આપણી મુશ્કેલીઓ

આપણી વર્તમાન શિક્ષણપ્રણાલી આપણને સંસાર વિશે વધારે ને વધારે જાણકારી મળે એ માટે હંમેશાં પ્રેરે છે અને નિર્દેશ કરતી રહે છે. પણ આપણે એ પણ અનુભવીએ છીએ કે મનુષ્યની મર્યાદિત શક્તિ વડે સંસારની બધી બાબતોમાં બધું જ જાણવું અસંભવ છે.

ધારો કે કોઈ વ્યક્તિએ ગમે તે રીતે સંસારની બધી જ બાબતો જાણી લીધી, પણ પોતાના વિશે કશું જ જાણ્યું નથી તો એ જાણકારીનો ઉપયોગ કે અર્થ શો ? અંતે તેને આ ભૂલ સમજાશે કે બધી જ સાંસારિક જાણકારી, જ્યાં સુધી એ પોતાની જાતને નથી જાણી લેતો, ત્યાં સુધી તેને વધુ સારો માનવ બનવામાં એેને મદદ કરી શકતી નથી.

દાખલા તરીકે ધારો કે એક કમ્પ્યુટર ઇજનેર ‘કમ્પ્યુટર વિજ્ઞાન’ વિશે બધું જ જાણે છે. તે જગતનાં કોઈ પણ નાનાં મોટાં કમ્પ્યુટર બનાવી શકે છે; તેના યંત્રોનું સમારકામ કરી શકે છે. હવે ધારો કે એક મિત્રે તેની ટીકા કરી, તેના સ્વજનોએ દગો દીધો કે તેના નિકટના પ્રિય વ્યક્તિનું મૃત્યુ થયુંં, ત્યારે તે દુ :ખી અને નિરાશ થઈ જાય છે. આ દુ :ખ અને નિરાશામાંથી કેવી રીતે મુક્તિ મળે તે એ જાણતો નથી.

હવે આ સમસ્યામાં કમ્પ્યુટર વિજ્ઞાનની બધી જાણકારી મેળવી લેવાથી એને શો લાભ થયો ?

માણસનો અનુભવ એ બતાવે છે કે જ્યાં સુધી મનુષ્ય સ્વયં પોતાના વિશે નથી જાણતો ત્યાં સુધી તે દુ :ખ તેમજ નિરાશામાંથી મુક્તિ મેળવી શકતો નથી. તે પોતે ક્યારેય દુ :ખના વમળમાંથી પોતાની જાતને બહાર કાઢવા સમર્થ નહીં બની શકે, કારણ કે જીવનયાત્રામાં આવાં વમળો સ્વાભાવિક રીતે અને અનિવાર્ય રીતે આવે જ છે.

એટલે વધુ સારા માનવ બનવા આ સંસારની કે જગતની જાણકારીની સાથે આપણા પોતાના વિશે પણ જાણી લેવું જોઈએ. જો આપણે પોતાની બાબતમાં કશું ન જાણીએ તો આ સંસારની બીજી બધી જાણકારીઓ આપણને છેવટે ગાઢ અંધકાર, અજ્ઞાન અને દુ :ખમાં ધકેલી દે છે. બધા જ પ્રકારની જાણકારીથી પણ ચડિયાતી અને બધી જાણકારીઓનો નિચોડ એટલે પોતાને જાણવું એ છે. જ્યાં સુધી વ્યક્તિ પોતાને પૂરેપૂરો જાણી લેતો નથી ત્યાં સુધી તે પૂર્ણ સંતોષ અને તૃપ્તિ પણ મેળવી શકતો નથી.

જાણનાર એક વ્યક્તિ છે, એમાં સ્ત્રી કે પુરુષ બન્ને આવી જાય છે. એટલે વ્યક્તિ માટે સ્વયં પોતે એમ સમજવું. સ્વામીજી વ્યક્તિને ચેતનવંત કહે છે. હું એક મનુષ્ય છું. એટલે મનુષ્યને જાણવાનું કામ હું મારા પોતાનાથી શરૂ કરીશ. જો હું મારી જાત વિશે પૂરેપૂરો સુપરિચિત થઈ જાઉં તો ‘મનુષ્ય એટલે શું ?’ એ મને જાણવા મળશે અને પછી હું મારી જાતને એક વધુ સારો વ્યક્તિ બનાવવામાં, ઉત્તમ બનાવવામાં સક્ષમ થઈ શકીશ, ત્યારે હું પૂર્ણ બનીશ. એક ઉચ્ચ વ્યક્તિ બનવા આપણે પોતાના શરીર વિશે થોડું ઘણું જાણવું જોઈએ. કોઈ ચિકિત્સકની પાસે જઈને તે શીખી લેવું જોઈએ. આ સંસારમાં કઠિન પુરુષાર્થ કરવા શરીરને કેવી રીતે સ્વસ્થ અને કાર્યશીલ રાખવું, એ એક નિપુણનું કાર્ય છે. એટલે અહીં આપણે વિસ્તારથી ચર્ચા નહીં કરીએ. છતાં પણ કેટલીક મૂળભૂત વાતો એવી છે કે જેને જાણીને આપણે તંદુરસ્ત અને કાર્યરત રહી શકીએ છીએ.

