તમે ભાગ્યશાળી છો’ (ગોલાપમાના જીવન પ્રસંગો)

(ગતાંકથી આગળ)

ઠાકુરને ગળામાં દર્દ થતું હતું. તેથી મા તેમને યુક્તિથી વધારે દૂધ પીવડાવતાં. દૂધને ખૂબ કઢાવીને એક વાટકા જેટલું કરીને મા તેમને આપતાં. ઠાકુર એ દૂધ પી જતા અને તેમને પચી પણ જતું. એક દિવસ ગોલાપમાએ ઠાકુરને દૂધ પીવા આપ્યું. ઠાકુરે એમને પૂછ્યું, કે આ દૂધ કેટલું? ગોલાપમાએ કહ્યું: ‘એક વાટકો અહીંનો ને એક વાટકો કાલી મંદિરનો!’ ‘ઓહો આટલું બધું દૂધ? તો તો કેમ પચે?’ અને ખરેખર તે દિવસે ઠાકુરને દૂધ પચ્યું નહીં. પછી તેમણે માને પૂછ્યું કે ‘તમે મને કેટલું દૂધ પીવડાવો છો?’ ત્યારે માએ કહ્યું, ‘દૂધના માપની મને શી ખબર પડે કે કેટલા છટાંક ને કેટલા પાશેર છે?’ પણ સાચી વાતની જાણ થયા પછી ઠાકુર એટલું દૂધ પી શક્યા નહીં – માએ ગોલાપમાને કહ્યું, ‘આ રીતે ઠાકુરને સાચી વાત કહીં દેવાથી શું વળ્યું? હવે તેઓ એટલું દૂધ પી શકતા નથી. જો ખવડાવવા માટે આપણે જુદું બોલીએ તો કોઈ દોષ થતો નથી. ત્યારે ગોલાપમાને ખબર પડી કે બાળકની જેમ સમજાવી પટાવીને મા ખવડાવતાં રહે છે. પોતાની ભૂલ સમજાતાં ગોલાપમાને તીવ્ર પશ્ચાતાપ થવા લાગ્યો અને તેમણે માને કહ્યું, ‘મા હવેથી આ આવી ભૂલ નહીં કરું.’

કલકત્તામાં ઠાકુરના પથ્ય ભોજન બનાવવા માટે મા પણ પછી ત્યાં શ્યામપુકુરમાં રહેવા આવ્યાં. ગોલાપમાં પણ માને રસોઈમાં મદદ કરવા માટે ત્યાં આવ્યાં. ઠાકુરસેવા એ જ એમના જીવનનું એકમાત્ર કર્તવ્ય હતું. તેથી કોઈ તેમને તેમના આ કાર્યમાંથી ચલિત કરી શકતું નહીં. તેવો પ્રયત્ન કરનારને તેઓ સ્પષ્ટપણે કહી દેતાં. તેમની સ્પષ્ટ કહેવાની રીત ઘણી આકરી હતી. તેથી કેટલાય ભક્તોને ખોટું લાગી જતું. ઘણાં તો એમની વિરુદ્ધમાં ઠાકુરને ફરિયાદ પણ કરતાં. પરંતુ ઠાકુર ગોલાપમાના અંતરની સચ્ચાઈ અને પવિત્રતાને જાણતા હતા તેથી તેમની વિરુદ્ધની કોઈ જ વાત કાને ધરતા નહી. ગોલાપમાને પણ એમણે પ્રત્યક્ષ રૂપે ક્યારેય કશું કહ્યું નહીં. છતાં તેમણે આ બધી જ બાબતોની ગોલાપમાને જાણ કરી હતી, એ વિષે ગોલાપમાએ પોતે જણાવ્યું હતું કે ‘ખૂબ જ આશ્ચર્યની વાત છે કે તે વખતે મારી વિરુદ્ધ કોઈએ ઠાકુરને વાત કરી હોય તો હું એ સ્વપ્નમાં જાણી જતી. ઠાકુર મને બધું બતાવી દેતા હતા કે અરે, તમારા વિરુદ્ધ આવી વાતો કહેવામાં આવી છે – તમે કહો છો કે અમુક સ્ત્રી તમને ખૂબ ચાહે છે પણ એણે ય આવી વાતો કહી હતી. રાતભર હું ઠાકુરને સ્વપ્નમાં જોતી.’ પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે ઠાકુર ગોલાપમાને માર્ગદર્શન આપતા રહ્યા. એમનું ઘડતર કરતા રહ્યા. એમની ભૂલો સુધારતા રહ્યા કે જેથી તેમનું સાચું આંતરસ્વરૂપ પ્રગટ થાય ને તેઓ માના સમર્થ આધાર બની શકે.

