સ્વામી વિવેકાનંદ સાથે વાર્તાલાપ
સ્થળ : બેલુર મઠની ભાડાની જગ્યા, સને ૧૮૯૮
આજે સવારે શિષ્ય મઠમાં આવ્યો છે. સ્વામી વિવેકાનંદજીના ચરણસ્પર્શ કરીને જેવો તે ઊભો થયો કે તરત જ સ્વામીજીએ કહ્યું : ‘તેં હજુ પણ શા માટે નોકરી કરવાનું ચાલુ રાખ્યું છે ? કોઈ વેપારધંધામાં શા માટે નથી પડતો?’ શિષ્ય તે દિવસોમાં એક કુટુંબમાં ખાનગી શિક્ષકની નોકરી કરતો હતો.
શિક્ષણના ધંધા વિશે પૂછવામાં આવતાં સ્વામીજીએ કહ્યું : ‘જો છોકરાઓને ભણાવવાનો ધંધો માણસ લાંબો સમય કરે તો તેની બુદ્ધિ જડ બની જાય છે; તેનો વિકાસ થતો નથી. જો કોઈ રાતદિવસ છોકરાઓના ટોળામાં રહે તો ધીરે ધીરે તેની બુદ્ધિ જાડી થતી જાય છે. માટે છોકરાઓને ભણાવવાનું છોડી દે.’
શિષ્ય : તો પછી મારે શું કરવું ?
સ્વામીજી : કેમ, જો તું સંસારી જીવન જીવવા માગતો હો અને કમાવાની તૃષ્ણા હોય તો અમેરિકા જા. ધંધા અંગે હું તને માર્ગદર્શન આપીશ. તને અનુભવ થશે કે પાંચ વર્ષમાં તો તું ઘણા પૈસા કમાયો છો.
શિષ્ય : હું કયો ધંધો કરું ? અને મને પૈસા ક્યાંથી મળવાના છે ?
સ્વામીજી : તું કેવી નકામી વાત કરે છે ! તારામાં અદમ્ય શક્તિ રહેલી છે. માત્ર હું કંઈ નથી, હું કંઈ નથી, તેવો વિચાર કરવાથી નિર્બળ બની ગયો છો. તું એકલો જ શા માટે ? આખી પ્રજા તેવી બની ગઈ છે. તું એકવાર દુનિયાની મુસાફરી કરી આવ તો તને ખબર પડશે કે બીજી પ્રજાઓનો જીવનપ્રવાહ કેવો જોરદાર વહે છે અને તમે લોકો શું કરો છો ? આટલું ભણ્યા પછી પણ તમે બીજાને બારણે ભટકો છો અને ‘મને નોકરી આપો, મને નોકરી આપો’ એમ પોકારો છો. બીજાના પગ તળે ચગદાઈને – બીજાની ગુલામી કરીને તમે શું હજી સુધી માણસ રહ્યા છો ? એક તણખલા જેટલી પણ તમારી કિંમત નથી.
આ ફળદ્રુપ દેશમાં જ્યાં પાણી પુષ્કળ છે અને જ્યાં કુદરત સમૃદ્ધિ અને પાક બીજા દેશો કરતાં હજારગણો આપે છે ત્યાં ધરાઈને ખાવા જેટલું અન્ન નથી કે શરીર ઢાંકવા માટે કપડાં નથી ! જે સમૃદ્ધ ભૂમિની પેદાશને લીધે બીજા દેશોની સંસ્કૃતિ વિકસી છે, ત્યાં તમે જ કેવી કફોડી સ્થિતિએ પહોંચ્યા છો ! કૂતરાં, બિલાડાં કરતાં પણ તમારી સ્થિતિ બદતર છે, છતાંય તમે તમારા વેદવેદાંતની બડાઈ હાંક્યા કરો છો ! જે પ્રજા પોતાના માટે કેવળ કપડાં અને અન્ન પણ પૂરાં પાડી ન શકે, જે પોતાની આજીવિકા માટે હંમેશાં બીજા ઉપર આધાર રાખી રહે, તેણે શાના ઉપર બડાઈ મારવી ?
