અગાઉ જણાવેલ દસ મૂલ્યોની માપનરીતિ પ્રમાણે જીવનનાં બીજાં કેટલાંક અગત્યનાં અને ઉદાત્ત મૂલ્યોને કે સદ્‌ગુણોને શાળામાં માપી શકાય છે. આવાં સત્યનિષ્ઠા, સારી રીતભાતો કે સદ્‌વ્યવહાર, નિયમિતતા, સમયની કીમત, સારી કાર્યક્ષમતા; સ્વશિસ્ત અને જવાબદારી; ચાર મૂલ્યો કે સદ્‌ગુણોની માપન રીતિના અગત્યનાં પાસાંની વાત આ પહેલાનાં સંપાદકીયમાં કરી ગયા છીએ. હવે બાકીના નવ મૂલ્યો કે સદ્‌ગુણોની માપનરીતિની વાત અહીં કરીશું.

૫. પ્રભુ પરાયણતા

(૧) બાળકોની બધી જવાબદારીઓ, વર્ગકાર્ય, પરીક્ષાઓ, યાત્રા પ્રવાસો પહેલાં નિયમિત પ્રભુ પ્રત્યે તેઓ સમર્પણભાવની ટેવ પાડે છે કે નહિ, એ જોવું.

(૨) પોતાના અંગત કલ્યાણ માટે પ્રાર્થના કરતાં પહેલાં સૌના પર અમીવૃષ્ટિ કરવા પ્રભુને પ્રાર્થે, એમાંય દુ:ખી પીડિત અને પોતાના દુશ્મનના ભલા માટે પણ પ્રાર્થના કરતાં શીખે, એ જોવું.

(૩) બાળક ઉત્કટતા અને નિષ્ઠાથી પ્રાર્થનાઓ અને આધ્યાત્મિક સંસ્કૃતિના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહે, એવી સુટેવો પાડવી.

(૪) બાળક પ્રાર્થનાખંડ, આશ્રમ કે મંદિર જેવાં પવિત્ર સ્થળે વિશુદ્ધિ અને પવિત્રતા જાળવે, પવિત્ર અને શુદ્ધ વિચારો દ્વારા પાવનકારી વાતાવરણમાં પોતાનું મહત્ત્વનું પ્રદાન આપતો થાય તેવું કરવું.

(૫) બાળક પ્રભુપરાયણ બને અને ઈશ્વર પ્રત્યેની પોતાની શરણાગતિને વધુ ને વધુ વિકસાવે એવું વાતાવરણ રચવું.

૬. એકતા, સંઘભાવના અને નેતૃત્વ

રમતગમત, નાટ્યાભિનય, સમૂહ કવાયત જેવી બધી સામૂહિક પ્રવૃત્તિઓમાં સંઘભાવનાના ગુણને બાળક કેળવે; સંસાધનો, વિચારો, આદર્શો, સહાય, સમય અને શક્તિમાં બીજાને ઉત્સાહપૂર્વક સહભાગી બનાવે. સાથે ને સાથે બીજાનાં આ બધાં પાસાંને સહર્ષ સ્વીકારે અને એને જાણે-પ્રમાણે, એનું માપન-મૂલ્યાંકન કરો.

(૧) બાળક જાહેર ટીકાનિંદાથી દૂર રહે અને પાછળથી નિંદા કરીને સામૂહિક એકતાને નબળી ન પાડે એવું વલણ અપનાવતાં શીખે એ ચકાસવું.

(૨) વર્ગના મોનિટર કે નેતા, રમતગમતની ટુકડીના નેતા, એનસીસી જેવી ટુકડીના કમાંડર જેવા નેતાના આદેશને આજ્ઞાંકિતભાવથી અપનાવવાનો છે, એને માટે એણે આજીજી ન કરવી પડે એવું વલણ બાળકમાં આવે તે જોવું.

(૩) બાળકના કોઈ પણ જૂથના નેતાએ સેવાભાવથી જવાબદારી લેવાની છે. એમાં સત્તા પ્રદર્શનનો ભાવ ન હોવો જોઈએ, આવી સુટેવ અને આવું વલણ એમનામાં વિકસે એ જોવું.

(૪) બાળકો પોતાના બાળનેતાને સંપૂર્ણપણે અને સહકારની ભાવનાથી અનુસરે એ પણ જોવું જોઈએ.

(૫) બાળક લોકશાહી આદર્શો અને સ્વતંત્રતાની ભાવનાને આચરણમાં મૂકતો થાય એવું કરવું.

(અ) પોતાના જૂથના બધા સભ્યો માટે બાળક સમાન ન્યાયભાવના રાખે અને એનું બરાબર પાલન કરે એ પણ જોવું.

(બ) બાળક વાણી સ્વાતંત્ર્ય જેવી સ્વતંત્રતાના મૂળ ભાવને કેળવે અને બીજાને કેળવતા કરે એ પણ જોવું જોઈએ.

(ક) સમાનતા – બાળક દરેક સભ્યે સમાજ કે રાષ્ટ્રય કલ્યાણ માટે આપેલ મહત્ત્વના પ્રદાનને ઓળખે અને એની યોગ્ય પ્રશંસા કરે તેમજ અનુસરણ કરે તે જોવું જોઈએ.

(ડ) ભ્રાતૃભાવના – બાળક સમાજના બધા ભાઈભાંડું પ્રત્યે કોઈ પણ જાતના ભેદભાવ વિના ભ્રાતૃભાવ કેળવે અને મૈત્રીભાવ જાળવે એ જોવું.

૭. આત્મશ્રદ્વા

(૧) બાળક પોતાનામાં પ્રચંડ હિંમત અને શ્રદ્ધા કેળવે અને એ પ્રમાણે હિંમતવાન અને અડગ બને તેનું નિરીક્ષણ કરતાં રહેવું.

