કેટલીકવાર આપણા અવચેતન મનમાં કેટલાક કલુષિત વિચાર અને કલુષિત ભાવનાઓ ઉદ્ભવે છે. જો આપણા અર્ધચેતન મનમાં આવા અપ્રિય વિચાર ઉદ્ભવે તો આપણે આપણી ભીતર બેઠેલ ઈષ્ટદેવને આવી પ્રાર્થના કરવી જોઈએ: ‘હે પ્રભુ! હું અસમર્થ છું. આ અપ્રિય વિચાર, કલુષિત ભાવનાઓ મારાં નથી. એ બધાં આપના જ છે. મારી પાસે જે કંઈ પણ છે તે બધું આપે જ આપેલું છે. એટલે હું અસહાય છું.’ આ વિશે ભગવાન શ્રીકૃષ્ણ અને અત્યંત ઝેરી કાલીનાગની વાર્તા યાદ કરી શકાય. ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે એક અત્યંત ઝેરી નાગ કાલીએ યમુના નદીના જળને પણ ઝેરીલું બનાવીને હાહાકાર મચાવ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણના ભક્તોએ શ્રીકૃષ્ણને આ દૈત્યને મારી નાખવા વિનંતી કરી. સદૈવ દયાળુ એવા શ્રીકૃષ્ણે પોતાના પ્રિય ભક્તોની આજીજી સાંભળી અને ભક્તોના રક્ષણ માટે આવ્યા. એમણે નદીમાં ઝંપલાવ્યું અને જ્યાં સુધી કાલીનાગ પોતાનું ઝેરીલું લોહી પોતાના મુખે ઓકવા ન મંડ્યો ત્યાં સુધી શ્રીકૃષ્ણ એ સાપની ફેણ પર નાચતા રહ્યા. આ કાલીનાગે પોતાના પૂર્વજન્મમાં જરૂર કોઈ પુણ્યકાર્ય કર્યાં હશે; નહિ તો તે ભગવાનના અવતારનો આવો સ્પર્શ કેવી રીતે પ્રાપ્ત કરી શકે. અને ઘેરી પીડાના સમયે પણ ઈશ્વર સમક્ષ હતો અને ઈશ્વરના પવિત્ર ચરણોમાં પડીને એણે પ્રાર્થના કરી: ‘હે પ્રભુ, હું માત્ર મારી જાતને આપનાં શ્રીચરણકમળમાં સમર્પિત કરું છું અને સાથે ને સાથે હું આપને કંઈક બીજું પણ આપું છું. આપના ભક્તો આપને ભિન્ન ભિન્ન પ્રકારની સામગ્રી ભેટ ધરે છે. મારી પાસે આપને સમર્પિત કરવા માટે આ વિષ સિવાય બીજું કંઈ નથી. એનું કારણ એ છે કે વિશ્વરચયિતા એવા આપે જ મને આ વિષ આપ્યું છે. હું એને જ આપનાં શ્રીચરણકમળમાં અર્પણ કરું છું.’ એ નાગને એ વાતનું પણ દુ:ખ થયું કે એની પાસે પ્રભુને સમર્પિત કરવા માટે આ ઝેરથી વધુ કંઈ સારું પણ નથી. શ્રીકૃષ્ણ તેમજ કાલીનાગની આ વાર્તાનું આધ્યાત્મિક મહત્ત્વ આવું છે: આપણી અંદર સારી અને ખરાબ બંને પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે. આપણે ઈશ્વર પ્રત્યે પૂર્ણપણે સમર્પણ કરવા સદૈવ તત્પર રહેવું જોઈએ. આપણે સારી અને ખરાબ અને બીજી દરેક ચીજવસ્તુને એમને જ ચરણે ધરી દેવી જોઈએ. આ પ્રકારની પૂર્ણ સમર્પણની ભાવના સાથે જ આપણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકીએ છીએ.
