કોઈપણ કાર્ય કરતી વખતે આપણે બધા બહુધા કાર્ય કરવાની રીતનો જેટલો વિચાર કરીએ છીએ તેટલો વિચાર કાર્યના લક્ષ્ય પરત્વે ભાગ્યે જ કરતા હોઈએ છીએ. પણ ભારતીય ચિંતકોએ પોતાનાં સર્વ જીવનકાર્યોમાં કાર્યનીતિ કરતાં કાર્યલક્ષ્ય પર હંમેશા વધુ ભાર મૂક્યો છે. એ લક્ષ્ય જીવનવિષયક સાચા જ્ઞાનની પ્રાપ્તિ અને વિશુદ્ધ આનંદ છે. ઉપનિષદ કહે છે: ‘આપણે આનંદમાંથી જન્મીએ છીએ, આનંદમાં જીવીએ છીએ અને આનંદમાં જ વિલીન થઈએ છીએ.’ આ આનંદ કેવો છે? પશુ-પ્રાણીઓ તો ઇન્દ્રિયજન્ય અનુભવોમાં થતી પ્રીતિમાં જ આનંદ માની રાચે છે. પણ માનવને એવી પ્રીતિ પરિતોષજનક નથી. શ્વાનની આહારપ્રીતિ, દાનવોની વિનાશપ્રીતિ, પહેલવાનની બલપ્રદર્શનપ્રીતિ, કલાકારની સર્જનપ્રીતિ, કોઈ લેખકની ઉચ્ચવિચાર સર્જનની પ્રીતિ, કોઈ દાર્શનિક કે વૈજ્ઞાનિકની તત્ત્વ શોધની પ્રીતિ. આ બધાં પ્રીતિવલણો પેલા પરમાનંદની ખોજ માટેની મથામણો જ છે. પરન્તુ આદર્શ કર્મયોગીની નિઃસ્વાર્થ સેવાપ્રીતિથી જન્મતો આનંદ જ સર્વોચ્ચ અને અનન્ય છે. કારણ કે એ આનંદ કર્મયોગીને એની સંકુચિત, અલ્પ, વ્યક્તિમત્તાથી ઉપર ઉઠાવીને સર્વભૂતોમાં, પોતાના આત્મામાં રહેલી દિવ્યતાને જ પિછાણવામાં સહાયક થાય છે. એ સર્વસેવા અને સર્વસંમાનનો પ્રહરી બને છે. ભારતીય શીલ અનુસાર આ આંતરિક આનંદ અને પૂર્ણત્વની આ ગહનતમ ભાવના જ પરમોચ્ચ આનંદ અને જીવનનું લક્ષ્ય છે. આ દિવ્યાનંદની સાથે કર્મયોગી સર્વ પદાર્થોનું હાર્દ પિછાણીને પોતાની ભીતરના અનંત પ્રેમને અનુભવે છે. કર્મયોગી માટે કર્મ જ બ્રહ્મજિજ્ઞાસા છે અને એ જ એને મુક્તિમાર્ગે દોરે છે. ધનાર્જન માટે જ કાર્ય કરતા લોકો ધીરેધીરે વધુ ને વધુ ધન મેળવવાની લાલસાના ગુલામ બની જાય છે. એમનામાં અન્યને શોષી લેવાની અભિસંધિત પ્રતિક્રિયા જન્મે છે અને પરિણામે અકથ્ય ઉદ્વેગ, વિષાદ, તણાવ, ગુપ્ત ભય, શાન્તિનો સમૂળગો નાશ નોતરાય છે.