(૨) બાળક બધી પ્રવૃત્તિઓને પડકાર રૂપે સ્વીકારે; શારીરિક, માનસિક, સાંવેગિક, નૈતિક શક્તિના વિકાસના અભ્યાસ રૂપે સ્વીકારે તેનું પરીક્ષણ કરતાં રહેવું.

(૩) બાળકોને નાની નાની પ્રવૃત્તિઓમાં મળતી સફળતા એની આત્મશ્રદ્ધામાં વધારો કરે છે, એ વાત એના ગળે ઊતરે તે રીતે કાર્ય કરતાં રહેવું.

(૪) નિષ્ફળતાઓ સફળતાનાં સોપાન પર ચઢવાની સીડી છે, નિષ્ફળતાથી હતાશ-નિરાશ ન થવું જોઈએ. એ વાત બાળકોના મનમાં બરાબર ઠસાવવી જોઈએ અને એનો વિકાસ થાય એ જોતાં રહેવું જોઈએ.  જીવનમાં શ્રેષ્ઠ આદર્શ અને વ્યવહારુ ધ્યેય નિશ્ચિત કરવા પ્રેરવા અને એ ધ્યેયસિદ્ધિ માટે પુન: પુન: પ્રયત્ન કરતા થાય એવી કેળવણી આપવી તથા એમાં કેવી અને કેટલી સિદ્ધિ મળે છે તે સતત જોતાં રહેવું.

(૫) ભવિષ્યમાં મુશ્કેલીઓ આવી પડશે એવી નિરર્થક અતિચિંતા મનના મક્કમ નિર્ણયને નિર્બળ બનાવે છે, એ વાત બરાબર સમજે અને એનો અમલ કરે. જીવનમાં ‘ડગલું ભર્યું કે ના હઠવું’ કે ‘હિંમતે મર્દા’નો અભિગમ આવશ્યક છે અને ‘જે સાહસ કરે છે એ જ વિજય મેળવે છે’ આ જીવનસત્યથી બાળક પૂરેપૂરો વાકેફ બને અને પોતાના જીવનના પ્રત્યેક કાર્ય પૂર્ણ જુસ્સા સાથે કરે એવી સુવિધાઓ અને ઉત્પ્રેરણા પૂરાં પાડવાં અને એનું નિરીક્ષણ કરતાં રહેવું જોઈએ.

(૬) બાળક બીજામાં પણ આવી જ શ્રદ્ધા રાખતાં શીખે એ માટે પ્રોત્સાહિત કરતાં રહેવું અને તે ભાવાત્મક વિચારવાળો બને છે કે નહિ એ જોતાં સતત રહેવું.

(૭) બીજાની મદદ લીધા વિના આત્મપુરુષાર્થથી કાર્ય પૂર્ણ કરતાં શીખે અને પોતાની ભીતર રહેલી પૂર્ણતાના પ્રગટીકરણનો અભિગમ રાખતાં શીખે, એવું વાતારણ પૂરું પાડીને એવું થાય છે કે નહિ એના પર સતત નજર રાખવી.

(૮) પ્રેરણાદાયી સદ્‌ગ્રંથોનું વાચન અને જીવનને સંતર્પક થતા અને સર્વકલ્યાણનાં કાર્યો કરવા પ્રેરતા સજ્જનોનો સંગાથ કરવાની તક પૂરી પાડવી. આ બંને દ્વારા ભીતરી શક્તિમાં વૃદ્ધિ થાય છે કે નહિ, નિર્બળતા લાવતી પરિસ્થિતિઓને દૂર કરી શકે છે કે નહિ, એ બરાબર જોતાં રહેવું જોઈએ.

૮. ગૌરવ

(૧) બાળકોનાં દેખાવ, હલનચલન, વાણી અને વર્તનમાં પ્રભાવક બની રહે અને નિશ્ચિત આદર્શથી પથચલિત ન થાય એ માટે એમને પ્રેરવા અને એ માટે એને અપરોક્ષ રીતે સતત સાવચેત કરતાં રહેવું.

(૨) બાળકો બીજાનાં ગૌરવને જાળવતાં શીખે; કોઈને ઉતારી ન પાડે કે હસી ન કાઢે; કોઈના પર જોહુકમી ન કરે અને બીજાની લાગણીઓને ન દુભાવે એવી સુટેવો પાડે એ પણ જોતાં રહેવું.

(૩) ‘આ કાર્ય મારા માટે યોગ્ય નથી’, એવા અભિગમથી નિમ્નકક્ષાનાં મનોભાવોથી બાળક દૂર રહે અને ‘બધાં કાર્યો મારે માટે મહત્ત્વનાં છે અને એ બધાં કાર્યો મારે કરવાં જોઈએ’ એવું વર્તન વલણ કેળવે એ જોવું.

(૪) બાળક કયા પ્રકારનું કાર્ય કરે છે, એને બદલે કેવી રીતે તે કરે છે એટલે કે કેટલાં ગુણવત્તા, નિષ્ઠા, અને જુસ્સો થી કરે છે, એ સતત જોતાં રહેવું અને એના આધારે એની કાર્યશક્તિનું મૂલ્યાંકન કરવું.

૯. સેવા

અહીં દર્શાવેલ બાબતોમાં બીજાની સેવા કરવાનો અવસર બાળકો ચૂકે નહિ, એ જોવું.

(૧) ઘરે કે ભોજનગૃહમાં પીરસવાનું કાર્ય.

(૨) ઘાયલ કે માંદા લોકોની સેવા માવજત.

(૩) તત્કાળ મદદની આવશ્યકતાવાળા કે સામાન્ય સંજોગોમાં જરૂરતમંદને સહાય.

