(ગતાંકથી ચાલુ)

હવે મથુરબાબુએ શ્રીરામકૃષ્ણના મનને કાબુમાં લાવવા માટે બીજા શસ્ત્રનો ઉપયોગ કર્યો અને તે દલીલો અને તર્ક પ્રમાણો દ્ગારા સમજાવવાનો. હવે તેઓ શ્રીરામકૃષ્ણને ઘણી બાબતો બુદ્ધિની ભૂમિકાથી સમજાવવા લાગ્યા. એક દિવસ તેમણે શ્રીરામકૃષ્ણને કહ્યું: “બાબા, ઈશ્વરને પણ કાયદો માનીને ચાલવું પડે છે. એમણે જે નિયમ બનાવ્યો છે, એને ઉલ્લંઘવાની શક્તિ પછી કોઈનામાં ય હોતી નથી.” આ સાંભળીને શ્રીરામકૃષ્ણ પછી બોલી ઊઠ્યા : “રે, આ તે તમે કેવી વાત કરો છો! જેનો કાયદો છે, તે ઇચ્છે તો તેને તે બદલી શકે છે! અને એને સ્થાને એ નવો કાયદો પણ બનાવી શકે છે. ઈશ્વરને કંઈ કાયદા લાગુ પડતા નથી.” આ સાંભળીને મથુરબાબુએ પોતાની દલીલનું સમર્થન કરતાં કહ્યું: “ના, બાબા, તમારી એ વાત હું સ્વીકારતો નથી. જુઓ ને લાલ ફૂલનાં વૃક્ષમાં લાલ ફૂલ જ થાય છે. એમાં ક્યારેય સફેદ ફૂલ થતું નથી. કેમકે ભગવાને એવો નિયમ બનાવ્યો છે કે લાલ ફૂલના વૃક્ષમાં લાલ ફુલ જ થાય.” ત્યારે તો શ્રીરામકૃષ્ણે એમને કંઈ જવાબ ન આપ્યો. પણ બીજે દિવસે જ્યારે તેઓ શૌચ જતા હતા, ત્યારે એમણે જાસુદના વૃક્ષની એક ડાળીમાં જોયું તો બે ફૂલ ખીલ્યાં હતાં. એક લાલ હતું અને બીજું સફેદ! તેમણે મથુરબાબુને તે બતાવ્યું અને કહ્યું: “આ જુઓ! લાલમાં સફેદ ઊગ્યું છે ને? ક્યાં ગયો તમારો કાયદો?” આવું પ્રત્યક્ષ પ્રમાણ મળતાં મથુરબાબુને પરાજય સ્વીકારવો પડ્યો. તેમણે કહ્યું: “હા બાબા, તમારી આગળ હું ક્યારેય જીતી શકું તેમ નથી.”

આ દલીલ અને તર્ક દ્વારા શ્રીરામકૃષ્ણના મનને સપાટી પર સ્થિર કરવાનું શાસ્ત્ર પણ નિષ્ફળ નીવડ્યું. એટલે મથુરબાબુએ હવે ત્રીજા શસ્ત્રનો ઉપયોગ પણ અજમાવી જોયો. મથુરબાબુના સાંસારિક મનમાં એવો વિચાર આવ્યો કે અખંડ બ્રહ્મચર્યપાલનને પરિણામે શ્રીરામકૃષ્ણને આવો ઉન્માદ સર્જાયો હોય તો એનો પણ ઈલાજ કરી લેવો જોઈએ. તેઓ એક દિવસ હૃદયને સાથે લઈને શ્રીરામકૃષ્ણને વારાંગનાઓના બજારમાં લઈ ગયા. તેઓ અને હૃદય આગલા ખંડમાં બેસી રહ્યા અને શ્રીરામકૃષ્ણને વારાંગનાઓના અંત:પુરમાં એકલા છોડી દીધા. હવે વારાંગનાઓની વચ્ચે શ્રીરામકૃષ્ણ એકલા હતા. પણ જેમની દૃષ્ટિ જગદંબામય છે, એમને કાલીમંદિર હોય કે વારાંગનાઓનું અંત:પુર હોય એમાં શો ફેર પડવાનો હતો? આ વારાંગનાઓને જોતાં જ શ્રીરામકૃષ્ણ ભાવ સમાધિમાં લીન થઈ ગયા ને મા, મા, પોકારી રહ્યા. આ વારાંગનાઓમાં પણ એમને માટે તો જગદંબા જ વિદ્યમાન હતી. આવા પરમ પવિત્ર પુરુષનાં દર્શન કરીને વારાંગનાઓ પણ કૃતાર્થ બની ગઈ. એમને પ્રણામ કરીને એક-એક કરીને દૂર ખસી ગઈ અને મા સાથે તદ્રુપ બનેલા શ્રીરામકૃષ્ણ એકલા જ ત્યાં રહ્યા. આ જોઈને મથુરબાબુને ખાતરી થઈ ગઈ કે એમનો ભાવાવેશ એ કોઈ રોગ નથી. ઉન્માદ નથી. પણ સાચ્ચે જ જીવી જાગની દિવ્ય અનુભૂતિઓ છે. આ કંઈ ભ્રમણા નથી. પણ માનવમનની ભૂમિકાની પેલે પારની અતિ ઉચ્ચ સ્થિતિ છે. એ પછી એમણે શ્રીરામકૃષ્ણની આવી સારવાર કરવાનો કદી પ્રયત્ન ન કર્યો.

