સામાન્ય જનની સેવા કરવી એ તલવારની ધાર પર ચાલવા જેવું કપરું કામ છે. એમાં ત્યાગ અને બલિદાનની ભાવનાવાળા લોકોની જરૂર પડે અને કરોડો દીન, અધ :પતિત લોકોની સેવા કરવી હોય તો મોટી સંખ્યામાં સેવાના વ્રતધારી, સમર્પણની ભાવનાવાળાં નરનારીઓની આવશ્યકતા પડે એ સ્વાભાવિક છે. આ વાત સ્વામી વિવેકાનંદે બ્રીઝી મેડોઝ મેસેચ્યુસેટ્સથી ૨૦ ઓગસ્ટ, ૧૮૯૩ના પત્રમાં પોતાના મદ્રાસના શિષ્ય આલાસિંગા પેરુમલને સ્વામીજી કેવા સેવાભાવી યુવકોની જરૂર છે એની વાત કરતાં લખે છે :
‘પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલાં. ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલાં અને દીન, અધ :પતિત તથા પદદલિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ ધરાવતાં સિંહની જેવી હિંમત રાખીને મુક્તિ, સહાય, સામાજિક ઉત્થાન અને સમાનતાનો બોધ આપતાં એક લાખ સ્ત્રીપુરુષોએ દેશના એક છેડાથી બીજા છેડા સુધી ઘૂમી વળવું જોઈએ.’ (સ્વા.વિ.ગ્રંથમાળા જૂની : ૯.૨૦૧-૨૦૨)
એ જ રીતે સ્વામી અખંડાનંદને ૧૮૯૪માં લખેલા એક પત્રમાં સંન્યાસીઓએ પણ કેવી સેવાભાવનાથી સર્ગકલ્યાણ કરવું જોઈએ એની વાત કરતાં આ શબ્દો લખ્યા છે :
‘ભગવો વેશ ભોગ માટે નથી. એ તો વીરોચિત કાર્યોનો ધ્વજ છે. જગતના કલ્યાણ’ માટે તમારે શરીર, મન અને વાણી અર્પણ કરી દેવાં. તમે તો વાંચ્યું છે : मातृदेवो भव। पितृदेवो भव। માતાને દેવ સમાન ગણો, પિતાને દેવ સમાન ગણો, પણ હું કહું છું : ‘दरिद्र देवो भव। मूर्ख देवो भव।’ ‘ગરીબને, અભણને, અજ્ઞાનીને, દુ :ખીઓને – એવા લોકોને ઈશ્વર માનો. આવા લોકોની સેવ એ જ સર્વોચ્ચ ધર્મ છે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા જૂની : ૮.૭૦)
શિકાગોથી ૧૯મી માર્ચ, ૧૮૯૪ના રોજ શશી (શ્રીરામકૃષ્ણાનંદજી)ને લખેલા એક પત્રમાં પણ અત્યંત ગરીબ લોકોની સેવા કરવી હોય તો શું કરવું જોઈએ, સંન્યાસીઓએ પણ કઈ રીતે પોતાના ઉપદેશ આપવા જોઈએ એનો માર્ગ સૂચવતાં સ્વામીજી લખે છે :
‘આપણા ગુરુદેવ કહેતા કે, ‘ભૂખ્યે પેટે ધર્મ ન થાય !’ આ ગરીબ માણસો પશુ જેવું જીવન ગાળે છે તે કેવળ અજ્ઞાનને લીધે જ. દરેક યુગમાં આપણે તેમનું લોહી ચૂસ્યું છે અને તેમને પગ તળે છૂંદ્યા છે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા જૂની : ૮.૪૪)
ભૂખ્યા પેટે ધર્મની ધારણા ન થઈ શકે. પહેલાં તો ભૂખ્યા લોકોને અન્નની આવશ્યકતા રહે છે. પેટનો ખાડો પૂરાય તો મનની બારી ઉઘડે. સ્વામીજીની દૃષ્ટિએ વિદ્યાદાન અને જ્ઞાનદાન કરતાં અન્નદાન ચડિયાતું છે. પોતાના એક શિષ્યે સ્વામીજીને એક પ્રશ્ન પૂછ્યો કે જો જ્ઞાનદાન શ્રેષ્ઠ હોય તો પછી અન્નદાન અને વિદ્યાદાન એવા વિભાગો શા માટે શરૂ કરવા માગો છો ? એ પ્રશ્ના ઉત્તરમાં સ્વામીજી સ્પષ્ટ ભાષામાં કહે છે કે અન્નદાન શ્રેષ્ઠ છે :
