(ગતાંકથી આગળ)

આટઆટલા દિવસો પછી સ્થૂળ અને સૂક્ષ્મની વાસ્તવિક અનુભૂતિનો સારો એવો અનુભવ થયો. લાંબા કાળની તપશ્ચર્યા બાદ મળેલી સિદ્ધિ પછી સમાજના વિભ્રાંત બનેલ અને પથભ્રષ્ટ થયેલા લોકોમાં આત્માના અમૃતત્વનો પ્રચાર-પ્રસાર ભગવાન મહાવીરે કર્યો. વન્ય પ્રદેશમાંથી તેઓ લોકજન વસતીના પ્રદેશમાં આવ્યા. એમની અમૃતમયી વાણીથી માનવ સમાજ મુગ્ધ બની જતો. મુમુક્ષુ લોકોનાં ટોળેટોળાં સરળ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એમની પાસે આવવાં લાગ્યાં. તેઓ ચહુદિશ જૈનધર્મના ચોવીસમા તીર્થંકર રૂપે સન્માન પામવા લાગ્યા. ચોવીસ તીર્થંકર – આદિનાથ (ઋષભદેવ), અજિતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાશ્વનાથ, ચંદ્રપ્રભ, સુબુદ્ધિનાથ, શીતલનાથ, શ્રેયાંસ્‌નાથ, વસુપૂજ્ય, વિમલનાથ, અનાથનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંભનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રત, નેમિનાથ, નેમિનાથ બીજા, પાશ્વનાથ, મહાવીર (વર્ધમાન). પાશ્વનાથ ત્રેવીસમા તીર્થંકર અને મહાવીર ચોવીસમા તીર્થંકર છે. જૈન, બૌદ્ધ અને હિંદુ શાસ્ત્રોમાં આ સંપ્રદાય વિવિધ નામે જાણીતો છે. સંસારનાં બધાં બંધનોથી તેઓ સંપૂર્ણપણે મુક્ત હોવાથી તેમને નિર્ગ્રંથ કહેવામાં આવે છે. તેઓ ઈંદ્રિયવિજયી હોવાને કારણે તેમને અરિહંત કહે છે. એમણે આ દુનિયાનાં બધાં લોભ-આકર્ષણને તપોબળથી જીતી લીધાં હતાં એટલે એમને ‘જિન’ (જયી) કહે છે. એમના સંન્યાસીઓને શ્રાવક અને સંન્યાસિનીઓને શ્રાવિકા કહે છે.

મહાવીર પોતે ધર્મપ્રચારના વ્રતી બની ગયા. એમણે કહ્યું છે : ‘આત્મદર્શન જ જગતનાં દુ:ખદૈન્યમાંથી મુક્તિ મેળવાનો એકમાત્ર ઉપાય છે.’ મોક્ષપ્રાપ્તિ એ જ જૈન ધર્મનું પ્રધાન લક્ષણ છે. ભૂતકાળની ભૂલો, ભ્રાંતિઓ, ક્ષય અને ક્ષતિઓને વિસારે પાડવાં પડે. પોતાને પાપી માનીને અને પોતાની જાતને તિરસ્કારીને સમય વિતાવી દેવાથી કોઈ સાર્થકતા મળતી નથી. પોતાને નવીન ભાવે ઘડવા જોઈએ. આને માટે આવશ્યક છે કૃચ્છતા (કઠોર તપસ્યા) અને સંયમ. એના પરિણામે ભૂતકાળનાં કર્મોનો પશ્ચાત્તાપ આવશે. આવી રીતે ક્રમશ: કર્મબંધનમાંથી મુક્ત બનીને મુમુક્ષુ બને છે અને અંતે મોક્ષપ્રાપ્તિ કરીને માનવજીવનનો ઉદ્દેશ્ય સાર્થક કરે છે.

આ રીતે મહાવીર દુ:ખી માનવોને પોતાની અમૃતવાણીનું પાન કરાવતા રહ્યા. ખરેખર, એમનું જીવન અદ્‌ભુત હતું. સંસાર જ્વાળામાંથી મુક્તિ મેળવીને પોતે જ શાંત ન રહ્યા કે બેસી ન રહ્યા, પણ સમગ્ર માનવ સમાજને એ મોક્ષલાભનું વિતરણ કરવા આહ્‌વાન કર્યું. દિવસોના દિવસો સુધી પોતાનાં આદર્શ અને અમૃતવાણી દ્વારા પથભ્રષ્ટ થયેલા માનવીઓના અંતરને આધ્યાત્મિક રીતે ઉન્નત કર્યા. 

