પશ્ચિમમાંનું વિવેકાનંદનું કાર્ય
પશ્ચિમ ભારતમાં ક્યાંક પોતાના ભ્રમણ સમયે, શિકાગોમાં ૧૮૯૩માં મળનારી વિશ્વધર્મ પરિષદ વિશે સાંભળ્યું. એમના કેટલાયે મિત્રોએ અને પ્રશંસકોએ એમને એ પરિષદમાં હાજરી આપવા પ્રોત્સાહિત કર્યા. કદાચ કન્યાકુમારી ખડક ઉપરના પોતાના ત્રિદિવસીય ધ્યાનમાં પોતાના ભાવિ કાર્યનું એમને સુરેખ દર્શન થયું.
સ્વામીજીના પશ્ચિમમાં જવા પાછળનો હેતુ દ્વિવિધ હતો. પોતાના મનમાં ભારતનાં ગરીબ અને કચડાયેલાં પ્રજાજનોના ઉદ્ધારની રાષ્ટ્રવ્યાપી યોજના હતી અને, પશ્ચિમમાં આર્થિક સહાય માગવા એમણે નિર્ણય કર્યો. પણ, માત્ર ભૌતિક લાભ માટે તેઓ ત્યાં જવા ઇચ્છતા ન હતા. એમણે જોયું કે પશ્ચિમના જગતને ભારતની સમૃદ્ધિની – આધ્યાત્મિક જ્ઞાન અને શાણપણની – જરૂર હતી અને એ જરૂરત પૂરી કરવા માટે દેવોએ એમની વરણી કરી હતી.
સ્વામી વિવેકાનંદની આ બેઉ યોજનાઓ પાર પાડવા માટે વિશ્વ ધર્મ પરિષદ તક આપતી હતી એટલા માટે, એમણે એ પરિષદમાં હાજરી આપવા નિર્ધાર કર્યો. પણ પછીની ઘટનાઓના બતાવ્યા મુજબ, પોતાના ભારતીય કાર્ય માટે ભંડોળ એકઠું કરવાનું કાર્ય પાર ન પડ્યું અને, પશ્ચિમમાંનું સ્વામીજીનું મુખ્ય કાર્ય ભારતનાં આધ્યાત્મિક જ્ઞાન અને સનાતન મૂલ્યોના પ્રસારનું બની રહ્યું. આમ સ્વામી વિવેકાનંદ પશ્ચિમમાં ભારતના પ્રથમ સાંસ્કૃતિક દૂત બન્યા.
સ્વામી વિવેકાનંદના ભારતના પ્રતિનિધિ તરીકે પશ્ચિમમાં જવાની વાત આપણે કરીએ છીએ ત્યારે, એમના કાર્યને અસર કરતાં ઉપર નિર્દેશેલાં બે અગત્યનાં પરિબળોને લક્ષમાં લેવાં જોઈએ. પ્રથમ એ કે, સ્વતંત્ર ભારત – રાષ્ટ્રના પ્રતિનિધિ તરીકે એમને મોકલવામાં આવ્યા ન હતા કારણ તે સમયે, ભારત અંગ્રેજોના રાજકીય દબાણ હેઠળ હતું. બીજું, ભારતની કોઈ કેન્દ્રવર્તી ધાર્મિક સત્તા કે દેવળે એમને મોકલ્યા ન હતા કારણ, પ્રયોગ અને અનુભવ કરવાના સ્વાતંત્ર્ય પર ભાર દેવેાને કારણે, ભારતીય અધ્યાત્મ પરંપરાઓ સર્વશક્તિમાન ચર્ચને કે સર્વસત્તાધારી કેન્દ્રસ્થ સંપ્રદાયને વિકસવા દે તેમ ન હતી. આ બીજી ઘટના શિકાગોની ધર્મપરિષદમાં પ્રતિનિધિ તરીકેના એમના પ્રવેશ આડે ખૂબ અવરોધક બની હતી અને, પોતાના પ્રભાવક વ્યક્તિત્વને જોરે જ સ્વામીજી એ મુશ્કેલી પાર કરી શક્યા હતા. ભારતીય પ્રજાજનોના એક સંવેદનપટુ વૃંદના કરણ દ્વારા, ભારતની વિકસતી આધ્યાત્મિક ચેતનાની પૂર્ણતાએ એમને વિદેશ મોકલ્યા હતા. સ્વામીજીના પરદેશગમન માટે મદ્રાસમાં રચવામાં આવેલી ફાળો એકઠો કરવા માટેની યુવાનોની સમિતિના અધ્યક્ષ, પોતાના શિષ્ય, આલાસિંગા પેરુમલને એમણે કહ્યું હતું કે : ‘હું જઉં એ માની ઇચ્છા હોય તો, સામાન્ય લોકો પાસેથી પણ હું પૈસા સ્વીકારીશ! કારણ, હું પશ્ચિમમાં ભારતના લોકો માટે જઉં છું – લોકો માટે, ગરીબો માટે!
