતા કેળવીએ છીએ, જેનું પ્રસ્થાપન ઉપનિષદના મહાવાક્ય ‘सर्वं खल्विदं ब्रह्म’માં થયું છે.
કેટલીક બાબતો આપણી એકાગ્રતામાં અંતરાયો ઊભા કરે છે અને આપણને સર્વોચ્ચ જ્ઞાનની ઉપલબ્ધિ થઈ શકતી નથી. તો આપણે શું કરી શકીએ? આચાર્ય શંકર સર્વોચ્ચ જ્ઞાનના દૃષ્ટિબિંદુથી જ તે અંતરાયનો સામનો કરવાની પદ્ધતિ શીખવે છે.
સર્વોચ્ચ જ્ઞાન દ્વારા જ અંતરાયનું અતિક્રમણ કરો. આપણે ક્યારેય નહીં ભૂલીએ કે આ બધું ખરેખર બ્રહ્મ જ છે તેમજ આપણે જેના પણ સંપર્કમાં આવીએ છીએ, વિચારીએ છીએ કે ક્રિયા કરીએ છીએ તેમાં આ બોધનું પ્રત્યારોપણ કરીશું—એટલે બધા જ અંતરાયો એકાગ્રતાના સહાયકોમાં રૂપાંતરિત થઈ જશે. કેવી રીતે?
ધારો કે રાતની કડકડતી ઠંડીમાં એક માણસને અગ્નિની જરૂર પડી. કોઈકે તેને કહ્યું, ‘માર્ગમાં આવેલી ચાની દુકાનમાં આખોય દિવસ અગ્નિ સળગતો હોય છે.’ પરંતુ તે માણસ ત્યાં પહોંચી શક્યો નહીં. કારણ કે આગલી સાંજે એક વાહનમાંથી ઊતરેલાં લાકડાંને કારણે માર્ગ અંતરાઈ ગયો હતો. તે માણસના મનમાં સુંદર વિચાર ઝબકી ઊઠ્યો. તેની સમક્ષ પડેલાં લાકડાંના ઢગલામાં તેણે દેવતા ચાંપ્યો. તેને જેવો અગ્નિ જોઈતો હતો તેવો અગ્નિ સમીપમાં સુલભપણે ઉપલબ્ધ થયો.
તે માણસને અગ્નિ મેળવવાની આડે શું આવતું હતું? તે (લાકડાંરૂપી) અગ્નિ જ હતો. જ્યારે તે માણસ આવું સમજ્યો ત્યારે અંતરાયનું રૂપાંતરણ સમસ્યાના નિરાકરણમાં થઈ ગયું. આચાર્ય શંકર અત્રે આ પ્રયુક્તિ પ્રબોધે છેઃ સર્વત્ર-સર્વમાં પરમાત્માનું આરોપણ કરો, એટલે પછી પરમાત્મ-દર્શનની આડે આવતું સઘળું દૂર થઈ જશે, ના, સહાયરૂપ થશે; કેમ કે હવે માત્ર પરમાત્મા સિવાય કંઈ જ નથી.
જ્યારે આપણે સતત સ્મરણ કરતા રહીએ છીએ કે આ બધું બ્રહ્મ જ છે ત્યારે આની અનુભૂતિનાં અંગરૂપ સોપાનો સ્વયં સ્ફુરિત થઈ જાય છે.
જેઓ ઈશ્વર-ચિંતન કરવા માટે સક્ષમ થવા કેટલીક સાધનાઓ કરવા માગતા હોય, તેમણે આવી સાધનાઓ કરવામાં સક્ષમ થવા માટે ઈશ્વર-ચિંતન કરવું જ જોઈએ, અન્યથા સર્વ કંઈ નીરસ, ત્રાસજનક અને ચીલાચાલુ લાગશે.
આ બધું આવું છે. જો તમે સ્વસ્થ રહેવા માટે ચોક્કસ પ્રકારનો પૌષ્ટિક આહાર ખાવા માગતા હો તો તેવો આહાર ખાવા માટે તમારે સ્વસ્થ રહેવું જ પડશે!
પરમાત્માનું નિરંતર સ્મરણ બધી જ આધ્યાત્મિક સાધનાઓને હૃદયનું ગાન બનાવે છે.
(૨) નિયમ
પતંજલિ અનુસાર બીજું સોપાન છે ‘નિયમ’.
शौच संतोष तपः स्वाध्याय ईश्वरप्रणिधानानि नियमा:॥
‘(બાહ્ય અને આંતર) શુદ્ધિ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપૂજન એ નિયમો છે.’ (૨-૩૨)
જો આપણે શાંતિથી વિચારીશું તો આપણને ખરેખર વિસ્મય થશે કે આપણે આ દેહને સજાવવા-શણગારવા કેટલાં સમય, શક્તિ અને ધનનો વ્યય કરીએ છીએ.
સ્વામી વિવેકાનંદ જણાવે છે: ‘આ શરીર પરની આસક્તિ એ મનુષ્યજીવનનો મોટો અનર્થ છે.’ (ગ્રંથમાળા- ૧.૨૮૩)
દેહ પ્રત્યેનું આ વળગણ અને આસક્તિ એકાગ્રતા આડેના મોટા અંતરાયો છે. આ વળગણ આંતર અને બાહ્ય અશુદ્ધિ પેદા કરે છે. જે વ્યક્તિ પોતાના દેહ પ્રત્યે આસક્ત છે તે બીજાના દેહ પરત્વે પણ આસક્ત બનશે, કારણ કે તે પોતાના દેહ માટે જે સુખ-ભોગ ઝંખે છે, તેની અપેક્ષા અન્યના દેહ માટે પણ રાખશે. એટલે એકાગ્રતા આડે આવતા અંતરાયરૂપ આસક્તિ માત્ર વધતી જ જાય છે. તેનો ઉપાય શો?
