બાળકના સર્વાંગીણ વ્યક્તિત્વ વિકાસ માટે આપણે એમનાં શારીરિક, બૌદ્ધિક, નૈતિક, સામાજિક, સાંસ્કૃતિક, કલાસૌંદર્યલક્ષી અને આધ્યાત્મિક પાસાંના વિકાસ માટે પૂરતું ધ્યાન અપાવું જોઈએ. મૂલ્યનિષ્ઠ વિચારોને આત્મસાત્‌ કરવા માટે મનની સુયોગ્ય કેળવણી પર વધારે ભાર દેવો જોઈએ. એટલે કે જ્યારે કોઈપણ વિદ્યાર્થી કે બાળક કોઈ ઉત્તમ વિચાર કે મૂલ્ય પોતાના જીવનમાં ઉતારતો હોય ત્યારે અહીં દર્શાવેલા છ ક્રમિક પ્રક્રિયામાંથી તેણે સભાનપણે પસાર થવાનું હોય છે :

૧. મૂલ્ય વિશેનું જ્ઞાન : જે તે મૂલ્યનો અર્થ શું છે તે બરાબર જાણી લેવો.

૨. મૂલ્ય વિશેની સમજણ : આ મૂલ્યને વ્યવહારિક જીવનમાં ઉતારવાથી શું ફાયદો થાય અને એનું મહત્ત્વ શું છે એ બરાબર જાણી લેવું.

૩. મૂલ્યનું આચરણ કે અભ્યાસ : કોઈપણ ઉત્તમ મૂલ્યને જીવનમાં કેવી રીતે આચરી શકાય કે વ્યવહારુ જીવનમાં એટલે કે શાળા કે ઘરની વિભિન્ન પરિસ્થિતિમાં એને કેવી રીતે જીવી બતાવવું.

૪. મૂલ્યનું વિશ્લેષણ : જે તે મૂલ્યને જીવનમાં આચરતાં શું પરિણામ આવે તેનું મનોમન વિશ્લેષણ કરવું એટલે કે એ મૂલ્યને હું જીવનમાં ઉતારું ત્યારે મને કેવી અનુભૂતિ થશે અને લોકો એનો કેવો પ્રતિભાવ આપશે એ વિશે જાણવું અને સમજવું.

૫. મૂલ્યોનું સામંજસ્ય : ભિન્ન ભિન્ન સાનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કોઈ ચોક્કસ મૂલ્યનું ચોક્કસ સમયગાળા દરમિયાન જુદી જુદી રીતે થતું અનુસરણ અને તેનો સમન્વય કેવી રીતે કરવો તે વિશે પૂર્ણપણે માહિતગાર બનવું.

૬. મૂલ્યોના અનુસરણનું મૂલ્યાંકન : જે તે મૂલ્યના અનુસરણની અનુભૂતિઓ અને કેટલા અંશે એમાં સફળતા પ્રાપ્ત કરી તેનું વિગતવાર ચડતા-ઊતરતા ક્રમમાં મૂલ્યાંકન કરવું અને એમાં સુધારણા માટે સૂચનો પણ આપવાં.

મૂલ્યલક્ષી કેળવણી આપવા માટેનાં ચાર મહત્ત્વનાં પાસાં

૧. સૈદ્ધાંતિક : મૂલ્યલક્ષી કેળવણી પાછળની તાત્ત્વિક ભૂમિકા સમજાવવી.

આ પાસા દ્વારા જીવનમાં જે તે મૂલ્યની ઉપયોગીતાને વર્ગ શિક્ષણ, ચર્ચા, પરિસંવાદ, નાટક અભિનય ગીત દ્વારા તર્કસંગત રીતે સમજાવવી. સાથે ને સાથે શિક્ષકે વૈશ્વિક અને શાશ્વત તત્ત્વોના આલોકમાં આ બધાં મૂલ્યોને કોઈ પણ જાતના સંકુચિત સાંપ્રદાયિક રંગ આપ્યા વગર જે તે મૂલ્ય શું છે અને એને શા માટે જીવનમાં જીવાવું જોઈએ, એ બંને પાસાંને ધ્યાનમાં રાખીને ગળે ઊતરે તે રીતે સ્પષ્ટપણે સમજાવવા જોઈએ. પવિત્રતા, શુદ્ધિ, સત્યનિષ્ઠા, પ્રેમ, નિર્ભયતા, સામર્થ્ય અને નિ:સ્વાર્થભાવના જેવા ઉત્તમ સદ્‌ગુણોથી સંપન્ન ઉત્કૃષ્ટ અને ઉમદા જીવનનો આદર્શ બાળક સમક્ષ મૂકવો જોઈએ. આ આદર્શ એના માટે વાસ્તવિક, આકર્ષક અને જીવંત બની રહે તેવો હોવો જોઈએ. જીવનનાં ઉચ્ચતર મૂલ્યોની આવશ્યકતા અને એની વ્યાવહારિકતાની વાત વિદ્યાર્થીઓના ગળે ઊતરી જવી જોઈએ.

