ગતાંકથી આગળ…
મહારાજનો મારામાં અડગ વિશ્વાસ
એકવાર મારી જાણમાં આવ્યું કે ટપાલ વિભાગ અમારા ટપાલ-ખાતામાંથી કરની રકમ કાપી લે છે. મેં કહ્યું, ‘મહારાજ, આપણી સંસ્થા તો ધર્માર્થ છે પરંતુ તેઓ કર કાપે છે. આપણે તેમને જણાવવું જોઈએ.’ તેમણે ઉત્તર આપ્યો, ‘ઓહ, શું કરવું જોઈએ એ તેઓ મારા અને તારા કરતાં સારી રીતે જાણે છે.’
મેં દૃઢતાપૂર્વક કહ્યું, ‘મહારાજ, આ યોગ્ય થઈ રહ્યું નથી.’ પરંતુ તેમણે એ અંગે ખાસ વધારે ધ્યાન આપ્યું નહીં. હું ચૂપ ન રહી શક્યો; મેં પોસ્ટમાસ્તરને બતાવ્યું. તેમણે મને અમારી સંસ્થાની સ્થિતિને ધર્માર્થ જાહેર કરવા માટે લેખિતમાં આપવા જણાવ્યું. કેટલાક સમય પછી ટપાલ વિભાગે મહારાજને જણાવ્યું કે કેટલાક હજાર રૂપિયાની એક મોટી રકમ તેમના ખાતામાં જમા આપવામાં આવી છે. મહારાજે મને પૂછ્યું તો મેં તેમને જણાવ્યું કે મેં પોસ્ટમાસ્તરને વાત કરી હતી અને તેમણે આ વ્યવસ્થા કરી છે. મહારાજે મને પૂછ્યું, ‘શું તારું કહેવું એમ છે કે એમણે આપણી પાસેથી આટલા રૂપિયા લઇ લીધા હતા?’ મેં કહ્યું, ‘હા મહારાજ.’ ત્યારથી મહારાજને મારા પર અદ્ભુત વિશ્વાસ થઈ ગયો. આ પહેલાં મેં તેમને જણાવ્યું હતું કે હિસાબ-કિતાબને યોગ્ય રીતે જાળવવા માટે આપણે એક ખાતાવહી, રોજમેળ તથા અન્ય વસ્તુઓ ખરીદવાની છે. તેમણે પૂછ્યું, ‘આ બધું શું છે? મેં પાંત્રીસ વરસ કામ ચલાવ્યું અને તું આવીને મને બતાવે છે કે આપણને આ ખાતાવહીની જરૂર છે.’ મેં કહ્યું, ‘મહારાજ, હિસાબને સુવ્યવસ્થિત રાખવા માટે તે યોગ્ય છે.’ પરંતુ પાછળથી તેમને રકમ મળી જવાથી તેમણે મને કહ્યું, ‘તને જે વસ્તુઓની આવશ્યકતા હોય તે ખરીદી લે.’ હવે તેમને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો. તથા ફરી ક્યારેય તેમણે આ અંગે ચિંતા કરી નહીં.
મારા પ્રશિક્ષણનો પ્રારંભ
પરંતુ હિસાબ-કિતાબ જોવા કરતાં પણ વધુ તો હું પડછાયાની જેમ હમેશાં તેમની સાથે હરતો ફરતો હતો. તેઓ જ્યાં પણ જતા, જે કાંઈ કરતા, હું તેમની પ્રત્યેક વાતનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરતો. મને અન્ય કશું કરવાનું કહેવામાં આવ્યું ન હતું. મારું તો ફક્ત એટલું જ કામ હતું કે હું તેમની સાથે રહું. કેટલાક સપ્તાહ પછી મેં તેમને ફરીથી કહ્યું કે હું દવાખાનામાં કામ કરવા ઇચ્છું છું. તેમણે કહ્યું, ‘જઈને તે લોકોને પૂછી લે કે તારી પાસેથી તેઓ શું કરાવવા માગે છે.’ દવાખાનાવાળાએ મને રોગીઓના ઓરડાની સફાઈ કરવાનું કહ્યું. હું બ્રશથી થૂંકદાનીઓ અને મળ-પાત્રો (Bed Pans) ને સાફ કરતો.