ભારતમાં અર્વાચીન નવોત્થાન :
પોતાનો અર્વાચીન ઇતિહાસ જેને આપણે કહીએ તેનાં પ્રથમ પૃષ્ઠો લખવાનો પ્રારંભ ભારતે ઓગણીસમી સદીમાં કર્યો. યુનાઈટેડ કિંગ્ડમ દ્વારા પશ્ચિમ સાથેના પોતાના સંપર્કે એ શક્ય બનાવ્યું. એ સંપર્કને આરંભે ભારતે થોડાં ભય અને ગરબડ અનુભવ્યાં. પણ વર્ષો વીતતાં એ પાશ્ચાત્ય મોણ ભારતના દેહમાં અને આત્મામાં ઊતરવા લાગ્યું અને ભારતને તેણે ભીતરથી હલબલાવ્યું. એથી આથો આવવા લાગ્યો અને રાષ્ટ્રીય પુનરુત્થાન પરિણમ્યું. આરંભે એ ધીમું હતું પણ, સદીના પુરા થવા સાથે એ વેગ પકડતું ચાલ્યું અને એ સદીના અંતિમ દાયકામાં એણે મહાપૂરનું રૂપ લીધું. ભારતના દેહમાં અને આત્મામાં આ નવજાગરણ નવું યુવા ચૈતન્ય પ્રેરે છે અને બે રાષ્ટ્રીય હેતુઓ સિદ્ધ કરે છે. પ્રથમ, અર્વાચીન પશ્ચિમની ગતિશીલ સભ્યતાને આત્મસાત કરવી, મનુષ્યજાતિના સમગ્ર વારસાના પરિપ્રેક્ષ્યમાં પોતાના પ્રાચીન વારસાનું પુનર્મૂલ્યાંકન કરવું, જગતના વારસામાં પ્રાચીન અનેે અર્વાચીનનો સમન્વય કરવો અને આમ, રાષ્ટ્રીય જીવનમાં ગતિશીલતા આણવી તથા, ઐતિહાસિક રાષ્ટ્રીય સાતત્યનો દોર સાધવો. બીજું, કેટલીક સદીઓની નિષ્ક્રિયતા પછી, આંતરરાષ્ટ્રીય જીવનના અને ચિંતનના મુખ્ય પ્રવાહમાં ભારત પુન: પ્રવેશે છે અને બાકીના જગતની સેવામાં પોતાનાં જ્ઞાનને અને પ્રકાશને રેડે છે. શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ દ્વારા ભારતે આ બે હેતુઓ સિદ્ધ કર્યા છે.
શ્રીરામકૃષ્ણ અને ભારતીય પુનરુત્થાન
શ્રીરામકૃષ્ણના જીવનનો અવધિ માંડ પચાસ વર્ષોનો હતો પરંતુ, એમના ગહન જીવનનો પૂર્વ ભાગ આધ્યાત્મિક સત્યની ખોજમાં પડેલો હતો અને ઉત્તરાર્ધ આતુર ખોજ કરનારાઓમાં એ વિતરણ કરવા પાછળ વ્યતીત થયેલો હતો. સમસ્ત પ્રજાના આધ્યાત્મિક જીવનને પુન: જીવનાર આવું ગહન જીવન ઇતિહાસનું અત્યંત વેગવાન પરિબળ છે. એ માત્ર વ્યક્તિગત જીવન મટી જઈ, જગતને ધ્રુજાવનાર પરિબળ બની જાય છે.