હાલ પૂરતા તમારા ધાર્મિક ક્રિયાકાંડો ફેંકી દઈને પહેલાં જીવનસંગ્રામ માટે કમર કસો. તમારા દેશના કાચા માલમાંથી પરદેશી લોકો સોનું પકવે છે અને તમે લોકો ગધેડાની માફક તેનો માત્ર ભાર જ ખેંચ્યા કરો છો ! પરદેશના લોકો ભારતમાંથી કાચો માલ મગાવે છે, પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી અનેકવિધ વસ્તુઓ બનાવે છે અને સમૃદ્ધ બને છે, જ્યારે તમે તમારી બુદ્ધિને તાળું માર્યું છે, તમારી વારસાગત લક્ષ્મીને બીજાઓ પાસે ફગાવી દીધી છે અને અન્નને માટે પણ કરુણ રુદન કરતાં કરતાં ટળવળ્યા કરો છો !
શિષ્ય : સ્વામીજી ! આજીવિકાનાં સાધનો કઈ રીતે મેળવી શકાય ?
સ્વામીજી : કેમ વળી ? સાધનો તો તમારા હાથમાં જ છે. તમે જાતે આંખે પાટા બાંધીને કહો
છો : ‘હું આંધળો છું, હું કંઈ દેખતો નથી.’ તમારી આંખ ઉપરથી પાટા ખસેડી લો, એટલે તમે સમગ્ર દુનિયાને મધ્યાહ્નના સૂર્યનાં કિરણોથી ઝળહળતી જોશો. જો તમે મુસાફરીના ભાડાના પૈસા મેળવી ન શકતા હો તો તે ખર્ચ માટે ખલાસી તરીકે કામ કરીને પણ પરદેશ જાઓ. ભારતમાંથી કાપડ, ટુવાલ, વાંસની બનાવેલી ચીજો અને દેશમાં ઉત્પન્ન થતી એવી બીજી વસ્તુઓ લઈને યુરોપ અને અમેરિકાની શેરીઓમાં ફેરિયા તરીકે ફરો; તો આજે પણ પરદેશમાં ભારતની ચીજોની કેટલી માગ આવે છે, તે તમે જોશો.
અમેરિકામાં મેં જોયું છે કે હુબલી જિલ્લાના કેટલાક મુસલમાનો આ પ્રમાણે દેશી ચીજોની ફેરીનો ધંધો કરીને પૈસાદાર થઈ ગયા છે. શું તેમના કરતાં તમારામાં બુદ્ધિ ઓછી છે ? દાખલા તરીકે બનારસમાં બનતી સુંદર વણાટની સાડીઓ લો. તેના જેવી ચીજો દુનિયામાં બીજે ક્યાંય ઉત્પન્ન થતી નથી. આ કાપડ લઈને અમેરિકા જાઓ અને એવા કાપડનાં ગાઉન બનાવીને વેચો. પછી જુઓ કે તમે કેટલું કમાઓ છો !
શિષ્ય : સ્વામીજી ! શું તેઓ બનારસી સાડીનાં બનાવેલાં ગાઉન પહેરેશે ? મેં સાંભળ્યું છે કે ડિઝાઈનવાળાં કપડાં ત્યાંની સ્ત્રીઓને પસંદ નથી.
સ્વામીજી : તેઓ તે ખરીદશે કે નહીં તે હું જોઈ લઈશ. તારે તો ત્યાં જઈને મહેનત જ કરવાની છે. તે દેશમાં મારા ઘણા મિત્રો છે; તેમની સાથે હું તારી ઓળખાણ કરાવીશ. પહેલાં તો તેઓ આ કાપડ પોતાને માટે ખરીદે તેવી હું તેમને વિનંતી કરીશ. તું જોશે કે ઘણા લોકો તેમનું અનુકરણ કરશે; અને અંતે તો માગના પ્રમાણમાં તારી પાસે માલ પણ નહીં રહે.
