(ગતાંકથી આગળ…)

૩. સ્વામી કલ્યાણાનંદજીના વ્યક્તિત્વની કેટલીક વધુ ઝાંખીઓ

સ્વામી અખંડાનંદજીએ મને તપોમય મઠવાસી જીવન માટે જગતના શ્રેષ્ઠ સ્થાન પર મોકલ્યો હતો. કનખલમાં તે વાતાવરણમાં વિતેલાં એ નવ વર્ષોનું હું વર્ણન કરી શકું તેમ નથી. કોઈપણ મઠવાસી વ્યક્તિ માટે આ વાતાવરણ દરેક રીતે અત્યંત અનુકૂળ હતું. અમે કેટલા સુરક્ષિત હતા અને વિકાસ પામી રહ્યા હતા; કર્મ, ધ્યાન-ચિંતન અને સ્વાધ્યાય-બધું જ શાંતિપૂર્વક ચાલી રહ્યું હતું. બીજે ક્યાંય પણ, કોઈ કેન્દ્ર આવું ન હતું. કનખલ તથા બીજાં કોઈપણ કેન્દ્રમાં તફાવત એ હતો કે બીજાં સ્થાનો પર મઠ, હોસ્પિટલનાં સેવા કાર્યોથી એકદમ વિયુક્ત હતા. જ્યારે અમે મઠની બહાર આવતા ત્યારે અમે હોસ્પિટલમાં સેવા કરતા કે સાંજના સમયે પાઠશાળામાં જતાં બાળકોને ભણાવતા. પછી જ્યારે અમે મઠમાં જતા ત્યારે ફરી બિલકુલ અમારા સ્વભાવમાં આવી જતા. આશ્રમમાં માત્ર તીર્થયાત્રી કે દર્દી જ રહેતા હતા, ભક્તો નહીં. બીજા બધાં કેન્દ્રમાં સમાજ કે લોકોનું દબાણ રહેતું હોય છે. એનાથી પ્રભાવિત ન હતા. પૂજા-પાઠ માત્ર આધ્યાત્મિક હેતુથી જ કરવામાં આવતાં, લોકોને બતાવવા માટે નહીં. પોતાના કલ્યાણ માટે અમે કંઈક ને કંઈક કરતા રહેતા અને અમારા સમયની અનુકૂળતા મુજબ તે કરતા – કેમ કે આશ્રમનો મુખ્ય ઉદ્દેશ હોસ્પિટલમાં સેવા કરવાનો હતો. અમારે સવારની પ્રાર્થના, ધ્યાન તથા પ્રવચનોથી વ્યસ્ત નિત્યકાર્ય જરૂર રહેતું. વળી દુર્ગાપૂજા, શ્રીરામકૃષ્ણ, શ્રીમા (સારદા દેવી), સ્વામીજી, બ્રહ્માનંદ મહારાજ તથા મહાપુરુષ મહારાજના જન્મોત્સવ પણ અમે ઊજવતા. પરંતુ આ બધું હોવા છતાં પણ હોસ્પિટલને ક્યારેય પણ ઉપેક્ષિત કરવામાં આવતી નહીં; ત્યાં કોઈને કોઈ સેવાકાર્ય માટે રહેતા જ.