એક પૂર્વવર્તી અધ્યાયમાં સાંસારિક પ્રભાવોને નિષ્પ્રભાવી બનાવવા માટે એક સંદર્ભ લેવામાં આવ્યો હતો. જે સમાજમાં આપણે રહીએ છીએ તથા જે વાતાવરણમાં આપણે ઊછરીએ છીએ તે વિભિન્ન પ્રકારના દુષિત તેમજ સાંસારિક પ્રભાવોથી પૂર્ણપણે ભરેલું છે. આપણે એનાથી બચી ન શકીએ. જ્યાં સુધી આપણે એમને નિષ્પ્રભાવી ન બનાવીએ ત્યાં સુધી દુ:ખકષ્ટ સહેવાં પડશે અને આપણી પ્રગતિમાં બાધક એવા આ બધા દુષ્પ્રભાવોને દૂર કરવા વિશેષ પ્રયાસ નહિ કરીએ ત્યાં સુધી આપણા માટે આ જીવનમાં પરમલક્ષ્યની પ્રાપ્તિ સંભવ નથી. સાંસારિક પ્રભાવોને નિષ્પ્રભાવી કરવા માટે આપણે પોતાના સક્રિય જીવનની પ્રત્યેક ક્ષણને આધ્યાત્મિક બનાવવી પડશે. એનો અર્થ એ થયો કે આપણે પ્રત્યેક વસ્તુને દિવ્ય માનવી પડશે. આ અત્યંત કઠિન છે પણ સહાયક પ્રક્રિયા છે. વિવેક ચૂડામણિના શ્લોક ૩૧૬માં આ કઠિન કાર્ય કરવા માટે માર્ગ બતાવવામાં આવ્યો છે:
સર્વત્ર સર્વત: સર્વબ્રહ્મમાત્રાવલોકનૈ:।
સદ્ભાવ વાસનાદાઢ્ર્યાત્, તત્ ત્રયં લયમશ્નુતે॥
સદા અને સર્વત્ર અને સર્વ કોઈને બ્રહ્મના રૂપે જ જોવા જોઈએ. આ બ્રહ્મમય વાસના દૃઢ થઈ જાય પછી એ ત્રણેયનો લય થઈ જાય છે.
અહીં શંકરાચાર્ય કહે છે કે સાંસારિક પ્રભાવોને દૂર કરવાનો એક માત્ર ઉપાય છે કે પ્રત્યેક સ્થિતિમાં સદૈવ, પ્રત્યેક વસ્તુમાં કેવળ બ્રહ્મને જ અવલોકવા જોઈએ. ક્યારેક ક્યારેક આપણે સત્-અસત્-વિચારનો આશ્રય લઈએ છીએ અને પછીની જ ક્ષણે આપણે એમ કરવાનું ભૂલી જઈએ છીએ. આથી કામ નહિ થાય. જેમણે શ્રીરામકૃષ્ણના કથામૃતનું અધ્યયન કર્યું છે એમણે જોયું હશે કે કથામૃતના સંકલન કર્તા માસ્ટર મહાશય (મહેન્દ્રનાથ ગુપ્ત) જ્યારે શ્રીરામકૃષ્ણને દક્ષિણેશ્વર કાલીમંદિરમાં બીજી વાર મળ્યા ત્યારે શ્રીઠાકુરને એમણે ચાર પ્રશ્નો પૂછ્યા. પહેલો પ્રશ્ન હતો: ‘મહાશય, આપણે પોતાના મનને ઈશ્વરમાં કેવી રીતે સ્થિર કરી શકીએ?’ શ્રીરામકૃષ્ણે આ પ્રશ્નના ઉત્તરમાં કેટલીયે બાબતો બતાવી, એમાંથી એક મુખ્યવાત તેઓ માસ્ટર મહાશયના મનમાં ઉતારવા ઇચ્છતા હતા તે છે: ‘સદૈવ વિચાર કરતા રહો.’ એમણે ‘સદૈવ’ શબ્દને વિશેષ મહત્ત્વ આપ્યું હતું. આ વિશે શંકરાચાર્ય પણ કહે છે: ‘કોઈ પણ પરિસ્થિતિમાં ‘સર્વત:’ (સદૈવ) તથા ‘સર્વત્ર’ (સર્વ સ્થળે).’ જો એવું કરીએ તો આપણે સાંસારિક મોહમાયાના પ્રભાવોને ઘણી મોટી સીમા સુધી નિષ્પ્રભાવી બનાવવામાં સફળ થઈશું.
