જીવનનું સૌથી મહત્ત્વનું પાસું ઊંઘ છે. જે માણસ સારી રીતે ઊંઘી શકે, તે જ માણસ સારી રીતે જાગી શકે છે, એટલે કે સક્રિય રહી શકે છે. આપણે બધાં ઊંઘીએ છીએ અથવા ઊંઘવા માટે મથીએ છીએ, પરંતુ આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિએ ક્યારેય ઊંઘ વિશે વિચાર કર્યો નથી. ઊંઘ વિશે સરેરાશ લોકોમાં જાણકારી અને જાગૃતિનો અભાવ જોવા મળે છે. શરીરતંત્રને રિચાર્જ કરવા ઊંઘ અનિવાર્ય છે. ભૌતિકવાદ અને ભાગદોડવાળી જીવનશૈલીને કારણે ઊંઘ અસ્તવ્યસ્ત બની છે. હવે ઊંઘ વિશે ઊંડાણથી વિચારીએ.
બાળક જન્મે ત્યારે તેની ઊંઘ વધારે હોય છે. બાળકો દિવસમાં પાંચ-છ તબક્કે ઊંઘ કરે છે. બાળકનાં મનમગજનો વિકાસ શરૂઆતનાં વર્ષોમાં થાય છે. તે જેનું જેનું નિરીક્ષણ કરે છે તે તે તેના મનમાં ગૂંથાતું જાય છે. બાળકની બુદ્ધિપ્રતિભા તથા કાર્યદક્ષતા આ શરૂઆતનાં વર્ષોમાં વિકસે છે. આ કારણોસર તે ખૂબ ઊંઘે છે. ઊંઘમાં તેના મગજનો વિકાસ થતો હોય છે.
સામાન્ય પુખ્ત માણસને દરરોજ છ થી સાત કલાકની એકધારી ઊંઘ જરૂરી હોય છે. આપણા જીવનનો 1/3 ભાગ આપણે ઊંઘવામાં ગાળીએ છીએ. તબીબી પરિભાષામાં ઊંઘ બે પ્રકારની હોય છે : છ.ઊ.ખ. જહયયા અને ગ.છ.ઊ.ખ.જહયયા. છ.ઊ.ખ. એટલે ‘રેપિડ આઈમુવમેન્ટ સ્લીપ’. આ ઊંઘમાં આંખો બંધ હોય, પણ આંખના ડોળા ફરતા હોય. ગ.છ.ઊ.ખ.એટલે ‘નોનરેપિડ આઈમુવમેન્ટ સ્લીપ’. આ ઊંઘમાં ડોળા સ્થિર હોય છે. ઊંઘના પ્રથમ તબક્કામાં સામાન્ય સંજોગોમાં દોઢ થી બે કલાકની છ.ઊ.ખ. ઊંઘ હોય છે. પછીની ત્રણેક કલાક ગ.છ.ઊ.ખ.ઊંઘ હોય છે. છ.ઊ.ખ. ઊંઘ એ તંદ્રાવસ્થા છે, જ્યારે ગ.છ.ઊ.ખ. એ ગાઢ ઊંઘ ગણાય છે.