શ્રીરામકૃષ્ણના લીલાસંવરણ પછી ગોલાપમાના જીવનનો ત્રીજો તબક્કો શરૂ થયો. શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં આંતરિક વિકાસનો, આધ્યાત્મિક ભાવના સ્થાપનનો, પ્રકૃતિના ઘડતરનો કાળ હતો. તો તેમના અંતર્ધ્યાન પછી ઠાકુરે ઘડેલું એમનું માના સંરક્ષકનું, પરિચારિકાનું, સહાયકનું સ્વરૂપ પ્રગટ્યું. જાણે મા દુર્ગાની સખી વિજયાનું રૂપ આવિર્ભાવ પામ્યું. ઠાકુરના લીલાસંવરણ પછી તેઓ છત્રીસ વર્ષ સુધી માની સાથે તેમના પડછાયાની જેમ રહ્યાં. ઠાકુર તો ચાલ્યા ગયા ને પહેલું જ કઠોર કર્તવ્ય બજાવવાનું ગોલાપમાને ભાગે આવ્યું. બલરામબાબુએ તેમને માને પહેરાવવા માટેનું કિનારી વગરનું વસ્ત્ર આપ્યું ને કહ્યું કે આ તમે માને પહેરાવો. આંસુભરી આંખે તેઓ મા પાસે ગયાં. પણ માએ તેમને આ કઠોર કર્તવ્યમાંથી મુક્તિ આપી દીધી હતી! માએ જાતે જ પહોળી લાલકિનારને ફાડીને નાની કરી નાખી હતી. પછી મા હંમેશ એ નાની લાલ કિનારવાળી સાડી જ પહેરતાં હતાં. ઠાકુરના અંતર્ધ્યાન બાદ ગોલાપમા માની સાથે જ રહેતાં હતાં. માની દરેક બાબતની સંભાળ રાખતાં હતાં. એટલે જ તો માએ કહ્યું હતું કે ‘હું ગોલાપ વગર ક્યાંય જઈ શકું નહીં. તે સાથે હોય તો હું સલામતી અનુભવું છું.’ તેઓ ગમે તે કામ કરતાં હોય, માના ઓરડામાં ન હોય તો પણ તેમની નજર સતત મા પર રહેતી. કોઈ એવા જિદ્દી ભક્તો કે માણસો મા પાસે આવીને માને હેરાન ન કરે એ માટે તેઓ સતત જાગ્રત રહેતાં, ભક્તોની ચિત્રવિચિત્ર લાગણીઓથી તેઓ માને બચાવતાં. માનું રક્ષણ કરતાં.

એક વખત એક ભક્તને માની પૂજા કરવાની ઇચ્છા જાગી. તેની ભારે હઠ જોઈને માએ રજા આપી. મા આખાં ચાદરથી ઢંકાયેલાં હતાં. તેઓ ત્યાં સામે બેઠાં ને ભક્ત પૂજા કરવા લાગ્યો. ગોલાપમા આવીને તે જોઈ ગયાં. ભક્ત માની પૂજા કરે છે, તેમાં વિક્ષેપ પાડવા યોગ્ય નથી એમ માનીને તેઓ ચૂપચાપ ચાલ્યાં ગયાં, ને પોતાનું કામ કરવા લાગ્યાં. બધું કામ પૂરું કરીને તેઓ પાછા આવ્યાં ને જોયું તો મા એમ ને એમ બેઠાં હતાં ને તે ભક્ત માની સામે પ્રાણાયામ ને વિવિધ મુદ્રાઓ કરી રહ્યો હતો. આ જોઈને તેમનો પિત્તો ગયો. તેઓ તે ભક્ત પાસે ગયાં ને તેને પકડીને બેઠો કર્યો ને મોટેથી કહ્યું: ‘આ કંઈ લાકડાના ભગવાન છે કે તું તેની સામે કલાકો સુધી બેઠો બેઠો પ્રાણાયામ ને મુદ્રાઓ કર્યા કરે! જોતો નથી મા પરસેવે રેબઝેબ થઈ રહ્યાં છે ને તેમને કેટલું કષ્ટ પડે છે તે.’ ત્યારે એ ભક્તને ખ્યાલ આવ્યો કે માને ખરેખર કષ્ટ પડી રહ્યું છે. પછી તે ક્ષમા માગતો ચાલ્યો ગયો. મા તો હતાં ભોળાં, સરળ, ઉદાર ને અપાર કરુણાથી છલકાતાં. અનેક પ્રકારના લોકો પોતાની જાતજાતની ઇચ્છાઓ લઈને મા પાસે આવતા. પણ ગોલાપમાની વેધકદૃષ્ટિ ને જાગૃત તકેદારી આ બધાંથી માનું રક્ષણ કરતી. તેમની સેવા ને પ્રેમપૂર્ણ દૃઢતા માને અનેક વિટંબણાઓમાંથી બચાવી લેતી. ભાવુક ભક્તોની લાગણીઓના અતિરેકથી ગોલાપમાં જ માનું રક્ષણ કરી શકતાં, કેમ કે તેઓ અત્યંત સ્પષ્ટ વક્તા હતાં, ન તો તેઓ કોઈની શેહમાં દબાતાં કે ન તો તેઓ કોઈની શરમ કે સંકોચ રાખતાં. આર્ષદૃષ્ટા ઠાકુરે માના માટે સુયોગ્ય સંરક્ષક રૂપે જ મૂક્યા હતા!