તેનો ઉપાય છે ‘નિયમ’નું આચરણ. આંતર-બાહ્ય શુદ્ધિ નિયમનું એક અંગ છે. કોઈ આંતર-બાહ્ય શુદ્ધિનું આચરણ કરે તો શું થાય? પતંજલિ કહે છેઃ
शौचात् स्व अङ्ग जुगुप्सा परै: असंसर्गः॥
‘બાહ્ય અને આંતરિક શૌચ દૃઢ થવાથી પોતાના શરીર પ્રત્યે ઘૃણા ઊપજે છે અને બીજાઓ સાથે સંસર્ગ ન રાખવાની વૃત્તિ પેદા થાય છે.’ (૨-૪૦)
આગળ ઉમેરતાં પતંજલિ જણાવે છેઃ
सत्त्व शुद्धि सौमनस्य ऐकाग्र्य इन्द्रिय जय आत्मदर्शन योग्यत्वानि च॥
‘(તેમજ શૌચથી) ચિત્તની શુદ્ધિ, મનની પ્રસન્નતા, એકાગ્રતા, ઇન્દ્રિયજય અને આત્મદર્શન માટેની યોગ્યતા વગેરે ગુણો પણ આવે છે.’ (૨-૪૧)
એકાગ્રતા સાધવામાં સંતોષ કેવી રીતે સહાયક થાય છે?
संतोषात् अनुत्तम: सुखलाभः॥
પતંજલિ કહે છે કે ‘સંતોષથી સર્વોત્તમ સુખની પ્રાપ્તિ થાય છે.’ (૨-૪૨)
આપણા વ્યક્તિગત બજેટમાં બે પ્રકારની વિગતો હોય છે. ધારો કે તમારી વાર્ષિક આવક રૂ.૫૦,૦૦૦/- છે. તમારી ગણના ભારતના ગણનાપાત્ર નાગરિક તરીકે થાય છે. પરંતુ જો તમને રૂ. ૫૦ લાખ ન હોવાનો અસંતોષ થતો હોય તો શું કરવું? તો પછી તમારી ખરેખરી નાણાંકીય સ્થિતિ કેવી હશે?
એથી ઊલટું, તમારી વાર્ષિક આવક રૂ.૧૫,૦૦૦/- હોય અને તમને રૂ. ૧ કરોડ હોવાનો સંતોષ થતો હોય તો? હાથ પરની સિલક જોતાં તમે ચોક્કસપણે બીજી વ્યક્તિ કરતાં સારી સ્થિતિમાં છો.
અશાંત વ્યક્તિનું મન પ્રશાંત ન હોઈ શકે. તે દુઃખી છે, તેને શાંતિ નથી કે નથી સુખ-ચેન. આવા માણસ માટે મનને એકાગ્ર કરવું અત્યંત કઠિન છે. તેથી એકાગ્રતાપૂર્ણ અને ધ્યાનનિષ્ઠ જીવન જીવવા માટે ‘સંતોષ’ એ પાયાની આવશ્યકતા છે.
નિયમનું અન્ય અંગ છે તપ. તપ કેવી રીતે સહાયભૂત થાય છે? પતંજલિ જણાવે છેઃ
काय इन्द्रिय सिद्धि: अशुद्धि क्षयात् तपस:॥
‘તપ વડે અશુદ્ધિનો નાશ થવાથી શરીર અને ઇન્દ્રિયોની સિદ્ધિઓ આવે છે.’ (૨-૪૩)
એકાગ્રતા સુવ્યવસ્થિત અને સંયમિત શક્તિનું કેન્દ્રબિંદુ છે. ક્રિયાશીલ, સંવર્ધિત અને સંયમિત શક્તિથી સુસજ્જ વ્યક્તિ સરળતાથી મન એકાગ્ર કરશે. પોતાની ઇન્દ્રિયોના તેજને કૃશ અને ક્ષીણ કરી દેનાર વ્યક્તિ એમ નહીં કરી શકે.
અંતરિયાળ પછાત ગામડાના સર્વસાધારણ યુવકને તમે જોયો હશે. તેના લશ્કરમાં જોડાયા બાદ, જ્યારે તે પહેલી વખત રજાઓમાં પોતાને ઘેર પાછો ફરે છે ત્યારે ગજબ રીતે બદલાયેલો જોવા મળે છે. તે ચપળ, સાવધ, બલિષ્ઠ બની ગયો હોય છે. આંખે ઊડીને નજરે પડે તેવી ક્રિયાશીલ શક્તિથી તેના દેહ-મનમાં પરિવર્તન આવેલું જણાય છે.
લશ્કરી છાવણીમાંના તપ (કવાયત)નું આ પરિણામ છે, જ્યાં પ્રમાદ, સુસ્તી કે શિથિલતાને નાથવામાં આવે છે. તમે સાચે જ થાકથી કંટાળી જાઓ છો, પણ છુટકારો મળતો નથી.
