(ગતાંકથી આગળ)

પૂર્ણતાની આ પ્રાપ્તિ આધ્યાત્મિકતાનું શિખર નિર્દેશે છે અને, વિધિઓ, ઉપચારો વગેરેને આધ્યાત્મિક કાખઘોડીઓ પછી ફેંકી દેવાની છે. મનુષ્યની આધ્યાત્મિક ઉત્ક્રાંતિના આ લક્ષણ પર શ્રી રામકૃષ્ણ ભાર મૂકે છે. એક ગીત જે  તેઓ પ્રેમથી ગાતા તે આ પ્રમાણે છે:

‘ગયા, ગંગા, પ્રભુસાદિ, કાશી, કાંચી કોણ જાય?
કાલી કાલી બોલતાં મારો શ્વાસ જો ચાલ્યો જાય…’

આમ આપણે જોઈએ છીએ કે, આધ્યાત્મિક અને નૈતિક નિયમનનો સમગ્ર વ્યાપાર મનુષ્ય અને પ્રકૃતિ પાછળ રહેલ આધ્યાત્મિક સત્યના ભાન ભણી લઈ જાય છે. ઇન્દ્રિયોથી આપણને ભેદનું જ્ઞાન થાય છે. પણ, એ ભેદો પાછળની એકતાનું ભાન આપણને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા થાય છે. ઈન્દ્રિયાનુભૂતિનાં વિવિધ પાસાંઓને જોડતા નિયમોની શોધ વિજ્ઞાન કરે છે તે રીતે, પ્રકૃતિની પાછળ, અંદર અને બહાર રહેલ અસ્તિત્વ એકતા તત્ત્વજ્ઞાન પ્રગટ કરે છે. એ એકતાને ‘બ્રહ્મ’ નામે ઓળખવામાં આવે છે; તૈતરીય ઉપનિષદ (૩-૨)માં તેની વ્યાખ્યા આ રીતે આપવામાં આવી છે:

યતો વા ઇમાનિ ભૂતાનિ જાયન્તે
યેન જાતાનિ જીવન્તિ
યત્પ્રત્યભિસંવિશન્તિ;
તદ્ વિજિજ્ઞાસ્વ; તદ્ બ્રહ્મેતિ —

‘જેમાંથી આ બધાં ભૂતો જન્મે છે, જન્મ્યા પછી જેમાં તેઓ રહે છે; અંતે તેઓ જેમાં પ્રવેશે છે એને તું જાણ; એ બ્રહ્મ છે.’

એ સ્પષ્ટ છે કે જિજ્ઞાસાપૂર્વક આ આધ્યાત્મિક જ્ઞાન આપણે શોધીએ નહીં ત્યાં સુધી આપણને મળે નહીં. નવા કરાર (માથ્થી, ૭.૭-૮)માં જીસસ આ જ સત્ય વ્યક્ત કરે છે:

‘માગ અને તને તે મળશે; શોધ અને તને તે જડશે; ખડખડાવે એને માટે દરવાજો ખોલવામાં આવશે. કારણ, જે માગે છે તે પામે છે; જે શોધે છે તેને જડે છે; અને જે ખખડાવે છે તેને માટે ખોલવામાં આવે છે.’

