(સ્વામી વિવેકાનંદ કહેતા કે, “નૂતન ભારતને ઊભું થવા દો. હળ પકડતા ખેડૂતની ઝૂંપડીમાંથી—માછીમારોની, ચમારોની અને ઝાડુવાળાઓની ઝૂંપડીઓમાંથી તેને જાગવા દો; મોદીની દુકાનમાંથી, ધાણીદાળિયા વેચનારાની ભઠ્ઠીમાંથી તેને કૂદવા દો; કારખાનામાંથી અને બજારોમાંથી તેને બહાર નીકળવા દો; ઝાડી અને જંગલો, ટેકરીઓ અને પર્વતોમાંથી તેને બહાર આવવા દો.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, 8.43)

૨ ફેબ્રુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની પુણ્ય જન્મજયંતી ઉપલક્ષે આપ સહુ વાચકોને આ સંકલન વાંચીને પ્રેરણા મળશે. પ્રત્યેક વાર્તાના અંતે ગ્રંથમાળાનો ભાગ તથા પૃષ્ઠ સંખ્યા સંદર્ભના રૂપમાં આપવામાં આવેલ છે. વાર્તાની ઉપર એક વિષયને અનુરૂપ એક રેખાચિત્ર પણ અંકિત કરવામાં આવ્યું છે. -સં.)

જનસાધારણને સહજતાથી વેદાંતના સર્વોત્તમ આદર્શ સમજમાં આવે એ માટે સ્વામીજી વાર્તાઓના માધ્યમે ઉપદેશ આપતા. અહીં અમે ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’માંથી સ્વામીજી કથિત વાર્તાઓ તથા એને સંલગ્ન ઉપદેશોનું સંકલન આપની સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ.

બીજાની સહાય એ જ આપણું શ્રેષ્ઠ કર્તવ્ય

જગતમાં ખૂબ દુ:ખ છે એની ના પાડી શકાય તેમ નથી; એટલે બીજાની સહાય માટે બહાર પડવું એ આપણું શ્રેષ્ઠ કર્તવ્ય છે. જો કે લાંબે ગાળે, બીજાને સહાય કરીને આપણે આપણી જાતને જ સહાય કરી રહ્યા છીએ, એમ અવશ્ય લાગશે. નાનપણમાં મારી પાસે કેટલાક સફેદ ઉંદરો હતા. એક નાની પૈડાવાળી પેટીમાં તેમને રાખવામાં આવ્યા હતા; ઉંદરો આ પૈડાં ઓળંગવાનો પ્રયાસ કરતા ત્યારે તે પૈડાં ગોળગોળ ફરતાં અને ઉંદરો ક્યાંય જઈ શકતા નહીં. આવું જ કાંઈ જગત વિશે અને જગતને અપાતી આપણી સહાય વિશે છે. આપણને પોતાને નૈતિક તાલીમ મળે છે એ એક માત્ર લાભ છે. (1.50)

જગત પોતે સારું કે ખરાબ નથી

જગત પોતે સારું કે ખરાબ નથી. અગ્નિ પણ પોતે સારો કે ખરાબ નથી. જ્યારે અગ્નિથી આપણને હૂંફ વળે છે ત્યારે આપણે કહીએ છીએ: ‘અગ્નિ કેવો સારો છે!’ જ્યારે તેનાથી આપણાં આંગળાં બળે ત્યારે તેનો વાંક કાઢીએ છીએ. ખરી રીતે અગ્નિ સારો નથી અને ખરાબ પણ નથી. જે રીતે આપણે તેનો ઉપયોગ કરીએ, તે પ્રમાણે સારી કે ખરાબ લાગણી થાય છે. એવું જ આ જગત વિશે છે. જગત સંપૂર્ણ છે. સંપૂર્ણ એટલે પોતાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરેપૂરું સમર્થ છે. આપણા વિના જગત સરસ રીતે ચાલશે એ વિશે આપણે પૂરેપૂરી ખાતરી રાખીએ અને એને મદદ કરવાની ઇચ્છાથી આપણું માથું પકવીએ નહીં. (1.50)

કર્મ આપણા પોતાના માટે જ આશીર્વાદ સમાન છે

આપણે બહુ બહુ તો શું કરી શકીએ? હોસ્પિટલ બાંધીએ, રસ્તાઓ બનાવીએ અથવા ગરીબો માટે આશ્રયસ્થાનો બનાવીએ. દાન માટે ફાળો કરીને આપણે બે-ત્રણ કરોડ રૂપિયા ભેગા કરીએ; તેમાંના એક કરોડ રૂપિયામાંથી એક હોસ્પિટલ બંધાવીએ, બીજા કરોડ રૂપિયામાંથી નૃત્ય સમારંભો યોજીએ અને દારૂની મહેફિલો ઊજવીએ અને ત્રીજા કરોડ રૂપિયામાંથી અર્ધા અધિકારીઓને ખાવા દઈએ અને આખરે બાકીના ગરીબો સુધી પહોંચાડીએ. પણ આ બધા આખરે શું છે? એક પવનનું મોટું તોફાન આવે અને પાંચ મિનિટમાં તમારાં બધાં મકાનો જમીનદોસ્ત કરી નાખે, ત્યારે આપણે શું કરીશું? જ્વાળામુખીનો એક પ્રકોપ આપણા બધા રસ્તાઓ, હોસ્પિટલો, શહેરો અને મકાનો રોળી નાખવાનો. જગતનું કલ્યાણ કરવાની આપણી આ બધી મૂર્ખ વાતો આપણે છોડી દેવી જોઈએ. જગત મારી કે તમારી સહાય માટે રાહ જોઈને ઊભું નથી; તેમ છતાં આપણે કાર્ય કરવું જોઈએ, સતત શુભકાર્ય કરતા રહેવું જોઈએ, કેમ કે એ આપણા પોતાના માટે જ આશીર્વાદ સમાન છે. (1.51)

આ જગત કૂતરાની વાંકી પૂંછડી જેવું છે

એક ગરીબ માણસ હતો. તેને ધનની જરૂર હતી; એણે સાંભળ્યું હતું કે ભૂતને જો વશ કર્યું હોય તો એને ધન અથવા જે કંઈ જોઈએ તે લાવવાનો હુકમ કરી શકાય. આથી એક ભૂતને વશ કરવા માટે એ ખૂબ આતુર હતો. પોતાને એ ભૂત મેળવી આપે એવા માણસની શોધમાં એ ફરતો હતો. આમ કરતાં છેવટે એને એક સાધુ મળ્યા. આ સાધુએ એને પૂછ્યું: ‘ભૂત મેળવીને તું શું કરીશ?’ પેલા માણસે કહ્યું, ‘મારે મારું કામ કરે તે માટે ભૂત જોઈએ છે, કેવી રીતે ભૂત મેળવવું તે મને શીખવો. ભૂત મેળવવા હું ખૂબ આતુર છું.’ પેલા સાધુએ જવાબમાં કહ્યું ‘બહુ સારું. હમણાં ઘેર જાઓ.’ બીજે દિવસે પેલો માણસ ફરી સાધુની પાસે ગયો, રડી રડીને આજીજી કરવા લાગ્યો: ‘મને ભૂત મેળવી આપો; મને સહાય કરે તે માટે મારે એક ભૂત જોઈએ છે.’ છેવટે સાધુ એનાથી કંટાળ્યા. એમણે કહ્યું. ‘આ મંત્ર લઈ જા. આ જાદુ-મંત્રનો ઉચ્ચાર કરીશ એટલે ભૂત આવશે, ને તું એને જે કહીશ તે એ કરશે. પણ ધ્યાન રાખજે, આ ભૂત લોકો ભયંકર હોય છે, એને સતત રીતે કામમાં રાખવાં જોઈએ. જો એને તું કામ નહીં આપે, તો એ તને મારી નાખશે.’ પેલા માણસે કહ્યું: ‘એ તો સહેલું છે; આખી જિંદગી ચાલે એટલું કામ હું એને આપી શકીશ.’ પછી આ માણસ વનમાં ગયો અને મંત્રનો ખૂબ ઉચ્ચાર કર્યા પછી એની સામે એક ભૂત હાજર થઈને બોલ્યો: ‘હું ભૂત છું. તમારા મંત્રથી હું વશ થયો છું; પણ તમારે મને સતત કામમાં રાખવો પડશે. જો મને કામ નહીં મળે તો તમને ખાઈ જઈશ.’ પેલા માણસે કહ્યું: ‘મારે માટે મહેલ બનાવ.’ ભૂતે કહ્યું: ‘લે, આ મહેલ બંધાઈ ગયો.’ પેલા માણસે કહ્યું: ‘ધન લાવ.’ ભૂતે કહ્યું: ‘આ રહ્યું તમારું ધન.’ ‘આ વન કાપીને અહીં એક શહેર બાંધ.’ ભૂતે કહ્યું: ‘થઈ ગયું. બોલો, બીજું કાંઈ?’ હવે પેલા માણસને બીક લાગવા માંડી અને એને સોંપવાનું વિશેષ કામ રહ્યું નહીં તેથી વિમાસણમાં પડ્યો. ભૂતને જે કાંઈ સોંપવામાં આવતું તે કામ ઘડીના છઠ્ઠા ભાગમાં એ કરી નાખતો. ભૂતે કહ્યું. ‘મને કંઈ કામ આપો, નહીં તો તમને ખાઈ જઈશ.’ પેલો માણસ બિચારો ભૂતને માટે બીજું કશું કામ શોધી શક્યો નહીં અને એ ખૂબ બી ગયો. એ દોડ્યો, ખૂબ દોડ્યો અને છેવટે પેલા સાધુ પાસે પહોંચીને કહ્યું, ‘મહારાજ, મને બચાવો.’ સાધુએ હકીકત પૂછતાં પેલા માણસે કહ્યું, ‘ભૂતને કશું કામ સોંપવાનું હવે મારી પાસે નથી. જે કાંઈ એને કરવાનું કહું છું તે ઘડીના છઠ્ઠા ભાગમાં એ કરી નાખે છે અને જો એને કામ ન આપું તો એ મને ખાઈ જવાની ધમકી આપે છે.’ આ વખતે ભૂત ત્યાં આવ્યું અને બોલ્યું, ‘હું તને ખાઈ જઈશ’. ભૂત પેલા માણસને જરૂર ગળી જાત. એ તો ધ્રૂજવા લાગ્યો અને પોતાનું જીવન બચાવવા સાધુને આજીજી કરવા લાગ્યો. સાધુએ કહ્યું, ‘તારે માટે હું રસ્તો કાઢું છું. વાંકી પૂંછડીવાળા પેલા કૂતરાને તું જુએ છે ને? તારી તલવાર મ્યાનમાંથી બહાર કાઢ અને એ પૂંછડી કાપી નાખીને એ ભૂતને સીધી કરવા આપ.’ પેલા માણસે કૂતરાની પૂંછડી કાપી અને ભૂતને તે આપીને કહ્યું, ‘આ પૂંછડી સીધી કરી આપ.’ ભૂતે તે પૂંછડી હાથમાં લીધી, ધીમે સંભાળથી તેને સીધી બનાવી, પણ જેવી એને હાથમાંથી નીચે મૂકી તેવી એ પાછી વાંકી થઈ ગઈ. એક વાર ફરીથી મહેનત કરી એણે એ સીધી બનાવી, પણ જેવી નીચે મૂકી તેવી એ પાછી વાંકી થઈ ગઈ. વળી ફરી એકવાર એણે એ સીધી બનાવી; પણ જેવી નીચે મૂકી તેવી એ પાછી વાંકી થઈ ગઈ. આમ એણે દિવસોના દિવસો સુધી મથામણ કરી. છેવટે એ થાક્યો અને કહ્યું, ‘હું જૂનો અનુભવી ભૂત હોવા છતાં આવી મુશ્કેલીમાં કોઈ વાર આવી પડ્યો નથી.’ પેલા માણસને એણે કહ્યું, ‘હું તમારી સાથે સમાધાન પર આવું. મને તમે જવા દો અને બદલામાં મેં તમને જે કાંઈ આપ્યું છે તે તમારી પાસે રહેવા દઈશ. ભવિષ્યમાં કદી હું હેરાન કરીશ નહિ તેની તમને ખાતરી આપું છું.’ પેલો માણસ ખૂબ ખુશી થયો. એણે રાજી થઈ આ માગણી સ્વીકારી.

આ જગત કૂતરાની વાંકી પૂંછડી જેવું છે. સેંકડો વરસ થયાં લોકો એને સીધું કરવાની મથામણ કરી રહ્યા છે, પણ જ્યારે એને છૂટું મૂકે છે ત્યારે એ પાછું વાંકું થાય છે. એથી બીજું થાય પણ શું? માણસે સૌ પહેલાં અનાસક્ત રહીને કામ કરવાનું શીખવું જોઈએ. આ રીતે કામ કરે તેનામાં ધર્માંધતા ન આવે. (1.52)

પ્રથમ તો કાર્યશીલ થવું પડશે

મારા દેશમાં એક વખત એક માણસ મને મળ્યો. આ માણસને હું અગાઉ ઓળખતો હતો. એ મહામૂર્ખ હતો; એ કંઈ જાણતો ન હતો. જાણે કંઈ જાણવાની તેને ઇચ્છા પણ ન હતી અને જીવનમાં પશુની જેમ જીવતો હતો. પરમેશ્વરને જાણવાને શું કરવું જોઈએ અને મુક્ત કેમ થવાય એ વિશે એણે મને પૂછ્યું. મેં સામેથી પૂછ્યું: ‘તમે ખોટું બોલી શકશો?’ એણે જવાબ આપ્યો, ‘ના.’ ‘તો તમારે અસત્ય બોલતાં શીખવું પડશે. પશુ જેવું અથવા લાકડાના ઢીમચાની જેમ જીવવું તેના કરતાં ખોટું બોલતા શીખવું ઘણું સારું.’ તમે પ્રમાદી છો. તમે ઊંચી સ્થિતિએ—જે સર્વ કાર્યથી પર, શાંત અને ગંભીર સ્થિતિ છે, તેને—પહોંચ્યા નથી, કોઈ દુષ્ટ કાર્ય કરવાની પણ તમારામાં બુદ્ધિ નથી.’ અલબત્ત, આ અતિશયોક્તિવાળો દાખલો છે અને હું એની સાથે મજાક જ કરતો હતો પણ મારા કહેવાનો ઉદ્દેશ્ય હતો કે મનુષ્યે કાર્યમાંથી—પ્રવૃત્તિમાંથી પૂર્ણ શાંતિની ભૂમિકાએ પહોંચવા માટે પ્રથમ તો કાર્યશીલ થવું પડશે. (1.70)

સંન્યાસાશ્રમ મોટો કે ગૃહસ્થાશ્રમ?

