સ્વામી કલ્યાણાનંદજીને મન વાંદરા, કબૂતર, સાપ ઈત્યાદિ પશુ-પંખી કરતાં મનુષ્ય-જીવનની મહત્તા સવિશેષ હતી તે આપણે ગતાંકમાં જોયું, હવે આગળ…
કલ્યાણાનંદજીની કૂતરી ભુલૂ
કલ્યાણાનંદજીની કૂતરી ભુલૂનો ઇતિહાસ લાંબો છે. સેવાશ્રમમાં મારા પહોંચવાના દિવસથી જ તે મારી સાથે સારી રીતે પરિચિત થઈ ગઈ હતી અને તેણે મારો સાથ છોડ્યો નહીં. જો કોઈ જાણવા માગતું કે હું ક્યાં છું તો લોકો કહેતા, ‘ભુલૂને શોધો.’ તેઓ ભુલૂને સાદ કરતા તો ભુલૂ કાં તો બહાર આવતી અથવા જવાબમાં ભસતી. ત્રીસ એકર જમીનમાં કોઈ જણાવી શકતું નહીં કે ક્યા ચોક્કસ સમયે હું બગીચા, અતિથિગૃહ, ગૌશાળા, પુસ્તકાલય કે સેવાશ્રમમાં ક્યાં મળીશ. એટલે સરળ ઉપાય એ જ રહેતો કે ભુલૂને સાદ કરી એ જાણવાનું કે હું ક્યાં છું. તે ભોજન સમયે પણ મારી સાથે જ રહેતી. તેની પોતાની સુંદર થાળી હતી અને હું તેને રોટલી, દાળ તથા અન્ય વસ્તુઓ આપતો રહેતો; તે પેટ ભરીને ખાઈને જતી. કહેવું રહ્યું કે તે સતત અત્યંત એકનિષ્ઠ હતી. એટલે સુધી કે જ્યારે હું કાર્યાલય જતો ત્યારે ભુલૂ દરવાજા પાસે રહેતી હતી.
બગીચાની રક્ષક
તે સમગ્ર સંકુલની રખેવાળી કેવી રીતે કરતી હતી ! ઘણા લોકો એવું વિચારતા કે ભુલૂ માત્ર ખૂબ સારી રીતે ખાય જ છે, કરતી કશું જ નથી; હકીકતે તે ઘણી સાવધાન રહેતી હતી. તેના કાન જોઈને હું સમજી શકતો હતો કે સંકુલમાં બની રહેલી બધી બાબતો પ્રત્યે તે સાવચેત રહેતી. જ્યારે પણ ભુલૂ બગીચામાં પ્રવેશ કરતી તો વાંદરાઓ ભાગી જતા. જેવા તે વાંદરાને જોતી કે તરત જ તેને ભગાડી મૂકતી. તે કાળી અને વધુ મોટી હતી અને વાંદરાઓ તેનાથી બહુ ડરી જતા. તેના વિના કેરી અને કેળાનાં વૃક્ષોને બચાવવાનો બીજો કોઈ ઉપાય ન હતો. ભુલૂના અવસાનથી અમને ઘણી જ મુશ્કેલીઓ થઈ હતી.
અમે મહેમાનો તથા મુલાકાતીઓને માટે સૂચના મૂકેલી કે કોઈ બગાચામાંથી ફૂલ તોડે નહીં. કૂતરાથી સાવધાન રહેવાની સૂચના પણ મૂકી હતી. પરંતુ કેટલાક લોકો તેની તરફ ધ્યાન આપતા નહીં, તેઓ વિચારતા, ‘મહારાજ અમને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.’ આવા લોકોએ તો કિંમત ચૂકવવી જ પડતી. એકવાર એક ભક્તનો નાનો છોકરો બગીચામાં આવીને ફૂલ તોડવા લાગ્યો. ભુલૂ ક્યાંકથી આવી પહોંચી અને તેની પર કૂદી પડી. તેણે તેનું પેન્ટ પકડી લીધું તથા જવા દેતી નહોતી. છોકરો ભારે બૂમ-બરાડા પાડી રહ્યો હતો. અમે છોકરાને શાંત કર્યો અને સ્થિતિ સામાન્ય બની. આ બનાવથી મને ઘણું દુ :ખ હતું. બધાએ ભુલૂને ખૂબ ઠપકો આપ્યો, પરંતુ હું તેમ ન કરી શક્યો, કેમ કે હું જાણતો હતો કે તે સમજતી હતી કે તે ત્યાં રખેવાળી કરી રહી હતી. તો પણ મને એ વાતનું આશ્ચર્ય રહ્યું કે તેણે સેવાશ્રમમાં ક્યારેય કોઈ દર્દી, સંન્યાસી અથવા સેવાશ્રમના કોઈ કર્મચારીને હેરાન-પરેશાન કરેલા નહીં. લોકો શંકા રાખ્યા વિના આવ-જા કરતા રહેતા હતા. મને એ વાત ક્યારેય સમજાઈ નહીં કે ભુલૂ એ કેવી રીતે જાણતી કે તે દર્દી, કર્મચારી અથવા સેવાશ્રમવાસી સંન્યાસી-બ્રહ્મચારી છે. પરંતુ તેમના સિવાય અન્ય કોઈને બગીચામાં આવવાનું તે સહન કરી શકતી નહીં.