ઉચ્ચતર ઉદ્દેશથી સુપેરે આચરવામાં આવતાં ધાર્મિક તપ મનુષ્યનાં દેહ-મનની સૂક્ષ્મતર શક્તિઓનું જાગરણ કરે છે. તપના અનુષ્ઠાન દ્વારા સર્વોચ્ચ ધ્યેય સુધ્ધાં પ્રાપ્ત કરી શકાય છે. શ્વેતાશ્વતર ઉપનિષદ (૧.૧૫) પ્રબોધે છેઃ
तिलेषु तैलं दधिनीव सर्पिरापः स्रोतःस्वरणीषु चाग्निः।
एवमात्माऽत्मनि गृह्यतेऽसौ सत्येनैनं तपसायोऽनुपश्यति॥
‘જે રીતે તલમાં તેલ, દહીંમાં ઘી, સ્રોતમાં જળ અને લાકડાંમાં અગ્નિ રહેલો છે, તે રીતે જે પુરુષ સત્ય અને તપ દ્વારા જેને વારંવાર જોવાનો પ્રયત્ન કરે છે, તેને એ પોતાના આત્મામાં જ દેખાઈ પડે છે.’
દેહ-મનની ઉજાગર શક્તિઓ દ્વારા મનુષ્ય સફળતાપૂર્વક એકાગ્રતા સાધિત કરવા સુદૃઢ સ્થિતિમાં મુકાય છે. તેથી સુયોગ્ય તપનું અનુષ્ઠાન કરવાની સલાહ અપાઈ છે.
જેઓ જાતે કે તેમનાં બાળકો સુખ-સગવડો અને એશ-આરામમાં રાચે છે, તેઓ પોતાની શક્તિઓની મહત્તમ અભિવ્યક્તિને અવરોધે છે.
સ્વાધ્યાય એટલે માત્ર શાસ્ત્રોનું અધ્યયન જ નહીં, પરંતુ મંત્ર-જાપ પણ ખરો. આ સોપાન દ્વારા આપણી બુદ્ધિ પવિત્ર બને છે અને વિશિષ્ટપણે આપણી સમજ વિકસે છે.
વિક્ષિપ્ત કે વિખરાયેલા મનને એકાગ્ર કરવું કઠિન છે. મંત્રજાપ મનની અશુદ્ધિઓને દૂર કરે છે. જ્યારે અશુદ્ધિઓ દૂર થાય છે ત્યારે વિખરાયેલું મન એકાગ્ર બને છે. આવું મન એકાગ્રતા કેળવવા સક્ષમ બને છે.
ઈશ્વરની ઉપાસનાને ફળદાયક બનાવવા માટે એકાગ્રતા કેળવવી જરૂરી છે. વળી, ઈશ્વરની ઉપાસના પણ એકાગ્રતામાં સહાયરૂપ બને છે. યથાર્થ મંત્ર-જાપની જેમ ઈશ્વરની ઉપાસના આત્મજ્ઞાન પ્રતિ દોરી જાય છે.
પતંજલિએ પ્રબોધેલ ‘નિયમ’ની સંક્ષિપ્ત ચર્ચા અહીં પૂરી થઈ.
શંકરાચાર્ય નવીન દૃષ્ટિબિંદુ રજૂ કરે છે અને પ્રેરણાસભર, તાજગીપૂર્ણ મૌલિકતા સાથે આ સોપાનોનું વિવરણ કરે છે.
અદ્વૈત વેદાંતના યથાર્થ તત્ત્વચિંતન અનુસાર આચાર્ય શંકર ‘અપરોક્ષાનુભૂતિ’માં કહે છેઃ
सजातीयप्रवाहश्च विजातीयतिरस्कृतिः।
नियमो हि परानन्दो नियमात्क्रियते बुधैः॥ १०५॥
‘સજાતીય પ્રત્યયનો પ્રવાહ અને વિજાતીય પ્રત્યયનો ત્યાગ પરમાનંદ આપનારો ‘નિયમ’ છે. બુદ્ધિશાળી આ નિયમના પાલનનો ‘નિયમ’ બનાવે છે.’
આપણે આગળ જોયું તેમ, પતંજલિના મતાનુસાર નિયમ એટલે બાહ્યાંતર શુદ્ધિ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપૂજન.
જેઓ નિરંતર બ્રહ્મનિષ્ઠ રહે છે તેઓ દ્વારા આનું પાલન સરળતાથી થાય છે.

