(ગતાંકથી આગળ)
ઘૃણાનો નાશ
સામાજિક તેમજ સાંસ્કૃતિક દૃષ્ટિએ પછાત જાતિઓના ક્રાંતિકારી નેતાઓ પોતાના ઘૃણાભાવને એનાથી આત્મધારણાને બળ મળશે એ આધાર પર ન્યાયોચિત ગણાવે છે, એ દુ:ખની વાત છે. આ એક ભયંકર દોષનું વિચિત્ર સમર્થન છે. જો મનુષ્યે પોતાના ક્ષેત્રમાં ઉન્નતિ સાધીને સફળતાના શિખર સર કરવાના હોય તો તેણે સાચા હૃદયનો પરિશ્રમ કરવો જોઈએ. પ્રગતિ નિ:સંદેહ ધીમી ગતિએ થાય છે.
ઉપર્યુક્ત નેતાઓનો એવો તર્ક છે કે જો દલિતો પોતાના શોષકની વિરુદ્ધ ઉગ્ર અને હિંસક આંદોલન સિવાય ગાંધીજીનો સત્યાગ્રહ અપનાવે તો તેઓ વિકલાંગ અને અપંગ જ બની રહેવાના. તેઓ ઉચ્ચ જાતિનાં સાંસ્કૃતિક મૂલ્યોને નકારીને – અવગણીને દલિતોની આત્મશ્રદ્ધાને સબળ બનાવવાનો દાવો કરે છે. આ રીતે આ નેતાઓ પોતાના સંગાથીઓને પથભ્રષ્ટ કરી રહ્યા છે. બહુ સંખ્યક ગોરા લોકોની સભામાં એક હબસી લેખકે કહ્યું હતું: ‘પાઉન્ડ અને ઇલિયટ જેવા મહાન કવિઓની સુંદર રચનાશૈલીના આધારે અમારા માટે એમના પ્રત્યે આદરભાવ રાખવાનું કયું પરિણામ આવશે એની આપ સૌને જાણ છે ખરી? એ બાબત અમારા માટે અપમાનજનક છે, કારણ કે અત્યાર સુધી તેઓ જે કોઈ સાંસ્કૃતિક ભાવ આપી રહ્યા છે તેનો અર્થ તો એ થાય છે કે અમારા જેવા લોકોએ ગુલામ જ રહેવું જોઈએ. આની પાછળ રંગભેદનો ભાવ છે. એમની રચનાશૈલીના આધારે એમને પસંદ કરીને હું મારું પોતાનું જ અપમાન કરીશ. એટલે હું ઉપર્યુક્ત સાહિત્ય પરંપરાનો પૂર્ણપણે અસ્વીકાર કરું છું.’
જે જ્ઞાન આત્મવિશ્વાસ તથા આશા બંધાવીને મનુષ્યને પશુકક્ષાએથી ઉપર ઉઠાવીને એક સન્માનીત માનવના સ્તર સુધી પહોંચાડી દે છે, એવા જ્ઞાનક્ષેત્રમાં શોષિત કે દલિત વર્ગના લોકોને અત્યાર સુધી પ્રવેશવાનો અધિકાર મળ્યો ન હતો. સત્ય તો એ છે કે આ જ્ઞાનના સંરક્ષકોએ એનો દુરુપયોગ કર્યો અને પોતાનાં કમનસીબ ભાઈઓને એમાં ભાગીદાર ન બનાવીને એમની સેવા મેળવવાનો એક મહાન અવસર પણ ગુમાવી દીધો છે. પરંતુ હવે આવા લોકોની મનોવૃત્તિમાં ઘણું પરિવર્તન આવી ગયું અને એ ઉદાત્ત મનનાં બારણાં બધાને માટે ઉન્મુક્ત બન્યાં છે. અત્યારે બધા લોકો એનો લાભ ઉઠાવી શકે છે, પરંતુ એ નેતાઓ જો આવું વિચારે ‘આ બધા આપણા પર સદીઓ સુધી શાસન કરનારાના વિચારો છો, અત: એમને અપનાવવા આપણા માટે અપમાનજનક છે’ તો આ ‘વિદ્રોહ’ભાવથી અંતે તો નુકશાન કોનું થવાનું છે? એ વાત સાચી છે કે આ નેતાઓનાં મન દબાયેલી અવ્યક્ત ભાવનાઓ અને વેદનાઓથી પરિપૂર્ણ છે, પરંતુ આ ભાવનાઓ ઘૃણા તેમજ ક્રોધની અભિવ્યક્તિ માટે જવાબદાર પણ છે. આ નેતાઓની ઘૃણાઓનો શિકાર કેવળ અત્યાચારી જ નહિ પણ એમના પોતાના નિર્દોષ અનુયાયીઓ પણ બને છે. એનું કારણ એ છે કે આ ભાવને કારણે જ તેઓ ઉત્કૃષ્ટ વિચારધારાઓથી વંચિત રહી જાય છે.