પોતાના જીવનકાળ દરમિયાન આધ્યાત્મિક ઊર્જાનો જે ધોધ પ્રગટ કર્યો હતો તે એમના દેહાવસાન સાથે જ અદૃશ્ય થઈ ગયો ન હતો. એની આઘાતજનિત શક્તિ ચાલુ રહી છે અને આવનારી સદીઓ સુધી ચાલુ રહેશે. શ્રીરામકૃષ્ણ સમાં વ્યક્તિત્વોની બાબતમાં દૈહિક મૃત્યુનો કશો જ અર્થ નથી; એ જીવંત હતા ત્યારે પણ ભૌતિક સપાટીએ તેઓ ભાગ્યે જ જીવતા. આવી દરેક વ્યક્તિ અણુને ખંડન કરતા સાઈકલોટ્રોન જેવી છે; એ ખૂબ ઊર્જાને ધારણ કરે છે અને ઉત્પન્ન કરે છે અને એની વ્યાપક્તાને અને ગુણવત્તાને એ યંત્રના કદના ઉલ્લેખથી સમજાવી શકાય નહીં. શ્રીરામકૃષ્ણનો દેહ દુર્બળ હતો પણ એ દુર્બળ દેહમાં અમેય શક્તિ સમાયેલી હતી – પોતાના અસ્તિત્વના આધ્યાત્મિક ઊંડાણના ભેદનથી એ શક્તિ પ્રગટ થઈ હતી. જ્ઞાન અને વિશુદ્ધિ, પ્રેમ અને કરુણાનો સમાવેશ કરતી એ ઊર્જા આધ્યાત્મિક શક્તિનો ગંજ હતી – શ્રીરામકૃષ્ણ દિવ્યતાથી ઝગમગતા હતા. ભારતના તે કાળના પાટનગર કોલકાતા કેન્દ્રિત અર્વાચીન સભ્યતાની દોટ અને ધમાલથી દૂર, કોલકાતા નજીકના દક્ષિણેશ્વરના મંદિરના નાના ઓરડામાં જોવા મળેલી ખૂબ દિવ્ય ઊર્જાની એ લીલા હતી. અને તે છતાં, એ મંદિરના પરિસરમાં પ્રગટેલી એ શક્તિની પ્રથમ કોલકાતા પર અને પછી, ભારતના બીજા પ્રદેશો પર તથા વિદેશોમાંયે પ્રચંડ અસર થઈ હતી. આ વિસ્તરણ એમના અગ્રિમ શિષ્ય સ્વામી વિવેકાનંદે કર્યું હતું. એમનાં તાલીમ અને અભિગમ પોતાના ગુરુનાં તાલીમ-અભિગમ કરતાં તદ્દન વિરુદ્ધનાં હતાં ને તે છતાં એમને પૂરક હતાં; એ જ કારણે તો ઠાકુરે એમને પોતાના પ્રભાવક સંદેશવાહક તરીકે પસંદ કર્યા હતા. રોમાં રોલાંના શબ્દોમાં :
શ્રીરામકૃષ્ણનો આધ્યાત્મિક વારસો ગ્રહણ કરીને એમના ચિંતનના કણોને વિશ્વસમસ્તમાં વહેંચવાનું કાર્ય કરનાર આ મહાન શિષ્ય શારીરિક અને બૌદ્ધિક દૃષ્ટિએ ગુરુના સિક્કાની બીજી બાજુ જ હતા.
