જે કીર્તિએ અશોકને કર્યો આચ્છાદિત
એ પ્રસરી ગાંધાર થી જલધિ પાર
મહાન સમ્રાટ અશોકનું નામ આપણે બધા જાણીએ છીએ. પૃથ્વીના શ્રેષ્ઠ નૃપતિઓમાં તેઓ અનન્ય હતા. આ સમ્રાટ અશોકે કોની કીર્તિ ફેલાવી છે? અને એ કીર્તિ વળી કેવી હતી? આ કીર્તિ તો સમગ્ર ભારતવર્ષમાં પ્રસરી ગઈ હતી. ઉત્તરે ગાંધારથી ભારતના દક્ષિણના શેષ ખંડ પર્યંત આપણે એક શોધની નજર નાખીએ તો ભારતની બહાર પણ આ કીર્તિ પ્રસરી ગઈ હતી.
આ કીર્તિની વાત સાંભળવા સૌ કોઈ ઇચ્છુક હોય એ સ્વાભાવિક છે. ૨૫૦૦ વર્ષ પહેલાંની આ કીર્તિ ગાથા છે. પરંતુ આનંદ અને આશ્ચર્યની વાત તો એ છે કે આજે પણ આપણા પંડિતો, કવિઓ, સાધકો, ઇતિહાસજ્ઞો, રાજનીતિજ્ઞો અને સમાજના ધુરંધરો બુદ્ધદેવની કથાને યાદ કરે છે. આ ગાથા સાંભળીને આશ્ચર્ય ઉદ્ભવે છતાંય એ છે સત્ય હકીકત. ભગવાન બુદ્ધનો આવિર્ભાવ અશોકના જન્મ પૂર્વે આશરે ૨૫૦ થી ૩૦૦ વર્ષ પૂર્વે થયો હતો. આપણે એવા મહાપુરુષની વાત કરીએ છીએ કે જેમનો જન્મ ૨૫૦૦ વર્ષ પૂર્વે થયો હતો.
બુદ્ધદેવ રાજપુત્ર હતા. ભલે તેઓ રાજાના પુત્ર હતા, પણ આ કોઈ રાજવીપણાની કે વીરતાની કે રાજ્યવિજયની વાત નથી. રાજાના આ જ પુત્ર રાજ્ય છોડીને, રાજત્વ ત્યજીને, મા-બાપનો ત્યાગ કરીને, સ્ત્રીપુત્રને ત્યજી દઈને અકિંચન અવસ્થામાં ભિક્ષાપાત્ર સાથે એક ભિક્ષુકની જેમ એક સ્થળે થી બીજે સ્થળે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફરતા હતા એ તથાગત બુદ્ધની વાત છે.
બીજી આશ્ચર્યની વાત તો એ છે કે આ દંડકમંડલધારી તથાગતને જોઈને રાજાઓ પોતાના રાજસિંહાસન છોડીને, કરવંદના કરીને એમનું સન્માન કરતા. ઐશ્વર્ય અને સમૃદ્ધિવાન માનવો પણ પોતાનું સર્વસ્વ આ ભિક્ષુના ચરણે સમર્પિત કરીને ધન્ય બનતા. દુર્જનો, ચોર-લૂટારા પણ એમના અદ્ભુત ચારિત્ર્યથી મંત્રેલા સાપની જેમ એમનાં શરણે આવી જતા. શત્રુભાવને વિસારે પાડીને શત્રુઓ પણ અસ્ત્રશસ્ત્ર સમર્પણ કરીને ધન્ય બનતા. મહાન પંડિતો પણ એમની સાથે તર્કયુદ્ધમાં પરાજય પામીને એમના આજ્ઞાપાલક બની જતા. મોટા મોટા સાધકો પણ એમની અમૃતવાણી સાંભળીને એમના અનુરાગી અને અનુગામી બની જતા.
