ઠારી દે તું દીપ નયનના
નવ દર્શનને કાજ
મને એ કાચ નથી કંઈ ખપના.
કર્ણપટલ તોડી દે તો પણ
રહું સાંભળી સૂર;
ચરણ વિના પણ નહીં લાગે
તવ ધામ મને બહુ દૂર.
છીનવી લે વાચા તદપિ
સ્વર વહેશે મુક્ત સ્તવનના.
બાહુ વિના પણ હૃદય-બાહુથી
આલિંગન રહું આપી,
હૃદય પડે પરવશ, તો મન
ધબકાર દિયે આલાપી;
મનપે આગ લગાડો તો પણ
વહું વહેણે નસનસનાં.
– રેઈનર મારિયા રિલ્કે
અનુ: હરીન્દ્ર દવે
પ્રાર્થનાનો ઉદ્ગાર
યોગી એની સિદ્ધિની વિરલ ક્ષણે ભગવાન સાથે સંવાદ કરી શકે છે. ભક્ત એના સાક્ષાત્કારની પરમ ઘડીએ પ્રભુ સાથે વાત કરતો હોય છે. આ બંને વૈયક્તિક સિદ્ધિઓ છે. પરંતુ કવિ એની અનુભૂતિની ઉત્કટ અવસ્થામાં જે ક્ષણે ભગવાન સાથે સંવાદ કરે છે એ ક્ષણ માનવજાતને વારસામાં આપતો જાય છે. કોઈ પણ સંવેદનશીલ વાચક એ વાંચે ત્યારે સાક્ષાત્કારની એ ક્ષણનો અનુભવ કરી શકે છે.
આ પ્રાર્થના રિલ્કેએ દાયકાઓ પહેલાં કરી હતી. તે પણ એક અજાણ ભાષામાં. પણ ઉત્કટતાની એ ક્ષણ ભાષાને અતિક્રમીને પણ ભાવકના ચિત્તમાં માળો બાંધી શકે છે. આજે પણ કવિનો શબ્દ આપણને તાદાત્મ્યની અનન્ય ભૂમિકા પર સ્થાપી શકે છે. આપણી ચેતનાના અણુએ અણુ સ્પંદિત બની ઊઠે છે.
પ્રાર્થનાનો ઉદ્ગાર જે તારસ્વરેથી આરંભાય છે, એ કોઈ પણ વાચકને સ્તબ્ધ કરી શકે એમ છે. કવિ ભગવાનને કહે છે: ‘આ નયનના દીપ તું ઠારી દે. તારાં દર્શન કરવા માટે મને એનો કોઈ ખપ નથી. કાનનો પડદો તોડી નાખ, તો પણ તારો અવાજ હું સાંભળી શકીશ, વાચા નહિ હોય તોયે તારું સ્તવન કરી શકીશ…’
જગતમાં ટકી રહેવા માટે જે સ્થૂળ શક્તિઓ અત્યંત અનિવાર્ય હોય છે એ બધી જ ભગવાનને પામવાનો પ્રશ્ન ઊભો થાય ત્યારે નકામી બની જાય છે. ઑલિમ્પિક દોડનો વિજેતા જ્યાં હારીને બેસે ત્યાં પંગું લંઘયતે ગિરીમ્ જેવો ઘાટ ઘડાતો હોય છે. સ્થૂળ સંપત્તિ જ્યાં કામ નથી લાગતી ત્યાં આત્માના સૌંદર્યનો ખપ પડે છે. હૃદય પરવશ પડે તો સાધક મનને કામે લગાડે છે – અને મન – પ્રજ્ઞાનો આવાસ – કદાચ ભભૂકી ઊઠે તો નસનસમાં વહેતા રક્તના કણકણમાં પ્રભુની ઝંખના પ્રગટી ઊઠે છે. નયનના દીપ ઠરી જાય તો પણ પ્રભુનાં દર્શન કરી શકીશ એવી શ્રદ્ધા સાથે આરંભાતી આ પ્રાર્થનાની પરાકાષ્ટા આવે છે, નસનસના વહેણમાં પણ પ્રભુપ્રાપ્તિની ચરમ ઝંખના સ્પંદિત થશે એવી પ્રતીતિના ઉદ્ગાર સાથે.
પ્રાર્થનાની આ વાણી કવિના ઉદ્ગારની વિરલ ક્ષણને અમરત્વ આપે છે. રિલ્કેએ પ્રભુ સાથે ઘણી વાર આ જ મિજાજથી વાત કરી છે: ‘હું નહિ હોઉં તો તારું શું થશે, ઓ પ્રભુ, હું તારું પાત્ર શુષ્ક બની જઈશ તો તમે અડવાણે પગે ક્યાં આથડશો?’ એવો પ્રશ્ન એ એક અન્ય કવિતામાં પૂછી શક્યા હતા. જે આવો પ્રશ્ન પૂછી શકે એ જ ખુમારીથી કહી પણ શકે: ‘ઠારી દે તું દીપ નયનના’ કારણ કે સાક્ષાત્કાર કરી શકે એવાં ચક્ષુઓ એને સાંપડ્યાં હોય છે.
– હરીન્દ્ર દવે
Your Content Goes Here




