ઈ.સ. પૂર્વે ૫૯૯ની આ વર્ષો પુરાણી કથા છે. વૈશાલી નગરના એક ગ્રામ કુંતપુરમાં દિવ્યકાંતિવાળા એક શિશુએ જન્મ લીધો. એનું નામ પડ્યું વર્ધમાન. એમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી. એમના પિતા એક મોટા જમીનદાર હતા. ન્યાય અને ધર્મમાં એમની ખ્યાતિ પ્રસરી ગઈ હતી. પોતાના જીવનના ઉત્તર કાળમાં એમણે તીર્થંકર પાશ્વનાથના ધર્મનો અંગીકાર કર્યો. એવી લોકોક્તિ છે કે વર્ધમાનના જન્મ સમયે માતા ત્રિશલાદેવીએ ઘણાં આશ્ચર્યજનક સ્વપ્ન જોતાં. તેથી તેમના હૃદયમાં એક દિવ્ય ચેતના જાગી ઊઠી; થોડા સમયમાં જ તેઓ એક મહાપુરુષને જન્મ આપશે એ વાત તરત જાણી ગયા. એવી પણ કિંવદતી છે કે જે વર્ષે માતાપિતાની આશાને સફળ બનાવીને વર્ધમાન મહાવીરે જન્મ લીધો તે વર્ષે વૈશાલી નગરમાં સર્વત્ર ધન-ધાન્ય વિપુલ પ્રમાણમાં નીપજ્યું હતું અને સમગ્ર રાજ્યમાં આનંદ અને સુખાકારીનું વાતાવરણ હતું. દેશના આવા આનંદદાયી વર્ષમાં પુત્રનો જન્મ થયો હતો એટલે એમના માતપિતાએ એમનું નામ વર્ધમાન રાખ્યું.
વર્ધમાનનું લાલનપાલન ઐશ્વર્ય અને ઉચ્ચ ભદ્ર સમાજના સુખોપભોગમાં થયું હતું. એમના જન્મ સમયે જે દિવ્ય સ્વપ્ન જોયું હતું તે કંઈ વ્યર્થ થવાનું ન હતું. માતાપિતાની ધર્મપરાયણતાનો પ્રભાવ બાલ્યકાળથી જ વર્ધમાન પર પડતો રહ્યો. એમના પિતા સિદ્ધાર્થ શ્રમણ ધર્માવલંબી હતા. તેથી જ પાશ્વનાથના શ્રમણો વારંવાર એમના નિવાસસ્થાને આવતા અને ધર્માલોચના કરતા. નાનો બાળક હોવા છતાં વર્ધમાનના મન પર આ શ્રમણોની ધર્માલોચનાનો ગહન પ્રભાવ પડ્યો હતો. ઐશ્વર્ય અને ધનવૈભવથી ભરપૂર ઘરમાં જન્મ લીધો હોવા છતાં પણ વર્ધમાનના મનમાં ક્યાંય સુખચેન ન હતાં. બાળપણથી જ તેઓ એ વાત સમજી શકતા કે આવા ભોગૈશ્વર્યની વચ્ચે માનવના આ નશ્વર જીવનમાં પરમસુખની પ્રાપ્તિ થવી શક્ય નથી. જે પથનું અવલંબન કરીને તીર્થંકર પાશ્વનાથનું જીવન મહિમામંડિત બન્યું હતું, જે અત્યંત કઠોર સાધના અને તપશ્ચર્યાથી ચિરવાંછિત માનવ આત્માનું અનુસંધાન એમણે સાધ્યું હતું; એ જ પથનું અવલંબન પોતે પણ એક દિવસ કરવું પડશે એવું વર્ધમાનને લાગતું હતું. ત્યાગ-તપશ્ચર્યા અને અહિંસા દ્વારા માનવ જીવનનું પરમલક્ષ્ય એટલે કે મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. ભોગલાલસામાં ઉન્મત્ત બનેલા પથભ્રષ્ટ માનવને આ નવીન પથ બતાવવો પડશે. એ પથમાં ત્યાગ અને અહિંસાવ્રત મુખ્ય વ્રત રહેશે.
