ગયા સંપાદકીયમાં આપણે કોઈ પણ બાળક કોઈ ઉત્તમ વિચાર કે મૂલ્ય વર્ગખંડમાં, પોતાના ઘરે કે સમાજમાં ઉતારતાં શીખતો હોય ત્યારે તેને છ ક્રમિક પ્રક્રિયાઓમાંથી સભાનપણે પસાર થવું પડે છે તેની વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. એમાંની છેલ્લી અને છઠ્ઠી પ્રક્રિયા ‘મૂલ્યોના અનુસરણનું મૂલ્યાંકન’ વિશે આપણે ચર્ચા કરીશું.
વ્યક્તિત્વનાં ગુણપાસાંનું મૂલ્યાંકન
દરેક બાળક પોતાના અભ્યાસકાળ દરમિયાન વર્ગખંડમાં બીજા વિષયોની જેમ મૂલ્યોનું શિક્ષણ મેળવે છે અને એને પોતાના વ્યવહારુ જીવનમાં ઝીલે છે અને જીવે છે. એરિસ્ટોટલ કહે છે : ‘આપણે જે ટેવયુક્ત પુન: પુન: કરીએ છીએ એ જ આપણું વ્યક્તિત્વ છે.’ બાળક આત્મશ્રદ્ધાવાળું, ખંતીલું, નેતૃત્વની ગુણવત્તાવાળું, સ્વાવલંબી, જવાબદાર, સમસ્યાઓનું સમાધાન શોધવામાં અને નિર્ણય લેવામાં સફળ રહેનાર, બીજાને સમજવામાં કુશળ અને સંવેદનશીલ, નિશ્ચયાત્મક વિચારશક્તિવાળું, પોતાના વિચારોની પ્રબળ અભિવ્યક્તિવાળું, નૈતિક મૂલ્યોવાળું અને ઉચ્ચકક્ષાની પ્રામાણિકતા ધરાવતું બને એવું આપણને ગમે. પરંતુ આમાં એકલાએ ઇચ્છવાથી કંઈ થવાનું નથી.
દરેક શાળા તેમજ વર્ગશિક્ષક મૂલ્યોના અમલીકરણની પદ્ધતિસરની નોંધ કોઈ પણ જાતના પૂર્વગ્રહ વિના રાખતી બને તો આ મૂલ્યાંકન કાર્ય સહજસરળ બની રહે. ધોરણવાર વર્ષ દરમિયાન પાઠ્યક્રમને સાથે રાખીને દર મહિને બે કે ત્રણ મૂલ્યોનું વર્ગશિક્ષક મૂલ્યાંકન કરે તો મૂલ્યશિક્ષણ અને એનાં માપનમૂલ્યાંકનમાં કોઈ વધારાનો કાર્યબોજ એના પર નહિ આવે. એટલું જ નહિ આ મહાન કાર્ય એક સહજસરળ પ્રક્રિયા પણ બની રહેશે; કોઈ પણ શિક્ષક એક પ્રણાલીની માફક આ કાર્ય ચાલુ રાખી શકે. અલબત્ત ક્યાંક પરિવર્તન કે સંશોધન કરવાની જરૂર પડે તો શિક્ષકે પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો પડે.
આટલી વસ્તુ તો આપણે યાદ રાખવી પડે કે દરેક બાળકમાં ગુણવત્તાની ક્ષમતાઓનો મર્યાદાઓનો અનન્ય જથ્થો હોય છે; અને એના પ્રમાણમાં દરેકેદરેક બાળકની શીખવાની પ્રક્રિયા પણ ભિન્ન ભિન્ન રહે છે. કેટલાંક બાળકો બહિર્મુખી પ્રવૃત્તિઓ અને રમતગમત દ્વારા વધારે શીખે છે. આવા બાળકો માટે માબાપ એમના પ્રથમ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી શકે અને ઘર એની પ્રથમ શાળા બનશે. ઘરના વાતાવરણમાં કોઈ પણ જાતના બાહ્ય દબાણ વિના શીખવાની પ્રક્રિયા થઈ શકે છે. એવી જ રીતે એવા કેટલાંક બાળકો હોય છે કે જેમને વધારે ઉદ્દીપનની જરૂર પડે છે. આવાં બાળકો માટે શાળા પહેલાંના અનુભવો એમને માટે ઉત્તમ પ્રોત્સાહક બળ બની રહેશે. આવાં બાળકોને પોતાની ભીતરની ગુણવત્તાને પહોંચવા માટે સુયોગ્ય શાળાકીય વાતાવરણની જરૂર પડે છે.
દરેક બાળક પોતાના વિદ્યાકીય ક્ષેત્રની કારકીર્દિને પહોંચે અને મૂલ્યોને આત્મસાત્ કરે તેનું પદ્ધતિસર મૂલ્યાંકન કરવા માટે અહીં દર્શાવેલ પાંચ પ્રગતિસોપાનો-ગ્રેડનો ઉપયોગ કરી શકાય. આ પ્રગતિ સોપાનોની નોંધ વિદ્યાર્થીની સાર્વત્રિક સિદ્ધિઓની એક વિશેષ નોંધવાળું સંગૃહિત પ્રગતિપત્રક પણ તૈયાર કરવું પડે. વર્ગશિક્ષકે અહીં દર્શાવેલ પાંચ ગ્રેડમાંથી સૌથી વધુ નિકટના ગ્રેડની નોંધ કરવી અને વિદ્યાર્થીનું જે તે ક્ષેત્રમાં સ્થાન નક્કી કરવાનું રહે છે. વિદ્યાર્થી ક્રમશ: ઉત્તરોત્તર વધુ અને વધુ સારા ગ્રેડમાં ઉન્નત થાય એ કાળજી શિક્ષકે લેવી.