(૩) આસન
પતંજલિ ‘આસન’ની વ્યાખ્યા કરતાં કહે છે,
स्थिर सुखम् आसनम्॥
‘જે સ્થિતિમાં સ્થિર થઈને સુખપૂર્વક બેસી શકાય તે આસન.’ (૨-૪૬)
એકાગ્ર થતાં પહેલાં મનની પ્રશાંતિ આવશ્યક છે. પરંતુ શરીરની સ્થિરતા થયા વિના મનની સ્થિરતા ન મેળવી શકાય. શરીરની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે સ્થિર આસનની આવશ્યકતા છે. આસનની સ્થિરતા એટલે શું? ‘स्थिरसुखमासनम्’ એ સૂત્રનું ભાષ્ય કરતાં સ્વામી વિવેકાનંદ કહે છે,
આસનની સ્થિરતાનો અર્થ એ કે તમને તમારા શરીરનું ભાન જરાય રહે નહિ. સામાન્ય રીતે, તમને જણાશે કે જેવા તમે થોડીક મિનિટ સુધી બેસો કે તરત જ શરીરમાં તરેહ તરેહની ચંચળતા ઊભી થવા માંડશે; પણ જ્યારે તમે સ્થૂલ શરીરના ભાનથી પર થયા હો, ત્યારે શરીરનો સઘળો ખ્યાલ જ ચાલ્યો જશે. સુખ કે દુઃખ બેમાંથી એકેયનો તમને અનુભવ નહિ થાય અને જ્યારે તમને દેહભાન પાછું આવશે, ત્યારે તમને લાગશે કે તમને ખૂબ આરામ મળ્યો છે. શરીરને આપી શકાય તેવો સંપૂર્ણમાં સંપૂર્ણ આરામ એ એક જ છે. જ્યારે શરીર પર વિજય મેળવવામાં સફળ થવાય, ત્યારે તમારી ક્રિયા સ્થિર થાય, પણ શરીરની ચંચળતા જ્યારે ખલેલ પાડે, ત્યારે જ્ઞાનતંતુઓ ક્ષુબ્ધ થાય અને મનને એકાગ્ર કરી શકાય નહિ. (રાજયોગ, પૃ.૧૫૭, સૂત્ર-૪૬)
આસનની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે માત્ર શારીરિક સ્થિતિ જ પૂરતી બાબત નથી, માનસિક સ્થૈર્ય પણ મોટો ભાગ ભજવે છે. તમે પૂર્ણપણે દેહ સાથે તાદાત્મ્ય ધરાવતા હો તો આસનની સ્થિરતા કઠિન બાબત બની જાય છે. જો કે એ પાયાની મહત્ત્વપૂર્ણ બાબત હોવા છતાં તમે કેવી રીતે બેસો છો તે પૂરતું નથી, કારણ કે વાંકા વળીને બેસવાથી તમે સહજપણે ઉચ્ચ ચિંતન કરી શકતા નથી, તમે ‘સ્વ’નું કેવી રીતે ચિંતન કરો છો, તે તમારા આસનની સ્થિરતાનું નિર્ધારણ કરે છે.
તેથી આગળના સૂત્રમાં પતંજલિ જણાવે છેઃ
प्रयत्न शैथिल्य अनन्त समापत्तिभ्याम्॥
‘સ્વાભાવિક (ચંચળતાની) વૃત્તિને નરમ પાડવાથી તથા અનંતનું ધ્યાન કરવાથી આસન સ્થિર અને આરામદાયક બને છે.’ (૨-૪૭)
સ્વામી વિવેકાનંદ ભાષ્યરૂપે કહે છેઃ
‘અનંતનું ધ્યાન કરવાથી આસન સ્થિર થઈ શકે. અનંત પરમાત્માનું ધ્યાન આપણે ભલે ન કરી શકીએ, પણ અનંત આકાશનું ચિંતન તો કરી શકીએ.’
આસનના સંદર્ભમાં શંકર નિષ્કર્ષરૂપે ભારપૂર્વક કહે છેઃ
सुखेनैव भवेद्यस्मिन्नजस्रं ब्रह्मचिन्तनम्।
आसनं तद्विजानीयान्नेतरत्सुखनाशनम्॥
‘જે સ્થિતિમાં સુખપૂર્વક અવિરત બ્રહ્મ-ચિંતન થાય, તેને આસન સમજવું જોઈએ. આનાથી ભિન્ન આસન તો સુખ-નાશન છે.’ (અપરોક્ષાનુભૂતિ ૧૧૨)
આચાર્ય શંકર આગળ જણાવે છેઃ
सिद्धं यत्सर्वभूतादि विश्वाधिष्ठानमव्ययम्।
यस्मिन्सिद्धाः समाविष्टास्तद्वै सिद्धासनं विदुः॥
‘જે બધા જીવોનો આદિ અને વિશ્વનું અધિષ્ઠાન અવ્યય સિદ્ધ છે, જેમાં સિદ્ધજન સમાવિષ્ટ થાય છે, તેને સિદ્ધાસન જાણવું જોઈએ.’ (અપરોક્ષાનુભૂતિ ૧૧૩)
બીજા શબ્દોમાં કહીએ તો સિદ્ધાસન એ છે જે સિદ્ધ સ્થિતિમાં બેસે. આપણે પરમ સત્ય જ્ઞાનની અનુભૂતિના જેટલા વધુ નજીક, તેટલું દૃઢતર આપણું આસન.
કેટલીક વાર, ના, ઘણી વાર એવું બને છે કે સાધક બાહ્ય સાધનોમાં ગૂંચવાઈ જાય છે અને સાધનાનું આંતરિક તાપ્તર્ય ભૂલી જાય છે. આચાર્ય શંકર સાધક સમક્ષ આવા આંતરિક તાત્પર્યને પ્રસ્તુત કરવામાં ક્યારેય પ્રમાદ કરતા નથી. તેથી આસનના ઉપલક્ષમાં આચાર્ય શંકર કહે છેઃ
अङ्गानां समतां विद्यात्समे ब्रह्मणि लीनताम्।
नो चेन्नैव समानत्वमृजुत्वं शुष्कवृक्षवत्॥
અંગોની સમતા એને જાણવી જોઈએ કે જે સમબ્રહ્મમાં લીન થઈ જાય, અન્યથા સૂકા વૃક્ષની જેમ અંગોનું સમાન રહેવું, એ સમાનતા નથી. (અપરોક્ષાનુભૂતિ ૧૧૫)
શરીરનાં અંગોનું માત્ર અક્કડપણું આસનને સ્થિર બનાવતું નથી, પરંતુ ધ્યાનના વિષયવસ્તુમાંનું તાદાત્મ્ય આવશ્યક છે. આસન દ્વારા આપણે પ્રાપ્ત કરવા માગતા ઉદ્દેશ વિષયક ગહન સભાનતા આસનને સ્વયંસ્ફુરિત રીતે યથાર્થ અને અસરકારક બનાવશે. પરંતુ જો આપણે ધ્યાનના પરમ ઉદ્દેશ કરતાં આસન બાબતે સવિશેષ ચિંતિત થઈશું તો આસન સ્થિર નહીં બને અને આપણે ધ્યેય પણ ચૂકી જઈશું.