નરેન્દ્રનું રેખાચિત્ર
સ્વામી વિવેકાનંદનું પૂર્વજીવનનું નામ નરેન્દ્રનાથ દત્ત ટૂંકમાં નરેન્દ્ર કે નરેન હતું. જેની જ્ઞાનજ્યોત પ્રાચીન કે અર્વાચીન સંસ્થાગત શિક્ષણ પર જરાય અવલંબિત ન હતી. તે શ્રીરામકૃષ્ણથી ઊલટા, ૧૮૮૧ના અંતમાં, પહેલીવાર વિવેકાનંદ શ્રીરામકૃષ્ણને મળ્યા ત્યારે શિક્ષણથી અને ઉછેરથી તેઓ પૂરા અર્વાચીન હતા. પરિવર્તન પામતા યુવા ભારતનું પોતાની માન્યતામાં અને અભિગમમાં, તેઓ પ્રતિનિધિત્વ કરતા હતા. અર્ધી સદીથી બ્રિટીશ સરકારે દાખલ કરેલા નવા શિક્ષણની પ્રબળ અસર હેઠળ ભારત આવ્યું હતું અને ભારતના યુવાનો ગાંડા થઈને એ પ્રાપ્ત કરવા પાછળ પડ્યા હતા. અર્વાચીન વિજ્ઞાન, ગ્રીક-રોમન ઇતિહાસ, અંગ્રેજી સાહિત્ય, અર્વાચીન પાશ્ચાત્ય ઇતિહાસ અને અર્વાચીન રાજકીય-સામાજિક ચિંતન-આ સર્વેએ ભારતના ચિત્ત સમક્ષ પશ્ચિમની પ્રજાઓનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ખડો કરી દીધો અને એ ચિત્તને પ્રશ્નો કરતું, જાતની ટીકાટિપ્પણ કરતું, અને અસ્થિરતાના ભાવથી ભરેલું કરી દીધું. આ શિક્ષણનું પાન નરેન્દ્રે મુક્તપણે કર્યું; વૈજ્ઞાનિક અભિગમ અને બુદ્ધિવાદ તથા માનવતાવાદની એની શાસ્ત્રીય ભાવના અને ફિલસુફીનું નરેન્દ્રે મુક્તકંઠે પાન કર્યું. પશ્ચિમના ચિત્ત પર આ ફિલસુફી આશરે એક સૈકાથી સવાર થઈ હતી અને હવે એને ભારતમાં પણ ફળદ્રુપ ભૂમિ સાંપડી.
નરેન્દ્ર કોલેજમાં, દેખાવડો, બુદ્ધિશાળી, ચબરાક અને સ્ફૂર્તિવાન વિદ્યાર્થી હતો. એ નિષ્ઠાવાન વ્યાયામવીર, સંગીતના ભક્ત, વિજ્ઞાનના વિદ્યાર્થી અને તત્ત્વજ્ઞાનના ચાહક હતા. પશ્ચિમના વારસામાં જે કંઈ સારું હતું તેની અસરો ઝીલવા માટે એ તત્પર બની ગયા; પાશ્ચાત્ય ચિંતનના એ ઊંડા અભ્યાસી હતા; એની શાસ્ત્રીય ભાવના, એની ફિલસુફી અને એની ગતિશીલતા એમને આકર્ષતાં હતાં; જાતની ટીકા કરતાં એને સંકોચ થતો ન હતો, એનો તરવરાટ નરેન્દ્રને આકર્ષતો. પશ્ચિમના વારસામાં જે કંઈ ઉત્તમ હતું તે ગ્રહણ કરવા નરેન્દ્ર ઉત્સુક હતા અને એ વારસાના તેઓ જીવંત પ્રતિનિધિ બની ગયા. એ શક્તિ અને પૌરુષની મૂર્તિ હતા; એમનામાં પ્રોમીથિયસની ઊર્જા હતી. ને તે છતાંય, આ શિક્ષણ અને આ સિદ્ધિ એમના હૃદયને તૃપ્ત કરી શક્યાં નહીં; એનું હૈયું અનામી આધ્યાત્મિક તૃષા છિપાવવા આતુર હતું અને સત્યનો સાક્ષાત્કાર ઝંખતું હતું. આ તૃષા છિપાવવા માટે એ શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા હતા.
નરેન્દ્રના અંગ્રેજ તેમજ ભારતીય પ્રાધ્યાપકો તેમજ એમના સહાધ્યાયીઓ એમની બૌદ્ધિક પ્રતિભાથી પ્રભાવિત થયા હતા. એમના અંગ્રેજ પ્રાચાર્ય, મહાન વિદ્વાન, વિલિયમ હેય્સ્ટીએ નરેન્દ્ર બાબત કહ્યું છે કે :
નરેન્દ્રનાથ ખરે જ પ્રતિભાશાળી છે. મેં અત્રતત્ર એમ ખૂબ પ્રવાસ કર્યો છે પણ એની શક્યતાઓ અને પ્રતિભાની તોલે આવે એવો જુવાન જર્મન યુનિવર્સિટીઓમાં પણ મેં જોયો નથી. પોતાના જીવનમાં એ કશીક સિદ્ધિ મેળવશે જ.