મૂલ્ય – ૧ : અભ્યાસકીય ઉત્કૃષ્ટતા
(Academic Excellence)
ગ્રેડ-એ : વર્ગમાં પૂર્ણપણે ધ્યાન આપનાર અને પોતાની શંકાઓનું સમાધાન કરવામાં જરાય અચકાય નહિ, બીજા કોઈની સહાય વિના પોતાનું ગૃહ-વર્ગકાર્ય નિયમિત રીતે કરતો હોય અને જે પોતાનામાં આત્મશ્રદ્ધા વિકસાવે છે એવા બાળકને ‘ગ્રેડ-એ’ આપી શકાય.
ગ્રેડ-બી : વર્ગમાં પૂરેપૂરું ધ્યાન આપનાર આ બાળક પોતાની શંકાઓનું સમાધાન કરવામાં થોડા ખચકાય છે પણ ગમે તેમ કરીને એનું સમાધાન શોધી લે છે. બીજાની મદદથી નિયમિત રીતે પોતાનું ગૃહ- વર્ગકાર્ય નિયમિત રીતે કરે છે તેમજ પોતાનામાં પૂરતી આત્મશ્રદ્ધા વિકસાવે છે એવા બાળકને ‘ગ્રેડ-બી’ આપી શકાય.
ગ્રેડ-સી : વિદ્યાર્થી પ્રસંગોપાત વર્ગમાં ધ્યાન આપે છે, પોતાની શંકાઓનું સમાધાન વર્ગખંડમાં શોધવાનો પ્રયાસ કરે છે. બીજાની મદદથી નિયમિત રીતે પોતાનું ગૃહ- વર્ગકાર્ય નિયમિત રીતે કરે છે પણ પોતાનામાં પૂરતી આત્મશ્રદ્ધા વિકસાવી શકતો નથી એવા બાળકને ‘ગ્રેડ-સી’ આપી શકાય.
ગ્રેડ-ડી : વિદ્યાર્થી પ્રસંગોપાત વર્ગમાં ધ્યાન આપે છે, પોતાની શંકાઓનું સમાધાન કરવામાં ખચકાય છે, બીજાની મદદથી પોતાનું ગૃહ- વર્ગકાર્ય અનિયમિત રીતે અને ટુકડે ટુકડે કરે છે. આ બાળક પોતાનામાં પૂરતી આત્મશ્રદ્ધા વિકસાવી શકતો નથી એવા બાળકને ‘ગ્રેડ-ડી’ આપી શકાય.
ગ્રેડ-ઈ : આ બાળક પોતાના વર્ગખંડમાં જરાય ધ્યાન આપતો નથી, પોતાની શંકાઓનું સમાધાન શોધવાનો પ્રયાસ કરતો નથી, પોતાના મોટાભાગનું વર્ગ-ગૃહકાર્ય કરતો નથી. ક્યારેક તો સમજવાનો પ્રયત્ન કર્યા વિના બીજાની આંધળુકીયા નકલ કરે છે. પોતાની જાત પર જરાય વિશ્વાસ ધરાવતો નથી. એવા બાળકને ‘ગ્રેડ-ઈ’ આપી શકાય.
મૂલ્ય : ૨ – સામાજિક સુમેળ કે અનુરૂપતા
(Social Compatibility)
શાળાએ લઈ જવાનાં દફતર, બૂટમોજાં, અન્ય શૈક્ષણિક સાધનો તેમજ પુસ્તકોને સારી રીતે ગોઠવવાં અને રાખવાં જોઈએ. બગીચાના ફૂલછોડની માવજત કરવી, આવશ્યક પાણી ખાતર આપવાં, સેવા કરવી કે બીજાને ઉપયોગી થવું, જાહેર સેવાના કાર્યમાં શ્રમદાન કરવું, શાળાસફાઈ-ઘરસફાઈ તેમજ જાહેરસફાઈ કરવી, પોતાની સંસ્થાને વધારે ને વધારે ઉન્નત બનાવવી વગેરે ફરજો આપણે બાળકને સોંપી શકીએ. આવાં કાર્યો દ્વારા બાળકો સામાજિક સુમેળ ધરાવતા પ્રબુદ્ધ નાગરિક બની શકશે.
ગ્રેડ-એ : સોંપેલું કાર્ય સુયોગ્ય રીતે અને ઉત્કટતાથી પાર પાડતો હોય તેમજ જેમને આવી ફરજો સોંપાઈ હોય એવા વિદ્યાર્થીઓ સાથે સહકારની ભાવના રાખતો હોય, એવા વિદ્યાર્થીને ‘ગ્રેડ-એ’ આપી શકાય.
ગ્રેડ-બી : વિદ્યાર્થી પોતાનો સોંપાયેલ ફરજો નિષ્ઠાપૂર્વક અને સમર્પણભાવથી કરે, પણ જૂથકાર્યમાં પ્રમાણમાં ઓછું ધ્યાન રાખે તેને ‘ગ્રેડ-બી’ અપાય.