રોજિંદી ટેવો

૧. જમવાની ટેવ

આપણી માંદગી કે શરીર તંદુરસ્ત ન રહેવાનાં અનેક કારણોમાંનુંં એક કારણ છે, ખાધે રાખવું, જરૂર કરતાં વધારે ખાવું, દુંદાળા દેહવાળા બનવું. જે વ્યક્તિ જીવનમાં સફળ થવા કે વધુ સારા માનવ બનવા ઇચ્છે છે તેણે મેદસ્વી બનવું ન જોઈએ. જમવામાં સાવધાન અને સભાન રહેવું જોઈએ. મિત્રો, આપણે જીવવા માટે ખાઈએ છીએ, નહીં કે ખાવા માટે જીવીએ છીએ.

આપણે આ સોનેરી સલાહ કે નિયમનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.

૨. કસરતની ટેવ

કુદરતે માનવ શરીરનું નિર્માણ સખત પુરુષાર્થ કરવા માટે કર્યું છે, એ આપણે યાદ રાખવું જોઈએ. શરીર એક એવું સાધન છે કે જેના દ્વારા આપણે જે કંઈ સારું કે ઉદાત્ત, શુભ અને સંુદર છે તેને મેળવી શકીએ. જ્યાં સુધી આપણે શરીરને તંદુરસ્ત તેમજ કાર્યરત ન રાખીએ ત્યાં સુધી આપણે આપણા લક્ષ્યને પામી ન શકીએ.

આપણે એ યાદ રાખવું જોઈએ કે નિયમિત શારીરિક વ્યાયામ કે કસરત વિના શરીરને તંદુરસ્ત રાખી ન શકાય. જે વિદ્યાર્થી – યુવાન કે યુવતી શ્રેષ્ઠ માનવ બનવા ઇચ્છે છે તેણે નિયમિત વ્યાયામ અને કસરત કરવાં જોઈએ અને આહારમાં પણ પ્રમાણ જાળવવું જોઈએ. કોઈપણ વ્યાયામશાળામાં કે શારીરિક શિક્ષણના શિક્ષકને મળીને આપણું શરીર તંદુરસ્ત અને સ્ફૂર્તિવાળું રહે તેવી વૈજ્ઞાનિક કસરતો શીખી લેવી જોઈએ. આવી કસરતની ટેવ કોઈપણ સંજોગોમાં છોડી ન દેવી અને તેનું કડક પાલન કરવું જોઈએ, એ પણ યાદ રાખવંુ જોઈએ.

૩. આરામ અને ઊંઘની ટેવ

આરામ અને ઊંઘ કુદરતી પ્રક્રિયા છે. એનાથી શરીરની જરૂરિયાત પૂરી પડે છે. સાથે ને સાથે શરીરના નાશ પામેલા કોશો તથા તેના બીજા તંતુઓ વગેરેનું નિર્માણ પણ થાય છે. એટલે આપણે આ કુદરતી પ્રક્રિયામાં અડચણ ન નાખીએ તેમજ આપણા સ્વાસ્થ્યને તથા જીવનને ભયમાં ન મૂકીએ. કુદરતના આ કામમાં આપણે મદદ કરીએ અને આપણા શરીરને તંદુરસ્ત, સુદૃઢ, સ્વસ્થ અને કાર્યશીલ રાખીએ.

આપણને સખત મહેનત કરવા ઊર્જા અને શક્તિની જરૂર પડે છે. આપણે સૌ જાણીએ છીએ કે સખત મહેનત વિના જીવનમાં કોઈ નોંધનીય સફળતા મેળવી શકાતી નથી. ઊંઘ અને આરામ ઊર્જા અને શક્તિનું સારું રક્ષણ કરે છે. દરેક વિદ્યાર્થી, જે પોતાને વધુ સારો માનવ બનાવવા ઇચ્છે છે તેણે ઊર્જા અને શક્તિનું સંરક્ષણ કરવું જોઈએ. એનો ઉપયોગ આત્મવિકાસ અને સર્વતોમુખી કલ્યાણ કરી શકે.

હું આ એટલા માટે કહું છું કે આપણા મોટાભાગના વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે ભણતર અને તેવાં અત્યંત આવશ્યક કાર્યો માટે રાતનો સમય સારો છે. આપણે એવા લોકોની રોજની દિનચર્યા જોઈએ છીએ અને આપણને સમજાય છે કે તેઓ જાગતા હોય છે અને એમની પાસે પૂરતી ઊર્જા અને સમય હોય છે, તે વખતે તેઓ નકામા કાર્યો, ગપ્પાં મારવાં, હેતુ વગર રખડવું, નિમ્નકક્ષાનો આનંદ મેળવવો, આવાં બધાંમાં પોતાનો સમય વેડફી નાખે છે. રાત્રે અભ્યાસ કરવાનું આયોજન ઊંઘ અને આરામને હાનિ પહોંચાડે છે. વધુ સારા માનવ બનવા માટે આપણે પોતાની નવરાશની પળોમાં જ્યારે જાગતા હોઈએ ત્યારે તેનો સદુપયોગ કરતાં શીખવું જોઈએ. ઊંઘ અને આરામના સમયમાં ખલેલ ન પહોંચાડવી જોઈએ.

Total Views: 308

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.