ગતાંકથી આગળ…
‘પ્રસન્ન રહો તથા અન્યને પણ પ્રસન્ન રાખો’
કલ્યાણ મહારાજ મિતભાષી હતા. તેઓ શબ્દો દ્વારા વિશેષ આધ્યાત્મિક જ્ઞાન આપતા નહીં. તેમ છતાં તેમનું જીવન જ એક મહાન આદર્શરૂપ હતું. તેઓ જે કંઈ કરતા તેને અમે ખૂબ જ ધ્યાનપૂર્વક જોતા હતા. તેઓ અત્યંત સતર્ક, અત્યંત સમર્પિત હતા. જો કે તેઓ વધુ બોલતા નહીં પરંતુ તેમના શબ્દો ઘણા જ પ્રાસંગિક રહેતા હતા. એક દિવસ ઘણી વહેલી સવારે કેટલાક બ્રહ્મચારીઓ દવાખાના તરફ જઈ રહ્યા હતા. મહારાજે જોયું કે તેમાંના એકનો ચહેરો ઘણો નિરાશ જણાતો હતો. તેમણે તે બ્રહ્મચારીને પૂછ્યું, ‘તું આવો કેમ દેખાઈ રહ્યો છે ? શું તેં નાસ્તો કર્યો ? તારી ઊંઘ સારી થઈ હતી ?’ પરંતુ બ્રહ્મચારી ત્યારે પણ થોડા અસ્વસ્થ હતા. મહારાજે કહ્યું, ‘તું દવાખાનામાં સેવા આપવા માટે જઈ રહ્યો છે. દર્દી તો પહેલેથી જ બીમાર છે. જો તું પોતે જ આટલો નિરાશ હો તો દર્દીઓને શું આશ્વાસન આપીશ ? આવો ઉતરેલો ચહેરો લઈને તેમની પાસે ન જા. તારે તેઓને પ્રસન્ન કરવાના છે. મંદિરમાં જઈને શ્રીરામકૃષ્ણને પ્રાર્થના કર અને ફરી પ્રસન્ન ચહેરે આનંદસહ દવાખાનામાં જા. તારે એમને પ્રેરણા આપવી જોઈએ, તેમને મદદ કરવી જોઈએ, થોડા સહાનુભૂતિપૂર્ણ શબ્દો બોલવા જોઈએ અને તેમને પ્રસન્ન કરવા જોઈએ. જો તું પોતે જ ઉદાસ અને અસ્વસ્થ હોય તો તેમને શું પ્રેરણા આપીશ?’ કોઈ નિરાશાજનક ચહેરો લઈને દવાખાનામાં જાય તેવું તેઓ ક્યારેય પસંદ કરતા નહીં. તેઓ અમને કહ્યા કરતા, ‘તમે બધા અહીં આનંદ માટે છો. પ્રસન્ન રહો અને ત્યાં જઈને તેમને પણ પ્રસન્ન કરો. આ સૌથી અગત્યની વાત છે. તેઓ તો કલેશ-દુ:ખના માર્યા રોગી વ્યક્તિઓ છે અને તમે બધા ત્યાં બીમાર જેવું મોં લઈને જાઓ છો !’ પછી તેમણે ઈસા મસીહને ઉદ્ધૃત કર્યા, ‘જ્યારે ઉપવાસ કરો ત્યારે મોઢા પર તેલ વગેરે ઉપયોગ કરી લગાડૉ.’ જેનો અર્થ એ છે કે તપસ્યાપૂર્ણ જીવન વિતાવતા રહીને પણ આનંદ વિનાના દેખાઓ નહીં, પ્રસન્નચિત્ત રહો.
‘મંદિર તથા હોસ્પિટલમાં એક સમાન રહો’
હોસ્પિટલમાં સેવાકાર્ય માટે મોકલતા પહેલાં કેટલીકવાર મહારાજ અમને કેટલાક નિર્દેશો આપીને પ્રેરિત કર્યા કરતા હતા. આવા જ એક પ્રસંગ પર તેમણે કહ્યું હતું, ‘જુઓ, આ મંદિર છે અને તે હોસ્પિટલ છે. જ્યારે તમે મંદિરમાં જાઓ છો ત્યારે ત્યાં ફળો, ફૂલો, સ્તોત્રો તથા મંત્રો સાથે જાઓ છો. જ્યારે તમે હોસ્પિટલમાં જાવ છો ત્યારે ત્યાં ભોજન-પથ્ય, દવાઓ તથા કેટલાક સહાનુભૂતિપૂર્ણ શબ્દો લઈને જાઓ છો. બન્ને બિલકુલ એક સરખું જ છે. તમે જે કંઈ મંદિરમાં કરો છો અને જે કંઈ હોસ્પિટલમાં કરો છો તે એકબીજાથી અલગ નથી. આ જ સ્વામીજી (વિવેકાનંદ)નો આદર્શ છે. એટલે હંમેશાં એવી વિચાર ભાવનાનો દૃષ્ટિકોણ રાખો. આપણો પ્રત્યેક વ્યવહાર ખૂબ સાવધાનીપૂર્વક નિર્મળ રાખો. તેમના પ્રત્યે સ્નેહી તથા કરુણાશીલ બનો. તેઓ બધા તમારી મદદ ઇચ્છે છે. જાઓ !’ આ રીતે નાના નાના ઉપદેશો આપીને તેઓ અમને હોસ્પિટલ મોકલતા રહેતા.