સ્વામી વિવેકાનંદે ભાખ્યું છે કે ભવિષ્યમાં એક નૂતન સમાજ થશે કે જેમાં વૈશ્યોનો વેપાર, ક્ષત્રિયોની સક્ષમ વ્યવસ્થા, મજદૂરોની કર્મનિષ્ઠા અને બ્રાહ્મણોના અધ્યાત્મજીવનનું મિશ્રણ હશે. હવે ઉપયોગિતાવાદી અને ધનસંચય પરક વેપારમાં આ ભારતીય શીલનું મહત્ત્વ સમજાતું જાય છે. એવા શોષક વેપાર પ્રત્યે સાવચેતીના સૂરમાં સ્વામીજીએ કહ્યું: “કામનાઓને સંતોષવાની આપણી શક્તિ જેટલી ગુણાત્મક રીતે વધશે, તેટલી ભૌમિતિક રીતે કામનાઓ પણ વધતી રહેશે. વિશ્વમાં સુખો અને દુઃખોનો સરવાળો એકસરખો જ છે. એક સ્થળે ઊઠેલું સાગરમોજું અન્ય સ્થળે અવશ્ય અવકાશ સર્જે છે… એક સ્થળનું સુખ અન્ય સ્થળે દુઃખ સર્જે જ છે…” શોષણખોરી સામે ભારતીય શીલ મૂકતાં સ્વામીજીએ હાર્વર્ડ યુનિવર્સિટીમાં કહ્યું હતું: “માનવમાં રહેલી દિવ્યતાનું પ્રકટીકરણ જ સંસ્કૃતિ છે.” વળી, એમણે લંડનમાં કહ્યું હતું: “શું પાઉંડ-શિલિંગ-પેન્સ સિવાય કોઈ વ્યવહાર નથી?… ઉચ્ચતમ સત્યોને વ્યવહારમાં ઉતારનાર સમાજ જ સૌથી મહાન છે.” તેમણે આ ભારતીય અવાજ આગળ વધાર્યો: “ઉપયોગિતાવાદી ધોરણો માનવીય સંબંધોની સમજૂતિ આપી શકતાં નથી. કારણ કે ઉપયોગિતાવાદથી આપણે કોઈ નૈતિક નિયમ તારવી શકતા નથી. આપણે શા માટે ભલું કરવું? ભલું કરવાનો ખ્યાલ બિનજરૂરી જ રહ્યો! એટલે આપણી પાસે એક આદર્શ હોવો જોઈએ. નૈતિકતા પોતે સાધ્ય નથી અને જો એ સાધ્ય ન હોય તો શા માટે નીતિમાન થવું? શા માટે અન્યનું ભલું કરવું? શા માટે ઈજા ન કરવી? પરન્તુ ધર્મજન્ય-આધ્યાત્મિકતામાંથી જન્મેલી નીતિપ્રણાલીને તો એના ક્ષેત્રમાં સંપૂર્ણ-અનંત માનવ છે. તે વ્યક્તિને લે છે, પણ એનો સંબંધ અનંત સાથે છે. એ સમાજને પણ લે છે કારણ કે સમાજ ભેગી મળેલી વ્યક્તિઓના સમૂહ સિવાય કશું નથી.” … “આ નૈતિકતા એ એકતા છે, એનો પાયો પ્રેમ છે.” ભારતીય વહીવટી શીલાચારને ઇશોપનિષદનો પહેલો મંત્ર સુપેરે રજૂ કરે છે: “આ બધું જગત ઈશ્વરથી વ્યાપ્ત છે, તેથી ત્યાગપૂર્વક ભોગવ; અન્યના ધનની લાલસા ન રાખ.”

અમેરિકાનો ધનપતિ રોકફેલર સ્વામીજીને મળવા આવ્યો, ત્યારે તેના તરફ જોયા વગર જ સ્વામીજીએ કહી દીધું કે ‘તમે ભેગી કરેલી મૂડી તમારી નથી, એ તો માત્ર પ્રવાહમાર્ગ છે, ધનથી અન્યનું ભલું કરી છૂટવું એ તો તમારી ફરજ છે.’ સ્વામીજીની શીખે રોકફેલરનું જીવન બદલી નાખ્યું અને સાત દિવસમાં મોટું દાન જાહેર કર્યું. ધનથી સ્થપાયેલા રોકફેલર ફાઉન્ડેશને વિશ્વનો ભૂખ્યાં-દુઃખ્યાં ગરીબ-કંગાલોની કરેલી ભલાઈ તો જગજાહેર જ છે. ધનવહીવટ સંબંધી આ ભારતીય શીલે રોકફેલ૨, આઈન્સ્ટાઇન, વીલ ડ્યુરાં, આર્નોલ્ડ ટોયમ્બી આદિ મૂર્ધન્ય ચિંતકોને ભારે પ્રભાવિત કર્યા છે. એ બધાએ જનહિત માટે આત્મબલિદાનના ભારતીય શીલને ફેલાવવા માટે ધનવહીવટના અધ્યાત્મીક૨ણ ૫૨ એકસ્વરે ભાર મૂક્યો છે.

