આજે સ્વામી વિવેકાનંદની શતાબ્દી – જન્મ જયંતી છે. એમના જન્મને આજે સો વર્ષ પૂરાં થયાં. તેઓ જીવ્યા તો બહુ ઓછું. ૪૦ વર્ષ પૂરાં નહોતાં થયાં પણ એટલા અલ્પ આયુષ્યમાં પણ તેઓ મોટું પરાક્રમ કરતા ગયા. પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પણ કરીને પૂર્ણ નિર્ભયતાથી તેમણે કામ કર્યું. શાંકર વેદાંતમાં આ યુગમાં આટલું પરાક્રમશીલ વ્યક્તિત્વ કદાચ બીજા કોઈનું નહીં મળે. પોતાના જમાનામાં અને પોતાના પ્રદેશમાં પ્રભાવ પાડનારાં કેટલાંક નામ જીભે ચડશે. પરંતુ આધુનિક જમાનામાં એકદમ ધ્યાન ખેંચનારો વેદાંતનો આટલો મહાન આચાર્ય બીજો કોઈ ધ્યાનમાં આવતો નથી.
વેદાંત સાથે ભક્તિનો સમન્વય એ શાંકર વિચાર માટે કાંઈ નવી ચીજ ન મ્હેવાય. શંકરાચાર્યે પોતે જ પંચાયતની-પૂજાની સ્થાપના કરીને ઉપાસના સમન્વય કર્યો. એ જમાનાને માટે એટલો ઉપાસના-સમન્વય પર્યાપ્ત હતો. પરંતુ આધુનિક જમાનામાં તે પૂરતો નહોતો. તેથી તેમાં ઈસ્લામ, ખ્રિસ્તી વગેરે ઉપાસનાઓ જોડવાનું કામ આ યુગમાં શ્રીરામકૃષ્ણ પરમહંસે કર્યું. વિવેકાનંદ એમના સર્વોત્તમ શિષ્ય હોવાને કારણે આ ઉપાસના-સમન્વય એમને પોતાના ગુરુ પાસેથી સહજ પ્રાપ્ત થયો હતો.
વિવેકાનંદે જે વિશેષ વાત કરી તે એ કે અદ્વૈત સાથે પરમેશ્વરની વિવિધ ઉપાસનાઓનો સમન્વય થતો તેમાં એમણે દરિદ્રનારાયણની સેવા પણ જોડી દીધી. આ “દરિદ્રનારાયણ” શબ્દ પણ એમનો દીધેલો છે. પ્લેગના દિવસોમાં મહારાષ્ટ્રમાં જેમ લોકમાન્ય ટિળકે, તેમ બંગાળમાં વિવેકાનંદે પ્રત્યક્ષ સેવાનું ઘણું કામ કર્યું હતું. એમ અદ્વૈત વિચારને દરિદ્રનારાયણની સેવા સાથે જોડવાની પ્રક્રિયા વિવેકાનંદની હતી. આ “દરિદ્રનારાયણ” શબ્દ લોકમાન્યને બહુ પ્રિય હતો. દેશબંધુ ચિત્તરંજન દાસે પણ તેને પ્રચલિત કર્યો. ત્યાર બાદ એ શબ્દ ઘેરઘેર પહોંચાડવાનું કામ અને તદનુસાર આખો રચનાત્મક કાર્યક્રમ ઊભો કરવાનું કામ મહાત્મા ગાંધીએ કર્યું.
લોકમાન્ય ટિળક અને વિવેકાનંદની આધ્યાત્મિક પ્રતિભામાં ઝાઝો ફરક નહોતો, સિવાય કે લોકમાન્ય કર્મયોગના ક્ષેત્રમાં, અને ખાસ કરીને રાજકારણના ક્ષેત્રમાં, જેમ પ્રત્યક્ષ કામ કર્યું તેમ પ્રત્યક્ષ કામ વિવેકાનંદે નહોતું કર્યું. મહાત્મા ગાંધી અને વિવેકાનંદની પ્રતિભા પણ એકરૂપ હતી. મહાત્મા ગાંધી લોકમાન્યથી અધિક અંતરનિષ્ઠ હતા. એટલે, બાહ્ય જીવનકાર્યમાં, તેઓ વિવેકાનંદની વધુ નજીક આવે છે. મહાપુરુષોની તુલના ન કરવી જોઈએ. એવી તુલના ન તો યોગ્ય છે, કે ન એની કંઈ જરૂર છે. આ તો ભારત પર જેમનો અત્યંત ઉપકાર છે એવા આ મહાપુરુષોનું સહજ સ્મરણ કર્યું.
ભારતીય વેદાંતને સંબંધ છે સુધી અદ્વૈત સાથે માનવસેવાને જોડવાનું કામ સૌથી પ્રથમ વિવેકાનંદે કર્યું એમજ માનવું જોઈએ. આ એક બહુ મોટી બાબત તેમણે કરી. તેને પરિણામે અદ્વૈત તત્ત્વજ્ઞાન, તત્સાધક ભિન્ન-ભિન્ન ઉપાસનાઓ અને તત્પ્રકાશક ભૂતસેવા, એવી રીતનો જીવનમાં એકરસ વિચાર ભારતને મળી ગયો.