આસનના પ્રભુત્વનું પરિણામ શું હશે?
પતંજલિ કહે છેઃ
तत: द्वन्द्व अनभिघात:॥
‘આસન-જય થયો એટલે દ્વંદ્વો વિઘ્ન કરી શકતાં નથી.’ (૨.૪૮)
આસન સિદ્ધ થાય એટલે મહાન સોપાન પ્રતિ આગળ વધાય. દ્વંદ્વો, શુભ અને અશુભ, ઉષ્ણ અને શીત, એકબીજાથી ઊલટી વસ્તુઓનાં જોડકાં પછી ખલેલ પહોંચાડી શકતાં નથી.

(૪) પ્રાણાયામ
હવે આપણે ચોથા સોપાન ‘પ્રાણાયામ’ અંગે જોઈશું. પ્રાણાયામ એટલે શું? પતંજલિની વ્યાખ્યા અનુસાર,
तस्मिन् सति श्वास प्रश्वासयो: गतिविच्छेद: प्राणायाम:॥
‘શ્વાસોચ્છ્વાસની ગતિના નિયમનને પ્રાણાયામ કહેવામાં આવે છે.’ (૨.૪૯)
સામાન્યતઃ પ્રાણાયામનું નિરૂપણ શ્વાસ-ઉચ્છ્વાસના નિયમન તરીકે થાય છે. પરંતુ આ નિરૂપણ પ્રાણાયામના અર્થને આંશિકરૂપે જ પ્રગટ કરે છે. પ્રાણાયામ એટલે દેહનાં જીવનધારક બળો પરનું નિયમન. પ્રાણાયામનો સાચો અર્થ સમજાવતાં સ્વામી વિવેકાનંદ પતંજલિ-યોગસૂત્ર પરના વિવેચનમાં જણાવે છેઃ
‘પ્રાણ એટલે શ્વાસ નહિ, જો કે પ્રાણ શબ્દનો તરજુમો તો સામાન્ય રીતે એ જ કરવામાં આવે છે. પ્રાણ એટલે વિશ્વની શક્તિનો એકંદર સરવાળો, યાને સમષ્ટિ વિશ્વશક્તિ. પ્રાણ એ દરેકેદરેક શરીરમાં રહેલી શક્તિ છે અને તેનું સ્પષ્ટમાં સ્પષ્ટ કાર્ય છે ફેફસાંની ઊંચીનીચી ગતિ. આ ગતિ, પ્રાણશક્તિ શ્વાસને અંદર ખેંચે છે તેથી ઉત્પન્ન થાય છે અને પ્રાણાયામમાં જેના પર કાબૂ મેળવવા આપણે માગીએ છીએ તે આ ગતિ છે. પ્રાણશક્તિ પર કાબૂ મેળવવાના સહેલામાં સહેલા ઉપાય તરીકે આપણે શ્વાસને નિયમિત કરવાની શરૂઆત કરીએ છીએ.’ (રાજયોગ પૃ.૧૫૮, સૂત્ર-૨.૪૯)
પ્રાણાયામના ત્રણ પ્રકાર છેઃ પૂરક, રેચક અને કુંભક. એક પૂરક, જેમાં શ્વાસને અંદર લઈએ છીએ તે; બીજો રેચક કે જેમાંથી શ્વાસને બહાર કાઢવામાં આવે છે; અને ત્રીજો કુંભક કે જેમાં શ્વાસને ફેફસાંમાં રોકવામાં આવે છે.
પ્રાણાયામનો અભ્યાસ નિપુણ વ્યક્તિ સાથે રહીને કરવો જોઈએ.
શંકરાચાર્ય નૂતન દૃષ્ટિબિંદુથી પ્રાણાયામને પ્રસ્તુત કરે છે. તેઓ પ્રાણાયામની વ્યાખ્યા નીચે મુજબ કરે છેઃ
चित्तादिसर्वभावेषु ब्रह्मत्वेनैव भावनात्।
निरोधः सर्ववृत्तीनां प्राणायामः स उच्यते॥
‘ચિત્તાદિ બધી વૃત્તિઓમાં સઘળું બ્રહ્મ જ છે, આ ભાવના દ્વારા બધી વૃત્તિઓનો જે નિરોધ છે, તેને પ્રાણાયામ કહેવામાં આવે છે.’ (અપરોક્ષાનુભૂતિ ૧૧૮)
આચાર્ય શંકર રેચક, પૂરક અને કુંભકની વ્યાખ્યા પોતાની વિરલ આગવી રીતે કરતાં કહે છેઃ
निषेधनं प्रपञ्चस्य रेचकाख्यः समीरणः।
ब्रह्मैवास्मीति या वृत्तिः पूरको वायुरीरितः॥
‘પ્રપંચનો નિષેધ કરવો એ રેચક પ્રાણાયામ છે, ‘હું બ્રહ્મ છું’ એવી વૃત્તિ પૂરક પ્રાણાયામ છે અને આ વૃત્તિની નિશ્ચળતા કુંભક પ્રાણાયામ છે. આ પ્રાણાયામ પ્રબુદ્ધજનો માટે છે. મૂર્ખાઓ માટે તો નાક દબાવવું એ જ પ્રાણાયામ છે.’ (અપરોક્ષાનુભૂતિ ૧૧૯)
છેલ્લા વાક્યમાં આચાર્ય શંકર પોતાની દુર્લભ રમૂજ રજૂ કરે છે.
