‘હું જગદંબાને આ રીતે પ્રાર્થના કરતો: ‘હે કૃપામૂર્તિ મા! તારે મને દર્શન દેવાં જ જોઈએ.’ અને કેટલીક વાર કહેતો, ‘હે દીનાનાથ! હે દીન બંધુ! હું શું તારા વિશ્વની બહાર છું? મારી પાસે જ્ઞાન નથી, ભક્તિ નથી કે તપનો ગુણ નથી. હું કશું જાણતો નથી, પ્રભુ. તારી અનંત કરુણા વરસાવ અને, તારા દર્શનની ખાતરી આપ!’

* * *

‘ઓ બ્રહ્મમયી! મારે લોકો તરફથી આદર નથી જોઈતો, મારે દેહભોગો નથી જોઈતા, માત્ર ગંગા-યમુનાના સંગમની જેમ મારા આત્માને તારામાં જોડી દે. મા, હું ભક્તિહીન છું, યોગહીન છું, હું રંક છું, મિત્રહીન છું, કોઈની પ્રશંસાની મને વાંછા નથી. તારા ચરણપદ્મે તું મને નિત્ય રાખ.’

* * *

‘મા, હું યંત્ર છું, તું યંત્રી છો. હું ઘર છું, તું ગૃહવાસી છો; હું મ્યાન છું, તું તલવાર છો; હું રથ છું, તું રથી છો; તું જેમ કરાવે તેમ હું કરું છું; તું બોલાવે તેમ બોલું છું; તું ચલાવે તેમ ચાલું છું; ‘હું’ નહીં, ‘હું’ નહીં પણ ‘તું’, મા! ’

* * *

સત્યની ઊંડી ભક્તિ હોય તો, ઈશ્વર જરૂર પ્રાપ્ત થઈ શકે. એથી ઉલટું, જો મનુષ્યમાં સત્ય માટે આદર ન હોય તો, એનું બધું ધીમે ધીમે નાશ પામે. હાથમાં ફૂલ લઈ મેં માને કહ્યું, ‘મા, આ લે તારું જ્ઞાન અને તારું અજ્ઞાન, તારી શુચિતા ને તારી અશુચિતા; તારું ઇષ્ટ અને તારું અનિષ્ટ, તારું પુણ્ય અને તારું પાપ. મને શુદ્ધ ભક્તિ દે, મા.’ પણ આ બધું હું માને કહેતો ત્યારે, ‘આ લે તારું સત્ય અને આ લે તારું અસત્ય.’ એમ હું કદી ન કહી શકતો. માને હું બધું પાછું આપી શકતો હતો, એક સત્ય નહીં.

* * *

‘માએ મને ભક્તની, વિજ્ઞાનની દશામાં રાખ્યો છે માટે તો હું રાખાલ અને બીજાઓની સાથે ગમ્મત કરી શકું છું. જ્ઞાનીની દશામાં હોત તો, એ કંઈ શક્ય ન હોત. આ અવસ્થામાં હું જોઉં છું કે, મા જ આ બધું થઈ રહેલ છે. સર્વત્ર મને માનાં જ દર્શન થાય છે. કાલી મંદિરમાં મેં જોયું કે દુષ્ટોમાં પણ મા વસે છે — ભાગવત પંડિતના ભાઈમાં પણ મા વસે છે. ખૂબ યત્ન છતાંય રામલાલની માને હું ઠપકો આપી શક્યો નહીં. એ બીજા સ્વરૂપોમાં મા જ છે એમ મને જણાયું. કુમારિકાઓમાં મને મા દેખાય છે માટે તો હું એની પૂજા કરું છું. મારી પત્ની મારા પગ દબાવે છે પણ, પછી હું એને પ્રણમું છું. હું આવી અવસ્થામાં હોઈ, મારે તમને પ્રણામના પ્રત્યુત્તરમાં પ્રણામ કરવા જ પડે. દુષ્ટોને પણ હું અવગણી શકતો નથી. તે જુઓ છો. ગમે તેટલું સુકું કે નાનું હોય પણ, તુલસીપત્ર પ્રભુને ધરાવી જ શકાય.’

(‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’ માંથી , પૃ. ૧૮૮-૧૯૦)

Total Views: 241

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.