(૪) વડીલો માટે પોતાની ખુરશી કે બેઠક આપવી અને નાનેરાં માટે પણ આવી સુવિધા કરવી.

(૫) માતપિતા અને વડીલોની સેવા કરવી.

૧૦. કર્તવ્યનિષ્ઠા

(૧) બાળક કોઈની દેખરેખ વિના અને પોતાના મનને કેળવવાના ઉદાત્ત હેતુથી પોતાને સોંપાયેલી ફરજ નિષ્ઠાથી બજાવે એ સતત જોવું.

(૨) બાળક ગુલામીના ભાવથી નહિ પરંતુ સ્વામિત્વના ભાવથી કાર્ય કરતાં શીખે, એનું નિરીક્ષણ કરવું.

(૩) બાળક કાર્યમાં પૂર્ણતાએ પહોંચે, રચનાત્મક વલણ રાખે; ખંતીલા અને સુવ્યવસ્થિત બને, એવું વાતાવરણ રચીને એને સતત જોતાં રહેવું.

(૪) કોઈ પણ કાર્ય અલ્પાતિઅલ્પ નથી અને પોતાના માનમોભાથી નીચું નથી, એવી વૃત્તિ બાળકમાં જન્મે એવું વાતાવરણ રચવું અને જાગ્રતપણે નિરીક્ષણ કરતાં રહેવું.

(૫) કોઈ આ કે તે કાર્ય કરવા કહે, એની રાહ ન જુએ અને એ કાર્ય સ્વયંભૂ રીતે કરતો થાય એ માટે પૂરતી કાળજી રાખવી એનું નિરીક્ષણ કરતાં રહેવું.

૧૧. રમતગમત

(૧) શારીરિક ઘડતર અને તનમનની તંદુરસ્તી માટે રમતગમતમાં બાળક ખંતથી સામેલ થતું બને એવું વલણ કેળવે છે કે નહિ એ જોતાં રહેવું.

(૨) પોતાનાં દેહમનને પૂરતો આરામ અને તંદુરસ્ત મનોરંજન બાળક આપે છે કે નહિ એ સતત જોતાં રહેવું.

(૩) રમતવીર રૂપે ખેલદીલી – સ્પર્ધાની ભાવના રાખે સાથે ને સાથે સદ્‌ભાવ અને મૈત્રી ભાવના જાળવે, કોઈને ભાંડવાનો વિચાર સુધ્ધાં ન કરે એ જોવું જોઈએ.

(૪) નેતૃત્વની ભાવના કેળવવા કપ્તાન રૂપે આખી ટીમની જવાબદારી અને સંભાળ બાળક રાખે છે કે નહિ એ જોતાં રહો અને એ માટે એને પ્રેરો.

(૫) બાળક રમતગમતમાં તટસ્થતા કેળવે, સૌમ્યતા દાખવે અને જીત કે હારમાં ઉદારભાવના રાખતાં શીખે એવી પ્રેરણા સતત આપવી જોઈએ અને એનો વિકાસ થાય છે કે નહિ એ જોવું જોઈએ.

(૬) ક્રિકેટમાં આઉટ હોવા છતાં નોટ-આઉટનો દંભ કરવો કે ફૂટબોલની રમતમાં હાથ અડી જવો જેવી રમતગમતની મજા બગાડે એવી અયોગ્ય રીતભાતથી દૂર રહીને રમત ગમતમાં પ્રામાણિકતા અને શ્રદ્ધેયતા નિપજાવતાં શીખે એ જોવું.

(૭) સંઘભાવના કેળવવા બાળક ટીમના એક પ્રતિનિધિ રૂપે રમતાં શીખે, વ્યક્તિગત લાભાલાભથી ન રમે, ટીમના દરેકેદરેક ખેલાડીએ કરેલ પ્રદાનને બિરદાવતાં શીખે એ જોવું.

(૮) રેફરી કે અંપાયરનો નિર્ણય અંતિમ છે, એની સામે પ્રશ્ન ઊભો કર્યા વિના એ નિર્ણયને સ્વીકારી લેવાનું વલણ બાળક કેળવે એ સતત જોતાં રહેવું જોઈએ.

(૯) પોતાના વિરોધીઓ દ્વારા રમતમાં થયેલ સારા કે ઉત્તમ દેખાવને પણ બાળક બિરદાવતાં શીખે, એવું વલણ કેળવતાં કરો.

(૧૦) કોઈને રમત દરમિયાન કે ત્યાર પછી ઈજા થાય તો તેની કાળજી લેતાં અને સેવાસુશ્રૂષા કરતાં શીખે એ જોવું.

(૧૧) કેટલાક રમતવીરોને પોતાના આદર્શ રૂપે રાખે અને એ પ્રમાણે પોતાની રમતમાં નિષ્ઠા, પ્રામાણિકતા અને કૌશલ્ય પ્રાપ્ત કરે એ જોવું.

(૧૨) પોતાની હારમાં પણ બાળક માનસૂચક વર્તન-વલણ રાખતાં બને, એનું નિરીક્ષણ કરવું.

૧૨. ઉત્સવ પ્રસંગે પ્રાર્થનાખંડ, મંદિર, શાળા કે ઘરમાં

(૧) પ્રાર્થના ખંડ એ ઈશ્વરને ભજવા-પૂજવા તથા સંપર્કસંબંધ સાધવાનું પવિત્ર સ્થાન છે. એટલે બાળક પ્રાર્થના વખતે પ્રભુપરાયણ બને અને મંદિરની પવિત્રતાને જાળવતાં શીખે એ જોતાં રહેવું.