ગ્રેડ-સી : જે વિદ્યાર્થી સોંપેલ કાર્યની જવાબદારી લેવામાં ઓછો ઊતરે અને સોંપેલ જવાબદારીને નિભાવવા કાર્યતત્પરતા દાખવવામાં પણ ઊણો ઊતરે તેમજ જૂથકાર્યમાં ઓછું ધ્યાન રાખે તેને ‘ગ્રેડ-સી’ આપી શકાય.
ગ્રેડ-ડી : પોતાને સોંપેલ કાર્યફરજમાં બીજાની સહાય લે અને જૂથકાર્યમાં પણ ઓછો રસ ધરાવે તેવા વિદ્યાર્થીને ‘ગ્રેડ-ડી’ અપાય.
ગ્રેડ-ઈ : પોતાની ફરજો બજાવતી વખતે જે વિદ્યાર્થી અવારનવાર બીજા સહપાઠીઓ સાથે ઝઘડતો રહે અને જૂથકાર્યમાં પણ બીજાને નડતરરૂપ બને એવા વિદ્યાર્થીને ‘ગ્રેડ-ઈ’ અપાય.
મૂલ્ય : ૩ – શારીરિક વ્યાયામ, રમતગમત વગેરે
(Physical Training Sessions, Games and Sports)
બાળકની શારીરિક તંદુરસ્તી સારી રહે અને જળવાઈ રહે એ માટે તેણે હાથ ધોવા, હાથપગના નખ કાપવા, સુઘડ અને સ્વચ્છ ગણવેશ પહેરવો, બધી જ બાબતમાં સ્વચ્છતા સુઘડતા રાખવાનો પ્રયાસ કરવો; જેમાં (ટિમ-સ્પિરિટ) સંઘભાવના, ખંત, તંદુરસ્ત સ્પર્ધા, નિ:સ્વાર્થ ભાવના અને સંચાલકો-સંવાહકો સાથે માનસન્માન જળવાય તેવી ફૂટબોલ, ક્રિકેટ જેવી અન્ય રમતો રમવી અને પ્રવૃત્તિઓ કરવી.
ગ્રેડ-એ : ઉપર્યુક્ત બાબતોને ધ્યાનમાં રાખીને જે બાળક પૂર્ણ ઉત્સાહ અને ઉત્કટતાથી કાર્ય કરે કે ભાગ લે તેને ‘ગ્રેડ-એ’ આપી શકાય.
ગ્રેડ-બી : પોતાની દૈનંદિન ફરજો જાણે કે એક બોજો હોય તે રીતે બજાવનાર અને મનહૃદય રેડ્યા વિના એ કાર્યો કરનારને ‘ગ્રેડ-બી’ અપાય છે.
ગ્રેડ-સી : બાળકમાં પોતાના વ્યક્તિગત બુદ્ધિચાતુર્યનું આણું પાથરતો હોય અને જૂથકાર્યને ઓછું મહત્ત્વ આપતો હોય, એને લીધે સમગ્ર જૂથના કાર્યને હાનિ પહોંચાડે તેવા બાળકને ‘ગ્રેડ-સી’ આપી શકાય.
ગ્રેડ-ડી : રમતગમતના સારા અને સફળતાપૂર્વકના પરિણામની અપેક્ષા રાખવા જતાં વારંવાર શારીરિક ઈજા થાય અને અત્યંત થાક અનુભવતો હોય તેવા વિદ્યાર્થીને ‘ગ્રેડ-ડી’ અપાય.
ગ્રેડ-ઈ : રમતગમતમાં વિજય મેળવવા માટે ખોટાં સાધનો અને વર્તનો બતાવનાર પોતાના રેફરી કે નિર્ણાયક, તાલીમ આપનાર અને બીજા વિદ્યાર્થીઓ સાથે અવારનવાર લડતા-ઝઘડતા રહેનાર બાળકને ‘ગ્રેડ-ઈ’ અપાય છે.
મૂલ્ય : ૪ – જવાબદારીની ભાવના
(Sense of Responsibility)
આ ભાવના બાળકની અહીં દર્શાવેલી વિવિધ પ્રવૃત્તિઓમાં જોવા મળે છે. જરૂર ન હોય ત્યારે તેમજ ખંડમાંથી બહાર નીકળતી વખતે લાઈટ-પંખા વગેરે બંધ કરવાં. પાણીની દુવ્યર્ય ન કરવો તેમજ ઉપયોગ કરી લીધા પછી નળની ચકલી બંધ કરવી; શાળાની પાટલીઓ, ખૂરશી અને ટેબલ પર ચિતરામણ ન કરવાં કે ભાંડફોડ ન કરવી; વર્ગખંડ કે બીજા ઓરડાઓની દીવાલોને ન બગાડવી કે એના પર ચિતરામણ ન કરવાં; નિરર્થક ચીજવસ્તુઓ કે કચરાને અહીંતહીં ન ફેંકવા; વર્ગખંડને કે સમૂહ શયનખંડને સ્વચ્છ સુઘડ રાખવા; પ્રયોગશાળામાં કામ કરતી વખતે કે બીજાં મહત્ત્વનાં શૈક્ષણિક સાધનો વાપરતી વખતે કાળજી રાખવી અને સચેત રહેવું. શાળાના મકાનની, એના વર્ગના ટેબલ-ખુરશી, બાંકડાની, શાળાના બીજા રાચરચીલાની તેમજ શાળાના બગીચાની જાળવણી કરવી; આવી પ્રવૃત્તિઓ બાળકોની જવાબદારીની ભાવનાનું મૂલ્યાંકન કરવામાં અત્યંત સહાયરૂપ નીવડે છે.