પરમ લક્ષ્યને પ્રાપ્ત કરવાની યાત્રામાં વાસનાઓ સૌથી મોટી બાધા છે. હવે વાસનાઓની પણ વૃદ્ધિ થઈ શકે છે. જો આપણે નિરંતર વિષયવાસનાઓમાં ફસાયેલા રહીએ, અને આપણે સાંસારિક આનંદની પાછળ ભાગતા રહીએ તો આપણે એના દાસ બની જશું. જો આપણે સદૈવ વિષયવાસનાઓનું ચિંતન કરતાં રહીએ તો તેઓ આપણા મનમાં ઇન્દ્રિયોને સંતોષતા પદાર્થો પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગશે તેમજ આપણે ઇન્દ્રિયોની ભિન્ન ભિન્ન પ્રકારની તૃપ્તિઓમાં લાગી જશું. પરિણામે ફરી પાછા જન્મમૃત્યુના ચક્રમાં ફસાઈ જવું પડે. હવે ઇચ્છાઓ કે વાસનાઓને ઉત્તેજિત કરવાના બે કારણો છે. આંતરિક ચિંતન તેમજ બાહ્ય કર્મ. સર્વપ્રથમ માનસિક લાલસા છે. હું આ પ્રાપ્ત કરવા ઇચ્છું છું. હું આ કે તે પદાર્થનો ઉપભોગ કરવા ઇચ્છું છું. સર્વપ્રથમ મનમાં વિચાર ઉત્પન્ન થાય છે. જે વાત ચિંતન સ્તર પર છે તે જ ધીમે ધીમે કર્મના સ્તર સુધી આવી જાય છે. એટલે લાલસા મનની અંદર ઉત્પન્ન થાય છે અને કર્મ બહાર.
આનું મૂળ કારણ છે જેને આપણે અહંકારના નામે ઓળખીએ છીએ. અહંકાર એટલો પ્રભાવી છે કે એ પહેલાં આંતરિક ઇચ્છાઓથી પછી બાહ્ય ક્રિયાકલાપોથી બુદ્ધિને પ્રભાવિત કરે છે. અહીં આ બાબત પર શંકરાચાર્યે બરાબર જ કહ્યું છે કે જ્યાં સુધી આપણને બાંધી રાખનારી બધા પ્રકારની બાધાઓને પૂર્ણતયા નષ્ટ કરવા માટે વિશેષ પ્રયાસ કરીશું નહીં એટલે કે, શરીરની સાથે અને પોતાના મનોદૈહિક અસ્તિત્વ સાથે એકીકરણ થાય નહિ ત્યાં સુધી આપણે જન્મમૃત્યુના ચક્રમાં ફસાતા રહીશું. તો એનો ઉપચાર શું છે? વિવેકચૂડામણિના ૩૧૪મા શ્લોકમાં શંકરાચાર્ય કહે છે:
સંસાર બન્ધ વિચ્છિત્ત્યૈતદ્ દ્વયમ્ પ્રદહેદ્યતિ:।
વાસના પ્રેર્યતે હ્યન્ત: ચિન્તયા ક્રિયયા બહિ:॥
એટલે સંસાર બંધનને કાપવા મુનિઓ આ બંનેનો નાશ કરે છે – વિષયોની ચિંતા અને બાહ્ય ક્રિયા એનાથી જ વાસનાની વૃદ્ધિ થાય છે.
અહીં એક સૂત્ર આપવામાં આવ્યું છે. આપણું લક્ષ્ય શું છે? આપણે પરમસત્ય પ્રાપ્ત કરવા ઇચ્છીએ છીએ. આપણે પોતાની ભીતર રહેલ દૈવી શક્તિને અભિવ્યક્ત કરવા માગીએ છીએ. આપણે ઈશ્વરની અનુભૂતિ ઇચ્છીએ છીએ. હવે ઈશ્વરની અનુભૂતિ પ્રાપ્ત કરવા આપણે કોઈ પણ રીતે પુનર્જન્મની લોખંડી સાંકળને તોડવાની છે. આ સાંકળ આપણને જન્મ અને મૃત્યુના કુચક્રમાં નાખતી રહે છે. તો આપણે શું કરવું જોઈએ? શંકરાચાર્ય કહે છે કે પ્રત્યેક વ્યક્તિએ ઈંદ્રિય સુખ વિશે ચિંતન તેમજ એના પર કર્મ કરવાં આ બંનેને બાળીને ભસ્મ કરી દેવા જોઈએ. જો આપણે એ વિશે વિચારતા રહીશું તો તે પછીથી શારીરિક ક્રિયાનું રૂપ ધારણ કરી લેશે અને એનાથી આપણી ઇચ્છાઓમાં ઘણી મોટી વૃદ્ધિ થશે. શંકરાચાર્ય બરાબર કહે છે કે જો આપણે પ્રત્યેક બંધનથી મુક્તિ મેળવવા ઇચ્છતા હોઈએ તો આપણે આ બંને શત્રુઓનો નાશ કરવો પડશે. આપણે વિષયવાસનાઓ વિશે વિચારવાનું નથી તથા ઈંદ્રિયો પ્રેરિત કર્મોથી બચવાનું પણ છે.