(૨) ભાવિકનાં જપપૂજા, ધ્યાનભજન અને પ્રભુની ઉપસ્થિતિથી આધ્યાત્મિક તરંગો ઉદ્‌ભવે છે. એટલે જ એમાં બાળક પોતાનું પ્રદાન કરતું રહે અને એનું ફળ પણ મેળવે એવું વાતાવરણ રચવું.

(૩) બાળક ઈશ્વરની પ્રત્યક્ષ ઉપસ્થિતિ અનુભવવાનો પ્રયત્ન કરતાં શીખે, એ પ્રમાણે નિયોજન કરવું જોઈએ.

(૪) મંદિરમાં કે પ્રાર્થનાગૃહમાં શાંતિ જાળવે અને એ શાંતિમાં ઓગળી જવાનો પ્રયત્ન કરે એવું સંવાદી વાતાવરણ રચવું.

(૫) પ્રાર્થનાખંડમાં જતાં પહેલાં હાથપગ ધોઈને સ્વચ્છ સુઘડ કપડાં પહેરે અને મંદિરમાં કે પ્રાર્થનાખંડમાં સ્વચ્છ-પવિત્ર બનીને પ્રવેશે એવી ટેવ પાડવી.

(૬) બાળક દાંત સાફ કરીને, સ્નાનાદિ સવારની પ્રાર્થનામાં જતાં શીખે એવી ટેવ પાડવી.

(૭) ઉત્કટતા, આનંદ અને ગંભીરતા સાથે બધી ધાર્મિક પ્રવૃત્તિઓમાં બાળક ભાગ લેતું થાય એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ અને એનું નિરીક્ષણ પણ કરતાં રહેવું જોઈએ.

૧૩. ભોજનખંડ

(૧) ભોજન થાળીમાં આવે ત્યાં સુધીમાં ખેડૂત, રસોઈ કરનાર, માબાપ વગેરેના સખત મહેનત સમર્પણ અને સેવાને ધ્યાનમાં રાખીને એ બધાંનાં ક્ષેમકલ્યાણ માટે મૂક પ્રાર્થના કરતો રહે તે શીખવવું. બગાડ કર્યા વિના પૂર્ણ આદરથી પ્રેમપૂર્વક શાંતિથી ભોજન લેતો થાય એવું કરવું.

(૨) બાળક જરૂર કરતાં વધારે ભોજન પદાર્થો ન લે. જરૂર પડે તો બીજી વખત હાથે લેતાં કે માગતાં શીખે એ માટે કેળવવું જોઈએ.

(૩) બાળક ભોજન પદાર્થોના સુપાચન માટે ખોરાકને બરાબર ચાવીને ખાવાની ટેવ પાડે એ જોવું.

(૪) બાળક ભોજન વખતે નિરર્થક વાતચીતથી દૂર રહે અને પૂરતી શાંતિ જાળવે એ માટે પ્રેરવું.

(૫) બાળક અખાદ્ય પદાર્થો, ખાતાં વધેલો કચરો ભોજનખંડમાં કે ટેબલ પર ન રાખે, થાળીમાં એકબાજુએ રાખી દે, તે સતત જોતાં રહેવું.

(૬) બાળક પીરસનાર સાથે વિનમ્રતાભર્યું વર્તન રાખે છે કે નહિ એ જોવું.

(૭) બાળક પીરસવામાં મદદ કરતું બને એ માટે તેને પ્રેરણા આપવી.

(૮) બાળક પોતાના ભોજનખંડને કે ડાયનિંગ ટેબલને બરાબર સાફ કરતાં શીખે એ જોવું.

(૯) બાળક આવશ્યક નિયમ-પાલન કરતાં શીખેએ પણ જોવું જોઈએ.

૧૪. અન્ય સાથે વર્તનવ્યવહાર

કોઈ પણ માણસ પછી ભલે તે ગમે તેટલો વિદ્વાન કે ગુણવાન હોય પણ અન્ય સાથે તે સારાં અને વિવેકપૂર્ણ વર્તનવ્યવહાર ન દાખવે તો કોઈ તેને માનપાન નહિ આપે અને એને ચાહશે પણ નહિ, એ વાત બરાબર જાણે એ જોવું.

બીજાની સહાય વિના આપણે તમે જીવી શકતા નથી એ જાણીને અન્ય સાથે ક્યારેય ઉદ્ધત વર્તનવ્યવહાર ન રાખે એ માટે નીચે અહીં આપેલા આ નિયમો ધ્યાનપૂર્વક વાંચે, વિચારે, પૂરેપૂરા સમજે અને હર પળે તેનું અનુસરણ કરે એ જોવું.

(૧) બાળક સૌની સાથે જાણે કે જાણીતો હોય, પોતાનો હોય એવાં એનાં વર્તનવ્યવહાર બીજા સાથે હોવાં જોઈએ, એ માટે તમારે તેને પરોક્ષ રીતે સચેત કરતા રહેવું જોઈએ.

(૨) પોતાનાથી ગુણસંસ્કારમાં ચડિયાતા લોકો અને વડીલોનું સન્માન બાળક જાળવે તેવું કરો અને તે જોતાં રહો.

(૩) બાળક ઘરના કે શાળાના નોકરો અને કાર્યકરો સાથે મિત્રતાભર્યું વર્તન રાખે એ પણ જોવું આવશ્યક છે.

(૪) બાળક પોતાની શક્તિમતિ પ્રમાણે બીજાને મદદ કરવા હંમેશાં તત્પર રહે, એ માટે એને પ્રેરો.

(૫) કોઈ પણ કામને હલકું ગણવું નહિ, પોતાના ખંડની સફાઈ, વાસીદું વાળવું, પોતું કરવું, પાણી લૂછવું કે કોઈ ઊંચકી શકાય તેવી વજનવાળી વસ્તુને ઊંચકવી જેવાં મજૂરીનાં કામમાં પણ બાળક જરાય સંકોચ ન અનુભવે એ જોતાં રહેવું.