આવા વેદાન્તી કર્મયોગનો આધારમંત્ર સ્વામીજીએ આપ્યો છે: ‘આત્મનો મોક્ષાર્થમ્ જગદ્ધિતાય ચ’ કૃષ્ણ, બુદ્ધ, ખ્રિસ્ત, વિવેકાનંદ એનાં જાગતાં દૃષ્ટાંતો છે. યોગી બનીને અનાસક્તિપૂર્વક કોઈપણ કરેલું કામ, વ્યક્તિ અને સમાજને ઉચ્ચતમ સ્થિતિએ પહોંચાડે છે, એમ કૃષ્ણે પ્રબોધ્યું છે અને એ કર્મઠ યોગી સાથે જ શ્રી, વિજય, ભૂતિ અને ધ્રુવ અને નીતિ રહે છે. વ્યાસે આ વાત પોકારી-પોકારીને મહાભારતમાં કરી, પણ અફસોસ! કોઇના કાન એ સાંભળવા તૈયા૨ ન હતા! બુદ્ધે પણ ‘બહુજનસુખાય બહુજન હિતાય’ લોકાનુકંપયાની જ વાણી ઉચ્ચારી હતી. સ્વામી વિવેકાનંદ પણ વારંવાર આ જ વાત કહી છે: “નિઃસ્વાર્થતા શરી૨-મનની દૃષ્ટિએ પણ વધુ ફલદાયી છે… તમે કામે લાગો અને તમારામાં ગજબની તાકાત આવશે. તમારું સ્વલ્પ કાર્ય પણ ભીતરની શક્તિ જગાડશે.” સ્વામીજીએ મૈસૂરના મહારાજાને લખેલા પત્રમાં પણ દુનિયાની ક્ષણભંગુરતા અને અન્ય માટે જીવવાનો આદર્શ અસ૨કા૨ક રીતે રજૂ કર્યા છે.

આવી નિઃસ્વાર્થ કર્મઠતા દ્વારા વિકાસ સાધવા માટે બે વસ્તુઓ આવશ્યક છે: આત્માની ઓળખ અને કોઈ દબાણ વગ૨નું કર્મ સ્વાતંત્ર્ય. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે પશ્ચિમે સામાજિક સ્વાતંત્ર્ય તો આપ્યું એથી સમાજવિકાસ તો થયો, પણ ત્યાં વૈયક્તિક સ્વધર્મ પર કાપ મૂકાવાથી વૈયક્તિક સ્વધર્મ અર્થ કેન્દ્રિત અને સમૂહગત એક૨સીલો બની ગયો, ભારતમાં સ્વધર્મ સ્વાતંત્ર્ય હોવાથી અસંખ્ય સંતો અને આઘ્યાત્મિકતા વિકસ્યાં; પણ અહીં સામાજિક સ્વાતંત્ર્ય ન હોવાથી ગરીબી, અર્થવિષમતા, શોષણ, વઘ્યાં. સમાજ સ્થગિત થઈ ગયો. એટલે સ્વામીજી આ બન્ને પ્રકારનું સ્વાતંત્ર્ય ઝંખતા હતા.

જાપાન કે અમેરિકાનો ઉદ્યોગ વિકાસ તે ક્ષેત્રે રહેલા વ્યક્તિસ્વાતંત્ર્ય અને સમાજ સ્વાતંત્ર્ય જ થયો અને બધાને એક લાકડીએ હાંકતા રશિયા જેવા સામ્યવાદી દેશોમાં એનાથી સાવ અવળું જ થયું અને અત્યા૨ના ખંડ-ખંડમાં વિભાજીત સોવિયેટ રશિયાની સ્થિતિ તો જાણીતી જ છે- પુષ્કળ શસ્ત્રાસ્ત્રો અને ખાવાનાં સાંસા!