આપણા સમાજમાં જેઓ અનાથ, પતિત, અસ્પૃશ્ય, અવગણિત અને સંસારનાં દુ:ખદૈન્યની જ્વાળાઓથી વિભ્રાંત બનેલાઓ પણ એમના શરણોમાં જઈને શાંતિ મેળવતા અને પોતાની જાતને ધન્ય, કૃતાર્થ બનાવીને જીવનનો પરમ આશ્રય મેળવતા. સાંભળતી વખતે આપણને આ એક કથાવાર્તા જેવું લાગે પરંતુ ઇતિહાસનું વાચન-મનન કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ એક હકીકત છે.
આ બધું કેવી રીતે બન્યું? આપણે દેશના રાજાઓની, રાજ્યોના રાજાઓની તથા વનના રાજાઓની વાર્તા-કથાઓ સાંભળી છે; પરંતુ તથાગત તો હતા મનના રાજા અને એમાંય વિશેષ કરીને સમગ્ર માનવમનના રાજા. જેમ રાજાઓ રાજ્યને જીતે છે પણ એમણે તો મનુષ્યનાં મનને જીતી લીધાં હતાં. બધા માણસોને તેઓ ઓળખી લેતા, એમના મનની બધી વાતો તેઓ સમજી જતા અને બધાનાં મનની વાણી પણ તેઓ બોલી શકતા. બધા માનવો પણ એમને પોતાના માનીને એમનાં દર્શન કરતાં, એમની વાણી સાંભળતાં, એમને સમજતાં અને એમની વાતોને શિરોધાર્ય ગણી લેતાં.
એમનું જીવન અત્યંત સુંદર અને આનંદમય હતું. એમનું સમગ્ર જીવન મધુર અને મધુમય હતું. જન્મથી મૃત્યુ પર્યંત એમના જીવનની સર્વ ઘટનાઓ ચમત્કૃતિપૂર્ણ અને વિસ્મયકારક હતી. હવે આપણે એમની જીવનકથાનું પાન કરીશું.
હિમાલયની તળેટીમાં નેપાળમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું. રાજ્યની પાસેથી કલકલ નાદે રોહિણી નામની નદી વહી રહી છે. શાક્ય વંશના રાજા શુદ્ધોધન પ્રજાજનો સાથે સુખચેનથી રાજ્ય કરે છે. રાજાને બે રાણી છે, મોટાં રાણી માયાદેવી અને નાનાં રાણી મહાપ્રજાવતી.
એક દિવસ માયાદેવીએ સ્વપ્નમાં જોયું તો આકાશમાંથી એક ધવલવર્ણો સુંદર નાનો હાથી આવી રહ્યો છે. એની સૂંઢમાં એક પ્રફુલ્લ પદ્મ છે. આ હાથી રાણીના દેહમાં ભળી ગયો. રાણી હતપ્રભ થઈને ઝબકી ઊઠ્યાં. સ્વપ્નની વાત સાંભળીને રાજાએ દૈવજ્ઞ જ્યોતિષીને બોલાવ્યા. જ્યોતિષીએ જણાવ્યું કે શાક્ય વંશમાં એક મહાપુરુષનો જન્મ થશે. થોડા દિવસો પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે રાણી કપિલવસ્તુથી થોડે દૂર પોતાના પિયરના ગામ દેવદહે જતાં હતાં. રસ્તામાં લુંબિની ઉદ્યાન આવતો હતો. લતાકુંજ અને પુષ્પોથી ભરપૂર ઉદ્યાનમાં રાણી વિશ્રામ કરવા ઊતર્યાં. આકાશમાં પૂર્ણિમાનો ચંદ્ર ચમકે છે. આ સમયે –
આનંદે મૂર્છિતાદેવી પડ્યાં છે ધરતી તલે,
એક શાલશાખાથી શોભતાં એ ઉદ્યાને,
ત્રિદીવ લતા શા સુંદર મનોરમ
પ્રફુલ્લ કમલ શા પુત્રને આપ્યો જન્મ રાણીએ.
