ગતાંકથી આગળ…

સ્વયં સંઘ ગુરુનો આદેશ !

મેં વધારે વાતચીત ન કરી. કેવળ આટલું જ કહ્યું, ‘હું અહીં આજે જ પહોંચ્યો છું.’ મહારાજે વાસુદેવ નામના એક બ્રહ્મચારીને બોલાવ્યો અને જે ભવનમાં તેઓ રહેતા હતા, તે જ ભવનમાં મારાં રહેવાના સ્થાનની વ્યવસ્થા કરવા એને કહ્યું. એમણે બંગાળી ભાષામાં તેમને કહ્યું કે તેઓ મારા સ્નાન, ભોજન તથા વસ્ત્રો વગેરેની બધી વ્યવસ્થા કરી દે. બ્રહ્મચારી મહારાજ મૃદુ અને સ્નેહી હતા. એક બીજા બ્રહ્મચારી મહારાજે એને મદદ કરી અને એ બન્નેએ જાણે કે મને જાણતા હોય તેવો વ્યવહાર કર્યો. એમણે મને સ્નાન કરવા કહ્યું અને પછી નવાં વસ્ત્ર આપ્યાં. મને મારી ધારણા અને વિશ્વાસ કરતાં વધારે સારાં વ્યવહારવર્તન મળ્યાં. તેઓ તો મારા અંગત જેવા લાગતા હતા. એમણે મારી પથારીની વ્યવસ્થા કરી અને એ સાંજે મને કંઈક સારું ભોજન મળ્યું. સ્વામી બ્રહ્માનંદજીનો જન્મ દિવસ બે દિવસ પહેલાં જ ઉજવાયો હતો, એટલે ત્યાં ઘણી મીઠાઈ પણ હતી. એ બન્નેએ પાસે બેસીને મને જમાડ્યો.

ત્યાર પછી હું મહારાજની પાસે આવ્યો. એમણે મારા સ્વાસ્થ્યના હાલ જાણ્યા અને કહ્યું, ‘તારી હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે.’ (મારા પગની સ્થિતિ ખરાબ હતી તથા બીજી કેટલીક સમસ્યાઓ પણ હતી. બીજે દિવસે હું હોસ્પિટલે ગયો.) મહારાજ ઘણા દયાળુ હતા. એમણે મારા જીવન વિશે પૂછપરછ કરી અને સ્વામી અખંડાનંદજી મહારાજને કેવી રીતે મળ્યા, એ પણ જાણ્યું. એમણે સ્વામી અખંડાનંદજી મહારાજનો બંગાળીમાં લખેલો પત્ર વાંચ્યો. એમાં લખ્યું હતું, ‘છેલેકે પાઠાચ્ચિ, જત્ન કોરે દેખબે – આ છોકરાને તમારી પાસે મોકલું છું, સારી રીતે દેખભાળ કરવી.’ પત્રમાં બીજું કંઇ જ ન હતું, બસ આટલી જ વાત હતી. એમાં એ એક સંન્યાસી બનશે એવી કોઈ વાત પણ ન હતી. પછીથી સ્વામી કલ્યાણાનંદજીએ કહ્યું, ‘મારા સંપૂર્ણ જીવનમાં કોઈએ પણ, અરે સંઘના મહાધ્યક્ષે પણ આ પહેલાં ક્યારેય કોઈ એવી વ્યક્તિને મોકલી નથી અને ક્યારેય એની સારસંભાળ લેવાનું પણ કહ્યું નથી અને તારા માટે આ તો આદેશ છે, સંઘના મહાધ્યક્ષનો !’

સ્વામી અખંડાનંદજી સાથે મારી પહેલી મુલાકાત

કેટલાંક મહિના પહેલા હું સ્વામી અખંડાનંદજીને પહેલીવાર મળ્યો હતો ત્યારે તેમણે મને પૂછ્યું હતું કે હું શું બનવા ઇચ્છું છું. મેં કહ્યું કે મેં સ્વામી વિવેકાનંદના ભાષણો અને લેખો વાંચ્યા છે અને તેમણે મારા પર ઘણો જ પ્રભાવ પાડ્યો છે. હું અરવિંદ ઘોષ અને રમણ મહર્ષિ અંગે પણ કાંઈક જાણતો હતો, અને હું મહાત્મા ગાંધીને પણ મળ્યો હતો તથા તેમના કાર્યસ્થાને સામાજિક કાર્ય પણ કરી ચૂક્યો હતો, પરંતુ ત્યાં આધ્યાત્મિક વાતાવરણ ન હતું. તે બધા પોતાના સ્થાને સારાં જ હતા પરંતુ મેં અનુભવ કર્યો કે સ્વામીજીના વિચારોમાં કાંઈક વિશેષ વાત છે : તેમાં માત્ર સારું જીવન જીવવા માટે જ નહીં પણ સાથે લોકોની મદદ તથા સેવા કરવાની વાત છે. વ્યક્તિગત સંઘર્ષ તથા આધ્યાત્મિક વિધિથી બીજાને સહાય કરવાનો આ સંયુક્ત આદર્શ મને ખૂબ પસંદ પડ્યો. મેં અખંડાનંદજી મહારાજને જણાવ્યુંુ, ‘આ વાતે મને સર્વાધિક પ્રભાવિત કર્યો છે અને એ જ મારો આદર્શ છે, હું એવું જ સ્થાન ઈચ્છું છું.’ અખંડાનંદ મહારાજે મને જણાવ્યું, ‘હું તને એવી જ જગ્યાએ મોકલીશ અને ત્યાં તને ખૂબ જ ગમશે. ત્યાં યોગ્ય વ્યક્તિ છે અને યોગ્ય વાતાવરણ છે.’ એટલે તેમણે મને કનખલ મોકલ્યો જ્યાં સ્વામીજીના મંત્રશિષ્ય સ્વામી કલ્યાણાનંદ કાર્યરત હતા. તેઓ એ આદર્શના જીવંત પ્રતીક હતા જેની મને શોધ હતી. એટલે તેમણે મને હરિદ્વાર જવાની આજ્ઞા આપી અને કહ્યું કે તેઓ સ્વામી કલ્યાણાનંદજીને આ અંગે પત્ર લખશે.

