ગાંધીજીએ ટ્રસ્ટીશીપ મૅનેજમૅન્ટની વાત કરી હતી. તેના મૂળમાં ઋષિઓની અનુભૂતિઓ રહેલ છે. ‘ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્’ જેવા વિચારોનું પ્રવર્તમાન પરિસ્થિતિમાં આચરણ શક્ય છે? આવો પ્રશ્ન આપણા મનમાં જાગે એ સ્વાભાવિક છે. તેના ઉત્તરરૂપે અહીં પ્રખ્યાત ઉદ્યોગપતિ અને સમાજ સેવક શ્રીકાન્તિસેન શ્રોફના વિચારો અને અનુભવો પ્રસ્તુત છે. તેમને ‘ધ વીક’ પત્રિકા દ્વારા ૧૯૯૫નો ‘મેન ઓફ ધ ઈયર’ (Man of the year) એવાર્ડ પ્રાપ્ત થયેલ છે. એક્સેલ ઇન્ડસ્ટ્રિઝ લી.ના મેનેજિંગ ડિરેક્ટર પદેથી નિવૃત્ત થઈને હાલ તેઓશ્રી કચ્છમાં ભૂજેડી ખાતે સંપૂર્ણપણે સમાજ સેવાને સમર્પિત થઈ ગયા છે. આજે પણ આ ‘એકસેલ’માં ઉચ્ચતમ અધિકારીથી માંડીને સામાન્ય મજૂર એકીસાથે પ્રાર્થના કરે છે, કામ કરે છે, ભોજન લે છે, પરિવારની જેમ તેઓ રહે છે તે બાબત ટ્રસ્ટીશીપ મૅનૅજમૅન્ટના સિદ્ધાંતની સફળતા પૂરવાર કરે છે. – સં.
અમારાં માતાપિતાની છત્રછાયા હેઠળ કર્મનિષ્ઠા, સાથે રહેવું, જીવવું અને જોગવવું, સાથે પુરુષાર્થ કરવાની સાચી સહચાર-સહકારની ભાવનાનાં આચરણનાં બીજ અમારાં જીવનમાં રોપાયાં હતાં. અમે બધાં એમ પણ માનતાં કે સર્વમાં એક જ ઈશ્વર રહેલો છે, આપણે સૌ એક છીએ, સમાન છીએ. કુટુંબમાં પણ કોઈ નવું કાર્ય કે પ્રયોગ સૌ સાથે રહીને કરતા. સ્વમેળે કરેલાં કાર્યની સિદ્ધિનો આનંદ અનેરો છે. ઘરની કે કુટુંબની બધી કામગીરી કરવામાં અમને કોઈ છોછ ન હતો. સૌ સાથે મળીને કાર્ય કરીએ એટલે બધાંની લાગણી, બુદ્ધિ, કાર્ય કુશળતા, સમજદારી, સહકાર અને સમભાવનાનો લાભ સૌને મળે, હજુ આપણને આઝાદી મળી ન હતી. મારા પિતાશ્રી અવારનવાર કહેતા, ‘આપણે ભલે અંગ્રેજોને ધિક્કારીએ, એમને દેશમાંથી હટાવવાનો પ્રયાસ કરીએ પણ એમની પાસેથી આજ્ઞાંકિતતા, શિસ્તપ્રિયતા, કાર્યનિષ્ઠા, સ્વચ્છતા અને આરોગ્ય, સભ્યતા, શિક્ષણ અને અભ્યાસપટુતા અને દેશદાઝ જેવા ગુણોને આપણાં જીવનમાં આપણે સૌ પ્રથમ ઉતારવા પડશે. એ પછી જ આપણે આપણા સ્વરાજનું સાચું જતન કરી શકીશું. અને ભ્રાતૃભાવ, સર્વસમાનભાવ અને સર્વકલ્યાણની ભાવના જો આપણે આપણી ભીતર જગાડીશું તો જ સ્વરાજનો પાયો મજબૂત બની શકશે.’ પશ્ચિમનાં વિજ્ઞાન ટૅકનોલોજી, ઉદ્યોગ અને પરિશ્રમશીલતાને આપણાં દેશમાં ચરમ સીમાએ લઈ જવાનો ભગીરથ પ્રયાસ કરવો પડશે. એ માટે બધી ક્ષમતાઓ પણ આપણે કેળવવી પડશે. દેશના લોકોના હિત માટે નવી વૈજ્ઞાનિક દૃષ્ટિ સાથેની કાર્યનિષ્ઠા પણ કેળવવી પડશે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી અને બીજા વિશ્વયુદ્ધ પહેલાં યુરોપમાં જન્મેલા નવા સમાજવાદ અને મૂડીવાદના વિચારો, કાર્લમાર્ક્સના વિચારી, સ્વામી વિવેકાનંદના ‘દરિદ્ર દેવો ભવ’, ‘અજ્ઞ દેવો ભવ’, ‘મૂર્ખ દેવો ભવ’, ‘દુઃખી સંતમ દેવો ભવ’ની શિવ ભાવે જીવ સેવાના આદર્શો, મહાત્મા ગાંધીજીની સર્વોદય દ્વારા, રામરાજ દ્વારા ગ્રામોદ્વાર અને સર્વોદ્ધારની વિચારસરણીનાં વિચારવમળો અમારાં સૌનાં મનમાં ઘેરાયેલાં રહેતાં.
૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નિકળ્યું. પરદેશી આવતા માલનું પ્રમાણ ઓછું અને ઓછું થવા લાગ્યું. અહીં આપણા દેશમાં અનેકવિધ રસાયણોની માગ ઊભી થતી જતી હતી. આટલાં વર્ષોના રસાયણોના પ્રયોગો દ્વારા અમારા હૈયામાં હામ બંધાઈ કે નાના પાયા પર રસાયણ ઉદ્યોગો શરૂ કરી શકાય. કેટલાક મિત્રોની મદદથી રૂપિયા દસ હજારમાં ૧૯૪૧ના નવેમ્બરમાં એક્સેલ ઇન્ડસ્ટ્રિઝ મુંબઈના એક પરામાં એક ઓરડામાં શરૂ થઈ. એક નક્કી હતું કે ટૂંકા ગાળામાં જલદી જલદી પૈસા કમાઈ લેવા માટે આ ઉદ્યોગ શરૂ નહોતો કર્યો, પણ એ જીવનનાં મૂલ્યોનું સામૂહિક રીતે અમલીકરણનું સ્થાન હતું, છે અને રહેશે એ આદર્શ સાથે અમે સૌ કામ કરતા હતા. ‘Profit is the by-product of the services given. Be innovative and always locate easily available raw materials to produce valuable goods for the customer એ ત્રણ મંત્રો સાથે, એક્સેલ ઇન્ડસ્ટ્રિઝ આગળ ધપતી હતી. દસ હજા૨ રૂપિયામાં કંઈ કારખાનું ચાલવાનું નહોતું. પણ કામ શરૂ કરવાને માટે એક માત્ર ટેકો હતો. કામ તો આગળ વધવાનું હતું પેલાં મૂલ્યો પર આધાર રાખીને. આ દેશમાં અમને જોઈને બીજા પણ આવા મૂલ્ય આધારિત ઉદ્યોગો સ્થપાય અને હજી ભલે બ્રિટિશરો રાજ કરતા હોય તો પણ આપણે એવું સરસ કામ કરી દેખાડીએ કે સૌને એ કામ માટે માન થાય એ હતી આ કાર્ય શરૂ કરવા પાછળની અમારી ભાવના. એ સમયે દિલ્હીથી જ ઉદ્યોગોનું નિયંત્રણ થતું એટલે એના કામકાજે દિલ્હી જવાનું પણ થાય. અમારાં આચરણોથી અને શુદ્ધ ભાવના અને વર્તનથી અધિકારીઓને પણ અમારા પ્રત્યે માન ઉપજતું. ટૂંકા ગાળાના નફા માટે ક્યારેય કોઈ કાચો માલ વધારે અને વહેલો સાટવી લેવાનો અમે પ્રયત્ન ન કરતા. કેટલાક લોકોને લાગતું કે આમ તે કાંઈ ધંધો થાય? અને આમ પૈસા રળી શકાય? પણ અમારા મનમાં એ સ્પષ્ટ ભાવ હતો કે પૈસા બનાવનારા લાંબો સમય ટકી શકે નહીં. આજે દાયકા પછી એ પૈસા બનાવનારાઓમાંથી કોઈ દેખાતા નથી.