૨. વ્યાવહારિક : નવીનતાવાળી અને વ્યવહારુ પદ્ધતિઓ દ્વારા દૈનંદિન જીવનમાં મૂલ્યોને કેવી રીતે જીવી બતાવવા, તેનું કાર્યશિક્ષણ.

આ પાસામાં જે તે મૂલ્યને ક્યાં, ક્યારે અને કેવી રીતે જીવનમાં ઝીલવા અને ઝીરવવાં જોઈએ એનું વ્યવહારું શિક્ષણ આપવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે સત્યના પાલનમાં, નિમ્નતર કે ઉચ્ચતર સત્યના પાલનમાં, તેના તત્ત્વ કરતાં અમલીકરણની વધારે આવશ્યકતા રહે છે અને એ જ આપણું સાચું જીવન છે. એટલે કે ઉચ્ચતર જીવન જીવવાની કળા વિદ્યાર્થીઓને શીખવવી જોઈએ. જો આપણે વિદ્યાર્થીઓને સદૈવ સર્તક રહેવાનું શીખવીએ તો શાળાના દૈનંદિન કાર્યો, વિશેષ પ્રસંગો અને કાર્યક્રમો, ઘરે અને પાડોશ તેમજ સમાજ ઉપર્યુક્ત મૂલ્યને જીવનમાં જીવવા માટેની એક અદ્‌ભુત અને ઉમદા તક પૂરી પાડે છે. એટલું જ નહિ એ મૂલ્યને તે વધારે ને વધારે પરિશુદ્ધ પણ બનાવે છે. શિક્ષકો, પાલકો, માતપિતા કે બીજા આદર્શ અનુકરણીય વ્યક્તિઓએ પોતાના જીવનમાં આ મૂલ્યોને વાસ્તવિક રીતે જીવી બતાવવાં જોઈએ. એની સાથે બાળકોને પણ એમાં સામેલ કરવા જોઈએ. બાળકો એનું પાલન કરે છે કે નહિ તેનું જાતનિરીક્ષણ કરવું જોઈએ. જરૂર જણાય ત્યારે આવશ્યક માર્ગદર્શન અને પ્રોત્સાહન પણ આપવાં જોઈએ. એટલે આપણે સૌએ એટલું સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ કે મૂલ્યલક્ષી કેળવણી કે તાલીમ એ માત્ર શાળાકીય શિક્ષણ પૂરતાં મર્યાદિત નથી. પણ જીવનની વિવિધ વાસ્તવિક અને મૂંઝવતી પરિસ્થિતિઓ તેમજ જીવનમાં આવતા પડકારોનો કેવી રીતે વીરતાપૂર્વક સામનો કરવા અને એના પર સારો વિજય મેળવવા બાળકોને સમર્થ બનાવવા જોઈએ. એટલે કે આ મૂલ્યલક્ષી કેળવણી શાળાકીય જીવન પછી પણ સતત ચાલુ રહેવી જોઈએ.

૩. મૂલ્યાંકન : શિક્ષક દ્વારા થતું મૂલ્યાંકન કે સ્વમૂલ્યાંકનની કોઈ વધુ અસરકારક પદ્ધતિનો વિકાસ કરવો. એમાં વ્યક્તિગત નોંધપોથી દ્વારા મૂલ્યાંકન, પ્રશંસા, પ્રોત્સાહન વગેરેનો સમાવેશ થાય છે. આ કાર્યપદ્ધતિઓનો જુસ્સો અને એની જીવંતતા જળવાઈ રહેવાં જોઈએ. તે કોઈ પણ રીતે યાંત્રિક ન બની જવી જોઈએ તેમજ વિદ્યાર્થીઓ માટે પીડાકારી, કંટાળાજનક અને ભારરૂપ ન બનવી જોઈએ. એટલે જ શિક્ષકો, પાલકો, માતાપિતાને સુયોગ્ય તાલીમ અને પ્રેરણા મળી રહેવાં જોઈએ. જેથી તેઓ પોતપોતાની ભૂમિકા સુયોગ્ય રીતે ભજવી શકે.