લુંબિની ઉદ્યાનમાંથી શોભાયાત્રા કાઢીને આ નવજાત શિશુ રાજકુમારને અને રાજમાતાને મહેલમાં લાવવામાં આવ્યાં. ચોતરફ આનંદનું વાતાવરણ છે. કેટકેટલાંય નગરવાસીઓ નવજાત રાજકુમારને જોવા ઉમટવા માંડ્યાં. એક દિવસ સુખ્યાત ત્રિકાળજ્ઞ અસિત ઋષિ રાજકુમારને જોવા આવ્યા. રાજા શુદ્ધોધને ઋષિનાં ચરણકમળમાં વંદના કરી.
જટાધારી, ક્ષીર્ણદેહવાળા જ્ઞાનસમૃદ્ધ ઋષિ થોડીવાર સુધી અનિમેષ નયને રાજશિશુ તરફ નિરખવા લાગ્યા. અશ્રુભીની આંખે રાજશિશુને નમીને પ્રણામ કર્યા. બધાના આશ્ચર્યનો પાર નથી. રાજા શુદ્ધોધનને ઋષિ અસિતે કહ્યું: ‘આ શિશુ કોઈ સાધારણ શિશુ નથી. એ પૃથ્વીના માનવોને મુક્તિનો પથ બતાવશે.’
ભક્તિપૂર્ણ શુદ્ધોધનનો આટઆટલા દિનનો સિદ્ધ થયો મનોરથ રાખ્યું એનું નામ સિદ્ધાર્થ પિતાએ
(નવીનચંદ્ર સેન)
પુત્રના નામકરણ સંસ્કાર પ્રસંગે જ્યોતિષીઓએ ભવિષ્યવાણી કરી:
રહે ગૃહસ્થાશ્રમે તો ધરણીધર બને નક્કી સંન્યાસાશ્રમે ધીર બને તો બુદ્ધ અવતાર ખરે.
બાળ સિદ્ધાર્થના સાત દિવસ પછી માતા માયાદેવીએ દેહનો ત્યાગ કર્યો. ત્યાર પછી માતા મહાપ્રજાવતી ગૌતમી પૂર્ણ માતૃપ્રેમે બાળ સિદ્ધાર્થનું લાલન-પાલન કરવા લાગ્યાં. ધીમે ધીમે બાળ સિદ્ધાર્થ મોટો થવા લાગ્યો અને એમનું શિક્ષણજીવન શરૂ થયું. એ સમયે વિશ્વામિત્ર નામના સુખ્યાત પંડિત હતા. દેવદત્ત, આનંદ, નંદ વગેરે રાજકુમારો સાથે ગૌતમ (સિદ્ધાર્થ)નું અધ્યયન શરૂ થયું. બાળક સિદ્ધાર્થની બુદ્ધિપ્રતિભા અને અનન્ય સ્મૃતિશક્તિથી ગુરુ વિશ્વામિત્રને ઘણું આશ્ચર્ય થયું. ‘લલિત વિસ્તાર’ પ્રમાણે સિદ્ધાર્થ ૬૪ પ્રકારની લિપિ અને વિવિધ પ્રકારની વિદ્યાઓ શીખ્યા હતા.
વિવિધ વિદ્યાઓમાં નિગમ, પુરાણ, ઇતિહાસ, અર્થવિદ્યાનો; શાસ્ત્રોમાં જ્યોતિષ, સાંખ્ય, વેદનો; રણવિદ્યામાં રથ, ધનુર્, તરણ, આસ્ફાલન; ક્રીડામાં અશ્વારોહણ, અક્ષક્રીડા, નૃત્ય, વાદ્ય, વીણા, લોકચરિત્ર વગેરેનું શિક્ષણ મેળવ્યું હતું. ક્ષાત્ર ધર્મને અનુરૂપ રાજકુમાર જેમ રણવિદ્યામાં કુશળ હતા તેવી જ રીતે મૃગયામાં પણ તેઓ પ્રવીણ હતા. પરંતુ મૃગયામાં જતી વખતે બીજા રાજકુમારો સાથે જ્યારે કોઈ હરણની પાછળ પોતાના અશ્વને દોડાવતા અને પેલું હરણું દોડતું જતું ત્યારે પોતાના અશ્વની લગામને ઢીલી મૂકી દેતા.
