(સપ્ટેમ્બરથી આગળ…)
બંગાળી ભાષાનું મારું અધ્યયન
રોજ રાતના અમે બંગાળી કથામૃતનું અધ્યયન કરતા હતા. જ્યારે હું આશ્રમમાં આવ્યો જ હતો ત્યારે મેં બંગાળી ભાષા પ્રત્યે વિશેષ ધ્યાન આપ્યું ન હતું, કેમ કે તે ભાષા સંસ્કૃતથી અલગ હતી તથા મને શંકા હતી કે બંગાળીના અધ્યયનથી સંસ્કૃતના મારા જ્ઞાનને નુકશાન પહોંચશે. પરંતુ એક દિવસ એવું બન્યું કે સ્વામી જગદાનંદજી, જેમનું સ્વાસ્થ્ય બરાબર ન હોવાને લીધે અમારી સાથે રહેતા હતા, તેમણે ‘પ્રબુદ્ધ ભારત’ નો એક લેખ વાંચીને સંભળાવવા કહ્યું. તે લેખમાં એક વાક્ય આવ્યું : ’અત ળફક્ષુ જ્ઞાશક્ષશજ્ઞક્ષત, તજ્ઞ ળફક્ષુ ૂફુત.’ જેટલા મત અર્થાત્ અભિપ્રાય તેટલા પથ.’ સ્વામી જગદાનંદજીએ કહ્યું કે આ અનુવાદ યોગ્ય નથી. તેમણે મને ‘કથામૃત’ લાવવાનું કહ્યું તથા તેમણે પોતે વાંચ્યું, ‘યતો મત તતો પથ – જેટલા મત તેટલા પથ.’ ત્યારે મને સમજાયું કે અયોગ્ય અનુવાદ સમગ્ર તથ્યને કેવી રીતે વિકૃત કરી દે છે. એટલે મેં બંગાળી શીખવાનો નિશ્ચય કર્યોે. ‘કથામૃત’ મારું પાઠ્યપુસ્તક હતું તથા સ્વામી અસીમાત્માનંદજી મારા અધ્યાપક હતા. પછીથી સ્વામી શુદ્ધાનંદજીએ બેલુર મઠ પાછા ફર્યા બાદ બંગાળી ભાષાનું પ્રારંભિક પુસ્તક ‘વર્ણ પરિચય’ તથા બીજાં કેટલાંક પાઠ્યપુસ્તકો મોકલ્યાં. હું તેનો અભ્યાસ કરતો રહેતો. પરંતુ ‘કથામૃત’-ના પાઠથી મને ઘણી મોટી મદદ મળી, કેમ કે શ્રીરામકૃષ્ણની ભાષા અતિ મધુર તથા ઘણી સ્પષ્ટ છે. મને જે કાંઈ સમજમાં આવતું નહીં તેને સમજાવવા હું બીજા કોઈને કહેતો. જ્યાં સુધી હું કનખલ રહ્યો, તે નવ વર્ષો સુધી રોજ સાંજે અમે ‘કથામૃત’ વાંચતા રહેતા. બધા જ પાંચ ભાગ વાંચ્યા પછી અમે ફરીથી વાંચવાનું શરૂ કરતા. આ કાર્ય અમારા માટે ખૂબ જ ઉપકારક નીવડ્યું.
સ્વામી રામકૃષ્ણાનંદજીનો જન્મોત્સવ
એક દિવસ, જુલાઈ મહિનામાં જ્યારે શુદ્ધાનંદજી ત્યાં હતા તો તેમણે મને પૂછ્યું કે શું હું સ્વામી રામકૃષ્ણાનંદજીના જન્મદિવસને જાણું છું. મેં કહ્યું, ‘હું કશું જાણતો નથી.’ તેમણે મને પંચાંગ લાવવાનું કહ્યું અને જાણ્યું કે તે અષાઢ માસની તેરમી તિથિએ આવે છે. એ જુલાઈ-ઓગસ્ટ માસમાં આવે છે. સુધીર મહારાજે કહ્યું, ‘તમારે બધાએ તેમનો જન્મદિવસ ઊજવવો જોઈએ, કેમ કે તેઓ સંપૂર્ણ રામકૃષ્ણ મિશનના સક્રિયપણા – કાર્યશીલતા તથા સ્થિરતાના કારણરૂપ છે. વરાહનગર મઠના દિવસો દરમિયાન જ્યારે બીજા બધા સંન્યાસીઓ તીર્થયાત્રા માટે નીકળી જતા હતા ત્યારે તેઓ એક માત્ર ત્યાં સદાય રહેતા હતા અને મઠ અને મઠવાસીઓની સારસંભાળ લેતા હતા. એટલે આપણે તેમનો જન્મદિવસ ઊજવવો જોઈએ.’ અમે બધાએ આ જન્મદિવસ ઊજવ્યો. આ અદ્ભુત દિવસ હતો. શુદ્ધાનંદજીએ રામકૃષ્ણાનંદજી વિશે વ્યાખ્યાન આપ્યું કેમ કે તેઓ તેમને ખૂબ સારી રીતે જાણતા હતા. સ્વામી વિવેકાનંદ સાથે મુલાકાત થઈ તેના ઘણા સમય પહેલાં સુધીર (અર્થાત્ શુદ્ધાનંદ) મહારાજ વરાહનગર મઠના અંતેવાસી હતા તથા સ્વામી રામકૃષ્ણાનંદ મહારાજે તેમને પ્રોત્સાહિત કર્યા હતા. એટલે તેમના માટે રામકૃષ્ણાનંદ મહારાજ ખૂબ જ આદરણીય હતા.