વાળવાવાળી એક સ્ત્રીએ મને તેની સફાઈ કરવાની રીત બતાવી. મેં તેની પાસેથી આ કામ શીખી લીધું. આ ઘાસનાં બ્રશ અમે જ બનાવતા હતા અને તેનો ઉપયોગ કરી હું સાફસૂફી કરતો રહેતો. પરંતુ જ્યારે પણ મહારાજ મને બોલાવતા ત્યારે તેઓ જ્યાં પણ જતા, મારે તેમની સાથે જવું પડતું હતું. જ્યારે પણ તેઓ બગીચામાં જતા તો હું પણ તેમની સાથે જતો. તેઓ ઇચ્છતા કે મને પ્રત્યેક બાબતની જાણકારી મળે – જેમ કે ; બગીચામાં શું શું છે, રોગી કોણ છે વગેરે. એકવાર તેમણે પૂછ્યું, ‘શું તું આજે બગીચામાં ગયો હતો ? તે નાનકડો મૈગનોલિયાનો છોડ કેમ છે ? તેના પર કેટલાં ફૂલ આવ્યાં છે ?’ મેં કહ્યું, ‘મેં તો તેને ક્યારેય પણ જોયો નથી.’ તેમણે કહ્યું, ‘જાણતો નથી; તે બહુ વિશેષ છોડ છે. તારે જોવું જોઈએ કે તેના પર કેટલી કળીઓ આવી છે.’ તેઓ એવી રીતે પ્રશ્ન પૂછ્યા કરતા કે જેથી હું પ્રત્યેક વસ્તુને સૂક્ષ્મ-નિરીક્ષણની દૃષ્ટિથી જોવાનું શીખું. તેઓ આ રીતે કાળજી લેતા હતા. એકવાર તેમણે એક રોગી વિશે પૂછ્યું, ‘અમુક કેમ છે ?’ અને મેં કહ્યું, ‘હું નથી જાણતો.’ તેમણે કહ્યું, ‘શું તું દવાખાનામાં હરતાં-ફરતાં જોતો નથી કે શું થઈ રહ્યું છે?’ ત્યારે હું ખબર જાણવા દોડ્યો. આ રીતે તેમના આવતા પહેલાં જ દવાખાનામાં ફરતા રહીને આ અંગે જાણકારી મેળવી લેવાનું મેં શીખી લીધું. હું ગંભીર દર્દીઓની સ્થિતિ અંગે પૂછપરછ કરતો; પછી તેની વિગતો લખી લેતો તથા મહારાજને જણાવતો. તેમને આરામની જરૂર રહેતી હતી. એટલે કેટલીયે વાર તેઓ પોતે દવાખાને જઈ શકતા નહીં, તેમણે પ્રત્યેક વાતને વિગતવાર જાણી લેવાનો મારો સ્વભાવ બનાવી દીધો. આ પ્રશિક્ષણ દ્વારા હું દવાખાનાનાં કામ અને આશ્રમનાં કામની સાથે સાથે એ પણ શીખી ગયો કે આનું વ્યવસ્થાતંત્ર કેવી રીતે કરવાનું હોય છે.
મહારાજની દિનચર્યા
રોજ સવારે નાસ્તો કર્યા પછી હું તેમના ઓરડામાં જતો. પછી અમે દર્દીઓના વિભાગ-ઓરડાઓમાં જતા, ત્યાં કામ કરી રહેલા લોકોનું નિરીક્ષણ કરીને પછી ગૌશાળાઓમાં; એ પછી પુસ્તકાલયમાં અને છેલ્લે મંદિરમાં જતા અને સંભવત : રસોઈયાઓને કંઈક સૂચના આપતા; પછી તેઓ ધીરે ધીરે પાછા ફરતા. તે પછી તેઓ કંઈક આહાર લેતા અને દર્દીઓને વ્યક્તિગત જોવા ફરી દવાખાનામાં જતા. એમાં કોઈ શંકા નહીં કે દર્દીઓની દેખભાળ માટે ત્યાં તબીબો રહેતા જ. પરંતુ તબીબો ઉપરાંત તેઓ પોતે પ્રત્યેક દર્દીનો ઓળખ-પરિચય રાખતા હતા કે તેમને શું શું આપવામાં આવે છે અને તેને કેવો અનુભવ થાય છે. તેઓ દર્દી પાસે બેસી જતા તથા તેને સ્પર્શ કરીને કહેતા, ‘કાલે રાતના તમને બરાબર ઊંઘ થઈ હતી ?’ અને તેઓ જે તે દર્દીના ખબર-અંતર પૂછતા, આ બધું ઘણું જ સારી રીતે સ્નેહભાવે પૂછતા. પ્રત્યેક દર્દી પાસે તેઓ ઘણો સમય વિતાવતા. અમારે ત્યાં પિસ્તાલીસથી ચાલીસ દર્દી રહેતા હતા-તેનાથી વધારે નહીં. તેઓ પ્રત્યેક દર્દી સાથે વાત કરતા જ રહેતા. જો કાંઈ જરૂર જણાતી તો તેઓ મને કહેતા કે જઈને અમુક દવા લઈ આવ અથવા ડાૅક્ટરને બોલાવવાનું કહેતા. આ રોજનો નિત્યક્રમ રહેતો.
(ક્રમશ 🙂
Your Content Goes Here