કોઈ પશુ તરફ પોતાના કામઠાની દોરીને ખેંચીને તીર છોડતા ત્યારે એનું નિશાન અચૂક સધાતું. એમની આ પ્રવીણતાથી બીજા રાજકુમારો ક્ષુબ્ધ બની જતા. મૃગયાકળામાં પૂર્ણ સામર્થ્ય હોવા છતાં કુમાર સિદ્ધાર્થને પશુવધ કરવો ગમતો નહિ. કોઈ પશુપક્ષી તીરથી વીંધાઈને ઘાયલ થતું અને જમીન પર પડી જતું તો તેઓ એની સેવાચાકરી કરીને એમને મુક્ત પણ કરી દેતા.
સિદ્ધાર્થ એક દિવસ ઉદ્યાનમાં એકલા બેઠા હતા. એ સમયે હંસોનું એક દળ હરોળમાં આકાશમાં ઊડતું હતું, એ કેવા આનંદમાં હતા! એકાએક કોઈના તીરથી વીંધાઈને ઘાયલ થયેલ, અસહ્ય પીડાથી અધીર બનેલ, પીંખાઈ ગયેલ પુષ્પની માળાની જેમ એક હંસ સિદ્ધાર્થના ખોળામાં આવીને પડ્યો. આ ઘાયલ હંસના શરીરમાંથી ધીમે ધીમે તીરને બહાર ખેંચી કાઢ્યું.
લાગેલા શરને કોમલ કરે કાઢીને બહાર
કુમારે જાણી ઘાયલની વેદના સર્વપ્રથમ;
એના પ્રાણ થયા અધીર ને સર્વ પ્રથમ
પ્રસવી વિશ્વવ્યાપી કરુણાળુની કુરણા.
કરુણાના અશ્રુજલે, કરુણાના સ્પર્શને
મરેલો એ હંસ સ્પર્શે છે નવજીવનને.
મુગ્ધ માતાની જેમ કુમાર ધરે હંસને નિકટ
ધરી મુખ સામે નિરખી રહે હંસને વારવાર
(નવીનચંદ્ર સેન)
કુમારે એ હંસને છોડી દીધો ત્યારે –
ફરવા લાગ્યો વળી પાછો સ્વગૃહે
સુખેથી ઊડતો ફરતો એ હંસલો
કલકલ સૂરે હંસલો કરુણાનો કરે નાદ.
હલકર્ષણ નામનો શાક્ય રાજ્યમાં એક ઉત્સવ થતો. રોહિણી નદીના તીરે આ કર્ષણક્ષેત્ર હતું. સુવર્ણહળ અને સુવર્ણમઢ્યાં શિંગવાળા ઋષભ છે. નગરનાં નરનારીઓ આવ્યાં છે તથા ગામના ખેડૂતો પણ આ આવ્યા છે; રાજા પોતે હળ હંકારશે. ચહુદિશ વાદ્ય, શંખ, નૃત્યના ધ્વનિઓ છવાઈ ગયા છે. હલકર્ષણ શરૂ થાય છે.