તે સમયે તેમણે મને શ્રીરામકૃષ્ણના બધા શિષ્યોના જન્મ દિવસ ઊજવવાનું કહ્યું.
શ્રીરામકૃષ્ણના અન્ય લીલાપાર્ષદ
શિષ્યોના જન્મદિવસ
તે સમયે શુદ્ધાનંદજીએ મને શ્રીરામકૃષ્ણના બધા શિષ્યોના જન્મદિવસ ઊજવવાનું કહ્યું. અમે તેઓની જન્મ તારીખો વિશે ચોક્કસ માહિતી મેળવવાના પ્રયત્નો કર્યા તથા તેઓના જીવન વિશે યથાસંભવ જાણકારી પણ મેળવી. જો કે અમે સંપૂર્ણપણે સફળ થયા નહીં તો પણ, અમે ભારે મહેનત સાથે જૂની-પુરાણી પત્રિકાઓમાંથી માહિતી મેળવી તથા તેની નકલ કરી લખી લીધી. ક્યારેક ક્યારેક અમે કોલકાતા તથા ચેન્નઈથી મળતી પત્રિકાઓની વધારાની નકલોમાંથી કાપી લઈને કાપલીઓ સંભાળીને રાખી લેતા હતા. અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત શ્રીરામકૃષ્ણના જીવન ચરિત્રમાં પણ કેટલીક માહિતી હતી. અમે આ બધી માહિતીઓનો ઉપયોગ અમારા નિયમિત શાસ્ત્રાધ્યનના વર્ગાેમાં તથા ખાસ પ્રસંગો પર કરતા હતા. અમે શ્રીરામકૃષ્ણની લીલાના પાર્ષદોની જન્મતિથિઓની એક યાદી બનાવી. જ્યારે પણ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસીઓ કનખલ આવતા, ત્યારે અમે તેઓને શ્રીરામકૃષ્ણના લીલાપાર્ષદોના જીવન વિશે બોલવાની વિનંતી કરતા. દા.ત. સ્વામી જગદાનંદજી, પ્રેમેશાનંદજી, તેજેશાનંદજી, ભૂતેશાનંદજી, જ્ઞાનાત્માનંદજી તથા બીજા વરિષ્ઠ સંન્યાસીગણ કનખલ પધારે તથા અમારી સાથે રહે. તેઓ અમારાં પ્રેરણાના સ્રોત હતા. (એકવાર જ્યારે અદ્વૈત આશ્રમના તત્કાલીન અધ્યક્ષ સ્વામી પવિત્રાનંદજી કનખલ પધારેલા તો અમે તેઓને પ્રશ્ન કર્યો કે શું આપ શ્રીરામકૃષ્ણના લીલા-પાર્ષદો વિશે કોઈ પુસ્તક પ્રકાશિત કરવાનું વિચારી રહ્યા છો ? તેમણે કહ્યું, ‘એ યોગ્ય સમયે પ્રકાશિત થશે.’ એ પછી આ વિષય પર વિભિન્ન વ્યક્તિઓ દ્વારા લખાયેલા કેટલાક લેખ ‘પ્રબુદ્ધ ભારત’ નામના સામયિકમાં આવવા લાગ્યા. તેને ‘શ્રીરામકૃષ્ણના શિષ્યો’ નામના શીર્ષક અંતર્ગત એકત્ર કરીને સન ૧૯૪૩માં પ્રકાશિત કરવામાં આવ્યા. ત્યારે હું કેટલાક દિવસો માટે બેલુર મઠ આવ્યો હતો. એક દિવસ મેં જોયું કે પવિત્રાનંદજીના હાથમાં આ નવા પુસ્તકની નકલો હતી તથા તેમની પાસેથી તેની એક નકલ મળતાં પ્રસન્ન થયો.)
