નોંધ : રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર દ્વારા અંગ્રેજી ભાષામાં પ્રકાશિત માસિક ‘બૂલેટીન’માં પ્રસિદ્ધ થયેલ અને અશ્વિનીકુમાર દ્વારા હિન્દીમાં અનુદિત લેખોનોે શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં.

એક સારી વ્યક્તિ સારી છે, કારણ કે એ તેની આવશ્યકતા છે અને તેને લાગે છે કે તે આ સારાપણાથી ભિન્ન બીજું કંઈ હોઈ જ ન શકે. જો કોઈ વ્યક્તિ કોઈ પ્રકટ કે અદૃશ્ય શક્તિના ભયથી સારો છે, તો તે સારાપણું તેનો સ્વભાવ નથી. જે પરિસ્થિતિઓ પર તેનું કંઈ નિયંત્રણ નથી, તે એને સારા બનવા માટે વિવશ કરી રહી છે. એવું બની શકે કે તે કદાચ એટલે સારો છે, કારણ કે તેને એ આશા છે કે જો તે સારો બનશે તો તેને પુરસ્કાર કે પ્રશંસા મળશે. આવું કંઈ બીજી કોઈ રીતે તેને મળી શકતું નથી. આ સારાપણું નકલી છે.

તેને પોતાની પહોંચની બહારનાં ફળની પ્રાપ્તિના ઉદ્દેશ્યથી આરોપિત કરી દીધી છે. વાસ્તવમાં સારી વ્યક્તિ તે જ છે જે કોઈ દંડ કે ભય અથવા કોઈ ફળ મળવાની આશાથી નહીં, પરંતુ તે એટલા માટે સારી છે, કારણ કે તે તેની સ્વાભાવિક પ્રકૃતિ છે અને તે બીજા કોઈ પણ પ્રકારની થઈ જ શકતી નથી. જો આ એક સારી વ્યક્તિનો માનદંડ છે, તો એવાં કેટલાં નર-નારી છે કે જે સમાજમાં સારાં ગણાય છે અને જે લોકો એની કસોટીની સરાણે ખરા ઉતરશે?

સામાન્યત : વ્યક્તિ જે કર્મ કરે છે, તેનાથી તે ઓળખાય છે. પરંતુ શું આ દરેક પરિસ્થિતિનું સાચું માપ છે? આ સંદેહનો વિષય છે. એવું બની શકે કે તે સારાં કાર્યો બીજાં કોઈ કારણોને લીધે કરે, એનો ખ્યાલ બીજાને ન આવે અને એને વિશે તે પોતે પણ સચેત ન હોય. એ પણ સંભવ છે કે પ્રારંભમાં તે પૂર્ણત : બીજાની ભલાઈ કરવા ઇચ્છતો હોય, પરંતુ જેમ જેમ તે આગળ વધે તેમ તેમ તેનો પોતાનો સ્વાર્થ પ્રગટ થવા લાગે અને અંતે તે જે કંઈ પણ કરે છે તેમાં તેનું લક્ષ્ય પોતાનો જ સ્વાર્થ હોઈ શકે. ભલમનસાઈનું પાતળું સ્તર જેનાથી તેણે શરૂઆત કરી હતી તે સ્વાર્થ-સાધનને કારણે ટકી ન શક્યું અને જે સ્વાર્થ અત્યાર સુધી સુષુપ્ત હતો તેને હવે રોકી શકાય તેમ નથી. સમાજની સેવા કરનારા મોટાભાગના લોકો વિશે આ જ સત્ય છે. કેટલાક તો ખુલ્લેઆમ સ્વાર્થી હોય છે. તેઓ જે કંઈ સારું કાર્ય કરે છે, તે કેવળ આવરણ હોય છે, જેની આડમાં તેઓ સામાજિક અથવા રાજનૈતિક પ્રભાવ પ્રાપ્ત કરવા પોતાના વાસ્તવિક ઉદ્દેશ્યને મેળવવા ઇચ્છે છે. એ જોવામાં ભલે ગમે તેવું લાગે, પરંતુ અહીં કેવળ સ્વાર્થ જ લક્ષ્યપ્રાપ્તિનાં સાધન અને ઉપાય છે. આવું કરવું કોઈ પણ પરિસ્થિતિમાં સારું નથી. ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ કે સંસ્થાને લો. એ વ્યક્તિ કે સંસ્થા દાનમાં ધન વાપરે છે. એનું લક્ષ્ય કોઈ વિશેષ ધર્મમત કે મતવાદને લોકપ્રિય બનાવવાનું છે. એનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિઓ એ છે કે જ્યાં અસહાય લોકોને મદદ કરવાને બદલે એક વિશેષ રાજનૈતિક વિચારધારાનું બીજારોપણ કરવામાં આવે છે. શું આપણે આ કાર્યને ખરું માની શકીએ? પરંતુ દુર્ભાગ્યવશ આવું જ થાય છે. આજકાલ તો કેટલાંય સ્થળે આ પ્રકારની પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે.