અર્વાચીન શિક્ષણે એનામાં ઉછેરેલા બૌદ્ધિક અજ્ઞેયવાદ છતાં, પોતે નાનપણથી ગ્રહણ કરેલા શુચિતાના અને ત્યાગના આદર્શોને એ ચૂસ્તપણે વળગી રહ્યા હતા. ધ્યાનના તો એ ખાં હતા; અને આધ્યાત્મિક જીવન માટેની એમની ધગશ વય સાથે વધતી હતી.
‘ધ એક્સકર્ઝન’ નામનું વર્ડ્ઝ વર્થનું કાવ્ય શીખવતાં પ્રાચાર્ય હેય્સ્ટીના સહજ ઉદ્ગાર દ્વારા નરેન્દ્રે પોતાના ભાવિ ગુરુનું નામ પહેલી વાર સાંભળ્યું હતું. કવિએ વાપરેલા ‘ટ્રાન્સ’ શબ્દને સમજાવતાં આચાર્ય હેય્સ્ટીએ જણાવ્યું હતું કે આવી ધાર્મિક સમાધિઓ ચારિત્ર્યની વિશુદ્ધિથી અને ધ્યાનથી ઉદ્ભવે છે, આજના કાળમાં એ ઘટના જ્વલ્લે જ જોવા મળે છે અને ‘આવી દિવ્ય દશાની અનુભૂતિ કરનાર એક જ વ્યક્તિને હું જાણું છું ને તે વ્યક્તિ છે દક્ષિણેશ્વરના રામકૃષ્ણ.’
નરેન્દ્રની સત્યની શોધ
અર્વાચીન બુદ્ધિવાદની અને માનવતાવાદની ઊણપોનું ભાન નરેન્દ્રને તરત જ થયું. ધર્મને પોતાની ખામીઓ હોઈ શકે છે; એ ‘બાબા વાક્યં પ્રમાણમ્’માં અને અસહિષ્ણુતામાં ભલે સરી પડ્યો હોય પણ એના અંતરમાં જે અધ્યાત્મનું તત્ત્વ છે તેને, રંક થયા વિના મનુષ્યજાતિ ઉવેખી શકે નહીં એમ નરેન્દ્રને લાગ્યું. માનવીની સત્યની ખોજમાં ઈંદ્રિયબદ્ધ બુદ્ધિની મથામણો અને એનાં તારણો અંતિમ શબ્દ બની શકે નહીં. સત્ય પ્રત્યેનો બૌદ્ધિક અભિગમ કેવળ અજ્ઞેયવાદમાં પરિણમશે અને અનેક વેળા એ નાસ્તિકવાદ ભણી પણ દોરી જશે. પરંતુ મનુષ્યનું સમગ્ર અસ્તિત્વ સત્યને અનુભવવા ઝંખે છે, એનો સાક્ષાત્કાર ઝંખે છે. અને આ વિષય પરત્વે મનુષ્યને આપવા માટે અર્વાચીન ચિંતન પાસે કોઈ સંદેશ નથી તે એમણે જાણ્યું. પ્રત્યક્ષ અનુભૂતિ અને સાક્ષાત્કાર ભણી બુદ્ધિવાદથી પર ઊઠવું, ઈંદ્રિયકક્ષાએથી ઈંદ્રિયાતીત કક્ષાએ જવું તે, ભારતીય અધ્યાત્મ પરંપરાનો વિશિષ્ટ સંદેશ છે; અને શ્રીરામકૃષ્ણ તેનું પૂર્ણ મૂર્તિમંત સ્વરૂપ હતા.