ઈંદ્રિયવિષયો વિશે નિરંતર વિચારતા રહેવાથી અને એમને કાર્યાન્વિત કરવાથી શું થાય છે? એનાથી આપણી ભીતર વધારે ને વધારે વાસનાઓની ઉત્પત્તિ થાય છે. હવે ક્યારેક ક્યારેક એવું પણ જોવામાં આવે છે કે આપણે ગમે તે કારણે કેટલીક ઈંદ્રિયોના વિષયોમાં સંલિપ્ત થવાનું ચૂકી જઈએ છીએ. છતાં પણ આપણે એ વિશે બધો સમય વિચારતા જ રહીએ છીએ. આવું કરવાથી આપણા નિયંત્રણમાં કેવળ એક ઢોંગ જ રહી જાય છે. એટલે એનાથી આપણી સમસ્યાનું સમાધાન થવાનું નથી. શા માટે? ભગવાન કૃષ્ણના શબ્દોમાં (ગીતા ૩.૬) કહીએ તો –
કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન્ ।
ઈંદ્રિયાર્થાન્ વિમૂઢાત્મા મિથ્યાચાર: સ ઉચ્યતે ॥
જે મનુષ્ય કર્મેન્દ્રિયોને બાહ્ય રીતે રોકીને મનથી ઈંદ્રિયોના વિશે વિચારતો રહે છે તે મૂઢ બુદ્ધિવાળો અને મિથ્યાચારી કહેવાય છે.
જો કે આપણે બાહ્ય રીતે એનાથી બચવા ઇચ્છીએ છીએ. છતાં પણ વ્યક્તિગત રૂપે આપણે ઈંદ્રિયવિષયોનું ચિંતન કરીએ છીએ, માનસિક રીતે આપણે એમને પ્રાપ્ત કરવા ઇચ્છીએ છીએ. આવા લોકોને પાખંડી કહેવાય. એટલે સત્-ચરિત્રનો દૃઢ પાયો નાખવો જોઈએ. એ ઉચિત કર્મમાં નિહિત છે અને જેનું નિર્માણ કેવળ સદ્વિચારો દ્વારા જ થઈ શકે છે. સંક્ષેપમાં વિષયચિંતન તથા તત્સંબંધિત બાહ્યકર્મ શક્તિશાળી વાસનાઓ દ્વારા જ પ્રભાવિત થાય છે. તેમજ એ શક્તિશાળી વાસનાઓથી નવી વાસનાઓની ખેડ ઉદ્ભવે છે. એ ખેડ આપણને અસંખ્ય જન્મમૃત્યુના ચક્રમાં ફસાવી દે છે. આ ઉપરાંત અવિદ્યા કે અજ્ઞાનને કારણે આપણે ઈંદ્રિયોની તૃપ્તિનું જીવન જીવતાં જીવતાં અનંત દુ:ખ અને કષ્ટ ભોગવતાં રહીએ છીએ. જો આપણે આનાથી બચવું હોય કે વિષયચિંતન અને તત્સંબંધિત બાહ્યકર્મોથી બચવા માગતા હોઈએ તો આપણે શું કરવું? આપણે પોતાના દૈનિક જીવનને આધ્યાત્મિક બનાવવાનો અભ્યાસ કરવો જોઈએ.