કોઈનું મદદગાર બનવું એ સારો ઉદ્દેશ્ય છે, પરંતુ દાન કરનાર અથવા સંસ્થાનો હેતુ જ જો ખરાબ હોય તો આ સહાયતા કેવી થઈ? દુષ્ટ વ્યક્તિની કામ કરવાની રીત જ આવી હોય છે કે બીજાનું ભલું કરવાના પ્રયત્નમાં પણ ભલાઈ કરતાં બુરાઈ જ વધારે કરે છે. આવી વ્યક્તિ થોડી ભૌતિક સહાયતા કરી શકે છે, પરંતુ આવું કરવામાં તે ઠીક ઠીક પ્રમાણમાં નૈતિક હાનિ કરી શકે છે. કદાચ એ વ્યક્તિ જેમને સહાયતા કરે છે એમના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે. એની સાથે પોતાના સ્વાર્થ માટે એમનું શોષણ પણ કરી શકે છે. એવું પણ બની શકે છે કે તે પોતાના હીનસ્વાર્થને ચરિતાર્થ કરવા માટે મદદ મેળવનારનું શોષણ કરે. દુષ્ટ વ્યક્તિમાં ક્યારેક ક્યારેક સારા પણાની ઝલક જોવા મળે છે. પરંતુ અંતે તેની અશુભ પ્રવૃત્તિઓ એના પર સવાર થઈ જાય એની પૂર્ણ સંભાવના છે.

એટલે જ વ્યક્તિનાં કાર્યો જોઈને તેના વિશે ધારણા કરવામાં ભય છે. તે કેવી વ્યક્તિ છે એ જ માનદંડ હોવો જોઈએ. ખરેખર ઉત્તમ થવું કર્મશીલ થવા કરતાં હંમેશાં વધારે મહત્ત્વ રાખે છે. એક સારી વ્યક્તિ સમાજસેવાનું કાર્ય વધારે ન કરે છતાં પણ તેની હાજરીના પ્રભાવથી બીજાનાં મન અને ભાવનાઓ ઉન્નત થઈ જાય છે. તે જે સારું કરે છે તેનો કોઈ બીજાને ખ્યાલ પણ આવતો નથી. જે વ્યક્તિ બહુ વધીચડીને દેખાડો કરે છે કે તે ઘણું કરી રહ્યો છે, વાસ્તવમાં એટલી ભલાઈ એ કરતો નથી. એક સારા માણસ માટે તે આવશ્યક નથી કે તે વધારે કરે, પરંતુ તે જે કંઈ કરે છે તે ઘણા સારાપણાનો સ્રોત બની જાય છે. કારણ કે ભલમનસાઈ કે સારાપણું તેનું સ્વરૂપ છે.

Total Views: 468

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.