શુદ્ધાનંદજી તથા કલ્યાણ મહારાજ
એક દિવસ શુદ્ધાનંદજીએ કલ્યાણ મહારાજને જણાવ્યું કે રામકૃષ્ણ મિશનના મુખ્યાલયના પદાધિકારીઓએ તેમને કનખલના સેવાશ્રમનાં આર્થિકસ્થિતિ સંસાધનો-જેમ કે ભંડોળ તથા એ રીતની માહિતીના આંકડાંઓ અંગે પૂછપરછ કરવાનું કહ્યું છે. સંભવત : આ પૂછપરછ એવી હતી કે મુખ્યાલયને કલ્યાણ મહારાજ પાસેથી આ અંગે ક્યારેય વિસ્તૃત અહેવાલ મળ્યો ન હતો. હું પાસે જ ઊભો હતો. શુદ્ધાનંદજી બોલ્યા, ‘અરે કલ્યાણ, તેઓએ તમારી આર્થિક સ્થિતિ જાણવા માટે મને કહ્યું છે. તમારું ભંડોળ કેટલું છે ?’ કલ્યાણ મહારાજે જવાબ આપ્યો, ‘જુઓ મહારાજ, આપ આ બધી ઉપાધિઓ અંગે શા માટે ચિંતા કરો છો ? આપનું આરોગ્ય સારું નથી, આપ અહીં આરામ લેવા આવ્યા છો તથા આપ (મહાસચિવ પદની) સેવા કરી નિવૃત્ત છો. તેઓ હજુ પણ આપની પાસેથી અહીં રહેતા હોવા છતાં પણ સેવા-કામ લેવા ઇચ્છે છે. એટલે આ બધું તમે ભૂલી જાવ. પહેલાં તો આપે આપનું સ્વાસ્થ્ય પાછું મેળવવું જોઈએ. ખૂબ સારી રીતે આરામ કરો તથા થોડા દિવસો પછી આપણે મસૂરી જઈશું તથા ત્યાં આનંદપૂર્વક રહીશું. આ બધી ઉપાધિઓની ચિંતા છોડી દો.’ શુદ્ધાનંદજી બોલ્યા, ‘કલ્યાણ, તું યોગ્ય જ કહે છે, તેઓ મારી વર્તમાન અવસ્થામાં પણ મને કોઈ કામમાં પરોવવા માગે છે. તું જે કહે છે તેમ જ હું કરીશ.’ આ પછી તેઓ આ પ્રસંગ જ પૂરેપૂરો ભૂલી ગયા. તેઓ સ્નેહાળ ભાઈ તો હતા જ.
સ્વામીજીના સંન્યાસી શિષ્યોમાં આપસમાં મેળમેળાપ ઘણો જ ઉત્કૃષ્ટ હતો. એક દિવસ મને શુદ્ધાનંદજી, વિરજાનંદજી તથા જ્ઞાન મહારાજ (જેઓ નૈષ્ઠિક બ્રહ્મચારી રહ્યા) સહુનાં એક સાથે દર્શન કરવાનું સદ્ભાગ્ય મળ્યું. આ ત્રિપુટીનાં એક સાથે દર્શન કરવાં એ દૃશ્ય જ આનંદદાયક હતું : તેઓ એક બીજાને પૂરેપૂરા સમજતા તથા તેઓમાં એક બીજા માટે મહાન સંવેદનશીલતા તથા આદર હતો – જાણે કે ત્રણ શરીર અને એક મન હોય. હકીકતમાં જ્યારે અખંડાનંદજી સંઘગુરુ બન્યા ત્યારે શુદ્ધાનંદજી મહાસચિવ હતા. અખંડાનંદજીએ શુદ્ધાનંદજીને કહ્યું, ‘તમે આટલાં વર્ષો સુધી કઠોર પરિશ્રમ કર્યો, હવે થોડો આરામ કરો. હરિદ્વાર જાઓ.’ ત્યારે તેમણે વિરજાનંદ મહારાજને આવીને મહાસચિવની જવાબદારી સ્વીકારવાનું કહ્યું. વિરજાનંદજીને તેમણે કહ્યું, ‘હું જાણું છું કે તમે શ્યામલાતલમાં જ રહેવા ઇચ્છો છો. ઉનાળામાં ત્યાં જઈને રહેજો.’ એ પછી તેમણે વિરજાનંદજીની અનુપસ્થિતિમાં માધવાનંદજીને કાર્યવાહક મહાસચિવરૂપે કાર્યભાર સંભાળવાનું કહ્યું. આ એક શ્રેષ્ઠ વ્યવસ્થા હતી. આ બધું સરળતાથી થયું.
(ક્રમશ 🙂
Your Content Goes Here