આ મનોવૃત્તિના મૂળકારણની શોધ માટે કોઈ મનોવિશ્લેષકની આવશ્યકતા નથી. આ તો એમના દ્વારા સતત અનુભવાયેલ નિરાશા, અપમાન અને ઘૃણાની પ્રતિક્રિયા છે. સંસારની રીતિઓથી પરિચિત એક સર્વસાધારણ વ્યક્તિ પણ એને સમજી શકે તેમ છે. અત: શતાબ્દિઓથી ગોરા લોકોના ગુલામ રહેવાને કારણે હબસીઓના નેતા પોતાના અનુયાયીઓને ગોરા લોકો દ્વારા શોધાયેલ ઔષધિઓ, યંત્રો, ઉપકરણો તથા ધર્મચર્ચા વગેરે સાથે ઘૃણા કે તિરસ્કાર રાખવા લાચાર બનાવી દીધા છે. આ અસંતોષ ગોરા લોકોની ઉપલબ્ધિઓ પ્રત્યે અભાવાત્મક દૃષ્ટિકોણના રૂપે વિકસિત થઈ શકે છે. આ ઘૃણા એ નેતાને પ્રસિદ્ધ બનાવે છે, પરંતુ શું એ ઘૃણા એના દીનહીન અનુયાયીઓની સહાયતા પણ કરી શકે છે ખરી?
ઘૃણાની ભયાનક જ્વાલાના પરિણામ રૂપે થનારા હૃદયવિદારક પરિણામોને દર્શાવતી એક ઘટના આવી છે: એક દંપતીને બે સંતાનો હતાં. એમાંથી મોટો પુત્ર અને નાની પુત્રી હતી. છોકરો દસ વર્ષનો થયો પણ પોતાની પથારીમાં પેશાબ કરી લેતો. એનો ઈલાજ કરાવવા છતાંય કંઈ ફેરફાર ન થયો. માતપિતા ચિંતિત હતાં. છોકરી બુદ્ધિશાળી, ભણવામાં તેજસ્વી અને કાર્યદક્ષ હતી. જાણ્યે અજાણ્યે માતપિતાને પુત્ર પ્રત્યે નિરાશા અને ઘૃણા ઉદ્ભવ્યાં. છોકરામાં હીનભાવના તો હતી જ. ભણવામાં એ પાછળ પડવા લાગ્યો. તે શેરી ગલીના છોકરાઓનો સંગ કરીને એમની સાથે આવારાપણું કરવા લાગ્યો. હવે માબાપની ચિંતા ઘણી વધી ગઈ. એમણે એને ઘણો સમજાવ્યો, પટાવ્યો, મોટા વડીલો પાસેથી સલાહ-શિખામણ અપાવી અને એના પર બળપ્રયોગ પણ કર્યો. પરંતુ અંતે બધા પ્રયાસો અસફળ જતાં તેઓ ‘આ દુષ્ટને ખુદ બ્રહ્માજી પણ સુધારી ન શકે’ આમ કહીને એને સંભળાવવા લાગ્યા. એક દિવસ જ્યારે આ પુત્રની માતા તેની સમક્ષ તેની બહેનના ગુણોનું વર્ણન કરતાં કરતાં વારંવાર એના દોષનો ઉલ્લેખ કરવા લાગી એટલે એ એકાએક ક્રોધાવેશમાં આવી ગયો અને પોતાનું સંયમ ગુમાવી બેઠો. પછી ‘પોતાની બહેનને મારી નાખશે’ એમ બરાડા પાડીને કહેવા લાગ્યો. બાપને લાગ્યું કે દીકરો ગાંડો થઈ ગયો છે. એટલે એને પાગલખાનામાં દાખલ કરી દીધો. છોકરાની પરિસ્થિતિ વધારે બગડી ગઈ. છ મહિના પછી તે ઘરે પાછો ફર્યો ત્યારે એક અનુભવી વૃદ્ધે તેના માતપિતાને આટલી સલાહ આપી: ‘આને સુધારવા માટે ખોટી ઉતાવળ ન કરો. એના પ્રત્યે ક્રોધ અને અધીરતા ન રાખો. ભલે એના દોષો જાણતા હો છતાં પણ એના પર ધ્યાન ન દો. એમાં કંઈ સારું દેખાય તો એની પ્રશંસા કરો. પોતાના આટલા દોષો હોવા છતાં પણ તે તમારો પોતાનો જ છે, એવું એને લાગવું જોઈએ. એની પોતાની પસંદગીના ક્ષેત્રમાં એ સફળ થાય એવી રીતે એને મદદ કરવી. એને કોઈ પણ પ્રકારની સફળતા મળે કે તરત એની પ્રશંસા કરજો. પોતાની જાતને સુધારવાની એની પોતાની ક્ષમતામાં તમે પોતે પૂર્ણ વિશ્વાસ રાખો. ક્યારેય એના અવગુણો અને બહેનના સદ્ગુણોની તુલના ન કરતા.’