સ્વર્ગમાં પણ મુનીમ !

મારા આવ્યાને કેટલાક દિવસો પછી મેં કલ્યાણ મહારાજને કહ્યું કે હું દવાખાનામાં કંઈક સેવા કરવા માંગુ છું. પરંતુ તેઓ વારંવાર કહેતા, ‘કરવાનું સરળ છે પણ તેને સમજવાનું મુશ્કેલ છે.’ હું વિચારતો : આમાં જાણવા-સમજવાની વાત ક્યાં આવી ? મેં તેમને કહ્યું, ‘દવાખાનામાં કેટલું કામ કરવા લાયક છે, ત્યાં કામ કરનારાઓનો અભાવ છે. હું તેમને સહાયરૂપ બનવા કશુંક કરવા માંગુ છું. હું અહીં માત્ર બેસી રહેવા નથી આવ્યો.’ તેમણે મને ્યું, ‘અહીં આવ્યા પહેલા (ઓક્ટોબર ૧૯૩૪માં) સ્વામી નિશ્ચયાનંદ મહાસમાધિમાં લીન થઈ ગયા. બધા જ હિસાબ-કિતાબ એમને એમ પડ્યા છે; કશું થયું નથી. તું તે જ કામ કર.’ અને તેમણે એક હસવા જેવી વાત કરી. : ‘ઘાર કે ગારો લગાવવાનું કામ કરનાર કોઈ વ્યક્તિ સ્વર્ગમાં જાય છે, તે ત્યાં શું કરશે ? ગારો જ લગાવશે. તું હિસાબ-કિતાબનું કામ જાણે છે અને અહીં તું સ્વર્ગમાં આવ્યો છે – આ પણ એવી જ વાત છે!’ તેઓ ઘણા પ્રસન્ન હતા કે હું તે કામ કરી શકું છું. મેં જઈને હિસાબ જોયા. બે કે ત્રણ મહિનાથી કશું જ કામ થયું ન હતું અને મહારાજે મને એ જ રીતે સ્વીકારવાનું કહ્યું જેને સ્વામી નિશ્ચયાનંદજી કરતા આવ્યા હતા. નિશ્ચયાનંદજી પણ સ્વામીજીને સમર્પિત શિષ્ય હતા, ઓક્ટોબર ૧૯૩૪માં પોતાની મહાસમાધિ પહેલા તેમણે ત્રીસ વર્ષના લાંબા સમય સુધી કનખલ સેવાશ્રમમાં સેવા કરી હતી. બે જ દિવસમાં મેં કામ પુરું કરી દીધું અને તેમને જણાવ્યું, ‘મહારાજ, કામ સમાપ્ત થઈ ગયું.’ તેમને કહ્યું, ‘આટલું જલ્દી ? મેં કહ્યું, ‘માત્ર થોડું જ કામ છે. વધારે તો કાંઈ નથી.’ તેમણે મને બેલૂર મઠ મોકલવા માટે એક લેખિત વિવરણ તૈયાર કરવા કહ્યું.

આ પ્રક્રિયા રોમાંચક હતી. તેઓ કુમાર લાહા નામના રંગવાળા વ્યક્તિ દ્વારા પ્રકાશિત તારીખયાનું માસિક પાનું ફાડીને લેતા અને તેની પાછળ માસિક લેખિત-વિવરણ લખી તૈયાર કરતા. પછી તે આંકડાઓને બેલૂર મઠના અધિકૃત વિવરણ પત્રમાં લખી મોકલી દેતા. તારીખયાનું એ પાનું કાર્યાલયના દફતરે કાયમી રહેતું. તેઓ આવી રીતે કામ ચલાવતા હતા.

(ક્રમશ 🙂

Total Views: 363

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.