શિષ્ય : આ વેપાર માટે મૂડી ક્યાંથી કાઢવી ?
સ્વામીજી : ગમે તેમ કરીને હું કામની શરૂઆત કરાવી દઈશ; પછીને માટે તારે તારા પોતાના પ્રયત્નો પર આધાર રાખવો પડશે. ‘हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम्।’ – જો તું પ્રયત્ન કરતાં કરતાં મૃત્યુ પ્રાપ્ત કરીશ તો પણ સારું, તારો દાખલો લઈને બીજાઓ કામ ઉપાડશે. જો સફળ થઈશ તો તું ખૂબ જ સંપત્તિવાન થઈશ.
શિષ્ય : સ્વામીજી ! આપ કહો છો તે બરાબર છે. પણ હું એટલી હિંમત કરી શકું તેમ નથી.
સ્વામીજી : ભાઈ ! હું એ જ કહું છું. તમારા પોતામાં તમને શ્રદ્ધા નથી, આત્મવિશ્વાસ નથી. તમે શું સાધી શકવાના છો ? નહીં થાય તમારી ભૌતિક પ્રગતિ કે નહીં થાય તમારી આધ્યાત્મિક પ્રગતિ ! કાં તો મેં સૂચવ્યો છે તે માર્ગે તમારી શક્તિ વાપરો અને જીવનમાં સફળ બનો, નહીં તો બધું છોડી દઈને અમે જે માર્ગ લીધો છે તે માર્ગે ચાલો. આધ્યાત્મિક ઉપદેશ આપીને તમામ દેશોના લોકોની સેવા કરો; ત્યારે જ તમે અમારી માફક પેટ ભરી શકશો. જો પરસ્પર આપ-લે ન હોય તો શું તમે એમ માનો છો કે કોઈને કોઈની પડી હોય ?
અમારા કિસ્સામાં તમે જુઓ છો કે અમે ગૃહસ્થોને ધર્મોપદેશ આપીએ છીએ એટલે તેના બદલામાં તેઓ અમને રોટલો આપે છે. જો તમે કાંઈ ન કરો તો તે શા માટે તમને ખવરાવે? તમે બીજાની નોકરી અને ગુલામીમાં કેટલું દુ :ખ વેઠો છો, છતાં જાગતા નથી; અને તેથી તમારા દુ :ખનો પણ અંત નથી. આ જ ખરેખર માયાની મોહિની શક્તિ છે.
પશ્ચિમમાં મેં જોયું છે કે જે લોકો બીજાની નોકરીમાં હોય છે, તેમને માટે પાર્લામેન્ટમાં પાછળની જગ્યા રખાય છે, જ્યારે જેઓ સ્વાશ્રય, શિક્ષણ અને બુદ્ધિથી આગળ વધ્યા હોય તેમને માટે ખાસ આગળની જગ્યાઓ રાખવામાં આવે છે. પાશ્ચાત્ય દેશોમાં જ્ઞાતિ અંગેની કોઈ ખટપટ નથી. જેઓની મહેનત અને પુરુષાર્થ પર વિધાતા પ્રસન્ન થયા હોય છે તેઓ જ દેશના નેતા તથા તેના ભાગ્યવિધાતાઓ ગણાય છે.