સિદ્ધાર્થે આશ્ચર્ય સાથે ખેડાયેલી ભૂમિ પર કેટલાંય મૃત જીવજંતુઓ પડ્યાં છે. પંખીઓ ઊડતાં ઊડતાં આવીને આનંદ સાથે આ નિષ્પ્રાણ જીવજંતુઓને આરોગી રહ્યાં છે. દેડકો પતંગિયાંને પકડી પકડીને ભરખી જાય છે. દરમાંથી નીકળતા સાપ દેડકાને ભરખી ખાય છે. જીવ જ જીવનો નાશ કરે છે. જીવનની આ કેવી વ્યર્થતા! આ બધું ગૌતમે (સિદ્ધાર્થે) પ્રત્યક્ષ નિહાળ્યું. ઉત્સવક્ષેત્રથી તેઓ દૂર ચાલ્યા ગયા. દૂર એક જાંબુડાનું વિશાળ વૃક્ષ હતું.
આ વિશાળ વૃક્ષ તળે બેસીને સિદ્ધાર્થ જીવોની આ બધી પરિસ્થિતિઓ વિશે વિચારવા લાગ્યા. વિચારતાં વિચારતાં દેહભાન વિસરી ગયા. આ જગતની પેલે પાર દૂરસુદૂર એમનું મન ચાલ્યું ગયું. આ બાજુએ ઉત્સવ પૂરો થયો અને રાજા રાજકુમારને શોધતાં શોધતાં આ દૃશ્ય નિહાળ્યું. પર્વત શિખર પરની અગ્નિ જ્વાળા સમા, તારામંડિત શશધર શા ધ્યાનસ્થ તેજપુંજ સમા કુમારને વૃક્ષ તળે જોયા. આ દૃશ્ય જોઈને રાજાના દેહમાં જાણે કે લાય લાગી. રાજાના મન સમક્ષ અસીત ઋષિની વાત અને જ્યોતિષીની ભવિષ્યવાણી તરી આવી.
રાજાની ચિંતાનો પાર નથી. રાજાએ રાજકુમારની દીપ્ત વૈરાગ્યમૂર્તિ નિહાળી. કુમારમાં સંસારનાં બંધનમાં કેવી રીતે બાંધી રાખવો એ માટે તેઓ વિચારવા લાગ્યા. માયાના બંધનમાં રાજકુમારને બાંધી લેવા એમના વિવાહની વ્યવસ્થા વિચારવા લાગ્યા.
હલદંતપાણિની કન્યા ગોપા-યશોધરાની સાથે વિવાહ કરવાનું નક્કી થયું. તત્કાલીન પ્રથા પ્રમાણે ગોપાના સ્વયંવરની સભાનું આયોજન થયું. આ સભામાં સિદ્ધાર્થે પોતાનાં શૌર્ય અને વીરતાનો પરિચય કરાવવાનો હતો.
ગોપાના સ્વયંવર માટે દેશવિદેશથી રાજપુત્રો આવ્યા હતા. મલ્લક્રીડા, ધનુર્વિદ્યા, અશ્વારોહણ વિદ્યા, રથવિહારવિદ્યા, તલવારબાજી, લક્ષ્યવેધ જેવી કલા વિદ્યામાં બધા પારંગત હતા. આ સ્વયંવર સાત દિવસ સુધી ચાલ્યો. બધી જ વિદ્યાઓમાં સિદ્ધાર્થ સર્વશ્રેષ્ઠ નિપુણ સિદ્ધ થયા. રાજા હલદંતપાણિએ પોતાની કન્યા ગોપા-યશોધરાને પ્રસન્ન ચિત્તે શાક્ય રાજકુમાર સિદ્ધાર્થને વરાવી.
રાજા શુદ્ધોધનના આનંદનો પાર નથી. પુત્રને સુખી કરવા અને સંસારમાં રત બનાવવા માટે આ ધરતી પરની જે કંઈ રમણીયતાઓ હોય, પંચેન્દ્રિયને ખુશ કરનારા જે સૌંદર્ય ભોગો હોય, નયનોને આનંદ આપનારા જે કંઈ પદાર્થ હોય તે બધાંને રાજકુમારની ચોતરફ ગોઠવી દેવામાં આવ્યાં. આકંઠ ભોગની વચ્ચે પણ કુમારને તૃપ્તિનો આનંદ નથી. ભીતરનો વૈરાગ્ય કુમારને અજ્ઞાત રીતે ઉદાસીન બનાવી દેતો.
