રાજર્ષિ રથવીતિ દાસ્ભ્યની રાજધાની આજે દબદબાથી શણગારાઈ હતી. રાજમાર્ગો પર ચંદનજળ છંટાતાં હતાં. પુષ્પસૌરભ સર્વત્ર પ્રસરતી હતી. નગરજનોની અવરજવર વધી પડી હતી. કારણ કે આજ મહારાજા રથવીતિ એક મોટા યજ્ઞનો આરંભ કરવાના છે. એ માટે એક મોટું સપાટ મેદાન તૈયાર કરાયું છે, યજ્ઞ માટે વિશાળ વેદિ રચાઈ છે, ચિત્તાકર્ષક યજ્ઞમંડળ નિર્માયો છે. સુશોભિત રંગબેરંગી સ્તંભો પર ફૂલમાળાઓ લટકી રહી છે, મોતીની ઝાલરો ઝૂલે છે. ચતુષ્કોણ મધ્યવેદિની પૂર્વે તૈયાર કરેલા ચતુષ્કોણમાં દેવહોમ માટે આહ્વનીય અગ્નિનું સ્થાપન થયું છે. પશ્ચિમમાં ગાર્હસ્પત્ય અગ્નિની વૃત્તાકાર વેદિ છે. દક્ષિણની અર્ધવૃત્તાકાર વેદિ દક્ષિણાગ્નિ માટે બની છે.

રેશમી વસ્ત્રાધારી રાજારાણી દીક્ષાગ્રહણ કરીને ઋત્વિજોની પ્રાર્થના કરી રહ્યાં છે. ત્યાં તો એકાએક યજ્ઞમંડપમાં નીરવતા છવાઈ ગઈ! કોલાહલ એકદમ ઓચિંતો જ શાંત થઈ ગયો. બે તેજસ્વી ઋષિઓ મંડપમાં દૂરથી અંદર આવી રહ્યા છે! આગળના સફેદ દાઢીધારી ઋષિ વૃદ્ધ હતા અને પાછળ આવતા ઋષિ યુવાન હતા. બંને મહાપ્રભાવશાળી ઋષિઓ હતા. સમગ્ર માનવસમાજ એમના બ્રહ્મતેજથી અંજાઈ જઈ સ્તબ્ધ બની રહ્યો હતો. એ બંનેને દૂરથી આવતા જોઈ રથવીતિ પોતાનું આસન છોડી ઊભો થઈ ગયો. આગળ વધીને એ બંનેનો આદરસત્કાર કર્યો. મંડપમાં લાવીને એમને ઉચિત આસને બેસાડ્યા. એમાંના વૃદ્ધ ઋષિનું નામ ‘અર્ચનાના આત્રેય’ હતું અને યુવાન ઋષિ હતા તે અર્ચનાના મોટા પુત્ર હતા. એમનું નામ શ્યામાશ્વ આત્રેય હતું. મહર્ષિ અર્ચનાના આત્રેયને રાજા રથવીતિએ યજ્ઞમાં હોતા તરીકે નીમ્યા છે. માંડ માંડ તેમણે આ પદ સ્વીકાર્યું છે. ઋષિ અર્ચનાના મહર્ષિ અત્રિના પુત્ર છે. તેઓ એ જમાનાના ભારે મોટા બ્રહ્મવેત્તા હતા. ઋગ્વેદના પાંચમા-અત્રિમંડલનાં અનેકાનેક સૂક્તોના તે દૃષ્ટા છે. બીજા ઋષિ તો એમની પહેલાં જ આવી ગયા હતા. તેઓ આવ્યા કે તરત યજ્ઞનો પ્રારંભ થયો. મંડપમાં સામગાન ગૂંજી ઊઠ્યું. હોતાએ આહ્વનીય અગ્નિની સ્તુતિ કરી, ઉદ્‌ગાતાએ સામગાન કર્યું, ઘી-જવની આહુતિઓ શરૂ થઈ. પવન સાથે સંતાકૂકડી રમતો યજ્ઞધૂમ આખા આકાશે વ્યાપી રહ્યો. આવી રીતે યજ્ઞ ચાલ્યો. દૂરદૂરથી લોકો દર્શને આવતા રહ્યા. સૌ ધન્ય ધન્ય બની રહ્યા અને એ રીતે આખરે એ મંગલકારી યજ્ઞ પૂરો થયો.