ગ્રેડ-એ : બાળક ઉપર્યુક્ત જવાબદારીઓ કાળજીપૂર્વક નીભાવે અને બીજાને પણ એવું કરતાં પ્રેરે તેને ‘ગ્રેડ-એ’ અપાય.
ગ્રેડ-બી : ઉપર્યુક્ત જવાબદારીઓમાં બાળક વ્યક્તિગત રીતે જાગ્રત અને નિષ્ઠાવાળો રહે છે. બીજાની આ બાબત પ્રત્યેની નિષ્કાળજી નજરે જોવા છતાં પણ તેમને પોતાની ફરજ બરાબર બજાવવાનું કહેતાં અચકાય; અને બીજાને બદલે પોતે જ ઉપર્યુક્ત કાર્યો કરે તો તેને ‘ગ્રેડ-બી’ અપાય.
ગ્રેડ-સી : બાળક પોતે વ્યક્તિગત રીતે ઉપર્યુક્ત ફરજો બજાવવામાં પૂરતી કાળજી રાખે અને નિષ્ઠા રાખે. બીજાની આ બાબત પ્રત્યેની નિષ્કાળજી નજરે જોવા છતાં પણ તેમને પોતાની ફરજ બરાબર બજાવવાનું કહેતાં અચકાય; અને પોતે પણ એ બધા વતી કાર્ય કરવાની તૈયારી ન બતાવે તેવા બાળકને ‘ગ્રેડ-સી’ અપાય.
ગ્રેડ-ડી : અવારનવાર બાળક પોતાની ફરજોમાં બેદરકારી દાખવે, બીજાની આ બાબત પ્રત્યેની નિષ્કાળજી નજરે જોવા છતાં પણ તેમને પોતાની ફરજ બરાબર બજાવવાનું કહેતાં અચકાય; અને પોતે પણ એ બધા વતી કાર્ય કરવાની તૈયારી ન બતાવે તેવા બાળકને ‘ગ્રેડ-ડી’ આપી શકાય.
ગ્રેડ-ઈ : બાળક પોતે પોતાની ફરજો કાળજીપૂર્વક અદા ન કરે અને બીજાં બાળકો આવાં કાર્યો કરે તો તેને બગાડતો રહે,એમની સાથે ઝઘડતો રહે કે અવારનવાર નિરર્થક વાદવિવાદમાં ઊતરે તેવા બાળકને ‘ગ્રેડ-ઈ’ અપાય.
મૂલ્ય : ૫ – આદર્શ ઉપભોક્તા તરીકેની ભૂમિકા
(Role as a Consumer)
આદર્શ ઉપભોક્તા રૂપે બાળકનું મૂલ્યાંકન કરવા માટે એના અહીં દર્શાવેલ વલણોને ધ્યાનમાં રાખવાં. પોસ્ટલ સ્ટેશનરી એટલે કે ટિકિટ, પરબિડિયા, પોસ્કાર્ડ, તેમજ પોતાનાં પાઠ્ય પુસ્તકો, નોંધપોથીઓ અને અન્ય શૈક્ષણિક સાધનોની ખરીદીમાં અને ઉપયોગમાં આયોજનપૂર્વક બાળક ચાલે.
ગ્રેડ-એ : ઉપર્યુક્ત સાધનોની ખરીદીમાં અને ઉપયોગમાં આયોજનપૂર્વક બાળક ચાલે. ઉડાઉપણા અને દુવ્યર્ય થતો અટકાવે તેને ‘ગ્રેડ-એ’ અપાય.
ગ્રેડ-બી : બાળક ઉડાઉ ભલે ન હોય કે ઉપર્યુક્ત ચીજવસ્તુઓનો દુરુપયોગ ન કરતો હોય પણ પોતાની બેકાળજીને લીધે ક્યારેક એ ચીજવસ્તુને ભાંગે-તોડે, નુકશાન પહોંચાડે કે આડાઅવળી ગમે ત્યાં મૂકે દે અને એને લીધે એવી ચીજવસ્તુઓને ફરીથી ખરીદવી પડે. એવા બાળકને ‘ગ્રેડ-બી’ આપી શકાય.
ગ્રેડ-સી : બાળક ઉડાઉ પ્રકૃતિનો હોય અને સાથે ને સાથે આવશ્યકતા કરતાં વધુ ફેશનેબલ અને અતિકીમતી કે તૈયાર કોળિયાં જેવાં નાસ્તા કરવાની ટેવ પાડીને ધનનો દુર્વ્યય કરે તેને ‘ગ્રેડ-સી’ અપાય.
ગ્રેડ-ડી : બાળક એટલો બધો ઉડાઉ બને કે ઉપર્યુક્ત ચીજવસ્તુઓ કે બીજા પાસેથી પૈસા ઉધાર લે અને ઉપર્યુક્ત વસ્તુઓ ઉછીની મેળવીને ખોટો ખર્ચ કરે એવા બાળકને ‘ગ્રેડ-ડી’ અપાય.