પોતાની બુદ્ધિને અને તર્કશક્તિને માનવી ભલે ધારદાર બનાવે, એ ભલે શ્રેષ્ઠ દ્રવ્ય અને સત્તાનો સ્વામી બને, કલા અને સાહિત્યનો આનંદ એ ભલે ભોગવે પણ, પોતાના આધ્યાત્મિક પરિમાણને એ ન પિછાણે, ઈશ્વરનો સાક્ષાત્કાર એ ન પામે ત્યાં લગી એનું હૈયું ખાલીપો અનુભવતું રહેશે અને એ તાણ અને પીડાનો શિકાર બનશે. ભારતીય ચિંતનની આ વસિયત છે. શ્વેતાશ્વતર ઉપપિષદ કહે છે :
યદા ચર્મ વદાકાશં વેષ્ટયિષ્યન્તિ માનવ: ।
તદા દેવં અવિજ્ઞાય દુ:ખસ્યાન્તો ભવિષ્યતિ ॥
‘આકાશને ચામડાની માફક વીંટી લેવા છતાં, ઈશ્વરને પામ્યા વિના મનુષ્યો દુ:ખનો છેડો નહીં જોઈ શકે.’
યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે વિવેકાનંદે પોતાના હૃદયમાં આ ખાલીપો અનુભવ્યો હતો, એણે એમને અજંપામાં મૂકી દીધા હતા; પોતાની નિ:શંક શક્તિઓ વડે, પોતાના અંતરની સત્યની ધગશને મૂંગી કરી દઈને પોતાના બૌદ્ધિક અજ્ઞેયવાદ સાથે રહેતાં એ શીખી શક્યા હોત. પણ એ જુદી માટીના હતા અને જુદો ભાગ ભજવવા માટે ઘડાયા હતા. સત્ય માટેની એમની ધગશ એમને રોજિંદા જીવન સાથે મેળ બેસાડવા દેતી ન હતી. એટલે, બાઈબલના સ્તોત્રના શબ્દો અનુસાર, ‘પાણીના ઝરણ માટે ભટકતા હરણની જેમ’ એમનું હૃદય સત્ય માટે અજંપ બન્યું અને આ ભાવ સાથે એ સ્થળે સ્થળે, ઘણા ગુરુ પાસે ભટક્યા અને અંતે પ્રબળ ભાવિ એમને શ્રીરામકૃષ્ણ પાસે લઈ ગયું.
શ્રીરામકૃષ્ણનું રેખાચિત્ર
‘શ્રીરામકૃષ્ણ પાસેથી તને સંતોષકારક ઉત્તર મળશે, ‘એવા એક મિત્રના સૂચનથી, ગંગાને પૂર્વ કાંઠે આવેલા મંદિરના પરિસરમાંના, નદી ઉપર જ પડતા નાનકડા ઓરડામાં રામકૃષ્ણ રહેતા હતા ત્યાં તેઓ ગયા. રામકૃષ્ણ વિચિત્ર પ્રકૃતિના હતા; ઈશ્વર માટેની ઝંખનાની શોધ માટેના તોફાની ગાળામાંથી પસાર થયા પછી એ ઈશ્વરને પામ્યા હતા; પહેલાં એક પંથે જઈને, પછી બીજે ને એમ કરતાં હિંદુ ધર્મના બધા માન્ય પંથો ખેડીને વળી, ખ્ર્રિસ્તી તથા ઈસ્લામના પંથો પણ તેમણે ખેડ્યા હતા. બધા ધર્મો એક જ ઈશ્વરને પૂજે છે અને, ‘પંથો અનેક છે પણ ધ્યેય એક જ છે’, એ સાક્ષાત્કાર એમણે કર્યો હતો. એમના અભિગમને અને એમની સહાનુભૂતિને આ સાક્ષાત્કારે વૈશ્વિક બનાવ્યાં હતાં અને એમના હૈયામાં ગમે ત્યાં વસતા