આજના વહીવટકર્તાઓ કર્મયોગી થઈ શકે ખરા કે? અવિરત કામ, બજા૨ની સમસ્યાઓ, હરિફાઈઓ, મજૂરસમસ્યાઓ, તુમારશાહીનું વાતાવ૨ણ છે. એનો જવાબ ‘હા’ છે. ભા૨તે અર્જુન, જનક, અશોક જેવા અનેક કર્મવીરો નીપજાવ્યા છે. સ્વામી વિવેકાનંદ કહે છે: “યન્ત્રો, ઉપકરણો, શહેરો, જહાજો, મનવારો – આ બધું માનવીની ઇચ્છા શક્તિની જ અભિવ્યક્તિ છે. આ ઇચ્છાશક્તિનું જનક ચારિત્ર્ય છે અને ચારિત્ર્ય, કર્મનું જ પ્રકટીક૨ણ છે. જેવું કર્મ તેવી ઇચ્છાશક્તિની અભિવ્યક્તિ. વિશ્વમાં જન્મેલા ઉચ્ચ ઇચ્છાશક્તિવાળા માનવોએ જબરાં કાર્યો કરી બતાવ્યાં છે.”

સ્વામીજીને મતે આદર્શ કર્મયોગી ૫૨મશાન્તિમાં પ્રખર કર્મઠતા અને પ્રખર કર્મઠતામાં ૫૨મ શાન્તિ નિહાળતો હોય છે. આજે વહીવટીતંત્રમાં આવી કર્મઠતાની જરૂર છે.

વળી, આધુનિક વહીવટીતંત્ર માટે એક અભિનવ ઉદ્દેશ આવશ્યક બન્યો છે અને એ છે સર્વકલ્યાણનો ઉદ્દેશ. અમેરિકન વહીવટીતંત્ર ઠેઠ ૧૯૮૫ સુધી નફા અને ઉત્પાદનને જ કેન્દ્રમાં રાખી ચાલતું રહ્યું, પણ ૧૯૮૮માં એમાં યુગાન્તકારી પરિવર્તન આવ્યું. કેનાથ બ્લેન્ચાર્ડ અને વીન્સેન્ટ પીલના પુસ્તકે એ મહાન કાર્ય કર્યું. એ પુસ્તક The Power of Ethical Management નામનું છે. બીજાં એવાં પુસ્તકો પણ લખાયાં અને બધાંને લોકોએ અને વેપા૨તંત્રે ઉષ્માભર્યો આવકા૨ આપ્યો. અત્યાર સુધીના નીતિમૂલ્યવિહીન નફા અને ઉત્પાદનને જ કેન્દ્રમાં રાખતા વેપા૨વહીવટે અમેરિકાને ઘણો ધક્કો પહોંચાડયો. ૧૯૮૬માં એની ૧૩૬ બેંકો ફડચામાં ગઈ હતી. ૧૯૮૭માં એના વેપારવણજને ૧૫૦ બીલીઅન ડોલરની ખોટ ગઈ, ૧૯૮૬માં પહેલીવાર એને બાંધકામ અને ખેતીમાં ફટકો પડ્યો, મજૂરોનો અસંતોષ વઘ્યો.

એની સામે જાપાને વેપા૨વણજ અને વહીવટમાં ભારે પ્રગતિ કરી. એનો મુખ્ય પ્રે૨ક મેટ્સ ઉશિતા હતો. એણે વેપા૨વહીવટમાં મૂલ્યલક્ષિતા અને આઘ્યાત્મિકતાનું સિંચન કર્યું. એને પરિણામે જાપાનના ઉદ્યોગો અને વહીવટને અનન્ય સફળતા મળી. મેટ્સ યુશિતાનાં આ આઘ્યાત્મિક મૂલ્યોમાં ઉદ્યોગ દ્વારા રાષ્ટ્રસેવા, સ્વચ્છતા, સંવાદિતા, શિષ્ટતા, વધુ સારા ઉત્પાદનની ધગશ, વિનય, નમ્રતા, અનુકૂલ અને કૃતજ્ઞતા જેવાં મૂલ્યોનો સમાવેશ થાય છે. આ મૂલ્યલક્ષિતા પર ઝેન સંતોનો જબરો પ્રભાવ હતો. મેટ્સયુશિતાની નજરે ‘વિશ્વકલ્યાણ માટે કાર્ય કરવું’ એ એનો પાયો હતો.