ગેરમાર્ગે દોરવાયેલ સાધકો માટે પ્રાણાયામ માત્ર નાકનું દમન કરવા રૂપ જ છે. જો આપણે સાધનાના મૂળ ઉદ્દેશને નિરંતર યાદ નહીં રાખીએ તો આપણે તેનું અનુષ્ઠાન સુયોગ્ય, અસરકારક અને ફળદાયક રીતે કદાપિ કરી શકીશું નહીં.
ઈશ્વરને ભૂલીને કોઈપણ વ્યક્તિ સાચી પ્રાર્થના ન કરી શકે. પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે આપણે મોટે ભાગે એવું જ કરીએ છીએ.
આપણે ઈશ્વરના નામનો જપ તો કરીએ છીએ, પણ ઈશ્વર આપણા હૃદયમાં વિરાજિત હોતા નથી.
આપણે મનને એકાગ્ર કરવા માગીએ છીએ પરંતુ ન તો મન આપણા વશમાં હોય છે, કે ન તો હોય છે આપણા મનમાં તે અંગેનું સ્પષ્ટ લક્ષ્યબિંદુ.
આધ્યાત્મિક સાધનાપરક આવા પ્રયત્નો સફળ થઈ શકતા નથી. જો આપણે સાધ્યને સાધન બનાવીશું તો જ આવાં ક્ષતિપૂર્ણ સાધના-અનુષ્ઠાનોમાંની અંતર્નિહિત અને કાર્યરત ઊણપોનો ઇલાજ થઈ શકશે.
સર્વોપરીપણે શું આપણે ઈશ્વરને ચાહવા માગીએ છીએ? તો પછી આપણે જે કંઈ કરીએ છીએ, તે સર્વકંઈ પૂર્વે, સર્વકંઈમાં અને સર્વકંઈ દ્વારા ઈશ્વરને આપણી સાથે રાખો.
તમે એમ કહો છો—આ તો માત્ર બોલવાનું જ છે, બીજું કંઈ નહીં, એમ છતાંય, આનો નાનોસૂનો લાભ નથી. આ પ્રકારનું આચરણ આપણા વાંઝીયા પ્રયાસોને બળ પૂરું પાડશે.
‘ઈશ્વરને કેવી રીતે પોકારવો તે હું જાણતો નથી’ એમ કહેવું એનો અર્થ એ કે ‘મારે ઈશ્વરની જરૂર નથી.’ જો હું જાણતો નથી તો પછી હું કેવી રીતે તેમને કહી શકું-પૂછી શકું, તેમને પરેશાન કરી શકું અને તેમના માટે ઉગ્ર બની શકું?
શ્રીરામકૃષ્ણ ચોધાર આંસુ પાડતાં પ્રાર્થના કરતા, ‘ઓ મા, તું ક્યાં છે? મને દર્શન આપ, રામપ્રસાદે તારાં દર્શન કર્યાં હતાં અને તારી કૃપા મેળવી હતી. શું હું દીન-હીન છું એટલે તું દર્શન દેતી નથી? ભોગ-રાગ, સુખ-સંપત્તિ, બંધુ-બાંધવ, આનંદ-પ્રમોદ—આમાંનું મારે કંઈ જ નથી જોઈતું. હું તો માત્ર તારાં દર્શન માગું છું.’
આવી વ્યાકુળતાથી પ્રારંભ પામેલ યાત્રાના અંતે તેમને સર્વત્ર ઈશ્વરદર્શન થયાં, તેથી સર્વકંઈ તેમનું સહાયક બન્યું.
યોગ વિષયક વિવેચનમાં આચાર્ય શંકર આ પ્રયુક્તિ પર ભાર મૂકે છે.
આ પ્રકારના મનનાં તપ, શું ધ્યાનનાં વિધ્વંસક છે? તો પછી જાણી લો કે મનની તપસ્યાઓ સ્વયં સિવાય અન્ય કંઈ જ નથી. યોગના સંદર્ભમાં આચાર્ય શંકરની આવી સાહસપૂર્ણ ઘોષણા છે. યોગમાં જે અવરોધરૂપ છે તેમાં ઈશ્વર-દર્શન કરવું, એ ઈશ્વર-દર્શનના પથે અગ્રસર થતાં અનુભૂત થતો વિલક્ષણ સર્વોચ્ચ અભિગમ છે.