મા ક્યાંય ગાડીમાં જતાં હોય તો ગોલાપમા માનો હાથ પકડીને તેમને નીચે ઉતારીને લઈ જતાં, માને જ્યારે બહાર જવાનું હોય ત્યારે ગોલાપમા આગળ ચાલતાં ને મા નવવધૂની જેમ પાછળ ચાલતાં. મા જ્યારે જ્યારે યાત્રાઓમાં ગયાં ત્યારે ત્યારે ગોલાપમાની સાથે જ ગયાં હતાં. ઠાકુરના લીલાસંવરણ બાદ બલરામબાબુએ મા માટે તીર્થયાત્રાનો પ્રબંધ કર્યો ત્યારે મા સાથે ગોલાપમા ને લક્ષ્મી દીદી ગયાં હતાં. આ તીર્થયાત્રામાં તેઓ બધાં લગભગ એક વરસ સુધી રહ્યાં હતાં. એ પછી પણ મા સાથે ગોલાપમા દેવધર, પુરી, પ્રયાગ, હરદ્વાર, રામેશ્વર, કોઠાર, વગેરે સ્થળે ગયાં હતાં. જયરામવાટી અને કામારપુકુરમાં પણ તેઓ મા સાથે રહ્યાં હતાં. ઠાકુરના ગયા પછી મા જ્યારે કામારપુકુરમાં એકલાં રહ્યાં હતાં ત્યારે માની કપરી આર્થિક સ્થિતિની વાત ગોલાપમાએ જ બધાને જણાવીને શ્રીરામકૃષ્ણના સંન્યાસી પુત્રોને માને કલકત્તા લાવવા માટે પ્રેર્યા હતા. પછી મા માટે નીલાંબર મુખરજીના બાગમાં ભાડે મકાન લેવામાં આવ્યું ને ત્યાં મા સાથે ગોલાપમા જ રહ્યાં હતાં. મા તીર્થ સ્થાનમાં હોય કે કલકત્તાના ભાડાના મકાનમાં, બેલુરમાં કે ઉદ્‌બોધનમાં, દરેક જગ્યાએ માની સઘળી વ્યવસ્થા ગોલાપમા કરતાં. જ્યાં મા હોય ત્યાં ભક્તોને માટે ભોજનની વ્યવસ્થા પણ તેઓ જ કરતાં. એક વખત મા, ગોલાપમા ને સ્વામી યોગાનંદ સાથે કામારપુકુર જવા નીકળ્યાં, બર્દવાન સુધી તેઓ ટ્રેનમાં ગયાં ને ત્યારપછી પગે ચાલીને જવાનું હતું. તેઓ સોળ માઈલ તો ચાલ્યાં. પછી માને ભૂખ લાગી, ગોલાપમાએ માને આરામ કરવા માટે રસ્તાની એકબાજુએ ચટ્ટાઈ બિછાવી દીધી. પોતે પથરાઓ ગોઠવી ચૂલો બનાવ્યો ને કરગઠિયાંથી સળગાવ્યો, તેમાં ખીચડી પકાવી, જ્યારે માને ગરમાગરમ ખીચડી પીરસી, ત્યારે મા અત્યંત પ્રસન્નતાથી બોલી ઊઠ્યાં : ‘અરે, ગોલાપ તેં તો કેવું અમૃત બનાવ્યું છે!’ આમ મા રસ્તામાં હોય કે ઘરમાં, માનું ધ્યાન રાખવું ને રક્ષણ કરવું એ જ ગોલાપમાના જીવનનું મુખ્ય કાર્ય બની ગયું હતું!

મા તો હતાં ખૂબ શરમાળ. કોઈ સાથે કંઈ બોલતાં નહીં. ઠાકુરના શિષ્યો સામે તો તેઓ ઘૂંઘટમાં ઢંકાયેલાં જ રહેતાં. સ્વામી વિવેકાનંદે જ્યારે માના આશીર્વાદ માગ્યા ત્યારે માએ ગોલાપમાં દ્વારા જ આશીર્વાદ આપ્યા હતા. ગોલાપમાએ સ્વામીજીને કહ્યું, ‘મા કહે છે કે ઠાકુર હંમેશાં તારી સાથે જ છે. જગતના કલ્યાણ માટે તારે ઘણાં બધાં કાર્યો કરવાનાં છે.’ ગોલાપમા માના આશીર્વાદ, માની વાણી અને માની ઇચ્છાને વ્યક્ત કરવાનું માધ્યમ હતાં. ઘણી વાર મોટી ઉમ્મરની વ્યક્તિઓ માને પ્રશ્નો પૂછતી ત્યારે મા ધીમેથી ગોલાપમાના કાનમાં તેનો ઉત્તર કહેતાં. પછી ગોલાપમાં મોટેથી માની વાણીનું પુનરાવર્તન કરતાં. મા પાસેથી ઉત્તર મેળવનારને પ્રથમ ગોલાપમાની ચોકી વટાવવી પડતી. જો મા થાકેલાં હોય? તેમની તબિયત બરાબર ન હોય તો ગોલાપમા કોઈને ય તેમની પાસે જવા દેતાં નહીં. એમાં માના સંન્યાસી – પુત્રો પણ અપવાદ રૂપ બની શકતા નથી.