‘જો આ અન્નની અછતના જમાનામાં બીજાની નિ :સ્વાર્થ સેવા માટે ભિક્ષાવૃત્તિ દ્વારા અગર બીજી રીતે થોડુંક પણ તું મેળવી શકે અને દીનદુ :ખીને આપે તો તેથી માત્ર તારું પોતાનું અને જગતનું કલ્યાણ થશે એટલું જ નહિ પણ સાથોસાથ આ મહાન કાર્ય માટે તું બધાની સહાનુભૂતિ પણ મેળવી શકીશ. કામ અને કાંચનથી બંધાયેલા સંસારીઓને આ સેવાધર્મ જોઈને તારા પર શ્રદ્ધા બેસશે અને તેઓ તને મદદ કરવા આગળ આવશે. વિદ્યા કે જ્ઞાનદાન કરતાં આ વણમાગ્યા અન્નદાન દ્વારા તું હજારગણા લોકોને તારા તરફ આકર્ષી શકશે. આ કામમાં તને લોકોની સહાનુભૂતિ જેટલી મળશે તેટલી બીજા કોઈ કામમાં નહિ મળે. સાચા ઉમદા કાર્ય માટે ફક્ત મનુષ્ય જ નહિ પરંતુ સ્વયં ઈશ્વર સુદ્ધાં તેવું કાર્ય કરનારનો મિત્ર બનશે. જ્યારે લોકો આ રીતે આકર્ષાશે ત્યારે તું તેમનામાં વિદ્યા અને જ્ઞાનની જિજ્ઞાસા જગાડી શકશે. માટે જ અન્નદાન સહુથી પહેલું આવે છે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા જૂની : ૯.૧૭)
પોતાના શિષ્યના એક પ્રશ્નના ઉત્તરમાં સ્વામીજી ગરીબ અને પીડિત લોકોની સેવા કરવી હોય તો કેવી રીતે કરી શકાય અને એમને ધર્મનું શિક્ષણ નિરર્થક શા માટે જાય ? એની વાત કરતાં કહે છે :
‘સૌથી પહેલી જરૂર છે કૂર્મ-અવતારની પૂજા; આ કૂર્મદેવ એટલે જ જઠરાગ્નિ. જ્યાં સુધી એ દેવતાને શાંત ન કરો, ત્યાં સુધી તમારા ધર્મ વિશેના શબ્દોને કોઈ આવકાર આપવાનું નથી. (સ્વા.વિ.ગ્રંથમાળા જૂની : ૧૧.૧૦૪)
શિષ્યના ઉપર્યુક્ત પ્રશ્નના ઉત્તરમાં સ્વામીજી સ્પષ્ટ ભાષામાં આપણા દેશમાંથી ભૂખમરાના અનિષ્ટને દૂર કરવું એ ધર્મનું અને સમાજનું પ્રથમ કાર્ય છે તેની વાત કરતાં કહે છે :
‘સૌ પ્રથમ તો જેને તમે ધર્મનો ઉપદેશ આપવા માગો છો તેમનામાંથી આ ભૂખમરાના અનિષ્ટને – આ માત્ર દેહને ટકાવી રાખવાની કાયમી અને કારમી ચિંતાને – ટાળવાની જરૂર છે; તે સિવાય વ્યાખ્યાનો કે એવી બાબતોથી કશો ફાયદો થવાનો નથી. (સ્વા.વિ.ગ્રંથમાળા જૂની : ૧૧.૧૦૪)
૨૦ મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ પૂર્વના દેશોમાં અને ભારતમાં વાસ્તવિક રીતે ધર્મની જરૂર છે કે રોટલાની. સ્વામીજી સ્પષ્ટપણે કહે છે કે પૂર્વના દેશોમાં લોકો ગરીબીથી પિડાય છે. ખાવાનાં સાંસાં પડે છે. એ વખતે ખ્રિસ્તી મિશનરી ત્યાં ધર્મની વાત કરે છે અને મિશનરીઓને મોકલે છે એ એમની વાસ્તવિક જરૂરત નથી. એમને તો જોઈએ છે પ્રથમ ભૂખ્યા પેટ માટે અનાજ. આ વાત પર ભાર મૂકીને તેઓ પોતાના સંક્ષિપ્ત વ્યાખ્યાનમાં આ વાક્યો ઉચ્ચારે છે :
‘પૂર્વમાં જરૂર ધર્મની નથી; તેમની પાસે ધર્મ ખૂબ છે. લાખો ભૂખ્યા હિંદીઓ રોટી માટે પોકાર પાડી રહ્યા છે. તેઓ આપણી પાસે રોટલો માગે છે, ત્યારે આપણે પાણાં આપીએ છીએ. ભૂખ્યા માણસને તત્ત્વજ્ઞાન શીખવવા બેસવું એ તેનું અપમાન છે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા જૂની :૩.૧૮)
Your Content Goes Here




