ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત – ઊઠો, જાગો અને ઇચ્છિત ધ્યેયને પહોંચો નહીં ત્યાં સુધી મંડ્યા રહો. કલકત્તાના નવયુવકો! ઊઠો, જાગો, કારણકે સમય સાનૂકૂળ છે. અત્યારથી જ સર્વં કંઈ આપણી સમક્ષ ખુલ્લું થતું આવે છે. બહાદુર બનો; ડરો નહીં. કેવળ આપણાં જ શાસ્ત્રોમાં ઈશ્વરને આ અભી: અભી: વિશેષણ લગાડવામાં આવેલું છે. આપણે અભી: ભયરહિત થવાનું છે; એમ થતાં જ આપણું કામ પાર પાડશે. ઊઠો, જાગો, કારણ કે તમારો દેશ આ મહાન બલિદાન માગે છે. નવયુવકો જ એ કરી શકશે. નવયુવાન, ઉત્સાહી, શક્તિશાળી, દૃઢ બાંધાના મેધાવી મનુષ્યો માટેનું એ કાર્ય છે. અને આપણે અહીં કલકત્તામાં એવા સેંકડોને હજારોની સંખ્યામાં નવયુવકો છે. તમે કહો છો તેમ જો મેં કંઈક કર્યું હોય તો એ પણ યાદ રાખજો કે હું પણ પેલો કલકત્તાની શેરીઓમાંથી રમતો ફાલતુ છોકરો હતો. જો હું આટલું બધું કરી શક્યો હોઉં તો તમે તો અનેકગણું વધારે કરી શક્શો! માટે ઊઠો અને જાગો; દુનિયા તમને બોલાવી રહી છે. ભારતના બીજા ભાગોમાં બુદ્ધિ છે, પૈસો છે, પણ ઉત્સાહ તો કેવળ મારી માતૃભૂમિમાં જ છે; એણે બહાર ઊછળી આવવું જોઈએ. માટે કલકત્તાના નવયુવકો! તમારા રક્તમાં ઉત્સાહ ભરીને ઊઠો. એવો વિચાર જ ન કરો કે તમે ગરીબ છો, અગર તમારો કોઈ મિત્ર નથી. અરે, પૈસાથી માણસને તૈયાર થતો કદીયે કોઈએ જોયો છે? માણસ તો પૈસાને પેદા કરનાર છે. આખી દુનિયા માણસની શક્તિથી બનેલી છે, ઉત્સાહની શક્તિથી- શ્રદ્ધાની શક્તિથી બનેલી છે…
મેં તો હજી કશું જ કર્યું નથી; ખરું મહેનતનું કામ તો તમારે કરવાનું છે. આવતી કાલે જ હું મરી જાઉં, તો પણ કાર્ય મરવાનું નથી. હું ખરા અંત:કરણથી માનું છું કે હજારો એવા યુવકો નીકળી આવશે, જેઓ આ કાર્યને ઉઠાવી લેશે; અને મારી ગગનગામી આશાએ કલ્પ્યું પણ નહીં હોય તે કરતાં પણ વધુ ને વધુ આગળ ધપાવ્યે જશે. મને મારા દેશમાં, ખાસ કરીને મારા દેશના નવયુવકોમાં શ્રદ્ધા છે. તમારી સમક્ષ પડેલું મહાન કાર્ય આ છે. એટલે મારું કથન પૂરું કરતાં પહેલાં ફરી એક વખત હું તમને યાદ આપું કે ‘ઊઠો, જાગો અને ઇચ્છિત ધ્યેયની પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો!’ ડરો નહીં, કારણ કે માનવજાતિના સમગ્ર ઈતિહાસમાં મહાનમાં મહાન પ્રતિભા આમવર્ગમાંથી જ નીકળી આવી છે; તેમની કક્ષામાંથી જ, એ વર્ગમાંથી જ સઘળી પ્રતિભાશાળી વ્યક્તિઓ પેદા થયેલી છે. ઇતિહાસ કેવળ તેનું પુનરાવર્તન જ કરી શકે. કોઈ વસ્તુથી ડરો નહીં. તમે અદ્ભુત કાર્ય કરી શકશો. જે ઘડીએ તમે ડર્યા તે ઘડીએ તમે કંઈ જ નથી. આ દુનિયામાં દુ:ખનું મોટું કારણ ભય છે; મોટામાં મોટો વહેમ હોય તો તે ભય છે; આપણી આપત્તિઓનું કારણ કોઈ હોય તો તે ભય છે, અને પળવારમાં અહીં સ્વર્ગ ખડું કરનાર કોઈ હોય તો તે નિર્ભયતા છે. એટલા માટે, ‘ઊઠો, જાગો અને ધ્યેયે પહોંચો નહીં ત્યાં સુધી અટકો નહીં!’
– સ્વામી વિવેકાનંદ
(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા – સંચયન’ પૃ. ૭૮-૮૦)
Your Content Goes Here