આપણા ગુરુ દ્વારા દર્શાવેલી પદ્ધતિથી આધ્યાત્મિકતાનો અભ્યાસ કર્યા પછી એવી પણ પળ આવે છે કે જ્યારે આપણે શિખર સુધી પહોંચી ગયા છીએ એવું આપણને લાગે છે. ક્યારેક ક્યારેક આવો પણ આભાસ થાય છે. પરંતુ આપણે આ બાબત પર એટલો વિશ્વાસ ન રાખવો જોઈએ. આપણે ભ્રાંતિમાં જ પરિશ્રમ કરી રહ્યા હોય એવું પણ બની શકે છે. આ તત્ત્વને સ્પષ્ટ કરવા સ્વામી વિવેકાનંદે ‘મારા ગુરુદેવ’ એ શીર્ષક હેઠળ ન્યુયોર્કમાં આપેલાં વ્યાખ્યાનમાંથી અહીં એક ગદ્યાંશ આપું છું:
‘થોડી ક્ષણ માટે અમને એવું જણાય છે કે આપણા માટે સ્વર્ગના દ્વાર ઊઘડી જશે અને એવું પણ પ્રતીત થાય છે કે આપણે સ્વર્ગીય દિવ્ય પ્રકાશમાં તન્મય બની જઈશું. પરંતુ વળી થોડીવાર પછી આપણાં પાશવિક અંશ આપણને આ દૈવી દૃશ્યોથી દૂર ફેંકી દે છે. આપણે વળી પાછા પશુ જેવી નિમ્નદશામાં પહોંચી જઈએ છીએ અને ખાવા, પીવા, મરવા, જન્મ લેવા અને વળી પાછા ખાવા-પીવામાં વ્યસ્ત બની જઈએ છીએ.’
આપણે થોડાઘણા આનંદનો અનુભવ કર્યો છે એવું ક્યારેક ક્યારેક જણાય છે તો આપણે ગર્વથી છલકી જઈએ છીએ. ના, આપણે આવું ન કરવું જોઈએ. એનું કારણ એ છે કે એ બધી બાહ્ય ઊંચાઈ છે, વાસ્તવિક ઊંચાઈ નથી તેમજ ત્યાં આપણે સ્થાયી રૂપે સુરક્ષિત રહીને ઊભા રહી શકતા નથી. આપણે ફરીથી પતન પામી શકીએ ખરા. તો આપણે શું કરવું જોઈએ? આપણે અત્યંત સતર્ક અને જાગ્રત રહેવું જોઈએ. પરમ લક્ષ્યની પ્રાપ્તિની યાત્રા દરમિયાન જો આપણે એક વાર પણ પોતાની જાતને બહિર્મુખી થવાની અનુમતિ આપી દીધી તો પછી આપણી અવનતિ શરૂ થઈ જશે. એનું કારણ એ છે કે તરત જ અહંના હસ્તક્ષેપને લીધે ઈંદ્રિય-વિષય આપણી ચોતરફ વધુ ઘેરો ઘાલીને આપણને આકર્ષતા રહે છે. આપણી ભીતર વળી પાછી ભયંકર વાસનાઓ ઉદ્ભવશે અને વળી પાછા એકવાર આપણે પતનની ઊંડી ખાઈમાં ચાલ્યા જઈશું. આપણી સાધના કેવળ સમય તેમજ શક્તિની બરબાદી બનીને રહી જશે. એટલે આપણે ખૂબ સાવધાન રહેવું જોઈએ. તે એક હારમાળા જેવી છે. એમાં વિચારો પછી કાર્યો દ્વારા અનુસરણ થાય છે. ક્યારેક ક્યારેક આપણી ભીતર કામુક ઇચ્છાઓ અને વિચાર ઉત્પન્ન થાય છે. વિચાર આપણા મન પર આક્રમણ કરે છે, આપણને જીતી લે છે અને ત્યારે આપણે આવા જ વિચારોને પ્રોત્સાહિત કરીએ છીએ. એ વખતે આપણે કામુક વિચારોને કાર્યાન્વિત થતાં રોકી શકતા નથી. જ્યારે આવા વિચારોને પ્રોત્સાહન આપવામાં આવે ત્યારે વિચાર કાર્યરૂપે પરિણમે છે. ક્યારેક ક્યારેક ખરાબ ઇચ્છાઓ આપણા મનમાં ઉદ્ભવે છે, પરંતુ જો આપણે પોતાની ઇચ્છાશક્તિના પ્રયાસથી એને