(ગતાંકથી આગળ…)
સ્વીકારનો વિરોધ
તે દિવસોમાં સ્થાનિક સંન્યાસીઓ કલ્યાણાનંદજી અને નિશ્ચયાનંદજીને ‘ભંગી સાધુ’ કહેતા હતા કેમ કે તેઓ દર્દીઓની ટટ્ટી-પેશાબનાં વાસણો સુદ્ધાં સાફ કરતા હતા. પણ હું કહું છું, લોકોને સામાન્ય સમજણ કયાં ! આ બન્ને સંન્યાસીઓ પાસે કોઈ નોકર તો હતા નહીં અને તેઓ પોતે જ લોકોની ગંદકી સાફ કરતા હતા. બરાબર એમ જ જેમ મા ઘરમાં બાળકોની સફાઈ કરે છે; પરંતુ તે કારણે તેઓને સંન્યાસીઓનાં સંમેલનો-કાર્યક્રમોમાં આમંત્રણ આપવાની વાત તો દૂર રહી, તેમની ઘોર ઉપેક્ષા કરવામાં આવતી અને આવું તો સન ૧૯૧૦ સુધી ચાલતું રહ્યું. તે સમયે ધનરાજ ગિરિ નામના એક મહાન સંન્યાસી હતા જેઓ શ્રીશંકરાચાર્યના કૈલાસ આશ્રમના મહામંડલેશ્વર હતા; તેમને કનખલમાં એક ખાસ ઉત્સવમાં આમંત્રિત કરવામાં આવેલા અને બધા જ સંન્યાસીઓ ત્યાં આવેલા. ત્યાં એક બહુ મોટો ભંડારો થયો. ધનરાજ ગિરિએ કહ્યું, ‘મેં સાંભળ્યું છે કે સ્વામી વિવેકાનંદના શિષ્યો આસપાસમાં છે. હું જાણતો નથી કે તમે તેમને ઓળખો છે કે નહીં.’ તેમને જવાબ મળ્યો, ‘જી મહારાજ, તેઓ છે ખરા, પણ સાવ નકામા લોકો છે. તેઓ તો ભંગી સાધુ છે; બધા પ્રકારનાં કામ કરે છે. ગિરિજીએ પૂછ્યું, ‘તેઓ શું કરે છે?’ ‘તેઓ ગંદકી સાફ કરવા સહિતનાં બધા કામ કરે છે.’ ગિરિજીએ તે સંન્યાસીઓને પૂછ્યું, ‘ગંદકીની સફાઈનું કામ ? જ્યારે તમે બીમાર થાઓ છો ત્યારે તમે ક્યાં જાઓ છો? શું તમે બધા ત્યાં જતા નથી ?’ ‘જઈએ છીએ મહારાજ.’ ‘તો તમે ત્યાં જાઓ છો, તેમની પાસે ઉપચાર-ઈલાજ મેળવો છો અને તોય તેમને ભંગી સાધુ સમજો છો ? જાઓ, અને તેમને લઈને આવો.’ તેમણે તેઓને નિમંત્રણ કરવા માટે એક સંદેશવાહકને મોકલ્યો.
કલ્યાણ મહારાજ તો સ્વભાવે નિ :સંદેહ સરળહૃદયના હતા. પરંતુ નિશ્ચય મહારાજે ‘ના’ કહી. તેઓ લશ્કરમાં રહી ચૂક્યા હતા. તેમણે કહ્યું, ‘હું નહીં જાઉં.’ કલ્યાણ મહારાજ તેમને છોડીને જઈ શકે નહીં એટલે બન્ને ગયા નહીં. તેમને નિમંત્રણ આપવા આવેલા સંન્યાસી પાછા ગયા અને જઈને જાણ કરી કે તેઓ આવવા ઇચ્છતા નથી. ધનરાજ ગિરિએ સંદેશવાહકને ફરી મોકલ્યો ને તેને કહ્યું, ‘તેમને જણાવો કે હું તેઓ અહીં આવે તેમ ઇચ્છું છું.’ કલ્યાણ મહારાજે જ્યારે આ સાંભળ્યું ત્યારે તેમણે કહ્યું, ‘આપણે તેમનું અપમાન કરવું જોઈએ નહીં. આપણે જવું જોઈએ.’ નિશ્ચય મહારાજે કહ્યું, ‘કેમ ? આપણે તો તેના પર આધાર રાખતા નથી. આપણે શા માટે ત્યાં જવું જોઈએ ? આજે તો તેઓ આપને એક મોટો ભંડારો આપશે અને કાલે પછી સૂકી રોટલી પણ નહીં મળે.’ આમ સંદેશવાહક બીજી વાર પાછો ગયો. જ્યારે ધનરાજ ગિરિએ સાંભળ્યું કે હજુ પણ આવવા ઇચ્છતા નથી, તો તેમણે પોતાના અંગત સચિવને – જેઓ પોતે બહુ જ ઉચ્ચ કોટિના સંન્યાસી હતા, આમ કહીને મોકલ્યા, ‘તમે એમને કોઈપણ રીતે સાથે લઈને જ આવજો, તેમને કહેજો કે જ્યાં સુધી તેઓ નહીં આવે, અહીં કોઈ સમારોહ થશે નહીં.’ તેમણે આ વાત બેધડક થઈને કહી. સંદેશવાહક સાધુની તે વિસ્તારમાં ઘણી નામના હતી, તેઓ ત્યાં ગયા તથા તેમને જણાવ્યું, ‘તેઓ એ વાત પર ખાસ આગ્રહ રાખે છે કે આપ ત્યાં પધારો. કૃપા કરી આવો. જ્યાં સુધી આપ નહીં આવો ત્યાં સુધી તેઓ ઉત્સવનો પ્રારંભ કરવા દેશે નહીં.’ હવે મોડું થઈ રહ્યું હતું, ભરબપોરના બે કે તેની આસપાસનો સમય તો પહેલા જ થઈ ગયેલો હતો. નિશ્ચયાનંદજીએ તો પણ ‘ના’ કહી, કલ્યાણ સ્વામીએ તેમને સમજાવી રાજી કરવા પડ્યા. તેમણે કહ્યું, ‘ધનરાજ ગિરિના મનની શાંતિ માટે આપણે જવું જોઈએ. તે સારા સંન્યાસી છે અને હવે જ્યારે તેઓ બોલાવી રહ્યા છે તો પછી આપણે જવું જોઈએ.’ ત્યારે વળી કંઈક નિશ્ચયાનંદ મહારાજ થોડા કોમળ બન્યા અને તેઓ બન્ને ત્યાં ગયા. ધનરાજ ગિરિ પોતે પ્રવેશદ્વાર પર આવ્યા અને તે બન્નેને ભેટી પડ્યા. તેમણે પ્રણામ કર્યા. જ્યારે તેઓ નમ્યા ત્યારે અન્ય સર્વે સંન્યાસીઓ તો પરેશાન થઈ ગયા. તેઓ બધા ભોંઠા પડીને વિચારી રહ્યા હતા કે આ શું થઈ રહ્યું છે. ગિરિજી તેમને સાથે લાવ્યા અને બન્નેને પોતાની આસપાસ બેસાડ્યા.
તેમણે સભાને જણાવ્યું, ‘તમે બધા એમ વિચારો છો કે તમે બધા મોટા મહાન સંન્યાસી છો. જો અહીં ખરેખર કોઈ સંન્યાસી હોય તો તે આ બન્ને છે. તેઓ સ્વામી વિવેકાનંદના આદર્શને અનુરૂપ ગરીબોની સેવા કરતા રહીને ઘણું જ સારું સંન્યાસીનું જીવન વિતાવી રહ્યા છે. આ જ એ જ આદર્શ છે. જ્યારે તમે લોકો બીમાર પડો છો તો આ જ તમારી સેવા કરે છે અને તમે તેમના પર ‘ભંગી સાધુ’ ની પટ્ટી બાંધો છો. શું તમને કોઈને શરમ નથી આવતી ? જ્યારે તમે બાળક હતા, ત્યારે તમારાં મળ-મૂત્ર ગંદકી કોણ સાફ કરતું હતું ? તમારી મા જ કરતી હતી. તો શું તમે તમારી માને ‘ભંગી’ કહેશો ?’ તેમણે તે બધાને ભારે ઠપકો આપ્યો અને કલ્યાણાનંદજી અને નિશ્ચયાનંદજીને કહ્યું, ‘આ બધા લોકોએ તમારું જે અપમાન કર્યું છે તે માટે તમે મને ક્ષમા કરો.’ તેઓ પોતે ક્ષમા કરવા તેમને કહી રહ્યા હતા. તેઓ બન્ને ઊભા થયા અને ગિરિજીને કહેવા લાગ્યા, ‘મહારાજ, કૃપા કરીને આવી બધી વાત ન કરો. બધું બરાબર છે.’ ત્યારથી સાધુસમાજે તેમને સ્વીકાર્યા. તેઓ અમને આમંત્રિત કરતા રહેતા અને કલ્યાણ મહારાજ જવાનું રાખતા. વર્તનમાં સુધારો થતાં સંબંધ સારા બની ગયા. (ક્રમશ 🙂
Your Content Goes Here