એક વાર મા જયરામવાટીથી કલકત્તા આવી રહ્યાં હતાં. ગરમીના દિવસો હતા. ટ્રેઈન ત્રણ કલાક મોડી હતી. સ્ટેશન પર ખૂબ ભીડ હતી. ઘણા દિવસે મા આવી રહ્યાં હતાં. આથી સ્વામી બ્રહ્માનંદ અને પ્રેમાનંદ પણ માને લેવા સ્ટેશને આવ્યા હતા. બીજા અન્ય ભક્તો પણ હતા. ગોલાપમાનો હાથ પકડીને મા નીચે ઉતર્યાં. સ્વામી બ્રહ્માનંદ માને પ્રણામ કરવા ત્યાં આવી પહોંચ્યા. તો ગોલાપમાએ કહ્યું, ‘મહારાજ, તમને કંઈ ભાન બાન છે કે નહીં? આવી બફાઈ જવાય તેવી ગરમીમાં મા આટલે દૂરથી આવ્યાં છે, અને તમે બધા એમને વધારે હેરાન કરવા અહીં ભેગા થયા છો?’ બંને સાધુઓ તો ગોલાપમાની વાત સાંભળીને દૂર જતા રહ્યા. મા બલરામબાબુના ઘરે જવાનાં હતાં. એટલે ગાડીમાં ત્યાં ગયાં. ત્યાં બધી વ્યવસ્થા બરાબર છે કે નહીં તે જોવા માટે બંને સ્વામીજી ત્યાં પહોંચ્યા. મા તો ઉપરના ઓરડામાં આરામ કરવા જતાં રહ્યાં. કોઈને ય માનાં દર્શન ન થયાં. એટલામાં ગિરીશચંદ્ર ઘોષ માનાં દર્શન માટે ત્યાં આવ્યા. તેમણે બંને સ્વામીજીને કહ્યું, ‘ચાલો ઉપ૨. આપણે માનાં દર્શન કરી આવીએ.’ તો તેમને ઉપર જતાં ગોલાપમાએ રોક્યા. પણ ગિરીશ કંઈ ગોલાપમાની વાત માને? તેઓ તો બંને સ્વામીઓને લઈને ઉપર ચઢી ગયા. ને ચઢતાં ચઢતાં બોલતા હતા કે ‘આ વઢકણી બાઈ માતૃસ્નેહ શું જાણે? તેને ખબર નથી કે પુત્રોના મુખ જોઈને માને કેટલો બધો આનંદ થશે?’ આમ ત્રણેય ગોલાપમાને ગણકાર્યા વગર માની સમીપ પહોંચી ગયા ને સાચ્ચે જ તેમના આગમનથી મા ખૂબ પ્રસન્ન થયાં. ગોલાપમાએ રડતાં રડતાં માને વાત કરી ને ગિરીશે તેનું કેવું અપમાન કર્યું તે જણાવ્યું, ત્યારે માએ તેને કહ્યું, ‘મેં તને કેટલીયવાર કહ્યું છે કે તારે મારા દીકરાઓની ટીકા ન કરવી!’ આ સાંભળીને ગિરીશબાબુએ વિજયી સ્મિતથી ગોલાપમાની સામે જોયું!

પોતાના માન કે અપમાનની પરવા કર્યા વગર ગોલાપમા તો પોતાને જે સાચું લાગે તે કરતાં અને કહેતાં. ઘણી વાર તો કડક ભાષામાં પણ કહેતાં. તેથી અન્ય ભક્તો તેમને સમજી શકતા નહીં. મા તેમને વારંવાર કહેતાં રહેતા કે ભક્તોની સમક્ષ તારે કઠોર શબ્દો વાપરવા નહીં, ભલે સાચા હોય તો પણ. સાચું કહેવું પણ પ્રિય કહેવું, એ શિખામણ માએ તેમને અનેક વાર આપી હતી. છતાં આ બાબતમાં તેઓ ભૂલી જતાં. ઘણી વખત તો તેઓ માને પણ સ્પષ્ટ કહી દેતાં. વ્યવહાર શુદ્ધિની બાબતમાં તેઓ અસહિષ્ણુ હતાં. એક વખત કોઈ ભક્ત મા માટે શાક બનાવીને લાવ્યો હતો. ભક્તનો ભાવ હતો તેથી માએ એ શાક ભોજનમાં લીધું. ગોલાપમાએ એ જોયું ત્યારે તેમણે તુરત જ માને કહ્યું, ‘તમે શુદ્રના હાથે રાંધેલું કેમ ખાઓ છો?’ ત્યારે માએ એમને કહ્યું કે ‘ભક્તોની કોઈ જાતિ હોતી નથી.’ આ સત્યે તેમના અંતરમાં ઝબકારો કરી દીધો. તેમને પોતાનું વર્તન સમજાયું કે તુરત જ તેમણે માની થાળીમાંથી એ જ શાક પ્રસાદ તરીકે લઈને ખાધું ને પછી ત્યાંથી ચૂપચાપ ચાલ્યાં ગયાં. પોતાની ભૂલ સમજાય તો તુરત જ એકરાર કરીને પોતાનું વર્તન બદલી નાખવું એ તેમના સ્વભાવની લાક્ષણિકતા હતી.