પ્રોત્સાહિત ન કરીએ તો આપણે કામુક કાર્યોથી મુક્તિ મેળવી શકીએ છીએ. ધારો કે કોઈ ખરાબ વિચાર આપણા મનમાં આવે તો એને પ્રોત્સાહિત ન કરવો જોઈએ. આનાથી વિપરીત આપણે સાક્ષીભાવનાથી એ કામુક વિચારને દૈવી વિચારમાં પરિવર્તિત કરી દેવો જોઈએ, તેમજ ઈશ્વરના નામનું સ્મરણ કરવું જોઈએ. બે ઘટનાઓના ઉત્તમ માધ્યમથી આ વાતની વ્યાખ્યા કરી શકાય છે: એક ભગવાન બુદ્ધના જીવનથી તથા બીજી ભગવાન શ્રીરામકૃષ્ણના જીવન દ્વારા. એ બંને ભગવાનના અવતાર છે. ભગવાન બુદ્ધના જીવનમાં એવું બન્યું કે એકવાર એક ચરિત્રહીન નારી ભગવાન બુદ્ધના સૌંદર્યથી મોહિત થઈને બદનજરે અરધી રાતે મહેલમાં ચાલી ગઈ. તે ભગવાન બુદ્ધને વિમોહિત કરવા ઇચ્છતી હતી તેમજ જ્યાં તેઓ રહેતા હતા એ મહેલના દરવાજાને મધરાતે તેણે ખખડાવ્યો. ભગવાન બુદ્ધ બહાર આવ્યા અને એમણે પેલી સ્ત્રીને આવવાનું કારણ પૂછ્યું. તેઓ તે નારીની દુષ્ટભાવનાને તત્કાળ સમજી ગયા. એ નારીએ કહ્યું: ‘હું આપના માટે થોડાં ફળ તેમજ ઉપહાર લાવી છું.’ વાસ્તવિક રીતે તે નારી તો ભગવાન બુદ્ધને મોહિત કરવા આવી હતી. એમણે બહાર આવીને એ નારીને સ્નેહપૂર્વક કહ્યું: ‘મા, આપનો આ પુત્ર આપને માટે શા કામમાં આવી શકે?’ બુદ્ધને મોહિત કરવા આવેલી અને જેની ભીતર કામાગ્નિ ધધકતો હતો એવી બિચારી પેલી નારી તો બુદ્ધના – ‘મા, આપનો આ પુત્ર આપને માટે શા કામમાં આવી શકે?’ – આ શબ્દો સાંભળીને હતપ્રભ બની ગઈ. એ સ્ત્રી તો શરમની મારી મૂંઝાઈ ગઈ અને કંઈ બોલી ન શકી. આવા જ પ્રકારની એક ઘટના શ્રીરામકૃષ્ણના જીવનમાં પણ ઘટી હતી. એમણે દક્ષિણેશ્વરમાં સાધનાના પહેલાં ચાર વર્ષ જ હજુ પૂરાં કર્યાં હતાં. એ સમયે ગમે તે રીતે રાણી રાસમણિ અને એમના જમાઈ મથુર બાબુના મનમાં એક સંદેહ ઊભો થયો. કારણ કે શ્રીરામકૃષ્ણ સ્વાભાવિક જીવન જીવતા ન હતા. એમણે વિચાર્યું કે તેઓ અત્યંત ઉચ્ચ સ્તર પર વિરાજમાન છે અને પૂર્ણપણે બ્રહ્મચારીજીવન જીવી રહ્યા છે. કદાચ એટલે જ તેઓ અસ્વાભાવિક વ્યવહાર કરે છે. એટલે મથુરબાબુએ કોલકાતાના મેછુઆ બજારના એક કુટુંબમાં રહેતી લક્ષ્મીબાઈ અને અન્ય વારાંગનાઓ દ્વારા એમના બ્રહ્મચર્યનો ભંગ કરવાની યોજના ઘડી. પરંતુ જે રીતે ભગવાન બુદ્ધે પેલી સ્ત્રીને કહ્યું હતું : ‘મા, આપનો આ પુત્ર આપને માટે શા કામમાં આવી શકે?’ શ્રીરામકૃષ્ણે લક્ષ્મીબાઈ તથા અન્ય વારાંગનાઓમાં જગન્માતાને નિહાળ્યાં અને તેઓ બોલી ઊઠ્યા: ‘મા, મા.’ પેલી વારાંગનાઓ એમના ચરણોમાં પડી ગઈ અને ક્ષમાયાચના કરતાં કરતાં વારંવાર પ્રણામ કરવા લાગી.