એક રાજા હતો. તે પોતાના દેશમાં આવતા દરેક સંન્યાસીને એક પ્રશ્ન પૂછતો કે, ‘સંન્યાસાશ્રમ મોટો કે ગૃહસ્થાશ્રમ?’

ઘણા સાધુઓએ રાજાના પ્રશ્નનું સમાધાન કરવા પ્રયાસ કર્યો, પણ રાજાના મનનું સમાધાન થયું નહીં.

કોઈએ કહ્યું, ‘સંન્યાસ આશ્રમ મોટો’ તો રાજાએ તેની સાબિતી માગી. તેઓ સાબિતી આપી શક્યા નહીં. એટલે તેને પરણીને ગૃહસ્થ જીવન ગાળવાની રાજાએ આજ્ઞા કરી.

જેમણે ગૃહસ્થાશ્રમ મોટો એવો મત આપ્યો પણ તેની સાબિતી આપી ન શક્યા, તેમને પણ રાજાએ પરણાવી દીધા અને સાચો ગૃહસ્થાશ્રમ કોનું નામ, તેનો અનુભવ કરવા કહ્યું.

આખરે એક યુવાન સંન્યાસી આવ્યો. રાજાએ તેને પણ એ જ સવાલ પૂછ્યો. એણે જવાબ આપ્યો, ‘રાજાજી, પોતાની રીતે બન્ને સરખા મહાન છે.’ રાજાએ કહ્યું, ‘મને સાબિત કરી આપો,’ સંન્યાસીએ જવાબ વાળ્યો, ‘હું તમને સાબિત કરી આપીશ; પણ તે માટે તમારે મારી સાથે થોડા દિવસ આવવું પડશે અને હું રહું છું તેમ રહેવું પડશે, હું કરું તે કરવું પડશે. એટલે અવશ્ય તમને સાબિત કરી આપીશ.’ રાજાએ કબૂલ કર્યું અને પોતાના રાજ્યની બહાર સંન્યાસીની સાથે ચાલી નીકળ્યો. બન્ને ચાલતાં ચાલતાં એક મોટા રાજ્યમાં આવી પહોંચ્યા. ત્યાં રાજધાનીમાં એક મોટો ઉત્સવ ચાલી રહ્યો હતો. રાજા અને સંન્યાસીએ નોબત અને ઢોલ, શરણાઈના સૂર સાંભળ્યા. લોકો સારાં કપડાં પહેરી શેરીઓમાં ભેગા થયા હતા અને એક મોટું જાહેરનામું વંચાઈ રહ્યું હતું. શું બની રહ્યું છે તે જોવા માટે રાજા અને સંન્યાસી ત્યાં ઊભા રહ્યા. ઢંઢેરો પીટનાર જોરશોરથી જાહેર કરી રહ્યો હતો: ‘જે કોઈને રાજકુમારી વરમાળા પહેરાવશે, તેને કુંવરી તથા રાજ્ય બન્ને મળશે.’

સ્વયંવર કરીને પતિની પસંદગી કરવાની આ પ્રથા ભારતમાં પ્રાચીન સમયમાં હતી. કેવા માણસને પતિ તરીકે પસંદ કરવો, તે બાબતમાં દરેક રાજકુમારીના જુદા વિચારો હતા. કોઈ સુંદર પુરુષને પરણવા ઇચ્છતી, તો કોઈ વિદ્વાનોને વરવા ચાહતી; કોઈ શૂરવીરને તો વળી કોઈ ધનવાનને પરણવા મન કરતી. દેશ-પરદેશના રાજકુમારો સારાં સારાં વસ્ત્ર-આભૂષણો પહેરી સ્વયંવરમાં આવતા. અમુક રાજકુમારો પોતાના ભાટચારણોને સાથે લાવતા; તેઓ તેમના ગુણગાન ગાતા.

સ્વયંવરનો સમય થતો ત્યારે રાજકુમારીને પાલખીમાં બેસાડી સુંદર વસ્ત્રાભૂષણ પહેરાવી રંગમંડપમાં ફેરવવામાં આવતી. દરેક રાજકુમારને એ જોતી, તેનાં ગુણગાન સાંભળતી અને જો તેને સંતોષ ન થાય તો તે આગળ ચાલતી. જેઓ નાપસંદ થતા તેમનાં મોં ઝાંખાં પડી જતાં. રાજકુમારી જેને પુષ્પની વરમાળા પહેરાવે તે તેનો પતિ બનતો.

હવે જે રાજ્યમાં આપણો રાજા અને સંન્યાસી આવ્યા હતા, તેની રાજકુમારી આવો એક રસિક પ્રસંગ ઊજવી રહી હતી. એ રાજકુમારી દેશ આખામાં સૌથી વધુ સ્વરૂપવાન હતી. એના પિતાને કોઈ પુત્ર ન હતો, તેથી તેને પરણનાર, રાજકુમારી ઉપરાંત, તેના પિતાના રાજ્યનો તે રાજા થવાનો હતો. તે રાજકુમારી સુંદરમાં સુંદર પુરુષને વરવા ઇચ્છતી હતી; તેને કોઈ યોગ્ય પતિ મળ્યો ન હતો. અનેક વાર આવો સ્વયંવર કરવામાં આવેલો, પણ રાજકુમારીને મનગમતો પુરુષ મળ્યો ન હતો.

આ વખતનો સ્વયંવર ભારે ભપકાદાર હતો. પહેલાંના કરતાં ઘણા વધારે લોકો એકઠા થયા હતા. રિવાજ પ્રમાણે રાજકુમારી સભામંડપમાં આવી. મંડપમાં એક પછી એક રાજકુમારને જોતી તે પસાર થઈ ગઈ, પણ કોઈ તેને પસંદ ન પડ્યો. પ્રથમની માફક આ સ્વયંવર પણ નકામો જશે એમ સૌને લાગ્યું. રાજકુમારીનાં માતાપિતા પણ નિરાશ થયાં.

સભામંડપમાંથી બહાર નીકળીને રાજકુમારીએ ત્યાં ઊભેલા લોકોના સમૂહ તરફ એક નજર ફેંકી. સામાન્ય લોકોના ટોળામાં સૂર્ય સમાન તેજસ્વી એક યુવાન સંન્યાસી ઊભો હતો. રાજકુમારીએ એ સંન્યાસીને જોયો કે તરત તે દોડી અને તેના ગળામાં વરમાળા પહેરાવી દીધી. યુવાન સંન્યાસીએ ગળામાંથી એને કાઢીને ફેંકી દેતાં કહ્યું, ‘આ શી મૂર્ખામી! હું તો સંન્યાસી છું. મારે લગ્ન સાથે લેવાદેવા નથી.’

આ શબ્દો રાજાના કાને પડ્યા એટલે તે દોડીને પાસે આવ્યો. એને લાગ્યું કે આ ગરીબ સાધુ રાજકુંવરીને પરણતાં અચકાય છે. રાજાએ કહ્યું, ‘મહારાજ! આ મારી કુંવરી સાથે આપને અર્ધું રાજપાટ મળશે અને મારા મૃત્યુ પછી આખું રાજ તમને મળશે.’ આમ કહી રાજાએ વરમાળા ઉપાડીને ફરી સંન્યાસીના ગળામાં પહેરાવી. એ યુવાન સંન્યાસી પહેલાંની પેઠે જ બોલી ઊઠ્યો, ‘રાજા! હું સંન્યાસી છુ.ં લગ્નને ને મારે શું લાગેવળગે?’ આમ કહી તે ઉતાવળે પગલે ત્યાંથી ચાલી નીકળ્યો.

હવે તો રાજકુમારી તો પોતાના મનથી સંન્યાસીને વરી ચૂકી હતી. એણે કહ્યું, ‘જો પરણું તો એને જ પરણું નહિતર પ્રાણ તજું.’ એમ કહી તે પણ એની પાછળ ચાલી.

સંન્યાસીની સાથે આવેલ રાજા પણ જંગલને રસ્તે ચાલી નીકળ્યો. બન્ને જણ ઉતાવળા જંગલ ભણી જતા હતા અને રાજકુમારી તેમની પાછળ જતી હતી. રાજકુમારી ઘણી ઉતાવળે ચાલી પણ તે સંન્યાસીને પહોંચી શકી નહીં. વળી, વનનો માર્ગ એને માટે સાવ અજાણ્યો હતો તેથી થાકીને તે એક ઝાડ તળે બેસી ગઈ અને રડવા લાગી.

સંન્યાસીએ રાજકુમારીનું રુદન સાંભળ્યું એટલે તેને દયા આવી. રાજા અને સાધુ બન્ને તેની પાસે આવ્યા. એમણે કહ્યું, ‘રડો નહીં. આ વનમાંથી બહાર નીકળવાનો રસ્તો તમને અત્યારે જડશે નહીં. વળી અંધારું થવા આવ્યું છે. માટે આ ઝાડ તળે આરામ કરો. સવારે તમને અમે માર્ગ બતાવીશું.’ રાજકુમારી શાંત બની અને સંન્યાસીના કહેવા પ્રમાણે એક મોટા વૃક્ષ નીચે જઈને બેઠી. રાજા અને સંન્યાસીએ પણ એ વૃક્ષ તળે એક બાજુ મુકામ કર્યો.

હવે બન્યું એવું કે એ વૃક્ષ ઉપર માળામાં એક પક્ષીનું જોડું રહેતું હતું. તેમને ત્રણ બચ્ચાં હતાં. માણસોનો અવાજ સાંભળીને પક્ષીએ નીચે જોયું તો ઝાડ નીચે ત્રણ જણ બેઠાં હતાં. એ પરગજુ પંખીએ પોતાની માદાને કહ્યું: ‘આપણે આંગણે મહેમાન આવ્યાં છે. શિયાળાની ઠંડીમાં તેઓ થરથરતાં બેઠાં છે. આપણે શું કરવું? આપણી પાસે દેવતા તો નથી.’ આમ કહી એ નરપક્ષી ઉપલી ડાળે ચડ્યો અને તેણે ચોમેર નજર કરી. જોયું તો દૂર જંગલમાં દવ લાગેલો હતો. એ ઊપડ્યો અને એમાંથી એક સળગતું કરગઠિયું ચાંચમાં ઉપાડી લાવ્યો. નીચે પાંદડાંનો ઢગલો પડ્યો હતો તેમાં એ નાખ્યું. તરત તાપ થયો. સંન્યાસીએ આસપાસથી થોડાં કરગઠિયાં એકઠાં કરી તાપણું સળગાવ્યું. તેમની ઠંડી તો ઊડી.

પણ પેલા પક્ષીથી રહેવાતું ન હતું. એને સંતોષ ન હતો. એણે ફરી પોતાની માદાને પૂછ્યું: ‘વહાલી, આપણે શું કરીશું? આ લોકો ભૂખ્યા છે. આપણી પાસે કશું જ ખાવાનું નથી. આપણે ગૃહસ્થી છીએ. ઘેર આવેલાંને જમાડવાનો આપણો ધર્મ છે. બીજું તો કાંઈ નથી એટલે હું મારી જાતે જ આગમાં પડી એમની ભૂખ ભાંગું.’ આમ, કહી તેણે બળતા તાપણામાં પડતું મૂક્યું. રાજાએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ એટલામાં તો એ બળીને ભડથું થઈ ગયો.

હવે, પક્ષીની માદાએ વિચાર કર્યો: ‘ત્રણ મહેમાનોને એક પક્ષીથી કેમ પૂરું પડે? મારા પંખીરાજની જેમ મારે પણ મહેમાનોનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ. મારા શરીરથી જ તેમની ભૂખ ભાંગું.’ આમ વિચાર કરી તે પણ બળતામાં પડી. તેને પણ કોઈ બચાવી ન શક્યા.

હવે, પેલાં નાનાં બચ્ચાંઓએ જોયું કે મહેમાનો માટે બે પક્ષીઓનો ખોરાક પૂરતો નથી. ‘આપણાં માબાપનું અધૂરું કામ આપણે પૂરું કરવું જોઈએ. આપણાં શરીર પણ ભલે મહેમાનોના ખપમાં આવે.’ આમ વિચાર કરી ત્રણે બચ્ચાં તાપણામાં પડ્યાં અને સળગી મર્યાં.

પક્ષીઓના આ અદ્‌ભુત સમર્પણથી ચકિત બનેલા રાજા, રાજકુંવરી કે સંન્યાસી કોઈ પક્ષીઓને ખાઈ શક્યું નહીં. એમણે ભૂખ્યાં રાત પસાર કરી.

સવારે સંન્યાસીએ રાજકુમારીને તેના નગરનો માર્ગ બતાવ્યો.

રાજકુમારી સંન્યાસીનો પ્રભાવ જોઈને જ પાછી ફરી અને પોતાના ગામ તરફ ચાલી ગઈ.