યજ્ઞ સારી રીતે પૂરો થયા પછી મહર્ષિ અર્ચનાના આત્રેયે પોતાની નજર આસપાસ દોડાવી. એમની નજર એક ખાસ આસન પર બેઠેલી યુવતી ઉપર પડી. મહર્ષિની નજર ત્યાં જ ચોંટી રહી! એ કેસરી સાડી વાળી યુવતી બીજી કોઈ નહિ પણ મહારાજા રથવીતિની એકમાત્ર પુત્રી મનોરમા હતી. ઋષિ એ જાણી ગયા. રાજવી વેશભૂષા, સુવર્ણાભૂષણો અને કુદરતી સૌન્દર્યસંપન્ન એ રાજકુમારીને મહર્ષિ અર્ચનાના આત્રેયે નિહાળી! જોતાં જ એમનું હૃદય બોલી ઊઠ્યું: ‘અહા! આ રાજકુમારી મારી પુત્રવધૂ બને તો કેવું સારું થાય?’ પણ ત્યાં તો એમની બુદ્ધિએ ઝટપટ જવાબ આપી દીધો: ‘અરે શું ભોળા થયા ઋષિ! આવડો મોટો ઐશ્વર્યશાલી સમ્રાટ પોતાની રાજકુમારીનો વિવાહ કંઈ એક ગરીબ તપસ્વીના પુત્ર સાથે થોડો કરે ભલા?’ વળી પાછું હૃદય બોલ્યું: ‘તો ભલે ને એમાં વાંધો પણ શો હોઈ શકે? રાજાની સામે પ્રસ્તાવ મૂકી જોઈએ તો ખરા!’ આ રીતે એમના હૃદય અને મસ્તિષ્ક વચ્ચે વાતચીત શરૂ થઈ! મન ઢચુપચુ થયું છતાં આખરે હૃદયનો વિજય થયો અને અવસર આવ્યે કહી નાખ્યું: ‘રાજન્, મારી એક વાત આપે માનવી પડશે.’

રાજાએ કહ્યું: ‘કઈ વાત ઋષિવર!’ ઋષિ બોલ્યા: ‘એ જ કે આપની રૂપવતી રાજકન્યાનો વિવાહ મારા ગુણવાન પુત્ર શ્યામાશ્વ સાથે કરો.’ ગદ્‌ગદ્ થઈ રાજાએ કહ્યું: ‘એ તો ઘણો સારો પ્રસ્તાવ છે ઋષિ!’ પોતાની પુત્રીનો વિવાહ એક મહર્ષિપુત્ર જોડે થવાના વિચારે રાજાના હરખનો પાર ન રહ્યો! હૈયાનો ઊભરો ન શમાતાં રાજા ફરી વખત બોલી ઊઠ્યા: ‘હા, હા, ખૂબ સરસ મહર્ષિ! શ્યામાશ્વ તો ગુણી, વિદ્વાન, બ્રહ્મવર્ચસી અને બ્રહ્મતેજયુક્ત છે. રૂપમાં પણ ઉત્તમ છે; પ્રભાવશાળી અને મેધાવી છે; વિનયી છે. હું તો આપનો પ્રસ્તાવ સ્વીકારું છું પણ..’ રાજાને અટકતા જોઈને મુનિ બોલ્યા: ‘કેમ પણ શી બાબત છે?’ રાજાએ કહ્યું: ‘આ માટે મારે મહારાણીની મંજૂરી લેવી જરૂરી છે. એમને પૂછ્યા વિના એમની ગોદમાં રમેલી પુત્રીનો વિવાહ હું ક્યાંય ન કરી શકું.’

મહર્ષિ થોડીવાર વિચારમગ્ન રહ્યા. પછી બોલ્યા: ‘સારી વાત છે. ભલે, અનાર્ય લોકો તો વિવાહને ઝાઝું મહત્ત્વ દેતા નથી, પણ આર્યોની નજરે તો વિવાહ સમાજની મૂલ પ્રતિષ્ઠા છે. વિવાહ વગરના સમાજની સ્થિતિ તો પાયા વિનાના મહેલ જેવી ઘડીકમાં પડી ભાંગનારી હોય છે. વિવાહ એક યજ્ઞ જ છે. એ કલ્પવૃક્ષ સમાન ઈષ્ટ વરદાતા છે. એ કંઈ કેવળ કામતૃપ્તિનું સાધન નથી, પરંતુ વિશુદ્ધ પ્રેમનું વરવધૂનું પવિત્ર બંધન છે. સ્વાર્થમાંથી પરમાર્થમાં જવાનો કેડો અહીંથી જ કંડારાય છે. વિવાહને પગથિયે પગ મૂકીને જ માનવ માયાના કીચડમાંથી નીકળીને દેવત્વને મંદિરે પહોંચે છે. હા, રાજન્! તમારે બંનેએ એ માટે એક મત થવું રહ્યું.’