૪. સુધારા માટે ભાવ પ્રતિભાવની યોજના અપનાવવી : સુયોગ્ય અને નિયંત્રિત અનુકાર્ય તેમજ ભાવપ્રતિભાવની એક યોજના કે પ્રણાલીને અમલમાં મૂકવી જોઈએ. એને લીધે પાઠ્યક્રમ અને તેનાં સાધનોને વધારે પ્રગતિશીલ અને વધુ નવીનતાવાળા બનાવી શકાય છે. તેને વધારે સારી રીતે અમલમાં લાવી શકાય તેવાં માહિતી, અનુભવો અને સાધનપદ્ધતિઓનું આદાનપ્રદાન કરી શકાય છે. શિક્ષકોની સાથે માબાપને પણ આ કાર્યમાં સામેલ કરવામાં આવે તો આ કાર્ય વધારે ફળદાયી બની શકે છે.

વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ અને પદ્ધતિ

વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ અને પદ્ધતિમાં ચોક્કસ અને સ્પષ્ટ પાઠ્યક્રમ અને મૂલ્યલક્ષી કેળવણી વિશેનાં ક્રમિક પાઠ્યપુસ્તકોની સર્વપ્રથમ આવશ્યકતા રહે છે. આ હેતુને સિદ્ધ કરવા માટે આપણે અહીં જણાવેલ એક સર્વસાધારણ પ્રણાલીને અપનાવવી જોઈએ.

૧. નિવાસી શાળાઓ કે બિનનિવાસી શાળાઓ બંનેની જરૂરિયાતોને સંતોષે એવો વિસ્તૃત ફલકનો અને નમ્ય પાઠ્યક્રમ હોવો જોઈએ. વિવિધ પ્રકારની સંસ્થાઓના પ્રતિભાવોને અનુકૂળ આવે તેવો તેમજ ભિન્ન ભિન્ન પ્રકારની શાળાઓને ઉપયોગી થાય તેવો એક અલગ પાઠ્યક્રમ પણ હોવો જોઈએ.

૨. આ પાઠ્યક્રમની રચના વર્ગવાર એટલે કે બાલમંદિરથી માંડીને ધો.૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ હોવી જોઈએ.

૩. આ પાઠ્યક્રમ દરેક વર્ગ માટે ત્રણ સત્રમાં વહેંચાયેલો હોવો જોઈએ. દરેક સત્રમાં ઓછાંમાં ઓછાં છ મૂલ્યોને આવરી લેવાં જોઈએ. સાથે ને સાથે વર્ગની સમૂહ ચર્ચા માટે પણ થોડો સમય ફાળવવો જોઈએ.

૪. વર્ગશિક્ષકની ભૂમિકા : મૂલ્યલક્ષી કેળવણીનું કાર્ય કરતો વર્ગશિક્ષક આ કાર્યરથની મુખ્ય અને આધારધરી છે. સવારની પ્રાર્થનાસભા પછી વર્ગના વિદ્યાર્થીઓ સાથે પારસ્પરિક ચર્ચાવિચારણા માટે ૧૫ મિનિટ જેટલો સમય ફાળવવો જોઈએ. શાળાના શિસ્ત અને તેને આનુષંગિક બધી બાબતોનું નિરાકરણ વર્ગશિક્ષક દ્વારા થવું જોઈએ. નાની નાની નજીવી બાબતોનું નિરાકરણ આચાર્યે કરવું ન જોઈએ. મૂલ્યશિક્ષણના વર્ગશિક્ષણ માટે વર્ગશિક્ષકે સમયે સમયે આચાર્ય કે બીજા વિશિષ્ટ તાલીમ પામેલ શિક્ષકને વર્ગમાં બોલાવવા જોઈએ અને તેના દ્વારા બાળકોને પ્રેરવા જોઈએ. બાળકોના મૂલ્યાંકન માટે સામાન્ય રીતે વર્ગશિક્ષકે જવાબદારી નિભાવવી જોઈએ. મૂલ્યલક્ષી કેળવણીના શિક્ષણકાર્ય માટેની વધારાની જવાબદારી ક્રમશ: વર્ગશિક્ષક પર આવવી જોઈએ અને એમને સુયોગ્ય તાલીમ પણ આપવી જોઈએ. એટલે જ મૂલ્યલક્ષી કેળવણીના પ્રશિક્ષણ વર્ગો શિક્ષકો માટે આવશ્યક ગણાવા જોઈએ.