સંન્યાસી રાજાની સાથે તેની રાજધાનીમાં આવ્યો. રાજાને તેણે કહ્યું: ‘રાજાજી! તમે જોઈ શક્યા કે દરેક જણ પોતાના સ્થાને મહાન છે. જો તમારે ગૃહસ્થાશ્રમમાં રહેવું હોય તો પેલાં પક્ષીઓની માફક રહો. કોઈ પણ પ્રસંગે બીજાને માટે પોતાની જાતનો અને સર્વસ્વનો ભોગ આપવા તૈયાર રહો. તમારે જો સંન્યાસીનું ત્યાગી જીવન ગાળવું હોય તો મારી માફક સર્વસ્વનો ત્યાગ કરવા તત્પર રહો. જેને મન સુંદર સ્ત્રી, રાજપાટ, ધનદોલત, વિલાસવૈભવ કોઈ વિસાતમાં નથી તે જ સંન્યાસી થઈ શકે. ગૃહસ્થનું જીવન પણ ભોગને અર્થે નથી; સેવા અને બલિદાનને માટે છે. ગૃહસ્થી કે સંન્યાસી બન્ને પોતપોતાને સ્થાને મહાન છે. પણ એકનો ધર્મ તે બીજાનો નથી.’ (1.78)

સંપૂર્ણ સ્વાર્થત્યાગ

સંપૂર્ણ સ્વાર્થત્યાગના આ વિચારનો ખ્યાલ નીચેની વાતમાંથી આવશે. કુરુક્ષેત્રના યુદ્ધ પછી પાંચ પાંડવોએ મહાયજ્ઞ કર્યો અને ગરીબોને મોટાં દાન કર્યાં. યજ્ઞની મહત્તા અને સંપન્નતા જોઈ સર્વ લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું અને જગતમાં આવો યજ્ઞ અગાઉ કોઈ વખત થયો ન હતો એમ કહ્યું. પણ યજ્ઞ પૂરો થયા પછી ત્યાં એક નાનો નોળિયો આવ્યો. આ નોળિયાનું અર્ધું શરીર સોનેરી હતું અને બાકીનું અર્ધું શરીર ભૂખરું હતું.

યજ્ઞની ભૂમિ ઉપર આ નોળિયો આળોટતાં આળોટતાં બોલ્યો: ‘આ યજ્ઞ ખોટો છે.’ પાસે ઊભેલા લોકોએ નવાઈ પામી પૂછ્યું: ‘શું! યજ્ઞ ખોટો છે? આટલું ધન ગરીબોને છૂટે હાથે વહેંચ્યું. ગરીબો બધા પૈસાદાર અને ન્યાલ થઈ ગયા એ તને ખબર નથી? કોઈ દિવસ કોઈએ ન કર્યો હોય તેવો સરસ આ યજ્ઞ તો હતો!’

આ સાંભળી નોળિયાએ એક વાર્તા કહી: એક નાનું ગામ હતું. આ ગામમાં એક બ્રાહ્મણ તેની પત્ની, પુત્ર અને પુત્રવધૂ સાથે રહેતો હતો. એ સૌ ગરીબ હતાં.

વિદ્યાર્થીઓને ભણાવવા અને કથાવાર્તામાંથી તેમને જે કાંઈ મળતું તેના પર તેઓ ગુજરાન કરતાં. એ ગામમાં એક વખત ત્રણ વર્ષનો દુકાળ આવ્યો અને ગરીબ બ્રાહ્મણ ખૂબ દુ:ખી થયો. દિવસો સુધી ભૂખે મર્યા પછી એક દિવસ સવારે બ્રાહ્મણ થોડો જવનો લોટ ઘેર લાવ્યો. આ એને નસીબજોગે મળ્યો હતો. લોટના એણે ચાર ભાગ પાડ્યા—એકેક ભાગ કુટુંબના એકેક જણ માટે એ રીતે એણે ચાર ભાગ પાડ્યા. એમાંથી એમણે ખાવાનું બનાવ્યું અને જમવા બેસતાં હતાં ત્યાં કોઈએ બારણું ખખડાવ્યું. બ્રાહ્મણે બારણું ઉઘાડ્યું. બારણે અતિથિ ઊભો હતો. ભારતમાં અતિથિ પવિત્ર મનાય છે, દેવતા સમાન મનાય છે અને દેવતા તરીકે તેનું સન્માન થાય છે. આથી પેલા ગરીબ બ્રાહ્મણે કહ્યું: ‘પધારો, આપનું હું સ્વાગત કરું છું.’

અતિથિ સામે પોતાનો ભાગ એણે ધરી દીધો. અતિથિ ખૂબ ભૂખ્યો હતો. એક જ કોળિયે તે બધું આરોગી ગયો અને બોલ્યો: ‘અરે ભાઈ! તમે તો મને મારી નાખ્યો; હું દસ દિવસનો ભૂખ્યો છું; આટલાથી ઊલટી મારી ભૂખ ઊઘડી.’ આ સાંભળી બ્રાહ્મણની પત્નીએ કહ્યું: ‘મારો ભાગ એમને આપો.’ પણ પતિએ કહ્યું: ‘ના, એમ નહીં.’ પણ પત્નીએ પોતાનો આગ્રહ ચાલુ રાખતાં કહ્યું: ‘આ ગરીબ માણસ આપણે ત્યાં આવ્યો અને ગૃહસ્થ તરીકે તેને ખવડાવવું એ આપણું કર્તવ્ય છે. પત્ની તરીકે મારો ધર્મ છે કે ખોરાકનો મારો ભાગ મારે તેમને આપવો, કેમ કે ખોરાકનો તમારો ભાગ તમે એને આપી દીધો છે અને તમારી પાસે આપવાને કશું છે નહીં.’ આમ કહી બ્રાહ્મણપત્નીએ પોતાનો ભાગ અતિથિને આપ્યો. અતિથિ એ પણ આરોગી ગયો. હજુ એનો ભૂખનો અગ્નિ શમ્યો ન હતો એટલે બ્રાહ્મણપુત્રે કહ્યું: ‘મારો ભાગ પણ સ્વીકારો; પિતાનું કર્તવ્ય પૂર્ણ કરવામાં સહાય કરવી એ પુત્રનો ધર્મ છે.’ પુત્રનો ભાગ પણ અતિથિ આરોગી ગયો અને છતાં એની ભૂખ શમી નહીં. તેથી બ્રાહ્મણપુત્રની પત્નીએ પોતાનો ભાગ પણ પેલા અતિથિને આપ્યો. બસ, તૃપ્ત થઈને અતિથિએ ત્યાંથી વિદાય લીધી અને એમને આશીર્વાદ આપ્યા. તે રાત્રે પેલાં ચારેય જણાં ભૂખથી મૃત્યુ પામ્યાં.

પેલા લોટના બહુ થોડા કણ જમીન પર વેરાયેલા હતા; હું એના પર આળોટ્યો ત્યારે તમે જુઓ છો એ મારું અર્ધું શરીર સોનેરી થઈ ગયું. તે દિવસથી આજ સુધી હું જગતભરમાં પ્રવાસ કરી રહ્યો છું. એના જેવો કોઈ બીજો યજ્ઞ મને મળે એવી આશાથી હું પ્રવાસ કરી રહ્યો છું, પણ અત્યાર સુધી એવો કોઈ યજ્ઞ મને મળ્યો નથી, કોઈ યજ્ઞસ્થળે મારું આ બીજું અર્ધું અંગ સોનેરી થયું નથી. તેથી હું કહું છું કે, ‘આ યજ્ઞ ખોટો છે.’ (1.91)

દાનનો મહિમા

દાનનો આ મહાન વિચાર ભારતમાંથી અદૃશ્ય થતો જાય છે; મહાન માનવીઓની સંખ્યા દિવસે દિવસે ઓછી થતી જાય છે. જ્યારે પહેલ વહેલો અંગ્રેજી ભાષાનો હું અભ્યાસ કરતો ત્યારે અંગ્રેજી વાર્તાના પુસ્તકમાં એક કર્તવ્યપરાયણ બાળકની વાત મારા વાંચવામાં આવી. આ બાળક મજૂરી કરતો હતો અને મજૂરીમાંથી જે કાંઈ મળતું, તેમાંથી થોડું તેની વૃદ્ધ માતાને આપતો. આ બાબતની પ્રશંસા ત્રણ ચાર પાનાં ભરીને કરવામાં આવી હતી. એ શું બતાવે છે? એમાં કઈ મોટી વાત હતી? કોઈ હિંદુ બાળક એ વાર્તાનો સાર ન સમજી શકે. આજે જ્યારે મને ‘દરેક વ્યક્તિ પોતા માટે જીવે છે’ એ પશ્ચિમી વિચાર સંભળાય છે ત્યારે, એ વાર્તાનો સાર મને સમજાય છે. પશ્ચિમમાં દરેક માણસ પોતાને માટે જ બધો પૈસો વાપરે છે, પછી માતાપિતા, પત્ની અને બાળકનું ગમે તે થાઓ! કોઈ જગ્યાએ ગૃહસ્થનો આદર્શ આવો કદી ન હોવો જોઈએ. (1.92)

સાક્ષીભૂત રહેવું અને કાર્ય કર્યે જવું

તેથી જો બરાબર કાર્ય કરવું હોય તો પહેલાં તમારે આસક્તિનો વિચાર છોડી દેવો પડશે. બીજું, તમારે જીવનસંગ્રામમાં ઊતરવું નહીં; ફક્ત સાક્ષીભૂત રહેવું અને કાર્ય કર્યે જવું. મારા ગુરુ એમ કહેતા: ‘તમારા ઘરની આયા તમારાં બાળકો સાથે વર્તે છે તે રીતે તમે પણ વર્તો.’ ઘરની આયા બાળકને લાડ કરશે, એની સાથે રમશે અને પોતાનું જ બાળક હોય તેમ એની સાથે પ્રેમથી વર્તશે; પણ તમે એ બાઈને છૂટા થવાની નોટિસ આપશો એટલે એ તમારા ઘરમાંથી સરસામાન લઈ વિદાય થશે. હંમેશાં તેને માટે એ તૈયાર હોય છે. થોડી મમતા હોય તે એ તરત ભૂલી જાય છે. તમારા બાળકને છોડી જતાં અને અન્યનાં બાળકોને સ્વીકારતાં એને ખાસ દુ:ખ થશે નહીં. તમે જે બધું તમારું માનો છો તેના સંબંધમાં તમારે પણ એવું જ રાખવું જોઈએ. તમે આયા સમાન છો અને જો તમે ઈશ્વરમાં માનતા હો તો, જે સઘળી વસ્તુઓને તમે તમારી ગણો છો તે ખરેખર તેની છે એમ માનજો. (1.101)

સંયમની મહત્તા

ભારતમાં વ્યાસ નામના એક મહર્ષિ થઈ ગયા. વ્યાસમુનિ વેદાન્તસૂત્રોના રચનાર તરીકે જાણીતા છે. એ પવિત્ર પુરુષ હતા. એમના પિતા પૂર્ણ પુરુષ થવાના પ્રયાસમાં નિષ્ફળ નીવડ્યા. એમના પિતામહ પણ પૂર્ણ થવાનો પુરુષાર્થ કરતાં જ મૃત્યુ પામ્યા. એમના પ્રપિતામહ પણ એવા પ્રયત્નમાં જ દેહ છોડી ગયા. વ્યાસ પોતે પણ સંપૂર્ણ રીતે સફળ ન હતા. પણ એમના પુત્ર શુકદેવ જન્મથી જ સંપૂર્ણ હતા. વ્યાસે પોતાના પુત્રને જ્ઞાનનો બોધ કર્યો.

એમને સત્યનું જ્ઞાન આપીને રાજા જનકના દરબારમાં મોકલ્યા. જનક મહાન રાજા હતા. તેઓ જનક વિદેહીને નામે ઓળખાતા. વિદેહી એટલે ‘દેહ વિનાના’. મોટા રાજા છતાં પોતે દેહધારી છે એ વાત જ સાવ ભૂલી ગયેલા. પોતે આત્મા છે એમ જ એમને નિરંતર સ્મરણ રહેતું.

વ્યાસ મુનિએ શુકદેવને એમની પાસે બોધ લેવા મોકલ્યા. વ્યાસના પુત્ર પોતાની પાસે જ્ઞાન મેળવવા માટે આવી રહ્યા છે એ વાતની રાજાને ખબર પડી એટલે જનક રાજાએ થોડી ગોઠવણ કરી રાખી. શુકદેવજી મહેલને બારણે આવીને ઊભા રહ્યા ત્યારે દ્વારપાળોએ એમની તરફ કશું ધ્યાન ન આપ્યું. દ્વારપાળોએ ફક્ત એમને બેસવા માટે જગ્યા આપી અને એ બેઠક પર શુકદેવ ત્રણ દિવસ અને ત્રણ રાત બેસી રહ્યા. કોઈ એમની સાથે બોલ્યું નહીં. કોણ છો અને ક્યાંથી આવો છો એવું કોઈએ પૂછ્યું નહીં. તેઓ મહાન ઋષિના પુત્ર હતા. એમના પિતાને આખો દેશ માનની દૃષ્ટિએ જોતો હતો અને તેઓ પોતે પણ ઘણા માનનીય પુરુષ હતા; છતાં મહેલના સામાન્ય દ્વારપાળોએ એમના તરફ કશું ધ્યાન ન આપ્યું. તે પછી રાજાના મંત્રીઓ અને અધિકારીવર્ગ ત્યાં આવ્યા; શુકદેવને ખૂબ માનથી આવકાર્યા. તેઓ એમને મહેલમાં લઈ ગયા, સુશોભિત ખંડમાં બેસાડ્યા, સરસમાં સરસ સુગંધીદાર પાણીથી સ્નાન કરાવ્યાં, સુંદર વસ્ત્રો પહેરાવ્યાં અને આઠ દિવસ સર્વ પ્રકારના ભોગવિલાસમાં રાખ્યા.