બાલ્યકાળમાંથી જ વર્ધમાનના ચારિત્ર્યમાં નિષ્કટતા, સત્યનિષ્ઠા, નિર્ભિકતા અને સાહસિકતા તેમજ અધ્યવશાયશીલતા જેવાં કેટલાંક વિશેષ લક્ષણો જોવાં મળતાં. એમને વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરવો ખૂબ પસંદ હતો. આ શાસ્ત્રાભ્યાસ કરવામાં એમને પિતા પાસેથી ઘણી પ્રેરણા, ઉત્સાહ અને સહાય મળી રહેતાં. વર્ધમાન મેધાવી હતા એટલે થોડા જ સમયમાં વિવિધ શાસ્ત્રોમાં પારંગતતા મેળવી લીધી. મિથ્યાચાર કે કપટભાવને તેઓ ક્યારેય સહી ન શકતા.
એમની સાહસિકતા કે હિંમત વિશે એક ઘટના છે. એક વખત તેઓ મિત્રબંધુઓ સાથે આનંદવિભોર થઈને રમતો રમતા હતા. એ જ સમયે અચાનક એક ભયંકર ઝેરીલો નાગ ક્રોધથી ફેણ ચડાવીને ફૂંફાડા મારતો, બધા છોકરાને ડરાવતો ધસી આવતો હતો. ભયભીત થયેલા અને સાપના ભયથી ત્રાસિત બીજા બધા અવાક્ બની ગયા અને મોટા અવાજે રડવા લાગ્યા. વર્ધમાનને આની કંઈ ખબર ન હતી. જાણ થતાંની સાથે જ તેઓ સાપ તરફ દોડી ગયા, વજ્રમૂઠથી સાપની પૂંછડી પકડીને હવામાં વીંઝ્યો અને દૂર ફેંકી દીધો. આ હિંમતવાન બાળક જ પછીના જીવનમાં સર્વત્યાગી શ્રમણ કે સંન્યાસી થઈને પરિવ્રાજક રૂપે દૂરસુદૂરના દુર્ગમ નિર્જન પ્રદેશમાં કે ગહન અરણ્ય પ્રદેશોમાં ભમતાં ભમતાં આવનારાં અતિ દુ:સહ દુ:ખક્લેશને નિર્વિકાર ચિત્તે સહન કરીને અભીષ્ટ મોક્ષમાર્ગના વ્રતી બનશે, એ વિશે કોઈને શંકા આવે તેવું ન હતું.
અરે! આ જ અપાપવિદ્ધ વર્ધમાન પણ એક દિવસ માયાના પાશમાં બંધાયા. વર્ધમાનના યૌવનકાળે પિતામાતાએ વૈશાલીના ઉપરાજ્યના સમયવીર નામના સામંતની પરમસુંદર પુત્રી યશોધરાની સાથે તેમનાં લગ્ન કરાવ્યાં. થોડા સમય પછી એમને ત્યાં એક કન્યા રત્નનો જન્મ થયો. એનું નામ અનવદ્યા રાખવામાં આવ્યું. પછીથી આ કન્યા પ્રિયદર્શનાના નામે જાણીતી બની.
દૈવે નક્કી કરેલા જીવનક્રમવાળાને સંસારના બંધનમાં શાંતિ મેળવવી સંભવ નથી. એટલે જ થોડા સમય પછી વર્ધમાનને પોતાનું સંસાર જીવન વિષ્યમય લાગવા માંડ્યું. કોઈ અલૌકિક લોકમાંથી આવીને એમને સંસારસાગરની વિપત્તિઓમાંથી મુક્ત બનવાનો માર્ગ બતાવતું. એમના મોહનો અંધકાર દૂર થતાં તેમના મનમાં મુક્તિના નવ-અરુણનો ઉદય થયો. સંસારમાંથી પોતાની જાતને મુક્ત કરવા માટે એમના મનમાં તીવ્ર આકાંક્ષા જાગી. પોતાના હૃદય સાગરમાં આ આકાંક્ષાનાં વમળો ઊઠવાં લાગ્યાં. અરે! કોણ અને કેવી રીતે કરી આપશે આ મુક્તિપથનું અનુસંધાન! અને ક્યારે એ મોક્ષ પ્રાપ્તિ સંભવ બને! એમનું મુમુક્ષુ અંતરમાં અગનજાળ લાગી.