શરીરમાં શક્તિ-સ્ફૂર્તિ જાળવી રાખવા માટે ઊંઘ જરૂરી છે. એ બાબત પણ આપણે જાણવી જોઈએ કે ઓછી ઊંઘ શરીરને નુકસાન કરે છે, તેવી જ રીતે વધારે ઊંઘ પણ નુકસાનકારક સાબિત થાય છે. રાત્રે છ થી સાત કલાક એકધારા સૂવું એ તંદુરસ્તીની નિશાની છે. અમુક શહેરોમાં તો બપોરે પણ બે કલાક ઊંઘ લેવાની પરંપરા છે. અમેરિકા જેવા દેશોના લોકોની દિનચર્યામાં બપોરની ઊંઘ હોતી નથી. આ દેશોમાં બપોરનું ભોજન હળવું હોય છે. આપણે બપોરે ભારે ભોજન લઈએ છીએ. ભોજન બાદ આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ પાચનતંત્ર તરફ વધારે થાય છે. આ પ્રક્રિયા દરમિયાન મગજને લોહી ઓછું મળવાને કારણે આપણને બપોરે ઊંઘ આવે છે. ખરેખર તો બપોરે ભોજન બાદ દશ-પંદર મિનિટ વામકુક્ષીની ટેવ આપણી શૈલી હોવી જોઈએ. થોડી વાર ડાબા પડખે સૂવાથી પાચનતંત્ર સતેજ બને છે, પણ આપણે તો બપોરે બે ત્રણ કલાક ઘસઘસાટ ઊંઘીએ છીએ. આ ઊંઘથી શરીરમાં સ્ફૂર્તિ ઘટે છે. બપોરની ઊંઘનો ત્યાગ કરીને રાત્રે વહેલાં સૂઈને બ્રાહ્મમુહૂર્તમાં જાગી જવું એ શ્રેષ્ઠ સ્થિતિ ગણાય. આપણે ત્યાં મોટોવર્ગ એવો છે કે જે બપોરે સૂતો હોય અને અકારણ મોડી રાત સુધી જાગતો હોય છે. આ સ્થિતિ ડોક્ટરો માટે આશીર્વાદ રૂપ ગણાય છે!
રાત્રીની ઊંઘ શરીરની આંતરિક પ્રક્રિયા સાથે જોડાયેલી છે. ગાઢ ઊંઘમાં હોય એવા માણસના ધબકારા તપાસજો, તેની જાગ્રત અવસ્થા કરતાં ઘણા ઓછા હશે. રાત્રીની ઊંઘ દરમિયાન શરીરમાં રાસાયણિક સંતુલન સધાય છે. આ કુદરતી પ્રક્રિયા છે. એ પ્રક્રિયામાં જેટલાં ચેડાં થાય, તેટલું શારીરિક-માનસિક નુકસાન માણસે વહોરવું પડે છે.
હાલ આપણે જુદી જુદી સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છીએ. વિશ્વના 70% લોકો અનિદ્રાથી પીડાઈ રહ્યા છે. માનવજાત ઊંઘની શોધમાં નીકળી પડી છે. પોતાનાં શરીર-મન-ઊંઘ પર કાબૂ મેળવવા દવાઓનો આશરો લેવો પડ્યો છે. શારીરિક સમસ્યા, અસ્તવ્યસ્ત માનસિકતા અને ભાગદોડવાળી જીવનશૈલીના કારણે આપણે અનિદ્રાનો ભોગ બની રહ્યાં છીએ. પથારીમાં પડ્યાં હોઈએ પણ ઊંઘ નથી આવતી. ઊંઘનો પ્રારંભ જ ન થાય તો ગાઢ ઊંઘમાં સરી પડવાની વાત જ ઊભી થતી નથી. શરીરના દરેક અવયવને આરામની જરૂર છે, પરંતુ અનિદ્રાના કારણે શરીરતંત્ર-માનસતંત્રમાં વિક્ષેપ ઊભો થાય છે. નિદ્રાદેવીને પ્રસન્ન કરવા આપણે ગોળીઓનો આશરો લેવો પડે છે. ઊંઘ માટેની નવી નવી ગોળીઓ દરરોજ બજારમાં આવે છે. મોટાભાગની ઘેનની ગોળીઓ હોય છે. તેનું વ્યસન પણ થઈ શકે છે. દાદી અઠવાડિયે એકાદ ગોળી લેતાં હોય તો પૌત્રીને દરરોજ એક ગોળી લેવી પડે, તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે.