મૃતદેહોથી સંભવિત ભયથી મારી મુક્તિ

અનેક સમસ્યાઓ સમયે સ્વામી કલ્યાણાનંદજી મારા માટે સહુથી વધુ પ્રેરણાદાયી હતા. એકવાર રાતના સમયે હોસ્પિટલમાં સેવા કરવાની મારી ફરજ હતી ત્યારે તેઓ કોઈ દર્દીને જોવા ચૂપચાપ અંદર આવી ગયા હતા અને જ્યારે તેઓ વિભિન્ન દર્દીઓના ઓરડામાં થઈને ચાલીને જતા હતા ત્યારે સ્વાભાવિકપણે હું પણ તેમની સાથે સાથે ગયો. છેવટે અમે છેલ્લા વિભાગ-ઓરડામાં આવી ગયા જ્યાં મૃતદેહ રાખવામાં આવતા. મૃતદેહો જોઈને મને ભયંકર ભય લાગતો હતો. બાળપણમાં અમને તેને જોવા દેવા કે તેની પાસે જવા દેવાતા નહીં અને પછી હું પણ ક્યારેય તેની પાસે ન ગયો. મારા માટે આ વાત નરકથી પણ વધારે ખરાબ હતી. જ્યારે પણ મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવા લઈ જવામાં આવતા હતા ત્યારે બીજા લોકો જ જતા. મને ક્યારેય કોઈએ જવાનું કહ્યું નહીં. કેમ ? હું જાણતો નથી. મેં પણ મારી જાતને એનાથી દૂર જ રાખી. એટલે હું તે ઓરડામાં ગયેલો નહીં અને આટલા મહિનાઓ સુધી હું તેનાથી બચીને જ રહ્યો હતો. પણ તે રાતે એક દર્દીની ખબર પૂછતા ધીરે ધીરે તે ઓરડા તરફ જતા હતા. મેં એમને જણાવ્યું કે તે દર્દીનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને કોઈએ તેના શરીર (મૃતદેહ)ને તે ઓરડામાં રાખી દીધું છે. હવે, જ્યારે તેઓ તે તરફ જઈ રહ્યા હતા ત્યારે હું તો એમ કહી શકું નહીં કે ‘હું તે ઓરડામાં આવી શકતો નથી.’ અમે બન્ને ઓરડામાં ગયા; તેમણે દરવાજો ખોલ્યો અને વીજળીનો પ્રકાશ કરીને અંદર ગયા. હું તેમની સાથે ગયો. હું તેમની સાથે હતો એટલે મને ભય ન લાગ્યો. હું પણ તેમની જેમ જ નિર્ભય હતો ! તેઓ મૃત દર્દી પાસે ગયા. તેના મોં પરથી વસ્ત્ર દૂર કર્યું અને તેને જોયો, પછી મારી તરફ જોઈને તેમણે કહ્યું, ‘જુઓ લોકો શબથી ડરે છે. આ જગતમાં જો કોઈ હાનિરહિત હોય તો તે શબ-મૃહદેહ જ છે. આંગુલ તૂલતે પારે ના, કથા બોલતે ‘પારે’ ના – આ આંગળી ઊઠાવી શકતો નથી, આ વાત કરી ‘શકતો’ નથી. અને લોકો તેનાથી ભય પામે છે ! અભયે ભય દર્શન – જ્યાં કોઈ ભય નથી, લોકો ત્યાં જ ભય પામે છે.’ મેં તેમને કહ્યું, ‘હા મહારાજ, આ સાચું છે.’ આ સાંભળીને તેઓ ધીરેથી નીકળી ગયા અને પોતાના હાથ ધોઈને બહાર જવા લાગ્યા. પરંતુ મારે તો શબ પરથી હટાવેલું કપડું ફરી રાખવાનું હતું ! મેં તેને ફરીથી રાખી દીધું ! મને જરા પણ ભય લાગ્યો નહીં. મેં મારા હાથ ધોયા અને અમે બન્ને બહાર નીકળી ગયા.

વિશ્વાસ કરો, ત્યારથી હું મૃત દેહથી ડર્યો નહીં. મહારાજે મારો ભય મારામાંથી કાઢી નાખ્યો. પછીથી ત્યાં ઝાડા-ઊલટીના દર્દીઓ હતા તો અમારે તેમના મૃતદેહોને દૂર કરવા પડતા હતા. એક સમયે તો અમે શબોને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આખી રાત પસાર કરી હતી. પણ મારો ભય પૂરેપૂરો નીકળી ગયો હતો. મહારાજે મને સીધેસીધું ક્યારેય કહ્યું નહીં. તેમણે કહ્યું, ‘લોકો શબોથી ડરે છે.’ હું તેમના કહેલા પ્રત્યેક શબ્દોને એકચિત્તે સાંભળતો હતો. તેમની વાતમાં કંઈક બોધ રહેતો હતો અને હું તેને સહજ રીતે માની લેતો હતો, બસ. મને તિરસ્કૃત કર્યા વિના અને એવું કહ્યા વિના કે, ‘ઓહ, તું તો ડરપોક અને નિર્બળ પુરુષ છે.’ – એવું કશું નહીં. અરે કેટલું સુંદર ! તેમની કેળવણી હંમેશાં આવી જ રહેતી હતી. તેમની સાથે ચાલતા હોઈએ ત્યારે પણ આવું ઘણું શીખવાનું મળતું હતું. કે જેને તમે જીવનભર ભૂલી શકો નહીં.