ઉદ્યોગ સમાજના સ્તરને ઊંચો રાખે અને લાવે અને એની જવાબદારી સ્વીકારે એવા સ્પષ્ટ આદર્શ સાથે અમારું કામ સુપેરે ચાલતું હતું. હવે અમારે વધારે જગ્યાની જરૂર હતી એટલે જોગેશ્વરીમાં ભેંસોના ખાલી તબેલાને અમારું કામ વધારવા માટે ભાડેથી લીધો. કામ કરનારાઓમાંથી ઘણા ખરાને વાંચતાં લખતાં પણ ન આવડે, છતાંય એ બધાને કામ શીખવવાની જવાબદારી – મારા મિત્ર, સ્વદેશ કલ્યાણની ભાવનાવાળા, વૈજ્ઞાનિક દૃષ્ટિવાળા, શ્રીચાંપરાજ ભાઈએ પોતાની આગવી સૂઝ સાથે કેળવી હતી. પોતાને કામ આવડે એટલે બીજાને શીખવી શકાય. અને એ રીતે મુશ્કેલ લાગતી પ્રક્રિયાઓ પણ સહજ સરળ બનાવી શકાતી. ઉદ્યોગની મોટી મૂડી એટલે જ્ઞાન અને જ્ઞાન એટલે પુસ્તકો અને અભ્યાસ. મારા પિતાશ્રીના વખતથી ઘરમાં પુસ્તકો રહેતાં. કારખાનામાં તો હવે વધારે પુસ્તકો આવવાં લાગ્યાં. દુનિયા ભરનું જ્ઞાન પુસ્તકોમાંથી મળે. જેમ જેમ જ્ઞાન અને કાર્યકુશળતાથી અમારા કામમાં નિપુણતા આવતી ગઈ તેમ તેમ અમારા બધા સાથીઓની મદદથી વધારે ને વધારે કાર્ય કરવાનું શરૂ થયું. પગારદાર તો બધાં જ હોય પણ એ મજૂર ન રહે, એક સાથી બને-સહકાર્યકર બને એવી જવાબદારી ભરી ભાવના અમે રાખતા. જેમ જેમ કામ વધતું ગયું તેમ તેમ કુટુંબના બીજા સભ્યો પણ એમાં જોડાતા ગયા. હું તો હતો આર્ટીસ્ટ. પણ દેશની સાચી સેવા આવા ઉદ્યોગ ક્ષેત્રમાં કામ કરીને થઈ શકશે એનો મને ખ્યાલ આવી ગયો. શ્રીચાંપરાજભાઈને તેમના પ્રયોગોમાં ઘરે પણ મદદ તો કરતો પણ હવે એક્સેલમાં કારકીર્દિ બનાવવી એવો નિર્ણય કર્યો. આર્ટીસ્ટ તરીકે એકાગ્રતા કેળવી હતી એટલે મનથી નક્કી કર્યું કે રહેવું તો તબેલામાં જ. દિવસ રાત કારખાનામાં કામ ચાલે, દિવસ રાત લોકો કામમાં લાગેલા હોય અને એ બધા પાસેથી ધીમે ધીમે એમની આવડતો હું કેળવવા માંડ્યો, શીખવા