૧૫. સૌજન્યભરી રીતભાત

સુસંસ્કૃત અને સભય સમાજમાં રહેતી વ્યક્તિની જેમ બાળક પોતાનાં બોલચાલ, અંગવિન્યાસ-છટા અને હલનચલનની રીતભાતમાં ખૂબ સચેત રહે એ જોતાં રહેવું જોઈએ.

(૧) બોલતી વખતે પોતાના હાથને આમ તેમ ફેરવવા એ ખરાબ ટેવ છે. નિષ્કારણ ઘાટા પાડીને બોલવું એ સાંભળનાર માટે કષ્ટદાયી બને છે એ વાત બાળકના ધ્યાનમાં લાવવી જોઈએ અને એ પ્રમાણે એ ન વર્તે એ જોવું. વાતચીતમાં વચ્ચે વચ્ચે બીનજરૂરી શબ્દો બોલવાની કુટેવથી બાળક દૂર રહે અથવા એવી ટેવ પડી હોય તો એ ટેવને દૂર કરવામાં બાળકને પ્રેરવું જોઈએ.

(૨) સૌ સાથે બેઠા હોય ત્યારે પોતાના પગને હલાવ્યા કરવા એ અશોભનીય અને અસભ્ય રીતભાત છે, એ વાત બાળકના મનમાં બરાબર ઠસાવી દેવી જોઈએ અને એવા અસભ્ય હલનચલનથી દૂર રહે તે જોવું જોઈએ.

(૩) બાળક હંમેશાં ટટ્ટાર બેસે તેવી ટેવ પાડવી. શરીરને નુકસાન થાય તે રીતે વાંકા વળીને કે નમીને ન બેસે એ જોવું, કારણ કે તે અરુચિકર અને અસ્વાસ્થ્યકર રીતભાત છે એ વાતથી તે વાકેફ થાય તેવું કહેવું અને કરવું.

(૪) વિદ્યાર્થી તરીકે ફેશનેબલ કે ભપકાદાર પોશાક પ્રશંસનીય નથી, એ વાત પણ એના મન પર લાવવી જોઈએ.

સંક્ષેપમાં કહીએ તો બાળક આ બધી બાબતમાં સ્વચ્છ, સુવ્યવસ્થિત, સુઘડ રહે એ જોવું જોઈએ.

૧૬. સ્વચ્છતા

સ્વચ્છતા અને સુઘડતાની જાળવણી એ સુસંસ્કૃત અને સભ્ય સમાજની એક મહત્ત્વની નિશાની છે; પવિત્રતા અને શુદ્ધિ બધા ધર્મોની સાધના અને અનુસરણનાં મહત્ત્વનાં અંગો છે; એટલા માટે સ્વચ્છતા-સુઘડતા, પવિત્રતા અને શુદ્ધિની જાળવણીના આ નિયમોનું બાળક સદૈવ પાલન કરે તે માટે સચેત રહેવું જોઈએ :

(૧) બાળક પોતાનાં કપડાં, પથારી, રાચરચીલું અને ઓરડાને હંમેશાં સ્વચ્છ રાખે તેવી ટેવ પાડો.

(૨) બાળક પોતાની ચીજવસ્તુઓને એવી રીતે ગોઠવીને રાખો કે જેથી ખંડમાં પ્રવેશનારને એનાં સારાં રુચિવલણનો પૂરેપૂરો ખ્યાલ આવે અને એને જ્યારે એ ચીજવસ્તુઓની જરૂર હોય ત્યારે તેમની શોધાશોધ કરવી ન પડે, એવી સારી ટેવ પડે તે માટે હંમેશાં જાગ્રત રહો અને કહેતાં રહો.

(૩) પોતાને માટે સ્વચ્છતા-સુઘડતા જાળવવી એ પૂરતી નથી, પણ પોતાના સહસાથીઓને પણ એની જાળવણીમાં એને મદદ કરે એવું વાતાવરણ સર્જો અને એ માટે વારંવાર કહેતાં રહો.

(૪) બાળક દરરોજના ઉપયોગના પદાર્થોને શુદ્ધ-સ્વચ્છ, વ્યવસ્થિત રાખતાં શીખે એ પણ જોવું જોઈએ.

(૫) વિદ્યાર્થીમંદિર, શાળા કે ઘરના સમગ્ર પરિસરને સુંદર, સ્વચ્છ, આકર્ષક અને આનંદદાયી વાતાવરણવાળું બનાવે એમ કરવાનું એને સતત શીખવવું જોઈએ અને એક એવું કામ કરાવવું પણ જોઈએ.

૧૭. નિયમોનું ચૂસ્તપણે પાલન

જો બાળક કોઈ સ્થળે જાય અને ત્યાનાં રીતભાત કે સંસ્થાએ સ્થાપેલાં શિસ્ત અને વિનયવર્તનનાં ધારાધોરણોને ન જાણતા હોય તો તે મુશ્કેલીમાં મુકાઈ જાય એવું બને, સાથે ને સાથે બીજાને માટે પણ મુશ્કેલીનું કારણ બને છે. એટલા માટે પ્રથમ તો બાળકો એ સંસ્થાના નીતિનિયમોથી પૂરા જાણકાર હોવાં જોઈએ. આવાં નીતિનિયમો અને શિસ્ત જીવનના ઉચ્ચતમ કલ્યાણ સુધી લઈ જાય છે એવી રીતે અત્યંત શ્રદ્ધાથી તેનું પાલન કરે એવું કરવું.