આવી રીતે દસ વર્ષો વીતી ગયાં. સિદ્ધાર્થને એક સંતાન રત્ન પણ પ્રાપ્ત થયું. એ પુત્રરત્નનું નામ હતું રાહુલ. રાજા શુદ્ધોધનનો આનંદ અધિક ને અધિક વધતો ગયો. આ પુત્ર રૂપી સુવર્ણની સાંકળમાં બંધાયેલો રાજપુત્ર સિદ્ધાર્થ ક્યારેય હવે સંસારનો ત્યાગ નહિ કરે. બદ્ધ અવસ્થામાં રહેલ વનનો રાજા હાથી જેમ અરણ્યમાં જવા માટે તડપે છે એવી જ રીતે કુમાર પણ આ વધતા જતા માયાપાશને કાપવા વધુ ને વધુ આતુર થવા લાગ્યા. રાજકુમાર રાજા શુદ્ધોધનની આજ્ઞા મેળવીને રાજ્ય વિહાર કરવા નીકળ્યા. રાજા નિશ્ચિંત હતા એટલે એમણે રાજ્યવિહારની અનુમતિ આપી. રાજકુમાર રથમાં બેસીને નગરભ્રમણ માટે નીકળ્યા. રાજાના નિર્દેશ પ્રમાણે સમગ્ર નગરને સુશોભિત કરવામાં આવ્યું હતું.
રાજકુમારની નજરે એવું એકેય દૃશ્ય પડવું ન જોઈએ કે જેથી એના મનમાં તીવ્ર વૈરાગ્ય જાગે, એવો સ્પષ્ટ આદેશ નગરવાસીઓને આપી દીધો હતો. રાજાનો આ પ્રયાસ થોડોઘણો સફળ તો થયો. જીવનમાં શ્રમ, દારિદ્ય્ર અને ક્ષુધા તો જ છે છતાં પણ જીવન જીવવા જેવું મધુર છે, એવું નગર ભ્રમણ કરતાં કરતાં સિદ્ધાર્થના મનમાં થયું. પરંતુ ત્યાર પછી મનુષ્ય જીવનમાં ચિરંતર ત્રિવિધ તાપ- જરા, રોગ અને મૃત્યુ મૂર્ત રૂપે કુમાર સમક્ષ ઉપસ્થિત થયા. રાજાના બધા પ્રયત્નો વ્યર્થ ગયા.
ર્જીણશિર્ણ દેહવાળા, માથા પર પળિયાવાળા, મોઢામાં દાંતવિહોણા અને કંપતા હાથપગવાળા એક વૃદ્ધને રસ્તા પર ચાલ્યો જતો રાજકુમારે જોયો. દૃષ્ટિશક્તિ વિનાનો આ વૃદ્ધ કાનેય બહેરો હતો. અસ્થિચર્મવાળો દેહ લાકડીના આધારે માંડ માંડ ચાલતો હતો. સિદ્ધાર્થ આ દૃશ્ય જોઈને કંપી ઊઠ્યો.
સિદ્ધાર્થે સારથિ છન્નને પ્રશ્ન પૂછ્યો: ‘આ શું છે?’ એનો ઉત્તર આપતાં સારથિએ કહ્યું: ‘આ જરાગ્રસ્ત માણસ છે અને આ સૃષ્ટિમાં દરેક માનવીને એક ને એક દિવસે આ જરા ગ્રસી જાય છે.’ સિદ્ધાર્થે વળી પૂછ્યું: ‘અમને સૌને પણ આ અવસ્થા ગ્રસી જશે?’ સારથિએ કહ્યું: ‘યશોધરા, રાહુલ, શુદ્ધોધન અને કુમારને પણ આ જરાવસ્થા એક દિવસ આવી જ રીતે નિષ્ક્રિય બનાવી દેશે.’ આ સાંભળીને કુમાર ભયથી કંપી ઊઠ્યા.