સર્વત્ર ઈશ્વર-દર્શન કરવા જે વ્યક્તિએ પોતાની જાતને કેળવી છે, તેના માટે પ્રત્યેક અવરોધ પણ માત્ર ઈશ્વર રૂપે જ પ્રગટિત થશે. પતંજલિ કહે છે કે
ततः क्षीयते प्रकाशावरणम्।।
‘પ્રાણાયામ દ્વારા ચિત્તના પ્રકાશ પરનું આવરણ ક્ષીણ થાય છે.’ (૨.૫૨)
धारणासु च योग्यता मनसः।।
‘અને મન ધારણાને માટે યોગ્ય બને છે.’ (૨.૫૩)
સ્વામી વિવેકાનંદ જણાવે છે, ‘ચિત્તની અંદર સ્વભાવથી જ સર્વ જ્ઞાન રહેલું છે. તે બનેલું છે સત્ત્વ તન્માત્રાઓનું, પણ રજસ્ અને તમસ્ તન્માત્રાઓથી ઢંકાઈ ગયું છે. પ્રાણાયામ દ્વારા આ આવરણ દૂર થાય છે. (ગ્રંથમાળા- ૧.૨૮૬)
(૫) પ્રત્યાહાર
હવે આપણે પ્રત્યાહાર નામના પાંચમા સોપાને આવીએ છીએ. પ્રત્યાહારની વ્યાખ્યા કરતાં પતંજલિ કહે છે,
स्व विषय असम्प्रयोगे चित्तस्वरूप अनुकार इव इन्द्रियाणाम् प्रत्याहार:॥
‘પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોનો પોતપોતાના વિષયોનો ત્યાગ અને જાણે કે ચિત્તનો આકાર ધારણ કરવો.’ (૨.૫૪)
ઇન્દ્રિય-વિષયોમાંથી ઇન્દ્રિયોને ખેંચી લેવી, તેવો સામાન્યતઃ પ્રત્યાહારનો અર્થ કરાય છે. ચિત્તને પદાર્થોમાંથી ખેંચી લેતાં આમ બને છે. ચિત્તને ખેંચી લેતાં ઇન્દ્રિયો પણ મનને અનુસરે છે. આને પ્રત્યાહાર કહેવામાં આવે છે. પરંતુ શંકરાચાર્ય પ્રત્યાહારને આગવી વિશિષ્ટ રીતે વ્યાખ્યાયિત કરે છેઃ
विषयेष्वात्मतां दृष्ट्वा मनसश्चिति मज्जनम्।
प्रत्याहारः स विज्ञेयोऽभ्यसनीयो मुमुक्षुभिः॥
‘વિષય આત્મસ્વરૂપ જ છે, આ જોઈને મન ત્યાં જ ચિદાત્મામાં ડૂબી જાય, એનું નામ પ્રત્યાહાર છે. મુમુક્ષુઓએ તેનો અભ્યાસ કરવો જોઈએ.’ (અપરોક્ષાનુભૂતિ ૧૨૧)
ચિત્તનું ખેંચાઈ જવું એટલે જે બ્રહ્મ કે આત્મા નથી, તેનાથી મુક્ત રહેવું. જ્યારે તમને યથાર્થ દર્શન થાય છે ત્યારે, શું બ્રહ્મ નથી? જેને અનુભૂતિ થાય છે કે સર્વકંઈ બ્રહ્મ છે, તેને કશાયમાંથી ચિત્તને ખેંચી લેવાની જરૂર નથી.

(૬) ધારણાઃ
હવે પછીનું સોપાન છે ધારણા. પતંજલિના મત અનુસાર,
देश बन्ध: चितस्य धारणा॥
‘ધારણા એટલે અમુક ખાસ વસ્તુ પર ચિત્તને સ્થિર કરવું.’ (૩.૧)
‘અમુક ખાસ વસ્તુ’ એટલે ‘બાકી બધી વસ્તુઓ છોડીને, ખાસ પસંદગીયુક્ત વસ્તુ.’
જ્યારે પારમાર્થિક સત્યતા વિષયક સમજણ કેળવાય ત્યારે ‘બીજી વસ્તુ’ ક્યાં છે એવો પ્રશ્ન થાય. તેથી ‘ધારણા’નું અર્થઘટન કરતાં શંકરાચાર્ય કહે છે,
यत्र यत्र मनो याति ब्रह्मणस्तत्र दर्शनात्।
मनसो धारणं चैव धारणा सा परा मता॥
‘જ્યાં જ્યાં મન જાય છે, ત્યાં ત્યાં બ્રહ્મદર્શન થવાથી તેમાં જ મનને ધારણ કરવું એ ‘પરાધારણા’ છે.’ (અપરોક્ષાનુભૂતિ ૧૨૨)
કાં તો જે વસ્તુમાં ઈશ્વર છે, તમે એ વસ્તુ જ જુઓ, અથવા તો પ્રત્યેકને ઈશ્વરરૂપ જુઓ—ધારણા દ્વારા આ બંનેય સ્થિતિ પ્રાપ્ત થાય છે.
પ્રારંભમાં, બાકીની બધી વસ્તુઓ છોડીને માત્ર એક વસ્તુમાં આપણા મનને એકાગ્ર કરવાનો પ્રયાસ કરવાનો છે. પરંતુ ઈશ્વર સર્વમાં છે, ઈશ્વર સર્વ કંઈ છે, એનું સ્મરણ આપણને પ્રચુર માત્રામાં સહાયરૂપ થશે.
પૂર્ણ ધારણા એટલે શું? નાસાગ્રે દૃષ્ટિ સ્થિર-સ્થિત કરવી એ ધારણા છે?