જેટલા આપણે પૂર્વ દિશામાં આગળ વધીશું પશ્ચિમ દિશા સ્વત: પાછળ હટતી જશે. વર્તમાનમાં આપણે અનિત્ય, અનાત્મ સાથે તાદાત્મ્ય સાધીને જીવન વ્યતીત કરીએ છીએ. મૂળત: અને સ્વરૂપત: આપણે આત્મા છીએ. આપણે સત્-ચિત્-આનંદ છીએ. પરંતુ આપણે આપણી પોતાની દૈવી સત્તાને ભૂલી ગયા છીએ. આપણે જૈવિક સત્તા પ્રત્યે સચેત છીએ તેમજ અસત્ અને મનોદૈહિક અસ્તિત્વમાં રહીએ છીએ. આ રીતે આપણે અસત્ વાસનાઓમાં ફસાતા જઈએ છીએ. જો કે આ વાસનાઓ આપણા મનમાં પ્રભાવી રહે છે. આ અસત્ વાસનાઓ પર સદ્ વાસનાઓની સહાયથી વિજય મેળવવો જોઈએ. આપણે એ વાતને સુનિશ્ચિત કરી લેવી જોઈએ કે આપણે કોઈ પણ પ્રકારે અશુભ તેમજ ઈંદ્રિયાસક્ત વિચારોમાં લિપ્ત ન બની જઈએ. આપણા બધામાં વાસનાઓ રહેલી જ છે. કેટલીક વાસનાઓ બીજના રૂપે રહે છે અને એને અનુમતિ મળી જાય તો તે ઊગી નીકળે છે, વૃદ્ધિ પામે છે અને ફળેફૂલે છે. વ્યક્તિ પોતાની જાતને અસહાય બનાવે છે અને કહે છે અરે! મારી ભીતર આટલી બધી શક્તિશાળી વાસનાઓ છે એ બધી મને ઊંડી ખાઈમાં લઈ જઈ રહી છે. હું હવે એમનાથી બચી શકું તેમ નથી. હવે જ્યારે પણ આ વાસનાઓ બીજરૂપે હોય છે ત્યારે આપણે એને સમાપ્ત કરવા અને એને નિયંત્રણ રાખવા તથા દબાવી દેવાનો પ્રયાસ કરવો જોઈએ. સાથે ને સાથે આપણે એને આગળ વધવાની છૂટ ન આપવી જોઈએ, કારણ કે એવું કરવાથી આ પ્રકારની અન્ય અસત્ વાસનાઓ આપણી ભીતર ઉત્પન્ન નહિ થાય. એટલે શંકરાચાર્ય કે જેઓ એક દાર્શનિક હોવાની સાથે મહાન મનોવૈજ્ઞાનિક પણ હતા એમણે વિવેક ચૂડામણિ શ્લોક ૩૧૨માં આમ કહ્યું છે:
કાર્ય પ્રવર્ધનાદ્ બીજપ્રવૃદ્ધિ: પરિદૃશ્યતે ।
કાર્યનાશાદ્ બીજનાશ: તસ્માત્ કાર્યં નિરોધયેત્ ॥
કાર્યના વધવાથી તેના બીજની વૃદ્ધિ થતી જોવા મળે છે. અને કાર્યનો નાશ થવાથી બીજ પણ નાશ પામે છે એટલે કાર્યનો જ નાશ કરી નાખવો જોઈએ.