ગ્રેડ-ઈ : મિત્રો પાસેથી કે બીજા પાસેથી ચીજવસ્તુઓ કે પૈસા ઉધાર લઈને એ પૈસા કે વસ્તુઓ પાછી વાળતો પણ નથી અને ઘણા મોટા પ્રમાણમાં ઉડાઉ હોય એવા બાળકને ‘ગ્રેડ-ઈ’ અપાય.
મૂલ્ય : ૬ – વૈજ્ઞાનિક સમજણની પ્રકૃતિ
(Scientific Temperament)
આ મૂલ્યનું મૂલ્યાંકન કરવા માટે આટલું ધ્યાનમાં રાખવું જોઈએ.
ગ્રેડ-એ : પોતાના વિદ્યાકીય પાઠ્યક્રમ પ્રમાણે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક વિષયોનું જ્ઞાન મેળવા ઉપરાંત જે બાળક વિજ્ઞાનની સાધનસામગ્રી તેમજ પુસ્તકો અને સામયિકો વર્તમાન પત્રોનું રસપૂર્વક વાચન કરે અને વિજ્ઞાન – ટેક્નોલોજીની કાર્યશિબિર કે પ્રદર્શનમાં સક્રિય રસ લેનાર બાળકને આ ‘ગ્રેડ-એ’ અપાય.
ગ્રેડ-બી : બાળક વિજ્ઞાનના પુસ્તકિયા જ્ઞાનમાં રસ ધરાવતો હોય અને પદ્ધતિઓમાં સ્પષ્ટ સંકલ્પના ધરાવતો હોય, પરંતુ વિજ્ઞાનના પ્રાયોગિક કાર્યમાં રસરુચિ ન રાખતો હોય; પાઠ્યપુસ્તક ઉપરાંત બીજાં વિજ્ઞાનનું સાહિત્ય વાંચતો હોય પરંતુ વિજ્ઞાન – ટેક્નોલોજીની કાર્યશિબિર કે પ્રદર્શનમાં પૂરતો રસ ન લેનાર બાળકને આ ‘ગ્રેડ-બી’ અપાય.
ગ્રેડ-સી : બાળક વિજ્ઞાનના પુસ્તકિયા જ્ઞાનમાં રસ ધરાવતો હોય અને પદ્ધતિઓમાં સ્પષ્ટ સંકલ્પના કેળવવા મથતો હોય, પરંતુ પાઠ્યપુસ્તક ઉપરાંત બીજાં વૈજ્ઞાનિક સાહિત્ય વાંચન કરતો ન હોય અને વિજ્ઞાનટેક્નોલોજીની કાર્યશિબિર કે પ્રદર્શનમાં પૂરતો રસ ન લેનાર બાળકને આ ‘ગ્રેડ-સી’ અપાય.
ગ્રેડ-ડી : વિજ્ઞાન અને ટેક્નોલોજીની સહાભ્યાસિક પ્રવૃત્તિઓમાં જરૂર કરતાં વધારે રસરુચિ રાખીને પોતાના વિષય પ્રત્યે નિષ્કાળજી રાખનાર બાળકને ‘ગ્રેડ-ડી’ અપાય.
ગ્રેડ-ઈ : વિજ્ઞાન અને ટેક્નોલોજીની સ્પષ્ટ સંકલ્પના કેળવવાને બદલે જે બાળક પરીક્ષામાં વધુ ગુણ મેળવવા માટે ગોખણપટ્ટીનો જ ઉપયોગ કરતો હોય તેને ‘ગ્રેડ-ઈ’ અપાય.
મૂલ્ય : ૭-સૌંદર્યકલાભિરુચિ અને સર્જનાત્મકતા
(Aesthetic Taste and Creativity)
આ મૂલ્યના માપન માટે અહીં દર્શાવેલ વલણો ધ્યાનમાં રાખવાં જોઈએ.
ગ્રેડ-એ : સુરુચિપૂર્ણ સાહિત્યનું વાંચન અને કલા-સંગીતને માણવા ઉપરાંત બાળકે શાળાના ભીંતપત્ર કે સામયિકમાં પોતાનાં મૂળ લેખો, કાવ્યો, ચિત્રોમાં પોતાનું મૂલ્યવાન પ્રદાન આપવા રસ ધરાવતો હોય; શાળાની ચિત્રસ્પર્ધા કે શહેર-રાજ્ય કે રાષ્ટ્રિય કક્ષાની ચિત્ર, સંગીત, નૃત્ય, નાટ્ય અને બીજા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતો હોય; વર્ગખંડ, શાળા, મંદિર, સભાગૃહ, શાળાનું મેદાન કે ઘરમાં મહત્ત્વની ઉજવણી દરમિયાન શણગાર વગેરે કરી શકતો હોય; એને ‘ગ્રેડ-એ’ અપાય.
ગ્રેડ-બી : ઉપર્યુક્ત બધી બાબતોમાં બાળક રસરુચિ ધરાવતો હોય પણ પોતે આગળ આવીને જે તે ક્ષેત્રમાં પોતાનું સક્રિય પ્રદાન કરવામાં થોડો ખચકાય તેને ‘ગ્રેડ-બી’ અપાય.
ગ્રેડ-સી : ઉપર્યુક્ત વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ તેમજ કલાસાહિત્યમાં ભાગ લે છે પણ એમાં સૌંદર્ય કલાભિરુચિ કેળવવાનો અભિગમ ધરાવતો નથી. જે તે સ્પર્ધા દ્વારા પારિતોષિક કે સન્માનપત્ર મેળવવાનો હેતુ રાખનાર બાળકને ‘ગ્રેડ-સી’ અપાય.