એમના તરફના વર્તનમાં આવો ફેરફાર જોઈ શુકદેવના ગંભીર મુખ પર જરા સરખોયે ફેર પડ્યો નહીં. મહેલના દરવાજે તેઓ રાહ જોતા બેઠેલા તે વખતે જેવા હતા તેવા જ તેઓ ભોગવિલાસ વચ્ચે પણ રહ્યા. પછી એમને રાજાની સમક્ષ લાવવામાં આવ્યા. રાજા સિંહાસન પર બેઠા હતા; સંગીત, નૃત્ય અને આનંદપ્રમોદ ચાલી રહ્યાં હતાં. રાજાએ પછી દૂધથી છલોછલ ભરેલો એક પ્યાલો એમને આપ્યો અને દૂધનું એકેય ટીપું પાડ્યા વગર દીવાનખાનાની સાત પ્રદક્ષિણા કરવાની આજ્ઞા કરી. શુકદેવજીએ પ્યાલો હાથમાં લીધો; નૃત્ય, સંગીત અને સુંદર વારાંગનાઓના આકર્ષણની વચ્ચે પ્રદક્ષિણા કરવા માંડી. રાજાની ઇચ્છા પ્રમાણે દીવાનખાનાની સાત વખત એમણે પ્રદક્ષિણા કરી અને દૂધનું એકેય ટીપું ઢોળાયું નહીં. એ બાલયોગીના મન પર, તેની પોતાની ઇચ્છા વિના જગતની કોઈ પણ વસ્તુની અસર થઈ શકતી ન હતી. રાજા પાસે દૂધનો પ્યાલો લઈ એ ઊભા રહ્યા ત્યારે રાજાએ તેમને કહ્યું: ‘તમારા પિતાએ તમને જે જ્ઞાન આપ્યું છે અને તમે પોતે તમારી જાતે જે જ્ઞાન મેળવ્યું છે, તેનું જ માત્ર હું પુનરાવર્તન કરી શકું એમ છું. તમે સત્યને જાણ્યું છે. સુખેથી ઘેર પધારો.’

આમ જે માણસ પોતાની ઉપર સંયમ રાખતાં શીખ્યો છે તેના પર બહારની કશી વસ્તુની અસર થતી નથી. તેને માટે કોઈ ગુલામી રહી નથી. એનું મન મુક્ત થયું છે. આવો માણસ જ જગતમાં સારી રીતે રહેવાને યોગ્ય છે. (1.103)

તમે જેને શોધો છો, તે તમે પોતે જ છો

એક વાર એક દેવ અને એક દાનવ એક મોટા ઋષિ પાસે આત્મા વિશે જ્ઞાન મેળવવા ગયા. તેમણે ઋષિ પાસે લાંબા વખત સુધી રહીને અભ્યાસ કર્યો. છેવટે ઋષિએ તેમને કહ્યું, ‘તમે જેને શોધો છો, તે તમે પોતે જ છો.’ તેઓ બંનેએ ધાર્યું કે તેમનાં શરીર એ જ આત્મા છે. એથી તેઓ મનમાં સંતોષ પામીને પોતાના સંબંધીઓ પાસે ગયા અને કહ્યું, ‘જે કાંઈ જ્ઞાન મેળવવા જેવું હતું તે અમે મેળવી આવ્યા છીએ, આપણે જ આત્મા છીએ; આપણાથી પર બીજું કંઈ નથી; માટે ખાઓ, પીઓ ને મજા કરો.’ દાનવનો સ્વભાવ અજ્ઞાનથી ઘેરાયેલો હતો; એટલે તેણે આગળ કશું પૂછ્યું નહિ, પણ પોતે જ ઈશ્વર છે, આત્માનો અર્થ આ શરીર છે, એમ માનીને પૂરેપૂરો સંતોષ માન્યો. પણ દેવનો સ્વભાવ વધુ શુદ્ધ હતો. તેણે પણ પ્રથમ તો એમ ધારવાની ભૂલ કરી કે, ‘હું એટલે આ શરીર જ બ્રહ્મ છું; માટે તેને તંદુરસ્ત અને મજબૂત રાખવું, સારાસારા પોશાક પહેરાવવા અને સર્વ પ્રકારના ભોગો આપવા.’ પરંતુ, થોડાક દિવસોમાં જ તેને સમજાઈ ગયું કે પોતાના આચાર્ય, ઋષિના કહેવાનો આશય તે ન હોવો જોઈએ; તેનાથી વધુ ઊંચું કંઈક હોવું જોઈએ.

એટલે એ પાછો આવ્યો અને પૂછ્યું, ‘મહારાજશ્રી, આપના ઉપદેશનો અર્થ એવો હતો કે આ શરીર આત્મા છે? જો એમ હોય તો હું તો જોઉં છું કે બધાં શરીરો મરે છે; જ્યારે આત્મા તો મરતો નથી.’ ત્યારે ઋષિ બોલ્યા, ‘તું શોધી કાઢ, તે તું છે.’ એટલે દેવે વિચાર કર્યો કે ઋષિના કહેવાનો આશય એ હશે કે શરીરને ચલાવનારી પ્રાણશક્તિ આત્મા હશે. પણ થોડા સમય પછી તેને જણાયું કે જો હું ખાઉં, તો જ આ પ્રાણશક્તિ પ્રબળ રહે છે, પણ જો હું ભૂખ્યો રહેવા માંડું, તો એ નબળી પડવા માંડે છે.

એટલે દેવ પાછો ઋષિ પાસે ગયો અને કહ્યું, ‘મહારાજ, આપ શું એમ કહેવા માગો છો કે પ્રાણશક્તિ આત્મા છે?’ ઋષિએ જવાબ આપ્યો કે, ‘તું જ તે શોધી કાઢ. તે તું છો.’ વળી પાછો દેવ ઘેર ગયો, ને વિચારવા લાગ્યો કે કદાચ મન એ આત્મા હશે. પણ થોડાક સમયમાં જ તેને જણાઈ આવ્યું કે મનના વિચારો તો કેટલા બધા વિવિધ છે? કેટલાક સારા, તો કેટલાક નરસા; એટલે મન તો એટલું બધું ચંચળ રહે છે કે એ આત્મા હોઈ જ ન શકે. તે પાછો ઋષિ પાસે દોડી ગયો ને પૂછ્યું, ‘ભગવન્, મને તો નથી લાગતું કે મન આત્મા હોય; તમારા કહેવાનો ભાવાર્થ શું એ હતો?’

ઋષિએ જવાબ આપ્યો, ‘ના ના, તે તું જ છો; તું પોતે જ તે શોધી કાઢ.’ દેવ ઘેર ગયો અને છેવટે તેને સમજાયું કે શરીર આત્મા નથી, મન આત્મા નથી; પણ આત્મા એ સર્વથી પર, સર્વ વિચારોથી પર, એક, જન્મ અને મૃત્યુથી પર, જેને શસ્ત્રો છેદી શકે નહીં, અગ્નિ બાળી શકે નહીં, વાયુ સૂકવી શકે નહીં, પાણી ભીંજવી શકે નહીં, જે અનાદિ અને અનંત છે, જે અચળ, સ્પર્શ ન કરી શકાય તેવો, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે અને તે આત્મા પોતે છે. તેથી તેને સંતોષ થયો; પણ પેલા બિચારા દાનવને શરીર પરની તેની આસક્તિને કારણે સત્ય સાંપડ્યું નહીં.

આ દુનિયામાં આવા દાનવ જેવા સ્વભાવના ઘણાય હોય છે, પણ કેટલાક દેવ જેવા પણ હોય છે. જો કોઈ ઇંદ્રિયભોગની શક્તિ વધારવાની વિદ્યા શીખવવાની વાત કરે તો તે શીખવા માટે ટોળાબંધ માણસો મળી આવશે. પણ જો કોઈ સર્વોચ્ચ ધ્યેયનો ઉપદેશ આપવા બેસે તો તેની વાત સાંભળનારા થોડા મળી આવશે. (1.154)

પ્રાણાયામ અને એકાગ્રતા

પ્રાણાયામનો મનની શક્તિઓને એકાગ્ર કરવાની સાથે શો સંબંધ છે? શ્વાસ એ આ શરીરરૂપી યંત્રના ગતિસાધક ચક્ર જેવો છે. એક મોટા એન્જિનમાં તમે જુઓ છો કે ગતિસાધક ચક્ર પ્રથમ ફરે છે અને એ ગતિ વધુ બારીક યંત્રરચનામાં પહોંચે છે અને છેવટે બારીકમાં બારીક અને નાજુકમાં નાજુક ભાગો પણ ગતિમાં આવી જાય છે. આ શરીરમાં શ્વાસ એ પેલા ગતિસાધક ચક્ર સમાન છે અને તે શરીરમાં દરેક ભાગને ચાલકશક્તિ પૂરી પાડે છે અને તેને નિયમિત રાખે છે.

એક વાર એક મોટા રાજાનો એક પ્રધાન હતો. રાજાની તેના પર ઇતરાજી થઈ, એટલે રાજાએ તેને એક ખૂબ ઊંચા મિનારા પર પૂરી મૂકવાની સજા કરી. એ પ્રમાણે તે પ્રધાનને પૂરી દેવામાં આવ્યો. પણ તેની પત્ની પતિવ્રતા હતી. રાત્રે તે મિનારાની પાસે ગઈ ને નીચે ઊભી રહીને ઉપર ઊભેલા પ્રધાનને પૂછ્યું કે ‘મારાથી કંઈ થઈ શકે એમ છે?’

પ્રધાને ઉપરથી કહ્યું કે, ‘આવતી કાલે રાત્રે અહીં આવજે અને સાથે એક લાંબું દોરડું, કેટલીક મજબૂત દોરી, પાકા દોરાનું ફીંડલું, રેશમના દોરાની આંટી, એક જીવડું અને લગારેક મધ લેતી આવજે.’ પત્નીને નવાઈ લાગી, પણ પ્રધાનના કહેવા મુજબ તે બધી વસ્તુઓ લઈને બીજે દિવસે રાતના ભાગમાં ત્યાં પહોંચી ગઈ. ઉપરથી પ્રધાને તેને સૂચના આપી કે રેશમનો દોરો જીવડાની સાથે બરાબર બાંધી દે, પછી જીવડાના શિંગડાં પર મધનું ટીપું લગાડી દે અને પછી તેનું મોઢું ઉપરની બાજુએ કરીને મિનારાની દીવાલ પર છૂટું મૂકી દે.

પેલીએ તે પ્રમાણે કર્યું અને જીવડું દીવાલ પર ચડવા લાગ્યું. માથા પર લગાડેલા મધની ગંધે ગંધે તે ધીમે ધીમે ઉપર ને ઉપર જવા લાગ્યું. એમ ચડતાં ચડતાં આખરે તે મિનારાની ટોચે જ્યાં પ્રધાન હતો ત્યાં સુધી પહોંચી ગયું. એટલે પ્રધાને તેને પકડી લીધું ને રેશમનો દોરો હાથમાં લઈ લીધો. પછી તેણે પોતાની પત્નીને કહ્યું કે હવે રેશમના દોરાને બીજે છેડે પાકો દોરો બાંધી દેજે અને એ પછી તેણે પાકો દોરો હાથમાં આવ્યા પછી નીચે મજબૂત દોરી બંધાવી, ને છેવટે દોરડું હાથમાં આવી ગયું. પછી તો બધું સહેલું હતું. દોરડું બાંધીને પ્રધાન મિનારા પરથી નીચે ઊતરી ગયો ને નાસી છૂટ્યો.

તેમ આપણા આ શરીરમાં શ્વાસગતિ એ રેશમી દોરા જેવી છે. તેને પકડીને તેના પર કાબૂ મેળવવાથી જ્ઞાનતંતુઓના પ્રવાહરૂપી પાકા દોરાનું ફીંડલું આપણા હાથમાં આવે છે અને એમાંથી આપણા વિચારોરૂપી મજબૂત દોરી અને છેલ્લે પ્રાણશક્તિરૂપી દોરડું હાથમાં આવે છે. તેના પર કાબૂ મેળવીને આપણે મુક્ત થઈએ છીએ. (1.157)

ધીરજપૂર્વક આપણે રોજ અભ્યાસ કરવો જોઈએ

મનને કાબૂમાં રાખવું કેટલું બધું કઠણ છે! તેને હડકાયા વાંદરા સાથે સરખાવવામાં આવ્યું છે એ બરાબર જ છે. એક તો વાંદરો—સ્વભાવે ચંચળ—જેમ બધાં વાંદરાં હોય છે તેમ. એટલું બસ ન હોય તેમ કોઈએ તેને ખૂબ દારૂ પાયો, એટલે એ એથીયે વધુ ચંચળ બન્યો. ત્યાર પછી તેને એક વીંછી કરડ્યો. માણસને વીંછી કરડે તો એ આખો દિવસ ઊંચો નીચો થયા કરે; એટલે એ વાંદરાની સ્થિતિ તો ચંચળતાની ટોચે પહોંચી અને પછી તેના દુ:ખની માત્રા પર કળશ ચડાવવા માટે તેનામાં ભૂતનો સંચાર થયો. પછી એ વાંદરાની કાબૂ બહારની ચંચળતાને કઈ ભાષા વર્ણવી શકે? માણસનું મન એ વાંદરા જેવું છે, સ્વભાવે જ નિરંતર ચંચળ; પછી એ ઇચ્છારૂપી દારૂ ઢીંચીને ટેં થાય, એટલે તેની ચંચળતાની માત્રા ખૂબ ખૂબ વધી જાય, ઇચ્છાએ તેને કબજામાં લીધો એટલે પછી આવે બીજાઓની ફતેહથી થતી ઈર્ષ્યાના વીંછીનો ડંખ; અને છેલ્લે અભિમાનનું ભૂત તેના મનમાં ભરાઈ બેસે, એટલે એ પોતાને સર્વશ્રેષ્ઠ માને. આવા મનને કાબૂમાં લેવું એ કેટલું કઠણ!