અમેરિકામાં વિવેકાનંદે અનુભવેલી પ્રારંભિક કસોટીઓ અને મુશ્કેલીઓ
૩૧મી મે ૧૮૯૩ને દિવસે સ્વામીજીએ આગબોટમાં બેસી મુંબઈ છોડ્યું અને, કોલંબો, પિનાંગ, સિંગાપુર, હોંગકોંગ, કેન્ટોન, નાગાસાકી, કોબે, ઓસાકા, કિયોટો અને યોકોહામા થઈ એ વેનકુવરે ઊતર્યા અને ત્યાંથી રેલગાડીમાં બેસી જુલાઈના મધ્યમાં તેઓ શિકાગો પહોંચ્યા. ત્યારથી તે, ૧૮૯૩ના સપ્ટેમ્બરની ૧૧મીએ એમણે આપેલા પોતાના પ્રવચન સુધી એમને ખૂબ મુશ્કેલીઓનો અને નિરાશાની પળોનો સામનો કરવો પડ્યો હતો. ‘ધ લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ’ જણાવે છે કે :
જે સામાન ઉપાડવાને એ જરાય ટેવાયેલા ન હતા તેના બોજાથી, ક્યાં જવું તે જાણતા ન હોવાથી, પોતાના વિચિત્ર વેશે સૌનું ધ્યાન ખેંચતા, થાકી ગયેલા અને મજૂરોની ભારે કિંમતથી મૂંઝાયેલા, વિશ્વ મેળામાં આવતાંજતાં લોકોનાં ટોળાંઓથી બાઘા બનેલા, સ્વામીજીએ એક હોટેલમાં આશરો લીધો. મજૂરો એમનો સામાન મૂકી ગયા અને પોતાની ટ્રંકો અને થેલાથેલીઓ વચ્ચે બેસીને તેઓ ચિત્તને શાંત કરવા કોશિશ કરવા લાગ્યા.
વધારે મુશ્કેલીઓ અને નિરાશાઓ હવે આવવાની હતી. પરિષદના માહિતી-કાર્યાલય પાસેથી એમણે સાંભળ્યું કે, અધિવેશનો ઠેઠ સપ્ટેમ્બરમાં શરૂ થવાનાં હતાં, અને ભારતની કોઈ સંસ્થા તરફથી યોગ્ય ઓળખપત્રો વિના કોઈને પ્રવેશ આપી શકાય નહીં ને વળી, એવા પ્રવેશની મુદત પણ પૂરી થઈ ગઈ હતી. વિવેકાનંદની આ વિદેશગમનની રીત કરતાં બીજું કશુંએ હિંદુ ધર્મની આ વ્યવસ્થાહીનતાનો વધારે સારો દાખલો પૂરો પાડી શકે તેમ નથી. પ્રતિનિધિ તરીકે પ્રવેશ લેવા માટે જરૂરી કાર્યવિધિ ન કરીને મદ્રાસના એ ‘લાગણીશીલ નિશાળિયાઓ’ની વાતો સાંભળવાની પોતે મૂર્ખાઈ શા માટે કરી એમ પણ એમને લાગ્યું. ભગિની નિવેદિતાના શબ્દોમાં:
પોતાની અમર્યાદ શ્રદ્ધામાં એ શિષ્યોને કદીયે એમ ના લાગ્યું કે, માનવવાણીમાં બોલતાં જે અશક્ય છે તે તેઓ માગી રહ્યા હતા. વિવેકાનંદ ત્યાં જશે અને તરત જ તેમને પ્રવેશ મળશે એમ તેઓ ધારતા હતા. સંસારની રીતોથી શિષ્યોના જેવા જ ભોળા સ્વામી પણ હતા : ને આ વિધિએ નિર્મ્યું છે એવી એમને ખાતરી થતાં, એમને કોઈ મુશ્કેલીનો ખ્યાલ જ ના આવ્યો. જગતના સમૃદ્ધિ અને સત્તાને દરવાજે, વૈધાનિક ઓળખપત્રો વગર અને કશા ખબર આપ્યા વગર જવું આના જેવું હિંદુ ધર્મના અવ્યવસ્થિતપણા સમું બીજું કશું નમૂનેદાર હોઈ શકે નહીં.