તેમનું મન શુદ્ધ ને પવિત્ર હતું. તેથી બાહ્ય શૌચાશૌચ એમને સ્પર્શતાં નહોતાં. એક વખત જાજરૂ સાફ કરીને તેઓ ઠાકુરનું કામ કરવા લાગ્યાં. આ જોઈને માની ભત્રીજી નલિનીએ માને ફરિયાદ કરી કે ‘જાજરૂમાં જઈને ગોલાપમા નહાતાં પણ નથી ને કપડાં ય બદલતાં નથી. કેવાં અપવિત્ર છે એ!’ આ સાંભળીને માએ કહ્યું : ‘ગોલાપમાનું મન શુદ્ધ છે. તેમાં પવિત્રતા, અપવિત્રતાનો વિચાર જ નથી હોતો. એને બહારની શુદ્ધિની જરૂર નથી. આ તો એનો અંતિમ જન્મ છે. આવું મન મેળવવા માટે તારે તો બીજો જન્મ લેવો પડશે.’ એ પછી મા ઠાકુરના પ્રિય ગીતની પંક્તિ બોલ્યાં : ‘શુચિ, અશુચિને સાથે લઈને રે મન, તું દિવ્યઘરમાં ક્યારે સૂઈશ? એ બંને શોક્યોમાં પ્રેમ થશે, ત્યારે તું કાલીમાતાને પામીશ.’ માના મુખે ગોલાપમાની પવિત્રતાની વાત સાંભળીને પછી નલિની તો મૂંગી જ બની ગઈ!

જેમનું હૃદય મન, શુદ્ધ ને પવિત્ર છે, તેઓને કોઈ મલિનતા સ્પર્શતી નથી. તેઓ જ્યાં જાય છે, ત્યાં આપોઆપ બહારની શુદ્ધિ પણ થવા લાગે છે. એક વાર મા અને ગોલાપમા વૃંદાવનમાં માધવજીના મંદિરમાં ગયાં હતાં. ત્યાં કોઈના બાળકે ગંદું કર્યું હતું. બધાં જોતાં હતાં, પણ કોઈ સાફ કરતું નહોતું. ગોલાપમાએ આ જોયું કે પોતાની સાડીમાંથી એક કકડો ફાડીને એ સાફ કરી નાખ્યું. પછી પાણીથી ધોઈને એ જગ્યા એકદમ સ્વચ્છ બનાવી દીધી. આ જોઈને ઘાટ પરની સ્ત્રીઓમાંથી કોઈએ કહ્યું, ‘એનું બાળક હશે, એટલે એણે સાફ કર્યું.’ પણ બીજી સ્ત્રીને ખબર હતી તેથી તેણે કહ્યું ‘આ તો સાધ્વીઓ છે, તેમને બાળકો હોય નહીં, પણ તેઓ બીજાંનાં કલ્યાણ માટે જ કાર્યો કરતાં હોય છે’. ત્યારે બધાને માનો અને ગોલાપમાનો પરિચય થયો.

વ્યવસ્થા અને ચોકસાઈ તેમના આગવા ગુણો હતા. તેઓ અવ્યવસ્થા સહી શકતાં નહીં. યુવાન સાધુઓનાં મેલાં કપડાં જો અહીં તહી પડ્યાં હોય તો તેને ધોવડાવીને તેઓ યથાસ્થાને મુકાવી દેતાં. બધી જ ચીજવસ્તુઓ તેઓ યોગ્ય જગ્યાએ મુકાવતાં. કોઈ પણ વસ્તુનો દુરુપયોગ ન થાય તેની તેઓ ખાસ કાળજી રાખતાં. ‘અપવ્યયથી મહાલક્ષ્મી ક્રોધિત થાય છે’ એ માના ઉપદેશનું તેઓ ચૂસ્તપણે પાલન કરતાં. શાકભાજીના છોતરા ને કૂચા ભેગા કરીને ગાયોને ખવડાવતાં, અરે, પાનની ઉપરની દાંડલીઓને ભેગી કરીને વિલાયતી ઉંદરોને ખવડાવવા માટે રાખી મૂકતાં. શેરડીના કૂચા ને નારંગીનાં છોતરાં સૂકવીને બળતણ તરીકે ઉપયોગમાં લેતાં, જૂનાં વાસણો આપીને નવા વાસણો લેતાં. ઘરને વ્યવસ્થિત રાખતાં. તેમણે પોતાનું સમગ્ર જીવન ઠાકુરને અને માને સમર્પિત કરી દીધું હતું. આથી તેમના બધાં કાર્યો આરાધના ને પુજારૂપ બની જતાં અને દરેક કાર્ય તેમને અનુપમ આનંદ આપતું.