જેમ એક દલિત અને એના પર અત્યાચાર વચ્ચે હોય છે એવા આપણે આગળ કહેલા સંબંધની ઝલક શું અહીં નથી મળી રહેતી? એમાં માતપિતા અને પુત્રની વચ્ચે પરસ્પરનો સંદેહ, અરસપરસના ઘૃણા અને તિરસ્કાર જ એમની વચ્ચેનાં સંઘર્ષનું કારણ હતાં. બાળકે પોતાની બહેન પ્રત્યે જે ઘૃણાભાવ પાળ્યો પોષ્યો એને શું આપણે સ્વસ્થ પ્રકારની મનોવૃત્તિ કહીશું? શું આ એક પ્રકારની મનોવિકૃતિ નથી?
પ્રેમનો પડઘો
આપણામાંથી એવા સેંકડો શુદ્ધાચારવાદી લોકો છે કે જે ભૂલ કરનારા કે સન્માર્ગમાંથી વિચલિત થનારાને ખોટા ખરાબ કહીને તેમનું અપમાન કરતા રહે છે. પણ એમનાં આત્મશ્રદ્ધા અને સ્વાભિમાન પર ઘા કર્યા વિના પ્રેમ અને ધૈર્યપૂર્વક એમનાં દોષ બતાવીને એમને સાચા માર્ગ પર લાવવાની ક્ષમતાવાળા આપણામાંથી કેટલા છે? આપણા શિક્ષકો તથા અભિભાવકોમાંથી કેટલા આવી જાતની એમને સહાય કરી શકે છે? બાળકોની ભૂલ થઈ જાય એટલે એમનાં માતપિતા ક્રોધિત બનીને ‘એવું ન કર’ બસ, આટલું જ કહીને પોતાના કર્તવ્યની ઇતિશ્રી માની લે છે. આટલું કહેવાથી જ એમની જવાબદારી પૂરી થઈ જાય છે. એવા અનેક લોકો હોય છે કે જે કોઈ બીજાના થોડાઘણા લપસવા-પડવાથી એને વધુને વધુ નીચે ધકેલી દે છે અને કટાક્ષ-કટૂક્તિઓ દ્વારા એને દબાવી રાખે છે. પોતાની કૃત્રિમ સહાનુભૂતિ સાથે તેઓ આમ કહે છે: ‘અરે, કેટલું બધું ખરાબ થયું!’ ખેર, એમના આ ભાવ માટે એમને દોષ દેવાથી કોઈ લાભ થવાનો નથી. આવું એવા લોકો પોતાની આદતને લીધે કરતા હોય છે. આજની નિર્દય સાસુ પણ ક્યારેક વહુ હતી અને એણે પણ પોતાની સાસુના કેટલાક અત્યાચારો સહન કર્યા હશે. આમ હોવા છતાં પણ એ જ સાસુ પોતાની નવી વહુ સામે પોતાનાં તીર તાકતી રહે છે. છાત્રાલયના જૂના વિદ્યાર્થીઓ નવા વિદ્યાર્થી રૂપે વેઠેલી પોતાની યાતનાઓને યાદ રાખે છે અને એનો બદલો તેઓ નવા વિદ્યાર્થીઓ પાસેથી લે છે. કોઈ પણ શિક્ષક પોતાના વિદ્યાર્થી જીવનમાં સોટીથી વીંઝાવાનું પસંદ નહિ કરતો હોય પણ એને ભૂલી જઈને તે આ પાશવિક પરંપરાને જાળવી રાખે છે. સિદ્ધાંતના રૂપે તો બધા શિક્ષકો ધૈર્ય અને પ્રેમને જ પોતાનાં સર્વોત્તમ સાધન ગણે છે. પરંતુ દુ:ખની વાત એ છે કે તેઓ એમનો પ્રયોગ કરતા નથી. મોટા પ્રત્યે વિનય અને નાના પ્રત્યે અહંકાર, તિરસ્કાર રાખવાની કે બતાવવાની માનસિકતા પ્રાય: જે લોકો સુદીર્ઘકાળ સુધી જમીનદારી પ્રથા કે પરાધીનતામાં રહ્યા હોય એવા સમાજોમાં જોવા મળે છે.