આ ખતરનાક પરિસ્થિતિમાં ચિંતા વધારનાર નાણાંની તંગી હતી, પણ આ સઘળી કસોટીઓ અને મુશ્કેલીઓ છતાં પ્રયત્ન કરવા માટે તેઓ કૃતનિશ્ચયી હતા અને, અમેરિકામાં સફળ થવા તેઓ દરેક કોશિશ કરવા માગતા હતા; ત્યાં તેઓ નિષ્ફળ ગયા તો ઈંગ્લેન્ડમાં પ્રયત્ન કરવા ધારતા હતા અને ત્યાં પણ નિષ્ફળતા સાંપડી તો પાછા ભારત જઈ ઈશ્વરના આદેશની વાટ જોવાની.
વિખ્યાત અમેરિકનો દ્વારા દૈવી સહાય
સાચા સાધુ હોઈને તેઓ પૂર્ણપણે ઈશ્વરાધીન હતા અને મદદ મળશે એમ તેઓ જાણતા હતા. અને અણધારી રીતે મદદ આવી પણ ખરી. બોસ્ટનમાં સ્વામીજી એક પૈસાદાર સન્નારીને મળ્યા ને એણે એમનો પરિચય હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જોન હેન્રી રાઈટને કરાવ્યો. સ્વામીજીની અસાધારણ મેધા અને વિદ્વત્તાથી ખૂબ પ્રભાવિત થવાથી એ પ્રોફેસરે ધર્મ પરિષદની વિવિધ સમિતિઓના અધ્યક્ષો પર સ્વામીજીને તરત જ ઓળખપત્રો આપ્યાં.
આ પત્રો સાથે લઈને, પરિષદ શરૂ થવાની હતી તેની આગલી સવારે સ્વામી વિવેકાનંદ શિકાગો આવ્યા પણ, પરિષદ સમિતિના અધ્યક્ષનું સરનામું પોતે ખોઈ નાખ્યું છે તે તેમણે જાણ્યું. માર્ગો પર થોડો સમય આથડ્યા પછી, શ્રીમતી જોર્જ ડબલ્યુ હેય્લ નામની એક ખૂબ સંસ્કારી અને સમૃદ્ધ સન્નારી એમને મળી ગયાં ને એ તેમને પોતાને ઘેર લઈ ગયાં. ત્યાં નાહ્યા પછી અને શિરામણ કર્યા પછી તેઓ સ્વામીજીને પરિષદનાં કાર્યાલયોએ લઈ ગયાં અને, પ્રો. રાઈટના પત્રોને આધારે તેમને સભ્ય તરીકે પ્રવેશ અપાવ્યો.