આચાર્ય શંકર જણાવે છે,
दृष्टिं ज्ञानमयीं कृत्वा पश्येद्ब्रह्ममयं जगत्।
सा दृष्टिः परमोदारा न नासाग्रावलोकिनी॥
‘જ્ઞાનમયી દૃષ્ટિ કરીને જગતને બ્રહ્મરૂપ જુઓ, આ પરમ ઉદાર દૃષ્ટિ છે. નાસાગ્રાવલોકિની દૃષ્ટિ પરમ ઉદાર નથી.’ (અપરોક્ષાનુભૂતિ ૧૧૬)
આ વિભાવનાને વિસ્તરણ આપતાં, આચાર્ય શંકર આગળ ઉપર જણાવે છે,
द्रष्टृदर्शनदृश्यानां विरामो यत्र वा भवेत्।
दृष्टिस्तत्रैव कर्तव्या न नासाग्रावलोकिनी॥
‘દ્રષ્ટા, દર્શન અને દૃશ્ય, આ ત્રણેયનો જ્યાં વિરામ (બાધ) થઈ જાય છે, ત્યાં જ દૃષ્ટિ રાખવી જોઈએ, નાસાગ્રાવલોકિની દૃષ્ટિ નહીં.’ (અપરોક્ષાનુભૂતિ ૧૧૭)
એ પરમ ઉદાર ધારણા છે—ત્યાં પદાર્થરૂપ કંઈ જ હોતું નથી, નથી હોતો ત્યાં કોઈ દ્રષ્ટા.
પતંજલિ બોધ આપે છેઃ
तत्र प्रत्यय एकतानता ध्यानम्॥
‘એ વિષયના જ્ઞાનનો અખંડ પ્રવાહ, એનું નામ ધ્યાન.’ (૩.૨)
આ સૂત્રની વ્યાખ્યા કરતાં સ્વામી વિવેકાનંદ કહે છે,
‘મન કોઈ પણ એક વિષયનું જ ચિંતન કરવાનો પ્રયાસ કરે, અથવા ગમે તે એક ખાસ ભાગ, જેવો કે મસ્તકની ટોચ કે હૃદય વગેરે પર સ્થિર રહેવાનો પ્રયાસ કરે અને મન જો એ એક જ ભાગ દ્વારા સંવેદનો લેવામાં સફળ થાય અને બીજા કોઈ ભાગ દ્વારા નહિ, તો તે થાય ધારણા; અને જ્યારે મન એ સ્થિતિમાં અમુક સમય સુધી સ્થિર રહેવામાં સફળ થાય તો તેને કહેવામાં આવે ધ્યાન.’
આચાર્ય શંકર ‘ધ્યાન’ની વ્યાખ્યા કરતાં પુનઃ પોતાની આગવી મૌલિક રીતે કહે છે. તેઓ ઉપદેશ આપે છે-
ब्रह्मैवास्मीति सद्वृत्त्या निरालम्बतया स्थितिः।
ध्यानशब्देन विख्याता परमानन्ददायिनी॥
‘હું બ્રહ્મ જ છું—આ સદ્વૃત્તિથી પ્રાપ્ત જે નિરાલંબ સ્થિતિ છે તે જ ધ્યાન શબ્દથી વ્યાખ્યાયિત છે. તે પરમાનંદ પ્રદાન કરનારી છે.’ (અપરોક્ષાનુભૂતિ ૧૨૩)
જ્યારે આપણે ધ્યાન ધરવામાં સફળ થઈએ છીએ, ત્યારે જ, માત્ર તે સમય પૂરતા જ, આપણે સંસારનાં સર્વ વિષયો અને બળો પર વિજયી બનીએ છીએ. ત્યારે જ આપણી સર્વોચ્ચ સ્થિતિ હોય છે, જે પરમાનંદ પ્રદાન કરનાર હોય છે.
જે લોકો ધ્યાન કેવી રીતે ધરવું તે જાણે છે, તેમના હાથમાં દેહ-મનરૂપી કારાગારને ખોલવાની ચાવી આવી જાય છે, તત્પશ્ચાત્ તેઓ જ્યાં જીવન સ્વયં વિશુદ્ધ આનંદરૂપ છે, એવા ઈશ્વરમય જગતમાં વિહાર કરે છે.
જે વ્યક્તિ ધ્યાન ધરવામાં સિદ્ધ થઈ નથી, તેણે હજુ પોતાની બુદ્ધિની યથાર્થતા પ્રતિપાદિત કરી નથી.
અત્રે આપણે આચાર્ય શંકર પ્રબોધિત અદ્વૈત દૃષ્ટિબિંદુથી યોગ-સાધનાનાં સર્વોન્નત સોપાનોની ચર્ચા કરી.
આપણે પ્રારંભિક સાધકો, શિખાઉ સત્ય-શોધકો હોઈ શકીએ, છતાંય આ પદ્ધતિઓ અને સોપાનોનું અધ્યયન-અનુશીલન સહાયક છે, જેથી આપણી સમજણ અને માન્યતાઓ સુસ્પષ્ટ થાય અને આપણા ખંતપૂર્ણ પ્રયાસને યથાર્થ-દર્શન સાંપડે.
આપણે એકાગ્રતા અને ધ્યાન વિષયક છ સોપાનોનું વિવેચન કર્યું—યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા; અને અતિ સંક્ષેપમાં ધ્યાન.
Your Content Goes Here