વિવેકાનંદ ભગવદ્ગીતાના પરમ ઉપાસક હતા પણ આજે ગીતાનું ગૌરવ ગાવાનો લોભ ઝાઝો નહીં રાખું, કેમ કે, આજે તો વિવેકાનંદે ભારતને જે દાન આપ્યું છે, તેનું એમના શતવાર્ષિક જન્મદિન નિમિત્તે સ્મરણ કરી રહ્યો છું.
પરાધીન ભારત દેશમાં જન્મેલો એક ત્રીસ-બત્રીસ વર્ષનો યુવક, એક પરદેશી ભાષામાં પારંગત બનીને સંન્યાસીના રૂપમાં શિકાગોની વિશ્વ-ધર્મ-પરિષદમાં ઊભો થાય છે અને ભારત તરફથી વેદાંતની ગર્જના સંભળાવે છે. આ ઘટનાથી ભારતની અને આપણા સહુની દુનિયામાં જે ઉન્નતિ થઈ, તેને ગુલામી-કાળમાં મૃતપ્રાય જીવન જીવતી ભારતીય જનતાને જેમણે જોઈ છે તેઓ કદી ભૂલી શકશે નહીં.
વિવેકાનંદે ગુરુસેવાનો પણ આદર્શ સામે રાખ્યો છે. એ જો કે આપણે માટે નવો તો નથી, પણ આ જમાનામાં જયારે ચિકિત્સક તાર્કિક વૃત્તિ બધે ફેલાયેલી હતી અને આજેય છે, ત્યારે એ આદર્શ બહુ જરૂરી છે. પૂજ્યપાદ ગોવિંદ ને શંકરાચાર્યની, નિવૃત્તિનાથ ને જ્ઞાનદેવની, આસામમાં શંકરદેવ ને માધવદેવની જેવી જોડી છે, તેવીજ આ જમાનાની આધુનિક જોડી છે રામકૃષ્ણ ને વિવેકાનંદ.
આજ કાલ જે શિક્ષણ શાળા-કૉલેજોમાં અપાય છે તેમાં ગુરુ-શિષ્ય સંબંધ માટે લગભગ અવકાશ જ નથી રહ્યો એમ કહેવું જોઈએ. આજનો શિક્ષક લગભગ પુસ્તકને સ્થાને આવી ગયો છે. જેમ પુસ્તકની મદદ મળે છે તેમ શિક્ષકની મદદ મળે છે. ગુરુ એ તો જુદીજ વસ્તુ છે.
આ ગુરુ-શિષ્યની ભાવના, કે જે પ્રાચીન ગુરુકુળોમાં હતી તે હવે એક સ્મરણીય વસ્તુ માત્ર રહી ગઈ છે. પરંતુ એનું ઉત્કટ સ્વરૂપ શ્રીરામકૃષ્ણ ને વિવેકાનંદના અન્યોન્ય સંબંધમાં આપણને જોવા મળે છે.
વિવેકાનંદ પ્રચારક હતા એ તો જાણીતું જ છે. એટલે જેમ સંત પૉલમાં આપણને આવેશ દેખાય છે તેમ એમનામાં પણ જોવા મળે છે, પરંતુ આ આવેશ છતાંયે સંત પૉલની જેમ વિવેકાનંદે પણ સમત્વ ખોયું નહોતું, અંતસ્તલમાં સમત્વ જાળવી રાયું હતું. એક અદ્વૈતી માટે એમાં કશું આશ્ચર્ય નથી, કેમ કે જે સમત્વ ગુમાવે છે તે અદ્વૈત જ ગુમાવે છે. પરંતુ અદ્વૈતમાં આવેશ પણ આવી શકે છે તે ત્યાં સંત પૉલે, અહીં શંકરાચાર્યે અને આ જમાનામાં વિવેકાનંદે બતાવ્યું. આ આવેશ કેવળ શબ્દાવેશ નહિ, કોઈ એકાંગી કલ્પનાવેશ નહિ, તે ભગવદાવેશ છે. આ આવેશનો પ્રવેશ જેના જીવનમાં થયો, એનું આખુંયે જીવન ભાવનાભાવિત થાય છે અને એને કઠોર પરિશ્રમનો કોઈ થાક જણાતો નથી. મહાપુરુષનું સ્મરણ કરવામાં પાવનકારી આનંદ મળે છે. પરંતુ એને હૃદયમાં જ ગોપાવીને વધુ વિસ્તાર હું નહિ કરું.
(આસામ યાત્રા, તા. ૧૪-૮-’૬૨ના વિનોબાના પ્રવચનમાંથી સાભાર સંકલિત.)
Your Content Goes Here