શ્રીરામકૃષ્ણને મન પ્રત્યેક સ્ત્રી જગદંબા સ્વરૂપ હતી, તો સઘળી સંપત્તિ મૂણ્મય હતી. માટીનું ઢેફું અને રૂપિયા બંને એમના માટે સમાન હતા. આ બાબતનો પણ મથુરબાબુને અનેકવાર અનુભવ થઈ ગયો હતો. શ્રીરામકૃષ્ણના સંપર્કમાં વધુને વધુ રહી શકાય એ માટે તેઓ શ્રીરામકૃષ્ણને કલકત્તામાં જાનબજારમાં આવેલા પોતાના મહાલયમાં લઈ જતા. ત્યાં મથુરબાબુ અને જગદંબાદાસી બંને શ્રીરામકૃષ્ણની ખૂબ ભાવપૂર્વક સેવા કરતાં. એક વખત મથુરબાબુએ શ્રીરામકૃષ્ણ માટે ખાસ સોનાની થાળી અને ચાંદીનો પ્યાલો ખરીદ્યાં અને તેમાં તેમને ભોજન આપ્યું. પણ શ્રીરામકૃષ્ણને તો સોનાની થાળી શું કે પતરાવળી શું? બધું જ સરખું. ભોજન કરી લીધું તો પણ એમનું ધ્યાન સોનાચાંદી તરફ ગયું જ નહીં. એટલે પછી મથુરબાબુને એના પ્રત્યે શ્રીરામકૃષ્ણનું ધ્યાન દોરવું પડ્યું: “બાબા, જુઓ, આપને માટે જ આ ખાસ સોનાની થાળી ને ચાંદીનો પ્યાલો છે, ને તે હવે હું જાતે જ સાફ કરું છું.” …પણ ત્યારે સોના અને ચાંદીનો ભેદ કરનાર મનની ભૂમિકામાં એમના બાબા હતા જ ક્યાં, કે તે મથુરબાબુની વાતની નોંધ લે! તેઓ તો એ ભૂમિકામાં પહોંચી ગયા હતા કે જ્યાં બધું જ સુવર્ણ-સુવર્ણ છે, જ્યાં માટી પણ સુવર્ણ છે! પણ જ્યારે શ્રીરામકૃષ્ણ સામાન્ય ભૂમિકામાં હોય ત્યારે ય મથુરબાબુ એમને કશું પણ આપી શકતા નહીં. એક વખત એમણે થોડી સંપત્તિ શ્રીરામકૃષ્ણના નામે કરી દેવા ઇચ્છા વ્યક્ત કરી. પોતાના નામે સંપત્તિ કરવાની વાત સાંભળતાંવેંત જ શ્રીરામકૃષ્ણ મથુરબાબુને મારવા દોડ્યા ને ગુસ્સે થઈને બોલી ઊઠ્યા: “શું તું મને દુન્યવી માયામાં ખેંચી જવા ઇચ્છે છે?” એ પછી મથુરબાબુએ શ્રીરામકૃષ્ણના નામે સંપત્તિ કરવાની વાત મૂકી દીધી. પણ એમની અંતરની ઇચ્છા એવી હતી કે શ્રીરામકૃષ્ણના નિભાવ માટે પોતાની હયાતીમાં જ કાયમી વ્યવસ્થા કરી જવી પણ શ્રીરામકૃષ્ણે એમની એ ઇચ્છા મૂર્ત થવા દીધી નહીં.