ઉપનિષદો પણ જિજ્ઞાસુ મન માગે છે, ઉપનિષદો કહે છે કે ખોજ કરનારનું મન જિજ્ઞાસુ હોવું જોઈએ. આ પ્રકારનાં મન માટે ઉપનિષદોમાં જિજ્ઞાસા શબ્દ વપરાયો છે. આવાં સઘળાં જિજ્ઞાસુ મનને પોતાનાં સત્યની અને ઉત્કર્ષની ખોજમાં ઉપનિષદોમાં સહાય કરશે. જોઈએ છે ધગશ. ટહેલવાથી સત્ય નથી સાંપડતું; ઈશ્વર અને સત્ય વિશે આરામથી પ્રશ્નો ફંગોળવાના વલણથી અને, એમ કર્યા પછી ઉત્તરની રાહ પણ નહીં જોયાથી કશું વળતું નથી. આવા અભિગમથી ઉપનિષદોના ગહન શબ્દોનું રહસ્ય પામી શકાતું નથી. ઉપનિષદના શબ્દોમાં, ‘દૂધમાં માખણ રહેલું છે પણ, એનું દહીં કરી મંથન કરવાથી માખણ નીકળે છે; આમ, સત્ય અનુભવમાં નિહિત છે; જિજ્ઞાસાથી અને ઊંડા ધ્યાનથી એને મેળવવાનું છે.’ એટલે તો, આરંભમાં ઉપનિષદોને રહસ્ય તરીકે ઓળખાવાતાં. એમ મનાતું કે ગણ્યા-ગાંઠ્યા લોકો જ ઉપનિષદોનું અધ્યયન કરી શકે. પણ આઠમી સદીમાં, મહાન તત્ત્વજ્ઞ શંકરાચાર્ય આવ્યા અને, ગૃહસ્થોને, સામાન્ય પ્રજાને માટે આ જ્ઞાનનાં દ્વાર તેમણે ખૂલ્લાં મૂક્યાં. ઉપનિષદોનાં બ્રહ્મવિદ્યા અને આત્મજ્ઞાનની ગહનતાને માનવજાત સમક્ષ પોતાનાં વિખ્યાત ભાષ્યો દ્વારા તેમણે રજૂ કરી. પરંતુ શંકરાચાર્ય આવ્યા છતાંયે, ગુપ્તાતાની પરંપરા લાંબે સુધી ચાલી અને, લાખો લોકો માટે ઉપનિષદો સીલબંધ સાહિત્ય જ રહ્યાં. વાસ્તવમાં આ પરંપરાનું એટલું જોર રહ્યું છે કે, ત્રીસેક વર્ષ અગાઉ, મૈસુર સંસ્કૃત કોલેજમાં મેં જોયું હતું કે, ઉપનિષદોનું પઠન થતું હતું ત્યારે, સંન્યાસીઓની નકલ કરતા હોય તેમ, પોતાના ઝભ્ભાના છેડાઓ વિદ્યાર્થીઓ પોતાનાં મસ્તકો પર મૂકતા હતા.

ગઈ સદીના અંતભાગમાં આવેલા સ્વામી વિવેકાનંદે ઉપનિષદોનું અધ્યયન માત્ર આ દેશના જ નહીં પણ બધા દેશોના લોકો માટે સુગમ બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી. સ્વામી વિવેકાનન્દે કહ્યું છે કે, જે કોઈ જીવનને તર્કપૂર્વક સમજવા ચાહતું હોય અને, સુદૃઢ આધ્યાત્મિક પાયા પર વિશાળ અને ઊંડા ચારિત્ર્યનું ઘડતર કરવા માગતું હોય તે ઉપનિષદોનું અધ્યયન કરી તેમાંથી અલભ્ય લાભ ખાટી શકે. શક્ય તેટલી સરળ વાણીમાં ઉપનિષદોના બોધને રજૂ કરવાનું, પૂર્વ અને પશ્ચિમના લોકોમાં તે ફેલાવવાનું, જીવનના દરેક ક્ષેત્રમાં તેમના વ્યાવહારિક અર્થને સમજાવવાનું અને પૂર્વ તેમજ પશ્ચિમના આજના માનવીના પ્રશ્નો ઉકેલવાની તેમની શક્તિ દર્શાવવાનું ભગીરથ કાર્ય સ્વામી વિવેકનન્દે કર્યું હતું.

આમ છતાં, ઉપનિષદોને રહસ્ય કહેવા પાછળ કશોક અર્થ છે ખરો. ઉપનિષદો ગહન છે અને જે જિજ્ઞાસુ એમનું અધ્યયન ગંભીરતાપૂર્વક અને મનનપૂર્વક કરવા માગતો હોય તે જ તેમનો લાભ લઈ શકે. આ અર્થમાં તેઓ રહસ્ય છે. એમનો અર્થ હરકોઈ સમજી શકે નહીં. સામાન્ય પુચ્છક એમનું તત્ત્વદર્શન પામી શકે નહીં; સત્યની ખોજમાં લીગી રહેલા ચિત્તવાળો સાચો જિજ્ઞાસુ જ પોતાના અંતરના ઊંડાણમાં પ્રવેશી શકે.

આનંદની રીત

આપણાં મનને આમ તૈયાર કરીને, પોતાના પ્રથમ શ્લોકમાં જ ઈશ ઉપનિષદ આપણને સત્યની ગૂઢ ગહનતાએ લઈ જાય છે:

ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત્‌

તેન ત્યક્તેન ભુંજિથા:, મા ગૃધ: કસ્ય સ્વિદ્‌ ધનમ્‌—

‘આ નાશવંત જગતમાં જે કંઈ પરિવર્તનશીલ છે તે બધું ઈશ વડે આચ્છાદાવા યોગ્ય છે. ત્યાગનો આધાર લે. કોઈના ધનની તૃષ્ણા રાખમા.’