જ્યારે તમારા દેશમાં તમે તમારી જ્ઞાતિની શ્રેષ્ઠતાનાં એટલાં બણગાં ફૂંક્યા કરો છો કે આખરે અન્નનો કોળિયો પણ પામતા નથી. તમારામાં એક સાદી સોય બનાવવાની પણ શક્તિ નથી અને તમે અંગ્રેજોની ટીકા કરવાની હિંમત કરો છો. મૂર્ખાઓ ! તેમને ચરણે બેસો અને તેમની પાસેથી કળા, હુન્નરઉદ્યોગ અને જીવનસંગ્રામ માટેની જરૂરી વ્યવહારકુશળતા શીખો. જ્યારે તમે યોગ્યતા મેળવશો ત્યારે ફરી એકવાર (દુનિયામાં) તમારી કિંમત થશે, ત્યારે તેઓ પણ તમારા શબ્દોને સાંભળશે. જરૂરી તૈયારી વિના ફક્ત કોંગ્રેસમાં બૂમો પાડવાથી શું વળશે ?
શિષ્ય : પણ સ્વામીજી ! દેશના બધા કેળવાયેલા લોકો તેમાં જોડાયા છે.
સ્વામીજી : વાહ, જે વ્યક્તિ થોડીએક પરીક્ષાઓ પાસ કરે અને સારાં ભાષણો આપે તેને તમે કેળવાયેલી ગણો છો. જે કેળવણી જનતાને જીવનના સંઘર્ષ સામે ઝઝૂમવાની તાકાત આપતી નથી, જે ચારિત્ર્યબળને વધારતી નથી, જે પરોપકાર કરવાની ઉદારતા અને સિંહ સમાન હિંમત આપતી નથી, તે શું કેળવણીના નામને લાયક છે ? સાચી કેળવણી તો તે છે કે જે માનવીને પોતાના પગ ઉપર ઊભો રહેતાં શીખવે. જે કેળવણી હાલમાં તમે શાળાઓ અને મહાવિદ્યાલયોમાં લો છો તે તો તમને માંદલા બનાવે છે. કેવળ યંત્રની માફક તમે કામ કરો છો અને અળશિયાનું જીવન જીવો છો.
ખેડૂત, મોચી, ભંગી અને ભારતના બીજા હલકા વર્ગના ગણાતા લોકોમાં તમારા કરતાં કામ કરવાની શક્તિ અને આત્મવિશ્વાસ વધારે છે. યુગો થયા તેઓ મૂંગા મૂંગા કામ કરે છે અને દેશની સમૃદ્ધિમાં બધી રીતે વધારો કરે છે. થોડા જ દિવસોમાં તેમનું સ્થાન તમારાથી ઊંચું હશે. ધીમે ધીમે સંપત્તિ તેમના હાથમાં જતી જાય છે; તમને જરૂરિયાતોની જેટલી તકલીફ પડે છે તેટલી તેમને વેઠવી પડતી નથી. આધુનિક કેળવણીએ તમારું જીવનધોરણ ફેરવી નાખ્યું છે, પણ સંશોધક પ્રતિભાના અભાવે સંપત્તિના નવા માર્ગાે હજુ વણશોધ્યા પડ્યા છે. આ સહનશીલ જનતાને તમે આજ સુધી કચડી છે; હવે તેનો બદલો લેવાનો તેમનો વારો આવ્યો છે. તમે નોકરીને તમારું જીવન સર્વસ્વ બનાવીને તેની મિથ્યા શોધમાં જ નાશ પામવાના છો.
શિષ્ય : સ્વામીજી ! અમારી મૌલિક શક્તિ બીજા દેશો કરતાં ભલે ઓછી રહી, છતાં પણ ભારતના નીચલા થરના લોકોને બુદ્ધિની દોરવણી તો અમારી પાસેથી મળે છે તો પછી જીવનસંઘર્ષમાં ઉચ્ચ વર્ગના લોકોને પરાસ્ત કરવાની સત્તા કે શક્તિ તેઓ ક્યાંથી કાઢશે ?