કડવી વાનગીઓ માટે મારી અરુચિ

એક બીજો પ્રસંગ યાદ આવે છે : મને કડવી વાનગીઓ ભાવતી નહીં; પરંતુ તેમણે મને આવી વાનગી ખાવા માટે પ્રોત્સાહિત કરેલો. તેમણે મને એવું ન કહ્યું કે, ‘જો તું આ નહીં લે તો તું ખરાબ છે, તારે બધું જ ખાવું જોઈએ.’ પણ ના, એક દિવસ તેમણે એવી વાનગી બનાવી કે જ્યારે મેં ખાધી તો મને તે પસંદ આવી. તેમણે કહ્યું, ‘જાણે છે તું શું ખાઈ રહ્યો છે? આ કડવી વાનગી છે.’ મેં કહ્યું, ‘આ કડવું લાગતું નથી.’ તેમણે કહ્યું, ‘હા, તેને બનાવવાની આ એક રીત છે.’ પછી ધીરે ધીરે એક સમય એવો આવ્યો કે અસલી કડવો સ્વાદ પણ ચાખવા મળ્યો. મેં કહ્યું, ‘આ થોડું કડવું છે.’ તેમણે કહ્યું, ‘આ તને નુકશાન નહીં કરે.’ જુઓ, એક વિચારને મારી સામે રાખવાની કેટલી ધીમી પ્રક્રિયા હતી કે જેથી હું તેનો સ્વીકાર કરી લઉં. હવે તો મને કડવી વાનગીઓ પસંદ છે. જુઓ, તેમની કાર્યપદ્ધતિ ઘણી જ સારી હતી. તેમાં કોઈ કઠોરતા ન હતી. તેમની પાસે આ રીતના કેટલાય વિચાર હતા, આજે પણ હું તેને ભૂલી શકતો નથી.

ધન પ્રત્યે કલ્યાણ મહારાજનો દૃષ્ટિકોણ

કલ્યાણ મહારાજ દ્વારા આશ્રમમાં ૧૨૫ વૃક્ષો લગાવવામાં આવેલાં. જ્યારે તે બધાં ફળ આપવા લાગ્યાં ત્યારે એક સ્વામીજીએ કહ્યું, ‘આપણી પાસે હજારો કેરી છે. જો આપણે તેને વેચી દઈએ તો ઘણા પૈસા મળી શકે.’ કલ્યાણ મહારાજે કહ્યું, ‘મેં આ વૃક્ષો પૈસા કમાવવા માટે લગાવ્યાં નથી. તમે લોકો જેટલા ફળ ખાઈ શકો તેટલાં ખાવ, નહીં તો સાધુઓ જ્યારે ભિક્ષા માટે નીકળે છે ત્યારે દરેક સાધુને બે બે કેરી આપો. મેં અને નિશ્ચયાનંદજીએ આટલી મહેનત એ માટે કરી છે કે લોકો તેને ખાઈ શકે. ગરીબ લોકોને સારી કેરી ખાવા મળતી નથી. તેમનામાં વહેંચો. તેમણે કેરી-ફળમાંથી ક્યારેય પૈસા કમાવવાનું વિચાર્યું નહીં. તેમણે આ બધાં પૈસા કમાવવા નહીં, પણ લોકોના કલ્યાણ માટે જ કર્યું. આ વિચાર કેટલો સુંદર ! તેમણે કેટલી મહેનત કરેલી ! પ્રત્યેક વર્ષે તેઓ સંન્યાસીઓને આમંત્રિત કરીને ખીર અને કેરીનો ભંડારો કરતા. આને સહુ પસંદ કરતા હતા. સંન્યાસીગણ ઉત્સુકતાપૂર્વક પ્રતીક્ષા કરતા રહીને વિચારતા કે કલ્યાણ સ્વામી તેમને ભંડારા માટે ક્યારે બોલાવશે ? તે બધા આવતા. ભંડારામાં ફક્ત ખીર અને કેરી જ રહેતી હતી, બીજું કશું નહીં. સાચે જ તેઓ કંઈક જુદા જ લોકો હતા. આ બધું હવે આપણને ફરી જોવા મળશે નહીં.