આ કથન ઘણું ગહન, અર્થમાં નિશ્ચિત અને તે છતાં તદ્દન સરળ છે. એ કહે છે કે આખું વિશ્વ ઈશ્વર તત્ત્વથી ભરેલું છે. અને આપણો અનેકતાનો, ઈન્દ્રિય જગતનો અનુભવ આ સનાતન સત્યના પ્રકાશમાં જ લક્ષમાં લેવો જોઈએ. જળરાશિ ઉપર એક પરપોટો જન્મે છે, સપાટી પર એ ક્ષણ માટે ક્રીડા કરે છે અને, અદૃશ્ય થઈ જાય છે. એ ક્યાંથી આવ્યો, શું હતો અને ક્યાં ગયો? એ ક્ષણિક અસ્તિત્વનું, એ બુદ્‌બુદનું, સાચું સ્વરૂપ બ્રહ્મ છે. એનો સાક્ષાત્કાર કરો, એને દૃષ્ટિથી દૂર ન કરો, ક્ષણિક ઈન્દ્રિયાનુભૂતિના ક્ષુદ્ર તરંગમાં ખોવાઈ ના જાઓ: આમ શ્લોક કહે છે. જીવનના દરેક ક્ષેત્રમાં વિકાર છે, મૃત્યુ છે; આપણા જીવનની ઈમારત ઊભી કરવા અહીં ક્યાંય દૃઢ, સ્થિર પાયો નથી; પણ, ઉપનિષદ કહે છે, ઊંડેરે નિરખો અને, મૃત્યુની વચ્ચે અમર્ત્ય દેખાશે, વિકારીની વચ્ચે અવિકારી દેખાશે, અનેકમાં એક દેખાશે. ઉપનિષદોનો આ મહાન સંદેશ છે, મર્ત્ય અને વિનાશીની પાછળ રહેલા અમર અને અવિનાશી આત્માનો એ સંદેશ છે. કઠ ઉપનિષદ કરે છે. (૫:૧૩):

નિત્યોનિત્યાનાં ચેતનાશ્ચેતનાનામ્
એકો બહૂનાં યો વિદધાતિ કામાન્ ;
તમાત્મસ્થં યેઽનુપશ્યન્તિ ધીરા:
તેષાં શાન્તિ: શાશ્વતી નેતરેષામ્ —

‘અનિત્ય પદાર્થોમાં એ નિત્ય છે, બધાં ચૈતન્યોનું ચૈતન્ય એ છે. એક જ છે એ છતાં અનેકોની કામનાઓની તૃપ્તિ એ કરે છે. જે ધીર પુરુષો એને પોતાના આત્મામાં રહેલો જુએ છે તેમને જ શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય છે, બીજાઓને નહીં.’

તો, અનિત્યોમાં આપણે એ નિત્યને જોઈ શકીએ, ઈશ વડે સર્વને આચ્છાદિત કરી દઈએ તો જ, વિશ્વનું સાચું સ્વરૂપ આપણે સમજી શકશું. તે પછીનું બીજું પગલું, ઈશ ઉપનિષદ કહે છે કે, જે સત્ય નથી તે સર્વના ત્યાગનું છે. વેદાન્તની ભાષામાં, નકાર અને હકાર બંને જોઈએ; તો જ આપણે જગતને ભોગવી શકીએ. તેન ત્યક્તેન ભુંજિથા: ‘આ ત્યાગ કરીને ભોગવ’ એમ આ શ્લોક કહે છે. જેનો ત્યાગ કરીએ છીએ તેનો આપણને આધાર નથી પણ, જે આપણા કબજામાં છે અને જે આપણે માણીએ છીએ તેનો છે; અને આ શ્લોક ઈશને આપણી પાસે રાખીને જગતને ભોગવવાનું કહે છે. આ જગત માણવા યોગ્ય છે અને આપણે તેને ઉમંગથી માણવું જોઈએ. જીવનનો ઉમંગ ભગવદ્‌ગીતામાં અને ઉપનિષદોમાં સમજાવ્યો છે. જે મહાન ગુરુઓએ આ સત્યો શોધ્યાં તે આનંદશત્રુ ન હતા; તેઓ મીઠા અને પ્રેમાળ મનુષ્યો હતા. શ્રીરામકૃષ્ણ આનંદથી ભરપૂર હતા અને શ્રીકૃષ્ણ પણ આનંદમૂર્તિ હતા. જીસસ પણ આનંદની જ મૂર્તિ હતા, પાછળનાં શાસ્ત્રોએ એમને દુ:ખમૂર્તિ બનાવ્યા છે.