ગોલાપમાનું દૈનિક જીવન સાધ્વીનું હતું; કર્મ, ભક્તિ ને સેવાથી સભર હતું. તેઓ દરરોજ સવારે ચાર વાગે ઊઠતાં. સ્નાન કરીને જપમાં બેસતાં. ત્રણ કલાક જપ કરતાં. પછી ઠાકુરના ઓરડામાં જઈને ઠાકુર અને માને પ્રણામ કરીને નીચે આવતાં. પછી રોજની રસોઈ માટે ભંડારમાંથી વસ્તુઓ કાઢતાં, શાક સુધારતાં. ત્યાર બાદ માને ગંગાસ્નાન માટે લઈ જતાં. એક ઘડો ભરીને ગંગાજલ લાવતાં ને ઠાકુરના મંદિરમાં એ ઘડો મૂકતાં. એ પછી તેઓ પાન બનાવતાં. ઘણાં પાન બનાવવાનાં હોવાથી તેમાં ઘણો સમય વ્યતીત થતો, ઠાકુરની નિત્યપૂજા થઈ ગયા બાદ તેઓ બધાને પ્રસાદ વહેંચતાં. બપોરે ભોજન કરીને થોડો આરામ કરતાં. ત્યાર બાદ ગીતા, મહાભારત કે સ્વામીજીના પુસ્તકોનું વાચન કરતાં, સાધુઓની જરૂરિયાતની વસ્તુઓનો પ્રબંધ કરતાં. ફરી રાતની રસોઈ બનાવતાં. સાંધ્યદીપ કરી, ફરી ઠાકુર – માને પ્રણામ કરી રાતના નવ વાગ્યા સુધી જપ કરતાં ને પછી ભોજન કરતાં. રસોઈમાં તેઓ દરેકની રુચિનો ખ્યાલ રાખતાં. મીઠાઈ બનાવી હોય અને કોઈ વ્યક્તિ ગેરહાજર હોય તો તેઓ તેના માટે મીઠાઈ રાખી મૂકતાં. આમ તેમની દિનચર્યા સાધના ને સેવાથી ભરપૂર હતી. ભગવાન ને ભક્તોની સેવા અને જપ દ્વારા જ તેમણે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. માએ તેમની સિદ્ધિ વિષે વાત કરતાં કહ્યું હતું : ‘ગોલાપ અને યોગેને અનેક જપ ધ્યાન કર્યા છે. ગોલાપ જપમાં સિદ્ધ છે, જે જેનું છે, તે તેનું જ રહે છે. અને યુગ યુગમાં તે તેની સાથે આવીને મળે છે.’ દુઃખની અનેક જાળ પાર કરીને ગોલાપમા ઠાકુરની પાસે આવી પહોંચ્યાં હતાં કેમ કે તેઓ તેમના અંતરંગ વર્તુળમાંના હતાં અને માના લીલા કાર્ય સાથે સંકળાયેલાં હતાં.

ગોલાપમાનું વ્યક્તિત્વ ઉપરથી કઠોર દેખાતું હતું, પણ અંદરથી તેઓ મૃદુ અને ઉદાર હતા. એમનો દૌહિત્ર એમને દર મહિને દસ રૂપિયા મોકલાવતો હતો. એમાંથી અર્ધી રકમ તેઓ પોતાના ભોજન ખર્ચ માટે માને આપતાં ને અર્ધી રકમ દાનમાં આપી દેતાં. એમની પાસેથી કોઈ ખાલી હાથે પાછું ફરતું નહી. માના ઘરે એક ગાંડી સ્ત્રી માગવા માટે આવતી. તે નીચેથી જ બૂમ પાડતી કે ‘ગોલાપમાં, હું આવી ગઈ છું.’ ગોલાપમા તેને ઘણું ખાવાનું આપતાં. અને ચીજવસ્તુઓ પણ આપતા. ઘણી વાર તો તે ગાંડી રાત્રે મોડી મોડી આવતી, ત્યારે અન્ય ભક્તો ગોલાપમાને કહેતા કે ના પાડી દો, અત્યારે તમે શું કામ કષ્ટ ઉઠાવો છો?’ ત્યારે તેઓ કહેતાં ‘બિચારી અનાથ છે. લોકોના બારણે બારણે ભટકતી ફરે છે. સમયે સમયે પણ એને મુઠ્ઠી ભરીને આપવું જ પડે.’ અન્યનાં દુઃખો જોઈને તેમનું હૃદય દ્રવી જતું. એક આંધળો ભિખારી પણ ગોલાપમાનો પ્રીતિપાત્ર બન્યો હતો. ગોલાપમાં તેને પણ ખૂબ ખાવાનું આપતાં. આ આંધળા ભિખારીને તેમણે શીખવ્યું હતું કે ‘મા, આંધળાને કાંઈ આપો.’ એમ કહેવાને બદલે ‘રાધાગોવિંદ, મા નંદરાણી આંધળા પર દયા કરો’ -એમ કહેવું. આથી તારો તો ઉદ્ધાર થશે, પણ સાંભળનારનું ય કલ્યાણ થશે.’ ત્યારથી એ આંધળો પોતાના મધુર અવાજે ભગવાન પાસે ભીખ માગવા લાગ્યો!