ત્યાર પછી ઉપરના દૃશ્ય કરતાં પણ વધુ ભયંકર દૃશ્ય કુમારની નજરે પડ્યું. ગળી ગયેલા અંગવાળા, કદરૂપી ચામડીવાળા, સ્થળે સ્થળે લાલ ચાંભાવાળા એક જીવતા માણસને એમણે જોયો. કેવું વિરૂપ અને ભયંકર દૃશ્ય! સામાન્ય માણસ તો ઘૃણા અનુભવીને એનાથી દૂર ભાગી જાય.
કરુણાર્દ્રભાવે કુમારે છન્નને પ્રશ્ન પૂછ્યો: ‘આ શું?’ સારથિ છન્ને ઉત્તરમાં કહ્યું: ‘આ માણસ કુષ્ટ રોગી છે અને એ મહાવ્યાધિ છે. સુંદર સુપુષ્ટ દેહમાં પણ ક્યારે આવો રોગ લાગી જાય એની કોઈનેય ખબર નથી. દેહધારીને આવી અવસ્થા આવે ખરી. નિરોગી માનવ વિરલ છે.’ આ જોઈ-સાંભળીને સિદ્ધાર્થના મનમાં અત્યંત ઉદ્વિગ્નતા અને પીડા ઉદ્ભવ્યાં. એમના મનમાં વિચાર આવ્યો: ‘માનવનું આટલું બધું ઐશ્વર્ય, આટલી બધી સંપત્તિ-સમૃદ્ધિ અને એ બધાંને પ્રાપ્ત કરવાની કેવી તૃષ્ણા અને એ બધાંને નાશ કરનારી વ્યાધિ પણ કેટલી મોટી! જો માણસ આ બધાંનો પૂરેપૂરો ઉપભોગ કરી ન શકે તો એ શા ખપનાં?’
પરંતુ એ પછીના ત્રીજા દૃશ્યને જોઈને સિદ્ધાર્થ હતપ્રભ બની ગયા. જીવનની આશા-આકાંક્ષાઓ નિર્મૂળ થઈ ગઈ. જગત અને જીવનના આનંદનું સુખદ સ્વપ્ન એક જ મુહૂર્તમાં વિલીન થઈ ગયું. આ વખતે સિદ્ધાર્થે નિષ્પ્રાણ માનવદેહને નિહાળ્યો.
આ માણસનાં બધાં જ આશાઓ, કામનાઓ, વાસનાઓ, સમસ્ત આનંદ હંમેશાંને માટે શમી ગયાં. રાજકુમાર સિદ્ધાર્થ આ જોઈને વિચલિત થઈ ગયા અને વિચારના ચકડોળે ચડી ગયા: ‘આ દેખાતું અને સુંદર લાગતું જગત, કલ્પનાના આભાસે ઉજ્જ્વળ ભાસતું જીવન, અને એની રોનક, એ તો સ્વપ્નના જેવું ક્ષણભંગુર અને મિથ્યા છે!’
સિદ્ધાર્થ વિચારમાં ડૂબી ગયા : ‘આ મિથ્યા જગતની પેલે પાર; જરાવ્યાધિ અને મૃત્યુની પેલે પાર જવાનો મનુષ્ય માટે શું કોઈ ઉપાય નથી?’
બરાબર એ જ સમયે એક અપૂર્વ સૌંદર્યવાન સૌમ્ય અને માધુર્યમૂર્તિ એવા એક સંન્યાસીનું દિવ્ય દર્શન એમને થાય છે. આ પ્રશાંતચિત્ત અને ધ્યાનધીર ગંભીર પુરુષની નજર ઊંચે ન હતી.