ભારતમાંથી પાછા ફર્યા પછી એક પશ્ચિમના પ્રવાસીએ પોતાના અનુભવને આ શબ્દોમાં વર્ણવ્યો હતો: ‘મેં ભારતમાં સર્વત્ર જોયું કે લોકો બીજા વ્યક્તિ સાથે ભાતૃભાવના અને સમાનતાના ભાવથી હળતા-મળતા નથી. એનાથી ઊલટું તેઓ એમના પદ કે સ્થાનની ઉચ્ચતા કે નિમ્નતાને જોઈને તે પ્રમાણે તેમની સાથે વ્યવહાર કરે છે.’ આમ જોઈએ તો આજના સામાજિક સાંસ્કૃતિક શૈક્ષણિક પરિવેશમાં જીવનના હરેક ક્ષેત્રમાં સમતાનું આચરણ સંભવ નથી. એવું પણ જોવામાં આવે છે કે આપણા બુદ્ધિજીવી સમતાવાદી ક્રાંતિકારીઓ પણ પોતાના અનુયાયીઓ સાથે એક શાસક અને શ્રમિકનો સંબંધ રાખવા ઇચ્છે છે. વ્યાવહારિક કાર્યોનો અનુભવ ન ધરાવનારા આપણા અનેક બુદ્ધિજીવી લોકો પણ આવા જ કાર્યોમાં કે જ્યાં સલાહ-સૂચના, સહયોગ અને જવાબદારીમાં વહેંચણીની આવશ્યકતા છે ત્યાં એવી મનોવૃત્તિ અપનાવવાથી થનારી હાનિને સમજતા નથી. જો એ આ હાનિને સમજી જાય તો પણ તેને ક્રિયાન્વિત કરવા માટે જે યોગ્ય છે અને એવું કરવા તેઓ ઇચ્છે તો પણ એવું કાર્ય કરવામાં એમનામાં પૂરતું મનોબળ નથી હોતું.
મારા સુપરિચિત એક સજ્જન એક કાર્યલયના મુખ્ય અધિકારી હતા. તેઓ ઘણી ભાવના અને ભાવુકતા સાથે સમાજ-સુધારણા અને જાતિભેદને દૂર કરવાની વાતો કરતા. મને એવું લાગતું કે તેઓ આ વિષયો પર ચર્ચા તો ઘણી સારી કરે છે પરંતુ પોતાના કાર્યસ્થળમાં પણ એ બાબતોને કાર્યાન્વિત કરી ન હતી. મેં એમને પૂછ્યું: ‘શું આપે ક્યારેય તમારા કાર્યાલયમાં બધા કર્મચારીઓની સભા બોલાવી છે?’ એ કાર્યાલયમાં પ્રત્યેક પદ સાથે જોડાયેલ પ્રતિષ્ઠા સાચી ભાતૃભાવનાના ભાવ સાથે એકબીજા સાથે હળવા-મળવામાં બાધક બની જતી હતી. ત્યાં પરસ્પર પ્રેમ, વિશ્વાસ તથા સહયોગ પર આધારિત એક પરિવાર જેવા સંબંધોનો પૂર્ણપણે અભાવ હતો. જુદા જુદા વિભાગના મુખ્ય અધિકારીઓ પરસ્પર મળી લેતા અને પોતાને અધિન રહેલા કર્મચારીઓ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન રાખતા.