પણ આ પાયાનો વેદાન્તી હેતુ સ્વામી વિવેકાનંદ આ રીતે મૂકે છે: “વિશ્વનો એક અણુ પણ પોતાની સાથે આખા વિશ્વને લીધા વગ૨ ગતિ કરી શકતો નથી. સમગ્રને સાથે લીધા વિના પ્રગતિ થઈ શકે નહિ. એટલે કોઈપણ સમસ્યાનો નિકાલ કેવળ વેશગત, રાષ્ટ્રગત કે એવા સંકુચિત પાયા ૫૨ આવી શકે નહિ… એ માટે સમગ્ર માનવતાનો પાયો જોઈએ.”

આજનું કૂદકે-ભૂસકે વિકસતું વિજ્ઞાન હવે આ મૂલ્યલક્ષિતાનું વિરોધી રહ્યું નથી પણ વિજ્ઞાનનાં તાજાં સંશોધનો વહીવટમાં અપેક્ષિત આ મૂલ્યલક્ષી આધ્યાત્મિકતા સાથે સંવાદિતા સાધી રહ્યાં છે. આ વાત સ્વામીજીએ જાપાનથી શિકાગો જતા પોતાના સહયાત્રી જમશેદજી તાતાને સમજાવી હતી. એના પરિણામે જમશેદજી તાતાએ એવી સાધુસંચાલિત વિજ્ઞાનશોધ સંસ્થા માટે ત્રીસ લાખ રૂપિયા કાઢ્યા હતા અને સ્વામીજીને એ સંસ્થાના અધ્યક્ષ થવા નિમંત્ર્યા હતા પણ એ વખતે સ્વામીજી રામકૃષ્ણ મઠ-મિશન સ્થાપવાના કામમાં પડ્યા હતા અને પછી તો ત્રણ જ વર્ષમાં એમનું અવસાન થયું. સ્વામીજીના અવસાન પછી ભગિની નિવેદિતાએ ફરી મસલતો શરૂ કરી પણ લોર્ડ કર્ઝન આડો પડ્યો. આ કામ થવા ન દીધું. પણ સ્વામીજીનું સ્વપ્ન નિરર્થક હોઈ શકે નહિ. આજે ભારતમાં ઘણી વૈજ્ઞાનિક શોધ સંસ્થાઓ ઊભી છે તે એનો પુરાવો છે.

જાપાને કરેલા વહીવટના આધ્યાત્મિકીક૨ણને જોઈને આજથી એક સદી પહેલાં સ્વામીજીએ પોતાના શિષ્યોને લખ્યું હતું: “આધુનિક પ્રગતિશીલ પેઢીએ પુરોહિતોને ભેદી નાખ્યા છે. જાપાન વિશે મારા મનની વાત આ નાનકડા પત્રમાં હું લખી ન શકું. મને લાગે છે કે વરસે આપણા ઘણા યુવાનો જાપાન અને ચીનની મુલાકાત લેવી જોઇએ.” આવું લખીને છેલ્લે આપણા વાતોડિયા અને આળસુ કહેવાતા તત્ત્વજ્ઞોને ચાબખા લગાવ્યા હતા!

દરેક કાર્યને પ્રાર્થના ગણવાનો અભિનવ દિવ્ય સંદેશ અર્વાચીન કાળમાં સ્વામી વિવેકાનંદે જ આપ્યો હતો. માનવની ભીતર પડેલી દિવ્યતાનાં તેમણે કરેલાં દર્શનની ફલશ્રુતિ રૂપે જ આજે રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા દ્વારા શિક્ષણ, સા૨વા૨, ગ્રામસુધાર, રાહતકાર્યો, આદિવાસી-કલ્યાણ વગેરે વિવિધ માનવસેવાનાં કામો સુંદ૨ રીતે ચાલી રહ્યો છે અને આધ્યાત્મિકતા અને ભૌતિકતા વચ્ચેની ભેદની દીવાલોને ભાંગી રહ્યાં છે અને ન૨માં નારાયણને નીરખી રહ્યાં છે. તેમજ ભારતીય શીલને વ્યવહારુ સ્વરૂપ આપી રહ્યાં છે.