જ્યારે ‘કાર્ય’ વિકસિત બને છે ત્યારે બીજ વૃદ્ધિ માટે પ્રયાસ કરે છે તેમજ જ્યારે ‘કાર્ય’ નાશ પામે છે ત્યારે બીજનો પણ નાશ થઈ જાય છે. એટલે કાર્યોનો વિનાશ કે તેનું દમન કરવું પડશે. જ્યારે બીજને અંકુરિત થવાનો અને તેને વિશાળ વૃક્ષ બનવાનો અવસર આપવામાં આવે તો પાક તો થવાનો જ અને એમાં ઢગલાબંધ બીજ પણ ઉત્પન્ન થશે. જો વૃક્ષનો જ નાશ કરી દેવાય તો બીજનો પાક આવે નહિ. તો હવે આપણે શું કરવું જોઈએ? આપણે કાર્યોને રોકવાં પડશે ત્યારે જ એનું કારણ સમાપ્ત થશે. કારણ કાર્યનો ક્રમ ક્યારેય સમાપ્ત થતો નથી. જ્યારે આ દેહ વાસનાઓને વ્યક્ત કરવામાં અસમર્થ બની જશે ત્યારે આપણે નવા દેહની સહાયતા લેવી પડશે. નવા શરીરનો અર્થ છે – નવી વાસના અને પુન: એક નવો દેહ – આ ક્રમ ચાલતો જ રહેવાનો. આ કુચક્રને તોડવા આપણે વાસનાઓની સાથે સીધે સીધું વધુ કંઈ પણ કરી શકતા નથી. અને જો આપણે એમ કરવાનો પ્રયત્ન કરીએ તો અંતે આપણને જોવા મળશે કે જ્યાં સુધી એને સમૂળી નષ્ટ કરવામાં ન આવે ત્યાં સુધી એ વાસનાઓનો પુનર્જીવિત થવાનો અવસર મળી શકે છે. આપણા દૈનિક જીવનના એક ઉદાહરણથી આ વાત સ્પષ્ટ થઈ જશે. ધારો કે કેટલાક માળીઓને ફૂલોના ઉપવનમાંથી ઘાસ કાઢવાનું કહેવાય છે. તેઓ ઘાસ કાપવા અને ઉખેડવામાં લાગી ગયા છે પરંતુ પછીના દિવસે સવારે માળી એ ઘાસને કાઢવામાં અશક્તિમાન બની જાય છે. એનું કારણ એ છે કે એનાથી તો વધારે ઘાસના અંકુરો ફૂટી નીકળે છે. હવે આનો ઉપાય શો? આપણે ઘાસને મૂળ સાથે કાઢી નાખવું પડશે. પરંતુ ઘાસને મૂળિયાં સાથે કાઢી નાખ્યા પછી પણ આપણને જોવા મળે છે કે બગીચાના કોઈ એક ખૂણામાં નવા તણખલાં ઊગી ગયાં છે. કદાચ કેટલાંક બીજ ત્યાં ઉગ્યા વિના વિખરાયેલાં પડ્યાં હશે. આ રીતે જો આપણે વિભિન્ન પ્રકારની વાસનાઓને લાભકારી વિચારોમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરતા રહીએ તો પણ આપણને જોવા મળશે કે કેટલીક અવાંછિત વાસનાઓ ગમે તે રીતે ફરીથી ઊગે છે અને વિકસે છે. એનું કારણ એ છે કે કેટલીક ગુપ્ત વાસનાઓ આપણી ભીતર રહી જાય છે. અનુકૂળ પરિસ્થિતિઓમાં તક મળતાં જ એ બધી વાસનાઓ ફરીથી જાગ્રત થઈ જાય છે.
એટલે આપણે ક્યારેય શિથિલ ન થવું જોઈએ. આપણે એની છટણી કરતા રહેવું જોઈએ. સાથે ને સાથે આપણા અતીતના અશુભ સંસ્કાર ઓછા થઈ રહ્યા છે કે કેમ એ પણ જોતા રહેવું જોઈએ. એટલે આ પ્રયાસોની સાથે આપણે જેનાથી જેમ ઘાસફૂસ દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ એવી કેટલીક સકારાત્મક મનોવૃત્તિનું સર્જન આપણે કરતાં રહેવું જોઈએ. જ્યારે બગીચો ઘાસફૂસથી મુક્ત થઈ જાય ત્યારે આપણે એમને સ્થાને કેટલાં સારાં પુષ્પ અને ફળ આપતાં છોડ-વૃક્ષ લગાડવાં જોઈએ. આ રીતે બધા ઈંદ્રિયાસક્ત વિચારોને સમાપ્ત કરવાં જોઈએ અને એની સાથે સકારાત્મક સદ્ગુણોનું સર્જન પણ કરવું જોઈએ.
(ક્રમશ:)
Your Content Goes Here




