આપણો ઉચ્ચકુળમાં જન્મનો આદર્શ, બીજાઓના કરતાં જુદો છે. આપણો આદર્શ છે આધ્યાત્મિક સંસ્કૃતિભર્યો ત્યાગમૂર્તિ બ્રાહ્મણ. હું બ્રાહ્મણ-આદર્શ કહું છું એનો અર્થ શો? એનો અર્થ એ કે આદર્શ ‘બ્રાહ્મણત્વ’માં સંસારીપણાનો સંપૂર્ણ અભાવ હોય અને સત્ય જ્ઞાન વિપુલ પ્રમાણમાં ભર્યું હોય. હિંદુ જાતિના આદર્શ બ્રાહ્મણ અંગેની ઘોષણા તમે સાંભળી નથી? એ આદર્શ બ્રાહ્મણ કાયદાની નીચે નથી, એને માટે કાયદો નથી, એના ઉપર રાજાનો અધિકાર નથી, અને દેહને ઈજા કરી શકાતી નથી! એ સંપૂર્ણ રીતે સાચું છે. સ્વાર્થી અને શિક્ષણ વગરના મૂર્ખાઓએ ઘટાવેલી એની સમજૂતીનો આધાર લેતા નહીં; સાચા અને મૌલિક વેદાન્તિક વિચારોના પ્રકાશમાં એને સમજજો. જો બ્રાહ્મણ એટલે જેણે સ્વાર્થનો સંપૂર્ણ નાશ કર્યો છે તે હોય, જેનું જીવન અને કાર્ય, જ્ઞાન અને પ્રેમની શક્તિ મેળવવા અને પ્રચાર કરવા માટેનું હોય, જો એક આખો દેશ આવા બ્રાહ્મણોથી વસેલો હોય, અધ્યાત્મશક્તિવાળા નીતિમાન સજ્જન નરનારીઓથી વસેલો હોય, તો એવો દેશ બધા કાયદાની બહાર અને કાયદાથી પર હોય એમ ધારવું એ શું વિચિત્ર છે? એવા રાષ્ટ્ર પર રાજ ચલાવવા કઈ પોલીસની કે કયા લશ્કરની જરૂર હોય? એવી પ્રજાને માથે રાજ ચલાવનાર કોઈ જોઈએ જ શા માટે? એવી પ્રજા કોઈ રાજસત્તા નીચે રહે જ શા માટે? એ લોકો સારા છે, ખાનદાન છે અને ઈશ્વરપરાયણ છે. આ લોકો આપણા આદર્શ બ્રાહ્મણો છે. આપણે વાંચીએ છીએ કે સત્ય યુગમાં માત્ર એક જ વર્ણ હતો—બ્રાહ્મણ વર્ણ. આપણે મહાભારતમાં વાંચીએ છીએ કે આરંભમાં આખી દુનિયા બ્રાહ્મણોથી વસેલી હતી; જેમ જેમ તેઓ નીચા ઊતરતા ગયા તેમ તેમ વર્ણોના જુદા જુદા વિભાગો થતા ચાલ્યા; વળી જ્યારે કલ્પ પૂરો થશે ત્યારે તેઓ બધા પાછા પૂર્વના બ્રાહ્મણત્વને પામશે. હવે એ કલ્પ પાછો આવવાની શરૂઆત થઈ ગઈ છે, એ હકીકત તરફ હું તમારું ધ્યાન દોરું છું. એટલા માટે જેઓ અત્યારે જ ઉચ્ચ છે તેમને નીચે ઉતારી પાડવાથી જ્ઞાતિભેદના પ્રશ્નનો આપણો ઉકેલ નહીં આવે, ખાવાપીવામાં પાગલની પેઠે અમર્યાદ થઈ જવાથી નહીં આવે, વધુ ભોગ ભોગવવા માટે આપણી પોતાની મર્યાદાની વાડો વટાવીને બહાર નીકળી પડવાથી નહીં આવે; પરંતુ આપણામાંનો દરેકેદરેક આપણા વેદાન્ત ધર્મના આદર્શોનું પાલન કરશે તો આવશે, આપણે આધ્યાત્મિક થઈશું તો આવશે, આપણે દરેકેદરેક આદર્શ બ્રાહ્મણ થઈશું તો આવશે. આ ભૂમિમાં વસનાર દરેકેદરેકને માટે, પછી તમે આર્ય હો કે અનાર્ય હો, ઋષિ હો, બ્રાહ્મણ હો કે નીચામાં નીચા અસ્પૃશ્ય હો, તમારા પૂર્વજોએ એક કાયદો ઘડી રાખ્યો છે. એ કાયદો તમારા બધા માટે એક સરખો છે કે તમારે અટક્યા વગર આગળ વધવાનું છે. આ દેશની અંદર ઉચ્ચમાં ઉચ્ચ માણસથી માંડીને હલકામાં હલકા અસ્પૃશ્ય સુધી સૌ કોઈએ પ્રયાસ કરીને આદર્શ બ્રાહ્મણ થવાનું છે. વેદાન્તનો આવો આદર્શ આ દેશને લાગુ પડે છે એટલું જ નહીં, પરંતુ આખા જગતને એ લાગુ પડે છે. આપણો (જ્ઞાતિનો) આદર્શ આવો છે, એનો હેતુ છે સમસ્ત માનવસમાજને સહાનુભૂતિપૂર્વક અને ધીરે ધીરે ઊંચે લઈ જઈને, પેલા અહિંસક, શાંત, સ્થિર, પ્રભુપરાયણ, પવિત્ર અને ધ્યાનપરાયણ આધ્યાત્મિક માનવના મહાન આદર્શે પહોંચાડવાનો. એ આદર્શમાં ઈશ્વર છે. દેશપ્રેમી બનો; ભૂતકાળમાં આપણે માટે જે પ્રજાએ આવી મહાન વસ્તુઓ સિદ્ધ કરી છે તેને ચાહો. અરે, જેમ જેમ હું વધુ સરખામણી કરતો જાઉં છું તેમ તેમ મારા દેશબાંધવો! તમારા માટેનો મારો પ્રેમ વધતો જાય છે. તમે સારા છો, શુદ્ધ છો અને નમ્ર છો….ભાર પોતાના ઉપર છે એમ ધારીને તમારામાંનો દરેક આ દેશની અને આખી દુનિયાની મુક્તિના કાર્યમાં લાગી જાઓ. વેદાન્તનો પ્રકાશ અને વેદાન્તનું જીવન ઘરે ઘરે પહોંચાડો અને હરેક આત્માની અંદર છુપાઈને રહેલી દિવ્યતાને જાગ્રત કરો.
– સ્વામી વિવેકાનંદ
(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા-સંચયન’, પૃ.૧૭-૧૯)
Your Content Goes Here