૫. વિદ્યાર્થીઓની પુખ્તતા અને એની પ્રગતિશીલતાને ધ્યાનમાં રાખીને પછીના વર્ગોમાં કેટલાંક મૂલ્યોને ફરીથી શીખવવાં જોઈએ અને તે પણ વધુ તાર્કિક અને વૈજ્ઞાનિક રીતે.

૬. કોઈ પણ મૂલ્ય શીખવતી વખતે તેના અભાવાત્મક આચરણને કે એના વિશેની ભ્રાંતિભરી સંકલ્પનાને પહેલાં શોધી કાઢવી જોઈએ. દા.ત. આક્રોશ કે પુણ્યપ્રકોપ એ પણ એક એકાગ્રતાનું રૂપ છે. પણ તે હાનિકારક અને અનિયંત્રિત પણ છે એ જાણી લેવું જોઈએ. હઠાગ્રહ એ દૃઢતા કે શક્તિ નથી. એ તો છે ભીતરની નિર્બળતાની ઢાલ.

એક વખત પાઠ્યક્રમ સુનિશ્ચિત થઈ જાય પછી મૂલ્યલક્ષી કેળવણી કેવી રીતે આપવી તેની વિશિષ્ટ પદ્ધતિ પ્રણાલીઓને પણ શોધી શકાય. આવી પ્રણાલીઓમાં નીચેની બાબતોનો સમાવેશ કરી શકાય :

૧. મૂલ્યશિક્ષણ આપતા શાળાનાં શિક્ષકો, પાલકો અને માતપિતા માટે મૂલ્યશિક્ષણની યોજનાની પૂર્વતૈયારી, તેનાં સાધનોની તાલીમ આપવી જોઈએ. એના માટે પ્રેરક નિષ્ણાતોની સહાય લેવી જોઈએ.

૨. શાળાસંચાલન માટે માર્ગદર્શક સૂચનો અને ઉત્તમ મૂલ્યોને વ્યવહારમાં ઉતારવા તેમજ તેને જીવનમાં પ્રતિબિંબિત કરવાનું યોગ્ય વાતાવરણ ઊભું કરવાનાં સાધનો શોધવાનું કાર્ય.

૩. ઘરમાં અને સમાજમાં મૂલ્યોનું આચરણ કરવાનું તેમજ તેને જીવનમાં પ્રતિબિંબિત કરવાની રીતરસમો માટે વાલીઓ અને માતપિતાને માર્ગદર્શક સૂચનો આપવા.

૪. વિદ્યાર્થીની નોંધપોથીની સંરચના અને તેના અને બીજાં મૂલ્યલક્ષી સાધનોનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિઓ નિર્ધારિત કરવી.

નિર્ધારિત શિક્ષણ પદ્ધતિ

દરેક પાઠ્યક્રમમાં સૈદ્ધાંતિક અને વ્યાવહારિક પાસાઓની ચર્ચા કરવામાં આવશે. દરેક પાઠ્યક્રમનું માળખું આ રીતે હોવું જોઈએ.

૧. પાઠ્યક્રમનું શીર્ષક એટલે કે જે મૂલ્ય વિશે ચર્ચા કરવાની છે તેનું નામ.

૨. જે તે મૂલ્યનું નિર્દેશન યોગ્ય અવતરણો કે વાણીઓ દ્વારા કરવું જોઈએ.

૩. ઉંમરને ધ્યાનમાં રાખીને જે તે મૂલ્યની વાર્તા કે દૃષ્ટાંત કથા કે ચર્ચા દ્વારા પ્રસ્તુતિ કરવી જોઈએ. નાની ઉંમરના વિદ્યાર્થીઓને વાર્તા અને દૃષ્ટાંત કથા દ્વારા તથા મોટી ઉંમરના વિદ્યાર્થીઓને તર્ક અને તાત્ત્વિક વિશ્લેષણ દ્વારા આ મૂલ્યોનું વર્ણન કરવું જોઈએ.