તેઓ તો પોતાનાથી દૂર માત્ર ચાર હાથ જેટલી જમીનને નિહાળીને ચાલ્યા જતા હતા. તેમણે ભગવાં ધારણ કર્યાં હતાં. હાથમાં ભિક્ષાપાત્ર લઈ પ્રશાંતભાવે વિચરણ કરી રહ્યા હતા. એમના ચહેરા પર કોઈ ઉદ્વિગ્નતા કે અશાંતિ જોવા મળતી ન હતી. એકાએક સિદ્ધાર્થે પૂછ્યું: ‘આ વળી કોણ છે?’
સારથિ છન્ને ઉત્તરમાં કહ્યું: ‘મહારાજ, આ ભિક્ષુક છે. એમણે બધી વાસનાઓનો ત્યાગ કર્યો છે. વિનીતભાવે પરિવ્રજ્યા કરે છે. એમનામાં રાગદ્વેષ જેવું કંઈ નથી અને ભિક્ષાન્ન પર નિર્વાહ કરે છે.’
કુમારને તો જાણે પોતાનો માર્ગ મળી ગયો. એમને પંડિતોની વાતો યાદ આવી, જ્ઞાનીઓની વાતો અને પરિવ્રજ્યાના સુખનું પણ એમને સ્મરણ થઈ આવ્યું. આના દ્વારા જ પોતાનું અને અન્યનું કલ્યાણ સાધી શકાય તેમ છે, એવું એને લાગ્યું. આ સાધુજીવનથી સુખ અને સુમધુર અમૃતફળ પણ પ્રાપ્ત થાય છે. કુમારે પોતે હવે શું કરવાનું છે એનો એણે મનથી પાકો નિર્ણય કરી લીધો.
ચિંતામગ્ન રાજકુમાર ખિન્ન મને રાજાના મહેલમાં આવીને પિતાના ખંડમાં પ્રવેશ્યા. પિતાએ આદર સાથે રાજકુમારને આવકાર્યા. સિદ્ધાર્થે પ્રણામ કરીને પોતાના પિતા પાસે પરિવ્રાજક જીવન જીવવાની અનુમતિ માગી. પિતા અને પુત્ર વચ્ચે સારો એવો વિચારવિનિમય થયો. અંતે રાજા નિરાશ થયા.
જરાવ્યાધિ અને મૃત્યુના દુ:ખમાંથી છુટકારો મેળવવાનો ઉપાય તેઓ બતાવી ન શક્યા. ચિંતામાં ડૂબેલા વિષણ્ણ રાજકુમાર પોતાના મહેલના ખંડમાં આવ્યા. અહીં તેઓ જીવન મૃત્યુના ધ્વંશના વિચારમાં લીન થઈ ગયા. પોતાના ચિત્તને એકાગ્ર કરીને સત્ય પથનો વિચાર કરવા લાગ્યા. તીવ્ર વ્યાકુળતા અને વૈરાગ્યથી એમનો મોહ દૂર થયો.
રાજત્વ, રાજપ્રાસાદ, પિતામાતા, પત્ની યશોધરા, નવજાત શિશુપુત્ર રાહુલ – આ બધાંના માયાપાશ છેદાઈ ગયા. તેઓ હવે સંપૂર્ણપણે મોહમુક્ત બન્યા હતા. ‘મહાબોધી’ની પ્રાપ્તિ માટે સંસારનો ત્યાગ કરવાનો એમણે મનથી દૃઢ નિર્ણય કરી લીધો.
હવે તેઓ ખરેખર સંન્યાસી બનવાના હતા. આ સમગ્ર વિશ્વની વ્યથાએ કરુણાઘન ગૌતમના હૃદયમાં કારમો આઘાત કર્યો હતો. હવે તો સંસારનાં બંધનો સર્વકલ્યાણ કાજે છોડવાં જ રહ્યાં.
Your Content Goes Here