કોઈપણ ઉદાત્ત કાર્યમાં, ખાસ કરીને વેપા૨વણજમાં તંદુરસ્ત હરિફાઈ સારી સફળતા આપે છે એ ખરું, પણ એ હરિફાઈ ગળાકાપ બને તો ભયંકર પરિણામો લાવે છે. ડાર્વિનના ‘બળિયાના બે ભાગ’ના સિદ્ધાન્તે આ ગળાંકાપ હરિફાઈને વેગ આપ્યો છે. એને બદલે ભા૨તના વેદાન્તશીલે ૫૨સ્પ૨ સહકાર અને સંવાદિતાને જ વિકાસનો માર્ગ લેખ્યો છે. ગીતાનો ‘પરસ્પરં ભાવયન્તઃ શ્રેયઃ પરમવાસ્યથ’નો આદર્શ જ સાચો માર્ગ છે, એમ હવે તો વિજ્ઞાનનાં સંશોધનો પણ પુરવાર કરી રહ્યાં છે.

વેપારી પેઢીમાં પરિવારભાવના રાખવી એ સંવાદી સંસ્કૃતિનું આગવું અને આવશ્યક શીલ છે. ભારતમાં આ શીલ ઠેઠ ઋગ્વેદકાળથી હયાત છે. ઋગ્વેદના ‘સં ગચ્છધ્વં સં વદધ્વં સં નો મનાસિ જાનતામ્’ આદિ મંત્રો એનાં દૃષ્ટાંતો છે. ભારતીય ઋષિઓએ એમાં સમાન પ્રાર્થનામાં, સમાન સાધ્ય, સમાન હેતુ, સમાન નિશ્ચય, સમાન અભીપ્સાઓ, સમાન હૃદયો, સમાન ઈરાદાઓ રાખીને પૂર્ણ સહકાર સાધવાની શીખ આપી છે.

હવે તો જગતના બધાં વહીવટી ક્ષેત્રોમાં આ ભારતીય શીલ વિસ્તરતું નજરે પડે છે, મજૂર-માલિકના સમ્બન્ધો સમ્માન અને સહકારથી યુક્ત બનતા જાય છે. ખાસ કરીને જાપાનના વહીવટીતંત્રમાં ‘સોની’ના નિયામક અને સ્થાપક એકીયો મોરીટાએ પોતાના પુસ્તકમાં મજૂર માલિકના સ્વસ્થ પરિવા૨ સંબંધ, બન્ને વચ્ચે સમાનતા અને સહકાર, પારસ્પરિક શ્રદ્ઘા-વિશ્વાસ અને એકબીજાના અભિપ્રાય ત૨ફ આદ૨થી જોવાનાં વહીવટી મૂલ્યો ઉપ૨ ખૂબ ભાર મૂક્યો છે. જાપાનમાં ઊભા થતા મજૂર પ્રશ્નોનો નિકાલ, આ પરિવાર નિષ્ઠાના મૂલ્ય દ્વારા જ લાવવામાં આવે છે.

ભારતના એક મોટા સૈન્યપડાવના બ્રિગેડિયરે એક દિવસે પૂછ્યું: “એક બ્રિગેડિય૨ તરીકે મારે કોઈ જવાનની ભૂલ માટે તને સજા કરવી જોઈએ પણ એક વડા તરીકે ત્યારે મને ખેદ થાય છે તો ત્યારે મારે શું કરવું?” ત્યારે એને આવો આધ્યાત્મિક અભિગમ બતાવાયો કે “દરેક જવાન તમારો પુત્ર છે; બ્રિગેડિય૨ તરીકે તમે એના પિતા છો. તમારે સજા કરીને એને અનુશાસન તો શીખવવું જોઈએ પણ સજા અપાઈ ગયા પછી એ ભાઈને તમારા સવારના નાસ્તાના ટેબલ ૫૨ નિમંત્રણ આપીને પ્રેમથી પી૨સીને ખવડાવો અને તમારી એના ત૨ફની આંતરિક શુભેચ્છા તથા કાળજીની એને ખાતરી કરાવો. આવા એકાદ બે પ્રસંગો આખી છાવણીનું માનસ પલટી નાખશે.”