પરંતુ મથુરબાબુએ આ ઇચ્છાને સાકાર કરવા બીજો રસ્તો વિચાર્યો. તે સમયે શ્રીરામકૃષ્ણનાં માતા ચંદ્રામણિદેવી દક્ષિણેશ્વરમાં રહેતાં હતાં. મથુરબાબુએ વિચાર્યું કે પુત્રને નહીં તો માતાને સંપત્તિ આપી દેવી. એક દિવસ ચંદ્રામણિમાતા પાસે મથુરબાબુ ગયા. કુશળ અંતર પૂછીને તેમણે માતાને કહ્યું: “મા, આજે તો તમને જે ઇચ્છા હોય તે માગી લો. આજે તો હું તમને આપવા જ આવ્યો છું.” આ સાંભળીને માતાએ કહ્યું: “બેટા, મારી બધી જરૂરિયાતો તો તમે પૂરી કરી છે. અહીં બેઠાં-બેઠાં ગંગાદર્શન કરી શકું એવી સગવડ તમે કરી આપી છે. રહેવાને ઘર આપ્યું છે. ખાવા-પીવાની ને વસ્ત્રોની સરસ સગવડ કરી આપી છે. હવે મારે કશાની જરૂર જ નથી રહી. ના મા, તો પણ તમે કંઈક માગી લો. મથુરબાબુએ માને વારંવાર આગ્રહ કર્યો અને પોતાને નિરાશ ન કરવા કહ્યું ત્યારે મા ચંદ્રામણિ વિચારમાં પડી ગયાં કે શું માગવું? પછી એમને સૂઝ્યું એટલે કહે, તો બેટા, દાંતે દેવાની બજર ખલાસ થઈ ગઈ છે, તે એક આનાની બજર મગાવી આપો. જેવો પુત્ર એવા જ માતાને જોઈને મથુરબાબુની આંખમાં આંસુ આવી ગયાં ને તેઓ બોલી ઊઠ્યા કે આવી ત્યાગી મા જ શ્રીરામકૃષ્ણને જન્મ આપી શકે.”

શ્રીરામકૃષ્ણના ત્યાગનો એક બીજો અનુભવ પણ મથુરબાબુને થયો હતો. એક વખત મથુરબાબુએ હજારો રૂપિયા ખરચીને એક સુંદર કાશ્મીરી શાલ ખરીદી હતી. આવી સુંદર શાલ તો એમના બાબાને જ શોભે એમ માનીને તેમણે પોતાના હાથે એ શાલ શ્રીરામકૃષ્ણના અંગ પર લપેટી અને તેઓ ખૂબ પ્રસન્ન થયા. શ્રીરામકૃષ્ણ પણ આવી સુંદર શાલને પોતાના અંગ ઉપર જોઈને બાળકની જેમ ખુશી થયા. પણ પછી બીજી જ ક્ષણે એમના મનમાં વિચાર આવ્યો કે ‘આ શાલ ઘેટાના ઊન સિવાય બીજું છે શું? પણ આટલી કિંમતી હોવાથી માણસના મનમાં અહંકાર આવે. શું એથી સચ્ચિદાનંદની પ્રાપ્તિ થશે? આથી તો મન ઈશ્વરથી દૂર થાય,’ આ વિચાર માત્રથી એમણે શાલને અંગ પરથી ફેંકી દીધી અને પછી ધૂળમાં રગદોળી દીધી! જ્યારે મથુરબાબુને આ સમાચાર મળ્યા ત્યારે તેમને ગ્લાનિ થવાને બદલે શ્રીરામકૃષ્ણની નિર્મોહિતા જોઈને આનંદ જ થયો અને તેમણે કહ્યું: “બાબાએ ઠીક જ કર્યું છે.” ભલે મથુરબાબુ પોતે સંસારી જમીનદાર હતા પણ શ્રીરામકૃષ્ણના સાંનિધ્ય અને કૃપાને પરિણામે વૈરાગ્યના મહત્ત્વને સમજી શકતા હતા. જીવનમાં વૈરાગ્ય પ્રાપ્ત થવો કેટલી મુશ્કેલ વસ્તુ છે, એ તેઓ જાણતા હતા.