એટલે, આ મનને કાબૂમાં લેવાનો પહેલો પાઠ એ છે કે થોડો સમય માત્ર બેસી રહેવું અને મનને દોડવા દેવું. આખો દિવસ ને રાત મન તો ઉછાળા માર્યા જ કરે છે. એ તો પેલા કૂદાકૂદ કરતા વાંદરા જેવું છે. વાંદરો ભલે ફાવે તેટલા કૂદકા માર્યા કરે; તમે ફક્ત બેઠા બેઠા જોયા કરો. કહેવત છે કે જ્ઞાન એ જ શક્તિ છે અને એ ખરું છે. જ્યાં સુધી તમે જાણો નહીં કે મન શું શું કરે છે ત્યાં સુધી તમે તેને કાબૂમાં ન લઈ શકો. તેની લગામ છૂટી મૂકી દો; મનમાં અનેક ઘૃણાજનક વિચારો આવશે, એ જોઈને તમને આશ્ચર્ય થશે કે તમે આવા વિચારો કરી શકો છો! પણ તમને જણાશે કે દિવસે દિવસે મનના ઉછાળા ઓછા ને ઓછા ઉગ્ર થતા જાય છે, દિવસે દિવસે એ વધુ શાંત થતું આવે છે.

શરૂઆતના થોડાક મહિનામાં તમને લાગશે કે મનમાં અનેક વિચારો ઊઠે છે, પછી તમને જણાશે કે એ કંઈક ઘટ્યા છે અને કેટલાક વધુ મહિનાઓમાં તે વધુ ને વધુ ઘટતા જશે અને છેવટે મન પૂરેપૂરું કાબૂમાં આવશે; પણ ધીરજપૂર્વક આપણે રોજ અભ્યાસ કરવો જોઈએ. (1.190)

વિક્ષેપોને બાજુએ મૂકીને તમારી અંદર રહેલાં સત્યને વિકસાવો

કાલુ માછલી જેવા બનો. ભારતની એક સુંદર વાત છે કે સ્વાતિ નક્ષત્રમાં જો વરસાદ થાય અને એ વરસાદનું ટીપું જો કાલુ માછલીની છીપમાં પડી જાય તો એ ટીપું મોતી બને. કાલુ માછલીઓને આ ખબર હોય છે, એટલે જ્યારે સ્વાતિ નક્ષત્રનો ઉદય થાય ત્યારે તેઓ દરિયાના પાણીની સપાટી પર આવે અને એ કિંમતી વર્ષાનું ટીપું ઝીલવાની રાહ જુએ. જેવું ટીપું અંદર પડે કે તરત જ કાલુ માછલીઓ પોતાની છીપો બંધ કરે અને ડૂબકી મારીને દરિયાને તળિયે ચાલી જાય અને ત્યાં ધીરજથી એ ટીપાંને મોતીમાં વિકસાવે. આપણે એના જેવા થવું જોઈએ. પ્રથમ સાંભળો, પછી સમજો અને ત્યાર બાદ બધા વિક્ષેપોને બાજુએ મૂકીને બહારની અસરો સામે તમારાં મન બંધ કરો અને તમારી અંદર રહેલાં સત્યને વિકસાવવામાં લાગી જાઓ. (1.193)

ધીરજ ને ખંત તથા શ્રદ્ધાથી પરમપદને પામી શકાય

નારદ નામે એક દેવર્ષિ હતા. જેમ મનુષ્યોમાં ઋષિઓ, મહાન યોગીઓ હોય છે, તેમ દેવોમાં પણ મહાન યોગીઓ હોય છે. નારદ નામે એક મહાન યોગી હતા ને તે સર્વ સ્થળે વિચરતા. એક દિવસે એ એક વનમાં થઈને જઈ રહ્યા હતા. ત્યાં તેમણે એક માણસને જોયો તો તે ધ્યાનમાં બેઠેલો હતો અને તેની આસપાસ ઊધઈનો રાફડો જામી ગયો હતો, એટલા લાંબા કાળથી તે ધ્યાન કરી રહ્યો હતો. નારદને જોઈને તેણે કહ્યું, ‘આપ ક્યાં જાઓ છો?’ નારદે જવાબ આપ્યો, ‘હું વૈકુંઠમાં જાઉં છું.’ એ સાંભળીને પેલા તપસ્વીએ કહ્યું, ‘ત્યારે ભગવાનને પૂછી જોજો કે એ મારા પર ક્યારે દયા કરશે, ને મને ક્યારે મુક્તિ મળશે.’ નારદે કહ્યું, ‘ભલે.’ અને આગળ ચાલ્યા. થોડે ચાલતાં નારદે બીજા એક માણસને જોયો. તે નાચતો, કૂદતો અને કીર્તન કરતો હતો. નારદને જોઈને તેણે કહ્યું, ‘અરે નારદજી, ક્યાં ચાલ્યા?’ તેનો અવાજ અને બોલવાની રીત પાગલ જેવી હતી. નારદે જવાબ આપ્યો, ‘હું વૈકુંઠમાં જાઉં છું.’ એ સાંભળીને પેલો બોલ્યો, ‘ત્યારે કૃપા કરીને ભગવાનને પૂછજો કે હું ક્યારે મુક્ત થઈશ.’ નારદે કહ્યું, ‘ભલે.’ અને ચાલતા થયા. ઘણે લાંબે વખતે નારદ પાછા એ જ રસ્તે થઈને નીકળ્યા અને પેલા રાફડાવાળા માણસ પાસે આવ્યા. નારદને જોઈ પેલાએ પૂછ્યું, ‘મહારાજ, આપે ભગવાનને મારે વિશે પૂછ્યું’તું?’ ‘હા, જરૂર’, નારદે કહ્યું. ‘શું બોલ્યા, ભગવાન?’ પેલાએ પૂછ્યું. નારદે કહ્યું, ‘ભગવાન બોલ્યા કે તારી મુક્તિ હજી ચાર જન્મ પછી થશે.’ એ સાંભળીને એ તો રડવા ને શોક કરવા લાગ્યો કે, ‘અરેરે, મેં તો ભગવાનનું એટલા બધા સમય સુધી ધ્યાન કર્યું છે કે મારી આજુબાજુ રાફડો બંધાઈ ગયો, ને હજી ચાર જન્મ બાકી?’ નારદ ત્યાંથી ચાલીને બીજા પાગલ જેવા લાગતા માણસ પાસે ગયા. તેણે પૂછ્યું, ‘આપે ભગવાનને મારી બાબતમાં પૂછ્યું હતું?’ નારદે કહ્યું, ‘હા, ભગવાન બોલ્યા કે આ સામેનું આંબલીનું ઝાડ દેખાય છે તેનાં પાંદડાં જેટલા જન્મ લીધા પછી તારી મુક્તિ થશે.’ એ માણસ તો આનંદમાં આવી જઈને નાચવા લાગ્યો અને બોલી ઊઠ્યો, ‘એટલા ટૂંકા કાળમાં જ મારી મુક્તિ થઈ જશે! ભગવાન કેટલા દયાળુ છે!’ એમ કહીને તે તો આનંદમાં આવી જઈને નાચવા લાગ્યો. ત્યાં તો એ જ સમયે આકાશવાણી થઈ, ‘વત્સ, તું આ ક્ષણે જ મુક્ત છો!’ તેની અખૂટ ધીરજનું એ ફળ! એટલા બધા જન્મો સુધી એ સાધના કરવાને તૈયાર હતો. એ કશાથી નાહિંમત થયો નહીં. પરંતુ પેલા રાફડાવાળાને તો માત્ર ચાર વધુ જન્મો પણ બહુ લાંબો ગાળો થઈ પડ્યો. જે માણસ યુગના યુગ સુધી રાહ જોવાને તૈયાર હતો, તેના જેવી ધીરજ ને ખંત તથા શ્રદ્ધાથી પરમપદને પામી શકાય. (1.210)

તમે તો ઈશ્વર છો, પશુ નહિ

દૃશ્ય, એટલે કે પ્રકૃતિ એ આ સમસ્ત જગત જેનું બનેલું છે તે સ્થૂલ અને સૂક્ષ્મ પંચભૂતો તથા જ્ઞાનેન્દ્રિયો, મન વગેરેની બનેલી છે અને પ્રકાશ (સત્ત્વ), ક્રિયા (રજસ) અને જડતા (તમસ)ના સ્વરૂપની છે. સમસ્ત પ્રકૃતિનો હેતુ શું છે? પુરુષને અનુભવ કરાવવાનો. પુરુષ પોતાનો મહિમા, દિવ્ય સ્વભાવ, જાણે કે ભૂલી ગયો છે. આ બાબતમાં એક કથા છે: દેવોના રાજા ઇંદ્રે એક વખત ભૂંડનું શરીર લીધું હતું અને કાદવના ખાડામાં પડ્યો પડ્યો આળોટતો હતો; સાથે તેની ભૂંડણ ને કચ્ચાંબચ્ચાંય હતાં અને તે બહુ જ મજામાં હતો. કેટલાક દેવતાઓએ તેની આ દુર્દશા જોઈ અને તેની પાસે આવીને કહેવા લાગ્યા, ‘અરે, તમે તો દેવતાઓના રાજા છો, સઘળા દેવો તમારો હુકમ માને છે અને તમે આ અહીંયાં શા માટે પડ્યા છો?’ જવાબમાં ઇંદ્રે કહ્યું, ‘એની તમારે પંચાત નહિ કરવી; મને અહીં મજા છે, મને સ્વર્ગ-ફર્ગની પરવા નથી; મારી આ ભૂંડણ અને આ બચ્ચાં સ્વર્ગથીયે વધુ સારાં છે.’ બિચારા દેવતાઓ તો વિમાસણમાં પડી ગયા કે હવે કરવું શું? થોડો વિચાર કરીને તેમણે નક્કી કર્યું કે ભૂંડણ તથા આ બધાં કચ્ચાં-બચ્ચાંને મારી નાખવાં. એક પછી એક એ બધાંને તેમણે મારી નાખ્યાં.

મારી નાખ્યાં એટલે પેલો ઇંદ્ર રડવા લાગ્યો ને વિલાપ કરવા લાગ્યો. એ પછી દેવતાઓએ તેનું ભૂંડ શરીર ચીરી નાખ્યું. એટલે તે તેમાંથી બહાર આવ્યો અને જેવું તેને ભાન થયું કે પોતાને કેવું ખરાબ સ્વપ્ન આવ્યું હતું કે જેમાં પોતે દેવતાઓનો રાજા હોવા છતાં એક ભૂંડ થયો હતો અને માનતો હતો કે ભૂંડના જેવું સુખી બીજું એકેય જીવન જ નથી અને આખી દુનિયાએ ભૂંડના જેવું જ જીવન ગાળવું જોઈએ—તેવો જ એ ખડખડાટ હસી પડ્યો. તેમ પુરુષ જ્યારે પ્રકૃતિની સાથે તદ્રૂપ થઈ જાય છે, ત્યારે તે પોતે શુદ્ધ અને અનંત છે એ ભૂલી જાય છે. પુરુષ પ્રેમ કરતો નથી, એ પોતે જ પ્રેમસ્વરૂપ છે. એ અસ્તિત્વમાં આવે છે એમ નથી, એ પોતે જ અસ્તિત્વ સ્વરૂપ છે. આત્માને જ્ઞાન થવાપણું નથી, પણ એ પોતે જ જ્ઞાનસ્વરૂપ છે. આત્મા પ્રેમ કરે છે, આત્માને અસ્તિત્વ છે કે આત્માને જ્ઞાન થાય છે એમ કહેવું એ ભૂલ છે. પ્રેમ, અસ્તિત્વ અને જ્ઞાન એ પુરુષના ગુણો નથી, પણ એનું સ્વરૂપ છે. જ્યારે એ કોઈક વસ્તુ પર પ્રતિબિંબિત થાય ત્યારે તમે તેમને તે વસ્તુના ગુણો તરીકે કહી શકો. એ ત્રણે પુરુષના ગુણો નથી પણ તેનું સારતત્ત્વ છે. તે મહાન, અનંત, અજન્મા, અવિનાશી, સ્વમહિમામંડિત સારતત્ત્વનું સ્વરૂપ છે. તે એટલો બધો વિકૃત થયા જેવો લાગે છે કે જો તમે જઈને તેને કહો કે ‘તું ભૂંડ નથી’, તો તે ચીસો પાડવા લાગે છે ને કરડવા દોડે છે. (1.267)

