લોકશાહી પ્રક્રિયાની સાથે સાથે બહાર આવતા અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા એવા મોટા પરિવર્તનને ખ્રિસ્તીઓએ અને મુસ્લિમોએ સ્વીકારવું પડશે. સ્વતંત્રતા કરતાં સત્તાને મહત્ત્વ આપનાર ધર્મ લોકોના મનને શાંતિ અને સ્વસ્થતા નહિ આપી શકે. એવો ધર્મ એની ગતિશીલતા ગુમાવી દેશે. એકેશ્વરવાદ સમ્રાટોના હાથમાં એક મુખ્ય શસ્ત્ર હતું. સમ્રાટોના આપખુદી ગઠબંધન વિના એકેશ્વરવાદનો પ્રસાર થયો ન હોત. રાષ્ટ્રોની રાજવહીવટની કલામાં રાજાશાહીનો એક સંસ્થા તરીકે ધીમે ધીમે અસ્ત થતાં, એકેશ્વરવાદના ઉત્સાહી સમર્થકો રહ્યા નથી. હિંદુઓના અનેકદેવવાદ અને બૌદ્ધોના નાસ્તિકવાદની યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસ્લિમો દ્વારા જે પ્રણાલિકાગત વિવેચના થતી હતી તેની તીવ્રતા હવે રહી નથી. નવા યુગમાં હિંદુઓની દલીલોએ એક નવી સચોટતા ધારણ કરી છે. ઘણી સદીઓ સુધી ખ્રિસ્તીઓએ અને મુસ્લિમોએ હિંદુઓના ધાર્મિક વિચારોને અણઘડ અને વિશિષ્ટ દરજ્જો આપવાને લાયક ન હોય એવા માનીને સ્વીકાર્યા ન હતા. ગુલામીની ઘણી સદીઓ સુધી ખ્રિસ્તીઓ અને મુસ્લિમોએ હિંદુઓના ધાર્મિક વિચારોની અવગણના કરી હતી. હિંદુઓની રાજકીય સ્વતંત્રતા પછી ચિત્ર બદલાઈ ગયું છે, હિંદુઓના ધાર્મિક અનુભવની અગાધતા અને ધાર્મિક વિચારોની સચોટતાને ગૌરવ પ્રાપ્ત થયું છે. હકીકતમાં હિંદુઓનાં ધાર્મિક વલણો અને સિદ્ધાંતોના સુસ્પષ્ટ નિરૂપણમાં એવું ઘણું છે કે જે સમગ્ર માનવજાતના ધર્મો સાથે સુમેળ ધરાવે છે. એ સુમેળ દર્શાવતા અમુક મુદ્દાઓ અહીં આપ્યા છે.
સભાનતા અને ખૂબ જ વિચારપૂર્વક સાધેલી જુદી જુદી ધાર્મિક માન્યતાઓનો સુમેળ, સિદ્ધાંતનો ઉચ્છેદ કરવાના વલણની ગેરહાજરી; વિરોધી વલણોનું સંમિશ્રણ; એક જ પ્રણાલિકામાં અનેકદેવવાદ અને એકેશ્વરવાદનું સમાધાન; બૌદ્ધિક અનાસક્ત વ્યવહાર, ધાર્મિક આત્મનિરીક્ષણ; મનુષ્યની નૈતિક આવશ્યકતાઓની સાથે તેની માનસિક આવશ્યકતાઓની અગત્યનો સ્વીકાર; શાકાહારની પ્રથા; ઈશ્વરમાં માતૃશક્તિનું આરોપણ અને તેનું પૂજન; આ પૃથ્વી પર ઈષ્ટ અને અનિષ્ટ જોડાયેલા છે તે હકીકતનો સ્વીકાર; સમયની ઘટમાળ વારાફરતી આવ્યા કરે છે એ મંતવ્યનો સ્વીકાર, દૈવી પ્રયોજનમાં ઈશ્વરની લીલાનો (sport) એક પાયાના તત્ત્વ તરીકે સ્વીકાર.
આ વિચારો અને વલણો પર આજે ચિંતન કરવાની જરૂર છે. ખ્રિસ્તીઓ અને મુસ્લિમો સામાન્ય રીતે આ વિચારો અને વલણોને ગંભીરતાથી લેતા નથી. હઠાગ્રહી આપખુદી એવા વલણની સાથે જો ખ્રિસ્તીઓ અને મુસ્લિમો આપખુદી રાજાશાહી એકેશ્વરવાદને કલકલ ચાલુ રાખશે તો તેઓ સમયના વહેણની પાછળ રહી જશે. ધર્મની અસ્મિતાનું લોકશાહીકરણ કેવી રીતે કરવું તે બાબત ઉપર બધા ધાર્મિક સમુદાયોએ ધ્યાન આપવું પડશે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે સમાનતાનું ધોરણ અપનાવવું પડશે. ઈશ્વરની સ્તુતિ કે જે ઈશ્વરનો એક રાજા તરીકે ઉલ્લેખ કરે તે હવે લોકોને આકર્ષી શકશે નહિ, કારણ કે રાજાઓ પોતે જ હવે લોકપ્રિય રહ્યા નથી. રાજાશાહીનો યુગ પૂરો થયો છે. લોકો હવે ઈશ્વરમાં મૈત્રીભાવનું આરોપણ કરશે અને એ રીતે તેનું પૂજન કરશે.
આજે સત્તાના રાજકારણ અને ધર્મ વચ્ચે ઘણો સંબંધ છે. ધાર્મિક નેતાગીરીમાંથી અપ્રમાણિકતા દૂર કરવા માટે વૈજ્ઞાનિકો અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતમાં માનનાર વ્યક્તિઓએ ઘણો ફાળો આપ્યો છે. પણ અત્યારે ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતમાં માનનાર વૈજ્ઞાનિકોમાં પણ એક પ્રકારની ઉદૃંડતા જોવા મળે છે કે જે ભૂતકાળમાં ધર્મગુરુઓની વર્તણૂકમાં જોવા મળતી હતી. વિજ્ઞાન અને બુદ્ધિને વધુ પડતી સ્વતંત્રતા અપાઈ છે. મનુષ્યની અસ્મિતાના પરિબળોને છૂટાં મૂકવાનો સમય આવી પહોંચ્યો છે. આજના બૌદ્ધિકોમાં સુક્ષ્મદૃષ્ટિ અને દક્ષતાનો અભાવ છે. ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતમાં માનનાર વૈજ્ઞાનિકોમાં તેજસ્વિતા અને મનની મોટાઈ ભાગ્યે જ જોવા મળે છે. વ્યવહારદક્ષતા ન ધરાવતા (unsophisticated) શ્રીરામકૃષ્ણ શું ઉત્કૃષ્ટ માનસિક શક્તિ ધરાવતા વૈજ્ઞાનિક ન હતા? પરમ આનંદથી ભરેલી તેઓશ્રીની જિંદગીમાં આપણે ધર્મ અને વિજ્ઞાનનું સુંદર સુમિશ્રણ જોઈએ છીએ.
ભાષાંતર : શ્રી સી.એમ. દવે
(‘God of All’ પુસ્તકમાંથી સાભાર)
Your Content Goes Here