શિકાગોની વિશ્વધર્મ પરિષદ
કોલંબિયન પ્રદર્શનના ભાગ રૂપે ધર્મ પરિષદનું આયોજન જગતના ઇતિહાસની મહાન ઘટના હતી. આંતરધર્મ સંબંધના ઇતિહાસમાં એક માર્ગસૂચક કદમ હતું. હિંદુ ધર્મનાં હજારો વર્ષોના ઇતિહાસમાં પણ એ નવા યુગનું મંડાણ હતું. સમય વીતતાં જ તેનું પૂરું મહત્ત્વ પ્રગટ થશે. જગતના જુદા જુદા ભાગોમાંથી વ્યવસ્થિત ધર્મોના પ્રતિનિધિઓ ત્યાં આવ્યા હતા. મનુષ્યજાતિના ધાર્મિક દર્શનને એક કરવામાં, ધર્મોના અભિગમોને વિશાળતર કરવામાં અને, અત્યાર સુધી જે વિભિન્ન ધર્મો જુદા જુદા અને એકમેકની સામે કાર્ય કરતા હતા તેમની વચ્ચે સંવાદ ઊભો કરવામાં તેણે સહાય કરી. અને એથીયે વિશેષ એણે કર્યું; પૂર્વના અને ખાસ કરીને ભારતના, આધ્યાત્મિક વારસાનું ભાન એણે પશ્ચિમને કરાવ્યું. એ પરિષદના વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ઓનટેય્બલ મર્લિન મેરી સ્નેહના શબ્દોમાં :
ખ્ર્રિસ્તી જગતને અને ખાસ કરીને, યુનાઈટેડ સ્ટેય્ટસને, એણે જે મોટો પાઠ ભણાવ્યો ને એનો એક મુખ્ય લાભ છે; ખ્ર્રિસ્તી ધર્મ કરતાં વધારે આદરણીય, પોતાનાં દર્શનના ઊંડાણમાં ખ્ર્રિસ્તી ધર્મ કરતાં ચડિયાતા અને નૈતિક સૌંદર્યમાં અને કાર્યક્ષમતામાં વાળની પહોળાઈ જેટલા પણ ન ઊતરતા, આધ્યાત્મિક ગહનતામાં, ચિંતનની સ્વતંત્ર શક્તિમાં એ જરાય ઊણા નથી. હિંદુ, જૈન, બૌદ્ધ, યહુદિયા, કન્ફયુશિયસનો, શિંટોવાદ, ઈસ્લામ અને મઝૂદાવાદ – આ આઠ અખ્ર્રિસ્તી ધર્મોએ ચર્ચાવિચારણામાં પ્રતિનિધિત્વ કર્યું હતું.
ધર્મપરિષદમાં વિવેકાનંદ
આરંભને દિવસે, સ્વામી વિવેકાનંદને બોલવા માટે અધ્યક્ષે કેટલીક વાર કહ્યું હતું પણ, એ દરેક વેળા, સ્વામીજીએ ‘હમણાં નહીં’, કહ્યું હતું ને એટલે સુધી કે સ્વામીજી બોલશે કે નહીં એ બાબત અધ્યક્ષને શંકા થવા લાગી હતી. આખરે, બપોર પછી કેટલીક વારે, અધ્યક્ષે દબાણ કર્યું અને સ્વામીજીએ ઊભા થઈ ત્યાં એકઠી થયેલી વિશાળ મેદની પર દૃષ્ટિપાત કર્યો. સમગ્ર શ્રોતાગણ ઉત્સુક હતો; ટાંકણી પડે તો પણ સંભળાય તેવી શાંતિ હતી. જ્ઞાનનાં દેવી સરસ્વતીને નમસ્કાર કરીને એમણે શ્રોતાઓને સંબોધન કર્યું. ‘અમેરિકાવાસી બહેનો અને બંધુઓ.’ આગળ એક પણ શબ્દ તેઓ બોલે તે પહેલાં, સમગ્ર પરિષદ ઉત્સાહના મોટા મોજામાં તણાઈ ગઈ અને, સેંકડો લોકો તાળીઓ પાડતાં ઊભાં થઈ ગયાં. પૂરી બે મિનિટ સુધી તાળીઓ, તાળીઓ, તાળીઓ હતી! સ્વામી મૂંઝાઈ ગયા!
શાંતિ સ્થપાતાં, સ્વાગતના શબ્દોનો આભાર માનતું પોતાનું પ્રવચન સ્વામીએ આગળ ચલાવ્યું અને, જગતના સૌથી પુરાણા સંન્યાસી સંઘ, અર્થાત્, વૈદિક સંઘ વતી તેમણે સૌથી જુવાન રાષ્ટ્ર અમેરિકાનો આભાર માન્યો. હિંદુ ધર્મની ઓળખાણ એમણે ‘સર્વ ધર્મોની મા’ તરીકે આપી; એણે જગતને સહિષ્ણુતા તથા વૈશ્વિક સ્વીકૃતિ શીખવ્યાં છે. આ બાબતના ઉદાહરણ તરીકે, ઈસુની પહેલી સદીમાં યહુદી નિરાશ્રિતોને અને આઠમી સદીમાં જરથુસ્તી નિરાશ્રિતોને હિંદુઓએ આપેલા આશ્રયનો ઉલ્લેખ કર્યો અને, હિંદુ શાસ્ત્રોમાંથી નીચેનાં બે અવતરણો આપી પ્રવચન પૂરું કર્યું :
૧. ‘પથો સીધા, વાંકા નિજ રુચિ થકી ભિન્ન રહો, જનોને એકાકી ગતિનું, જળને જેમ જલધિ’ (શિવ મહિમ્ન સ્તોત્રના ૭મા શ્લોકના શ્રી મકરંદ દવેના અનુવાદમાંથી)
૨. ‘કોઈ પણ રૂપ દ્વારા જે મારી પાસે આવે છે તેને હું સ્વીકારું છું; બધા લોકો જે જુદા જુદા પંથે સંઘર્ષ કરે છે તે સઘળા મારી પાસે જ આવે છે!’