પોતાના પાડોશીનું પણ ગોલાપમાં ધ્યાન રાખતાં. એક વાર ગરીબ પાડોશી માંદો પડ્યો. તેની પાસે ડૉક્ટરને બોલાવવાના પૈસા પણ નહોતા. તો ગોલાપમા પોતે ડૉક્ટરને તેડી લાવ્યાં ને તેની દવા કરાવી, સાજો કરાવ્યો. બીજાની સેવા કરવામાં તેમને ખુબ આનંદ આવતો. પણ તેઓ કદી પોતે બીજાની સેવા લેતાં નહીં.

ગંગા પ્રત્યે તો તેમનો અનન્ય ભક્તિભાવ હતો. તેઓ હંમેશ ગંગાસ્નાન માટે જતાં. એક ઘડો ભરીને ગંગાજલ પણ લાવતાં. જ્યારે વૃદ્ધ થયાં ત્યારે લાકડી લઈને પણ ગંગાસ્નાન માટે જતાં. એમની ગંગા જેવી પવિત્રતા જોઈને માએ કહ્યું હતું કે પૂર્વજન્મની તપસ્યાને લઈને જ આવું શુદ્ધ મન પ્રાપ્ત થાય છે. તેમના વ્યક્તિત્વ વિશે સ્વામી વિવેકાનંદનાં વિદેશી શિષ્યા શ્રીમતી સારા બુલે, જેમને ધીરમાતાનું બિરુદ અપાયું હતું, લખ્યું છે કે ‘શ્રી માના સાથીદારો સાથે મારે ગાઢ નાતો હતો. ગોલાપમા ઊંચાં, શક્તિશાળી, રૂઢિચુસ્ત અને ક્યારેય બાંધછોડ ન કરે તેવાં માનાં સંરક્ષક હતાં. માની સલામતી માટે તેઓ જાગ્રત હતાં. તેઓ માને ઠપકો પણ આપતાં. ખાસ કરીને મા જ્યારે એમના વિદેશી શિષ્યો પ્રત્યે ઉદાર હોય અને જાતિભેદ ન દાખવતાં હોય ત્યારે. પરંતુ મારા પ્રત્યે તેઓ સહુથી વધારે માયાળુ રહ્યાં હતાં.’

શ્રીરામકૃષ્ણે માનો પ્રથમ પરિચય કરાવ્યો ત્યારથી માંડીને માએ લીલાસંવરણ કર્યું ત્યાં સુધી મા સાથેનો એમનો પુત્રીવત્ સંબંધ અતૂટ રહ્યો હતો. શ્રીરામકૃષ્ણ સંઘના માતા તરીકે માએ જે કાર્ય કર્યું, તેમાં ગોલાપમાનો ફાળો ઘણો મોટો છે. તેઓ માનાં અંતરંગ આત્મીય હતાં. મા તેમને પોતાની અંતરંગ વાતો પણ કરતાં. જ્યારે ઠાકુર ચાલ્યા ગયા પછી તેમના સંન્યાસી અને ગૃહસ્થ શિષ્યો વચ્ચે ભસ્માવશેષ માટે વિવાદ ઊભો થયો ત્યારે માને ખૂબ જ દુઃખ થયું હતું અને માંએ પોતાના દુઃખની વાત કરતાં ગોલાપમાને કહ્યું હતું કે ઠાકુર જેવા ઠાકુર ચાલ્યા ગયા ને આ લોકો તેમની ભસ્મ માટે ઝઘડે છે! માનાં સુખદુઃખના એ સંગાથી હતાં. મા એમની સાથે ગમ્મત પણ કરતાં. મા સાથેની વારાણસીની છેલ્લી યાત્રામાં માએ એમની ખુબ ગમ્મત કરી હતી. મા અને ગોલાપમા તેમના ઉતારે બેઠાં હતાં. એક અજાણી સ્ત્રી માને પ્રણામ કરવા માટે ત્યાં આવી. ગોલાપમાનું પ્રભાવશાળી વ્યક્તિત્વ જોઈને તેણે તેમને મા શારદામણિ માની લીધાં ને તે તેમને પ્રણામ કરવા ગઈ ત્યારે ગોલાપમાએ ઈશારો કર્યો કે મા ત્યાં બેઠાં છે. ત્યાં પ્રણામ કરો. તેથી તે માની પાસે ગઈ. તો માને ગમ્મત સૂઝી એટલે તેમણે તે સ્ત્રીને ઈશારો કર્યો કે તે મા છે, ત્યાં જાઓ. પેલી ફરી ગોલાપમા પાસે આવી. ગોલાપમાએ પાછી તેને મા પાસે મોકલી. માએ બીજી વખત પણ એમ જ કર્યું. હવે તે મુંઝાઈને ગોલાપમા પાસે આવી ત્યારે ગોલાપમાએ તેને કહ્યું : ‘તું દેવીમાતાનું મુખ ને મનુષ્યનાં મુખનો તફાવત જોઈ શકતી નથી?’ પછી તે સ્ત્રીએ બંનેના મુખ સામે ધારીને જોયું ને પછી કંઈ પણ બોલ્યા વગર સીધી માના ચરણોમાં જઈને ઝૂકી.