ગ્રેડ-ડી : સાહિત્ય, કલા, સંગીતના ભાવસૌંદર્યને ન માણનાર અને તે બધાંને બીનઉપયોગી માનનાર બાળકને ‘ગ્રેડ-ડી’ અપાય.
ગ્રેડ-ઈ : સાહિત્ય, કલા, સંગીતના ભાવસૌંદર્યને ન માણનાર અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કોઈ પણ કલાકાર સાહિત્ય, કલા કે સંગીતમાં સક્રિય ભાગ ભજવતો હોય ત્યારે તેની વાનરનકલ કરીને તેને ઉતારી પાડનાર બાળકને ‘ગ્રેડ-ઈ’ અપાય છે.
મૂલ્ય : ૮ – ફુરસદના સમયની પ્રવૃત્તિઓ
(Leisure Time Activities)
આ મૂલ્યના માપન માટે અહીં દર્શાવેલ વલણો ધ્યાનમાં રાખવાં જોઈએ.
ગ્રેડ-એ : પોતાના ફુરસદના સમયમાં ઘર-આંગણાની રમતો રમનાર; વિદ્યાવ્યાસંગોને સંતોષનાર સહાભ્યાસિક અને સાંસ્કૃતિક સ્પર્ધાઓની પૂર્વ તૈયારી કરનાર; ટીવી, રેડિયો, વર્તમાનપત્રો જેવાં જાહેર પ્રસાર-પ્રચારનાં સાધનોમાંથી સારાં-સારાં અને ઉદ્દીપક કાર્યક્રમોમાં રસ લેનાર; શૈક્ષણિક કે સાંસ્કૃતિક કાર્યક્રમોની સીડી કે વિડીયો ફિલ્મ જોવામાં રસરુચિ દાખવનાર; જૂથચર્ચામાં સક્રિય રસ લેનાર તેમજ પોતાની શાળાના કાર્યક્રમોમાં અને પ્રવૃત્તિઓમાં રસ દાખવનાર બાળકને ‘ગ્રેડ-એ’ અપાય છે.
ગ્રેડ-બી : પોતાના ફુરસદના સમયને સાપ્તાહિક, પાક્ષિક, માસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક પરીક્ષાની પૂર્વ તૈયારીઓમાં મશગૂલ રહીને પોતાના મનમસ્તિષ્ક અને જ્ઞાનતંતુઓને વધુ પડતો બોજો આપનાર, ફુરસદના સમયની પ્રવૃત્તિઓમાં ઓછો રસ રાખનાર બાળકને ‘ગ્રેડ-બી’ અપાય.
ગ્રેડ-સી : ફુરસદના સમયે એકલો અટૂલો આળસમાં બેસી રહેનાર અને મનના તરંગોની દુનિયામાં શેખચલીની જેમ દીવાસ્વપ્નમાં રાચનાર બાળકને ‘ગ્રેડ-સી’ અપાય.
ગ્રેડ-ડી : પોતાના ફાજલ સમયમાં નિરર્થક ગામગપ્પા મારનાર, બીજાના દોષ શોધનારને ‘ગ્રેડ-ડી’ અપાય.
ગ્રેડ-ઈ : લડાઈ ઝઘડા જેવી કે નિરર્થક વાદવિવાદ જેવી વાતોમાં પોતાના ફાજલ સમયને વેડફનાર બાળકને ‘ગ્રેડ-ઈ’ અપાય.
મૂલ્ય :૯-અન્ય માટે ચિંતા અને એમનું ભલું કરવું
(Concern for Others)
આ મૂલ્યના માપન માટે અહીં દર્શાવેલ વલણો ધ્યાનમાં રાખવાં જોઈએ.
ગ્રેડ-એ : વર્ગમાં કે ઘરે સહપાઠીઓને પેન, પેન્સીલ કે બીજું અભ્યાસનું સાહિત્ય આપનાર; અભ્યાસમાં માર્ગદર્શન આપનાર; માંદા હોય ત્યારે તેની માવજત રાખનાર; વડીલોની આજ્ઞાનું પાલન કરનાર; શાળા દ્વારા યોજાતા સામાજિક કલ્યાણના કે અન્ય સર્વકલ્યાણની પ્રવૃત્તિઓમાં સહાય આપનાર બાળકને ‘ગ્રેડ-એ’ અપાય.
ગ્રેડ-બી : બાળકમાં બીજાને મદદ કરવાની વૃત્તિ હોય છે આમ છતાં પણ તે અવારનવાર ઠીક ઠીક પ્રમાણમાં સ્વાર્થભાવના રાખનાર; (દા.ત. બીજાને મદદ કરવી એ ઉત્તમ આચરણ છે, એમ માનીને મદદ તો કરે પણ બીજાના વિચાર-લાગણીમાં પ્રમાણમાં ઓછી સહિષ્ણુતા રાખનાર) બાળકને ‘ગ્રેડ-બી’ આપી શકાય છે.
ગ્રેડ-સી : પોતાના અંગત રસ અને સ્વાર્થને લીધે જ બીજાને મદદ કરવાની વૃત્તિ રાખનાર બાળકને ‘ગ્રેડ-સી’ આપી શકાય.