મહર્ષિની આજ્ઞા લઈને રાજા રાણીવાસમાં ગયા અને રાણીની સામે એ પ્રસ્તાવ મૂક્યો. શ્યામાશ્વની પ્રશંસા પણ ખૂબ કરી. પોતાની સંમતિયે બતાવી.

રાજાના પ્રસ્તાવને રાણી ઉત્સુકતાથી સાંભળી રહ્યાં. મહારાણી પોતે એક રાજર્ષિની પુત્રી અને બીજા રાજર્ષિનાં પત્ની હતાં. એટલે શાસ્ત્રાધ્યાનથી તીક્ષ્ણ બુદ્ધિવાળાં તેઓ વિચારીને બોલી ઊઠ્યાં: ‘હે સ્વામી, હું તો આપની આજ્ઞાને જ સતત અનુસરતી રહી છું. છતાં આ વખતે આપની વાત માની શકતી નથી, એનો મને ખેદ છે. શ્યામાશ્વ અવશ્ય સદ્‌ગુણોનો ભંડાર છે, પણ મારી દૃષ્ટિએ ઋષિત્વના ગુણનો એનામાં અભાવ છે. મંત્રવેત્તા અને મંત્રદૃષ્ટામાં તો ખૂબ તફાવત છે. ખૂબ તપશ્ચરણથી જે વ્યક્તિનું પ્રાતિભ ચક્ષુ ખુલી ગયું હોય એ જ ઋષિની પદવી પ્રાપ્ત કરે છે. ઋષિ તો ત્રિકાલજ્ઞાની હોય છે; એણે અક્ષરની અપરોક્ષાનુભૂતિ કરેલી હોય છે. હે નાથ! મને તો એવા કોઈ ઋષિને મારો જમાઈ બનાવવાના ઓરતા છે. આપણા કુળમાં હજુ સુધી ઋષિ ન હોય, એવાને કોઈને કન્યા અપાયેલી નથી. ઋષિ સાથે મારી પુત્રીનો વિવાહ કરીને હું એને ‘વેદમાતા’ બનાવવા ઇચ્છું છું. શ્યામાશ્વ ઋષિપુત્ર છે, ઋષિપૌત્ર પણ છે પણ તે પોતે ઋષિ નથી. એટલે હું આમાં સંમતિ આપી શકું નહિ.’

મહારાણીના શબ્દે શબ્દે રાજાના હૈયામાં ઋષિત્વનું ગૌરવ જાગી ઊઠ્યું. રાણીવાસેથી મંડપમાં તે પાછા ફર્યા અને ખિન્ન સ્વરે આ વિષયમાં અર્ચનાના ઋષિ આગળ રાણીની અસંમતિ અને એનું કારણ પણ જણાવી દીધા! આ સાંભળી મુનિ ચૂપ થઈ ગયા. ઋષિની કામના પર કુહાડો પડ્યો. યજ્ઞસમાપ્તિ પછી તરત જ તેઓ પોતાને આશ્રમે પાછા વળ્યા. નિરાશ શ્યામાશ્વ પણ તેમની સાથે જ મંડપમાંથી નીકળીને ઘર તરફ ચાલ્યો તો ખરો પણ એનું મન રાજકુમારી પાસે જ રહી ગયું.

આશ્રમમાં આવી એણે તપ આદર્યું. મંગલ તપ નિષ્ફળ જતું નથી. તપની શક્તિ અપાર છે. શ્યામાશ્વને હૈયે રાણીની અસંમતિ, રાજકુમારીનો અલાભ, ઋષિત્વની અપ્રાપ્તિ – આ ત્રણેયથી ખૂબ વેદના અનુભવતું હતું, પણ તપ અને ધૈર્યનું એણે અવલંબન કર્યું. એનાથી એનામાં ઉત્સાહ આવ્યો. તપસ્યાની વેદિ પર એણે પોતાનાં બધાં સુખો હોમી દીધાં. આવી ઘોર તપસ્યાનું ફળ એને તરત જ મળ્યું!