હું હિસાબ-કિતાબ સંભાળતો. એક વ્યક્તિએ દર મહિને એક રૂપિયાનું દાન આપવાનું સ્વીકારેલું. કેટલાક મહિનાથી તેમની તરફથી આ દાન મળ્યું નહીં. હું તેમને બજારમાં જોતો. એક દિવસ મેં મહારાજને કહ્યું, ‘હું બજારમાં અમુક વ્યક્તિને લગભગ મળતો હોઉં છું. શું હું તેને કહું કે તેઓ દાનની રકમ આપતા નથી ?’ કલ્યાણ મહારાજે કહ્યું, ‘ઓહ, એમ વાત છે? શું અહીં આવતાં પહેલાં તને સ્વામી અખંડાનંદજીએ ધન સંગ્રહ કરવાનું કહ્યું હતું ?’ મેં કહ્યુંં, ‘ના’, ‘તો શું મેં તને આવું કહ્યું છે ?’ મેં કહ્યું, ‘ના’. ત્યારે મહારાજે કહ્યું, ‘તો પછી તને તેની ચિંતા શા માટે છે ? જે મળશે, આપણે તેમાં જ નિર્વાહ કરીશું. આજે તું પૈસા વધારે ભેગા કરીને કાંઈક નવું બનાવવા ઇચ્છે છેે ત્યારે પછી થાય છે શું ? મન તો આ બધા તરફ વળી જાય છે અને આધ્યાત્મિક જીવન નષ્ટ થઈ જાય છે. તું અહીં આધ્યાત્મિક જીવન માટે આવ્યો છે, તેના માટે પ્રયત્નશીલ રહે. આધ્યાત્મિક જીવન ઘડતર કરો, આની વધુ જરૂર છે. કશુંક નવું કરવા અથવા ધનસંગ્રહની ચિંતા છોડૉ. જો લોકો પૈસા આપે છે, તો આપે; પણ જો તેઓ ન આપે તો કશી ફિકર નહીં. આ અંગે ચિંતા કરવાની તારે જરૂર નથી. જો તેઓ ભૂલી જાય તો તમે શું કરી શકો? તેમને આની યાદ અપાવવાની તારે જરૂર નથી કે તેઓ દાનની રકમ આપવાનું ભૂલી રહ્યા છે. શું તેઓ આ વાત નથી જાણતા ? આ વાતને આ રીતે વિચારીને છોડી દો.’ તેમણે એ બિલકુલ સ્પષ્ટ કરી દીધું કે પૈસાની બાબતે વિવાદ કરવો નહીં. આનો મારા મન પર ઘણો ઊંડો પ્રભાવ પડ્યો.

તેઓ કહેતા કે, ‘મહત્ત્વની વાત એ છે કે કામ યોગ્ય રીતે થાય. શ્રીરામકૃષ્ણની કૃપાથી જે પણ પ્રસંગની તક-અવસર આવી મળે, આપણે તેમાંથી લાભ લેવો જોઈએ, બધું જ આમાં સમાયેલું છે. કામની વ્યાપકતા નહીં, ગુણવત્તાનું મહત્ત્વ છે. જો તમે એક જ દર્દીનો પૂર્ણ ઈલાજ કરી મદદરૂપ બનતા હો તો તે જ પૂરતું છે. સેવા જ અતિ મહત્ત્વની વાત છે. જે કામ તમારી સામે આવી પડ્યું છે, પછી તે નાનું કેમ ન હોય, તે જ પૂરું કરો. નહીં તો પછી મન યોજનાઓના ઘોડા દોડાવશે ને અટવાશે અને સમગ્ર જીવન તેમાં જ પૂરું થઈ જાય છે. એવી વાતોને એમ જ છોડી દો.’ એટલે હોસ્પિટલના કાર્ય વિસ્તારમાં સમય લગાવ.

આધ્યાત્મિક જીવનમાં આ એક મોટો આદર્શ છે. આપણે અહીં પૈસા ભેગા કરવા કે અનેક અન્ય વસ્તુઓના નિર્માણ માટે નથી આવ્યા. આપણે તો સારું આધ્યાત્મિક જીવન જીવવા આવ્યા છીએ. આપણને આવા જ માર્ગદર્શનની જરૂર છે, નહીં તો આપણે ક્યાંયનાય રહીશું નહીં. તેઓ એ વાત પર વિશેષ ધ્યાન આપતા હતા કે આપણે જે કાંઈ કરીએ હમેશાં જીવન પ્રત્યે આધ્યાત્મિક દૃષ્ટિકોણ રાખીને કરીએ. હવે નવા વિભાગો માટે આશ્રમના શુભેચ્છકોને લખવું પડે છે. એ એક જુદી વાત છે. પરંતુ તેઓ આ બાબતે કાળજી રાખતા હતા. તેમણે ક્યારેય પૈસાની દરકાર કરી નહીં. એકવાર કોઈએ ૫૦૦ રૂપિયાની ચોરી કરી તે અંગે તેમણે કહ્યું, ‘યોગ્ય જ છે કે હું વિચારું છું કે તેને પૈસાની જરૂર હતી.’ જો કોઈ આવી રીતે પૈસા લઈ જતા તો તેમણે તે અંગે ક્યારેય પણ ચિંતા કરી નહીં. (ક્રમશ 🙂

Total Views: 374

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.