એ પ્રવચન હતું ટૂંકું પણ હતું ગહન. એના વૈશ્વિકતાના, ધગશના ભાવે અને અભિગમની વિશાળતાએ સમગ્ર શ્રોતાજનો પર ભુરકી નાખી. એ પરિષદની ઔપચારિકતા એમણે ખંખેરી નાખી અને, હૈયાની ભાષામાં શ્રોતાઓ સમક્ષ તેઓ બોલ્યા: ‘અમેરિકાવાસી બહેનો અને બંધુઓ’ એ જે થોડા શબ્દોથી એમણે આરંભ કર્યો હતો તે શબ્દસમૂહ અગ્નિજિહ્વા હતો અને એણે શ્રોતાઓનાં હૃદયોમાં પ્રદીપ્ત જ્યોત પ્રગટાવી હતી. બીજા દરેક વક્તાએ પોતાના ઈશ્વરની, પોતાના સંપ્રદાયના ઈશ્વરની વાત કરી હતી. એ સૌના દેવો વતી માત્ર સ્વામીજી જ બોલ્યા હતા અને એ સૌને તેમણે વૈશ્વિક અસ્તિત્વમાં એક કરી દીધા હતા. ધર્મો વચ્ચેની વાડોને તોડતો, પોતાના મહાન શિષ્યના કંઠ દ્વારા પ્રગટ થતો એ શ્રીરામકૃષ્ણનો આત્મા હતો.
પછીની બેઠકોમાં, ૧૫મી સપ્ટેમ્બરે એ આપણે શા માટે અસંમત થઈએ છીએ, એ વિષય પર બોલ્યા હતા અને, ધર્મોની એકાંગિતાને ઉતારી પાડતાં એણે ‘કૂપમંડુક’નું દૃષ્ટાંત આપ્યું હતું; ૧૯મી સપ્ટેમ્બરે એમણે પોતાનો હિંદુ ધર્મ વિશેનો પ્રખ્યાત નિબંધ વાંચ્યો હતો; એ પછી, ૨૦મી સપ્ટેમ્બરે, ‘ભારતની તાતી જરૂર ધર્મ નથી’ એ વાર્તાલાપ આપ્યો હતો; એમાં નાસ્તિકોના આત્માનો ઉદ્ઘાર કરવા પર ધ્યાન નહીં આપવા પણ, એમનાં ભૂખ્યાં શરીરોને બચાવવા તેમણે ખ્ર્રિસ્તી પ્રજાઓને અનુરોધ કર્યો હતો; બાવીસમી સપ્ટેમ્બરે રૂઢ હિંદુ ધર્મ અને વેદાંત દર્શન વિશે અને ભારતના અર્વાચીન ધર્મો વિશે; ‘હિંદુ ધર્મના તત્ત્વ વિશે ૨૫મી સપ્ટેમ્બરે; ૨૬મી સપ્ટેમ્બરે બૌદ્ધ ધર્મ : હિંદુ ધર્મની પૂર્ણતા વિશે અને ૨૭મી સપ્ટેમ્બરે અંતિમ અધિવેશનમાં એમણે સંબોધન કર્યું હતું. આ ઉપરાંત, વૈજ્ઞાનિક વિભાગને એમણે સંબોધન કર્યું હતું અને બીજાં વ્યાખ્યાનો પણ આપ્યાં હતાં.