ગ્રેડ-ડી : પોતાના મર્યાદિત મિત્ર વર્તુળને જ મદદ કરવાની વૃત્તિ રાખનાર અને બીજાઓ પ્રત્યે ભેદભાવ ભરેલું વર્તન રાખનારને ‘ગ્રેડ-ડી’ અપાય.
ગ્રેડ-ઈ : સ્વાર્થી, ઝઘડાલુ અને અન્ય પ્રત્યે વેરભાવ રાખનાર બાળકને ‘ગ્રેડ-ઈ’ અપાય.
મૂલ્ય : ૧૦ – આધ્યાત્મિક મૂલ્યો
(Spiritual Values)
આ મૂલ્યના માપન માટે અહીં દર્શાવેલ વલણો ધ્યાનમાં રાખવાં જોઈએ.
ગ્રેડ-એ : દરરોજ ધ્યાન અને પ્રાર્થનામાં રસરુચિ રાખનાર; ઈશ્વર કે પરમસત્તામાં માનનાર; આ બધાની મદદથી શાંતિ અને હૃદયની ઉદાત્તતા વિકસાવનાર; એના દ્વારા સૌને ચાહવાનું અને સૌના પ્રત્યે સમસંવેદના રાખવાનું સામર્થ્ય ધરાવનાર બાળકને ‘ગ્રેડ-એ’ અપાય.
ગ્રેડ-બી : પોતાની મહત્ત્વાકાંક્ષાઓ, ઇચ્છાઓને સંતોષવા ધ્યાન પ્રાર્થના વગેરે કરનાર બાળકને ‘ગ્રેડ-બી’ અપાય.
ગ્રેડ-સી : દરરોજ ધ્યાન-પ્રાર્થના વગેરે નિષ્ક્રિય મનોવલણ સાથે એટલે કે દૈનંદિન કાર્ય કરવું પડે છે એમ માનીને પરાણે ધ્યાન પ્રાર્થના વગેરે કરનારને ‘ગ્રેડ-સી’ અપાય.
ગ્રેડ-ડી : પોતાના ધ્યાન-પ્રાર્થનાના સમયમાં અશાંત અને અસ્થિર રહેનાર તેમજ એમાંથી જેમ બને તેમ વહેલા છૂટવાની ઇચ્છા રાખનાર બાળકને ‘ગ્રેડ-ડી’ આપવામાં આવે છે.
ગ્રેડ-ઈ : જે બાળકને પ્રાર્થના-ધ્યાન પસંદ જ નથી અને ધ્યાન પ્રાર્થના વખતે વાંદરાવેળા કે ચેનચાળા કરીને બીજા વિદ્યાર્થીઓની ધ્યાનસ્થ કે પ્રાર્થનામય મુદ્રામાં વિઘ્ન પહોંચાડનારને ‘ગ્રેડ-ઈ’ અપાય.
ઉપર્યુક્ત દસ મૂલ્યોની માપનરીતિ પ્રમાણે જીવનનાં બીજાં કેટલાંક અગત્યનાં અને ઉદાત્ત મૂલ્યોને કે સદ્ગુણોને શાળામાં માપી શકાય છે. આવાં થોડાં મૂલ્યો કે સદ્ગુણોનું અહીં દર્શાવેલ અગત્યનાં પાસાંને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરી શકાય છે.
(૧) સત્યનિષ્ઠા : અહીં દર્શાવેલ વિવિધ ક્ષેત્રોમાં મન-વાણી અને કાર્યમાં સત્યનિષ્ઠા રાખનાર બાળકનું મૂલ્યાંકન કરી શકાય.
પરીક્ષા, વર્ગ-ગૃહકાર્યમાં; રમતગમતના મેદાનમાં વિવિધ રમતો રમતી વખતે કરેલાં વર્તનભાવો; વાતચીત, સામાન્ય ચર્ચા કે હસીમજાકમાં પણ કરેલાં સત્યાસત્ય ઉચ્ચારણોમાં – આ બધાં ક્ષેત્રોમાં સત્યપાલનની વૃત્તિનું મૂલ્યાંકન કરી શકાય. શિક્ષક, આચાર્ય કે વડીલ સમક્ષ પોતે કરેલ ભૂલ કે જાણે અજાણ્યે કરેલ ખોટાં કાર્યની કબૂલાત કરવાની ટેવ પાડવી. સાથે ને સાથે ‘હું કરીશ’ ને બદલે ‘હું આમ કરવાનો પ્રયત્ન કરીશ’ એવા વાક્યો વાપરીને સત્યપાલનની સુટેવ સરળ બનાવવી.
(૨) સારી રીતભાતો કે સદ્વ્યવહાર
દૈનંદિન અભ્યાસ અને ગૃહકાર્ય તેમજ રમતગમતમાં કૃતજ્ઞતા અને ભદ્રતાની ભાવનાનું મૂલ્યાંકન કરી શકાય. પોતાને સહાયરૂપ થનાર માતપિતા, શિક્ષકો, વડીલો, મિત્રો તેમજ રસોઈયા, ઝાડુ મારનાર, ધોબી, વાળંદ વગેરે સાથે આદરભાવપૂર્વક ‘મહેરબાની કરીને’, ‘આભાર’, ‘માફ કરજો’, ‘દિલગીર છું’, જેવા મીષ્ટ શબ્દોથી સંબોધન કરવાની ટેવ કેળવવી જોઈએ. ‘પહેલાં આપ’ના અભિગમ સાથે વડીલોને આગળ થવા વિનવવા.