અનિદ્રા એ રોગ નથી પણ લક્ષણ છે. ટી.વી. જેવાં મનોરંજનનાં ઉપકરણોને કારણે ઊંઘ અસ્તવ્યસ્ત બની ગઈ છે. એક સમયે મનોરંજનના ઉપકરણમાં માત્ર રેડિયો જ હતો. આકાશવાણીનું પ્રસારણ રાત્રે અગિયાર વાગ્યે બંધ થઈ જતું હતું. તેનું કારણ એ હતું કે માણસ સારી રીતે ઊંઘી શકે. હવે થોકબંધ ટી.વી. ચેનલો આખી રાત ચાલુ હોય છે, જેની સીધી અસર આપણી વૈચારિક પ્રક્રિયા અને ઊંઘ પર પડી છે. શરીરનાં આંતરિક પરિબળો જેટલી જ અસર બહારનાં પરિબળોની પણ ઊંઘ પર થાય છે. બહાર ઘોંઘાટ હોય તો ઊંઘ આવતી નથી. ઊંઘ માટેનું સ્થળ બદલાય તો પણ આરામ કરવામાં વિક્ષેપ પેદા થાય છે. ઘણા લોકોને તો પોતાનું ઓશીકું કે ઓઢવાનું બદલાય જાય તો પણ ઊંઘ માટે વલખાં મારવાં પડે છે. ઘણીવાર દિવસે બનેલી ઘટનાઓ પણ રાત્રે માણસોને બેચેન બનાવી દે છે. તણાવ-ચિંતા, શ્રમનો અભાવ, અન્ય શારીરિક બીમારીને લીધે ઊંઘ ન લઈ શકે, તે દિવસ દરમિયાન બેચેન રહે છે.
બધાંની ઊંઘ ક્યારેય સરખી નથી રહેવાની. કોને કેટલું ઊંઘવું તે જે તે માણસની પ્રકૃતિ અને દૈનિક ક્રિયા પર આધારિત છે. સરેરાશ છ થી સાત કલાકની ઊંઘ જરૂરી ગણવામાં આવે છે. મગજ અને શરીરતંત્રને પૂરતો આરામ મળે તો જ તે સારી રીતે કાર્ય કરી શકે છે. પરીક્ષા વખતે જે વિદ્યાર્થી આખી રાત વાંચીને પરીક્ષા આપવા જાય, તો તે મોટાભાગે સારી રીતે પરીક્ષા આપી ન શકે. ઊંઘના અભાવથી તે બેચેન બને, તેની યાદશક્તિ ઘટી જાય, સ્ફૂર્તિ-ઉત્સાહ હણાઈ જાય અને તેની વિચારધારા તૂટવા લાગે. રાત્રે પૂરો આરામ કરીને પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થી તાજગીથી જવાબો લખી શકે છે. તેની સ્મરણશક્તિ પણ ખીલી ઊઠે છે.
યોગ્ય રીતે થયેલા આરામથી સ્ફૂર્તિ, શક્તિ, તેજસ્વિતા વિકસે છે. પણ ઘણા લોકો સ્વપ્નને કારણે પરેશાન હોય છે. સ્વપ્નોથી ઊંઘ ઊડી જતી હોય છે. મગજમાં કેદ થયેલાં વિચારો-ઘટનાઓના તરંગો રાત્રે સ્વપ્ન લાવે છે. મોટાભાગે ઊંઘના શરૂઆતના તબક્કામાં સ્વપ્ન વધારે આવે છે. એક તારણ મુજબ માણસ સ્વપ્નમાં નકારાત્મકતા તરફ વધારે આકર્ષાય છેે. આપણે ત્યાં એવી માન્યતા છે કે વહેલી સવારે આવેલાં સ્વપ્ન સાચાં પડે છે. આપણે રાત્રે ઊંઘીએ ત્યારે સરસ ઊંઘ આવવી જોઈએ. ઘટનાઓ-વિચારોથી મગજ પ્રભાવિત ન થાય, સ્વપ્નો દૂર રહે અને ગાઢ ઊંઘ માણી શકાય તેવી સ્થિતિ સર્જાવી જોઈએ. (ક્રમશ:)
Your Content Goes Here