જેને સંપત્તિનો લોભ નથી. કોઈ વસ્તુનો મોહ નથી, કશાની અપેક્ષા નથી, જેને કામ નથી, જેને અહંકાર નથી એને મથુરબાબુ તો શું આપી શકે? મથુરબાબુએ હવે ભૌતિક વસ્તુઓને બદલે પોતાના આત્માનું અર્પણ શ્રીરામકૃષ્ણને કરી દીધું અને શ્રીરામકૃષ્ણે પણ પોતાની સ્નેહમયી કૃપાધારાથી મથુરબાબુના ઐહિક જીવનને અલૌકિક બનાવી દીધું. એ કૃપાધારાને પરિણામે એમણે પોતાનાં ચર્મચક્ષુથી પણ પોતાના ઈષ્ટદેવતાનાં દર્શન કર્યાં. તે દિવસે શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડાના ઉત્તર-પૂર્વ ખૂણામાં આવેલા લાંબા વરંડામાં લટાર મારી રહ્યા હતા. ત્યારે તેઓ ભાવાવસ્થામાં હતા. બીજી બાજુ સામેના ઓરડામાં મથુરબાબુ પોતાનો હિસાબ તપાસી રહ્યા હતા. તેઓ ત્યાંથી પસાર થતાં શ્રીરામકૃષ્ણને ક્યારેક-ક્યારેક જોઈ પણ લેતા હતા. એકાએક તેઓ દોડ્યા ને જઈને તેમણે શ્રીરામકૃષ્ણનાં ચરણો પકડી લીધાં ને પછી આંસુ વહાવતા-વહાવતા બોલવા લાગ્યા: “બાબા, મેં સ્પષ્ટ રીતે જોયું કે તમે આ બાજુ આવી રહ્યા હતા, ત્યારે તમે મંદિરનાં મા હતા અને તમે પેલી બાજુ જવા લાગ્યા ત્યારે તો મેં સાક્ષાત્ મહાદેવને જોયા. પહેલાં તો મેં વિચાર્યું કે આ મારી દૃષ્ટિનો ભ્રમ છે. પણ પછી મેં આંખો ચોળીને ફરીથી જોયું તો પણ એ જ દૃશ્ય દેખાયું. કહો, શું આ કોઈ ભ્રમ હોઈ શકે? તમે એ જ છો, બાબા, તમે એ જ સાક્ષાત્ શિવ અને જગદંબા!” પછી શ્રીરામકૃષ્ણે ઘણો પ્રયત્ન કરીને એમને શાંત કર્યા પણ મથુરબાબુને ખાતરી થઈ ગઈ કે એમના ઈષ્ટદેવ અને શ્રીરામકૃષ્ણ ભિન્ન નથી. આ વિષે શ્રીરામકૃષ્ણે પાછળથી શિષ્યોને જણાવ્યું હતું કે “મથુરની જન્મકુંડળીમાં લખ્યું હતું કે આ ઈષ્ટદેવની કૃપાદૃષ્ટિ બરાબર એના ઉપર રહેશે અને શરીર ધારણ કરીને સાથે-સાથે તેઓ એની રક્ષા કરતા રહેશે.”

શ્રીરામકૃષ્ણની આધ્યાત્મિક સાધના જેમ-જેમ વધતી ગઈ અને તેમનો દિવ્યપ્રકાશ વધુને વધુ પ્રગટવા લાગ્યો, તેમ-તેમ મથુરબાબુનાં પણ વૈભવ, મહત્તા, ઐશ્વર્ય વધવા લાગ્યાં હતાં.

પણ હવે તેઓ જાણતા હતા કે આ દિવ્ય પુરુષના સાંનિધ્યથી જ આ બધું વધી રહ્યું છે. પોતાની સઘળી શક્તિ, આ લોક અને પરલોકનું પાથેય અને સાંસારિક ઉન્નતિ ને સફળતાનું કારણ શ્રીરામકૃષ્ણની કૃપાદૃષ્ટિ જ છે. તેમણે એકવાર હૃદયને કહ્યું હતું: “હૃદય, મારી પત્ની, બાળકી, સંપત્તિ, પદ, બધું જ મિથ્યા છે. એક માત્ર શ્રીરામકૃષ્ણ જ સત્ય છે.”