વિનમ્ર બનવું : મોટાઈ ન બતાવવી, દંભદેખાવ ન કરવા, બીજાનું ધ્યાન ખેંચવા દંભીપ્રયાસ ન કરવો, લાયકાતવિહોણી ખ્યાતિની ઘેલછા ન રાખવી જોઈએ.
શરીર મનની સ્વચ્છતા અને સુઘડતા : વાળ, નખ, દાંત, જીભ જેવાં શરીરના અંગોપાંગ અને ગણવેશ, બૂટમોજાં, અન્ય વસ્ત્રો, ઓછાડ, ટુવાલ, રૂમાલ, પલંગ, પુસ્તક રાખવાનું અભ્યાસનું મેજ – વગેરેને સાફસૂથરાં રાખવાં જોઈએ. પોતાના શરીરને સ્વચ્છ રાખવા માટે નિયમિત નહાવું જોઈએ અને હસ્તાક્ષર સુંદર સુઘડ હોવા જોઈએ. ભોજન કરતી વખતે ખાદ્ય પદાર્થો અહીંતહીં ન વેરાય અને ન વેડફાય એનું પૂરતું ધ્યાન રાખવું. ભોજન કરતી વખતે પૂર્ણ શાંતિ જાળવવી. વર્ગખંડમાં બાંકડી પર સ્થિર-ટટ્ટાર બેસવું જોઈએ. જ્યારે બીજી વ્યક્તિ વાત કરતી હોય ત્યારે વચ્ચે બોલબોલ ન કરવું જોઈએ.
(૩) નિયમિતતા, સમયની કીમત, સારી કાર્યક્ષમતા :
ઢીલાશ, આળસ, બેદરકારીથી બાળક દૂર રહે એવા પ્રયાસો કરવા.
અહીં જણાવેલ શાળાનાં તેમજ ઘરનાં દૈનંદિન કાર્યોમાં ત્વરિત અને નિયમિત રહેવાની ટેવ પાડવી જોઈએ : સવારમાં ઊઠવું; રમતગમતનો પ્રારંભ અને તેની પૂર્ણતા; શાળામાં, પ્રાર્થના હોલમાં, ભોજનખંડમાં, પરીક્ષાખંડમાં પહોંચવામાં ત્વરિત અને નિયમિત રહવું.
એવી જ રીતે ઘરમાં અભ્યાસ, ભોજન, નાસ્તો, ઊંઘવું અને બીજી નિયમિત પ્રવૃત્તિઓમાં નિત્યક્રમને જાળવી રાખવો. ક્યારેય મોડા ન પડવું. દરેક બાબતમાં થોડી મિનિટ વહેલા રહેવાનો કે જવાનો પ્રયત્ન કરવો, ઉતાવળિયાપણું નિવારવું.
વર્ગના સમયનો દુરુપયોગ કરવામાંથી તેને નિરર્થક વેડફી નાખવામાંથી બચવું. અભ્યાસકાળ અને નિશ્ચિત કરેલી પ્રવૃત્તિઓને નિરર્થક ગપ્પાંથી બચાવાવી સાથે ને સાથે અસંલગ્ન પ્રવૃત્તિથી પણ બચતા રહેવું.
૪. સ્વશિસ્ત અને જવાબદારી
(૧) કોઈ પણ વિષયમાં ગુલામી સેવવાને બદલે સ્વામિત્વનો ભાવ સેવતાં શીખવું.
(૨) કોઈ પણ જાતના ભય કે બાહ્ય દબાણને વશ થયા વિના અને સહકારી વલણ તેમજ સ્વશિસ્તથી ઉપરવટ થઈને કાયદાકાનૂન અને નીતિનિયમોનું પાલન કરવું. માતપિતા, પાલકો અને શિક્ષકોને માત્ર માર્ગદર્શક જ રહેવા દેવા. સિપાઈગીરી કે સોટી ચલાવવી કે સતત નિરીક્ષણ ન કરવાં.
(૩) તમારી ઊણપોને, ખામીઓને રોકવી અને એને સુધારવાનો પ્રયત્ન કરવો.
(૪) એકવાર કરેલી ભૂલોના પુનરાવર્તનથી બચવું.
(૫) માતપિતા, શાળાના સંચાલકો, શિક્ષકો, સહપાઠીઓ, વડીલ અને નાનેરાંનાં સારાં સલાહ સૂચનોને હસતામુખે આવકારવાં.
(૬) જવાબદાર માનવ બનવું અને કોઈ પણ કાર્યમાં તમને આપેલી સ્વતંત્રતાનો દુરુપયોગ ન કરવો. આટલી ખાતરી રાખો કે તમારા પર રાખેલ શ્રદ્ધા વધારવી. એ તમને વધારે મુક્તિ અને જવાબદારીના પથે દોરી જશે.
(૭) તમને જેની જવાબદારી અને કાળજી હેઠળ રાખ્યા હોય એવી વ્યક્તિને હંમેશાં માહિતગાર કરતા રહેવું.
(૮) મંત્રી, આચાર્ય, અંપાયર કે રેફરી જેવા અધિકારી વ્યક્તિનો નિર્ણય અંતિમ ગણવો.
(ક્રમશઃ)
Your Content Goes Here