બાળકો આ બાબતો ખાસ ધ્યાનમાં રાખે :

(૧) બાળકો દૈનંદિન પ્રવૃત્તિઓમાં સભાનપણે મન હર પળે પરોવેલું રાખે અને બીજા સહસાથીઓ સાથે યોગ્ય સમયે સહભાગી બનીને કાર્યાન્વિત બની શકે એવું વાતાવરણ ઊભું કરો.

(૨) બાળક પોતાના દૈનંદિન અભ્યાસની સુવ્યવસ્થિત સમયસારણી ગોઠવે અને તેનું ચુસ્તપણે પાલન કરે તેમજ પોતાના ગૃહકાર્યમાં કે શાળાના અભ્યાસમાં પાછળ ન રહી જાય એ માટે એને સતત ચેતવતા રહો.

(૩) સત્રાંત કે અંતિમ પરીક્ષામાં સફળ થવાની ચિંતામાંથી બાળક મુક્ત બને એ માટે નિયત કરેલા વિષયના અભ્યાસક્રમ પર પૂરેપૂરું પ્રભુત્વ મેળવી લે એવું કાર્ય એની પાસે કરાવો અને એને સતત જાગ્રત રાખો.

(૪) પોતાના ભોજન-ખોરાકમાં સંયમ અને સાવધાની રાખે અને પોતાનું આરોગ્ય સાચવે એ માટે પૂરતી તકેદારી રાખવી જોઈએ.

(૫) રાત્રે બાળક સૂઈ જાય તે પહેલાં આખા દિવસની પોતાની ફરજોમાં ક્યાંય ઊણપ રાખી હોય તો તેનું બરાબર ચિંતન કરી લે અને એની પૂર્તિ કરવાનો બીજા દિવસથી પ્રયાસ કરે એ જોવું.

૧૮. ઉચ્ચ આકાંક્ષા

        માત્ર ખાવાપીવા અને રહેવાની સુવિધાઓ સિવાય બીજી કોઈ ઉચ્ચ આકાંક્ષા જેમનામાં નથી તેમની અને પશુની વચ્ચે શો ભેદ છે? જેમનું જીવનધ્યેય માત્ર પરીક્ષાઓમાં સફળ થઈને કોઈ વ્યવસાય મેળવી લેવાનું હોય છે તેઓ આત્મસુધારણા અને આત્મવિકાસ માટે કદીયે તત્પરતા દાખવી શકતા નથી. બાળક પોતાના મનને ઉત્સાહપૂર્ણ બનાવે એ માટે અહીં આપેલ સંકલ્પસમૂહ હંમેશાં યાદ રાખે એવું કરવું :

(૧) ‘હું કોઈ પણ ક્ષેત્રમાં બીજાની પાછળ રહીશ નહિ. અભ્યાસ, રમતગમત, કાર્ય, સામાજિક બાબતો – જે હોય તે વિશે, તે બાબતમાં હું હંમેશાં આગલી હરોળમાં જ રહીશ.’ એવું વલણ બાળક કેળવે એને માટે પ્રોત્સાહન આપવું.

(૨) ‘હું વિદ્યાવ્યાસંગી અને વિવેકી બનીશ. હું કોઈ વિષયની તરફેણમાં કે વિરુદ્ધમાં મારાં મંતવ્યો રજૂ કરીશ તો એ મંતવ્યોને કોઈ અવગણી શકશે નહિ.’ આવી દૃઢતા બાળક કેળવે એવું વાતાવરણ ઊભું કરવું.

(૩) ‘હું સદુપાયથી ધનની કમાણી કરીશ અને દાનશીલતા માટે સદૈવ સત્‌ચિંતન કરીશ.’ આવી પ્રામાણિકતા, શુદ્ધિ અને ‘સર્વજન હિતાય’ જીવવાની ભાવના કેળવે એ માટે એને પ્રેરવા.

(૪) ‘હું સ્વસ્થ અને સબળ બનીશ. હું કોઈ ખોટું કે અયોગ્ય કાર્ય નહિ કરું અને મારી હાજરીમાં કોઈ બીજી વ્યક્તિ ખોટું કે અયોગ્ય કાર્ય કરવાની હિંમત નહિ કરી શકે.’ આવું ઉદાત્ત મન બાળક કેળવે એ માટે સતત પ્રયત્ન કરતાં રહેવું.

(૫) ‘હું હંમેશાં સત્ય બોલીશ. મારી વાતમાં કોઈને ક્યારેય સંદેહ નહિ ઊપજે.’ આવી સત્યનિષ્ઠા બાળક કેળવે એ માટે સદૈવ જાગ્રત રહેવું.

આ સિવાય પણ વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે અહીં આપેલ કેટલાંક નિયમ કે શિસ્ત અપનાવવાં આવશ્યક છે, એ માટે બાળકને સતત જાગ્રતપણે પ્રેરણા આપતાં રહેવું જોઈએ :

(૧) ગીતા, ઉપનિષદો અને અન્ય બોધક ગ્રંથોના મધુર અને પ્રેરણાદાયી શ્લોક, સૂત્ર, સુવાક્યને સમજે, કંઠસ્થ કરી લે અને એનું નિયમિત રીતે પઠન કરતા રહે એવી સુટેવો પાડવી.

(૨) મહાપુરુષોના પ્રેરણાદાયી જીવન અને સંદેશનું નિયમિત રીતે વાચન, ચિંતનમનન તથા ચર્ચા  કરતા રહે એવું વાતાવરણ ઊભું કરતા રહો.

(૩) સાહિત્ય, સંગીત, કળા જેવા વિષયોમાં રસરુચિ કેળવે અને એનો સર્વોત્તમશક્તિ વાપરીને મહાવરો કરે એ માટે હંમેશાં પ્રેરતા રહેવું જોઈએ.