એક વિચિત્ર ઘટના બની. એના મનમાં ભારે કૌતુક ઊપજ્યું. એણે પોતાની સામે અનેક યુવાન દિવ્ય પુરુષો ઊભેલા નિહાળ્યા! તપેલા સોના જેવાં શરીરોવાળા આયુધધારી એવા એમના હાથમાં માળા અને માથે સોનાની પાઘડીઓ હતી. શ્યામાશ્વ એ જોઈ અભિભૂત થઈ ગયો.  શ્યામાશ્વે વારેવારે એ પુરુષો સામે જોયું પણ એમને ઓળખી શક્યો નહિ. છેલ્લે એ બોલ્યો: ‘હે શ્રેષ્ઠ જનો, આપ કોણ છો? ક્યાંથી આવ્યા છો? આપના અશ્વો ક્યાં? લગામો ક્યાં છે? ઘોડે ચડીને જ તો આપ આવ્યા હશો ને?’

હજુ તો આ પ્રશ્નો પૂરા થયા તે પહેલાં જ તે દેવપુરુષોએ પોતાના તપસ્વી ભક્ત શ્યામાશ્વ પર અનુગ્રહ દૃષ્ટિ કરી. શ્યામાશ્વના આંતસ્તલમાંથી એકાએક અજ્ઞાનાન્ધકાર ચાલ્યો ગયો. એનાં પ્રાતિભ ચક્ષુઓ ખુલી ગયાં. તેને પરમતત્ત્વની અપરોક્ષાનુભૂતિ થઈ. એણે પોતાના ઈષ્ટદેવ મરુતોને તરત જ ઓળખી લીધા અને એના મોઢામાંથી ઋચાઓ સરવા લાગી:

‘હે દેવ, તમે કોઈ રાજા કે ઋષિને સત્કર્મમાં પ્રેરો છો. આપના કૃપાપાત્રની સર્વત્ર જીત થાય છે.’.. ‘હે મરુદ્‌ગણ, આપ પોતાના ભક્તોને આજ્ઞાકારી પુત્રો અને ધન આપો છો.’.. ‘હે મરુદ્‌ગણ, આપની સ્તુતિ કરવાને જે પાત્ર છે તે સૂર્ય સમાન દર્શનીય છે..’ વગેરે.

શ્યામાશ્વને મુખેથી નીકળેલાં આ સૂક્તોથી મરુદ્‌ગણોને ઘણો આનંદ થયો. તેમણે પોતાના ગળામાંથી સોનાની માળા ઉતારી શ્યામાશ્વને પહેરાવી દીધી. આ અલૌકિક પ્રસાદની પ્રાપ્તિથી શ્યામાશ્વ ગદ્‌ગદ્ થઈ ગયા! તેઓ ધન્યાતિધન્ય બની રહ્યા. પણ દેવો થોડીવાર દર્શન દઈ અંતર્ધાન થઈ ગયા.

પ્રેમનો પ્રભાવ તો અનોખો છે. શ્યામાશ્વની કઠિન તપસ્યાનું શ્રેય પણ પ્રેમને જ મળે છે. એની સફળતાનું ગૌરવ પણ પ્રેમને જ જાય છે. મનોરમા તરફના પ્રેમને કારણે જ વિપ્ર શ્યામાશ્વમાંથી ઋષિ શ્યામાશ્વ (દૃષ્ટા શ્યામાશ્વ)નો જન્મ થયો હતો ને?

શ્યામાશ્વ ઈષ્ટદેવની અપરોક્ષાનુભૂતિથી આનંદ સાગરમાં ડૂબી ગયા! એમને નવું જીવન ઋષિજીવન મળ્યું. તેઓ પોતાના પિતામહ ઋષિ અત્રિને મળવા દોડી ગયા! માર્ગમાં સૌનાં નમન ઝીલતાં ઝીલતાં રાજા ‘તરંત’ અને તેનાં મહાવિદુષી રાણી શશીયસીને મળ્યા; ઋષિનાં દર્શન કરતાં જ તેમનું વ્યક્તિત્વ પારખી લીધું. 

તેમણે બંનેએ ઋષિનો ખૂબ સત્કાર કર્યો. માણસ પારખવામાં રાજા કરતાં રાણી વધુ નિપુણ હતી.  શશીયસી ઉદાર હતી. દુ:ખીઓનાં દુ:ખો દૂર કરવા સદા તત્પર રહેતી. રાજા-રાણીએ શ્યામાશ્વનો સત્કાર કરી સેંકડો ગાયો, ઘોડા, સુવર્ણાભૂષણોનું દાન આપ્યું. તદુપરાંત રાજા તુરન્તને પુરુમીઢ નામે એક નાનો ભાઈ હતો તેની પાસે શ્યામાશ્વને મોકલ્યા. પુરુમીઢે પણ યથાયોગ્ય સત્કાર કર્યો.