મથુરબાબુએ પોતાને લાધેલા આ સત્યને જીવનભર સેવ્યા કર્યું. પોતાના આ લોક અને પરલોકને સાર્થક કર્યા. એમનામાં થોડી ભોગવાસના રહી ગયેલી એટલે શ્રીરામકૃષ્ણે એમના વિષે પાછળથી શિષ્યોને જણાવ્યું હતું કે ક્યાંક રાજાને ઘરે અવતાર લીધો હશે. આમ શ્રીરામકૃષ્ણની સેવાનું ફળ તો જન્માંતરો સુધી મળતું રહે છે. તે વખતે શ્રીરામકૃષ્ણને મધુરભાવની સાધના કરવાની ઈચ્છા જાગી. એ સાધના માટેની તમામ સામગ્રી મથુરબાબુએ તેમના માટે મગાવી આપી. બનારસથી ખાસ રેશમની સાડી મગાવી. એમના માપનાં અન્ય વસ્ત્રો સીવડાવી આપ્યાં. સોનાનાં ઘરેણાં ઘડાવી આપ્યાં. આ સાધના લગભગ છ મહિના સુધી ચાલી, તે સમયે લોકો એમની આ સાધના વિષે જાતજાતની વાતો પણ કરતા હતા. પણ મથુરબાબુ શ્રીરામકૃષ્ણની સાધનાને જાણતા હતા. આથી એમની સાધનામાં બિલકુલ વિક્ષેપ ન આવે એ માટે તેમણે સજાગ ચોકીદારી પણ કરી હતી. શ્રીરામકૃષ્ણને સ્ત્રીવેશમાં તેઓ પોતાના અંત:પુરમાં લઈ ગયા હતા. ત્યાં શ્રીરામકૃષ્ણ બધી સ્ત્રીઓમાં એવા ભળી ગયા કે કોઈ એમને ઓળખી શક્યું નહિ. તેમણે હૃદયને બોલાવીને કહ્યું : “આમાંથી તમારા મામાને ઓળખી કાઢો.” શ્રીરામકૃષ્ણની સાથે રાતદિવસ રહેનારો એમનો ભાણેજ હૃદય પણ સ્ત્રીઓની વચ્ચે રહેલા શ્રીરામકૃષ્ણને શોધી શક્યો નહીં. ખુદ મથુરબાબુ પણ એકવાર તેમને ઓળખી શક્યા ન હતા. ત્યારે મથુરબાબુના પત્નીએ શ્રીરામકૃષ્ણને સ્ત્રીવેશમાં સુંદર શણગાર સજાવીને માની આરતી સમયે ચામર ઢોળવા ઊભા કરી દીધા હતા. એ અજાણી તેજસ્વી સ્ત્રી કોણ હશે? એમ મથુરબાબુ વિચારી રહ્યા. પછી એ વિષે એમણે પત્નીને પૂછ્યું પણ ખરું. જ્યારે જાણ્યું કે એ તો ‘બાબા’ હતા, ત્યારે એમને થયું કે ‘બાબા’ જે ભાવની સાધના કરે છે, એ સ્વરૂપ જ તેઓ બની રહે છે. એવું જ શ્રીરામકૃષ્ણ ઈસ્લામ ધર્મની સાધના કરતા હતા, ત્યારે પણ બન્યું હતું. આ સાધના માટેની પણ તમામ સગવડ મથુરબાબુએ કરી આપી હતી. એટલે સુધી કે તેમણે બ્રાહ્મણ રસોયાને મુસ્લિમ રસોયા પાસે ઈસ્લામ ધર્મને અનુરૂપ ખોરાક કેવી રીતે રાંધવો તેની જાણકારી મેળવવા મોકલ્યો હતો! આમ શ્રીરામકૃષ્ણની વિવિધ ધર્મોની સાધના પાછળ મથુરબાબુ અડગપણે ઊભેલા હતા, મા જગદંબાના કુબેરભંડારી ને જાગૃત ચોકીદાર! જ્યારે-જ્યારે જે-જે વસ્તુઓની શ્રીરામકૃષ્ણને પોતાની સાધના માટે જરૂર હતી, તે સઘળી મથુરબાબુએ પૂરી પાડી હતી.