ચોર-ટોળકીને ઘૂંટણ ટેકાવ્યા
એક દિવસ અમે બધા કોલકાતાથી આવેલા મહેમાનો સાથે રાતના ભોજન લઈ રહ્યા હતા. તેઓ અતિથિગૃહમાં ઊતર્યા હતા. ભુલૂ અડધું ભોજન છોડીને ભાગી. ભોજન પછી અમે બધા અતિથિગૃહમાં ગયા તથા જોયું કે બધા ઓરડા પૂરેપૂરા ખુલ્લા હતા અને બે સૂટકેસ ગાયબ હતી! અમે બધે જ તપાસ કરી પણ મળી નહીં. આશ્ચર્ય તો એ હતું કે ભુલૂ ક્યાંય દેખાતી ન હતી. સામાન્ય રીતે હું જ્યાં પણ જાઉં ત્યાં ભુલૂ મારી પાછળ ચાલતી. મેં ‘ભુલૂ!, ભુલૂ!’ કહીને જોરથી સાદ કર્યો અને ઘણે દૂરથી અમારા સંકુલની બહારથી તે ભસી. અમે જલદીથી બહાર ગયા. ભુલૂએ સૂટકેસ ચોરનાર બે વ્યક્તિને રોકી રાખી હતી. તેમણે સૂટકેસ મૂકી દીધી હતી ને ભયથી થર થર ધ્રૂજતા ઊભા હતા. જ્યારે અમે જગ્યાએ પહોંચ્યા ત્યારે ભૂલૂ તેની પૂંછડી હલાવતી મારી પાસે આવી. મેં તે બન્ને ચોરને સૂટકેસ અતિથિ ગૃહમાં પહોંચાડી દેવાનો આદેશ કર્યો. હું તેમને ઓળખતો હતો. તેમાંથી એક તો અમારા બગીચામાં જ કામ કરતો હતો ને બીજો ક્યારેક આવતો જતો હતો. પછી મેં તેને જતા રહેવાનું કહ્યું. પરંતુ વિચારો! ભુલૂએ અતિથિગૃહમાં થતો અવાજ સાંભળી લીધો હતો ને પોતાનું ભોજન અડધું મૂકીને તપાસ કરવા માટે તેજ ગતિએ દોડી હતી.
રેલવે સ્ટેશન પર મારી સન્મુખ
જો કે ભુલૂ હંમેશાં મારી સાથે રહેતી, એ પછી હું ક્યાંય પણ જાઉં; પરંતુ તેણે મંદિર કે સેવાશ્રમમાં દર્દીઓના ઓરડાઓમાં ક્યારેય પગ મૂક્યો નથી. જ્યારે હું એક ઓરડામાંથી બીજા ઓરડામાં જતો ત્યારે બહારથી તે મારા પર નજર રાખતી ને આ રીતે મારી પાછળ પાછળ ચાલતી રહેતી હતી. જ્યારે હું સેવાશ્રમમાંથી બહાર હોઉં એ સમય સિવાય તે મારી સાથે જ રહેતી હતી. એકવાર હું કોલકાતા ગયો હતો ને કોઈ નિશ્ચિત દિવસે પાછો આવવાનો હતો. સેવાશ્રમમાં સંન્યાસી-બ્રહ્મચારી વાતો કરતા હતા કે, ‘કાલે નારાયણ મહારાજ આવી રહ્યા છે, આપણે ડાૅક્ટરની ઘોડાગાડીમાં તેમને લેવા રેલવે સ્ટેશન જઈશું.’ અને ભુલૂએ તેઓની વાત સમજી લીધી ! બીજે દિવસે તે બધાના પહોંચતા પહેલાં ભુલૂ હાજર હતી – તે ટૂંકા રસ્તે થઈને આવી હતી. મને સમજાતું નહોતું કે તેને કેવી રીતે જાણ થઈ જાય છે. આવું તો કેટલીયવાર બન્યું. જ્યારે પણ હું બહારથી આવતો, ભુલૂ રેલવે સ્ટેશન પર આંટા મારતી જ હોય. સંન્યાસીઓ કહેતા રહેતા કે તેઓ તેને તેમની સાથે લાવ્યા નથી; તે પોતે જ આવી જતી. જ્યાં કૂતરાઓને પ્રવેશબંધી હતી ત્યાં જ તે સ્ટેશનના પ્લેટફોર્મ પર આમ-તેમ ફરતી રહેતી ને મારા આવવાની પ્રતીક્ષા કરતી રહેતી. ડબ્બામાં મને જોતાં જ તે ગાડી ઊભી રહે અને મારા ઊતરવા સુધી ગાડીની સાથે તેજ ગતિએ ચાલતી રહેતી. અરે, જો તમે તેને જોત ! મારા ઊતરવાની સાથે જ જોરથી પૂંછડી હલાવતી મારા પર કૂદી પડતી. ત્યારે હું નમીને તેને વહાલથી થપથપાવતો. રેલવે સ્ટેશનથી પાછા ફરતી વખતે તેને ઘોડાગાડીની પાછળના ભાગે બેસવા દેવાતી. ખરેખર આ બધું કેટલું અદ્ભુત હતું. (ક્રમશ 🙂
Your Content Goes Here