એક દિવસ મહારાજે મને બતાવ્યું, ‘આને ‘Sick-house’ (બીમારોની શાળા)ને બદલે ‘Hospital’ (ચિકિત્સાલય) શા માટે કહે છે ? – એટલા માટે કે આપણે ‘Hospitable’ (સત્કારની ભાવનાવાળા) હોવું આવશ્યક છે. જ્યારે લોકો આવે છે ત્યારે સત્કારની ભાવના મુખ્ય વાત છે. તેને ભૂલો નહીં અને ‘Patient’ (દર્દી-રોગી) શું છે ? તેઓ બધા રોગગ્રસ્ત લોકો છે. તેમની સાથે વ્યવહાર કરતી વખતે તમારામાં ‘Patience’ (ધીરજ) અવશ્ય હોવી જોઈએ. તેઓ ‘Patient’ (રોગી) કહેવાય છે કારણ કે તમને એ શીખવે છે કે //(ધૈર્યવાન) કેવી રીતે બની શકાય.
નાની એવી સેવા પણ અર્થપૂર્ણ છે
એકવાર બપોરના સમયે એક એવા રોગીને લાવવામાં આવ્યો કે જેની સ્થિતિ ઘણી જ ખરાબ હતી. એ સમયે હોસ્પિટલ બંધ હતી. દર્દીને લઈ આવનારાઓ તેને હોસ્પિટલની બહાર રસ્તા પર છોડી ગયા. હું ગંગાસ્નાન કરી પાછો આવતો હતો અને મેં તેને રસ્તા પાસે પડેલો જોયો. મેં ડોક્ટરને બોલાવ્યા, તેમણે આવીને દર્દીને તપાસ્યો અને કહ્યું, ‘આ જલદી જ મરી જશે; હોસ્પિટલમાં દાખલ કરવાથી કંઈ લાભ થવાનો નથી.’ આટલું કહીને ડોક્ટર ચાલ્યા ગયા. હું ત્યાંથી જઈ ન શક્યો, હું ત્યાં જ દર્દીને જોતો ઊભો રહ્યો. મારી સમજમાં ન આવ્યું કે શું કરવું જોઈએ, કેમ કે ડોક્ટરનો અભિપ્રાય અંતિમ માનવામાં આવે છે. તે સમયે મેં સ્વામી કલ્યાણાનંદજીને જોયા, જેઓ અંદરથી મારી તરફ જોઈ રહ્યા હતા. તેમણે મને ઈશારો કરી બોલાવ્યો કે જેથી હું તેમની પાસે જાઉં અને બતાવું કે વાત શું છે ? મેં અંદર જઈને કહ્યું, ‘એક દર્દી બહાર રસ્તા પર પડ્યો છે, ડોક્ટરે કહ્યું કે તે કોઈ પણ સમયે મરી જાય તેમ છે. એટલે તેને દાખલ કરવાની શું જરૂર છે ?’
મહારાજે કહ્યું, ‘નહીં, દરવાજો ખોલો, એક પથારી તૈયાર કરો અને તેને અંદર રાખો. જો તે મરી જાય તો તેને શાંતિથી મરવા દો. ઓછામાં ઓછું તું તેની થોડી સેવા તો કરી શકીશ. આપણે નથી જાણતા કે કોણ ક્યારે મરશે. આ સેવાશ્રમ છે, સેવાનું સ્થાન છે. ભલે તમે બે મિનિટની સેવા કરો કે બે કલાકની, બે દિવસની કે બે મહિનાની, એનાથી કોઈ ફેર પડતો નથી. તમારે તો બસ તેમની સેવા કરવાની છે. તેને મરવા માટે થઈને રસ્તા પર છોડી દેવો ? (આ કેવી વાત છે) ?’ તરત જ દોડીને મેં દરવાજો ખોલ્યો અને બીજા બે છોકરાઓની મદદ લઈ દર્દીને એક ખાલી ઓરડામાં રાખ્યો. મહારાજે આવીને તેને જોયો. તેમણે કેટલીક દવાઓ આપવાનું બતાવ્યું અને તેને થોડું ગ્લૂકોઝનું પાણી તથા લીંબુનું શરબત આપવાનું મને કહ્યું, મેં તેને તે આપ્યું. ચાર કલાક પછી તેણે અંતિમ શ્વાસ લીધો. પછી મહારાજે આવીને કહ્યું, ‘જુઓ, હવે એ જોવાની તારી જવાબદારી છે કે તેની અંત્યેષ્ટિ અને અન્ય અનુષ્ઠાનોનું પાલન થાય. એટલે હવે તમે આ દેહને ગંગાના કિનારે લઈ જાઓ અને અગ્નિસંસ્કાર વિધિ સંપન્ન કરો. આ બધી વાતો લોકોને માટે સહાયરૂપ છે. તેઓ દૂર ગામડાઓમાંથી આવે છે. તેઓ બીજે ક્યાં જાય?’ એટલે અમે અગ્નિસંસ્કારની પણ વ્યવસ્થા કરી અને આ અંગે મેં તેને લઈ આવનારી બે વ્યક્તિઓને વાત કરી. તેઓ ઘણા ખુશ હતા. નહીં તો તેઓ તેને લઈને જાય પણ ક્યાં ? આ રીતે મહારાજ એ વાત પર વિશેષ ધ્યાન આપી જોતા કે નાની એવી સેવા પણ કરવામાં આવે. જો તમે ફક્ત થોડી જ ક્ષણો માટે પણ સેવા કરો છો તો તે પણ ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. વાત એ નથી કે તમે કેટલો સમય સેવા કરી રહ્યા છો : જેની જરૂરિયાત છે તે ચોક્કસ કરવું રહ્યું.
Your Content Goes Here