શ્રીરામકૃષ્ણની ઇચ્છાની પૂર્તિ કરવા જતાં ઘણીવાર એમને દુન્યવી દૃષ્ટિએ મુશ્કેલીમાં પણ મૂકાવું પડતું. પણ શ્રીરામકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને શ્રદ્ધા ભક્તિ એમની મુશ્કેલીઓને ય આનંદમાં પરિવર્તિત કરી દેતાં હતાં. એક વખત શ્રીરામકૃષ્ણ મથુરબાબુને કહ્યું: “પૂલની પાસે બાગ બજારમાં રહેતો દીના મુખરજી ભક્ત છે, ઘણો સજ્જન માણસ છે. તમે મને ત્યાં લઈ જાઓ.” શ્રીરામકૃષ્ણનો આગ્રહ જોઈને મથુરબાબુ પોતાની બગીમાં તેમને ત્યાં લઈ ગયા. બગીમાં આટલા મોટા માણસોને પોતાને ત્યાં આવેલા જોઈને ઘરનાં માણસો તો હાંફળા-ફાફળાં થઈ ગયાં. તેમની બધાની આવી સ્થિતિ જોઈને મથુરબાબુને પણ થયું કે અહીં ક્યાં આવ્યા? ને વળી તે દિવસે દીનાના દીકરાના યજ્ઞોપવીતનો પ્રસંગ હતો. એક તો સાવ નાનું ઘર અને એમાં ખીચોખીચ માણસો! એમાં આવડા મોટા માણસોને બેસાડવા ક્યાં? બાજુના ઓરડામાં મધુરબાબુ શ્રીરામકૃષ્ણને લઈ જતા હતા ત્યાં તો કોઈ મોટેથી બોલ્યું, “એ, ત્યાં ન જાશો ત્યાં તો સ્ત્રીઓ બેઠેલી છે!” ત્યારે મથુરબાબુ એટલી મૂંઝવણમાં મૂકાઈ ગયા. પછી ઘરે આવતાં એમણે શ્રીરામકૃષ્ણને કહ્યું: “બાબા, હવે હું તમારું નહીં સાંભળું.” પણ તેઓ જાણતા હતા કે આ તો ખાલી બોલવા ખાતર બોલાયેલા શબ્દો છે. શ્રીરામકૃષ્ણની ઇચ્છા આગળ પોતે ઓછા દૃઢ રહી શકવાના હતા?

બીજી વખત કશ્રીરામકૃષ્ણ મથુરબાબુને કહ્યું: “બ્રહ્મસમાજના નેતા દેવેન્દ્રનાથ ટાગોર ઘણી ઉપાસના કરે છે. મારે એમને મળવું છે.” ત્યારે મથુરબાબુએ કહ્યું: “તેઓ તો કૉલેજકાળના મારા સહાધ્યાયી છે. ત્યાં આપને જરૂર લઈ જઈશ.” થોડા દિવસો બાદ તેઓ શ્રીરામકૃષ્ણને દેવેન્દ્રનાથના જોડા સાંકોના બંગલામાં લઈ ગયા. દેવેન્દ્રનાથે તેમનો સ્નેહપૂર્વક સત્કાર કર્યો. પછી બંને વચ્ચે ઘણી આધ્યાત્મિક બાબતોની ચર્ચા થઈ. દેવેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણની આધ્યાત્મિકતાથી ઘણા પ્રભાવિત થયા અને તેમણે થોડા દિવસ પછી બ્રહ્મસમાજનો વાર્ષિકોત્સવ યોજાવાનો હતો તેમાં આવવા માટે ખાસ આમંત્રણ આપ્યું. પણ સાથે એમ પણ કહ્યું: “જ્યારે આપ સભામાં આવો ત્યારે સારું ધોતિયું અને ઉપર પણ વસ્ત્ર પહેરીને આવજો. આવા અસ્તવ્યસ્ત વેષે લોકો આપની ટીકા કરશે તો મને ખૂબ દુ:ખ થશે.” આ સાંભળીને તુરત જ શ્રીરામકૃષ્ણ બોલી ઊઠ્યા: “એ સાહેબ લોકની જેમ ઠાઠથી કપડાં પહેરવાનું મને નહીં ફાવે” અને એમણે એવી રીતે આ વાત કરી કે બધા ખડખડાટ હસી પડ્યા. પછી બીજે જ દિવસે મથુરબાબુને દેવેન્દ્રનાથનો પત્ર મળ્યો. જેમાં શ્રીરામકૃષ્ણને આપેલું આમંત્રણ તેમણે રદ કર્યું હતું. શ્રીરામકૃષ્ણનું તો જગત જ જુદું હતું. માનવીના મનની સામાન્ય ભૂમિકા પર તો તેઓ રહેતા જ ન હતા, તો પછી મનના શિષ્ટાચારો ને આચારસંહિતા એમને ક્યાંથી લાગુ પડી શકે? પણ છતાં જ્યારે એમને મનુષ્યોની વચ્ચે રહેવાનું થતું, ત્યારે મથુરબાબુની સજાગ દૃષ્ટિ એમની ચોતરફ છવાઈ રહેતી.