અલૌકિક શક્તિઓ

દુનિયા આખીમાં યુગે યુગમાં અલૌકિક તત્ત્વમાં શ્રદ્ધા રખાતી જ આવી છે. અસાધારણ ઘટનાઓ વિશે આપણે સૌએ સાંભળેલું છે અને આપણામાંના કેટલાકોને તો તેનો જાત-અનુભવ પણ હશે. મેં જાતે અનુભવેલી કેટલીક ઘટનાઓ સંભળાવીને તમારી સમક્ષ આ વિષયની હું શરૂઆત કરીશ. એક માણસ વિશે મેં એક વખત એવું સાંભળ્યું કે, જો કોઈ પોતાના મનમાં સવાલ ધારીને તેની પાસે જાય તો તે તરત જ તેનો જવાબ આપી શકે છે અને મને એમ પણ કહેવામાં આવેલું કે ભવિષ્યમાં બનવાના બનાવોની આગાહી પણ તે કરી શકે છે. મને કુતૂહલ થયું એટલે થોડાક મિત્રોને લઈને હું તેને મળવા ગયો. અમારા દરેકના મનમાં તેને પૂછવાનો કંઈ ને કંઈ સવાલ હતો જ અને ભૂલ ન થાય એટલા ખાતર અમે અમારા પ્રશ્નો લખીને ખિસ્સામાં રાખ્યા. જેવો અમારામાંના એકને એણે જોયો કે તરત જ એ અમારા પ્રશ્નો બોલી ગયો અને તેમના જવાબ પણ આપ્યા. પછી તેણે એક કાગળ ઉપર કંઈક લખ્યું, એ કાગળની તેણે ગડી કરી અને તેની પાછળ સહી કરવાનું મને કહીને તે બોલ્યો: ‘તેના તરફ તમે જોશો નહીં પણ તમારા ખિસ્સામાં મૂકી દો અને જ્યાં સુધી હું તે પાછો માગું નહિ, ત્યાં સુધી તમારી પાસે જ રાખજો.’ અમને સહુને તેણે આ પ્રમાણે જ કહ્યું. પછી અમારા ભવિષ્યમાં થવાના કેટલાક બનાવો વિશે તેણે અમને કહ્યું અને જણાવ્યું કે, ‘ચાલો, તમને ગમતો કોઈ પણ એક શબ્દ અથવા વાક્ય ધારો.’ જે ભાષાથી તે તદ્દન અજ્ઞાત હતો તેવી સંસ્કૃત ભાષામાં મેં એક લાંબું વાક્ય ધાર્યું. તેણે કહ્યું: ‘હવે તમારા ખિસ્સામાંથી કાગળ બહાર કાઢો.’ કાઢીને મેં જોયું તો આખુંય સંસ્કૃત વાક્ય એ કાગળમાં લખાયેલું હતું. નીચેના ઉલ્લેખ સાથે તેણે તે વાક્ય એક કલાક પહેલાં લખેલું હતું, ‘મેં જે લખ્યું છે તેના સમર્થનમાં આ માણસ આ વાક્ય જ ધારશે.’ તે ખરું હતું. અમારામાંના બીજા એક મિત્રને પણ તેણે એક કાગળ આપ્યો હતો. તેમાં તે મિત્રે સહી કરી હતી અને કાગળ પોતાના ખિસ્સામાં રાખ્યો હતો. તેને પણ એક વાક્ય ધારવાનું કહેવામાં આવ્યું હતું. મારા મિત્રે તે માણસને જરા પણ ન આવડે તેવી અરબી ભાષામાંથી એક વાક્ય ધાર્યું હતું; એક ફકરો કુરાનમાંથી હતો. મારા મિત્રે તે જ વાક્ય કાગળ ઉપર લખાયેલું જોયું. અમારા પૈકી બીજા એક ભાઈ દાક્તર હતા. તેણે જર્મન ભાષામાં લખાયેલ તબીબી પુસ્તકમાંથી એક વાક્ય ધાર્યું હતું અને તે જ વાક્ય તેના કાગળ ઉપર લખાઈ ગયું હતું.

અગાઉ હું ગમે તેમ પણ તેનાથી છેતરાઈ ગયો હોઈશ તેમ માનીને થોડા દિવસ પછી હું તે માણસને ફરીથી મળવા ગયો. આ વખતે હું બીજા મિત્રોને સાથે લઈ ગયો હતો. આ વખતે પણ તે અદ્‌ભુત રીતે વિજયી નીવડ્યો.

વળી એક વાર હું હિંદુસ્તાનના હૈદરાબાદ શહેરમાં હતો. ત્યાં મને એક કોઈ બ્રાહ્મણ વિશે કહેવામાં આવ્યું. ખબર નહીં ક્યાંથી, પણ અનેક વસ્તુઓ તે પેદા કરી શકતો. એ માણસ ત્યાં વેપાર કરતો હતો અને એક માનનીય ગૃહસ્થ ગણાતો હતો. મેં તેને તેની કળા મને બતાવવા કહ્યું. એવું બન્યું કે એને તાવ આવ્યો હતો. હિંદુસ્તાનમાં એવી સામાન્ય માન્યતા છે કે જો કોઈ સાધુ-સંત માંદા માણસને માથે હાથ મૂકે તો તે સાજો થઈ જાય. પેલા બ્રાહ્મણની પાસે હું ગયો ત્યારે તે બોલ્યો: ‘સ્વામીજી! આપનો હાથ મારા માથા ઉપર મૂકો કે જેથી મારો તાવ ઊતરી જાય.’ મેં કહ્યું: ‘ભલે; પણ તમારે મને તમારી કળા બતાવવાની.’ તેણે વચન આપ્યું. મેં તેની ઇચ્છા પ્રમાણે તેના માથા ઉપર હાથ મૂક્યો; પછી તેણે પોતાનું વચન પાળીને મને તેની કળા બતાવી. તેણે માત્ર એક ધોતિયું જ પહેર્યું હતું; તે ધોતિયા સિવાય બાકીની બધી ચીજો અમે તેની પાસેથી લઈ લીધી. ઠંડી હતી એટલે મેં મારો ધાબળો તેને ઓઢવા માટે આપ્યો અને તેને એક ખૂણામાં બેસાડ્યો. સામે પચીસ માણસો ખુલ્લી આંખે તેની તરફ જોઈ રહ્યા હતા. તેણે કહ્યું: ‘ચાલો, હવે તમને જે જોઈએ તે વસ્તુઓનાં નામ લખી આપો.’ દ્રાક્ષ, નારંગી, પીચ વગેરે જે ફળો એ ભાગમાં કદી ઊગતાં નહોતાં તેવાંનાં નામ અમે તેને કાગળના ટુકડામાં લખી આપ્યાં. તેણે ધાબળાની અંદરથી દ્રાક્ષ તથા નારંગી વગેરે એટલાં બધાં કાઢી આપ્યાં કે જો તે દ્રાક્ષ અને નારંગીનું વજન કર્યું હોય તો પેલા માણસના વજન કરતાં ઓછામાં ઓછું બમણું થઈ જાય. એણે અમને એ ફળો ખાવાનું કહ્યું. ફળો જાદુઈ છે એમ માનીને અમારામાંના કેટલાકે તે ખાવાની ના પાડી, પણ પેલો માણસ પોતે તે ફળ ખાવા લાગ્યો એટલે અમે પણ ખાધાં. ખરેખર તે ફળો સાચાં જ હતાં.

છેવટે તેણે જથ્થાબંધ ગુલાબનાં ફૂલો અમારી સામે હાજર કર્યાં. દરેક ગુલાબ સર્વાંગ સુંદર હતું. તેની પાંખડીઓ ઉપર ઝાકળનાં બિંદુઓ હતાં અને એક પણ ફૂલ સડેલું કે ચોળાયેલું ન હતું. આહા! કેટલાં બધાં ગુલાબ! જ્યારે મેં તેને તેની કળાનું રહસ્ય સમજાવવાનું કહ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે ‘આ બધી હાથની કરામત છે.’ ગમે તેમ પણ એ માત્ર હાથની કરામત જ હતી, એમ માનવું મુશ્કેલ હતું. આટલી બધી જથ્થાબંધ વસ્તુઓ એ ક્યાંથી લાવ્યો હશે? (1.394)

‘કેરીઓ ખાવા લાગી જાઓ’

ભગવાન રામકૃષ્ણ એક ઉદાહરણ કાયમ આપતા: કેટલાક માણસો એક આંબાવાડીમાં ગયા; ત્યાં તેઓ વૃક્ષોનાં પાંદડાં તથા ડાળીઓ ગણવામાં, તેમનો રંગ તપાસવામાં, તેમની લંબાઈ જાણવામાં અને પ્રત્યેક વસ્તુની ખૂબ ચીવટપૂર્વક નોંધ કરવામાં મશગૂલ બની ગયા. તે પછી આ દરેક વિષય ઉપર પંડિતાઈભરી ચર્ચા ચાલી કે જે નિ:સંશય તેમને મન તો અત્યંત રસપ્રદ હતી. પરંતુ તેમાંનો એક કે જે બીજાઓ કરતાં વધુ સમજદાર હતો, તે આ બધી વસ્તુઓની પરવા ન કરતાં કેરીઓ જ ખાવા લાગ્યો. તે માણસ વધુ ડાહ્યો નહીં? માટે આ પાંદડાં અને ડાળીઓ ગણવાનું બીજા ઉપર છોડી દો. આ જાતના કાર્યને તેનું યોગ્ય સ્થાન છે ખરું; પરંતુ તે આધ્યાત્મિક ક્ષેત્રમાં નહીં. આ ‘પાંદડાં ગણનારાઓ’માં તમને કદી આધ્યાત્મિક મહાપુરુષ સાંપડશે નહીં. ધર્મ કે જે મનુષ્યનું સર્વોચ્ચ ધ્યેય છે, મનુષ્યનું જે સર્વોચ્ચ ગૌરવ છે, તેમાં આવા બધા શ્રમની આવશ્યકતા નથી. જો તમે ભક્ત થવા ઇચ્છતા હો તો તમારે માટે એ જાણવું જરાય જરૂરનું નથી કે કૃષ્ણ મથુરામાં જન્મ્યા હતા કે વ્રજમાં કે તેઓ શું કરતા હતા અથવા તો ગીતાનો ઉપદેશ તેમણે ચોક્કસ કઈ તારીખે આપ્યો હતો. તમારે તો માત્ર ગીતામાં કર્મના અને ભક્તિના જે સુંદર ઉપદેશો છે તેની લગન લગાડવાની આવશ્યકતા છે. ગીતા અને તેના પ્રણેતા વિશેની અન્ય સર્વ વિસ્તૃત વિગતો કેવળ પંડિતોના મનોરંજન માટે છે. જેમને તેવી ઇચ્છા હોય તેઓ ભલે તે કરે. તેમના પાંડિત્યપૂર્ણ તર્કવિતર્ક ચાલતા હોય ત્યારે ‘શાંતિ: શાંતિ:’ બોલો અને આપણે તો ‘કેરીઓ ખાવા લાગી જાઓ.’ (3.20)

આસક્તિનો નાશ

આમ, જે માણસ ભોગવિલાસભર્યા સ્વર્ગની લોલુપતા રાખે છે તેની પણ આવી સ્થિતિ છે. ઇન્દ્રિયસુખના કીચડમાં આળોટતા ભૂંડ જેવી તેની દશા છે; તેનાથી વધુ ઉચ્ચ તે કંઈ જોઈ શકતો નથી. તેને માત્ર ઇન્દ્રિયસુખ જ જોઈએ છીએ; તેનો નાશ તેને સ્વર્ગ ઝૂંટવાઈ જવા જેવું આકરું લાગે છે. ભક્ત શબ્દના શ્રેષ્ઠ અર્થ પ્રમાણે તેઓ કદી ભક્ત બની શકતા નથી; તેઓ કદી સાચા ઈશ્વરપ્રેમી બની શકે નહીં. આમ અમુક સમય આ હલકા આદર્શની પાછળ પડવા છતાં વખત જતાં તેમનામાં પરિવર્તન આવશે; તેમને ભાન થશે કે પોતાથી અજ્ઞાત કોઈ વધુ ઉચ્ચ ભૂમિકા છે; અને તેને પરિણામે જીવનતૃષ્ણા તેમજ ઇન્દ્રિયસુખો પરની તેમની આસક્તિ ધીરે ધીરે નાશ પામશે. જ્યારે હું શાળામાં ભણતો નાનો વિદ્યાર્થી હતો ત્યારે થોડીક મીઠાઈ માટે એક સહાધ્યાયી સાથે મારે ઝઘડો થયો હતો. મારા કરતાં તે વધારે બળવાન હોવાથી તેણે મારા હાથમાંથી મીઠાઈ ઝૂંટવી લીધી. મને કેવું દુ:ખ થયેલું તે મને યાદ છે! ત્યારે મેં તેને દુનિયામાં દુષ્ટમાં દુષ્ટ છોકરા તરીકે માન્યો અને ધાર્યું કે હું બળવાન થઈશ ત્યારે તેને સજા કરીશ. મારે મન આવા દુષ્ટ છોકરા માટે કોઈ પણ સજા પૂરતી નહોતી. આજે અમે બન્ને મોટા થયા છીએ અને ગાઢ મિત્રો છીએ. આ દુનિયા આવાં બાળકોથી જ ભરી છે કે જેમને મન ખાવુંપીવું અને મીઠાઈઓ જ સર્વસ્વ છે. તેઓ આવી મીઠાઈઓનાં સ્વપ્નો સેવશે અને જ્યાં આવી મીઠાઈઓ ભરપૂર હોય એવું જ ભાવિ જીવન તેઓ ચાહશે. અમેરિકન ઇન્ડિયનનો વિચાર કરો; મૃત્યુ પછીના જીવનનો તેનો એવો ખ્યાલ હોય છે કે ત્યાં શિકાર માટે પુષ્કળ સારું ક્ષેત્ર હશે. આપણી જેવી ઇચ્છા હોય તેવું સ્વર્ગમાં હશે એમ આપણે દરેક માની લઈએ છીએ; પણ વખત જતાં જેમ જેમ આપણે ઉંમરમાં અને અનુભવમાં વધતા જઈએ છીએ, તેમ તેમ આ દુનિયાથી વધુ ઉચ્ચ વસ્તુઓની ઝાંખી થાય છે. પરંતુુ આધુનિક યુગની પ્રચલિત રીત પ્રમાણે ‘પરલોક જેવું કંઈ નથી’ એમ કહીને આપણા એવા વિચારોને ઉડાવી ન દઈએ; એ તો વિનાશક વૃત્તિ છે. આ રીતે પરલોક અંગેની બધી માન્યતાઓને તોડી પાડનારો નાસ્તિક ભૂલમાં અટવાય છે. ભક્તની દૃષ્ટિ એથી વધુ ઊંચી છે. નાસ્તિકને સ્વર્ગમાં જવું નથી, તેનું કારણ એ છે કે તેને મન સ્વર્ગ જેવું કંઈ છે જ નહીં; જ્યારે ભક્ત સ્વર્ગે જવા ઇચ્છતો નથી, તેનું કારણ એ છે કે તેને મન તે બચ્ચાંનો ખેલ છે. તેને તો જોઈએ છે ઈશ્વર. (3.57)

ઈશ્વરના સાચા પ્રેમીઓ તથા સાધારણ ભિખારીઓ વચ્ચેનો તફાવત

જ્યાં સુધી ઈશ્વર પ્રત્યે આપણા પૂજ્યભાવ અને નિષ્ઠાના બદલામાં તેની પાસેથી આ કે તે લાભ મેળવવાનો સહેજ પણ ભાવ આપણામાં હશે, ત્યાં સુધી આપણા હૃદયમાં સાચો પ્રેમ ઊગી શકશે નહીં. જેઓ ઈશ્વર પોતાને માગ્યું વરદાન આપે તે ખાતર તેને ભજે છે, તેમને જો તે નહીં મળે તો તેઓ નિ:સંદેહ તેને નહીં ભજે. ભક્ત ઈશ્વર પર પ્રેમ એટલા માટે કરે છે કે ઈશ્વર પ્રેમનું પાત્ર છે; સાચા ભક્તને માટે દિવ્ય પ્રેમ જગાડનાર, તેનો પ્રેરક, એ સિવાય બીજો કોઈ ઉદ્દેશ હોતો નથી.