૪. આ મૂલ્યોને દૈનંદિન જીવનનાં કાર્યોમાં અમલમાં મૂકવા માટે વ્યાવહારિક પ્રવૃત્તિઓ, પરિસ્થિતિઓ અને પ્રસંગો ઊભાં કરવાં. જે તે સંસ્થાએ પોતાની જરૂરિયાત અને ક્ષમતા અનુસાર આવી પ્રવૃત્તિઓની વ્યવસ્થા કરવી જોઈએ.

૫. મૂલ્યોની વ્યવહારિકતા અને ઉપયોગીતા દર્શાવવા માટે પ્રખ્યાત વાર્તાઓ, ઘટનાપ્રસંગોનું સંકલન કરવું.

૬. વિદ્યાર્થીઓને મૂલ્યોનાં વિભિન્ન પાસાંઓની ચર્ચામાં, વાદવિવાદમાં તથા યોગ્ય પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત કરવા જોઈએ.

૭. વિદ્યાર્થીઓને નિયમિત ગૃહકાર્ય આપવું તેમજ વાલીઓના પ્રશ્નાવલી દ્વારા પ્રતિભાવો લેવા અને તેને મૂલ્યલક્ષી કેળવણીમાં સામેલ કરવા.

૮. નિયમિત મૂલ્યાંકન કરવા માટે ગ્રેડ એ, બી, સી, ડી, ઈ, આપતું નોંધણીપત્રક.

કથિત પાઠ – મૂલ્ય : સત્યનિષ્ઠા

વ્યાખ્યા : (૧) સત્યમેવ જયતે, નાનૃતમ્‌; સત્યેન પંથા વિધાતો દેવયાન (૨) ‘સત્યનિષ્ઠા એ કળિયુગનું તપ છે.’ – શ્રીરામકૃષ્ણ (૩) ‘જે સત્ય બોલે છે તે પ્રભુના ખોળામાં વિરાજે છે.’ – શ્રીશારદાદેવી (૪) ઈશ્વર ‘સત્યમ્‌, શિવમ્‌ અને સુંદરમ્‌’ છે.

હંમેશાં વાસ્તવિક સત્ય બોલો : એક દિવસ શ્રીરામકૃષ્ણે રાખાલને (સ્વામી બ્રહ્માનંદજીને) કહ્યું: ‘હું તારા તરફ નજર કરી શકતો નથી. તારા ચહેરા પર મને અવિદ્યા-અજ્ઞાનનું આવરણ દેખાય છે. તેં કંઈ ખોટું તો નથી કર્યું ને તે મને કહે?’ આ સાંભળીને રાખાલ તો ખૂબ મૂંઝાઈ ગયા. એમણે મનમાં ને મનમાં ખૂબ વિચારી જોયું પણ કંઈ ખોટું કર્યું હોય એવું એને યાદ ન આવ્યું. શ્રીરામકૃષ્ણે પોતાના શિષ્યને કહ્યું: ‘તેં કંઈ અસત્ય કહ્યું હોય એવું જરા યાદ કરવાનો પ્રયત્ન કરી જો.’ તરત જ રાખાલને યાદ આવી ગયું અને તેમણે કબૂલ કર્યું કે હમણાં જ તે વાત વાતમાં હસતાં હસતાં એક મિત્ર સાથે ખોટું બોલ્યા હતા. શ્રીરામકૃષ્ણદેવે એમને માફ કર્યા પણ આટલું જરૂર કહ્યું: ‘હવે આવું ફરીથી ક્યારેય ન કરતો, સારું અને વાસ્તવિક સત્ય હંમેશાં બોલવું એ સૌથી વધારે અગત્યની આધ્યાત્મિક શિસ્ત છે.’

બધાં જ્ઞાન, આનંદ અને શાંતિ આપણી ભીતર જ રહેલાં છે પણ એના પર અવિદ્યાનું આવરણ આવેલું છે. કેળવણી, અનુભવો અને સત્કાર્યો દ્વારા આપણે એ જ્ઞાનના આવરણને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અસત્ય હાનિકારક છે, કારણ કે તે જ્ઞાનને અજ્ઞાનના કે અવિદ્યાના બીજા આવરણથી ઢાંકી દે છે. વાત વાતમાં કે હસીમજાકમાં ખોટું બોલવું એ આટલું બધું હાનિકારક છે. તો પછી પુન: પુન: અસત્ય બોલતા, અનૈતિક અને અસત કાર્યોમાં રચ્યાપચ્યા રહેતા માણસનું તો શું થાય, એની કલ્પના કરી જુઓ! તદુપરાંત આ પ્રસંગ બતાવે છે કે આવા અસત્ય આચરણ કે કથનની સજા પણ તત્કાળ અને કઠોર હોય છે. દરેકે દરેક કાર્યની પ્રતિક્રિયા તરત જ થાય છે. એટલે જ આપણા પોતાના જ ભલા માટે આપણે હંમેશાં સત્યના પથે ચાલવું જોઈએ, પછી ભલે એનાથી આપણે કેટલીક અસુવિધાઓ અને વિટંબણાઓ સહેવી પડે. સત્યના સ્વરૂપે રહેલા પ્રભુ જ તમને ભીતરની શક્તિ આપશે અને તમારી હંમેશાં રક્ષા કરશે.