ના, હવે ઝાઝી વાર નહિ. હવે વર્ધમાન કૃતસંકલ્પ બન્યા હતા. હવે કોઈ બંધન કે ક્રંદન એમને રુંધી કે રોકી શકવાના નથી. સંસારનો ત્યાગ કરવો જ રહ્યો. વર્ધમાન શ્રમણ ધર્મજીવનની દીક્ષા લેવા માટે દૃઢપ્રતિજ્ઞ બન્યા. સંસારમાં કોઈનાં અનુનયવિનય, સૌંદર્યવાન પત્નીની આરત, પ્રિય પુત્રીનાં સજલનયનો – આમાંનાં કોઈ એમને હવે સંસારનાં બંધનમાં રાખી શક્યાં નહિ.
અગ્રહાયણ માસ એક અપરાહ્ન વેળાએ વર્ધમાને ગૃહત્યાગ કર્યો. અપાર સમૃદ્ધિની વચ્ચે જેમનો જન્મ થયો હતો તેવા વર્ધમાને એક જ ઝાટકે સંસારનો પરિત્યાગ કર્યો અને શ્રમણની જેમ કૌપીન અને ઉત્તરીય વસ્ત્ર પરિધાન કર્યાં. સર્વત્યાગી શ્રમણ કે સંન્યાસીના રૂપે દીક્ષા લીધી. શ્રમણની જેમ એક પરિવ્રાજક બનીને નીકળી પડ્યા. બાલ્યકાળથી જ ધર્મની પિપાસાવાળા વર્ધમાનને પરિવ્રાજક મહાવીર રૂપે સાર્થક જીવનપ્રકાશ સાંપડ્યો. શ્રમણ મહાવીરના જીવનમાં એક નૂતન અધ્યાયનો પ્રારંભ થયો. દેહાત્મભાવને પૂરેપૂરો ત્યજી દઈને દુષ્કર તપશ્ચર્યાનો આરંભ કર્યો. મન-વચન-કર્મથી તેમણે સર્વત્યાગી શ્રમણના દશવ્રતો (ક્ષમા, માર્દવ, આર્જવ, નિર્લોભત્વ, અકિંચનત્વ, સત્ય, સંયમ, તપસ્યા, શૌચ અને બ્રહ્મચર્ય)નો અંગીકાર કર્યો. સામાન્ય શ્રમણ માટે આમાંથી થોડાં ઘણાં વ્રતોનું પાલન કરવું પણ દુષ્કર છે. પરંતુ સિદ્ધિલાભ માટે મહાવીર દૃઢ પ્રતિજ્ઞ હતા. પરિવ્રાજક અવસ્થામાં ક્લેશ, દુ:ખ, કષ્ટોમાં પણ આ દશેય વ્રતમાં અંશમાત્ર પણ તેઓ ચલિત ન થયા.