આપણે એક રાજાની વાર્તા સાંભળી છે. એક મહાન રાજા જંગલમાં ગયો; ત્યાં તેને એક ઋષિ મળ્યા. ઋષિ સાથેની વાતચીતમાં તેની પવિત્રતા અને જ્ઞાન જોઈને રાજા અત્યંત પ્રસન્ન થયો. એટલે રાજાને ઇચ્છા થઈ કે ઋષિ પોતાની પાસેથી કોઈ પણ ભેટને સ્વીકાર કરીને પોતાને કૃતાર્થ કરે. ઋષિએ તેનો અસ્વીકાર કરતાં કહ્યું: ‘મારે માટે જંગલનાં ફળો પૂરતાં છે; પર્વતોમાંથી વહેતાં શુદ્ધ જળનાં ઝરણાં મને પીવાનું પૂરતું પાણી આપે છે; ઝાડની છાલો મને પહેરવા માટે વસ્ત્ર આપે છે; અને પર્વતોની ગુફાઓ મારા નિવાસ માટે પૂરતી છે. તો પછી શા માટે મારે તમારી કે બીજા કોઈ પાસેથી કંઈ ભેટ સ્વીકારવી જોઈએ?’ રાજાએ કહ્યું: ‘ભગવન્! કેવળ મને કૃતાર્થ કરવા સારુ કૃપા કરીને મારી સાથે શહેરમાં મારા મહેલમાં ચાલો. મારી પાસેથી કોઈપણ વસ્તુ લો.’ અને અત્યંત આગ્રહ પછી ઋષિએ છેવટે રાજાની ઇચ્છા પ્રમાણે કરવા સંમતિ આપીને તેની સાથે તેના મહેલમાં ગયા. ઋષિને ભેટ આપતાં પહેલાં રાજા ઈશ્વરની પ્રાર્થના કરતાં બોલ્યા: ‘હે પ્રભુ! મને વધુ સંતાન આપો, મને વધુ ધન આપો; હે પ્રભુ! મને વધુ રાજ્ય આપો; હે પ્રભુ! મારા શરીરને વધુ સ્વસ્થ રાખો,’ વગેરે વગેરે. પણ રાજા પોતાની પ્રાર્થના પૂરી કરે તે પહેલાં ઋષિ ઊભા થઈ ગયા અને શાંતિપૂર્વક ઓરડામાંથી બહાર ચાલવા લાગ્યા! આથી રાજા મૂંઝાયો અને તેમની પાછળ જતાં જતાં મોટેથી બૂમ પાડીને તેમણે કહ્યું: ‘મહારાજ! તમે ચાલ્યા જાઓ છો, પરંતુ મારી ભેટ તમે હજુ સ્વીકારી નથી.’ ઋષિ પાછા ફર્યા અને કહ્યું: ‘હું ભિખારીઓ પાસે માગતો નથી. તું પોતે એક ભિખારી સિવાય કંઈ જ નથી, તો તું મને કોઈ વસ્તુ કેવી રીતે આપી શકે? તારા જેવા એક ભિખારી પાસેથી કોઈ વસ્તુ લેવાનું વિચારું તેવો હું મૂર્ખ નથી. ચાલ્યો જા, મારી પાસે આવીશ નહીં.’

ઈશ્વરના સાચા પ્રેમીઓ તથા માત્ર સાધારણ ભિખારીઓ વચ્ચેનો તફાવત અહીં સ્પષ્ટ રીતે બતાવાયો છે. ભીખ માગવી એ પ્રેમની પરિભાષા નથી. મુક્તિની ખાતર અથવા અન્ય કોઈ બદલાને માટે પણ ઈશ્વરની ઉપાસના કરવી એ એટલું જ હલકું છે. પ્રેમ બદલો માગવાનું જાણતો નથી; પ્રેમ સદૈવ પ્રેમને ખાતર જ હોય છે. ભક્ત ભગવાનની સાથે પ્રેમ કરે છે, તેનું કારણ કે તે પ્રેમ કર્યા સિવાય રહી શક્તો નથી. (3.128)

અધૂરો ઘડો હંમેશાં ઘણો અવાજ કરે

જો તમે દરેકને વારાફરતી પૂછશો કે ‘તમે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે? તમે તમારા આત્માને જોયો છે?’ તો કેટલા લોકો હા પાડી શકશે? એમ છતાં તેઓ એકબીજા સાથે ઝઘડે છે. એક વાર ભારતવર્ષમાં જુદા જુદા સંપ્રદાયના પ્રતિનિધિઓ ભેગા મળ્યા અને ઝઘડવા લાગ્યા. એકે કહ્યું કે ‘માત્ર એક શંકર જ મોટા દેવ છે’; બીજાએ કહ્યું કે ‘માત્ર વિષ્ણુ જ મોટા દેવ છે’; આવી રીતે ચાલ્યા કર્યું. તેમના વાદવિવાદનો કયાંય અંત જ ન હતો. તે રસ્તેથી એક સાધુ પસાર થતો હતો. પેલા વાદવિવાદ કરનારાઓએ ન્યાય આપવા માટે તેને બોલાવ્યો. જે માણસ શંકરને સૌથી મોટા દેવ તરીકે માનતો હતો તેને સાધુએ પહેલાં પૂછ્યું: ‘તમે શંકરને જોયા છે? તમે તેને ઓળખો છો? જો તમે શંકરને જોયા ન હોય તો તમે કેવી રીતે કહો છો કે તે સૌથી મોટા દેવ છે?’ પછી વિષ્ણુના ઉપાસક તરફ ફરીને તેણે પૂછ્યું: ‘તમે વિષ્ણુને જોયા છે?’ આ પ્રમાણે બધાને સવાલ પૂછીને તેમણે શોધી કાઢ્યું કે તેમાંનો એક પણ ઈશ્વર વિશે કશું જાણતો ન હતો. એટલે જ બધા આટલું બધું ઝઘડતા હતા; જો તેઓ ખરેખર જાણતા હોત તો વાદવિવાદમાં ઊતરત જ નહીં. અધૂરો ઘડો હંમેશાં ઘણો અવાજ કરે, પણ જો તે પૂરો ભરેલ હોય તો અવાજ નથી કરતો. આમ, સંપ્રદાયો વચ્ચેના આ વાદવિવાદ અને ઝઘડાની હકીકત જ બતાવે છે કે લોકો ધર્મ વિશે કંઈ પણ જાણતા નથી. તે લોકોને મન ધર્મ એટલે પુસ્તકમાં લખી રાખવા માટેના ફીણ જેવા શબ્દોનો સમૂહ માત્ર છે. બીજાનું ઋણ જરાય સ્વીકાર્યા વગર, જે કોઈ પુસ્તક હાથમાં આવે તેમાંથી ચોરીને પોતાના પુસ્તકને દળદાર બનાવીને, દરેક વ્યક્તિ મોટું પુસ્તક લખવા ઉતાવળ કરે છે; આમ આ પુસ્તકને દુનિયા પર ફેંકીને દુનિયામાં જે ગોટાળો રહેલો જ છે તેમાં તે વધારો કરે છે. (3.153)

ઈશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસ થવાથી જ તેને મેળવવાની લાલસા થાય છે

એક શિષ્ય પોતાના ગુરુ પાસે ગયો અને કહ્યું: ‘ગુરુજી, મારે ધર્મ જોઈએ છે.’ ગુરુએ પેલા જુવાન માણસ ભણી જોયું પણ કંઈ બોલ્યા નહીં , પણ સહેજ હસ્યા. પેલો જુવાન દરરોજ ત્યાં આવતો અને ભાર દઈને કહેતો કે ‘મારે ભગવાન જોઈએ છે.’ પરંતુ યુવાન કરતાં પેલા ગુરુ વધારે અનુભવી હતા. એક દિવસે જ્યારે ખૂબ જ ગરમી હતી ત્યારે તેમણે પેલા જુવાન માણસને પોતાની સાથે નદીએ આવવા કહ્યું અને પાણીમાં ડૂબકી મારવા જણાવ્યું. પેલા જુવાને ડૂબકી મારી. પેલા વૃદ્ધ ગુરુએ તેની પાછળ જઈને થોડી વાર તેને પાણીમાં દબાવી રાખ્યો; જ્યારે પેલા જુવાને બહાર નીકળવાની ખૂબ મહેનત કરી ત્યારે પછી ગુરુએ તેને છોડી દીધો. બહાર આવ્યા પછી પૂછ્યું: ‘જ્યારે તું પાણીની અંદર હતો ત્યારે તને સૌથી વધારે જરૂર શાની લાગી હતી?’ પેલા શિષ્યે જવાબ આપ્યો: ‘શ્વાસ.’ ગુરુએ કહ્યું: તેવી જ તીવ્ર તને ભગવાનની જરૂર લાગે છે? તેમ હશે તો તે તને એક ક્ષણમાં મળશે. જ્યાં સુધી તે પ્રમાણે ધર્મ માટેની તમને તીવ્ર તૃષ્ણા જાગી ન હોય ત્યાં સુધી તમને ધર્મ મળે નહીં. ભલે તમે તમારી બુદ્ધિ, પુસ્તકો કે પ્રતીકો દ્વારા ગમે તેટલી મથામણ કરો. જ્યાં સુધી તેવી તાલાવેલી તમારામાં પેદા ન થાય ત્યાં સુધી તમે નાસ્તિક કરતાં જરાય વધારે સારા નથી; માત્ર નાસ્તિક પ્રામાણિક છે, જ્યારે તમે તેવા પ્રામાણિક નથી.

એક મહાન સંત કહેતા હતા: ‘માનો કે એક ઓરડામાં એક ચોર છે. ગમે તેમ કરીને તેને ખબર પડી જાય છે કે બાજુના ઓરડામાં સોનાનો મોટો ઢગલો છે અને બે ઓરડાની વચ્ચે માત્ર પાતળી દીવાલ છે. એ ચોરની સ્થિતિ ત્યારે કેવી થશે? તેને ઊંઘ નહીં આવે. તે કંઈ કરી શકશે નહીં; તેને ખાવામાં પણ રસ નહીં રહે. તેનું સમગ્ર ધ્યાન પેલું સોનું મેળવવા ઉપર કેન્દ્રિત થશે. તમારું શું એમ કહેવું છે કે જો આ બધા લોકો ખરેખર એમ માને કે પરમ સુખ, પરમ કલ્યાણ અને પરમ મહિમાની ખાણ અહીં જ છે, તો જે રીતનું વર્તન તેઓ દુનિયામાં કરે છે તે રીતનું વર્તન ઈશ્વરને મેળવવા માટે કર્યા વિના રહે?’ માણસ જેવો ઈશ્વરના અસ્તિત્વમાં માનતો થાય છે કે તરત જ તેને મેળવવાની લાલસાથી તે ગાંડો બને છે. બીજાઓ પોતાને માર્ગે ભલે જાય; પરંતુ જેવી માણસને ખાતરી થાય કે તે અહીં જીવે છે તેના કરતાં વધારે ઉચ્ચ જિંદગી છે, જેવી તેને ખાતરી થાય કે આ ઇન્દ્રિયો જ સર્વસ્વ નથી; આત્માના અમર, શાશ્વત અને અવિનાશી આનંદ સાથે સરખાવતાં આ પરિમિત ભૌતિક શરીર કશું જ નથી કે તરત જ તે આ આનંદ મળતાં સુધી બેચેન રહે છે. આ ગાંડપણ, આ તૃષ્ણા, આ ધૂન, એ જ ધર્મ પ્રત્યેની ‘જાગૃતિ’ છે; જ્યારે આ જાગૃતિ આવે છે ત્યારે માણસ ધાર્મિક બનવાની શરૂઆત કરે છે. (3.155)

સુખ – ઉપભોગની આકાંક્ષા

જે માણસને પૂરતા પ્રમાણમાં ભૌતિક સુખો જ જોઈતાં હોય એવા માણસને માટે તેનાં બધાં સ્વર્ગો એટલે અહીંના જીવનનો જ વિસ્તાર છે. તે મૃત્યુ પામેલા બધા લોકોને મળીને ફરીથી મજા માણવા માગે છે.