ગુરુશિષ્ય વચ્ચેનો આદર્શ સંબંધ પ્રબોધતી આ સુપ્રસિદ્ધ વૈદિક પ્રાર્થના આપણે પેઢીના સંચાલકો અને કર્મચારીઓના સંદર્ભમાં પણ લઈ શકીએ કે ૐ સહ નાવવતુ સહ નૌ ભુનકતુ, સહ વીર્યં ક૨વા વહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ, મા વિદ્વિષાવહૈ… સાથે રક્ષણ, પોષણ, શક્તિ, શિક્ષણ અને પ્રેમ પ્રાપ્ત કરવાની આ પ્રાર્થના છે. વ્યક્તિ અને સમાજના સંબંધના સંદર્ભમાં પણ એ લઈ શકાય છે. આવા સમભાવપૂર્ણ પા૨સ્પરિક સંબંધો જ વ્યષ્ટિ-સમષ્ટિના જીવનને સંતુલિત અને સ્વસ્થ બનાવી શકે. પેઢીના બધા કર્મચારીઓની સમૂહ પ્રાર્થનાથી કામની શરૂઆત ક૨વાના પ્રયોગો આ હેતુની સિદ્ધિ માટે થતા ક્યાંક-ક્યાંક ભારતમાં જોવા મળે છે.

ભારતીય શીલનું આ ભાથું ભગવદ્ ગીતામાં ભર્યું ભાદર્યું છે. ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન’ ‘તારો કર્મમાં જ અધિકાર છે, ફળમાં નહિ’ અને ‘ભુંજતે તે ત્વઘં પાપા યે પચન્ત્યાત્મકારણાત્’ જે પોતા માટે જ કમાય-ધમાય છે તે પાપીઓ પાપ જ ખાય છે’ – આ બે એના કેન્દ્રવર્તી વિચારો છે.

માનસિક સંતુલન સફળ વહીવટનું રહસ્ય છે. સુખમાં છકી ન જઈ દુઃખમાં હિમ્મત હાર્યા વગ૨ લાભ-અલાભમાં સંતુલિત મન રાખવાનું કર્મકૌશલ ગીતા શીખવે છે. સુખ-દુઃખમાં સમાન રહીને લોકસંગ્રહ માટે કર્મ બનવાનો ગીતાનો બોધ છે. બહુજન હિતકારી લોકસંગ્રહ ક૨ના૨ની કદી દુર્ગતિ ન થવાની ગીતા ખાતરી આપે છે. આમ છતાં જો લાભ ન થાય તો સંચાલકે એનાં કારણો તપાસવા જોઈએ. સ્વામી વિવેકાનંદ કહે છે: “આપણા જીવનની મોટી મુશ્કેલી એ છે કે આપણે વધુને વધુ આદર્શ કે લક્ષ્યને વળગીએ છીએ, આપણને જરૂ૨ તો એ લક્ષ્યને સાધતાં સાધનો ૫૨ વધુ ધ્યાન દેવાની કા૨ણ કે જો સાધનો બરાબર હશે તો સિદ્ધિ અવશ્ય સાંપડશે.’

એકવા૨ કોઈ ઉદ્યોગપતિના મૅનેજરે સ્વામીજીને પૂછ્યું: “બધી વસ્તુઓ અવળી પડે, કામદારો શોરબકો૨ કરે, ત્યારે મારે શું કરવું?” સ્વામીજીએ કહ્યું: “તમારી ભીતરના આત્મબળથી એનો પૂરો સામનો કરો. હિંમત અને નિર્ભયતા માનવકર્મની પ્રથમ શરત છે” “ભીતરની દિવ્યતા, આત્મશક્તિ તથા ભગવત્ તત્ત્વને જગાડે તે જ ધર્મ.” કૃષ્ણે ગીતામાં અર્જુનને આ જ વાત કહી છે. બધા જ વહીવટદારો વિવેકાનંદની થોડીઘણી વાણીથી પણ પ્રેરણા પામશે. એમાં સચ્ચાઈ અને શ્રદ્ધાનો રણકાર છે.