અંતિમ અધિવેશનમાંના પ્રવચનમાં સ્વામીજીએ જ્યોતિર્મય ઊંચાઈ સર કરી હતી અને એ પરિષદની સિદ્ધિઓ ચીંધતાં નીચેની પયગંબરી વાણી બોલ્યા હતા :
વિશ્વધર્મ પરિષદે જગતને જો કાંઈ આપ્યું હોય તો તે આ છે : પવિત્રતા, શુદ્ધિ અને દયા એ જગતના કોઈ એકાદ ધર્મનો સુવાંગ ઈજારો નથી. દરેક ધર્મે ખૂબ જ ઉચ્ચ ચારિત્ર્યવાળાં સ્ત્રી અને પુરુષો આપ્યાં છે. આ બધો પુરાવો હોવા છતાં પણ જો કોઈ પોતાનો જ ધર્મ સુવાંગ જીવે અને અન્ય ધર્મ નાશ પામે એવું સ્વપ્ન સેવતો હોય, તો મારા હૃદયના ઊંડાણમાંથી એવા પર મને દયા આવે છે. હું એવાને કહું છું કે, ગમે એટલો સમાનો કરવામાં આવે છતાં પણ દરેક ધર્મના ધ્વજ પર સત્વરે આ પ્રમાણે લખાશે : ‘સહાય; પરસ્પર વેર નહીં.’ ‘સમન્વય; વિનાશ નહીં.’ ‘સંવાદિતા અને શાંતિ; કલહ નહીં.’
વિવેકાનંદનાં વચનો વિશે રોમાં રોલાંએ કહ્યું હતું કે, ‘એમના શબ્દો મહાન સંગીત છે.’ એકત્વ અને સંવાદનું જે ગીત, મનુષ્ય હૃદયમાંનો દિવ્યતાનો સૂર – અર્વાચીન જગતનાં કોટિ લોકોનાં હૈયાંમાં ગુંજતા ગીતને વિવેકાનંદે રેલાવ્યું.
વિવેકાનંદનું પશ્ચિમનું કાર્ય
કેવળ ધર્મપરિષદમાં હાજરી આપવા માટે વિવેકાનંદે પશ્ચિમમાં પ્રયાણ ન હતું કર્યું. એમણે ભારત છોડ્યું તે પહેલાંથી જ એમને દૃઢ ખાતરી હતી કે, પશ્ચિમમાંના, રાહ જોતા શાંતિના મોટા કાર્યનું દ્વાર જ એ પરિષદ બની રહેશે. પરિષદ પછી સ્વામીજી લગભગ ત્રણ વર્ષ અમેરિકામાં રહ્યા. એમાં ઈંગ્લેન્ડની બે મુલાકાતોનો સમાવેશ થઈ જાય છે. શિકાગો, બોસ્ટન, ડેટ્રોઈટ અને ન્યુયોર્ક એમનાં મુખ્ય કાર્યક્ષેત્ર હતાં. ખાસ કરીને પહેલે વર્ષે એ સતત પ્રવાસ કરતા, પ્રવચનો આપતા અને ગૃહવાર્તાલાપો આપતા રહ્યા હતા.
તત્ત્વત: મનુષ્ય પ્રકૃતિ દૈવી છે અને સુષુપ્ત દિવ્યતાને જાગ્રત કરીને તેને માનવ પ્રવૃત્તિના પ્રત્યેક ક્ષેત્રમાં પ્રગટ કરવી એ વેદાંત સંદેશના પ્રચારનું સ્વામીજીનું મુખ્ય કાર્ય હતું. આ ભવ્ય સંદેશના સ્વીકાર માટે, ભારતની પ્રાચીન સંસ્કૃતિ પ્રત્યેના લોકોનાં મનમાંના પૂર્વગ્રહો અને ખોટા ખ્યાલોને દૂર કરવા એમણે જહેમત ઉઠાવવાની હતી. સ્થાપિત દેવળોના જડ સભ્યો તરફથી જોરદાર હુમલાઓનો સામનો એમને મર્યાદામાં કરવો પડ્યો હતો. પરંતુ પોતાના ચારિત્ર્યની વિશુદ્ધિથી, હેતુની નિષ્ઠાથી અને આધ્યાત્મિક અનુભૂતિઓની શક્તિથી એમણે આ સર્વ વિરોધ પર વિજય મેળવ્યો અને, કેટલાંયે ઉદારમતવાદી અને જાગ્રત લોકોનાં પ્રેમ અને સમર્પણ પ્રાપ્ત કર્યાં.