દિવસો વીતે છે, મહિનાઓ વીતે છે, એક પછી એક વર્ષ પણ આવે છે અને જાય છે; પણ પરિવ્રાજક મહાવીરની પદયાત્રા અટકી નહિ. હવે તેમના અંગેથી કૌપીન અને ઉત્તરીય પણ ચાલ્યાં ગયાં. તેઓ સંપૂર્ણપણે દિગંબર બની ગયા. મહાવીરની પરિવ્રાજક અવસ્થાનાં દુ:ખકષ્ટો પણ અવર્ણનીય છે. ઊંચાનીચા ખાડા ટેકરાવાળા નિર્જન અસંખ્ય વનવગડા; રાની પશુઓ અને જીવજંતુઓથી ભરેલા અનેક અરણ્યપ્રદેશોમાં તેઓ કોઈ પ્રકારના ભય વિના પરિવ્રાજક રૂપે ભમતા રહ્યા. દિવસોના દિવસો સુધી કરેલા ઉપવાસથી દેહ ર્જીણ બની ગયો. તૃષાએ કંઠ સૂકવી નાખ્યો છે અને નિષ્ઠુર માનવીઓના ઉત્પીડનથી એમનાં અંગ-પ્રત્યંગ જર્જરિત બની ગયાં. આ બધું હોવા છતાં પણ મહાવીર પોતાની તપશ્ચર્યામાં અડગ-અટલ રહ્યા. પોતે અભીષ્ટલાભ પ્રાપ્ત કરવો જ રહ્યો. જો અભીષ્ટલાભની પ્રાપ્તિ ન થાય તો આ નશ્વર જીવનનો શો અર્થ? કેટલાંય વર્ષો સુધી પરિવ્રાજક રૂપે ભ્રમણ કરીને મહાવીર નાલંદામાં આવ્યા. નાલંદામાં એ સમયે અનેક દાર્શનિકો અને શાસ્ત્રજ્ઞ પંડિતોનો સમાગમ થતો. અહીં તેમણે કેટલાક માસ સુધી શાસ્ત્રોનું પઠનપાઠન કર્યું અને વળી પાછા પરિવ્રાજક રૂપે નીકળી પડ્યા. આ વેળાએ મહાવીરના જીવનમાં અધિકતર કઠિન પરીક્ષાની ઘડી આવી પડી. જૈન શાસ્ત્રોના ગ્રંથોમાં મહાવીરની આ દુષ્કર તપશ્ચર્યાનું હૃદયગ્રાહી વર્ણન જોવા મળે છે. મૌનવ્રતી, દિગંબર સંન્યાસીનાં કઠિન તપ, ત્યાગ, સંયમ અને સહનશીલતા એ યુગનું વિરલ દૃષ્ટાંત બની રહ્યાં. ષડ્રિપુનાં મોહનીય રૂપ એમના સાધનાપથમાં કેટલાં બધાં અંતરાયરૂપ બન્યાં અને કેટલી અતૂટ સાધના દ્વારા આ ચિત્તને ભ્રમમાં નાખી દેનારાં પ્રલોભનો પર વિજય મેળવ્યો હતો – આ બધાંની કથાઓ જૈનશાસ્ત્રગ્રંથોમાં શબ્દસ્થ બની છે. આ ઘટનાઓમાં સંગમકેરની ઘટનાકથા આવે છે. તપસ્યામાં મગ્ન બની ગયેલા મહાવીરને ઉત્પીડન કરતી વખતે તે લોકોનો કેવી રીતે પરાજય થાય છે એ વાતનો એમાં ઉલ્લેખ છે. એકવાર કેટલાક લોકોએ એમને દિગંબર અવસ્થામાં જોયા અને એમને પાગલ માની લીધા. મજાક મશ્કરી કરવા માટે દુર્બુદ્ધિવાળા લોકો ટોળે વળીને એમની પાછળ પડ્યા અને ભગાડવા માંડ્યા. વારંવાર ઈંટ પથરા મારી મારીને એમનું શરીર લોહીલુહાણ કરી મૂક્યું. વળી ક્યારેક એમના ભાવાવિષ્ટ દેહને આ માનવપશુઓ પોતાના નિષ્ઠુર ઉલ્લાસ આનંદ માટે ઊંચે ફંગોળતા અને તાળીઓ વગાડતા. એને લીધે મહાવીરના દેહનાં હાડકાં ભાંગી ગયાં. આમ હોવા છતાં પણ મહાવીર તો દેહભાનથી પર હતા. આવાં આકરાં દુ:ખકષ્ટ પણ એમને ઉગ્ર તપશ્ચર્યામાંથી ચલાયમાન ન કરી શક્યાં. ખરેખર એમની તપશ્ચર્યા અદ્ભુત હતી! એમની સાધનલબ્ધ વિભૂતિ અનન્ય હતી! ધીમે ધીમે મહાવીર પોતાના લક્ષ્ય તરફ આગળ ધપતા ગયા. એમને ખ્યાલ આવી ગયો કે એમના સિદ્ધિલાભ માટે હવે ઝાઝો સમયે બાકી નથી રહ્યો. સંશયરૂપી મહા-અરણ્યને તેમણે પાર કરી લીધું છે આ ધરતીનાં દુ:ખ, દૈન્ય પર એમણે વિજય મેળવ્યો છે. હવે એમના સિદ્ધિલાભમાં વાર કેટલી? અંતે એ શુભ ઘડી આવી ગઈ. તેર તેર વર્ષની સુદીર્ઘકાળની તેમની દુષ્કર તપસ્યા પૂર્ણ થઈ.