આ જગતને આપણે ભોગવીએ તે પહેલાં, ભોગવવાની રીત આપણે જાણવી જોઈએ. આ રીત ભગવદ્‌ગીતામાં વિસ્તારથી વર્ણવાઈ છે પણ, અહીં, ઈશ ઉપનિષદના આ પ્રથમ શ્લોકમાં, ત્યાગ (ત્યક્તેન) એ એક શબ્દમાં  સંક્ષેપમાં બતાવાઈ છે. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં હતા ત્યારે, એ પ્રોફેસર ગરસોલને મળ્યા હતા. પોતાના જમાનાના ધર્માચાર્યો માટે એ વાઘ જેવા હતા; એ અજ્ઞેયવાદી, મહાન પંડિત અને વક્તા હતા. પોતાના ઈન્સ્પાયર્ડ ટોક્સ ‘પ્રેરિત વાર્તાલાપો’—માં, ગરસોલ સાથે પોતાને થયેલી વાતચીત સ્વામી વિવેકાનંદ વર્ણવે છે (કંપ્લીટ વર્ક્સ , વૉ.૭, પાંચમી આ., પૃ. ૭૭):

ગરસોલે એક વાર મને કહ્યું : ‘હું આ જગતને જેટલું ભોગવી શકાય તેટલું ભોગવી લેવામાં માનું છું, નારંગીને એટલી દબાવવી કે રસનું ટીપું એમાં રહે નહીં કારણ, આ જગત સિવાય બીજા કશાની આપણને ખાતરી નથી.’ મેં ઉત્તર વાળ્યો : ‘નારંગીને નિચોવવાની તમારા કરતાં બીજી વધારે સારી રીત હું જાણું છું અને, મને તેમાંથી વધારે પ્રાપ્તિ થાય છે. હું જાણું છું કે હું મરવાનો નથી તેથી, મારે કશી ઉતાવળ નથી; હું કશા જ ભયને જાણતો નથી તેથી, નિચોવવામાં મને આનંદ આવે છે. મારે કોઈ ફરજ બજાવવાની નથી, બંધન નથી, બૈરી છોકરાં નથી કે મિલકત નથી. હું બધા લોકોને ચાહી શકું છું. મારે મન દરેક વ્યક્તિ ભગવાન છે. મનુષ્યને ભગવાન તરીકે પ્રેમ કરવાના આનંદની કલ્પના કરો! તમારી નારંગીને આ રીતે દબાવો અને તેમાંથી સહસ્ત્રગણું મેળવો. એકે એક ટીપું મેળવો.’

આમ જીવન માણવાની આ પદ્ધતિ આ ઉપનિષદે સૂચવી અને તેના વ્યવહાર્ય અર્થોનો વિકાસ ભગવદ્‌ગીતા ઉપર છોડ્યો. ભગવદ્‌ગીતા (૨.૪૯ માં) કહે છે:

દૂરેણ હ્વરં કર્મ બુદ્ધિયોગાદ્ધનંજય ;
બુદ્ધૌ શરણં અન્વિચ્છ કૃપણ: ફલહેતવ: —

‘હે અર્જુન, સ્થિતપ્રજ્ઞ બુદ્ધિથી કરેલા કર્મ કરતાં (સ્વાર્થ પ્રેરિત) કર્મ ક્યાંય ઊતરતું છે. આવી બુદ્ધિનું તું શરણું છે. ફલની ઈચ્છાથી પ્રેરિત કર્મ કરવાવાળા કૃપણ મનના છે.’

નીતિશાસ્ત્રમાં તેમજ ધર્મમાં, ત્યાગ સનાતન સત્ય છે, ત્યાગથી પવિત્ર થયા વિના કશું સાચો આનંદ આપતું નથી. આપણા દૈનિક જીવનમાં, પરસ્પરના સંબંધોમાં, આપણે ત્યાગ કરીએ છીએ ત્યારે, આપણે પરમ આનંદ પામીએ છીએ. અને ઉપનિષદોના આ બોધમાં, આ મહાન સત્યની સમજૂતિ આપણને સાંપડે છે. ત્યાગ અને વૈરાગ્યથી આપણે બધાના આત્મરૂપ અમર અને દિવ્ય બ્રહ્મ સાથે એકરૂપતા સાધીએ છીએ. આપણાં દૃષ્ટિ અને મન વિશુદ્ધ થયાં હોઈ, આપણે આ જગતને બ્રહ્મ તરીકે જોઈએ છીએ અને, આપણા ક્ષુદ્ર, ભેદક અહંકારે ઊભી કરેલી માયાજાળને તજીએ છીએ. આમ આ ત્યાગ કેવળ નકારાત્મક નથી; એ નકાર આપણને મોટી વસ્તુના સ્વીકાર ભણી લઈ જાય છે. ઉત્ક્રાંતિની સંવાદિતાની માફક, ઉચ્ચતર જીવનની સંવાદિતા ના-હાની હારમાળામાંથી પસાર થાય છે. નૈતિક અને આધ્યાત્મિક જીવનમાં, આ સંવાદિતાના આંદોલનમાં ભાવાત્મક – હકારાત્મક – તત્ત્વો જ સાચા આનંદનું ભાથું બને છે.