માનવી માટે ઊંડો સ્નેહ પ્રગટાવ્યો હતો. સૌ મનુષ્યોનાં હૈયામાં એમને ઈશ્વર દેખાતાં હોઈ મનુષ્યને એ નવી દૃષ્ટિથી જોવા લાગ્યા. બંધ આંખોએ તેમજ ખુલ્લી આંખોએ એ ઈશ્વરને જોતા. ઈશ્વરનો નશો ચડ્યો હોવા છતાં એ ખૂબ માનવીય હતા; ચહેરે હાસ્ય ધારણ કરતા તેઓ દરેક મુલાકાતીને આવકારતા અને પોતાના વિશુદ્ધ પ્રેમમાં એને લપેટી લેતા; અને પુરુષો ને સ્ત્રીઓ, પૈસાદાર અને રંક, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ધાર્મિક ગૃહસ્થો, ફિલસુફો અને કલાકારો, અજ્ઞેયવાદીઓ અને સાધુ પુરુષો – એમ સેંકડો માણસો એમની પાસે જતાં. એમાંથી તેઓ મહાન અને પવિત્ર લોકોને તારવી લેતા. સૌની સાથે તેઓ અનંત માર્દવથી અને સહાનુભૂતિથી વાતો કરતા. ઈશ્વર કે આધ્યાત્મિક જીવન બાબતની ગંભીર વાત કરતાં. કોઈ નાના અમથા સૂચને તેઓ દિવ્ય સમાધિમાં સરી પડતા. એ દશામાંથી સામાન્ય સ્થિતિએ પરત ઊતરી, તેઓ નાના બાળક સમા સરળ અને રમતિયાળ બની જતા અને પોતાના શ્રોતાઓ, ને તેમાંયે નાનેરાઓ, સાથે ખૂબ આનંદ, ગમ્મત માણતા.
એમની પાસે જનાર સૌને દિવ્ય અને માનવીય ગુણોનું સંયોજન આકર્ષતું અને એમની વાણી સૌને જકડી રાખતી. શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક મ.ના જણાવ્યા અનુસાર ઠાકુરનો ઓરડો ‘આનંદ બજાર’ હતો. ઈશ્વરના જનની જાદુઈ અસર સમજાવવા પોતાના યુવાન શ્રોતાઓને ઠાકુર દૃષ્ટાંત આપી કહેતા કે, ‘કમળ ખીલે છે ત્યારે, મધ ચૂસવાને ભમરાઓ આપોઆપ ઊડી આવે છે, એ માટે નોતરું નથી દેવું પડતું.’ એમની આ વાણી અક્ષરશ: સાચી હતી. એમણે માતાજીને પ્રાર્થના કરી હતી; ‘મા, મારે મુખેથી કોઈ સંપ્રદાયનો પ્રચાર ન કરાવતી.’ જીસસે કહ્યા પ્રમાણે, એ તો ભૂખ્યાને પથરા દેવા બરાબર છે. કશા જ ભેદભાવ વગર, બધા સાધકોને એમણે અધ્યાત્મનો રોટલો જ પીરસ્યો હતો. ભીતર ટકેલા દેવના આવિષ્કાર દ્વારા મનુષ્યનો આધ્યાત્મિક વિકાસ એમના વાર્તાલાપોનો મુખ્ય મુદ્દો હતો. બ્રાહ્મસમાજના મહાન અને પ્રસિદ્ધ ધાર્મિક નેતા કેશવચંદ્ર સેનથી માંડીને આસપાસનાં ગામડાઓના લોકો સહિતના સાધકોનું સરઘસ એમની પાસે જતું; ૧૮૭૫માં નાની સરવાણીથી આરંભાઈ, ૧૮૮૬માં એ અવસાન પામ્યા ત્યાં સુધીમાં એ મહાપૂર બની ગયું હતું.