(૪) પોતાનાં ઘર, ખંડ, વિદ્યાર્થીમંદિર, શાળા, બીજાં જાહેર મકાનો અને બગીચાને સુંદર બનાવવા કાર્યરત રહે એ માટે સતત બાળકને પ્રેરણા આપતાં રહેવું જોઈએ.

(૫) ઉત્સવો, ધાર્મિક કાર્યક્રમો અને એના જેવા બીજા મેળાવડાઓની વ્યવસ્થા પોતાની મેળે કરતાં શીખે એવી સુટેવ એનામાં પહેલેથી જ પાડો.

(૬) સુંદર, ઐતિહાસિક સ્થળ, યાત્રાસ્થાનના પ્રવાસથી થતા લાભ વિશે એમને પૂરેપૂરા માહિતગાર કરવા અને આવા પ્રવાસોમાં જવા પ્રેરાય એવું વાતાવરણ ઊભું કરવું.

બાળક માટે એક વધારે આદર્શ વિચાર આપવાનું આવશ્યક માનું છું. આપણે જોઈએ છીએ કે લોકો સાંપ્રદાયિકતાના, માન્યતાઓના, જાતિ-ભાષાના પોષાક અને રીતિરિવાજના ભેદભાવના કારણે સમગ્ર વિશ્વમાં ગાંડાની જેમ ઝઘડ્યા કરે છે. સૌથી વધુ કરુણાજનક વાત તો એ છે કે લોકો આવી ધર્મવિરોધી અધાર્મિક બાબતોને સાચો ધર્મ ગણે છે. એટલે જ આજનો માનવ ધર્મને નામે ધ્રૂજે છે. લોકો એ જાણતા નથી કે બધામાં એક અને સમાન આત્મતત્ત્વ રહેલું છે. એને પણ સુખ-દુ:ખ અનુભવવાં પડે છે.

આજથી જ બાળક જીવોમાં રહેલા બધા આત્માઓ જેમાં સમાયેલા છે એવા પરમાત્માના મહિમાને અનુભવવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ કરે, એ માટે સુયોગ્ય વાતાવરણ ઊભું કરવું જોઈએ અને એને માટે એને સતત પ્રેરતાં રહેવું જોઈએ. આત્માની એકતાની આ અનુભૂતિ દ્વારા તેઓ જાગ્રત બને, એ માટે પણ પ્રયાસ કરવો.

આટલું ચોક્કસપણે જાણી લો કે આ બાબત બધાં નીતિશાસ્ત્રોની આધારશિલા છે. આ આત્મજ્ઞાન રાષ્ટ્ર માટે, સમાજ માટે અને વ્યક્તિના પોતાના વ્યક્તિગત જીવન માટે જો બીજા શબ્દોમાં કહીએ તો સમગ્ર સભ્યતા-સંસ્કૃતિ માટે એક આધારશિલા છે, એટલે જ બાળકોને નીતિશાસ્ત્રોના વાચન માટે સતત પ્રેરતા રહેવું જોઈએ અને નીતિશાસ્ત્રના તમારા વાચનના આધારે એને એવી બોધક-પ્રેરક વાર્તાઓ કહેતા રહો.

બધામાં ઈશ્વરની શક્તિ ચૈતન્ય રૂપે રહેલી છે. કેટલીક પ્રવૃત્તિઓમાં આ શક્તિ પ્રકાશિત થાય છે, પ્રગટે છે જ્યારે કેટલીક પ્રવૃત્તિઓમાં તે સુુષુપ્ત રહે છે. જ્યારે ચૈતન્યશક્તિ વૃદ્ધિ પામે છે ત્યારે સાચું સુખ, શાશ્વત આનંદ મળે છે અને જ્યારે એમાં ઓટ આવે છે ત્યારે દુ:ખ-વિષાદ જન્મે છે. જે કાર્ય આપણને આનંદ આપે તે સદ્‌ગુણ અને જે કાર્યને પરિણામે આપણને દુ:ખશોક મળે તે દુર્ગુણ. એટલા માટે બાળકોએ પોતપોતાના જીવનને એવી રીતે સંયમમાં રાખવાં જોઈએ કે એમનું કાર્ય એમને દુ:ખી તો ન બનાવે પરંતુ એ એને સાચું સુખ અને આનંદના પથે દોરી જાય, એ માટે એવાં સુકાર્યમાં એને સતત પ્રેરતા રહેવું જોઈએ અને વચ્ચે વચ્ચે આવશ્યકતા પ્રમાણે એના સુકાર્યની પ્રશંસા પણ કરતાં રહો. ‘સૌ સુખી બને અને બીજાને સુખી બનાવે’ એવી ભાવના બાળકો કેળવે તેવું કરતાં રહો.

અભ્યાસ ટેવો

(૧) જ્યારે બાળકો ભાષાનો અભ્યાસ કરતાં હોય ત્યારે તેનાં ભાષાશુદ્ધિ અને વ્યાકરણ પર બરાબર ધ્યાન રાખે તે માટે આપણે સતત જાગ્રત રહેવું જોઈએ.

(૨) ‘શિક્ષણનું ધ્યેય જ્ઞાનપ્રાપ્તિ છે, માત્ર પરીક્ષામાં સફળ થવું એ નથી’ એ વાત બાળક હંમેશાં પોતાના મનશ્ચક્ષુ સમક્ષ રાખે અને એ પ્રમાણે વિદ્યોપાર્જન કરે તે માટે સતત સચેત રહેવું જોઈએ.