તે વખતે પાણીહાટીના મહોત્સવમાં જવાની શ્રીરામકૃષ્ણે ઇચ્છા વ્યક્ત કરી. મથુરબાબુ જાણતા હતા કે ત્યાં ભાતભાતના લોકો આવશે અને તેઓ કંઈ શ્રીરામકૃષ્ણની ભાવાવસ્થાને સમજી શકશે નહીં અને એથી એમની મશ્કરી કરશે. એટલે આ ઉત્સવમાં જવા જેવું નથી. પણ શ્રીરામકૃષ્ણની ખૂબ જ ઇચ્છા હતી એટલે એમણે તેમના જવાની સઘળી વ્યવસ્થા કરાવી આપી. સાથે રક્ષકો અને ચોકીદારો પણ મોકલ્યા. પણ છતાં ય તેમને એટલાથી સંતોષ ન થયો એટલે તેઓ ખુદ વેશ પલટો કરીને શ્રીરામકૃષ્ણનું રક્ષણ કરવા માટે ત્યાં પહોંચી ગયા!

આ શ્રીરામકૃષ્ણના જીવનનો સાધનાકાળ હતો. ત્યારે હજુ તેમના ત્યાગી પુત્રોનું આગમન થયું ન હતું. વળી લોકો શ્રીરામકૃષ્ણને હજુ ઓળખી પણ શક્યા ન હતા. કેટલાય લોકો તો એમને પાગલ સમજતા હતા. ત્યારે મથુરબાબુ એક જ એવી વ્યક્તિ હતી કે જેમણે શ્રીરામકૃષ્ણને પૂરેપૂરા ઓળખ્યા હતા. એટલું જ નહીં પણ પોતે એમના આશ્રયદાતા હોવા છતાં તેઓ શ્રીરામકૃષ્ણના પદાશ્રિત બની રહ્યા હતા. શ્રીરામકૃષ્ણના પૂર્વકાળમાં, તેમની સઘળી સાધનાની ઉપલબ્ધિ પાછળ મથુરબાબુની અતૂટ શ્રદ્ધા અને ભક્તિનો ફાળો પણ રહેલો છે. મથુરબાબુની અનન્ય સેવાનો એ ચૌદ વર્ષનો કાળ શ્રીરામકૃષ્ણની સાધના માટે નોંધપાત્ર બની રહ્યો છે. ખુદ શ્રીરામકૃષ્ણ પણ એમની આ અનન્ય સેવાભાવનાનો ઉલ્લેખ પાછળથી શિખો સાથેના વાર્તાલાપમાં ઘણીવાર કર્યો હતો. જયારે મા શારદામણિ પ્રથમવાર દક્ષિણેશ્વર આવ્યાં ત્યારે શ્રીરામકૃષ્ણે એમને કહ્યું હતું, “તમે આટલાં મોડાં કેમ આવ્યાં? શું હવે મારી મથુર છે કે તમારી સંભાળ લેશે?” શ્રીરામકૃષ્ણ ને મથુરબાબુની કાળજીભરી સંભાળમાં કેટલો વિશ્વાસ હતો, તે આ દ્વારા જાણી શકાય છે.