કેવળ પીડિતોને જ નહિ પણ પીડિતો પર અત્યાચાર કરનારાને પણ શિક્ષણ અને તાલીમની આવશ્યકતા છે. સમાજના કેવળ સાધારણ લોકોને જ નહિ, નેતાઓને પણ; તેમજ નિરક્ષરોને નહિ, ભણેલા-ગણેલાને પણ શિક્ષણ-પ્રશિક્ષણની આવશ્યકતા છે.
એક અત્યંત સમૃદ્ધ જમીનદારના મોટા ભવનના એક ખૂણામાં એક ભૂખી બિલાડી બિચારી-બાપડી થઈને બેઠી હતી. એને ભૂખ લાગી હતી, પણ જ્યાં જ્યાં એ ખાવા ગઈ ત્યાંથી એને તગડી મૂકી. ભય અને નિરાશાથી ઘેરાઈને તે આવી રીતે એક ખૂણામાં આવીને બેસી ગઈ. પણ એ ઘરનાં બાળકો પશુપક્ષીઓ પ્રત્યે દયા અને પ્રેમ રાખીને ખવડાવ્યા કરતાં. એ બાળકો આ બિલાડીની દશા જોઈને એના પર દયા રાખી ભોજન લઈને એની પાસે ગયા. પણ પેલી બિલાડી હલીચલી નહિ. પોતે ભૂખી હતી પણ એણે ખાવાના પદાર્થોનો સ્પર્શ પણ ન કર્યો. બાળકો નજીક આવ્યા એટલે ડરીને ‘મ્યાઉં, મ્યાઉં’ કરવા લાગી. છોકરાઓ તો ડરીને ઘરમાં ચાલ્યા ગયા અને પેલી બિલાડીને જોતા રહ્યા. ચારે બાજુ સાવધાનીનું વાતાવરણ જોયા પછી છોકરાએ મૂકેલું ખાવાનું બિલાડી ખાવા લાગી અને પછી ત્યાંથી ચાલી ગઈ. એ દરરોજ ત્યાં આવતી, ખૂણામાં રાહ જોતી, અને છોકરાઓ દૂધ લાવે ત્યારે ડરતાં ડરતાં જોતી અને છોકરાઓ ચાલ્યા જાય પછી દૂધ પીને ચાલી જતી. છ મહિના પછી એણે છોકરાઓને જોઈને ‘મ્યાઉં મ્યાઉં’ કરવાનું શરૂ કર્યું. એક વર્ષ સુધી બાળકોના પ્રેમ અને સદ્ભાવને જોયા પછી એ બિલાડીનું સાહસ વધ્યું. હવે એ એમની પાસે આવવા લાગી અને એમની સાથે રમવા પણ લાગી. કેવળ ક્રૂરતાપૂર્ણ વ્યવહાર સહન કરવા માટે ટેવાયેલ હોવાને લીધે શરૂઆતમાં બાળકોના પ્રેમભાવને એ બિલાડી ઓળખી ન શકી.
હે પ્રગતિશીલ લોકો, હે બુદ્ધિમાન જનો, કુશળ અને સુસંસ્કૃત સજ્જનો! પછાતને ક્ષણભર માટે વ્યક્ત થતો ખાલી બાહ્ય દેખાવનો પરોપકાર જ નહિ પરંતુ એમને વિશુદ્ધ પ્રેમની આવશ્યકતા છે.
કોણ એમના પ્રત્યે આવી સહિષ્ણુતા અને વિશુદ્ધ પ્રેમ બતાવી શકે છે? દલિત નેતાઓને જો આવી સહિષ્ણુતા અને પ્રેમ મળ્યો હોત તો, એમને આ બંનેનો અનુભવ થયો હોત તો તેઓ એ પ્રેમ અને સહિષ્ણુતાને બીજામાં વહેંચી પણ શકત. જે ચીજ કે ભાવ તમને મળ્યા નથી એ તમે બીજાને કેવી રીતે આપી શકો? શુદ્ધ નિ:સ્વાર્થ પ્રેમ પોતાની રીતે જ ઉન્નતિનો પરમ માર્ગ છે, આ વાત આપણે ભૂલવી ન જોઈએ. સમાજના ઉચ્ચવર્ણના લોકો એનો અનુભવ કરીને ભક્તિ અને નમ્રતાપૂર્વક પોતાની સંપત્તિ નિમ્નવર્ણના લોકોની સાથે મળીને એનો ઉપયોગ કરે એ જરૂરી છે.
Your Content Goes Here