નદીનો કિનારો ઝીણી મુલાયમ રેતીનો હતો. નદી કલકલ નાદ કરતી વહે છે. આ નદીથી થોડે દૂર એક જંભીય નામે ગામ આવેલું છે. મહામુક્તિના ભાવમાં વિભોર બનીને મહાવીર એક વખત આ ગામમાં આવ્યા. એ સમયે મહાવીરનું વ્યક્તિત્વ પોતાની સામગ્રિક સત્તાના અપાર્થિવ તેજપૂંજ જેવું હતું. તેઓ દિવસરાત ભાવાવસ્થામાં રહેતા. એમના દેહમાંથી જાણે કે સાત્ત્વિક લક્ષણો પ્રસ્ફૂટ થતાં હતાં. વારંવાર રોમાંચિત બનીને એમનાં અંગો પુલકિત થઈ રહ્યાં છે. એમની મુખકાંતિ સ્વર્ગીય દિવ્ય પ્રકાશથી પ્રોજ્જ્વલ બની ગઈ છે. એકાએક મહાવીરનું હૃદયકમળ દિવ્યપ્રકાશથી ઉજ્જ્વળ થઈ ઊઠ્યું. આ એ જ સાલવૃક્ષ છે. આ એ જ અભીષ્ટ સ્થાન છે કે જેને આટઆટલા દિવસથી તેઓ સતત શોધતા રહ્યા હતા. પોતાની સમગ્ર સત્તા એના અણુયે અણુમાં પ્રગટી ઊઠી. આ જ સાલવૃક્ષની નીચે બેસીને મહાવીરે પોતાની સુદીર્ઘ તપસ્યાનું ફળ – મોક્ષલાભ પ્રાપ્ત કરવાના છે. જરાય વિલંબ કર્યા વગર આ વૃક્ષ તળે ધ્યાનમગ્ન અવસ્થામાં બેસી ગયા. ધીમે ધીમે મહાવીરનું મન અતીન્દ્રિય ભૂમિમાં ઊતરી ગયું. બધાં ચરાચર જગત આશ્ચર્યચકિત બનીને આ મહા સાધકની મહાન મુક્તિની જયયાત્રાને પોતાની નજરે નીહાળી રહ્યા. આકાશ અને પૃથ્વી પોતાના અપૂર્વ સૌંદર્યને વિસ્તારી રહ્યા છે. પક્ષીઓ કલકલનાદે ગાન ગાય છે. આકાશ – સમગ્ર સૃષ્ટિમાં, વનભૂમિમાં, નદીના તરંગોમાં એક નવીન છંદનો ઉદ્ભવ થઈ રહ્યો છે. જાણે કે આ મહાન સાધકની તપશ્ચર્યાના પરમ મુહૂર્તને સૌ કોઈ વંદી રહ્યા છે. મહાવીરનું સમગ્ર વ્યક્તિત્વ ક્રમશ: સ્થૂળમાંથી સૂક્ષ્મમાં, ઈંદ્રિયમાંથી અતીન્દ્રિયમાં, અંધકારમાંથી જ્યોતિમાં અને ભયમાંથી નિર્ભયમાં મળી ગયું. આવી રીતે બે દિવસ સુધી નિશ્ચલ સમાધિભાવમાં રહીને મહાવીર માનવ આત્માના અદ્ભુત આનંદમય સ્વરૂપનો ઉપભોગ માણતા રહ્યા. એમને અંતે સાંપડ્યાં દિવ્ય અનુભૂતિ અને મોક્ષ. કલ્પસૂત્રમાં ઉલ્લેખ છે કે મહાવીરે અંતે પોતાની બધી ઈંદ્રિયો પર વિજય મેળવ્યો અને ‘જીન’ કે ‘કેવલિ’ બન્યા.
(ક્રમશ:)
Your Content Goes Here