સત્યનિષ્ઠ અને પ્રેરણાદાયી બીજા સત્પુરુષો

૧. રાજા હરિશ્ચંદ્રે સત્યને ખાતર પોતાનું રાજ્ય, પત્ની, પુત્ર, બધું ગુમાવ્યું પણ એમણે સત્યને ન છોડ્યું.

૨. પોતાના પ્રિય અને લોકપ્રિય પ્રજાવત્સલ પુત્ર શ્રીરામચંદ્રને ચૌદ વર્ષનો વનવાસ આપ્યો અને પોતાની રાણી કૈકેયીનું વચન પાળ્યું, એવા રાજા દશરથે રાણીને આપેલાં વરદાન પાછાં ન ખેંચ્યાં અને પોતાનો દેહત્યાગ કર્યો, પણ વચનપાલન ચૂક્યા નહિ.

૩. પાંડવોના વરિષ્ઠ બંધુ રાજા યુધિષ્ઠિર સત્ય, નિષ્ઠા, ન્યાયનું મૂર્તિમંત રૂપ હતા.

૪. શ્રીરામકૃષ્ણદેવના પિતા ખુદીરામ ચટ્ટોપાધ્યાયે પોતાની બધી સંપત્તિ ગુમાવી પણ એણે ખોટી સાક્ષી ન આપી અને સત્યનિષ્ઠાનું પાલન કર્યું. એટલે જ એમને ત્યાં ભગવાન વિષ્ણુએ શ્રીરામકૃષ્ણ રૂપે અવતાર લીધો.

સત્યનિષ્ઠાના આચરણનો વ્યાપ : હંમેશાં તમારાં મન-વાણી અને કર્મમાં પ્રામાણિક અને સંનિષ્ઠ રહો.

૧. તમારી પરીક્ષામાં, તમને આપેલાં ગૃહકાર્યમાં કે બીજા મૂલ્યાંકન કાર્યમાં ખોટાં અને અજુગતાં સાધનોનો આશ્રય ન લો. અનુચિત સાધનોથી તો તમે જ તમારી જાતને છેતરશો.

૨. રમતગમતના મેદાનમાં પ્રામાણિક અને ખેલદિલિવાળા ખેલવીર બની રહો.

૩. હસીમજાકમાં કે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ અસત્ય ન બોલવું.

૪. પ્રામાણિકતાને સૌ પ્રમાણે છે. તમારા દોષને તમે ખાનગીમાં કે જાહેરમાં સ્વીકારતાં શીખો.

૫. તમારા સંભાષણમાં સાવધાન રહો અને તમે આપેલ વચન માટે પણ સચેત રહેજો. ‘હું આ કરીશ જ’ એમ કહેવાને બદલે ‘હું આ કામ કરવાનો પ્રયત્ન કરીશ’ એમ કહેવું વધુ સારું છે.

આટલું કાર્ય કર્યા પછી અનુકાર્ય રૂપે ચર્ચાનો વિષય આવો રાખવો : ‘અસત્ય કરતાં સત્ય વધારે લાભદાયી છે.’

ગૃહકાર્ય :

(૧) સત્યનિષ્ઠા કે પ્રામાણિકતાની એક વાર્તા લખો.

(૨) સત્યનિષ્ઠા કે પ્રામાણિકતાને વ્યક્ત કરતા કોઈ પ્રસંગનો નાટ્યાભિનય રજૂ કરો.

(૩) તમે હમણાં જ નજરે નીહાળેલા કોઈ સત્યનિષ્ઠા કે પ્રામાણિકતાના પ્રસંગનું વર્ણન કરો અને લખો.

(ક્રમશ:)

Total Views: 192

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.