મહાવીર સ્વામીનું આચાર્ય જીવન ઉદાર અને વ્યાપક હતું. ધર્મની સંકીર્ણતા એમાં જોવા ન મળતી. એ ધર્મ કોઈ દેશકાળનાં બંધનમાં બંધાયો ન હતો. એમના સાર્વભૌમિક ધર્મનો મૂળમંત્ર ‘અહિંસા’ છે. આવી જ વાણી ભગવાન બુદ્ધની પણ હતી. અહીં આપણે એક વાત યાદ રાખવી જોઈએ. તીર્થંકર મહાવીર અને ભગવાન બુદ્ધ બંને સમકાલીન વિભૂતિઓ હતી. જે સમયે મહાવીર એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં પોતાના ધર્મનો પ્રચાર-પ્રસાર કરતા હતા એ જ સમયે ભગવાન બુદ્ધ પણ પોતાના ધર્મ પ્રચારના કાર્યમાં પ્રવૃત્ત હતા. પરંતુ આ બંને મહામાનવને એકબીજા સમક્ષ પ્રત્યક્ષ રૂપે ક્યારેય મળવાનું ન થયું.

ધીમે ધીમે અંગ, મગધ, વિદેહ, કાશી, કૌશલ, પાંચાલ, વગેરે પ્રાંતોમાં મહાવીરે પોતાના ધર્મનો પ્રચાર કર્યો. આ રીતે કરેલા ધર્મપ્રચારના પરિણામે આ વિવિધ પ્રદેશોમાંથી મુમુક્ષુઓએ આવીને શ્રમણ ધર્મની દીક્ષા ગ્રહણ કરી. સાથે ને સાથે એમણે સંન્યાસીઓ માટે એક સુવ્યવસ્થિત સંઘની સંરચના કરી. મહાવીરે માત્ર પુરુષવર્ગની જ ચિંતા ન સેવી, પરંતુ સ્ત્રીઓની ધર્મોન્નતિ માટે પણ તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા. મહાવીરના મુખ્ય સંન્યાસી શિષ્ય હતા ગણધર. એમના મુખ્ય સંન્યાસિની શિષ્યા હતાં અંગદેશના એક સામંતની પુત્રી ચંદના. વિવિધ દુ:ખદર્દની વચ્ચે ચંદનાનું ભાગ્ય પરિવર્તિત થઈ ગયું. મહાવીરની અમૃતવાણીથી પરમશાંતિ પ્રાપ્ત કરીને એમણે શ્રમણધર્મની દીક્ષા અંગીકાર કરી અને પોતે સર્વત્યાગી સંન્યાસિની બન્યાં. પછીના સમયમાં આ સંન્યાસિની-શ્રાવિકા ચંદના સમગ્ર શ્રાવિકાસંઘના નેતા બન્યાં. 

ભગવાન મહાવીરે સંન્યાસ આશ્રમના સર્વાંગીણ કલ્યાણ માટે પ્રયત્નો કર્યા હતા એટલું જ નહિ પણ એની સાથે ગૃહસ્થાશ્રમીઓ પણ સત્ય અને અહિંસાના પથે ચાલીને ધર્મમય જીવે એ માટે પણ એમણે વિશેષ પ્રયત્ન કર્યા હતા. સમાજના દરેકેદરેક ક્ષેત્રની ઉન્નતિ માટે એમણે ઉપેક્ષા દાખવી ન હતી પણ એમણે એને માટે પણ પ્રયાસો કર્યા હતા. એમના સમસામયિક આજીવિક એક ધર્મ નેતાએ મહાવીર દ્વારા પ્રચારિત ધર્મની વિરુદ્ધ આચરણ કર્યું. એમનું નામ હતું ગોષાલ. આશ્ચર્યની વાત તો એ છે કે સર્વ પ્રથમ તો મહાવીરના સાધના-તપથી મુગ્ધ બનીને એમણે મહાવીરનું શિષ્યત્વ ગ્રહણ કર્યું હતું. પરંતુ એમના મનમાં આજીવિક સંપ્રદાયનો મનોભાવ રહી ગયો હતો. એમની દૃષ્ટિએ મનુષ્યમાત્રનું કર્મફળ એમના જન્મમુહૂર્તથી જ સુનિશ્ચિત હોય છે. તેને અતિક્રમ ન કરી શકાય. આ કર્મફળમાં જે કંઈ પણ સારું કે ખરાબ હોય તે ભોગવવું પડે. પણ મહાવીર આ મતમાં માનતા ન હતા. તેઓ જાણતા હતા કે મનુષ્ય ધર્માચરણ દ્વારા આ કર્મફળને કલ્યાણના પથે વાળી શકે છે. તેઓ અદૃષ્ટવાદી ન હતા. બીજી બાજુએ સિંહ પુરુષાર્થના પ્રબળ હિમાયતી હતા. ગોષાલની સાથે આને લીધે જ મહાવીરને મતભેદ થયો હતો. પરંતુ ગોષાલ મહાવીરની તપસ્યાલબ્ધ શક્તિ સામે મહાત્‌ થયા. આ સિવાય બીજી જે કોઈ સામાન્ય કે અસામાન્ય વિપત્તિ આવી તેના પર મહાવીરે સહજ રીતે વિજય મેળવ્યો.

મહાવીરની આ મર્ત્ય ભૂમિ પરની લીલાનો અંતકાળ આવી રહ્યો હતો. મોક્ષપ્રાપ્તિ પછી ૩૦ વર્ષ સુધી તેઓ આચાર્યજીવન જીવતા રહ્યા. અંતે ઈ.સ. પૂર્વે ૫૨૭માં બિહારના અંદરના ભાગમાં આવેલા પાવા નગરીમાં એક શુભ ક્ષણે તેઓ પરિનિર્વાણ પામ્યા.