માંડ્યો. ભઠ્ઠીની બધી નાની મોટી કામગીરી શીખતાં શીખતાં હું એક સર્જકની મજા માણવાં લાગ્યો. ઉદ્યોગ તો આનંદ આપે, બધાને આનંદ આપે એ અનુભવવા મળ્યું. જ્ઞાન ભેગા મળીને મેળવાય, સંશોધન સાથે મળીને થાય, કાર્ય સિદ્ધિ એક બીજાના સાથ સહકારથી સાંપડે, બધી જ્ઞાનેન્દ્રિયોની મદદથી સાચું અનુભવ જ્ઞાન મળે એનો પૂરેપૂરો ખ્યાલ અમને ત્યારે આવ્યો. અક્ષર જ્ઞાનની એમાં એક નાની ભૂમિકા રહે છે. દિવસ રાત સાથે રહીએ, નાના મોટાના ભેદભાવ ન રહે તો જ ઉદ્યોગમાં ઉત્પાદકતાનો-સર્જનનો આનંદ મેળવી શકાય. લેબોરેટરીમાં પ્રયોગો થાય અને તરત મોટા પાયા પર કામ કરવું હોય તો સાધનો બનાવવાની સુવિધાઓ પણ ત્યાં જ ઊભી કરવી પડે. સુથારીકામ, લુહારીકામ, કડિયાકામ, ઇલેક્ટ્રીકલકામ, વેલ્ડિંગ-મોલ્ડિંગકામ, આ બધું શીખવું પડે. પોત પોતાની આવડત મુજબ દરેક સહકાર્યકર કામમાં પારંગત થતો જાય. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો, માનવની ભીતર રહેલી બધી શક્તિઓનું પ્રગટીકરણ અને પોતાની પૂર્ણતાનો આવિષ્કાર એટલે શિક્ષણ.’ એ આદર્શ અમને અનુભવવા મળ્યો. બધા વિચારકોમાંથી સ્વામી વિવેકાનંદના વિચારો અમારા જીવન ઘડતરમાં અને દૈનંદિન કાર્યોમાં સૌથી વધારે ઉપયોગી થયા. ‘જે લોકો બીજાના માટે જીવે છે તે જ લોકો સાચું જીવન જીવે છે, બાકીના બધા તો જીવતા છતાં મરેલા જેવા છે.’ આ વાક્યે આમારા સૌના હૃદયમાં ઘણો પ્રભાવ પાડ્યો હતો. અમારા એક ભાઈ શ્રીરામકૃષ્ણ મિશનમાં ૧૯૩૯થી જોડાયા હતા એટલે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાની અમારા પર વધારે અસર હતી. એ ભાઈનું ૧૯૪૯માં અવસાન થયું પણ રામકૃષ્ણ સંઘ સાથેનો અમારો સંબંધ વધારે ગાઢ થતો ગયો. સ્વામીજીનાં ‘વ્યવહારુ વેદાંત’ વિશેનાં ભાષણો-લેખો અમારા માટે માર્ગદર્શક બની રહ્યાં.