મા પ્રત્યે ગોલાપમાને અતિ ઉત્કટ પ્રેમ અને ભક્તિ હતાં. અને આ ઉત્કટતા જ તેમને અન્ય પ્રત્યે કઠોર બનાવી દેતાં હતાં! પણ માના લીલાસંવરણ પછી જાણે તેમનું જીવનકાર્ય પણ સમાપ્ત થઈ ગયું હોય તેવું તેઓ અનુભવી રહ્યાં. માની ગેરહાજરી તેમને ખૂબ સાલતી. એ પછી તેઓ ચાર વર્ષ જીવ્યાં. પોતાનાં દૈનિક કાર્યો પૂર્વવત કરતાં રહ્યાં. પણ તેમનું સ્વાસ્થ્ય ધીમે ધીમે કથળવા લાગ્યું અને તેમનું ચિત્ત વારંવાર માનું સ્મરણ કરતું રહેતું. તેમને પોતાની જીવનયાત્રાની સમાપ્તિના સંકેતો પણ પછી તો મળવા લાગ્યા હતા. તેમણે કહેલું ‘યોગીન શુકલ પક્ષમાં જશે ને હું કૃષ્ણપક્ષમાં.’ થયું પણ તેમ જ.

મૃત્યુ પહેલાંના થોડા દિવસ તેમને અપૂર્વ દર્શન થયા કરતું હતું. તેમણે આ દર્શનની વાત કરતાં એક સંન્યાસીને કહ્યું હતું કે ‘હવે આ શરીર ઝાઝું નહીં ટકે. હું હવે વારંવાર એક કન્યા જોઉં છું, જેણે રુદ્રાક્ષની માળા ધારણ કરી છે, ભગવાં વસ્ત્ર પહેર્યાં છે ને તે મારા શરીરમાંથી બહાર આવી રહી છે. પછી હું આ શરીર તરફ જોઉં છું તો તે મને મરી ગયેલું લાગે છે!’ આમ મૃત્યુ અગાઉ તેમણે પોતાના સાચા સ્વરૂપને પોતાના જડ શરીરમાંથી બહાર નીકળતાં જોયું હતું. સિદ્ધયોગીઓ જ આ રીતે પોતાના સાચા સ્વરૂપને જોઈ શકે અને સભાનપણે શરીર છોડી શકે. આવી યોગસિદ્ધિ ગોલાપમાને સહજ પ્રાપ્ત થઈ હતી. તેમણે માના ઘરમાં, ઉદ્‌બોધનમાં જ ૧૯મી ડિસેમ્બર ૧૯૨૪ના સાંજે ૪ કલાકે પોતાનું શરીર છોડી દીધું ને આત્મપંખી માના તેજોમય દિવ્ય લોકમાં ઊડી ગયું. એમના મૃત્યુ પછી તુરત જ ડૉ. બિપિન તેમને જોવા આવ્યા. તેમને એમ કે ગોલાપમા શાંતિથી જંપી ગયાં છે. તેઓ માની જ ન શક્યા કે આ દેહ હવે નિર્જીવ બની ગયો છે. સ્વામી શારદાનંદે તેમને કહ્યું, ‘પક્ષી ઊડી ગયું ને પિંજર પડી રહ્યું’, આ સાંભળીને ડૉક્ટરે તેમને પૂછ્યું કે ‘તમે મને કહેશો કે એ આત્મા ક્યાં ગયો?’ સ્વામી શારદાનંદે તત્ક્ષણ ઉત્તર આપ્યો. ‘મા પાસે’ કેમ કે તેમને ખાતરી હતી કે ઠાકુરે જેમના ઉપર કૃપાદૃષ્ટિ વહાવીને, જેમને માના સાંનિધ્યમાં મૂકીને જેમના અંધકારમય દુઃખપૂર્ણ જીવનને પ્રકાશ ને આનંદથી ભરી દીધું હતું, તેનું પરલોકનું જીવન પણ માના સાંનિધ્યમાં તેજોમય જ હોય અને તેમનું અંતર પણ ઠાકુરના શબ્દોનો પડઘો પાડી રહ્યું કે ‘ગોલાપમા, તમે તો ભાગ્યશાળી છો!’

Total Views: 337

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.