અંતમાં, ઈશ ઉોનિષદનો આ પહેલો શ્લોક કહે છે: મા ગૃધ: કસ્ય સ્વિદ્‌ ધનમ્‌ — ‘પારકાના ધનની તૃષ્ણા રાખજે મા! એ કથન તો સાદું જ છે પણ, એમાં અનેક નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો લક્ષમાં લેવાનાં છે. તમારું જ તમારું છે એમ, બધા નીતિના અને અધ્યાત્મના પ્રબોધકો કહે છે: એનાથી જીવન માણો અને પારકાનું છે તેની તષ્ણા નહીં રાખો. શ્રી શંકરાચાર્ય પોતાના એક સુન્દર સ્તોત્રમાં મનુષ્યને સંબોધીને કહે છે:

મુઢ જહીહિ ધનાગમ તૃષ્ણામ્
કુરુ સદ્બુદ્ધિં મનસિ વિતૃષ્ણામ્ ;
વલ્લભસે વિજકર્મોપાત્તમ્
વિત્તં તેન વિનોદય ચિત્તમ્ —

‘રે મૂર્ખ, ધન માટેની આ અતિ તૃષ્ણાનો ત્યાગ કર; તારા મનને શુભ અને સત્ય સાથે જોડ અને, વૈરાગ્ય કેળવ. તારા પ્રામાણિક શ્રમથી તું જે કંઈ મેળવ તેનાથી તારાં ચિત્ત અને હૃદય મોજ પામે તેવી ટેવ પાડ.’

આપણાં હૃદય પૂછશે: શું સંપત્તિ દુષ્ટ છે? આપણે શું ભીખારી બનવાનું છે? શંકરાચાર્ય કહે છે, ના, અને ઉમેરે છે: તારા મનને શુભ અને સત્ય સાથે જોડ અને વિતૃષ્ણા કેળવ. જે તમારું નથી તેના પરથી ચિત્તને ખસેડો. જિંદગીને મોજથી માણો પણ, તે તમારા પ્રામાણિક પરિશ્રમનાં ફળ વડે જ ; તૃષ્ણાનો ત્યાગ કરો કારણ, એ શોષણ ભણી લઈ જશે, નાશ કરશે. તમારે આધ્યાત્મિક વિકાસ કરવો હોય, નૈતિક પ્રગતિ કરવી હોય તો, કોઈ પણ પ્રકારના શોષણથી દૂર રહો; જીવનનું એ તો સાચું ધ્યેય છે. નકાર અને હકાર — ત્યાગ અને સ્વીકાર — ની સંવાદિતા દ્વારા જીવનનો સાચો આનંદ સધાય છે એ યાદ રાખી, અર્પણની ભાવનાથી આપણે સંપત્તિ ભણી જઈએ, અહંનો અને એના મૂલ્યાંકનનો ત્યાગ કરીએ અને, બ્રહ્મના વિશ્વવ્યાપી મૂલ્યનો સ્વીકાર કરીએ. સ્વાર્થી શોષણની ભાવનાથી આપણે મુક્ત થઈએ ત્યારે જ, આપણે જીવનને સાચા અર્થમાં ભોગવી શકીએ. જગત આનંદબ્રહ્મ સિવાય બીજું કશું નથી; અને આપણે અહીં એને ભોગવવા આવ્યાં છીએ. ત્યાગથી આપણી આંખો વિશુદ્ધ થશે ત્યારે જ, જગતનું સાચું સ્વરૂપ આપણી દૃષ્ટિએ ચડશે: એ બ્રહ્મના આનંદના તરંગોનું બનેલું છે. જીવનનો આ સાચો આનંદ છે; એ વિકાસ છે, એ પ્રગતિ છે, એ મનુષ્ય માટે સાક્ષાત્કાર છે. એ પૂર્ણતા છે. ઉત્ક્રાંતિનું એ જ ધ્યેય છે.

(ક્રમશ:)

Total Views: 621

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.