અમારાં બા પણ ફેક્ટરીમાં રહેવા આવી ગયાં હતાં. તેઓ બધા કામદારોનાં પણ મા બન્યાં હતાં. એમના ખાવાપીવામાં, આરોગ્ય વિશે તેઓ બહુ કાળજી રાખતાં. હજી પણ લોકો એ માટે માને સંભારે છે. વિજ્ઞાનનો ઉપયોગ દેશના સાર્વત્રિક કલ્યાણના કામમાં કરવો જોઈએ. એ બાબતમાં અમે ક્યાંય બાંધછોડ કરી નથી. ૧૯૪૭માં દેશ સ્વતંત્ર થયો. નવાં નવાં કામ કરવાની શક્યતાઓ પણ વધતી ગઈ. આ બધા ભણેલ, અભણ, નાનામોટા, ભિન્ન ભિન્ન, ભાષા-સંસ્કૃતિવાળા સાથીઓને સાથે રાખીને કંઈક નવું કરવાનો કેટલો આનંદ થતો! ઓછા સમયમાં અને ઓછાં ખર્ચે સારું ઉત્પાદન કરવાની ક્ષમતા અમે ધરાવતાં થઈ ગયા. કેટલાકને મન કરોડો રૂપિયાને ખર્ચે પણ અશક્ય લાગતાં કામ અમારા સહકાર્યકરોની મદદથી, સર્જકતાથી, જિંદાદિલીથી અને કાર્યક્ષમતાથી પૂરાં કરી શકતા. ૧૯૫૬ની સાલથી ભારત સરકારે ખેતીને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું ત્યારથી એક્સેલે પણ ખેતીને લગતા રસાયણો પર વધુ ને વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું અને છેલ્લા ચાલીસ વર્ષમાં આખા દેશમાં ખેડૂતવર્ગ પાસે અમે પહોંચતા થયા. શરૂઆતના દાયકાઓમાં ફક્ત પશ્ચિમના વૈજ્ઞાનિકો જેવા થવાની ઇચ્છા રાખતા પણ અમને ખ્યાલ આવ્યો કે આપણે આપણા દેશમાં આપણું વિજ્ઞાન સર્જવું પડશે. એ માટે નિષ્ણાતો કાર્યકરો તૈયાર કરવા પડશે અને એવા લોકોને દેશભરમાંથી ભેગા કરવા પડશે. ‘ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્’ એ ભાવથી જોતા શીખવું પડશે. સર્જન અને દર્શન એક થાય તો બધે સુંદરતા અને સંપૂર્ણતા અનુભવી શકાય.
સ્વામી વિવેકાનંદના સંદેશને આદર્શ તરીકે સામે રાખીને ભવિષ્યના એમાં બનતા પદાર્થોનું ઉત્પાદન, એનું વેચાણ અને એમાંથી મળતો નફો એ એના માપદંડ નહીં હોય. એણે સમાજના ઉત્થાનની જવાબદારી લેવી પડશે. આપણાં વિખવાદ, ઝઘડા, જાતિવાદ, ગરીબી, અજ્ઞાનતા, આ બધું વધી રહ્યું છે તેને ડામવા પડશે. અણખૂટ્યો સૂર્યપ્રકાશ, વરસાદનું પાણી, પ્રકૃતિદત્ત વાતાવરણ, ફળદ્રૂપ ભૂમિ, વનસ્પતિ, પ્રાણીપક્ષીઓ, આપણી આ અસ્ક્યામતો આપણે ત્યાં હાજર છે એને ઉપનિષદની દૃષ્ટિથી જોગવવાની છે અને સૌની સેવા કરવાની છે. એટલે આપણી દૃષ્ટિમાં પવિત્રતા અને સેવા ભાવનાની જરૂર પડવાની છે. તે માટે છેલ્લા થોડા દાયકાઓથી દુષ્કાળથી ઘેરાયેલા કચ્છમાં ‘સૃજન’-વિવેકાનંદ રીસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને એગ્રોસેલ સર્વિસ સેન્ટર તેમજ અમારા સાથીઓના સહકારથી ચાલતી બીજી સંસ્થાઓ આવું સેવા કાર્ય કરે છે. આવું કામ કરવા માટે સ્વામીજીએ પ્રબોધેલ શ્રદ્ધા, એકાગ્રતા, સમન્વય ભાવના અને અદ્વૈતભાવ જેવા ગુણોની જરૂર પડે એ સ્વાભાવિક છે. એક પછી એક એમ હાથ ધરાતી જવાબદારીઓ સ્વીકારવામાં સ્વામીજીના આ ચાર ગુણો અમને સૌને માર્ગદર્શન રૂપ બની ગયા છે.
Your Content Goes Here