વહીવટીતંત્રને આજે આવા શ્રેષ્ઠ વીરોની જરૂર છે. શ્રેષ્ઠ માણસને સૌ અનુસરે છે. નિપુણ ધી૨ વીરો જ વહીવટને ઉજાળી શકે અને તો જ યથેષ્ઠ વિકાસ સાધી શકાય. ગીતાનો અર્જુન એનું નમૂનેદા૨ ઉદાહ૨ણ છે. આવો વહીવટકર્તા કોઈ રાજકીય પ્રાણી ન હોય, એ માનવને કેવળ ‘આર્થિક પ્રાણી’ જ ન ગણતો હોય એ બેન્જામીનનો ‘tool making’ પ્રાણી પણ ન હોય, એ તો એક નિપુણ, વી૨, ખંતીલો, આધ્યાત્મિક પુરુષ! કૃષ્ણ, બુદ્ધ અને વિવેકાનંદનો આ શીલસંદેશ છે. આવા વહીવટદા૨નાં વિશિષ્ટ લક્ષણો ગણાવીએ તો એ દૂરદર્શી હોવો જોઈએ, ધંધાની પ્રગતિ અને અન્યને સહાય કરવાની સહજ સમર્પિત ગતિશીલતા એનામાં હોવી જોઈએ; અન્ય પ્રત્યે આદર ભાવ રાખવાનું વલણ પણ એનામાં હોવું જોઇએ; એ પોતાના કાર્યાલયને મંદિર સમાન માનતો હોવો જોઈએ; કર્મચારીઓને પોતા તરફ આકર્ષતું શ્રદ્ધેય વ્યક્તિત્વ ધરાવતો એ હોવો જોઇએ અને પોતાના કર્મચારીઓમાં પરિવારભાવના પ્રેરતું વાતાવ૨ણ ખડું કરવાની આવડત એનામાં હોવી જોઇએ.

વહીવટીતંત્ર માટે ભારતીય શીલાચારના કેટલાક અનિવાર્ય સિદ્ધાન્તો આવા છે: (૧) ‘આત્મનો મોક્ષાર્થ જગદ્ધિતાય ચ’ પોતાના મોક્ષ માટે અને જગતના હિત માટેનો એ પુરુષાર્થ છે.’ (સ્વામી વિવેકાનંદ) (૨) ‘અર્ચયેત્ દાનમાનાભ્યામ્’ ‘જન સમાજમાં નારાયણને ની૨ખીને દાન અને માનથી એને પૂજવો. (ભાગવત). (૩) ‘આત્મનો વિન્દતે વીર્યમ્’ શ્રવણ, મનન, નિદિધ્યાસનથી અને અનાસક્ત કર્મઠતાથી ભીતર પડેલ આત્મશક્તિને ઉજાગ૨ ક૨વી.’ (કેનો પનિષદ) (૪) ‘યોગઃ કર્મસુ કૌશલમ્… સમત્વ યોગ ઉચ્ચતે’ – ‘સમજપૂર્વકની કર્મનિષ્ઠા રાખવી. (ભગવદ્ ગીતા) (૫) ‘યાદેશી ભાવનાર્યસ્ય સિદ્ઘિર્ભવતિ તાદૃશી’ – ‘જેવી જેની ભાવના, તેવું ફળ મળે છે. – જેવું સાધન એવી સિદ્ધિ હોય છે.’ (૬) ‘પરસ્પર ભાવયન્તઃ શ્રેયઃ ૫૨મવાસ્યથ’ – ‘પરસ્પર સ્નેહસહકા૨થી જ પ૨મશ્રેયની પ્રાપ્તિ થાય છે.’ (ભગવદ્દ ગીતા) (૭) ‘તેષાં સુખં શાશ્વતમ્… તેષાં શાન્તિઃ શાશ્વતી’ – સર્વવ્યાપક ચૈતન્યને પોતાના આત્મામાં ની૨ખના૨ને જ શાશ્વત શાન્તિ અને સુખ સાંપડે છે.

સંદર્ભઃ

INDIAN ETHOS IN MANAGEMENT: EXPERIMENT AND EXPERIENCES by Swami Jitatmananda

Total Views: 110

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.