હવે શ્યામાશ્વ ઋષિ અને સંપત્તિવાન બંને થયા. એનું એમને સહજ ગૌરવ થવા લાગ્યું. અત્રિ આશ્રમમાં શ્યામાશ્વની સફળતાનો આનંદ છાઈ રહ્યો. શ્યામાશ્વે અત્રિચરણે નામગોત્રોચ્ચારણપૂર્વક નમસ્કાર કર્યા. ઋષિ અત્રિએ આનંદવિભોર થઈને કહ્યું: ‘બેટા, આજે મારું દીર્ઘ આયુષ ધન્ય બન્યું. તેં ઋષિત્વ લાભ કરીને આપણા કુટુંબની સાંકળ ચાલુ રાખી છે. જા હવે રથવીતિ દાસ્ભ્યની પુત્રી સાથે વિવાહ કરી લાવ.’

પિતામહની આજ્ઞા માની શ્યામાશ્વ રથવીતિને મળ્યા તો ખરા, પણ પોતાને જ મોઢે પોતાનાં વખાણ કરવા હાસ્યાસ્પદ માનીને ભગવતી રાત્રિદેવીને પોતાના દૂત તરીકે બનાવી તેણે રાત્રિદેવીને કહ્યું: ‘હે ઉર્મ્યા! મારા હિતને માટે રથવીતિ પાસે મારા ઋષિત્વલાભની વાત કહો અને મારાં મરુદ્‌ગણોનાં સૂક્તો એને સંભળાવો.’ રાત્રિ દેવીએ હા પાડી.

રથવીતિ રાત્રિમુખેથી શ્યામાશ્વના ઋષિત્વલાભ વિશે સાંભળી ખૂબ રાજી થયા અને પોતાની પુત્રી મનોરમાને શ્માયાશ્વ સાથે પરણાવવા તૈયાર થયા. લગ્નની બધી તૈયારીઓ તાબડતોબ થવા લાગી. પહેલાં કરેલા સોમયજ્ઞ કરતાંય આ વિવાહનો ભપકો ભારે છે. મણિમય મંડપ, વેદિસ્થિત અગ્નિ અને જનમંડલી બધું જ તેજોમય છે. વિવાહમંડપમાં શ્યામાશ્વે પ્રવેશ કર્યો. સૌએ સ્વાગત કર્યું.

રથવીતિએ શ્યામાશ્વને કહ્યું: ‘ભગવન્, મારો પ્રત્યાખ્યાનનો પૂર્વાપરાધ ક્ષમા કરો.’ શ્યામાશ્વે ઉત્તર આપ્યો: ‘તમે તમારી કુળમર્યાદા જ પાળી છે. તમે નિર્દોષ છો.’ પછી રથવીતિએ રાત્રિ દ્વારા શ્યામાશ્વનાં મરુદ્‌ગણોનાં સૂક્તો સાંભળ્યાની વાત કરી. બહુ રાજી થયા અને અતિ આનંદથી મનોરમાનું પાણિગ્રહણ શ્યામાશ્વ પાસે કરાવ્યું. બધે જ ખૂબ આનંદ પથરાઈ ગયો. 

રાજા રથવીતિએ શ્યામાશ્વ સાથે પોતાની પુત્રીનો વિવાહ કરાવીને વાનપ્રસ્થાશ્રમ ગ્રહણ કર્યો અને હિમાલયની ઘાટીમાં વહેતી ગોમતી નદીને કાંઠે આશ્રમ બાંધ્યો. કાળાંતરે તપસ્યા કરીને તેઓ પરમપદ પામ્યા. આ ગોમતી આજેય સિંધુને મળતાં રથવીતિનાં કીર્તિગાન સૌને સંભળાવ્યા કરે છે.

સંદર્ભ:

ઋગ્વેદ – ૫.૩૧, બૃહદ્દેવતા – ૫.૫૦-૫૧, વર્ણાનુક્રમણી – ૫.૧૧ (સાયણભાષ્ય સહિત), સાંખ્યાયન શ્રૌતસૂત્ર – ૧૬.૧૧.૯, નીતિમંજરી – પૃ.૧૮૫ થી ૧૯૮

Total Views: 142

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.