પ્રેતાત્માઓને નીચે અહીં આપણી પાસે લાવનારી એક બાઈ હતી—કહો કે એક માધ્યમ હતી. તે બહુ જ જાડી હતી, છતાં તે માધ્યમ કહેવાતી. વારુ, આ બાઈને મારા પર ખૂબ ભાવ હતો, એટલે મને તેમના પ્રેતાત્માઓના મેળાવડામાં આવવાનું તેણે આમંત્રણ આપ્યું. પ્રેતાત્માઓ બધા મારા પ્રત્યે ઘણા વિનયી હતા. મને બહુ વિચિત્ર અનુભવ થયો. તમે સમજ્યા ને, પ્રેતાત્માઓને બોલાવવા માટેની એ સભા હતી; મધ્ય રાત્રિ હતી. પેલી માધ્યમ-સ્ત્રી બોલી: ‘…. અહીં એક પ્રેત ઊભેલું હું જોઉં છું. પ્રેત કહે છે કે પેલા બાંકડા પર એક હિંદુ ગૃહસ્થ બેઠા છે.’ મેં તુરત ઊભા થઈને કહ્યું: ‘એ તમને કહેવા માટે પ્રેતની કાંઈ જ જરૂર ન હતી.’ ત્યાં એક પરિણીત, બુદ્ધિશાળી, સુશિક્ષિત યુવક હાજર હતો. એ પોતાની માતાને જોવા આવેલો. પેલી સ્ત્રી બોલી: ‘ફલાણાભાઈનાં માતુશ્રી અહીં આવ્યાં છે.’ આ યુવકે મને પોતાની માતા વિશે વાત કરેલી; તે ગુજરી ગઈ ત્યારે બહુ જ દૂબળી હતી. પણ પડદામાંથી પ્રગટ થયાં તે માતુશ્રી તો…! એ તો તમારે જોવા જેવાં હતાં! આ યુવક હવે શું કરશે તે મારે જોવું હતું. મારા મહદ્ આશ્ચર્ય વચ્ચે તે યુવક કૂદી પડ્યો અને આ પ્રેતને ભેટી પડીને બોલ્યો: ‘ઓ બા! ત્યાં પ્રેતલોકમાં તું કેટલી રૂપાળી થઈ ગઈ છે!’ મને થયું: ‘મારાં ધન્ય ભાગ્ય છે કે હું અહીં આ દુનિયામાં જ છું. એથી મને માનવ સ્વભાવ જાણવાની ઊંડી દૃષ્ટિ મળે છે!’ (3.201)

ઈશ્વરને અર્પિત મન હાડમાંસના પિંજર પર કેન્દ્રિત કરવું અશક્ય છે

એક યોગી હતા, મહાન પ્રેમી હતા. ગળાના કેન્સરની પીડાથી તે મરણ પથારીએ હતા. એક બીજો જ્ઞાની યોગી તેને મળવા આવ્યો; આગંતુકે કહ્યું: ‘મહારાજ! તમે તમારા ઘાવ પર મનને એકાગ્ર કરીને શા માટે તેને મિટાવી દેતા નથી?’ પ્રેમી યોગીએ કંઈ જવાબ ન આપ્યો. પરંતુ એ જ પ્રશ્ન જ્યારે જ્ઞાનીયોગીએ બીજી વાર ને ત્રીજી વાર પણ પૂછ્યો ત્યારે આ મહાન પ્રેમી યોગી બોલ્યા: ‘જે મનને મેં સંપૂર્ણપણે ઈશ્વરને અર્પણ કરી દીધું છે તેને આ હાડમાંસના પિંજર પર કેન્દ્રિત કરવું શક્ય છે, એમ તમે શી રીતે ધારો છો?’ ભગવાન ઈશુએ દેવદૂતોનાં ટોળેટોળાં પોતાની સહાય માટે બોલાવવાની ના પાડેલી. આ ક્ષુદ્ર શરીરની શું એટલી મહત્તા છે કે તેને બે ત્રણ દિવસ વધારે ટકાવવા માટે મારે હજારો દેવદૂતોને બોલાવવા?

(સંસારના દૃષ્ટિકોણથી) મારું સર્વસ્વ આ શરીર છે. મારી દુનિયા એટલે આ શરીર, મારું શરીર એ જ મારો ઈશ્વર; હું શરીર છું! શરીરને ચૂંટી ભરો, તો મને ચૂંટી ભર્યાનું દુ:ખ થાય છે. માથું દુ:ખવા લાગે કે તુરત ભગવાન ભુલાઈ જાય છે. હું શરીર છું! આ શરીરરૂપી સર્વોચ્ચ ધ્યેય માટે ઈશ્વર અને બીજા બધાએ નીચે ઊતરી આવવું જોઈએ! આ દૃષ્ટિકોણથી જોઈએ તો જ્યારે ઈશુ ખ્રિસ્ત વધસ્તંભ પર મૃત્યુ પામ્યા ત્યારે દેવદૂતોને તેમણે સહાય માટે બોલાવ્યા નહિ તે તેમની મૂર્ખતા જ હતી! તેમણે દેવદૂતોને બોલાવીને પોતાની જાતને વધસ્તંભ પરથી નીચે ઉતારવી જોઈતી હતી! પણ જેને મન શરીર કંઈ જ નથી એવા પ્રેમીના દૃષ્ટિબિંદુથી આવી અક્કલહીન બાબતની કોને પડી છે? જન્મમૃત્યુના આવાગમનવાળા આ શરીરની પંચાત શા માટે કરવી? રોમન સૈનિકો કપડાંના કટકા માટે શરતો લગાવતા, તેના કરતાં શરીરની કિંમત જરાય વધારે નથી. (3.210)

એવું શીખો કે જેને જાણ્યા પછી બીજું કાંઈ માગવાની ઇચ્છા જ રહે નહિ

સંસારીના દૃષ્ટિકોણ અને પ્રેમીના દૃષ્ટિકોણ વચ્ચે આસમાન જમીનનો તફાવત છે. પ્રેમ કર્યે જાઓ. કોઈ માણસ ગુસ્સે થાય તો તેથી તમારે પણ હલકા પડવાની જરૂર નથી… ‘સામો કોઈ ગુસ્સે થવાની મૂર્ખાઈ કરે તેથી મારે પણ શા માટે ગુસ્સે થવું? દુ:ખનો સામનો કદી ન કરો!’ ઈશ્વરના પ્રેમીઓ આમ કહે છે. દુનિયા ગમે તે કરે કે ગમે ત્યાં જાય. તેની (તેમના પર) જરાય અસર થતી નથી.

એક યોગીને દૈવી શક્તિઓ પ્રાપ્ત થયેલી. તે કહેતા: ‘મારી શક્તિ જુઓ! આ આકાશ છે; હું તેને મેઘનાં વાદળાંથી ઢાંકી દઉં છું.’ અને તુરત વરસાદ વરસવા માંડ્યો. (કોઈએ) કહ્યું: ‘મહારાજ! આપ તો અદ્‌ભુત છો. પણ મને એવું શીખવો કે જેને જાણ્યા પછી મારે બીજું કાંઈ માગવાની ઇચ્છા જ રહે નહિ.’ … શક્તિથી પણ મુક્ત થઈ જવું, કશું જ ન રાખવું, શક્તિઓ માગવી જ નહિ, (આનો અર્થ શું) એ કેવળ બુદ્ધિથી સમજી નહિ શકાય. … હજારો ગ્રંથો વાંચવાથી પણ તે નહિ સમજાય… આપણે જ્યારે એ સમજવા લાગીશું કે છોકરીઓ ઢીંગલીઓ વડે રમતી હોય અને હંમેશાં તેના નવા વર લાવ્યા કરતી હોય; પણ જ્યારે તેને પોતાનો સાચેસાચો પતિ મળે ત્યારે બધી ઢીંગલીઓ કાયમને માટે દૂર મુકાઈ જાય છે. … તેવું જ અહીંની બધી પ્રવૃત્તિઓનું છે. જ્યારે પ્રેમનો સૂર્ય ઊગે ત્યારે આ બધાં—શક્તિ અને લાલસાઓનાં રમકડાંના સૂર્યો અદૃશ્ય થઈ જાય છે. આપણે શક્તિને શું કરવી છે? તમારી પાસે જે શક્તિ છે, તેનાથીય છૂટી શકો તો ભગવાનનો પાડ માનજો. પ્રેમ કરવા લાગો. શક્તિ જવી જ જોઈએ. મારી અને ઈશ્વરની વચ્ચે પ્રેમ સિવાય બીજું કશું જ ન જોઈએ. ઈશ્વર કેવળ પ્રેમ જ છે, બીજું કાંઈ જ નહિ—શરૂઆતમાં પ્રેમ, મધ્યમાં પ્રેમ અને અંતમાં પણ પ્રેમ. (3.210)

જાનકીપતિ અને શ્રીપતિ એક જ છે, પણ કમલનયન રામ મારા સર્વસ્વ છે.

અહીં અમારા એક પુરાણા ભક્તની સલાહ છે કે ‘બધાં પુષ્પોમાંથી મધ લો, સૌ સાથે આદરથી હળોમળો, બધાંને હા-હા કહો પણ તમારું આસન છોડશો નહીં.’ આ આસન ન છોડવું તે નિષ્ઠા. બીજા લોકોના આદર્શોની ટીકા કરવી કે તેમનો તિરસ્કાર કરવાની વાત નથી; બધા સાચા છે તે એ જાણે છે. પણ સાથોસાથ પોતાના આદર્શને એણે દૃઢપણે વળગી રહેવું જોઈએ. રામના મહાન ભક્ત હનુમાનની એક વાત છે. ખ્રિસ્તીઓ ખ્રિસ્તને ઈશ્વરનો અવતાર ગણી પૂજે છે તેમ હિંદુઓ ઈશ્વરના ઘણા અવતારોને પૂજે છે. હિંદુઓની માન્યતા અનુસાર ઈશ્વરે ભારતમાં નવ વાર અવતાર લીધો અને હજી એક વાર આવશે. રામાવતારમાં આ હનુમાન એમના મહાન ભક્ત હતા. હનુમાન લાંબું જીવ્યા અને એ મહાન યોગી હતા.

એમના જીવનકાળ દરમિયાન રામ ફરી કૃષ્ણ તરીકે આવ્યા; અને મહાન યોગી હોવાથી એ જાણતા હતા કે એ જ ઈશ્વર કૃષ્ણ તરીકે આવ્યા છે. એ કૃષ્ણ પાસે આવીને સેવા કરવા લાગ્યા પણ એમણે શ્રીકૃષ્ણને કહ્યું: ‘મારે તમારું રામરૂપ જોવું છે.’ કૃષ્ણે કહ્યું: ‘શું આ રૂપ પૂરતું નથી? હું જ કૃષ્ણ છું ને હું જ રામ છું. બધાં મારાં રૂપો છે.’ હનુમાન બોલ્યા, ‘એ હું જાણું છું પણ મારે માટે રામરૂપ છે. જાનકીપતિ અને શ્રીપતિ એક જ છે. એ બંને પરમાત્માના અવતારો જ છે. પણ કમલનયન રામ મારા સર્વસ્વ છે.’ આનું નામ નિષ્ઠા-ભક્તિ—બધાં રૂપો સારાં છે તે જાણ્યા છતાં, એકને વળગી બીજાંને દૂર કરવાં તે. આપણે બીજાં રૂપોની ભક્તિ કરવાની નથી; આપણે એમનો ધિક્કાર કે એમની ટીકા કરવાની નથી પણ એમનો આદર કરવાનો છે. (3.219)

પ્રશંસા નહિ, સેવા જ સાચી સાધના છે

એક ધનવાન મનુષ્યને એક બગીચો હતો. તેમાં બે માળી કામ કરતા હતા. એમાંનો એક માળી ખૂબ આળસુ હતો; તે બિલકુલ કામ કરતો નહીં, માત્ર જ્યારે માલિક બગીચામાં આવે ત્યારે ઊભો થઈ હાથ જોડીને કહેતોઃ ‘મારા માલિકનું મુખ કેટલું સુંદર છે!’ અને એમ કહીને તેની સમક્ષ નાચવા લાગતો. બીજો માળી ઝાઝું બોલતો કરતો નહીં, પરંતુ સખત મહેનત કરતો અને તમામ પ્રકારનાં ફળ અને શાકભાજી ઉગાડતો તથા બધો માલ પોતાના માથે ઊંચકી ખૂબ દૂર રહેતા પોતાના માલિકને પહોંચાડતો.

આ બે માળીઓમાંથી કયો માળી તેના માલિકને વધુ પ્રિય હશે? ભગવાન શિવ તે માલિક છે અને આ જગત તેનો બગીચો છે. બે પ્રકારના માળીઓ અહીં હોય છે; એક આળસુ અને દંભી માળી કે જે કાંઈ કરતો નથી, પરંતુ કેવળ ભગવાન શિવનાં સુંદર નેત્રો, નાક અને બીજાં અંગોનાં વર્ણન કર્યા કરે છે; જ્યારે બીજો માળી ભગવાન શિવનાં દીન-દુખિયાં અને નિર્બળ સંતાનો, સર્વ જીવજંતુઓ, અરે, તેમની આખી સૃષ્ટિની સંભાળ લે છે. ભગવાન શિવને આ બેમાંથી વધુ વહાલો કોણ હશે? અવશ્ય, તે જ કે જે ભગવાન શિવનાં સંતાનોની સેવા કરે છે. જે પિતાની સેવા કરવા માગે છે તેણે સૌથી પ્રથમ તેનાં સંતાનોની સેવા કરવી જોઈએ.

જે ભગવાન શિવની સેવા કરવા ઇચ્છે છે તેણે તેનાં સંતાનોની સેવા કરવી જોઈએ. તેણે સૌથી પ્રથમ આ જગતમાં બધાં પ્રાણીઓની સેવા કરવી જાઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે ઈશ્વરના ભક્તોની જે સેવા કરે છે તે તેના શ્રેષ્ઠ સેવકો છે. માટે તમે આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. (4.42)

Total Views: 132

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.