મથુરબાબુની કાળજીભરી સંભાળ હતી એટલે તો શ્રીરામકૃષ્ણ તેમની સાથે તીર્થયાત્રાએ પણ ગયા હતા. તીર્થયાત્રા માટે મથુરબાબુએ ત્રીજા વર્ગના ત્રણ ડબ્બા અને પ્રથમ વર્ગનો એક એમ કુલ ચાર ડબ્બા રેલવેમાં આરક્ષિત કરાવ્યા હતા. લગભગ સૌ માણસોનો સંઘ હતો. સહુ પ્રથમ તેઓ વૈદ્યનાથમાં રોકાયા અને ત્યાં ભગવાન શિવની પૂજા કરી. ત્યાં દેવઘરના એક દરિદ્ર કસ્બાના લોકોને જોઈને શ્રીરામકૃષ્ણનું હૃદય દ્રવી ગયું. “તમે તો મા જગદંબાના કારભારી છો. આ બધાંને ખૂબ જમાડો. તેમને પહેરવાને વસ્ત્ર આપો અને માથામાં નાખવાનું તેલ આપો.” આ સાંભળીને મથુરબાબુએ કહ્યું: “પણ બાબા, આપણે તીર્થયાત્રાએ નીકળ્યા છીએ અને તેમાં ખૂબ ખર્ચ થશે. અત્યારે આપણને આવો ખર્ચ કરવો પોષાય નહીં. એકાદ બે લોકો હોય તો ઠીક છે, હમણાં આપી દઉં પણ આ તો આખા ગામને આપવાની વાત છે.” “એ હું કંઈ ન જાણું. આ ગરીબ લોકોને પહેલાં સંતુષ્ટ કર.” કહીને શ્રીરામકૃષ્ણ તો રડવા લાગ્યા અને પછી બોલ્યા, “ત્યારે તું જા. તારી કાશી. હું નહીં આવું.” એમ કહીને તેઓ તો એ દુ:ખીજનોની વચ્ચે જઈને બેસી ગયા. શ્રીરામકૃષ્ણની દરિદ્રો પ્રત્યેની આ અપાર કરુણા જોઈને મથુરબાબુ પણ પછી પીંગળી ગયા. પછી એમણે ત્યારે જ કલકત્તા માણસ મોકલ્યો ને ત્યાંથી કાપડાની ગાંસડીઓ અને વસ્તુઓ મંગાવી શ્રીરામકૃષ્ણની ઇચ્છા પ્રમાણે સર્વને વહેંચી આપી. ત્યારે જ શ્રીરામકૃષ્ણ સંતુષ્ટ થયા અને તેમની સાથે યાત્રાએ આગળ જવા નીકળ્યા.

વારાણસીમાં મથુરબાબુએ કેદારઘાટની પાસે બે મકાન ભાડે લીધાં હતાં. આમ તો સ્વભાવે તેઓ કંજુસ હતા. પણ શ્રીરામકૃષ્ણના કહેવાથી અહીં કાશીમાં તેમણે છુટ્ટે હાથે દાન કર્યું હતું. તેમના આવા દાનથી, તેમ જ તેઓ જ્યારે બહાર જતા ત્યારે તેમના મસ્તક પર એક ચાંદીનું છત્ર ધરીને માણસ ચાલતો અને આગળ પાછળ રક્ષકો ચાલતા, આથી લોકો એમને મોટા મહારાજા માનતા હતા. આ તીર્થક્ષેત્રમાં એમણે સર્વને મોં માંગ્યું આપ્યું. એમને શ્રીરામકૃષ્ણને પણ કશુંક આપવાની ઇચ્છા હતી એટલે તેમણે કહ્યું; “બાબા, આપને શું આપું?” “મારી પાસે તો બધું જ છે. મારે કંઈ નથી જોઈતું.” “પણ બાબા, મારા ઉપર કૃપા કરો. આપ કશુંક સ્વીકારશો તો મારી તીર્થયાત્રા સફળ થશે.” મથુરબાબુની આવી આજીજીભરી વિનંતીથી શ્રીરામકૃષ્ણે એમની પાસે એક કમંડળ માગ્યું. શ્રીરામકૃષ્ણનો આવો ત્યાગ જોઈને મથુરબાબુ રડી પડ્યા. તીર્થયાત્રામાં શ્રીરામકૃષ્ણને અગવડ ન પડે તે માટે મથુરબાબુએ શ્રીરામકૃષ્ણ માટે પાલખીની વ્યવસ્થા કરાવી આપી હતી. કાશી, પ્રયાગ અને વૃંદાવનની યાત્રા કરી શ્રીરામકૃષ્ણ મથુરબાબુ સાથે પાછા દક્ષિણેશ્વર આવી ગયા ત્યારે તેમણે વૃંદાવનથી લાવેલી રજને પંચવટીની આસપાસ વેરી દીધી. તેમજ બાકી વધેલી રજને પોતાની સાધના કુટિરમાં ભંડારી દીધી અને કહ્યું: “આજથી આ સ્થળ વૃંદાવનની દેવભૂમિ સમાન પવિત્ર બની ગયું છે.” એ પછી શ્રીરામકૃષ્ણની ઇચ્છાથી મથુરબાબુએ પંચવટીમાં જુદાજુદા સ્થળના વૈષ્ણવ ગોસ્વામીઓ અને ભક્તોને નિમંત્રીને મહોત્સવ કર્યો.

(ક્રમશ:)

Total Views: 77

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.