શ્રીરામકૃષ્ણને ચરણે નરેન્દ્ર
પોતાની પાસે આવનાર સૌ કોઈને ઠાકુર પોતાના સાક્ષાત્કારના અનુભવો આપતા. પોતાની જરૂરત અને શક્તિ અનુસાર દરેક એ ગ્રહણ કરતું. એમની બધી વાતોનો કેન્દ્રસ્થ વિચાર આધ્યાત્મિકતા અને તે પ્રાપ્ત કરવાનો માર્ગ હતો. કોઈપણ બે સાધકોને એ એક જ બોધ કદી ન આપતા. કોઈ એક સંપ્રદાયનો પ્રચાર કરતા ન હતા; કોઈ માન્યતાની ટીકા કરતા ન હતા; પણ સાધકનું આધ્યાત્મિક જીવન પ્રેરણા પામતું અને ગહન થતું અને લોકોમાં દર્શન અને સહાનુભૂતિ વિશાળતર થતાં. આમ ચોવીસમાંથી લગભગ અઢાર કલાક સુધી એ સત્ય અને જ્ઞાનનું ઝરણ વહાવતા. દિવ્ય ભાવિના પ્રેર્યા નરેન્દ્ર એમની પાસે ગયા. વર્ષોથી પોતાના હૈયાને પીડતો અને અત્યાર સુધી કોઈ ગુરુ પાસેથી જેનો ઉત્તર નરેન્દ્રને મળ્યો ન હતો તે પ્રશ્ન નરેન્દ્રે તેમને પૂછ્યો : ‘મહાશય, આપે ભગવાનને જોયા છે?’ ‘હા, બેટા, મેં જોયા છે’, શાંતચિત્તે અને પ્રેમાળ ખાતરી આપતાં ઠાકુર બોલ્યા. અને પછી ઉમેર્યું કે : ‘તને અહીં જોઉં છું એના કરતાં વધારે સ્પષ્ટતાથી હું એને જોઉં છું; ને તું પણ એમને જોઈ શકે છે.’
આ ભાષા, ખરે જ, નવી હતી! નરેન્દ્રનાં ચિત્ત અને હૃદય ઉપર આ સરળ બોલે જે પ્રબળ અસર કરી તેને વ્યક્ત કરવી કઠિન છે. પોતાના અંતરના ઊંડાણમાંથી એને લાગ્યું કે, ઠાકુરના સાક્ષાત્કારમાંથી જ આ બોલ આવ્યા હતા. અને ઠાકુર વિશે અને એમની પાસેથી વધારે શીખવા એમણે નિશ્ચય કર્યો. રોજ રોજ ઠાકુરની ગહન આધ્યાત્મિકતાની સ્પષ્ટતર સમજણ અને એમના જીવન અને સાક્ષાત્કારોનું મહત્ત્વ જાણવાની એમની ઇચ્છા દૃઢતર થઈ.
શ્રીરામકૃષ્ણને હાથે થયેલા નરેન્દ્રના જે ઘડતરે એ યુવાન, ગતિશીલ બૌદ્ધિકનું પરિવર્તન ભગવાનના માનવીમાં કર્યું, જેણે એને પોતાનામાં અને સૌ જીવોમાં ઈશ્વર દર્શન કરતા કર્યા, પોતાના ગુરુની માફક પૂર્વના અને પશ્ચિમના પ્રત્યેક માનવી પ્રત્યે જેનામાં સહાનુભૂતિ જન્માવી તે ભાવિ માટે મહાન પરિવર્તન લાવનારું, અર્વાચીન ઇતિહાસનું પ્રવર્તક પ્રકરણ હતું.
શ્રીરામકૃષ્ણને ચરણે બેઠેલ વિવેકાનંદ – બંનેનું મિલન આ વિશ્વની મહાન ઘટના છે. સ્વભાવમાં, ઉછેરમાં અને મનના ઘડતરમાં એકમેક કરતાં વધારે વિરોધી મનુષ્યો આ બેના કરતાં હોઈ શકે નહીં; ને તે છતાં આટલા નિકટ અને મેળવાળા પણ બીજા કોઈ બે હોઈ શકે નહીં. તેઓ એકમેકના પૂરક હતા. ગુરુ શિષ્યમાં પોતાનું અસ્તિત્વ ધરાવતા હતા અને ગુરુના જીવનકાર્યને અને ધ્યેયને શિષ્ય પાર પાડતા હતા.
(ક્રમશ:)
Your Content Goes Here