સ્વામીજી : ભલે તેમણે તમારી માફક થોડાં પુસ્તકો વાંચ્યાં ન હોય, અગર તમારા જેવી નકલી સંસ્કૃતિને અપનાવી ન હોય. આ બધાની શી કિંમત છે ? પણ આ નીચલો વર્ગ જ બધા દેશોમાં પ્રજાની આધારશિલા છે. જો આ લોકો કામ કરતા અટકી જાય તો તમે તમારાં અન્ન અને વસ્ત્ર ક્યાંથી મેળવવાના છો ?
જો કોલકાતાના ઝાડુવાળાઓ એક દિવસ પણ કામ બંધ કરે તો ગભરામણ પેદા થાય; અને ત્રણ દિવસ જો હડતાલ પાડે તો રોગચાળો ફાટી નીકળવાથી આખું શહેર ખલાસ થઈ જાય ! મજૂરો કામ બંધ કરે તો તમને રોજનાં અન્ન અને વસ્ત્ર મળતાં પણ બંધ થાય અને છતાં તમે એ લોકોને હલકા વર્ણના લેખો છો અને તમારી સંસ્કૃતિનાં બણગાં ફૂંકો છો !
જીવનસંઘર્ષમાં ગળાબૂડ રહેવાથી તેમને જ્ઞાનનો વિકાસ કરવાની તક મળી નથી. માનવબુદ્ધિથી ચલાવતાં યંત્રોની માફક તેમણે લાંબા કાળ સુધી એકધારું કામ કર્યું છે, જ્યારે તેમના પરિશ્રમના ફળનો મોટો ભાગ ચાલાક શિક્ષિત લોકોએ લીધો છે. દરેક દેશમાં આમ જ બન્યું છે. પણ હવે કાળ બદલાયો છે. નીચલા વર્ગના માણસો આ હકીકત પરત્વે ધીરે ધીરે સજાગ બની રહ્યા છે, તેમણે સંયુક્ત મોરચો ઊભો કરવા માંડ્યો છે અને પોતાના વાજબી હકો હાંસલ કરવા કૃતનિશ્ચયી બન્યા છે.
યુરોપ અને અમેરિકાની જનતા પહેલાં જાગ્રત થઈ છે અને તેણે લડત શરૂ પણ કરી દીધી છે. ભારતમાં પણ આ જાગૃતિનાં ચિહ્નો જણાવા લાગ્યાં છે કે જે હાલમાં નીચલા થરના લોકોની હડતાળો પરથી સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ગમે તેટલો પ્રયાસ કર્યા છતાં ઉચ્ચ વર્ગના લોકો હવે નીચલા વર્ગને લાંબો વખત દબાવી રાખી શકશે નહીં. હવે તો નીચલા વર્ગના લોકોને તેમના યોગ્ય હકો મેળવવામાં સહાય કરવામાં જ ઉચ્ચ વર્ગના લોકોનું કલ્યાણ રહેલું છે.
માટે જ હું તમને કહું છું કે આમવર્ગમાં કેળવણીનો પ્રચાર કરવાનું કામ હાથ ધરો. તેમને કહો અને સમજાવો કે ‘તમે અમારા ભાઈઓ છો, અમારું જ અંગ છો; અમે તમને ચાહીએ છીએ, કદી તિરસ્કારતા નથી.’ તમારી પાસેથી આવી સહાનુભૂતિ મળવાથી તેમનો કામ કરવાનો ઉત્સાહ સોગણો વધશે. આધુનિક વિજ્ઞાનની મદદથી તેમનામાં જ્ઞાનજ્યોતિ પ્રગટાવો. તેમને ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને સાહિત્ય શીખવો અને આ બધાની સાથોસાથ ધર્મનાં ગૂઢ તત્ત્વો પણ સમજાવો. આ શિક્ષણના બદલામાં તેવા શિક્ષકોની ગરીબી પણ દૂર થશે. પરસ્પર આપ-લેથી બંને પક્ષો એકબીજા પ્રત્યે મૈત્રીભાવ રાખતા થશે.
Your Content Goes Here