(૩) બીજા સાથે પોતાના વિચારોના આદાનપ્રદાનનું માધ્યમ ભાષા છે, એટલે આપણા ભારતીય લોકો સાથે વિચારોનું આદાનપ્રદાન કરવા માટે હિંદી ભાષા બાળક શીખે અને વિદેશીઓ સાથે સંપર્ક-સંબંધ સાધવા કે રાખવા આંતરરાષ્ટ્રિય અંગ્રેજી ભાષા પણ શીખવા પ્રેરાય તેવું કરો. જરૂર પડે તો બીજી પ્રાંતીય કે વિદેશી ભાષાઓના અભ્યાસમાં તે રસ લે તેવું વાતાવરણ પણ સર્જવું જોઈએ.

(૪) માનવની મૂળભાષા અને ભારતીય સંસ્કૃતિના ખજાના જેવી સંસ્કૃત ભાષા શીખવી એ અત્યંત આવશ્યક છે અને એ ભાષાને સાંગોપાંગ શીખવા બાળકો પ્રયત્નશીલ રહે અને શીખી લે તે માટે પ્રયાસો કરવા જોઈએ.

ધર્મ-શિક્ષણની રીત

મહાન ઉપદેશક સ્વામી વિવેકાનંદના ધર્મ વિશેના આ બે ઉદ્‌ગારો હંમેશાં બાળકો યાદ રાખે એ જોતાં રહેવું.

(૧) ‘ધર્મ એટલે પૂર્ણ હોવું અને પૂર્ણ બનવું.’ બીજા શબ્દોમાં કહીએ તો ધર્મ એટલે કોઈ ચોક્કસ આદર્શને પોતાની સમક્ષ લક્ષ્યરૂપે રાખીને એ આદર્શને અનુભવવા માટે સતત પ્રયત્નશીલ રહે એવું વાતાવરણ પૂરું પાડો.

(૨) ‘ધર્મ એટલે માનવમાં પહેલેથી જ રહેલી દિવ્યતાનું પ્રગટીકરણ.’ અર્થાત્‌ માનવમાં રહેલી દિવ્યતાને જગાડવી કે અનાવૃત્ત કરવી એટલે ધર્મ. જે લોકો ધર્મના વિવિધ પથોને જ સમગ્ર ધર્મ માની લે છે તેઓ સંપ્રદાયો સર્જે છે અને અંદરોઅંદર ઝઘડે છે. પરંતુ એ સાચો ધર્મ નથી. કોઈ ચોક્કસ શ્રદ્ધા કે માન્યતાને જ વળગી રહેવું એમાં ધર્મ નથી. પરંતુ ધર્મ તો ત્યાં છે કે જ્યાં આપણે સ્વીકારેલી શ્રદ્ધાઓ-માન્યતાઓ પ્રમાણે આપણે આપણા જીવનને વાળી શકીએ, એ સત્યને બાળક બરાબર વિચારે, સમજે અને જીવનમાં ઉતારે તેવું જાગૃતિપૂર્વકનું કાર્ય કરવું જોઈએ.

ઉપસંહાર

શાળાએ જવાના દિવસથી બાળકની નવી જિંદગી શરૂ થાય છે. આજ સુધી બાળક બધો સમય ઘરે રહ્યા છે. તેઓ ઘણા લાંબા સમય સુધી પોતપોતાનાં માતપિતા, ભાઈબહેનો સાથે રહ્યાં છે. એટલે એક નવા જ પર્યાવરણમાં, નવા સહાધ્યાયીઓ સાથે અને નવા પાલક-માર્ગદર્શકની નિગેહબાની હેઠળ એમણે રહેવાનું છે. એટલે આ ચાર ઉદ્દેશો બાળકો બરાબર પોતાના મનમાં રાખે, એને ગળે ઉતારે અને એ રીતે જીવે એવું કરવું જોઈએ.

પહેલો ઉદ્દેશ :  શાળામાં રહીને બાળકો દેશ, જાતિ અને કુટુંબના મર્યાદિત વર્તુળવિસ્તારને ત્યજીને બધા લોકોને પોતાના બાંધવોના રૂપે સ્વીકારવાનું શીખતાં થાય એવું સતતપણે કરતાં રહેવું જોઈએ.

બીજો ઉદ્દેશ : બીજાઓ સાથે રહીને, સૌના સહિયારા પ્રયત્નોથી જવાબદારી ઉપાડીને, સમાનમનવાળા બનીને એ જવાબદારી પૂર્ણ કરવાનું બાળક શીખે એ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.

ત્રીજો ઉદ્દેશ : આપણા સ્વાતંત્ર્યવીરોના મહામૂલાં બલિદાનોથી આપણને આઝાદી મળી છે. ભારતનાં ક્ષેમકલ્યાણ માટે આપણે સૌ જવાબદાર છીએ. એટલે જ આપણા દેશનું કલ્યાણ શેમાં છે અને અકલ્યાણ શેમાં છે તે સ્પષ્ટપણે જાણે અને એ પ્રમાણે પ્રબુદ્ધ નાગરિકીની જેમ સુયોગ્ય કાર્ય કરે તેવી ટેવ પાડવી જોઈએ. સૌએ સાથે મળીને દેશને માટે નુકશાનકારી બાબતોનો વિરોધ કરવાની અને દેશનું કલ્યાણ સાધનારી બાબતોને પૂર્ણ કરવાની શક્તિ બાળકોએ પોતે જ કેળવવી પડે છે એ વાત એને બરાબર સમજાવવી જોઈએ.

ચોથો ઉદ્દેશ : ભગવાન બુદ્ધ, શ્રીરામ, શ્રીકૃષ્ણ, ઈશુ ખ્રિસ્ત, ભગવાન શ્રીરામકૃષ્ણદેવના જેવા પવિત્ર, શુદ્ધ બને અને અન્યના કલ્યાણ માટે શુભનિષ્ઠા દાખવે તેવા બને તે માટે તેમને સતત પ્રેરતા રહેવું જોઈએ.

Total Views: 180

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.