માનવ જાતિના કલ્યાણ માટે અનેક દુ:ખકષ્ટ સહન કરીને એમણે પોતાના સાધનલબ્ધ દિવ્ય ઐશ્વર્ય દ્વારા હજારો હજારો દુ:ખી અને મુમુક્ષુઓના પ્રાણોમાં નવી આશા અને ઉદ્દીપનાઓનો સંચાર કર્યો હતો. મહાવીરનો જ્વલંત વૈરાગ્ય અને એમની અમૃતમય વાણીએ ખરેખર એ યુગમાં એક અદ્‌ભુત મહાતરંગ નીપજાવ્યું હતું. કઠિન તપશ્ચર્યા દ્વારા એમણે અનુભૂતિ કરી હતી કે મોક્ષપ્રાપ્તિ એ દરેક મનુષ્યનો જન્મજાત અધિકાર છે. એ માટે આ દુન્યવી ભોગસુખનો ત્યાગ કરવો જોઈએ. આ ભોગસુખને બદલે મુમુક્ષુઓના હૃદયમાં ત્યાગ અને અહિંસાનો મંત્ર પ્રતિસ્થાપિત કરવો પડે. ‘જૈનો માને છે કે પ્રત્યેક તરુલતામાં પણ આત્મા છે. જીવોનાં દુ:ખકષ્ટથી એટલા બધા ઉદ્વિગ્ન અને સહૃદય હોય છે કે રખેને, વૃક્ષના આત્માને દુ:ખષ્ટ થાય એમ માનીને વૃક્ષના પાંદડાને તોડવામાં પણ કષ્ટ અનુભવે છે. એક સમૂહ માથા પર મોરપિચ્છ બાંધીને રસ્તા પરના નાના નાના જીવજંતુઓનો નાશ ન થાય એટલે એમને દૂર કરીને પરિવ્રજ્યા કરી રહ્યો હતો. પોતાના દેહના લોહીથી પણ મચ્છર-માંકડને તૃપ્ત કરવા એને પણ તેઓ ધર્મનું એક અંગ માને છે. ઘણા જૈનો કીડીયારું પૂરીને ‘જીવદયા’ના સૂત્રને સાકાર કરે છે.

આ સમયે બૌદ્ધધર્મે પણ પોતાનો વિશેષ પ્રભાવ પાડ્યો હતો. જૈનધર્મ અને બૌદ્ધધર્મ વચ્ચે બહુ મોટો તફાવત નથી. વાસ્તવિક રીતે આ બંને ધર્મ હિંદુધર્મના કેટલાક મતો પર આધારિત છે. બંને ધર્મનો ‘કર્મવાદ’ અને બૌદ્ધધર્મનો ‘આત્માનો દેહાંતરવાદ’ હિંદુધર્મથી ભિન્ન નથી. આ બંને એક બીજાના પ્રતિદ્વન્દ્વી હોવા છતાં બંનેએ લોકસમર્થન પ્રાપ્ત કર્યું. આ સમયે અજાતશત્રુના પુત્ર ઉદય અને નંદરાજગણનું સમર્થન મેળવવામાં મહાવીર બુદ્ધ કરતાં વધુ સફળ નીવડ્યા હતા. ચંદ્રગુપ્ત મૌર્યે જૈનધર્મને પુષ્ટ કર્યો હતો. જૈનધર્મ ગ્રંથ ‘કલ્પસૂત્ર’ના રચયિતા ભદ્રબાહુ જૈન સંપ્રદાયના અધ્યક્ષ હતા. ઈ.સ.પૂર્વે ત્રીજી સદીમાં જૈનોમાં મતભેદ થયો. અંતે એમાં બે શાખાઓ ઊભી થઈ – દિગંબર અને બીજી શ્વેતાંબર. શ્વેતાંબરવાળા શ્વેતવસ્ત્ર ધારણ કરે છે, સાધના દ્વારા સ્ત્રીપુરુષ મોક્ષ મેળવી શકે છે. પરંતુ દિગંબર નિર્વસ્ત્ર અવસ્થામાં રહીને માત્ર પુરુષો જ મોક્ષ પ્રાપ્તિ કરી શકે છે એમ માને છે. ભદ્રબાહુ દિગંબરના અને સ્થૂળભદ્ર શ્વેતાંબરના નેતા બન્યા.

મહાવીરે કોઈ નૂતન ધર્મની સ્થાપના કરી ન હતી. એમનો ધર્મ ત્યાગ, અહિંસા અને પ્રેમના શાશ્વત સત્યનું જ પ્રતિપાદન કરે છે; બધા મનુષ્યની ભીતરની શક્તિનો વિકાસ થાય અને માનવ આત્માના અમૃત સ્વરૂપને પામે, સંસારનાં દુ:ખદૈન્ય અને પરિતાપથી મુક્ત બનીને સાચા આનંદના અધિકારી બને તેમ તેઓ ઇચ્છતા. આ દિવ્ય આનંદની પ્રાપ્તિ એ જ મોક્ષ છે.

Total Views: 215

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.