સંનિષ્ઠ આધ્યાત્મિક સાધકો એમની પાસે તરત આવવા લાગ્યા અને એમના હિતાર્થે સ્વામીજીએ ન્યુયોર્કમાં વર્ગો લેવા માંડ્યા. એમનાં પ્રવચનો અને વર્ગ-વાર્તાલાપો ગ્રંથાકારે પ્રસિદ્ધ કરવામાં આવ્યાં.
રાજયોગ, ભક્તિયોગ અને કર્મયોગ પ્રગટ થવામાં પહેલાં હતાં. એમણે મુખ્યત્વે લંડનમાં આપેલાં પ્રવચનોનું પુસ્તક જ્ઞાનયોગ પછીથી પ્રસિદ્ધ થયું હતું. આ પુસ્તકોએ ધર્મ પ્રત્યેનો નવો અભિગમ ખોલી આપ્યો અને લાખો લોકો એમાંથી આધ્યાત્મિક જીવનનાં તત્ત્વો શીખ્યા છે.
વિવેકાનંદે લંડનની પહેલી મુલાકાત ૧૮૯૫ના પાછોતરા ભાગમાં લીધી. આ મુલાકાત દરમિયાન એ માર્ગરેટ નોબલને મળ્યા હતા જે પછીથી ભગિની નિવેદિતા બન્યાં હતાં. એપ્રિલ ૧૮૯૬માં સ્વામીજીએ લંડનની બીજી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન એમને કેપ્ટન અને શ્રીમતી સેવિયર મળ્યાં હતાં જે એમનાં પાકાં શિષ્યો બન્યાં હતાં.
પોતાની અવિરત પ્રવૃત્તિની વચ્ચે હોવા છતાં સ્વામીજી કદી પોતાના વતનને વીસર્યા ન હતા. રાષ્ટ્રની નસોમાં નવી શક્તિ પૂરીને ભારતને નવપલ્લવિત કરવા પર તેમનું ચિત્ત મંડાયેલું હતું. રંક લોકોની અસહ્ય ગરીબાઈ અને પછાત દશા આ કાર્યમાં મોટું વિઘ્ન હતાં. આ લોકોને ઊંચે ઉઠાવ્યા વિના ભારતની મહાન રાષ્ટ્ર બનવાની આશા ન હતી. કોલકાતામાંના પોતાના સંન્યાસી ગુરુ ભાઈઓને, રાજાઓને અને તેમના દીવાનોને, મદ્રાસમાંના અને પોતાના બીજા શિષ્યોને સ્વામીજીએ પ્રેરક પત્રો લખ્યા હતા અને ગરીબોની સેવામાં પોતાનાં જીવન અર્પણ કરવા તેમને અનુરોધ કર્યો હતો. એમનાં સૂચનોને અનુસરીને એમના શિષ્યોએ મદ્રાસથી અંગ્રેજી સામયિકો ચાલુ કર્યાં હતાં. બંગાળીમાં બીજું સામયિક કોલકાતાથી શરૂ કરવામાં આવ્યું હતું.
પરંતુ સ્વામીજી જાણતા હતા કે, ભારતના વિવિધ ભાગોમાં એમના અનુયાયીઓ અને પ્રશંસકો ઘણા હતા તે છતાં, મજબૂત સંસ્થા વિના કશું સંગીન કાર્ય કરી શકાશે નહીં. લોકોનાં ચિત્તને જગાડવા અને લોકોને વ્યવસ્થિત કરવા માટે પોતાને ભારત પાછા જવું પડશે તે એ જાણતા હતા. ૧૮૯૩માં સ્વામીજીને જો પશ્ચિમ બોલાવતું હતું તો, ચાર વર્ષો પછી પોતાની માતૃભૂમિ પોતાને બોલાવે છે તેમ એમને લાગ્યું. આખરે, યુરોપના ટૂંકા પ્રવાસ પછી, ૧૮૯૬ની ૩૦મી ડિસેમ્બરે નેપલ્સમાં એ જહાજે ચડ્યા. એમની સાથે સેવિયર્સ દંપતી હતું અને પોતાના સ્ટેનોગ્રાફર જે. જે. ગુડવિન હતા.
(ક્રમશઃ)
Your Content Goes Here




